The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
૨૨ ગઝલ ( નથી એ ભાન કે આશા ) નથી એ ભાન કે આશા કોઈ હતી કે નહીં, કહી શકાય આ હાલતને બંદગી કે નહીં? ભલેને તારી કથામાં અસીમ દર્દ હતું, સવાલ એ જ છે મહેફિલ રડી પડી કે નહીં? સહાયતા તો ગરીબોની કંઈ જ થઈ ન શકી, તું જોકે લાગણી મારી દુઃખી ગઈ કે નહીં. ઘણો સમય થયો જોયું નથી હૃદયની તરફ, નથી ખબર કે હતી આગ તે બુઝી કે નહીં! કહ્યા જે કરતો હો હંમેશાં રાહની તકલીફ, ન એને પૂછજો મંઝિલ તને મળી કે નહીં. ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું, તમારી સાથે હતી મારી દોસ્તી કે નહીં. ‘મરીઝ' મૌન છે, કાયમ છતાં ગઝલ દ્વારા, અમે કરી લીધી સૌ દિલની માગણી કે નહીં. ‘મરીઝ’ રંગ છે આશાજનક નિરાશાનો, ખબર નથી હવે આશા કોઈ હતી કે નહીં. - મરીઝ
૨૧ ગઝલ ( જિંદગીને જીવવાની ફિલસૂફી ) જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું! તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી. દુઃખ તો એનું છે કે એ દુનિયાનાં થઈને રહી ગયાં, જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી. દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી. કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી. કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી, રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી. એ હવે રહી રહીને માગે છે પરિવર્તન ‘મરીઝ’, મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી. - મરીઝ
૨૦ ગઝલ ( દીવાનગી જ સત્યનો ) દીવાનગી જ સત્યનો સાચો પ્રચાર છે, જાણી ગયા બધાં કે મને તુજથી પ્યાર છે. શોધો પ્રસંગને એ તમારા ઉપર રહ્યું, આખું જીવન અમારું હવે આવકાર છે. મળવા જો એને ચાહું તો હમણાં મળી શકું, એ વાત છે જુદી કે મને ઇન્તિઝાર છે. આંખોમાં મારી આજ સફેદી છવાઈ ગઈ, ઓ વિરહ રાત, તારી અનોખી સવાર છે. શું સંકલન શું એકતા છે વાહ, વાહ, વાહ, એ પણ શરાબ છે જે નશાનો ઉતાર છે. શું એમાં દર્દ છે તે અમુક જાણતા હશે, છે હાથ મારા તંગ અને દિલ ઉદાર છે. એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે. - મરીઝ
૧૯ ગઝલ ( જ્યારે કલા, કલા નહીં ) જ્યારે કલા, કલા નહીં જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે. શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે. જે કંઈ હું મેળવીશ હંમેશાં નહીં રહે, જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં, નહોતી ખબર કે દર્દનું વાચન બની જશે. તારો સમય કે નામ છે જેનું ફકત સમય, એને જો હું વિતાવું તો જીવન બની જશે. તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા! મારું છે એવું કોણ કે બંધન બની જશે! આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’, શંકા વધી જશે તો સમર્થન બની જશે. - મરીઝ
૧૮ ગઝલ ( માલી ઔર છે ) તેં જે તોડી એ તો માલી ઔર છે, હું જ્યાં બેસું છું તે ડાલી ઔર છે. તું દિલાસો જેનો દે છે તે નથી, દોસ્ત મારી પાયમાલી ઔર છે. ઝંખના મૃત્યુની છે સાચી મગર, દિલમાં એક વસ્તુ વહાલી ઔર છે. આ વખત એણે નથી દીધું વચન, આ વખતની હાથતાલી ઔર છે. જે બધું માંગી લે યા કંઈ પણ નહીં, તારા દરના એ સવાલી ઔર છે. ઓ વિલાસી, દર્દનો દાવો ન કર, જામ ખાલી હાથ ખાલી ઔર છે. ખાલી આવે છે સુરાલયથી ‘મરીઝ’, એની આંખોમાં આ લાલી ઔર છે. - મરીઝ
૧૭ ગઝલ ( રીંદ હશે યા કે ) રીંદ હશે યા કે પાકબાઝ હશે, જે નિખાલસ છે બેનિયાઝ હશે. સ્પષ્ટ વાતો તમે કરો છો હવે, નક્કી એમાંય કોઈ રાઝ હશે. શું જુલમ છે તમારી સાદાઈ, શું કયામત તમારા નાઝ હશે? એની સૌ વાત ધ્યાનથી સાંભળ, એમાં એકાદ વાત રાઝ હશે. રાખો મસ્જિદને સાફ કે એક દિન, મુજ જનાઝાની ત્યાં નમાઝ હશે. હું તો તરણું છું હું તો તરવાનો, નુહ પાસે ભલે જહાઝ હશે. અંતે મરવું પડ્યું કમોતે ‘મરીઝ’, મારી ઉમ્મર ઘણી દરાઝ હશે. - મરીઝ
૧૬ ગઝલ ( આ જગતમાં પ્રેમીઓ ) આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે. બહારના જીવનના છે, એ મારા જીવનના નથી, તે પ્રસંગો કે જે મારું દિલ દુઃખાવી જાય છે. મારી કિસ્મત છે જુદી, તારું મુકદ્દર છે અલગ, કોઈ વખતે એક જગા પર કેમ આવી જાય છે. છું બહુ જૂનો શરાબી જામથી ખેલું છું હું, હો નવા પીનાર તેઓ ગટગટાવી જાય છે. ઓ શિખામણ આપનારા! તારો આભારી છું હું, મારા આ રડમસ જીવનમાં તું હસાવી જાય છે. મારી નિષ્ફળતા ભલી, એમાં કોઈ ખામી નથી, ઓ સફળતા! કોણ અહીં સંપૂર્ણ ફાવી જાય છે. લાવો મારી પાસે હું અમૃતથી મારું એમને, ઝેર જેવી ચીજ પણ જેઓ પચાવી જાય છે. મારું આ બેહોશ જીવન પૂર્ણ તો થાએ ‘મરીઝ’, હું નથી હોતો તો એ આવી વિતાવી જાય છે. - મરીઝ
૧૫ ગઝલ ( બસ એટલી સમજ મને ) બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, જીવનના દર્દની તો કોઈ સારવાર દે. ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું, એ શું કે તારા માટે ફક્ત ઇન્તિઝાર દે. આવીને આંગળીમાં ટકોરા રહી ગયા, સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે. પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે! નવરાશ છે હવે જરા સરખામણી કરું, કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે. તે બાદ માંગ મારી બધીયે સ્વતંત્રતા, પહેલાં જરાક તારી ઉપર ઇખ્તિયાર દે. આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે. સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધાં અમે, અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે. દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે. - મરીઝ
૧૪ ગઝલ ( ઓ સિતમગર દાદ તો દે ) ઓ સિતમગર દાદ તો દે મારી આ તદબીરને, લાજ રાખી લઉં છું તારી દોષ દઈ તકદીરને. એટલા માટે શહાદતનો મને ભય ના રહ્યો, મેં જરા નજદીકથી જોઈ હતી શમશીરને. રૂબરૂમાં એની સામે એમ જોવાયું નહીં, જેવી રીતે જોઉં છું હું એમની તસવીરને. ત્યારે જોયું ચાલવાની પણ જગા બાકી નથી, જ્યારે મેં વર્ષો પછી તોડી દીધી જંજીરને. કેમ અંતર્ગત ભૂમિકાથી ભલા છૂટી શકાય? રંગ કાગળનો મળે છે અંગમાં તસવીરને. શક્ય છે કે કોઈ કડવું સત્ય સાંભળવા મળે, છેડતી કરવી હો તો છેડો કોઈ ગંભીરને. વીંધનારાઓ બરાબર જાય છે મંઝિલ ઉપર, પંથ બદલે એ નથી આદત ગતિમય તીરને. એની અંદર શું હશે મારી બલા જાણે ‘મરીઝ’, બહાર તો પથ્થર મળ્યા મસ્જિદ અને મંદિરને. - મરીઝ
૧૩ ગઝલ ( ઘસારા લાખ થયા ) ઘસારા લાખ થયા તોય પહેલાં જેમ રહ્યો, હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો? હતી સરસ બહુ સંગત, બૂરો એ કેમ રહ્યો? તમારા રૂપની સાથે જ મારો પ્રેમ રહ્યો. મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે, હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો. તમે જે હસતાં હતાં, મારા ચીંથરેહાલ ઉપર, જુઓ કફનનો આ અકબંધ લિબાસ કેમ રહ્યો? ઘણાં વરસ પછી આવો સવાલ પૂછું છું, કે શિકાર તમારો રહ્યો કે નેમ રહ્યો? મેં તેથી સારા થવાની જરા કીધી કોશિશ, મને એ જોઈ રહ્યાં છે, મને એ વહેમ રહ્યો. સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા? જુઓ ‘મરીઝ’ને જેવો હતો એ એમ રહ્યો. - મરીઝ
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser