Quotes by રાજેન્દ્ર જોશી in Bitesapp read free

રાજેન્દ્ર જોશી

રાજેન્દ્ર જોશી

@rajsanvavgmail.com6381
(19)

ઘણા માણસો સુખી થવા માટે દુઃખી થતા હોય છે, પછી સમજાય કે આ ખોટો દુઃખી થ્યો! હું તો સુખી જ હતો.

પુસ્તકોના શીર્ષક ક્રમમાં વાંચો

પ્રામાણિકતા કદાપિ તકનો અભાવ ન બનવી જોઇએ.

તું નથી 'ને છે સતત તારું સ્મરણ,
શતસહસ્ત્રાબ્દી સમી લાગે આ ક્ષણ

ઈન્ટરનેટના લીધે વિશ્વ એક પરિવાર સમું બની ગયું,
કૉરોનાના લીધે પરિવાર જ વિશ્વ સમ બની ગયો!
#વિશ્વ

જીતુની એક જ ઈચ્છા છે - આખા ગામમાં વર્લ્ડ ફેમસ ( વિશ્વ વિખ્યાત) થાવું છે!

#વિશ્વ

ખારીસિંગ.... દાળિયા.... બિસ્કિટના પડિકાં!!!!
ગીરગઢડાથી વે..રા..વ..ળ સુધીની રેલગાડીની લાં....બી ( સમયની રીતે લાંબી,અંતરની રીતે તો ટૂંકી જ!!) મુસાફરીમાં અચૂક સાંભળવા મળતો આ સ્વર,સ્ટેશનેથી ગાડી છૂટે એ પહેલાં અલ્ટિમેટમ આપતો પાવાનો પૂ..ઉ..ઉ...પ એવો અવાજ,આંખો ધરાઇ જાય તોયે પૂરું ન થતું પિંછડી ગામનું લાંબુલસ્સ તળાવ,જામવાળાથી આરંભાતું ગીરનું પ્રાકૃતિક વાતાવરણ અને ઓછી ખાંડ'ને એલચીવાળા પેડા ખરીદવા ઈજન આપતા ફેરિયાઓનો સમૂહ,હૈયેહૈયું દળાય એ શબ્દસમૂહનો અર્થ સમજાઇ જાય એટલું માનવ મહેરામણ આપણા ડબ્બામાં જ ઉમટી પડે!!
આપણી ગાડી ક્યાંક અધવચ્ચે ઊભી રહી ગઇ હોય એમ લાગે (હરિ મારું ગાડું ક્યાં લઇ જાય?) પણ પછી ખ્યાલ આવે કે આ તો વલાદરનું પાટિયું છે!! વલાદર-હડમતિયા-જાંબૂર સ્ટેશનો પરથી ઉમેરાંતા મુસાફરો તેમના વાંકડિયા વાળ અને ચળકતા કાળા રંગથી તમને કંઈક નવી જ દુનિયામાં પહોંચી ગયાનો ભાસ કરાવે!!(મુજે મેરી મસ્તી કહાઁ લે કે આઈ!) પણ.. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાંથી આપ તરત પરત આવો છો આ સીદી ભાઇઓ બહેનોના વિશિષ્ટ લહેકા સાથેના ગુજરાતી વાર્તાલાપોથી!!
તાલાળા આવે એટલે (જં.) શબ્દનો ખ્યાલ આવે.એક પછી એક સિગ્નલ પડે એટલે રેલગાડીઓ આવે.એકાદ ગાડીનું એન્જિન આગળથી છૂટું પડી પાછળ જોડાય!! ત્યારે LV લખેલું લાલ રંગનું પાટિયું પણ બદલાય.આ LV એટલે લાસ્ટ વ્હિકલ -છેલ્લું વાહન (અહીં ડબ્બો)
તાલાળામાં ગાડી ઘણા લાંબા સમય સુધી પડી રહે. ઉપડવાના સમયે ફરી પાછું પૂ..ઉ..ઉ...પ અને સ્થિર થવા આવેલું વાતાવરણ ફરી એકવાર જીવંત થઇ જાય.
સવની જેવાં એકાદ છૂટપૂટ સ્ટેશન લઇ ટ્રેન પહોંચે વેરાવળ!!!
વીસ રૂપિયામાં જાણે વિશ્વયાત્રા કરી હોય એવી રૉયલ ફિલિંગ થાય.
#વિશ્વ

Read More

ફૂલોના ચૂંટાવા સાથે,
ખરી પડેલી કળીઓના હ્રદયમાં
અધૂરી રહી ગયેલી
ફૂલ બનીને ખીલવાની ઇચ્છા વિશે
કે
કસમયે ડાળીથી વિખૂટા પડ્યાની
વેદના વિશે
કોઇ ફૂલે ક'દિ પૂછ્યું છે?
કદાચ...
ત્યાં પણ..
લોકશાહી હોય એમ બને!!

Read More

ચક્ષુદાન
............
બાર વર્ષે આજ ફરી હું
જોઇ શક્યો છું
એ ફૂલડાં 'ને પતંગિયાની જોડ
'ને મુગ્ધ શિશુની દોડ
પણ...
આજે સઘળું વિશેષ સુંદર લાગે કેમ?
એવી વાતો સંભળાતી'તી કે
ચક્ષુદાનમાં...
કોઇ કવિની આંખો આવી છે!!!

Read More

મેં..એં..એં
બકરીના બચ્ચાંના અવાજે ભોજાને કાચી નિંદરમાંથી જગાડ્યો.એ ડાંગ લઇને વાડામાં ગ્યો ને પડકારો કરતો હોય એમ ખોંખારો ખાધો.અધરાતના અંધારામાં એણે દીપડાને વાડ ઠેકીને ભાગતો જોયો.એણે કંઇક શૂરાતન ચડ્યું હોય એમ "ભાગ્ય! મારા સાળા જંગલી!" એમ રાડ નાંખી.'ને તરત જ એનો અવાજ ઢીલો પડી ગયો.કદાચ છ મહિના પહેલાં રિસામણે આવેલ દીકરીને પાછી સાસરે તેડવા જમાઇ આવ્યો ત્યારે આ બોલી શકાયું હોત!
#જંગલી

Read More