Quotes by SHILPA PARMAR...SHILU in Bitesapp read free

SHILPA PARMAR...SHILU

SHILPA PARMAR...SHILU Matrubharti Verified

@shilu.
(246)

સાંભળને, મારી બાળક જેવી વાતો સાંભળવા તું આવીશ ને...!!
સાથે ખેડેલી સફરમાં સાથ આપવા તું આવીશ ને...!!

બધા કહેતા હોય છે મને, ખૂબ સુંદર હાસ્ય છે તારું.
આ હાસ્યની પાછળ રહેલા આંસુ લુંછવા તું આવીશ ને...!!

દરિયાની લહેરો ઉછળે ને, એવું અલ્લડ વ્યક્તિત્વ હતું મારું,
મારી આંખનો દરિયો સુકાય એ જોવા તું આવીશ ને...!!

દીકરી પપ્પાના આવવાની રાહ જુએ ને, એ જ હરખથી વાટ છે તારી.
મારા એ હરખને સમાવવા તું આવીશ ને...!!

કદાચ બધું જ ગુમાવીને પણ આ શ્વાસોને ધબકતા રાખ્યા છે.
એ જ માન, સન્માન ને બિન્દાસપણું ધબકાવવા તું આવીશ ને...!!

- SHILPA PARMAR "SHILU"

Read More

વ્યક્તિ....

તમારા એકલવાયા જીવનમાં આમ અચાનક એક વ્યક્તિ આવે છે.ઘણી બધી વાર્તાઓ લઈને. એવી વાર્તાઓ જે જીવી શકાય,અનુભવી શકાય,વાંચી શકાય,લખી શકાય બસ ક્યારેક કહી ના શકાય. કારણ કે, જીવેલી ક્ષણોનું વર્ણન કરવું અઘરું હોય છે. વ્યક્તિના આવવાનો સમય નક્કી નથી હોતો, તેમ તેના જવાનો સમય પણ નક્કી નથી હોતો.અચાનક અણધારી ક્ષણે કોઈ એમ જ ઘણી બધી યાદો મુકીને ચાલ્યું જાય છે. જીવાયેલી યાદો, યાદ કરીને હસી શકાય,રડી શકાય, ફરીથી જીવી શકાય એવી યાદો...

- SHILPA PARMAR "SHILU" ✍️

Read More

એમ નહિ કહું કે મુસીબત ઘણી છે.
ઓ ખુદા, અહીં સાથ આપનારની કમી છે.

નહોતી ખબર કે સંબંધો બધા હોય છે નામમાં.
સાચું કહું, મને મારી જ ઉદારતા નડી છે.

ઘણા સવાલો હૈયે હુમલો કરી બેઠા,
અમે હા અને ના ની વચ્ચે જંગ લડી છે.

કરી ન શક્યા ફરિયાદ અમે શબ્દોથી
દોસ્ત,એની આંખોમાં જિંદગી મળી છે.

અમે આમરી ખુમારીમાં જીવતા હતા મોજથી
બ્રેક વગરની સવારીમાં સમયની ગતિ છે.

સઘળું છીનવી લેવાની છુટ છે ઈશ્વર,
મારા માથે મારી મા નો હાથ હર ઘડી છે.

- SHILPA PARMAR "SHILU"✍️

Read More

"ચાલો,આકાશને રંગીએ..."

2021 ની સામાપ્તિ બાદ 2022 નો સૌથી પહેલો તહેવાર એટલે ઉત્તરાયણ. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશે છે અને મકરસંક્રાંતિ ઉજવાય છે.ઉત્તરાયણ એટલે માત્ર મજાનો તહેવાર.કોઈ પણ ઉંમરના વ્યક્તિને ફરીથી બાળક બનવાનો અવસર આપતો તહેવાર એટલે ઉતરાયણ.કોઈ પણ ધર્મનો માણસ આનંદ લઈને ઉજવી શકે એવો તહેવાર એટલે જ ઉત્તરાયણ.આકાશને આંખોમાં સમાવાની અદ્ભૂત મોસમ એટલે ઉત્તરાયણ.

"ઉત્તરાયણની સવાર એટલે...!!" એય રે મસ્ત,નવા કપડાં ધારણ કર્યા હોય,માથે મૂખૂટ જેવી ટોપી પહેરી હોય , આંખે ચશ્માં હોય,હાથમાં દોરીથી બંધાયેલો પતંગ હોય, જોડે ફીરકી પકડવા એક ગમતું જણ હોય અને રંગીન આકાશને તાકી રેહવાની ક્ષણ હોય.આહાહા...ખરેખર, જાણે આકાશ સાથે યુદ્ધ લડવા જતા હોઈએ એવી ફીલીંગ આવે હો. મને કોઈ પૂછે કે , "તમને ઉત્તરાયણ કેમ ગમે ...??" તો હું કહું કે, "મને આ કેનવાસ જેવા આકાશમાં રંગ ભરવાની મજા આવે છે.આકાશને રંગીન પતંગની પીંછી વડે રંગવાનો અવસર એટલે જ ઉતરાયણ." મારા મતે તો ઉત્તરાયણ એટલે દરેક માણસને ચિત્રકાર બનવાની તક આપતો તહેવાર.

આ તહેવારને માણસ અને જીવન સાથે જોડીએ ને તો, જીવનને ગમગીન માનતો માણસ આછા આસમાની આકાશને પણ રંગીન કરવાની તાકાત ધરાવે છે.સાવ સરળતાથી માણસની આ જાત કુદરતને પણ શણગારી શકે છે.ખરેખર ,અદ્ભૂત છે હો આ કુદરત અને માણસનું કોમ્બીનેશન.કુદરત સાથે મિત્રતા કરવાનો આ એક અવસર છે.આખો દિવસ સૂર્યના કિરણો સાથે રમવાની એક તક છે.પોતે ઠુંમકા મારીને પણ પતંગને ચગાવવાની તક છે.સાવ સાદા આકાશ સાથે રંગીન પતંગનો મેળ પાડવાની આ તક છે.ફરથી બાળક બનવાની આ તક છે. ટૂંકમાં,મજાની અનેક તકને ઝડપી લેવાની તક એટલે જ ઉતરાયણ.

ગઝલ સમ્રાટ અંકિત ત્રિવેદી તો ઉત્તરાયણને ,"આકાશને પ્રેમપત્ર લખવાની ઋતુ કહે છે.બીજી બાજુ આપણા રમેશ પારેખ સાહેબ તો પોતાની એક કવિતામાં આભને નીચે આવવા માટે પતંગ રૂપે નિમંત્રણ આપે છે અને કહે છે કે, " નીચે આવી ચાખ ઉમળકો,ચાખ જુવાની, ચાખ લાગણી,ચાખ પ્રેમ ને ચાખ હૃદયના ભાવ,આભ, તું જરાક નીચે આવ.

દરેકને ગમતો તહેવાર છે ઉત્તરાયણ.દુઃખને ભૂલી સુખને આમંત્રણ આપતો તહેવાર છે ઉત્તરાયણ.સૌને આજનો આ તહેવાર દિલથી મુબારક.હર્ષ,ઉલ્લાસ અને આનંદ સાથે મન ભરીને આકાશને માણજો.કોરોના કાળમાં પણ મજા પેન્ડિંગ નથી.હા,થોડા ઘણા નિયમોનું પાલન આપણે સૌએ કરવાનું છે. મુખ પર માસ્ક છે પણ હાસ્ય અને મજા માટે કોઈ ગાઈડ લાઈનનું પાલન નથી કરવાનું.એક વિનંતી કે, ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરશો નહિ.આઝાદ પંછીને મૃત્યુ આપવાનો કોઈને હક નથી.

તો તૈયાર છો ને બધા પોતાના પરિવાર સાથે ધાબે ચડીને રંગીન આકાશની મહેફિલ માણવા માટે...!!

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે...

માંઝે સે લિપટી એ પતંગ જુડી જુડી જાયે...
ઉડી ઉડી જાયે,ઉડી ઉડી જાયે...
દિલકી પતંગ દેખો ઉડી ઉડી જાયે...

- SHILPA PARMAR "SHILU"✍🏻

Read More

"આપણું સત્ય..."

ઘણા માણસોને નાની નાની વાતોમાં બહાના બનાવવાની અથવા ખોટું બોલવાની આદત હોય છે.આ આદત ધીમે ધીમે જીવનનો એક ભાગ બની જાય છે. એવો ભાગ જ્યાં નજર ફેરવતા આપણને માત્ર ને માત્ર અસત્યો જ જોવા મળે છે. આપણને ખ્યાલ નથી હોતો પણ આપણે દિવસભરમાં એટલા અસત્યો બોલીએ છીએ કે એની ગણતરી કરવી અઘરી થઈ જાય છે. ઘણા લોકો એમ માનતા હોય છે કે પરિસ્થિતિ મુજબ બહાનું બનાવવું એ અસત્ય નથી પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે, "સત્યને છુપાવી રાખવું એ અસત્ય બોલવા બરાબર છે."

સત્ય એ વિશ્વાસ સાથે જોડાયેલી બાબત છે. કોઈ વ્યક્તિ જ્યારે આપણી આંખોમાં જોઈને વાત કરે છે ત્યારે એ આપણી પાસેથી સત્યની અપેક્ષા રાખતો હોય છે. કદાચ આ બાબતે આપણે ઘણા સ્વાર્થી છીએ. કારણકે આપણે ભલે અસત્યોનો ઢગલો લઈને બેઠા હોઈએ પણ સામે વાળો આપણી સામે માત્ર સત્ય જ બોલે એવી મોટી આશા રાખતા હોઈએ છીએ. હકીકતમાં તો આપણે આપણા હૃદય પાસે સત્યની આશા રાખવી જોઈએ. જીવનનું સૌથી મોટું સત્ય પણ એ જ છે કે, રાતે આંખ બંધ કરીને, આખા દિવસને યાદ કરીને, હૃદય પર હાથ મુકીને, આપણી પોતાની જાતને કહેવું કે, "મારાથી આજે કઈ ખોટું નથી થયું દોસ્ત..." આપણે પોતે આપણા સત્યનો સ્વીકાર કરતા શીખીએ તો ઘણું છે. માણસ સત્ય બોલતા અચકાતો હોય છે, એનું એક કારણ એ પણ છે કે, સત્યનો સ્વીકાર થતો નથી. આપણે ખોટી વાતોથી એટલા ટેવાઈ ગયા છીએ કે કોઈ ભૂલથી સત્ય કહી દે તો આપણને એ અસત્ય લાગવા લાગે છે.

એ વાત પણ સ્વીકારવી રહી કે, આપણે કોઈ એટલા મહાન નથી કે જીંદગીભર માત્ર ને માત્ર સત્ય જ બોલી શકીએ. અસત્યની માયાજાળમાં દરેકે પસાર થવું જ પડે છે પણ અસત્યને જીવવનો ભાગ બનાવી દેવાથી આપણે પોતે પણ અસત્ય જેટલા નાના અને અવિશ્વસનીય બની જતા હોઈએ છીએ. કમ સે કમ આપણી પોતાની જાત સાથે સત્ય બોલતા શીખીએ તો ઘણું છે. એમ પણ સત્ય આજે નહિ તો આવતી કાલે બહાર આવવાનું જ છે. સત્યને રસ્તા ખોજવા નથી પડતા એ એની રીતે રસ્તો બનાવીને સૌની સામે આવી જ જતું હોય છે. તો તમારો શુ વિચાર છે સત્ય કે અસત્ય...!!

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

તુમ્હારે મહલ ચૌબારે, યહીં રહ જાયેંગે સારે
અકડ કિસ બાત કિ પ્યારે, એ સર ફિર ભી ઝુકાના હૈ
ભલા કીજે ભલા હોગા, બુરા કીજે બુરા હોગા
વો લિખ લિખ કે કયા હોગા,યહીં સબ કુછ ચુકાના હૈ
સજન રે જૂઠ મત બોલો,ખુદા કે પાસ જાના હે

- SHILPA PARMAR "SHILU"

Read More

"આધુનિક સંવાદ..."

આજ કાલના વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં માણસ જાણે સ્વરપેટીનો ઓછો ઉપયોગ કરતો હોય એવું લાગે છે. શબ્દોની જગ્યા હવે ટાઈપિંગએ લઈ લીધી છે. માણસ બોલે છે ઓછું પણ ટાઈપ ઘણું કરે છે. બે વ્યક્તિ વચ્ચે વાતો તો થાય છે પણ સંવાદ નથી થતો. મારા મતે વોટ્સઅપ કે ફેસબુકમાં થતી ચેટીંગને વાતો કહી શકાય પણ બે વ્યક્તિ વચ્ચે આંખમાં આંખ પરોવીને શબ્દોની જે આપ લે થાય છે એ જ ખરો સંવાદ. આજે ઘણા લોકો ટાઈપિંગ કરતી વખતે ફકરા જેટલું ટાઈપ કરી નાખે છે પણ એ જ વાત જ્યારે બોલવાની આવે છે ત્યારે બોલી શકતા નથી. આ વસ્તુ ક્યાંય ને ક્યાંય માણસમાં આત્મવિશ્વાસ ઓછો કરે છે. હું માનું છું ત્યાં સુધી જે માણસ સામે વાળાની આંખમાં આંખ પરોવીને સંવાદ કરી શકે છે એ વિશ્વાસપાત્ર માણસ હોય છે. કારણકે આંખ સત્યની અને શબ્દોની જ ભાષા સમજે છે. આંખો અસત્યને ટકવા દેતી નથી. કદાચ એટલે જ ઘણા ઓછા લોકો આ રીતે આત્મવિશ્વાસથી વાત કરી શકતા હોય છે.


માણસે બોલવાનું ઓછું કર્યું સાથે સાથે લખવાની બાબાતે પણ એ આળસુ થતો જાય છે. એક સમય હતો જ્યારે માણસ સંવાદ કરવા માટે પત્રવ્યવહારનો ઉપયોગ કરતો હતો. એ પત્રના શબ્દો પણ બોલાયેલા શબ્દોથી ઓછા ન હતા. પારુલ ખખ્ખર પોતાની એક રચનામાં લખે છે કે, "વળગી જશે , ભરખી જશે જઇ ચોટલી બાંધો સ્મરણના પ્રેતની માથું પછાડી ત્યાં અધૂરી લાગણી વળ ખાય તો પકડો કલમ" કાગળ અને કલમ હાથમાં લઈને પત્ર લખવાની અને પાછું પત્રના જવાબની રાહ જોવાની એક અલગ જ મજા છે. આજની આ વોટ્સએપના બ્લુ ટીકની ભાષા સમજનારી પેઢી આ ધીમા પણ મીઠા પત્રવ્યવહારને ભાગ્યે જ સમજી શકે છે. ભવિષ્યમાં કદાચ એવો સમય આવશે જ્યારે કાગળ અને કલમ બનવાના જ બંધ થઈ જશે. કારણ કે એનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ હશે.



આજે આપણે એટલી હદે આધુનિક સંવાદ કરતા થઈ ગયા છીએ કે નાની નાની વાતોને પણ આપણે બોલવાને બદલે ટાઈપ કરવાનું વધારે પસંદ કરીએ છે. હા એ વાત સ્વીકારવી જ રહી કે ટેક્નોલોજી આવી પછી આપણા સમયનો બચાવ થયો છે. આપણે સમય તો બચાવી લીધો પણ ક્યાંકને ક્યાંક લાગણીઓની બચત પણ થઈ રહી છે. આધુનિક સંવાદ માણસને દુઃખી કરે છે. એક સર્વે અનુસાર વધારે બોલતો માણસ ઓછું બોલનારની સરખામણીમાં વધારે ખુશ હોય છે. માણસનું ઘણું દુઃખ તો એમ જ શબ્દો દ્વારા શબ્દોની જેમ જ વહી જતું હોય છે પણ એના માટે જરૂરી છે "સંવાદ." તો તૈયાર છો ને તમે બધા સંવાદ કરવા માટે...!!


છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

આઓ જરા હસ લે, રોને સુને
પલ સારે દિવારે, કોને સુને
એક બેવજહ બેતુકી સી કહાનીમેં
અપને ભી કિરદાર હોને સુને
બાતો કે મતલબ જરૂરી નહીં
હો લફઝ યા લવ જરૂરી નહીં
બેઠો કભી સાથ મેરે ભી
દો બાતેં કરો, બાતેં કરો

- SHILPA PARMAR "SHILU"

Read More

"હેપ્પી હાર્ટ"

ગઈ કાલે વિશ્વભરમાં "વર્લ્ડ હાર્ટ ડે" ઉજવવામાં આવ્યો હતો. દર વર્ષે તારીખ ૨૯ સપ્ટેમ્બરને "વર્લ્ડ હાર્ટ ડે" તરીકે ઉજવવામાં આવે છે. ખરેખર તો લોકો દિલની કદર જ કરતા નથી એટલે જ આવા દિવસો ઉજવવા પડે છે. આપણા શરીરનું એક એવું અંગ કે જેના વગર આપણું અસ્તિત્વ જ નથી એનો દિવસ ઉજવવો પડે. એ પણ એટલા માટે કે લોકો તેની કાળજી રાખતા શીખે. એક મિનિટમાં ૭૨ વાર ધબકતું આ મુઠ્ઠી જેટલું હૃદય છે તો નાનું પણ આપણા જીવનનો કંટ્રોલ એના જ હાથમાં છે અને એટલે જ હૃદયને ખુશ રાખવું એ દરેક માણસની ફસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પહેલા ૫૦ કે ૬૦ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતા જ્યારે અત્યારે ૩૫ વર્ષની સામાન્ય વયની ઉંમરના લોકો પણ હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામે છે. આ બધો ખેલ આ મુઠ્ઠી જેટલા હૃદયનો જ છે.

ડોકટરો માટે હૃદય મુઠ્ઠી જેટલું નાનું છે. તો કવિઓ,લેખકો અને પ્રેમીઓ માટે હૃદય દરિયા જેટલું વિશાળ છે. હું માનું છું ત્યાં સુધી હૃદય અને લાગણી બંને એકબીજાના પર્યાય છે. જ્યાં લાગણીની વાત આવે ત્યાં હૃદયની વાત પણ આવે જ . તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે, "આ વ્યક્તિએ મારુ હૃદય તોડી નાખ્યું" અથવા "મારા હૃદયમાં મેં આને આટલી જગ્યા આપી છે" અથવા "મેં મારું હૃદય આને નામ કરી દીધું છે." પણ સવાલ એમ થાય કે મેડિકલ સાયન્સ પ્રમાણે જો હૃદય મુઠ્ઠી જેટલું જ હોય તો હૃદયને તોડવું અથવા હૃદયમાં કોઈને સ્થાન આપવું કંઈ રીતે શક્ય છે? આ શક્ય છે કારણ આગળ કહ્યું એમ, "હૃદય અને લાગણી એકબીજાના પર્યાય છે." ખરેખર તો માણસ હૃદયમાં લાગણીઓને સ્થાન આપતો હોય છે. હાસ્ય, આંસુ, દર્દ, ગુસ્સો, પ્રેમ, નફરત બધું જ લાગણીના દ્વારે થઈને હૃદયમાં જ એકઠું થતું હોય છે. જ્યારે માણસના હૃદય પર આ લાગણીઓનો ભાર વધી જાય છે ત્યારે તે હ્ર્દયરોગીની પદવી પ્રાપ્ત કરે છે એમ કહી શકાય.

એક જ મિનિટમાં ૭૨ વાર ધબકતા આ હૃદયના ધબકારાઓની સંખ્યા ક્યારે ઓછી થઈ જશે એની જાણ થતાં એક સેકન્ડ પણ નહીં લાગે. હૃદયની એટલી કાળજી તો રાખીજ લેવી કે હૃદય પર હાથ મૂકીને બસ એટલું કહી શકાય કે, "મારું હૃદય મારાથી ખુશ છે." વિચારી જુઓ કે, તમારું હૃદય તો તમારાથી ખુશ છે ને??

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

દિલ કી ખતા ભી હૈ ક્યાં
મુજકો ગિલા ભી હૈ ક્યાં
ઈસ દિલ્લગી કે સિવા દિલને કિયા ભી હૈ ક્યાં
આસિક હૈ યે ચોર નહીં મે ક્યાં કરું
દિલ પે મેરા ઝોર નહીં હૈ મેં ક્યાં કરું
યે દિલ .....દિવાના

- SHILPA PARMAR "SHILU"

Read More

"જીવી લે..."

હમણાં હમણાં જ કિંજલ દવેનું ' જીવી લે' નામનું એક નવું સોન્ગ રિલીઝ થયું છે. જેના શબ્દો 'રાજવીરસિંહ વાઘેલાએ' લખ્યા છે. આ ગીતના શબ્દો અને સાથે કિંજલ દવેનો અવાજ તમને એક અલગ જ ફીલ આપશે. ઓછામાં ઓછી એક વાર તો આ ગીત સાંભળવું જ જોઈએ. આપણે ગીતો મનની શાંતિ માટે સાંભળતા હોઈએ છે પણ આ ગીતના શબ્દો કોઈ પણ માણસને મોટિવેટ કરવા માટે પૂરતા છે. ઘણા લાંબા સમય બાદ એવું સોન્ગ સાંભળવવા મળ્યું કે, જેના શબ્દોને ખરેખર જીવનમંત્ર બનાવવા જોઈએ. ઘણી વાર લાંબા લાંબા મોટિવેશન વીડિયો જોઈને પણ માણસમાં એ હિંમત કે એ ઉત્સાહ નથી આવતો અને એક સોંગની એકાદ લાઈન જીવનમાં ઘણા મોટા બદલાવ લાવી શકે છે. આ સોંગની એક પંક્તિ ઘણી સમજવા જેવી છે કે, "થવાનું હશે એ થાવાનું પસી તો જોયું જવાનું બે ઘડી તું જુમી લે..."

ઘણી વાર માણસને ખબર જ હોય છે કે, આ થવાનું છે છતાં એ વાતનું ટેન્સન લઈને ફર્યા કરતો હોય છે. ખરેખર ટેન્સન હોતું નથી પણ માણસને નાની નાની વાતોમાં ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે. ક્યાંય વાંચ્યું હતું કે, "ચિંતા એ ચિતા સમાન છે." આ ચિંતામાં જ માણસ જીવવાનું ભૂલી જાય છે અને સમય જતો રહે છે. 'જે થાય એ જોયું જશે ' આવા વિચાર સાથે જીવતો માણસ જ ચિંતા વગર ખુલીને જીવી શકે છે. એક ધોરણમાંથી બીજા ધોરણમાં આવવા માટે પણ બાળકે પરીક્ષા આપવી પડતી હોય તો આતો જીવન છે. આગળ વધવા માટે પરીક્ષા આપવી જ રહી. હસતા હસતા બાળક બનીને પરીક્ષા આપજો જરૂર સફળતા મળશે.


જીવન ક્યારેય એકધાર્યું ચાલતું જ નથી અને એકધાર્યુ જીવન આપણને પણ ગમતું નથી. જે છે એ સ્વીકારીને આગળ વધતા શીખવું જોઈએ. તો તૈયાર છો ને તમે બધા જીવવા માટે...??

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :

હો દુનિયા છે વાતો કરશે, પરવા નહીં કરવાની
હો જિંદગી તો મોજથી મોજથી જીવવાની
એ શોખ પુરા કરી લેવાના, કેવા વાળા તો કેવના
જંજટ આ તું ભૂલીને, એ હા જીવી લે તું જીવી લે
મન ભરીને જીવી લે

-SHILPA PARMAR "SHILU"

Read More

"સમાનતા"

આજનો દિવસ એટલે કે, 26 ઓગષ્ટને 'મહિલા સમાનતા દિવસ' તરીકે મનાવવામાં આવે છે. 1920માં સંયુક્ત રાજ્ય અમેરિકાના બંધારણમાં ઓગણીસમો સુધારો સ્વીકારવામાં આવ્યો હતો. આ દિવસ સ્ત્રીઓ અને પુરુષોને સમાન ગણવા તરફનું એક પહેલું ડગલું હતું. દેશભરમાં કેટલાય મહિલા સંગઠન 'મહિલા સમાનતા દિવસને' ખૂબ જ ઉત્સાહથી મનાવે છે તો બીજી બાજુ ઘણા લોકો સ્ત્રી- પુરુષ સમાનતાના કટ્ટર વિરોધીઓ પણ હોય છે. આવા વિરોધ થવા પાછળનું એક સત્ય એવું પણ છે કે, મોટા ભાગના પુરુષો સ્ત્રીને આગળ વધતી જોવા તો માંગે છે પણ સ્ત્રી જ્યારે પુરુષ કરતા પણ આગળ વધી જાય છે ત્યારે ઘણાને એ વાત હજમ નથી થતી. દરેક પુરુષ એવું જ ઈચ્છતો હોય છે કે, એની સાથે જોડાયેલી સ્ત્રી એના .પગલાંની પાછળ ચાલે. કોઈ માને કે ના માને પણ આ વાત સ્વીકારવી જ પડે કે, "આપણો સમાજ હજુ એટલો પાછળ છે કે, સ્ત્રીનું મુખ્ય કામ ઘરની જવાબદારીઓ જ છે એવુ સમજે છે. આમાં પણ વાંક ખરેખર સ્ત્રીનો જ છે. સ્ત્રી પોતે પણ એવું જ માને છે કે, ઘર સાચવવું એ એની ફસ્ટ પ્રાયોરિટી છે. સપના, શોખ, પોતાનું જીવન એ બધી વાતોને મિથ્યા માનનારી સ્ત્રી ધરાવતાં સમાજમાં 'વુમેન્સ ઇકવાલીટી ડે' જેવા દિવસોનું કોઈ મહત્વ હોતું નથી.

આ દિવસની ઉજવણી સાચા અર્થમાં ત્યારે જ સાર્થક બને જ્યારે સ્ત્રી પોતે જાણતી હોય કે, આવા પણ દિવસો હોય છે ઉજવણી માટેના, પોતે સ્ત્રી છે એ વાત પર ગર્વ મહેસુસ કરવાના અને પુરુષની પાછળ નહીં પણ એની સાથે, એની લગોલગ ડગલાં માંડવાના. આખેઆખા સમાજની વિચારધારાને રાતો રાત બદલી નાખવી શક્ય નથી પણ શરૂઆત કરવી શક્ય છે. દરેક સ્ત્રીએ પોતના દીકરાને વારસામાં સંપત્તિની સાથે સાથે અમુક સંસ્કાર આપવા જોઈએ. જેમ કે, નાનપણથી જ એને શીખવવું જોઈએ કે, સ્ત્રી અને પુરુષ બંને સમાન છે. દીકરીને સાસરે મોકલવાની છે માટે ઘરના કામ શીખવાડવામાં આવે છે. એ જ રીતે દીકરાને પણ નાના મોટા કામ શીખવવા જોઈએ. એને પણ એ વાતની શીખ આપવી જોઈએ કે, દરેક કામ સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન છે. ખરેખર તો આપણી પાસે એવી સ્ત્રીઓની જ કમી છે જે દીકરા અને દીકરીને સમાન વિચારધારા અને સમાન સંસ્કારો આપીને ઉછેરી શકે.


એવું પણ નથી કે સ્ત્રી ઘણી પાછળ છે. આજની એકવીસમી સદીની સ્ત્રીઓ તો ખૂબ ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર જ છે પણ ઊંચી ઉડાન ભરવી એ આસન નથી. જો ઉડવા માટેનું આકાશ સમાન મળે તો સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની આવડત પ્રમાણે ઊંચા ઉડવાના જ છે. જરૂર માત્ર આકાશની જ હોય છે. બંધન વગરના ખુલ્લા આકાશની. આકાશ મળે એટલે ઉડવા માટેની પાંખો આપમેળે વિકાસ પામતી હોય છે. તો તમે તૈયાર છો ને સમાજને એક નવું આકાશ આપવા માટે??

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

ઓ રી ચિરૈયા, ન્નહીં સી ચિડિયા
અંગના મેં ફિર આજા રે....
અંધિયારા હૈ ઘના ઓર લહુ સે સના
કિરણો કે તિનકે અંબર સે ચુન કે
અંગના મેં ફિર આજા રે...

- SHILPA PARMAR "SHILU"

Read More

"ખીંચ મેરી ફોટો"

આજના દિવસને એટલે કે, ઓગણીસમી ઑગસ્ટને વિશ્વભરમાં "વર્લ્ડ ફોટોગ્રાફી ડે" તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આજના દિવસે દુનિયાભરના ફોટોગ્રાફર્સ પોતે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સને જોઈને એક હરખ અનુભવે છે. એક ફોટોગ્રાફર પાસે એ આવડત રહેલી હોય છે કે, એ એક જ તસવીરમાં વ્યક્તિ, કુદરત અને યાદો આ ત્રણેયને સમાવી શકે છે. ફોટોગ્રાફી એ યાદોને સાચવી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ખરેખર, યાદોને કેમેરામાં કેપ્ચર કરવાની કલા પણ માત્ર એક ફોટોગ્રાફર પાસે જ હોય છે. ઘણી વાર આપણે કોઈ જગ્યા, કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ સાથે થોડા સમય માટે જ હોઈએ છીએ. આપણે એ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાને કેદ નથી કરી શકતા પણ આજના આધુનિક યુગમાં કેમેરો આ કામ કરી શકે છે. આપણે સૌએ 'જોસેફ નિફસનો' હૃદયથી આભાર માનવો જોઈએ કે, જેમણે 1824 માં દુનિયાનો સૌથી પહેલો કેમેરો બનાવ્યો હતો. દુનિયાની સૌથી પહેલી ફોટોગ્રાફી પણ તેમણે જ કરી હતી.

આજે સમય એટલો આગળ વધી ગયો છે કે, કેમેરો પણ માણસના ફોનમાં સમાઈ ગયો છે. ફોટોગ્રાફીની જગ્યા હવે સેલ્ફીએ લઈ લીધી છે. એક સમય હતો જ્યારે પૈસા દઈને આપણે ફોટો પડાવતા હતા અથવા કેમેરો ભાડે લાવીને ફોટોગ્રાફી કરવા જતાં હતાં. સમય ભલે બદલાયો હોય પણ યાદોને તસવીરમાં કેદ કરવાની રીત આજે પણ એ જ છે અને હંમેશા એ જ રહેશે. આપણે કયારેય સમયને પકડી શકવાના નથી પણ આપણાં જીવનના અમુક કિંમતી સમયને તસવીરમાં કેદ કરી લેવો જોઈએ. પેલું કહેવાય ને કે, "જરૂરી હૈ તસ્વીરે લેના ભી... આઈને ગુજરે હુએ લમ્હે નહીં દિખાતા ..."


આપણી આંખો પણ કંઈ કેમેરાથી ઓછી નથી. કારણ કે, આંખો પાસે રંગીન દ્રશ્ય છે, જીવાયેલો સમય છે અને ઘણી બધી યાદો છે. એ યાદો માણસના 'આંખ' નામના કેમેરામાં ક્લિક થતી હોય છે અને 'મન' નામની હાર્ડડિસ્કમાં સંગ્રહ પણ થતી હોય છે. તો હવે રાહ કેમ જૂઓ છો?? તસવીરમાં દરેક ગમતી યાદોને સાચવી લો.

છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:

તું નથી તો તારો ફોટો પણ ચાલશે
જો થારો ફોટો નથી નથી નથી
જો થારો ફોટો નથી તો,
ફોટોકોપી પણ ચાલશે...

- SHILPA PARMAR "SHILU"

Read More