Quotes by Dharmin Mehta in Bitesapp read free

Dharmin Mehta

Dharmin Mehta

@dharminmehta7817
(38)

'વડોદરાનો લીલો ચેવડો.' (લઘુકથા) - by ધર્મિન મહેતા
******************
લગભગ ૭-૮ વર્ષ પહેલાંની વાત. ત્યારે સાતેક વર્ષથી હું સાતમા ધોરણમાં શિક્ષક. ગણિત અને અંગ્રેજી મારાં વિષયો. આમ તો 'બહુ કડક શિક્ષક' અેવી છાપ મને ગમે નહી. સ્વભાવ પણ મજાકીયો. બાળકોને હસાવતો જાઉં અને ભણાવતો જાઉં. સારું કામ કરે ત્યારે ચોક્કસ વખાણું પણ ભૂલ કરે ત્યારે અચુક ધ્યાન પણ દોરું. આ જ બાળકો રિસેસમાં અથવાં તો રજા પડે ત્યારે લાગણીથી નાસ્તાનો ડબ્બો અમારાં તરફ ધરે અને અમે તેમાંથી ચાખીઅે તો રાજી-રાજી થઈ જાય. નિશા મારાં ક્લાસની અેક વિધ્યાર્થીની. લગભગ રોજ નાસ્તામાં બરોડાનો લીલો ચેવડો લાવે. મને અચુક આપે કારણ કે અેક દિવસ મેં તેને કહેલું કે "આ ચેવડો મારો પ્રિય છે." રજા પડી જાય પછી પણ નાસ્તાનો ડબ્બો મારી સામે ધરીને કહે "સર, લીલો ચેવડો." આવી નિર્દોષ લાગણી અન્ય કોઈ વ્યવસાયમાં ન મળે. અે પામવાં પ્રાથમિક શાળામાં શિક્ષક જ થવું પડે. સ્કુલ શરુ થાય અને પ્રાર્થના પુરી થાય અેટલે નિયમિત હોમવર્ક તપાસવાનું - આ અમારો ક્રમ. હોમવર્ક ન લાવ્યાં હોય તેને કારણ પૂછવાનું, તેની રોજનીશીમાં નોંધ કરવાની, ઠપકો આપવાનો વગેરે-વગેરે. પણ તે દિવસે આ કામ છેલ્લા પિરિયડમાં કરવાનું થયું. નિશાને તે દિવસે રોજનીશીમાં હોમવર્ક ન લાવવાં બદલ પંદરમી સાઈન થઈ. મનમાં થયું 'વારંવાર સૂચના આપવાં છતાં આટલી બધી બેદરકારી !!!' વિધ્યાર્થીઓ દ્વારા વારંવાર થતી ભૂલો સામે 'આંખ આડાં કાન' કરવાનો ગુણ (!!) હજુ મારામાં ત્યારે આવ્યો ન હતો. કદાચ હજું આવ્યો નથી. કોણ જાણે કેમ પણ તે દિવસે મારો ગુસ્સો 'સાતમાં આસમાને.' મારી જગ્યાએથી ઉભો થઈને તેની પાસે ગયો. ક્લાસમાં સન્નાટો. કારણ પૂછ્યું પણ તેનો જવાબ સંતોષકારક ન લાગ્યો. 'સટ્ટાક' કરતી અેક ઝાપટ તેનાં ખભાં પર લગાવી દિધી. (શિક્ષક તરીકે અે પણ કાળજી લીધી કે માત્ર અવાજ વધું આવે, તેને બહુ લાગે નહી.) ક્લાસ આખો થીજી ગયો પણ તે જ સમયે હું અંદરથી હલબલી ગયો. મનમાં થયું કે 'સાલું જરાક વધારે થઈ ગયું.' મક્કમતા દેખાડવાનો ઢોંગ કરતો મારી જગ્યાઅે જઈને બેસી ગયો. રજા પડી. સૌ બાળકો ભાગંભાગી કરતાં ઘેર ગયાં. નિશા આજે સૌથી છેલ્લે ઉભી થઈ. કોણ જાણે કેમ પણ તેની સાથે આંખ મેળવવામાં તે સમયે મને ખૂબ મુશ્કેલી પડી. મને થયું કે અત્યાર સુધીનું તેનું મારાં તરફનું માન, લાગણી બધ્ધું જ મેં અેક ઝાપટમાં પીંખી નાખ્યું. હવે તો મારી પાસે શાની આવે ? હું પણ મારી વસ્તુઓ લઈને ઉભો થયો. જવા લાગ્યો. પગલાં ભારે થઈ ગયાં. બોલું તો શું બોલું અેની સાથે ? સૌ બાળકો જતાં રહ્યાં. કોણ જાણે કેમ પણ કંઈક અસહ્ય શાંતિ છવાઈ ગઈ. ત્યાં જ નિશાનો અે જ મધુર અને નિર્દોષ અવાજ સંભળાયો, "સર, બરોડાનો ચેવડો ભૂલી ગ્યાં ?" અે હાથમાં લંચબોક્સ લઈને ઉભી હતી. હું થંભી ગયો. જાણે બધું થંભી ગયું...
મનમાં બસ અેક જ સવાલ ઉભો થયો, "શિક્ષક કોણ ? હું કે આ નાનકડી નિશા ?"
- ધર્મિન મહેતા

Read More