Raja, Mathapati ne mantri in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | રાજા, મઠપતિ ને મંત્રી

Featured Books
  • અભિન્ન - ભાગ 5

    અભિન્ન ભાગ ૫ રાત્રીના સમયે પોતાના વિચારોમાં મગ્ન બની રાહુલ ટ...

  • કન્યાકુમારી પ્રવાસ

    કન્યાકુમારીહું મારા કન્યાકુમારીના  વર્ષો અગાઉ કરેલા પ્રવાસની...

  • હું અને મારા અહસાસ - 119

    સત્ય જીવનનું સત્ય જલ્દી સમજવું જોઈએ. જીવનને યોગ્ય રીતે જીવવા...

  • રેડ 2

    રેડ 2- રાકેશ ઠક્કરઅજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ ને સમીક્ષકોનો મિ...

  • ભાગવત રહસ્ય - 271

    ભાગવત રહસ્ય -૨૭૧   યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી...

Categories
Share

રાજા, મઠપતિ ને મંત્રી

રાજા, મઠપતિ ને મંત્રી

દામોદરે કલ્પનામાં નહિ દારેલું એવું ઘર્ષણ ઊભું થવાનો ભય એના દિલમાં વ્યાપી ગયો હતો. એ સોમનાથ પહોંચ્યો. પણ મહારાજનો પત્તો ન મળ્યો. ગુપ્તેશ્વરનું એક નાનું મનોરમ મંદિર થોડે દૂર જંગલમાં છુપાયેલું હતું. એટલે એ કોઈક રીતે વિનાશમાંથી બચી ગયું હતું. મા ધરતીના પેટાળમાં જાણે નાનકડા શિશુની માફક એ ત્યાં સૂઈ રહ્યું હતું.

દામોદરે વિચાર કર્યો, ંમઠપતિ, મહારાજ કે ચૌલાને જુદા જુદા મળવામાં એણે વાતને વળે ચડી જવાનો ભય દીઠો. એમાં ગેરસમજણ ને પણ અવકાશ હતો. બધાને ઘર્ષણ ટાણે એક સાથે મળવાથી જ પોતે કાંઈક રસ્તો કાઢી શકશે એમ એને લાગ્યું.

તે પોતે ગુપચુપ ગુપ્તેશ્વરના મંદિર ભણી જવા માટે નીકળ્યો. કોઈ એને ન દેખે માટે, એણે લંબાણવાળો માર્ગ પકડ્યો. જંગલમાં જઈને પછી ગુપ્તેશ્વરના મંદિર ભણી પાછો આવતો પગદંડીનો એક માર્ગ હતો. તેણે તે પસંદ કર્યો. તે ગુપ્તેશ્વરના મંદિરે પહોંચ્યોં. ત્યાં કોઈ આવ્યું ન હતું. મંદિરનાં દ્વાર બંધ હતાં. મંદિરની સામે ઊભો કરેલો નૃત્યમંડપ ખાલી હતો. દીપિકાઓ પ્રગટી ન હતી. વૃદ્ધ પૂજારી દેખાતો ન હતો. પૂજાને થોડી વાર લાગી.

દામોદરે મંદિરની ચારે તરફ ફરતો એક આંટો માર્યો. પાછળના ભાગમાં ક્યાંક શાંતિથી બેસાય તેવું સ્થાન એ શોધવા માંડ્યો. એક જગ્યાએ, મંદિરની તદ્દન જ નિકટમાં, બે-ચાર વૃક્ષો ઊભાં હતાં. ત્યાં એણે એક વિસામો દીઠો. કઠિયારાઓ માથેથી ભાર ઉતારવામાં એનો ઉપયોગ કરતા હોય તેમ લાગ્યું. વિસામાંની નીચે થોડી જગ્યા કોઈએ બેસવા માટે સાફ કરી હતી. દામોદરે ત્યાં જોયું તો એક તરફ ખૂણામાં નીચેની ભોં તરફ જતાં એક-બે પગથિયાં એની દૃષ્ટિએ પડ્યાં. એ ત્યાં નીચે જ અટકી જતાં હોય તેમ લાગતું હતું. દામોદરને આંહીં બેસવાનું ઠીક લાગ્યું. તે ત્યાં જઈને બેઠો. તેણે મંદિર તરફ દૃષ્ટિ કરી. મંદિરના બરાબર પાછલા ભાગમાં આ સ્થાન હતું. એટલે પોતે કોઈની દૃષ્ટિએ પડે તેમ ન હતો. વળી એ ઘણું જ નિકટમાં હતું. મંદિરની આગળ ચાલતી હિલચાલ થોડી થોડી આંહીંથી દેખાય તેવું હતું. દામોદરને અત્યારે આંહીં બેસી રહેવું ઠીક લાગ્યું. દીપમાળાઓ પ્રગટે, તૈયારી થાય, કાંઈક હિલચાલ દેખાય, એટલે પોતે આંહીંથી તરત જ ત્યાં પહોંચી શકે એવું હતું.

મઠપતિ ત્રિલોકરાશિ શી રીતે ચૌલાને નૃત્ય કરતાં રોકવાની આજ્ઞા આપશે, તે વિષે એને કાંઈ સ્પષ્ટ ખ્યાલ ન હતો. કદાચ ચૌલાને કહેવરાવી દીધું હોય. પણ ચૌલા ન મળી હોય, કે ન માને તો ? એટલે થોડા સાધુ બાવાઓ આંહીં આવી જાય ને મંદિરનો આવવા-જવાનો રસ્તો રોકી લે એ શક્યતા હતી. દામોદરને સમજણ ન પડી કે મહારાજ ભીમદેવ અત્યારે ક્યાં હશે અને શું કરતા હશે ? પણ એણે અનુમાન કર્યું કે એ આ ચિત્રમાં કોઈ ને કોઈ રીતે પ્રગટ થઈ જવાના - એટલું ચોક્કસ.

એ ત્યાં વિચાર કરતો ગુપચુપ બેઠો. એને બહુ વાર ખોટી થવું પડ્યું નહિ. થોડી વારમાં જ મંદિર તરફ કોઈક આવતું લાગ્યું. પૂજારી જ હોવો જોઈએ. તેણે વંદના કરીને વગાડેલા નાના ઘંટના પડઘા તરત સંભળાયા. દામોદર શાંત બેઠો રહ્યો.

બીજી એક-બે પળ ગઈ. ચારે તરફ દીપમાલાઓ પ્રગટતી જોવામાં આવી. પ્રકાશ રેલાવા માંડ્યો. મંદિર એકદમ સુરક્ષિત ને એકાંત સ્થાનમાં હતું. એટલે આંહીં શું થઈ રહ્યું છે, એ છેક નિકટમાં આવી ગયા વિના કોઈને ખબર પડે તેવું ન હતું. ભગવાન સોમનાથની કોઈ ને કોઈ પૂજા ચાલતી રાખવાની મઠપતિ મહારાજની ઇચ્છા, વગરહરકતે, તેથી જ, પળાતી લાગી.

મંદિર તરફથી શંખનાદ સંભળાયો. દામોદરે ઊભા થઈને શું છે તે જોયું. સાત-આઠ જટાધારી બાવાઓ આવી રહ્યા હતા. એ આવીને ત્યાં મંદિરના પગથિયે ઊભા રહી ગયા. દામોદરને લાગ્યું કે ચૌલાને રોકવાની આજ્ઞા મઠપતિ મહારાજે કદાચ એમને આપેલી હોવી જોઈએ.

થોડી વાર થઈ ને એક પાલખી આવતી દેખાણી. ત્રિલોકરાશિજી પોતે જ હોવા જોઈએ. દામોદરે દૃષ્ટિ કરી. મઠપતિ મહારાજની પાલખી પણ ત્યાં પગથિયાં પાસે થોભી ગઈ લાગી. મઠપતિ મહારાજ તેમાંથી ઊતરીને મંદિરમાં જતા દેખાયા. દામોદર સચિંત બની ગયો. મઠપતિ, મહારાજ, ચૌલા બધાં ઘર્ષણપંથે જતાં જણાયાં.

એટલામાં પોતે જ્યાં બેઠો હતો ત્યાં વિસામાના પાછળના ભાગમાં એણે કાંઈક ખખડાટ થતો સાંભળ્યો. પોતે બેઠો હતો ત્યાં એક તરફના ખૂણામાં નીચે ભોંમાં પ્રવેશતાં હોય તેવાં બે-ચાર પગથિયાં એણે જોઈ લીધાં હતાં. આ અવાજ થતાં, એના તરફ એણે વધુ બારીકીથી જોયું. નીચે પણ કાંઈક ખંડ જેવું દેખાતું હતું. પગથિયાં ત્યાં જ અટકી જતાં હોવાં જોઈએ. કોઈકે જંગલી પશુઓથી રાત્રિરક્ષણ માટે આ યોજના કરેલી હોય તેમ જણાતું હતું. દામોદરે ત્વરાથી પગથિયાંનો લાભ લેવાનો વિચાર કર્યો. તે પોતે આંહીં બેઠો છે એ વાતનો પણ પત્તો ન લાગે.

અવાજ કોનો હતો તે એને સમજાયું ન હતું. પણ કોઈકે ત્યાં ઘોડો થોભાવ્યો હોય એવી એને ભ્રાંતિ થઈ. એને મહારાજ ભીમદેવ આવી પહોંચ્યાના ભણકારા વાગી ગયા. તે ત્વરાથી ખૂણામાં પહોંચી ગયો. બે-ત્રણ પગથિયાં નીચે ઊતરીને બેસી ગયો.

એને તરત જ પોતાની ભ્રાંતિ સાચી પડતી જણાઈ. પોતે જ્યાંથી હમણાં જ આ બાજુ છુપાઈ જવા માટે ત્વરા કરી હતી, તે જ જગ્યા તરફ મહારાજ ભીમદેવ પોતે આવતા એની નજરે ચડ્યા.

દામોદરે મઠપતિને આવતા જોયા. આ રાજા પણ આંહીં આવ્યો હતો. હવે ચૌલા આવવાની. એણે સચિંત નેને એક પ્રકારની ઘર્ષણ સામગ્રી તૈયાર થતી નિહાળી. હજી એને સ્પષ્ટ ખ્યાલ આવ્યો ન હતો. પણ કોઈ રીતે કોઈક તણખો આમાં પડે તેટલી જ વાર ભડકો થવાને હતી, એટલું એ સમજી ગયો હતો. પોતાને શી રીતે આ ઘટનામાં વર્તવાનું છે. એ કાંઈ સમજાતું ન હતું. છેલ્લી પળે કાંઈક રસ્તો નીકળશે એવી આશા એ રાખી રહ્યો હતો.

એટલામાં મંદિરમાંથી આવી રહેલા અવાજો એને કાને પડવા મંડ્યા. એણે મહારાજ ભીમદેવ તરફ દૃષ્ટિ કરી. તે ત્યાં કોઈની રાહ જોવા માટે બેઠા હોય તેમ લાગતું હતું. દામોદરે મંદિર તરફ જોયું. ત્યાં પ્રગટેલા અનેક દીપોને લીધે એની શોભા અનોખી બની ગઈ હતી. બધે પ્રકાશ રેલાતો હતો. એના અજવાળામાં બધું હવે સ્પષ્ટ જણાતું હતું. થોડી વારમાં મંદિરના પાછળના ભાગમાં ચોક ફરતા દીપકો મુકાઈ ગયા. તેનો વધુ પ્રકાશ રેલાતાં વધુ સ્પષ્ટપણે બધું દેખાવા માંડ્યું. દામોદરે મહારાજને બરાબર નીરખ્યા. તે કોઈકના આવવાની રાહ જોતા હોય તેમ રસ્તા ઉપર દૃષ્ટિ રાખી રહ્યા હતા.

મહારાજ કોની રાહ જુએ છે તે જાણવા માટે પણ દામોદર મહેતાને લાંબું થોભવું પડ્યું નહિ. થોડી વારમાં જ એક રૂપાળો, તેજસ્વી, જોતાં જ મનમાં બેસી જાય તેવો, આકર્ષક, મનોહારી જુવાન દેખાયો. મંદિરના પાછળના ભાગમાં મુકાયેલા અનેક દીપોનો પ્રકાશ આ બાજુ રેલાઈ રહ્યો હતો. એ પ્રકાશ જુવાનના ચહેરા ઉપર અકસ્માત એવી રીતે આવી ગયો હતો કે એનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. દામોદર એને જોઈ રહ્યો. તેના માથા ઉપરના મુલાયમ રેશમ જેવા કાળા લાંબા કેશ, પાછળ વાંસા ઉપર છુટ્ટા પથરાયેલા પડ્યા હતા. એની આંખો જાણે અમીકૂંપી મુકાઈ હોય તેમ એક પ્રકારની મધુરતા રેલાઈ રહી હતી. દામોદરે તેના ચહેરા તરફ જોયું. એનો ગૌર, તેજસ્વી, સુંદર, આકર્ષક ચહેરો, જોતાં જ આંખમાં વસી જાય તેવો મોહક હતો, પણ એક પ્રકારની એવી અદૃશ્ય કરુણ છાપ ઊઠતી હતી કે દામોદરના દિલમાં, કોણ જાણે ક્યાંથી, આ જુવાનને જોતાં, ન સમજી શકાય એવો વિષાદ આવી ગયો. કોઈ વહાલસોઈ માતાએ છેલ્લી વિદાય આપતાં મૂકેલું એના ચહેરા ઉપરનું પ્રેમનું આંસુ હજી પણ ત્યાં બેઠેલું દેખાતું હતું ! એના સુંદર ચહેરામાં એક આછી કરુણ રેખા સ્પષ્ટ-અસ્પષ્ટ અંકિત થયેલી હતી. દામોદરને છાતીમાં કોઈએ અદૃશ્ય ચોટ લગાવી હોય તેવું થઈ ગયું. તે કાંઈ સમજી શક્યો નહિ. એ આ અનુભવે ચમકી ગયો. ખુદ ધરતીને પોતાને જન્મ લઈને ઘડીભર મા થવાનું મન થઈ આવે એવો, આ રૂપાળો જુવાન કોણ હોઈ શકે, એ વિષે તત્કાલ અનુમાન પણ કરી શક્યો નહિ. એણે એને ક્યાંય જોયો હોય એમ જણાયું નહિ. પણ એને ત્યાં આવેલો જોઈને ખુદ મહારાજ ભીમદેવ પોતે, જાણે મનથી ઊભા જેવા થઈ ગયા. એ જોઈને દામોદરનું મન વધારે વિચારમાં પડી ગયું. એના કપાળમાં શોભી રહેલું ચંદન ચર્ચિત ત્રિપુંડ એને કોઈ પૂજારી હોવાનું જણાવતું હતું. કદાચ એ આંહીં અત્યારે પૂજા માટે જ આવ્યો હોય. પણ તો મહારાજ આટલા માનથી, એની સામે ઊભા રહે નહિ. કેવળ મઠપતિ મહારાજને અપાતું માન મહારાજે આ જુવાન પ્રત્યે બતાવ્યું હતું એ નવાઈ જેવું હતું. દામોદરને કાંઈ સમજ પડી નહિ. સોમનાથના પૂજારીને એ ઓળખતો હતો. પણ એ વૃદ્ધ હતો, આ તો જુવાન હતો. એણે એને એક વખત ફરીને નિહાળ્યો. સોમનાથ મહાદેવના કૈલાસધામના કોઈ શંકરગણ સમો એ દેખાતો હતો. એ જ ગૌરવ અને ભક્તિ એણે ત્યાં જોયાં. એ ત્યાં આવીને ઊભો રહી ગયો હતો.

એની ડોકમાં રુદ્રાક્ષની માળા પડી હતી. બંને હાથમાં પણ એણે રુદ્રાક્ષનાં કંકણ પહેર્યાં હતાં. જમણા હાથમાં ધારણ કરેલા રુદ્રાક્ષના બેરખા ઉપર એની આંગળીઓ ફરી રહી હતી. એ નમઃ શિવાયનો જાપ જપી રહ્યો હતો. બીજા અનેક હોઠમાંથી એવા જાપ નીકળતા દામોદરે જોયા હતા. પણ આંહીં તો એની આસપાસમાંથી કોઈ હવા પ્રગટતી જણાતી હતી. એ ત્યાં ઊભો હતો. પણ એને જોતાં જ લાગે કે આ એક પૂજારી આંહીં એવો હતો, જેણે ભગવાન શંકરનાં તમામ રૂપો પોતાના અંતરમાં ઉતારી દીધાં હતાં.

એ જેટલો ભક્ત દેખાતો હતો, એટલો વિનમ્ર જણાતો હતો. હિમાલયની રંગશોભા જેવી રમણીયતા એના દેહમાં દેખાતી હતી. તો ભગવાન ધૂર્જટિની કઠોરતા પણ ત્યાં હતી. અમીકૂંપી ધારી રહેલી એની મધુર આંખમાં જ દામોદરે ભયંકર નિશ્ચળતાના પ્રતીક સમી ભૈરવી ભીષણતા ફરતી જોઈ. અને એ ચમકી ગયો ! પળ બે પળમાં પ્રગટતા આવા જુદા જુદા ભાવ જોતાં એને નવાઈ લાગી. ભગવાન શંકર આ રૂપે તો આવ્યા ન હોય ? એને ઘડીભર શંકા થઈ ગઈ. પણ એ થઈ તેવી જ ઊડી ગઈ. રાજા ભીમદેવ પોતે એને કાંઈક કહેતો સંભળાયો. ‘પંડિતજી મહારાજ ! ધૂર્જટિજી ! મેં પણ નિશ્ચય કર્યો છે, તમારી સાથે આવવાનો !’

દામોદર જુવાનનું નામ સાંભળતા છળી ગયો. મહારાજનો નિર્ણય સાંભળતાં એ ધ્રૂજી ઊઠ્યો. ‘અરે ! ત્યારે આ તો એ જ પંડિત ધૂર્જટિ લાગે છે.’ દામોદરે એ વીરને મનભર નીરખી લેવા ફરીને એક વખત એના તરફ જોયું. પણ આ વખતે પંડિતના ચહેરા ઉપર શિશુનું હાસ્ય રમી રહ્યું હતું !

પણ મહારાજનો નિર્ણય સાંભળતાં દામોદરનો જીવ તો તાળવે ચોટી ગયો હતો. એ શાંત બનીને ગુપચુપ બેઠો જ રહ્યો. એણે જરાય હિલચાલ કરવી બંધ કરી દીધી. તે અક્ષરેઅક્ષર પકડવા અધીર બની ગયો.

મહારાજ બોલ્યા હતા : ‘મઠપતિજી મહારાજ કહે છે, અને એવા ત્રિકાલજ્ઞ પુરુષ જે બોલે તે કેમ મિથ્યા હોય ?’

‘શું કહે છે મઠપતિજી મહારાજ ?’

‘તમારાથી ક્યાં અજાણ્યું છે ? મઠપતિ મહારાજ કહે છે, દેવનર્તિકા ચૌલાના અધમ અપરાધી નૃત્યની છાયા, ભગવાન સોમનાથ ઉપર પડી ગઈ, ભગવાને વિદાય લીધી ! આજે એટલા માટે ગુરુઆજ્ઞા થઈ ગઈ છે કે આંહીં હવે ચૌલાનું નૃત્ય ન હોય. તમે કાશ્મીરના મહાશાસ્ત્રજ્ઞ પંડિત છો. તમારી સોમનાથભક્તિ જાણીતી છે. તમે મને રસ્તો બતાવો. હું સોમનાથનો અદૃશ્ય અપરાધી ગણાઉં ખરો ? તો મારે મારો દેહ આપવો રહ્યો. એ વાતની કોઈ નવાઈ પણ નથી. હું તમારી સાથે આવવાનો છું પંડિતજી ! આપણે ઊપડીએ, અમારાં લાવલશ્કર તો વખત લે. મારે તો ભગવાનના અપરાધમાંથી તરત છૂટવું છે.’

ભીમદેવને આંહીં ચૌલાના નૃત્ય માટે આવેલો દામોદરે કલ્પ્યો હતો. એમાં કદાચ મઠપતિ સાથે ઘર્ષણ પ્રસંગ થઈ બેસે એ શક્યતા પણ એણે જોઈ હતી. પણ આંહીં તો આ રણરંગી જોદ્ધાની સોમનાથભક્તિએ ત્રીજી જ વાત બતાવી.

ભીમદેવ પોતે જ, હવે પંડિતજી સાથે જવા માગતો હતો. કદાચ એને ત્રણ વીરોનું સમર્પણ ડોલાવી ગયું હોય; કે વખતે દેવનર્તિકાની કલ્પનામાંથી એ પોતાના પ્રેમની વિફળતા જોઈ ગયો હોય. એટલે એ આ રસ્તે ગયો હોય.

દામોદરે પંડિતજીની ભીષણ વાત સાંભળી હતી. મહારાજ ભીમદેવનો રેતીમાં દટાઈ જવાનો સંકલ્પ એને ધ્રુજાવી ગયો. મહારાજના ચિત્તમાં હજી પણ બળી રહેલા પરાભવની જ એ ચિનગારી હતી કે બીજી કોઈ વાત હતી ?

પંડિતજીનો શું જવાબ આવે છે તે જાણવા એ અધીરો થઈ ગયો. પંડિતજી બોલ્યા, દામોદરે એમના એ સ્વરની મીઠાશ માણી હતી, પણ અત્યારે તો એનું મન એ મીઠાશ માણવા જેટલું મુક્ત ન હતું. છતાં પણ એ એના શબ્દે શબ્દે ડોલી ઊઠતો હતો. પંડિતજી બોલતા હતા : ‘મહારાજ ભીમદેવ ! મેં સર્વ શાસ્ત્ર જોયાં છે. એ શાસ્ત્રઆજ્ઞાને ન માનનારાઓ સામે ધર્મજુદ્ધ ચલાવવાનો કાંઈ અર્થ નથી. ધર્મજુદ્ધ ભારતખંડમાંથી હવે અદૃશ્ય થાય છે. કેવાં ભયંકર ને ભીષણ જુદ્ધો આવશે, એનો કાંઈક ખ્યાલ, મારી આ રણરેતની ભોમિયાગીરીમાંથી બધાને મળી રહો ! એ સિવાય બીજી કોઈ મહેચ્છા મને રહી નથી. ભગવાન શંકરનો ડમરુ-બજંત, કાલખંજરીશબ્દગાજંત, મારે કાને રાત અને દિવસ આથડે છે. મહારાજ ! આ કોઈ દેખાદેખીથી કરવાની વસ્તુ નથી. તમારા દિલના પશ્ચાત્તાપના અગ્નિ માટે પણ આ નથી. લૌકિક પ્રેમની નિરાશામાંથી ઊપજતા ભાવને આમાં સ્થાન નથી. પરાજ્ય કલંકમાંથી બચવા માટે પણ આ નથી. આ તો કેવળ કૈલાસધામથી આવતી ભૈરવનાદી હવા છે. કેવળ એ કૈલાસી હવા મને પ્રેરે છે. પ્રભુ ! આમાં તમારું કે બીજાં કોઈનું કામ નથી. અમે ત્રણ બસ છીએ. હું છું, ધ્રુબાંગ છે, ધિજ્જટ છે. અમને સિંધના રણરેતનો ખ્યાલ છે. તમે જે કરો છો તે કરો. સાંઢણીદળ તૈયાર કરો. પણ જુઓ, તમારા મંત્રીશ્વરમાં જો શક્તિ હોય...’

દામોદર વધારે એકાગ્ર થઈ ગયો.

‘તમારા મંત્રીશ્વરમાં જો સમજવાની શક્તિ હોય, તો ગર્જનકની સામે હમણાં જુદ્ધ માંડી વાળે. પણ એની ભૂમિકા સ્થાનેશ્વર હાંસી મુલતાન - ત્યાં સ્થપાઈ છે. પહેલાં એ ઉખેડી નાખવા મથે !’

‘ત્યાં જઈને ?’

‘હા, ત્યાં જઈને. પણ માત્ર તમારા એકના જવા ન જવાથી કાંઈ નહિ થાય. મેં રાજા કુલચંદ્રને, તમામ સ્વજનોને હણી, અને પછી પચાસ હજાર સૈનિકો સાથે રણમાં પડતો જોયો છે. એ કરુણતા ને ભીષણતા મારી આંખમાં હજી બેઠાં છે. મેં ત્રિલોચનપાલને જોયો છે. મેં બીજા અનેકને જોયા છે. પણ મહારાજ ! એ બધાં જ જુદ્ધ, અર્થહીન છે. જુદ્ધ એક જ હોઈ શકે. તમે બધા આંહીંથી ઊપડો. ભોજરાજ, હૈહયરાજ, નડુલરાજ, અર્બુદપતિ, બધા જ ઊપડો. સમશેર હવે તમારા ઉપર આવવાની છે. અને ત્યાં ઉત્તરાખંડની સાથે મળીને એક *જુદ્ધ ખેલો. એ જુદ્ધ તમને બચાવે. ઉત્તરાખંડે એના ઘા સહ્યા છે. એ તમને દોરશે. એની દોરવણી તમે લેશો તો તમે ફાવશો. તમે તમારી જાતને ઘડીભર ગાળી નાખો, મહારાજ ! આ તુરુષ્ક સામે યુદ્ધનો આ એક માર્ગ છે. પણ આંહીં તો ત્રિલોચનપાલને, એનાં સગાંઓએ પરાજય વેઠવા માટે હણ્યો, એવી વાત ચાલી છે. તમારો મંત્રીશ્વર આ કરે. અને મેં સાંભળ્યું છે એ જ એવો માણસ છે જે આ કરે. બોલો મહારાજ ! મારું બીજું શું કામ હતું ?’ ‘તમે ક્યારે જવાના છો ?’

‘અમે ? અમે ત્રણે જણા, ગમે તે પળે ઊપડવા માટે તૈયાર જ બેઠા છીએ ! અમારી તૈયારી ચાલે છે !’

દામોદરને પ્રગટ થઈ જવા માટે આ જેવી તેવી ઘડી ન લાગી. એ પ્રગટ થઈ જાત, પોતાની જ યોજનાના આ વીર લડવૈયાઓને એ નીરખી લેવા માગતો હતો. જે જાતના વીરો મેળવતાં એને આકાશપાતાળ એક કરવાં પડત, તે જાતના વીરો ભગવાન સોમનાથના મંદિરની હવામાંથી ઊભા થતા જોઈને, એની છાતી ગજગજ ઊછળી રહી હતી. એને થતું હતું કે સોમનાથની ભૂમિમાંથી કોઈ જ ન નીકળ્યો, એમ હવે કોઈ નહિ કહી શકે.

પણ એને હજી મહારાજ ભીમદેવ વિષે જાણવું હતું. એટલે એ શાંત રહ્યો. ભીમદેવ મહારાજ બે ડગલાં આગળ વધ્યા. તેણે ધૂર્જટિના ખભા ઉપર

*પરમદેવ તે ભીમદેવ એમ ગંગુલીએ કહ્યું છે. ને આ પરમદેવે વિ. સં. ૧૦૯૯ (ઈ.સ. ૧૦૪૩)માં અનેકની મદદથી હાંસી, થાણેશ્વર વગેરે ઠેકાણે વિજય મેળવેલો. ભીમદેવનો હમ્મુક વિજય, અને નડુલ, માળવા, ચેદી કલ્યાણનો ચૌલુક-એ બધાએ મેળવેલા, લગભગ સમકાલીન તરુષ્કવિજયો આવા કોઈ મહાન સંઘયુદ્ધની શક્યતા બતાવે છે.

હાથ મૂક્યા. એની આંખમાં આંખ પરોવી. મહારાજના ચહેરા ઉપર નજર પડતાં દામોદર ધ્રૂજી ઊઠ્યો. મહારાજના ચહેરામાં કેવળ મરી છૂટવાની અસહ્ય તમન્ના હજી પણ સ્પષ્ટ દેખાતી હતી. એને માત્ર એક જ વાત સમજાતી ન હતી. શી રીતે મરવું ! તેણે ધૂર્જટિને કહ્યું : ‘પંડિતજી ! દામોદર મંત્રીરાજ તમે કહ્યું તેવા જ છે. એને પણ આ જ સ્વપ્ન છે, એણે એ મને ઘણી વખત કહ્યું છે. અત્યારે મને એ જ રોકી રહ્યો છે. પણ એ દુર્લભસેન મહારાજને પાછા પ્રગટ કરવા મથે છે. એમ બને તો મને લાગે છે, એની યોજના બરાબર પાર પડે. આપણે ગર્જનકને આડે પંથે દોર્યો હોય, એ હેરાન હેરાન થઈ જાય, ભગવાનનું વેર લેવાઈ જાય. આપણા ભલે ત્યાં પાળિયા થઈ જાય, કે નામશેષ વિનાની રેત થઈ જાય. પંડિતજી ! મને મહારાજ મૂલરાજદેવ સાંભરે છે. દુનિયાને છોડતાં જાણે ગામતરે જતા હોય તેમ, પગને અંગૂઠેથી અગ્નિ લાગ્યો ને એ હસતા હસતા ખાખ થઈ ગયા. પણ પોતાની નબળાઈનું પ્રાયશ્ચિત્ત કર્યે રહ્યા ! કેવા અદ્‌ભુત દાદા ! કેવો એ જમાનો ? વલ્લભરાજ મહારાજ ! યોગરાજ ચાવડો આંહીં બળી મર્યો ! ચામુંડરાજ ગયા ! દુર્લભસેન મહારાજ, મારા પિતા નાગરાજ મહારાજ, ફોઈબા વાચિનીદેવી, કોઈને રાજ વૈભવ-રાજગાદી તજતાં એક ક્ષણ પણ લાગી નહિ. મને એ બધાં સાંભરે છે. મારે પણ આ બધું તજી દેવું છે. લાંબી મુદતે ફળે એવું જુદ્ધ પણ મને હવે કંટાળાજનક લાગે છે. મને તો વીરનું મરણ મળે એટલે બસ. એથી વિશેષ ઇચ્છા મને હવે રહી નથી !’

‘મહારાજ ! તમને કાંઈ જ છોડવાનો અધિકાર નથી.’ પંડિત બોલ્યો : ‘તમારે શું સોમનાથનું મંદિર રચવાનું નથી ? એ કોણ રચશે ? તમારે જુદ્ધ ખેલવાનું નથી ? એ કોણ ખેલશે ? તમારે તો મહારાજ ! દેવનર્તિકાને મહારાણીદે સ્થાપીને, નવી જ પ્રણાલિકા પાડવાની છે !’

‘પણ મઠપતિજી મહારાજ તો સોમનાથનું પતન એમાં જુએ છે, એનું શું ?’

‘એને એમ દેખાતું હશે. મને આમ દેખાય છે. એની વાત બરાબર છે. દેવનર્તિકા દેવની જ હોઈ શકે. પણ એ પછી થઈ રહેશે. એ વાત સમય લેશે. મહારાજ ! તમને નર્તિકા જ એ વાત બતાવી દેશે. એ કહે તેમ કરો. પણ મહારાજ ! અમને એ વાતમાં હવે રસ રહ્યો નથી. અમને પેલી રેતની વાતો પૂછો !’

મહારાજ ભીમદેવની દ્વિધાવૃત્તિની છાયા દામોદર દેખી રહ્યો. છેવટે એમને ચૌલાની વાતથી નવો ઉત્સાહ પ્રગટ્યો હોય તેમ તે બોલી ઊઠ્યો : ‘પંડિત ધૂર્જટિજી ! ત્રિલોકરાશિ મઠપતિ જે કહેવું હોય તે ભલે કહે, આખી દુનિયા સામે થઈને પણ ચૌલાનું નૃત્ય તો થશે, થશે ને થશે. હું ત્યાં મંદિર તરફ જાઉં છું. તમે પછી આવજો...’

રાજા ભીમદેવ આગળ વધવા જતો હતો; પણ ત્યાં એને કાને શબ્દો પડતાં, તે હતો ત્યાં થંભી ગયો.

મંદિરમાંથી ઘેરો, ગંભીર, આજ્ઞાધારીનું ગૌરવ ધારણ કરી રહેલો ત્રિલોકરાશિનો અવાજ આવતો હતો : ‘અઘોરરાશિજી ! એ કોણ છે ? ચૌલા ? પેલી દેવનર્તિકા ? એને કહી દો, ભગવાન શંકર પાસે નૃત્ય કરવાનો એણે અધિકાર ગુમાવ્યો છે !’