Chittna bhavni mahatta ane khandhak muni in Gujarati Spiritual Stories by shreyansh books and stories PDF | ચિત્તના ભાવની મહત્તા અને ખંધક મુનિ

Featured Books
Categories
Share

ચિત્તના ભાવની મહત્તા અને ખંધક મુનિ

*ભગવાન મહાવીરના સમયની આ ઘટના ચિત્તના ભાવની મહત્તા દર્શાવે છે*

ભગવાન મહાવીર પોતાના શિષ્ય સમુદાય સાથે વિહાર કરતાં રાજગૃહીમાં પધાર્યા. મહારાજ શ્રેણિકને ખબર મળતાં જ તરત ભગવાનની વંદના માટે ચાલી નીકળ્યા. શ્રેણિકની સવારીની આગળ બે સિપાહી ચાલે. એક સુમુખ - એના મુખેથી સદાય મનોહર વાણી વહે, બીજો દુર્મુખ - સદાય વાંકુ જુએ ને વાંકુ જ બોલે !

આ બંનેએ મહાવીરના સમુદાયમાં રહીને ઉગ્ર તપશ્ચર્યા કરતા પ્રસન્નચંદ્ર રાજાને જોયા. એક પગે ઊભા હતા. બે હાથ ઊંચે રાખ્યા હતા. આવી આકરી તપસ્યા જોઈને સુમુખથી આપોઆપ બોલાઈ ગયું, ''વાહ ! આવી સાધના કરનારને તો મોક્ષગતિ સહજ છે !''

દુર્મુખથી આવી સારી વાણી ખમાઈ નહીં. એની દોષદ્રષ્ટિને દોષ જોયા વિના ચેન ન પડે. એણે કહ્યું, ''અલ્યા સુમુખ ! સાચી વાત જાણ્યા વગર હાંકે રાખવાની તને આદત છે. આ પોતાનપુરનો રાજા પ્રસન્નચંદ્ર છે.

પણ એ છે કેવો ? રાજની વિશાળ જવાબદારી પોતાના બાળકને ગળે વળગાડીને જંગલમાં નીકળી પડયો. મોટાં ગાડાંને વાછડું બાંધે એવો ઘાટ કર્યો. હવે એના મંત્રી વિરોધી રાજવીને મારીને રાજકુમારને પદભ્રષ્ટ કરવાના છે. આની રાણીઓ ક્યાંક ભાગી ગઈ છે. કહે, આવા પાખંડીને તો જોઈએ તોય પાપ લાગે ને !''

મહારાજ શ્રેણિકે કઠણ તપસ્યા કરતા પ્રસન્નચંદ્ર મુનિને વિનયપૂર્વક વંદના કરી. શ્રેણિક મનમાં વિચારે કે કેવા પૂર્ણ ધ્યાનમાં ડૂબી ગયા છે આ રાજર્ષિ ! ધન્ય છે આટલું આકરું તપ કરનાર તપસ્વીને ! મહારાજ શ્રેણિક ભગવાન પાસે આવ્યા.

પેલા દુર્મુખની વાત પ્રસન્નચંદ્ર મુનિના કાને પડી હતી. પોતાના રાજની અવદસા સાંભળતા જ ધ્યાનભંગ થયા. જે મોહ-માયા તજીને મહાવીરને શરણે આવ્યા હતા એ મોહમાયા અંતરમાં ઘૂમરાવા લાગી. રાજ યાદ આવ્યું. રાણી પણ યાદ આવી. રાજકુમાર સાંભર્યો.

મનોમન વિચારવા લાગ્યા. ધિક્કાર છે આ નિમકહરામ મંત્રીઓને ! મેં સદા એમને ફૂલની પેઠે પ્રેમથી રાખ્યા, તેના બદલામાં મને દગાબાજીના કાંટા ચૂભવવા તૈયાર થયા છે. મારા પુત્ર સાથે આવું છળકપટ ! જો અત્યારે હું રાજમાં હોત તો એકેએક મંત્રીને સીધોદોર કરી નાખત.

મુનિ પ્રસન્નચંદ્ર આ વિચારના સાગરમાં વધુ ને વધુ ઊંડે ઊતરવા લાગ્યા. બહાર શાંતિ, અંદર તોફાન, બહાર તપ, અંતર સંતાપ, વેશ મુનિનો રહ્યો, પણ વેદના રાજની થવા લાગી. પછી તો પોતાને રાજાના રૃપમાં જોતા પ્રસન્નચંદ્ર મનોમન મંત્રીઓ સાથે યુદ્ધ કરવા થનગની રહ્યા.

આ સમયે પ્રસન્નચંદ્રના આકરા તપથી પ્રભાવિત થયેલા મહારાજ શ્રેણિકે ભગવાન મહાવીરને પૂછયું, ''ભગવન્ ! અત્યારે પ્રસન્નચંદ્ર ધ્યાનની પરાકોટિએ છે. કદાચ આ સમયે તેમનું મૃત્યુ થાય તો કેવી ગતિ થાય ?''
ભગવાને કહ્યું, ''સાતમા નરકમાં જાય.''

ભગવાનના ઉત્તરથી શ્રેણિક વિચારમાં પડી ગયા. અરે ! સાધુને નરકની ગતિ હોય જ નહિ. પછી પ્રસન્નચંદ્ર મુનિની આવી દશા થાય જ કેવી રીતે ? શ્રેણિકે માન્યું કે કદાચ પ્રભુ એમની વાતને બરાબર સમજ્યા નહિ હોય.
થોડા સમય બાદ ફરી શ્રેણિકે ભગવાનને એ જ પ્રશ્ન કર્યો, ''હે પ્રભુ ! આ પ્રસન્નચંદ્ર મુનિનો અત્યારે દેહાંત થાય તો તેઓ કઇ ગતિ પામે ?''
ભગવાને કહ્યું, ''ઉત્મતોત્તમ દેવગતિને !''

શ્રેણિકના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમણે પૂછયું, ''ભગવાન ! માત્ર થોડા જ સમયના અંતરમાં આપે બે તદ્ન ભિન્ન ભિન્ન વાત કરી, એમ કેમ ?''

ભગવાને ઉત્તર આપ્યો. ''રાજન ! પ્રથમવાર તમે પૂછયું ત્યારે પ્રસન્નચંદ્ર દુર્મુખની વાતથી મનમાં ક્રોધથી ધૂંધવાતા હતા. પોતાના મંત્રીઓ પર વેર વાળવા તલસી રહ્યા હતા. એ સમયે હૃદયમાં રાજ માટે તુમુલ યુદ્ધ લડી રહેલા પ્રસન્નચંદ્ર નરકની ગતિ પામે તેમ હતા.

પણ પછી તરત જ તે સ્વસ્થ થઈ ગયા. પોતાના ઘોર માનસિક અપરાધનો ખ્યાલ આવ્યો. બસ, પછી પ્રસન્નચંદ્ર પશ્ચાતાપ કરવા જ લાગ્યા. હૃદયમાં ઊંડે ઊતરીને પશ્ચાતાપ કરવા માંડયા. જ્ઞાની પ્રસન્નચંદ્રે મલિન વિચારોને હૃદયમાંથી હાંકી કાઢીને ધ્યાનમાં સ્થિરતા મેળવી. ઉચ્ચ ગતિને યોગ્ય બની ગયા.

બરાબર આ જ સમયે તમે મને બીજીવાર પ્રશ્ન કર્યો, ને તેથી મેં ઉત્તમોત્તમ દેવગતિ પામશે એમ જણાવ્યું.''

એવામાં દુંદુભિનાદ સંભળાયો. ભગવાને શ્રેણિકને કહ્યું, ''રાજન ! જુઓ ! ઉત્કટ પશ્ચાતાપ કારણે પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. થોડીવારે વળી ભગવાને શ્રેણિકને કહ્યું કે મુનિ પ્રસન્નચંદ્ર મોક્ષ ગતિને પામ્યા છે.''

*ખંધક મુની*

જીતશત્રુ નામે એક ન્યાયપ્રિય રાજા હતો. તેને ધારીણી નામે ધર્મનિષ્ઠ રાણી હતી. તેમને એક ગુણવાન પુત્ર હતો. પૂર્વભવના ધર્મસંસ્કારોના પરિણામે તે રાજપુત્રનું મન ઘરમાં લાગતું ન હતું. એક દિવસ ગામમાં ધર્મઘોષસુરીજી મહારાજ પધાર્યા હતા. તેમનો ત્યાગમય ઉપદેશ સૌને ગમી ગયો. આ રાજપુત્રને પણ ગમી ગયો. વૈરાગ્યમય ઉપદેશ સાંભળી તેનું મન હવે સંસાર ઉપરથી ઉઠી ગયું. ઘરે જઈને તેણે માતા પિતા પાસે ચારિત્ર લેવાની અનુમતિ માંગી. તેઓએ રાજી ખુશીથી રજા આપી. રજા મળતા કુમારે દીક્ષા લીધી. તેમનું નામ ખંધક મુની.

મુનિવરે દીક્ષા લીધા પછી આત્મ કલ્યાણ કરવા છઠ્ઠ - અઠ્ઠમ જેવી ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી. તપશ્ચર્યાથી તેમનું શરીર સુકાઈ ગયું. ચાલતા અંદરના હાડકા પણ ખડ ખડ અવાજ કરવા લાગ્યા. તેઓને કોઈ પણ જીવ પર રાગ નથી કે દ્વેષ. એવા એ સમતા ધરનાર મુનિવર હતા. સંકટોને પણ એ હસ્તે મોઢે સહન કરી લેતા.

એક દિવસ વિહાર કરતાં કરતાં એમની બહેનના ગામમાં પધાર્યા. એમની બહેન આ ગામની રાણી હતી.સવારના સમયે બેન-બનેવી ગોખમાં બેઠાં બેઠાં રસ્તાના દેખાવો જોતાં હતાં. રાણીની નજર દૂરથી આવી રહેલા આ તપસ્વી મુનિવર પર પડી. ઘણાં વર્ષો પછી ભાઈ-બહેનનો ભુલાયેલો સંબંધ યાદ આવ્યો. ભાઈનું અત્યંત સુકાઈ ગયેલું શરીર જોઇને બહેનને ઘણું દુઃખ થયું અને આંખોમાંથી આંસુ સરી પડ્યાં. તેણીએ વિચાર્યુકે શું આજ મારા ભાઈ છે? પહેલાં તો મારા ભાઈનું શરીર કેવું હૃષ્ટ પુષ્ટ હતું, અને આજે હાડપિંજર જેવું થઇ ગયું છે! ચાલતા ચાલતા અંદરના હાડકાં પણ ખડ ખડ થાય છે.

રાણીની આંખોમાંથી અણધાર્યા આંસુ જોઈ રાજાને વહેમ પડ્યો. વિચાર કર્યા વગર ગુસ્સામાં આવીને રાણીને ખબર પડે નહિ તેમ સેવકોને હુકમ કરી દીધો કે 'જાઓ, આ સાધુની ચામડી ઉતારી લાવો.' રાજસેવકોએ તપસ્વી મુનિને રાજાની આજ્ઞા દુઃખિત મને કહી. મુની કોઈ પણ સંકટથી બીતા ન હતા.અણધારી આવેલી આ આફતથી જરા પણ ગભરાયા નહિ. પરીષહનો સમતાથી સામનો કરવા આત્માને સમજાવી દીધો અને ચામડી કાઢી આપવા તેઓ રાજીખુશીથી તૈયાર થઇ ગયા.

अरिहंते शरणं पवज्जामी ,
सिद्धे शरणं पवज्जामी ।
साहू शरणं पवज्जामी,
केवालिपन्नत्तं धम्मं शरणं पवज्जामी ।।

આ રીતે અરીહંત, સિદ્ધ, સાધુ, અને ધર્મ એ ચારેયનું શરણ અંગીકાર કરી, જીવ માત્રને ખમવી,તેમણે સમાધિ લગાવી.

રાજાની આજ્ઞાને આધીન થઈને રાજસેવકોએ મુનિની ચામડી ઉતારી. ને જાગ્રત મુનીએ પણ આત્માનું સર્વસ્વ સાધી ઊંચી ભાવનાથી કેવળજ્ઞાન મેળવ્યું ને તરત જ મુક્તિએ પણ ગયા. ફાટેલાં અને ઝરેલાં કપડાંને આપણે જેમ ત્યજી દઈએ છીએ તેમ આ મુનિવરે નાશવંત શરીરને છોડી આત્માની સ્વ-સ્વભાવની સિદ્ધિ પ્રાપ્ત કરી છેલ્લું મરણ સુધારી લીધું.

મુનિવરતો કાળધર્મ પામી મોક્ષે ગયા. પણ લોહીથી બગડેલી મુહપત્તિ તો ત્યાંજ પડી રહી. એને માંસ જાણી સમડીએ ઉપાડી, પણ ખાવાની વસ્તુ નથી, એ નકામી વસ્તુ છે, તેમ સમજીને તેને નાખી દીધી. જોગાનુજોગ તે મુહપત્તિ બરાબર રાજદ્વારે જ પડી. ભાઈની યાદ હજી ભુલાતી ન હતી, ત્યાં લોહીથી ખરડાયેલી મુહપત્તિ જોઇને બહેનને ખુબ આઘાત લાગ્યો. રાજસેવકો પાસેથી બધી વાત જાણી લીધી. ભાઈ-બહેનના સંબંધોની વાત જયારે રાજાને ખબર પડી ત્યારે તેને ખુબ પશ્ચાતાપ થયો. તરત રાણી પાસે જઈને રાજાએ કહ્યું "ના વિચારવાનું મેં વિચાર્યું, ના કરવાનું કામ મેં કર્યું, હવે મારો ઉદ્ધાર કેમ થશે?" આ બનાવથી રાણીનું મન વધુ વૈરાગ્યના માર્ગે વળ્યું. તેથી વૈરાગ્યના સુંદર શબ્દોથી રાજાને સંસારની અસારતા સમજાવી.

સાપ જેમ કાંચળી ઉતારે, તેમ રાજા-રાણીએ શુભ દિવસે સંસાર ઉપરથી મોહ ઉતારી નાખ્યો, અને રાજપાટ છોડી બેઉએ દીક્ષા લીધી, અને ઉગ્ર તપશ્ચર્યા કરી ભયંકર પાપકર્મોને ખપાવ્યા.આત્મશુદ્ધિનો ટૂંકો અને સરળ આ એક જ માર્ગ હતો. છેવટે તેઓ પણ શાશ્વત સુખના ભોક્તા બન્યા.

તપ - સંયમ અને સમતાના આદર્શસમા એ ખંધક ઋષિને કોટિ કોટિ વંદન!!!!!