The Play - 12 in Gujarati Fiction Stories by Hiren Kavad books and stories PDF | The Play - 12

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

The Play - 12

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

મેઘ દ્રશ્યપાન કરે છે. નવ્યા એનાં સપનાંમાં આવે છે. એને અલગ અલગ જગ્યાએ લઇ જઇને વાસ્તવિકતા નજીક લઇ જવા પ્રયત્ન કરે છે. પરંતુ મેઘ પણ એને અમુક જગ્યાઓએ લઇ જાય છે અને શું વાસ્તવિકતા છે એના પર પ્રશ્ન કરે છે. વર્ષો સુધી એને દ્રશ્યપાન હેઠળ રાખવામાં આવે છે. એ જાગે છે. એનું શરીર વૃદ્ધ થઇ ચુક્યુ હોય છે. આસપાસ લોકોનાં ટોળા છવાઈ જાય છે. એનો એક જ પ્રશ્ન હોય છે. એ ક્યાં છે? કોણ છે?. હવે આગળ

12. સાધુ

એણે આંખ ખોલી નાખી. બધી જ મુંજવણ વચ્ચે એને અમુક ધુંધળી સ્મૃતિઓ હતી અને અમુક પ્રશ્નો. હું ક્યાં છું? હું કોણ છું? આ દ્રશ્યો શું છે? હજારોની ભીડને જોતા એ હસવા લાગ્યો. એના મોંમાંથી ખખડાટ હાસ્ય વહી રહ્યું હતુ. બધા આશ્ચર્યથી જોઇ રહ્યા હતા કે આ શું થઇ રહ્યુ છે. એ હસતો રહ્યો. હસતો રહ્યો. એણે આસપાસનાં બધા લોકોનાં ખભા પર હાથ રાખીને હસવાનું શરૂ રાખ્યુ. લોકોએ એની સામે પાણી ધર્યુ, ફળો આપ્યા. એણે ખાધા પછી પણ હસવાનું બંધ ન કર્યુ. એ સતત હસી રહ્યો હતો. કેટલીય ઘડીયો હસતો રહ્યો. આખરે થોડીવાર પછી એણે પાણી પીધુ અને એણે ચહેરા પર સ્મિત આપીને પોતાના ચહેરાનેં આરામ આપ્યો. આસપાસ ઘણા કબીલા વાસીઓ હતા.

‘બાબા જીવન શું છે, એનો અર્થ શું છે.’, એક કબિકાની યુવતીએ પૂછ્યુ. ફરી એ હસવા લાગ્યો.

***

કેટલાંક વિદેશીએ એની સામે સંગિતના વાજિંત્રો વગાડી રહ્યા હતા. એ માણી રહ્યો હતો. એને સહેંજ પણ ખયાલ નહોતો કે કેટલો સમય વિત્યો હતો. પરંતુ ચારેતરફ વાતો થઇ રહી હતી કે બાબા વર્ષોથી સમાધીમાં હતા. એમના માટે એક ચિલ્લમ તૈયાર કરવામાં આવી.

‘અમે તમને સાધુબાબા કહીને બોલાવીએ છીએ.’, એ આદિવાસી યુવાને ચિલ્લમ આપતા કહ્યુ. સાધુ હસ્યો અને મસ્તીમાં લાંબો કશ ખેંચ્યો.

‘જે બોલાવો તે ચાલશે.’, એણે હસીને કહ્યુ. થોડીવાર સુધી ત્યાં વાર્તાલાપ ચાલતો રહ્યો. ચિલ્લમનોં છેલ્લો કશ માર્યો અને અચાનક એ ઉભો થયો. એ પોતાના કુબાની બહાર નીકળ્યો અને ટેકરી નીચે ઉતરવા લાગ્યો. બધા એની પાછળ એની સેવા કરતા દોડ્યા.

ખર્વ અને નિખર્વ બે યુવાન એને દોરી રહ્યા હતા. પણ સાધુ તો ચાલી જ રહ્યો હતો. લોકોના ટોળેટોળા સાધુની સામે દંડવત કરી રહ્યા હતા. એનો વેશ અલગારી હતો. લાંબા વાળા, લાંબી સફેદ દાઢી, માત્ર એક ધોતી અને ચહેરા પર મસ્તી. એ બાવો ચાલી જ રહ્યો હતો, કબીલો પૂરો થવા આવ્યો. પરંતુ એણે ચાલવાનું શરૂ જ રાખ્યુ.

‘તમારે ક્યાં જવુ છે?’, ખર્વ બોલ્યો.

‘કોને ખબર.’, એ હસીને બોલ્યો.

‘આપડે કબીલા તરફ જવુ જોઇએ.’, નિખર્વ બોલ્યો.

‘તો જાઓ.’, એણે ખુબ નિકાલસતાથી કહી દીધુ. ખર્વ નિખર્વ કંઇ બોલી ના શક્યા. એમના મનમાં એના કબિલાની ચિંતા હતી. સાધુ જતા રહેશે તો બધાનું શું થશે? સાધુની પાછળ જ કબીલાનું મોટું ટોળું ચાલી રહ્યુ હતુ. સાધુએ પાછળ જોયુ અને એ ઉભો રહ્યો.

‘આમ ક્યાં સુધી ચાલતા રહેશો?’, ખર્વએ વિનમ્રતાથી પૂછ્યુ.

‘જ્યાં સુધી ચાલવુ હશે ત્યાં સુધી.’, એણે હસીને કહ્યુ.

‘આ કબીલાને ના છોડો. અમારૂ શું થશે?’,

‘જે થવાનું હશે એ.’, એણે ફરી હસીને જવાબ આપ્યો. કબીલાના એક વૃદ્ધ આગળ આવ્યા.

‘ખર્વ નિખર્વ’, તમે બન્ને સાથે જાઓ. એમણે આવીને કહ્યુ. એક પોટલામાં ભોજન ભરવામાં આવ્યુ. એક નાની પોટલીમાં દ્રશ્યપાન અને કેટલાંક સુકા પાંદડાઓનો ડુંચો ભરવામાં આવ્યો. સાધુને વિદાય આપતા આપતા લોકોનીં આંખોમાં પાણી આવી ગયા. સાધુએ કરૂણાથી લોકોના માથા પર હાથ ફેરવ્યો અને અમુકનાં માથાંને ચુમ્યા. લોકોએ ધન્યતા અનૂભવી. ખર્વ નિખર્વ અને સાધુ ચાલી પડ્યા. ક્યારેક સાધુ આગળ ક્યારેક ખર્વ નિખર્વ આગળ, ક્યારેક સાધુ વચ્ચે અને ખર્વ નિખર્વ બાજુમાં તો ક્યારેક ખર્વ નિખર્વ આગળ પાછળ અને સાધુ વચ્ચે. એ દિવસે સાધુ સાંજ પડી ત્યાં સુધી ચાલતો જ રહ્યો. આખા રસ્તે એ કંઇજ નહોતો બોલ્યો. કુતુહલતાથી એ રસ્તાને તાકતો રહ્યો અને હસતો રહ્યો. એની નજરો ક્યાંય ભમતી નહોતી. જ્યાં પણ જોઇ રહ્યો હતો એને નવીનતા જ લાગી રહી હતી જાણે. એક બાળક કોઇ વસ્તુને પહેલીવાર જોઇ રહ્યુ હોય.

સાંજ પડતા નદિ કિનારેના એક મોટા વૃક્ષ નીચે એ લોકો વિરામ માટે ઉભા રહ્યા. ખર્વ નિખર્વએ એક લાંબુ આસન પાથર્યુ. સાધુએ ત્યાં લંબાવ્યુ. ખર્વ નિખર્વએ પોટલાં માંથી થોડા ફળો કાઢ્યા અને સાધુને આપ્યા. એણે અડધા ખાઈને ખર્વ નિખર્વને પાછા આપ્યા જે બન્નેએ ખાધા. સુર્ય ઢળી રહ્યો હતો. સાધુનાં ચહેરા પર એ જ કુતુહલતા એ જ આશ્ચર્ય અને એ જ પ્રસન્નતા હતી. સુર્ય ઢળ્યો.

***

ત્રણેયે આરામ કર્યો. રાત્રીનું ભોજન કર્યુ અને સાધુએ લંબાવ્યું. ખર્વ સાધુનાં પગ ચાંપી રહ્યો હતો. નિખર્વ સાધુનાં હાથ દાબી રહ્યો હતો.

‘બાબા ઘણા બધા પ્રશ્નો છે.’, ખર્વ બોલ્યો.

‘બેટા પ્રશ્નો તો હજુ મારા પણ નથી શમ્યા.’, સાધુએ કહ્યુ.

‘બાબા તમે તો બધુ જ જાણો છો.’, નિખર્વ બોલ્યો.

‘ના એ તમારો ભાવ છે. જો મેં જાણ્યુ હોત તો મને નથી લાગતુ હું આવી રીતે તમારી સાથે વાતો કરી શકતો હોત. જેટલુ જાણ્યું છે કે સમજાયું છે એ પછી શબ્દો કામ નથી કરતા. અને હજુ તો હું બોલી જાણું છું.’

‘બાબા કહેવાય છે કે તમે ૧૫૦ વર્ષોથી સમાધીમાં હતા. અમને કહેવામાં આવ્યુ હતુ કે તમને રોજ દ્રશ્યપાન કરાવામાં આવે. અમે તો આજ દિવસ સુધીમાં એક જ વાર દ્રશ્યપાન કર્યુ છે. જે અમારો અલૌકિક અનૂભવ હતો. પરંતુ તમે તો પ્રતિદીન દ્રશ્યપાન કર્યુ છે. તમારા અનૂભવો અમને કહો.’

‘ખર્વ… નિખર્વ… કોઇ જ સ્મૃતિ નથી. એક સ્મૃતિ છે જેમાં અમુક સ્થળો છે અને કોઇક સ્ત્રી છે. દ્રશ્યપાને મારા બધા જ દ્રશ્યો મંદ કરી નાખ્યા છે. મને તો એ પણ ખબર નથી કે હું છું કોણ. ક્યાંથી આવ્યો છું. ક્યાં જવાનું છે? આટલા વર્ષોથી જીવીત કેમ છું. મને વારંવાર પેલા દ્રશ્યો જ કેમ દેખાય છે?’, સાધુએ ખુબ જ શાંતિથી કહ્યુ.

‘બાબા. આ પરિસ્થીતી તો અમારી પણ છે.’

‘આપણે બધા એક જ માર્ગનાં યાત્રી છીએ. કોઇ ભેદ નથી.’, સાધુએ નિખર્વ તરફ જોતા કહ્યુ.

‘તો કરવાનું શું?’, ખર્વ બોલ્યો.

‘અનંત બ્રહ્માંડમાં અનંત કાળ સુધી ભટકવાનું.’, સાધુએ તારા જડીત આકાશ તરફ નજર નાખતા કહ્યુ.

‘એકલા ભટકવું, ખોજ કરતુ રહેવું એ માનવ સ્વભાવ રહ્યો છે. મને સમજાયુ એ પ્રમાણે બ્રહ્માંડનો સ્વભાવ રહસ્ય છે. આ સફર અનંત છે. ચેતન સમાધીમાં મને સમજાયુ કે કોઇ ક્યારેય પામી શકવાનું નથી. અંતે એક પ્રશ્ન તો રહેશે જ. કોણ છીએ? મારી ગતી ક્યાં છે? એટલે આ નાહકનાં પ્રશ્નો છોડીને ચાલતા રહેવું. આ સમજવા છતા રહસ્યોનેં પામવાનો સ્વભાવ છુટ્યો નથી. પીડાવાનોં સ્વભાવ છુંટવાનોં નથી.’, સાધુ થોડું હસ્યો અને એણે ઉભા થઇને ચિલ્લમનો એક કશ લીધો અને હસ્યો. ફરી એણે લંબાવ્યુ. એણે આંખો બંધ કરી.

***

‘તું તો સાધુ બની ગયો.’, એના કાને કોઇ સ્ત્રીનોં અવાજ પડ્યો. એની આંખો ખુલી ગઇ અને તરત જ એ બેઠો થઇ ગયો. એણે આસપાસ જોયુ. કોઈ નહોતુ. ખર્વ નિખર્વ બન્ને બાજુમાં જ ઉંઘી રહ્યા હતા. આકાશમાં થોડું અંજવાળુ પથરાવ્યુ હતુ પરંતુ સુર્ય હજુ ઉગ્યો નહોતો. એને એ અવાજનાં ભણકારા સતત સંભળાઈ રહ્યા હતા. એ નદી તરફ ગયો. એણે સ્વચ્છ જળમાં સ્નાન કર્યુ. એ નદીમાંથી નીકળીને પાછો વૃક્ષ તરફ આવી રહ્યો હતો.

‘બમ બમ ભોલે.’, રસ્તાનાં કિનારે એક મંદિરનાં ઓટલે બેસેલ ફકીરે સાદ પાડ્યો. સાધુએ એ તરફ જોયુ. એક લાંબા વાળ, ગોરો ચહેરો, નિલકંઠ, મજબુત બાંધા વાળો એક ખડતલ ફકીર ચહેરા પર અમાપ આનંદ લઇને બેઠો હતો.

‘બમ બમ ભોલે.’, સાધુએ વળતો સાદ કર્યો અને સાધુ એ મંદિરનાં ઓટલા તરફ ચાલતો થયો. પોતાની એક અદભૂત છટાથી ચાલતો સાધુ નદિ કિનારાનાં એ નાના મંદિર પર પહોંચ્યો અને પેલા ફકિર સામે જઇને ઉભો રહ્યો.

‘કહા જાના?’, સાધુએ મોંટેંથી કહ્યુ. પેલા ફકીરની નજર સાધુ પર પડી. એની આંખો થોડી પહોળી થઇ. એ સાધુનેં જોતો જ રહ્યો.

‘મેઘ?’, એનાંથી બોલાઈ ગયુ.

‘સાધુ.’, સાધુ બોલ્યો.

‘મેઘ?’, એ ફરી બોલ્યો.

‘મેઘ કો આને મેં સમય હૈ અભી. અભી તો ધુપ હૈ.’, સાધુએ હસીને કહ્યુ. નિલકંઠ એક ક્ષણ માટે કંઇ ના બોલી શક્યા.

‘ક્યા નામ રખા હૈ?’, સાધુએ પૂછ્યુ.

‘શિવ.’, એ ફકીરે કહ્યુ. આજે સાધુ સામે ફરી એકવાર શિવ ઉભા હતા. શિવનેં તરત જ વર્ષો પહેલાની ઘટનાં તાજી થઇ ગઈ. તરત જ એને પૃથ્વી પર આવવાનું કારણ યાદ આવ્યુ. જ્યારથી બ્રહ્માએ એને પૃથ્વી પર રહેવાની શિક્ષા આપી હતી ત્યારથી શિવે નક્કિ કર્યુ હતુ કે પૃથ્વી પર જ રહેશે. અહિં જ ભ્રમણ કરશે. આજે એની સામે એવુ પાત્ર હતુ જે એક સમયમાં એનું પ્રિય પાત્ર હતુ જેને હજુ મુક્તિ નહોતી મળી.

‘તુ આટલા વર્ષો કઈ રીતે જીવ્યો?’, શિવે પૂછ્યુ.

‘એ તો કોને ખબર.’, સાધુએ એને જવાબ આપ્યો.

‘ચલ એક ચિલ્લમ લગાતે હૈ.’, શિવે કહ્યુ. સાધુએ પોતાના બન્ને સાથીદારો વિશે કહ્યુ અને બન્ને વૃક્ષ તરફ ચાલતા થયા.

‘તો કહા ઘુમતે હો?’, સાધુએ પૂછ્યુ.

‘ઇસ જંગલ સે ભટક કે આ રહા હું, અબ યે પર્વત બુલા રહે હૈ, હિમાલય બુલા રહા હૈ.’, શિવે કહ્યુ. બન્ને ખર્વ નિખર્વ પાસે પહોંચ્યા. એ બન્ને મંગાળા પર બનાવેલુ દ્રાવણ ઉતારી રહ્યા હતા. શિવ અને સાધુ બન્ને બેઠા.

‘તુ ક્યાં હતો આટલા વર્ષો?’, શિવે પૂછ્યુ. ખર્વ નિખર્વનો ચહેરો તરત જ વળ્યો, બન્નેએ શિવ તરફ જોયુ.

‘ઉંઘમાં. જ્યારે ઉઠ્યો ત્યારે કોઇજ સ્મૃતિ નહોતી.’, સાધુએ ચિલ્લમનોં લાંબો કશ માર્યો અને ચિલ્લમ શિવ તરફ લંબાવી.

‘પરંતુ મનનાં કોઇક ખુણામાં એક સ્મૃતિ પડી રહી છે જે મને હજુ નથી ખબર શું કહેવાં માંગે છે. સાચુ કહુ તો એ સ્મૃતિ જ મારી ઇચ્છા બની ચુકી છે. એટલે જ તો નીકળી પડ્યો છુ. બાકી આનંદ છે.', સાધુએ પોતાની એકમાત્ર વાત કહી.

‘કઇ સ્મૃતિ?’, શિવે પૂછ્યુ.

‘કોઇક સ્ત્રી જે ખુબ ધુંધળી દેખાય છે અને અમુક સ્થળો. ખબર નહિં ત્યાં શું બન્યુ છે? કોઇક પહાડી રસ્તો. જંગલ. કોઇક જાજરમાન ઘર. કોઇ રસ્તો અને અચાનક થતો પ્રકાશ.’, સાધુએ પોતાની સ્મૃતિઓ કહી જણાવી. શિવને બધુ જ સમજાઇ ગયુ. શિવ કહે તો કઇ રીતે કહે. શિવ મેઘની પીડાને મહેસુસ કરી શકતા હતા. એક મહાનાટ્યનું પાત્ર આવી રીતે રજળતુ જોઇને શિવને કરૂણા ઉભરાઈ. એણે પોતાની જોળીમાંથી ડમરૂ કાઢ્યુ અને વગાડ્યુ.

‘ચલ તુ ભી મેરે સાથ હિમાલય.’, શિવ તરત જ મુસ્કાઇને બોલ્યા.

‘ચલો.’, સાધુ પણ હસીને બોલ્યો. ખર્વ નિખર્વ બન્નેએ એકબીજા સામે જોયુ. એમણે લાકડાનાં વાસણમાં એ દ્રાવણ આપ્યુ.

‘દ્રશ્યપાન.’, શિવે હસીને ચુસકી લેતા કહ્યુ. ખર્વ નિખર્વ બન્નેનેં આશ્ચર્ય થયુ. સાધુએ શિવ સામે જોયુ.

‘હું પણ અહિં રહેલો છું. સ્મૃતિપાન પણ અદભૂત પાન છે.’, શિવે કહ્યુ.

‘તુ જાણે છે સ્મૃતિપાન કઇ રીતે બને?’, સાધુએ પૂછ્યુ.

‘અરે શિવ સબ જાનતા હૈ.’, એણે વાતને હસી કાઢી. સાધુ ખર્વ નિખર્વ તરફ ફર્યો.

‘ખર્વ નિખર્વ અબ તુમ જાઓ.’, સાધુ બોલ્યો.

‘બાબા અમે તમારા વિના ના જઇ શકીએ’, ખર્વ બોલ્યો.

‘આ લઈ જાઓ.’, સાધુએ પોતાની ચાખડી ઉતારી.

‘બાબા. અમે સાથે આવીએ.’, નિખર્વ બોલ્યો.

‘આ યાત્રાનોં કોઇ અંત નથી.’, સાધુ થોભ્યો. ‘તમારે લોકોને વિશ્વાસ અને આશા આપવાની છે.’, સાધુ બોલ્યો. શિવે પોતાના જોળામાં ખાખાખોળા કર્યા. અને કોઇ કાચનું નાનું ચંબુ કાઢ્યુ.

‘કબીલામાં મળતા પહેલા ત્રણ લોકોને આ પીવરાવજો અને અંતે તમે પી લેજો.’, ચંબુને શિવે ખર્વ નિખર્વ તરફ લંબાવતા કહ્યુ.

‘આ શું છે?’, નિખર્વ બોલ્યો.

‘પંચ પ્રજ્ઞા.’, શિવે કહ્યુ. સાધુ અને શિવ ઉભા થઇને ચાલતા થઇ ગયા.

‘એ શું હતુ?’, સાધુએ પૂછ્યુ.

‘સ્મૃતિપાન’, ખર્વ નિખર્વ બન્નેને જોતા રહ્યા. દૂર જઇને શિવે ત્રાડ પાડી. ‘બમ બમ ભોલે.’,

‘બમ બમ ભોલે’, ખર્વ નિખર્વનો વળતો અવાજ આવ્યો.

સાધુ શિવ તરફ પ્રસન્ન થઇને હસ્યો.

***

હિમાલય શિખરમાળાના એક ગામડામાં શિવ-સાધુ પહોંચ્યા. રસ્તામાં શિવને જ્યાં સાપ દેખાતા એની સાથે એ રમી લેતા, એક બે સાપ તો એણે પોતાની જોળીમાં પણ ભરી રાખ્યા હતા. સાધુને માત્ર એક જ પ્રશ્ન થઇ રહ્યો હતો. શું આ બાવો પણ મારી જેમ ભટકેલ જ છે? બન્ને મસ્તીમાં ગીતો ગાતા ગાતા આવ્યા હતા. શિવે કેટલાંય સ્તોત્રો સાધુને ગવડાવ્યા હતા. જ્યારે સાધુનેં હિમાલય ગીરીમાળાના પહેલીવાર દર્શન થયા ત્યારે એ સ્તબ્ધ થઇ ગયો. આ સુંદરતા એણે અત્યાર સુધી નહોતી માણી. સુર્યનું પહેલુ કિરણ હિમાલયની ટોચને સ્પર્શીને જે સોનેરી રંગ ઉભો કરતુ એ દ્રશ્ય રમણીય હતુ. એ દ્રશ્ય એણે મન ભરીને માણ્યુ. ઠંડો સુસવાટા મારતો પવન, એક અજબ શક્તિથી ભરેલી હવા. ચારેતરફ પ્રેમભર્યા હેતાળ ચહેરા. જાણે અહિંયા જ ડેરો નાખવાનું મન થઇ જાય.

‘આ હિમાલયની પેલે પાર કૈલાસ પર્વત છે, ત્યાં મારો ડેરો છે.’, શિવે કહ્યુ.

‘આ અદભૂત છે.’, સાધુએ કહ્યુ.

‘લોકો સત્યની શોધમાં નીકળે છે, જેમ તુ સ્મૃતિની શોધમાં છો. પરંતુ સત્ય મળ્યા પછી શું? સત્ય આ પર્વતો છે જે તમને પરમાનંદ સુધી પહોંચાડે.’, શિવે પર્વતો તરફ જ નજર રાખીને કહ્યુ.

‘તો પછી હું મારી ઇચ્છાને કઈ રીતે શમાવું.’, સાધુએ કહ્યુ.

‘સત્ય જ એક ઔષધી છે. યાદ રાખજે સાધુ. આપડે બધાય એક મહાનાટ્યના પાત્રો છીએ. આજ સત્ય છે. અહિં કોઈ જ કશું કરી નથી શકતુ. બધુ જ થાય છે. પરંતુ આ માત્ર સાંભળવાથી નહિં સમજાય, આ અનૂભવથી જ સમજાશે. મહાન રંગમંચ જ્યાં બધુ જ ઉચિત અને સંભવ છે.’,

‘તો આ નાટક ચલાવવા વાળું કોણ છે?’, સાધુ શિવવાણી સાંભળવા તત્પર હતો.

‘પૃથ્વિ પર કેટલા લોકો રંગભૂમીમાં રમે છે, એનું કોઈ દિગદર્શન કરે છે, કોઇ ચલાવે છે. એવી જ રીતે આ વિશ્વ પણ એક રંગમંચ જ છે. એ રંગમંચ ચલાવવા વાળાને લાગે છે કે એ કોઈ નાટ્ય સર્જન કરે છે પરંતુ ખરેખર તો એ લોકો પણ એક નાટ્યનો અંશ જ છે. આવી રીતે અનંત આવરણો છે જેનો કોઇ પાર નથી. અને જોવા જાવ તો આ બધુ આપડે જ ચલાવીએ છીએ.’, શિવે પોતાના શબ્દો કહ્યા.

‘પરંતુ આ પીડા?’, સાધુ બોલ્યો.

‘ઉસકા ભી એક ઔર મઝા હૈ.’, શિવે હસીને કહ્યુ. બન્નેએ એકબીજા સામે જોયુ અને હસ્યા.

***

શિવ સવારનાં ધ્યાનમાં હતા. એણે અત્યાર સુધીનું મેઘનું જીવન જોયુ. પોતાના પ્રિય પાત્ર તરફનોં મોહ હજુ ગયો નહોતો. શિવ ચાહતા હતા કે મેઘનેં સત્યની ખબર પડે. એને નવ્યા મળે. નવ્યાની સ્મૃતિઓ મળે. નવ્યાનું સત્ય મળે. એ પોતાને મળે. પરંતુ એ ચાહતા હતા કે એના બધા જ પ્રયત્નો મેઘ કરે. ભટકાવતા બ્રહ્માંડમાં કોઇએ તો રસ્તો બતાવવો જ રહ્યો. શિવે જડ બનીને જીવી રહેલા શિતળ હિમાલય તરફ નજર કરી.

‘નવ્યા આ તું જ કરી શકીશ.’, શિવે કહ્યુ અને ગામનાં બાળક સાથે મસ્તી કરી રહેલ મેઘરૂપી સાધુ સામે જોયુ. બન્ને એકબીજા સામે જોઇને હસ્યા.

***

શું મેઘ જાણી શકશે, શું મેઘ પરમ રહસ્યનેં પામી શકશે? શું મેઘને ફરી સ્મૃતિઓ મળશે? કેવી રહેશે એની શિવ સાથેની સફર? જાણવા માટે વંચો ધ પ્લે ચેપ્ટર – ૧૩ આવતા શુક્રવારે.

Please do Share and Rate story. Don’t forget to send me your views and reviews.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.