Karmno kaydo - 19 in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 19

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

કર્મનો કાયદો ભાગ - 19

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૧૯

જ્યોતિષ અને ભાગ્ય

ઈશ્વરના નામ ઉપર ધીકતી કમાણીનો ધંધો કરનારા ઠગબાબાઓ અને જ્યોતિષીઓએ વર્ષોથી આ દેશની પ્રજાના માનસમાં ભાગ્યનો નિર્માતા ઈશ્વર છે તેવું ભૂસું ભરાવેલું છે. આવા લોકોનો એ પ્રચાર-પ્રસાર છે કે જે લોકો આંધળા, અપંગ, ગરીબ અને બીમાર છે તે ઈશ્વરની નારાજગીના કારણે છે, જેથી ઈશ્વરને પ્રસન્ન રાખવો જરૂરી છે. ઈશ્વરની પ્રસન્નતા માટે મંદિરોમાં દાન-ભેટ આપો, સાધુ-મહંતોનાં ચરણોમાં માથું નમાવીને ખિસ્સું હળવું કરો, જ્યોતિષીઓ બતાવે તેવી અગડં-બગડં વિધિઓ કરો અને જ્યોતિષીને તગડી ફી ચૂકવો એટલે ઈશ્વરનો રાજીપો થાય અને ભાગ્ય બદલી જાય. નબળી માનસિકતાવાળા લોકોને પણ એટલું જ જોયઈએ છે કે કોઈ તેમના વતી પરિશ્રમ ઉઠાવે અને એવા આશીર્વાદ આપે કે તેમનું ભાગ્ય બદલાઈ જાય.

કોઈનાં લગ્ન ન થતાં હોય, ધંધો બરાબર ચાલતો ન હોય, બીમારીમાં દવાઓ અસર કરતી ન હોય અને ઘરમાં કજિયા-કંકાસ થતા હોય ત્યારે તે વ્યક્તિ કર્મો સામે જોવાને બદલે પકડશે કોઈ જ્યોતિષીને.

લગ્ન નહીં થવાનાં કારણો તો કર્મજન્ય જ હોય છે, પણ કર્મની જંજાળમાં પડવાને બદલે અતિબુદ્ધિ લોકો તરત જ જ્યોતિષીઓનું શરણ ગ્રહણ કરે છે. કોઈનું થયેલું સગપણ તૂટી જાય તો એક વાર માટે કદાચ કર્મનાં કારણો શોધશે, પરંતુ બે વાર કે ત્રણ વાર જો એમ બને તો તે બિચારો અવશ્ય કોઈ જ્યોતિષીનો શિકાર બને છે. ખરેખર સગપણમાં સાથે જોવા આવતા કોઈ જાણભેદુએ કરેલી ચાડી-ચુગલીના કારણે સગપણ તૂટતાં હોય છે, પરંતુ બે-ત્રણ વારના કડવા અનુભવો સહન કર્યા બાદ જો તે પોતે જ્યોતિષી પાસે જવા માગતો ન હોય તો કોઈ સાથેના જાણભેદુઓ તેને પરાણે જ્યોતિષી પાસે લઈ જઈને બલિનો બકરો બનાવે છે.

કોઈ દવાઓ ખાતાં જો ઠીક ન થતો હોય તો પછી તે ડૉક્ટરનો ગ્રાહક મટીને કોઈ જ્યોતિષીનો ગ્રાહક થઈ જાય છે. બિચારો ડૉક્ટર તો તબીબી પરીક્ષણો મુજબ બીમારીનાં સીધાં કારણો બતાવતો હતો અને પોતાની સૂઝબૂઝ મુજબ દવાઓ આપતો હતો, પરંતુ જ્યોતિષી તો આકાશમાં રહેલા ગ્રહોને જ કારણો બનાવી લે છે. જ્યોતિષી કહે છે કે તમારી કુંડળીમાં સૂર્ય નેષ્ઠ સ્થાનનો છે અને રાહુની અવદશા ચાલે છે, તેથી બીમારી થઈ છે.

ડૉક્ટર પાસે માણસ તેના તબીબી પરીક્ષણનો રિપોર્ટ માગી શકે, આપેલી દવાઓ ઠીક છે કે કેમ તે જાણવા બીજા કોઈ નિષ્ણાતને બતાવી શકે તેમ જ ડૉક્ટરને મેડિકલ એથિક્સ લાગુ પડે, ગ્રાહક સૂરક્ષા અધિનિયમ લાગુ પડે, પણ જ્યોતિષી પાસે કોઈ આધારભૂત રિપોર્ટની માગણી ન થઈ શકે, ન તે જ્યોતિષીને કોઈ કાયદો લાગુ પડે. જ્યોતિષી નવ ગ્રહમાંથી ગમે તે ગ્રહને બીમારીનું કારણ બતાવી દે, કારણ કે જ્યોતિષી જાણે છે કે કોઈ માણસ ક્યારેય ગ્રહને પૂછવા જવાનો નથી અને જાય તે પાછો આવે તેમ નથી !

એક જ્યોતિષીએ આપેલો રિપોર્ટ સાચો છે કે ખોટો તેના પરીક્ષણ માટેની કોઈ જ લૅબોરેટરી નથી, સિવાય કે બીજો હંબગ જ્યોતિષી. એક જ્યોતિષી પાસે કંટાળેલો માણસ બીજા જ્યોતિષી પાસે જાય અને બીજો જ્યોતિષી જુદો જ રિપોર્ટ કાઢીને જુદા જ ગ્રહોની ગોળી આપે. માણસની ટૂંકી જિંદગી માટે બે-ચાર જ્યોતિષીઓ પણ તેને ચૂસી, નિચોવી અને ભટકાવવા માટે પૂરતા હોય છે, અહીં તો હજારોની ફોજ છે.

કોઈ સિદ્ધ જ્યોતિષી, કોઈ તંત્ર જ્યોતિષી, કોઈ અઘોર તાંત્રિક જ્યોતિષી, કોઈ મહાકાળી જ્યોતિષી, હનુમાન જ્યોતિષી તો કોઈ સાંઈ જ્યોતિષી. માણસો જેવાં દેવ-દેવીઓમાં આસ્થા ધરાવતો હોય તેવાં દેવ-દેવીઓનાં નામ આગળ ધરીને જ્યોતિષીઓ બેરોકટોક લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો કરતા હોય છે. અખબારો અને સોશિયલ મિડિઆ દ્વારા પણ જાહેરાતો કરાય છે.

જાહેરાતો પણ એવી કે જાણે સમગ્ર કર્મતંત્રને જ્યોતિષીઓ જ ચલાવે છે. વશીકરણવિદ્યાથી ઇચ્છિત યુવતી સાથે લગ્ન કરાવવા માટે મળો, ઉચ્ચાટનવિદ્યાથી નિશ્ચિત દિવસોમાં તમને ન ગમતી પત્નીથી છૂટાછેડા મેળવો, મારણવિદ્યાથી તમારા શત્રુના નાશ માટે મળો, તૂટેલા સંબંધો જોડવા મળો, ધંધામાં ધીકતી કમાણી કરવા માટે મળો, વગેરે જેવી લોભામણી જાહેરાતો સાથે લોકોને ભરમાવીને પોતાની ચુંગાલમાં ફસાવે છે.

નાના-મોટા દરેક જ્યોતિષમાં અમુક કૉમન જાહેરાત જોવા મળે છે, જેમાં લવ-પ્રૉબ્લેમ, છુટાછેડા, સોતનમુક્તિ, મનપસંદ સગાઈ, ગૃહક્લેશમુક્તિ, પ્રેમલગ્ન, સંતાનપ્રાપ્તિ, પિતૃદોષનિવારણ, કૉર્ટકેસમાં જીત, વિઝા, શુત્રનાશ વગેરે જેવા પ્રશ્નોને ૧૦૦% ગેરન્ટીસાથે અને કામ ન થાય તો પૈસા પાછા આપવાની પણ ગૅરન્ટી આપતા હોય છે, તેમ છતાં આપણે ત્યાં આવા જ્યોતિષીઓ ઉપર કાયદા કે પ્રશાસનની જાણે કોઈ હકૂમત જ નથી.

જે જ્યોતિષી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા પચાસ કે સો રૂપિયાની ફી લઈને ધંધો કરતો હોય તે પણ તેની જ્યોતિષક્રિયાઓથી કોઈને લાખોનો ફાયદો કરાવી દેવાનું આશ્વાસન આપે અને કર્માંધ લોકો તેવાં આશ્વાસનો પણ હરખભેર ખરીદે તેવી હકીકતો તો ફક્ત આપણે ત્યાં જ જોવા મળે.

જો કોઈ જ્યોતિષી કોઈને લખપતિ કે કરોડપતિ બનાવી શકતો હોય તો તે પોતે શા માટે પચાસ કે સો રૂપિયાની ફીવાળો ધંધો કરે ? પોતાના માટે જ પ્રથમ તેની જ્યોતિષવિદ્યાનો ઉપયોગ કરે અને તેણે સાધ્ય હોય તેવાં દેવ-દેવી કે તંત્રોનો પોતાના માટે ઉપયોગ કરીને લખપતિ કે કરોડપતિ બની જાય અને પછી વિનામૂલ્યે સમાજસેવા માટે પીરસે પોતાની પાવન વિદ્યાને !

પરંતુ વાત એમ નથી. જ્યોતિષી સારી રીતે જાણે છે કે કર્મનું ફળ મળવાનું છે. ફળ કોઈ દેવી-દેવતા કે ગ્રહો-ઉપગ્રહોના ઘરેથી નથી આવવાનું. જો પચાસ કે સો રૂપિયાની ફી સાથેનો ધંધો નહીં ચલાવે તો બિચારા જ્યોતિષીને પણ પેટ ભરવા માટેનો ટુકડો દેવા કોઈ દેવી-દેવતાઓ કે ગ્રહો આકાશમાંથી નથી આવવાનાં. હા, કર્માંધ કામનાઓની લાલચે રાતોરાત પોતાનાં ધાર્યાં કામ ઉકેલવાની ઠગારી આશા લઈને ઊભેલા પામર લોકો જ હશે કે જેમનો ઉપયોગ કરીને જ્યોતિષીઓ તેમનો ધંધો ચલાવશે.

જે જ્યોતિષીની પોતાની બૈરી ભાગી ગઈ હોય કે પિયરમાં રિસામણે બેઠી હોય તે પોતાના માટે તો કોર્ટમાં કેસ લડતા હોય અને બીજાના સુખી દાંપત્ય માટે તે જ્યોતિષી ક્રિયાકર્મો કરાવે !

જેના પોતાના છોકરા પોતાના વશમાં ન હોય તે બીજાનાં છોકરા-છોકરીઓને વશીકરણ કરાવવા માટેની તાંત્રિક ક્રિયાઓ કરાવે !

જે પોતે ડૉક્ટર-વૈદ્યની દવાઓ ખાતા હોય તે જ્યોતિષી બીજાના રોગનિવારણ માટે ઉપચાર બતાવે !

જે પૈસાના મોહમાં પોતે ધુતારો બન્યો હોય તે બીજાને તેની વિદ્યાના ક્રિયાકર્મથી લખપતિ બનાવે !

આવા સહજ પ્રશ્નો હોવા છતાં કામનાઓથી કર્માંધ બનેલા પામર લોકો કર્મનિષ્ઠાની જગ્યાએ ફળનિષ્ઠાને સેવતા હોવાથી તે ઉઠાવી શકતા નથી, ફળની લાલચ ભરેલી કામનામાં તેમની બુદ્ધિ કટાઈ જાય છે અને તેવા લોકો પેટ ભરીને ધુતાય છે.

ઋષિઓએ આપેલા જ્યોતિષમાં અને હાલના જ્યોતિષમાં ઘણો જ તફાવત છે. જ્યારે ભારતમાં જ્યોતિષવિદ્યાએ જન્મ લીધો હતો તે સમયનું ભારત વિવિધ વિદ્યાઓના પારંગત વિજ્ઞાનીઓથી ભરપૂર અને સમૃદ્ધ હતું. તેવા સમયે આકાશમાં રહેલાં ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ માનવજીવનને કેટલી હદે અસર કરે છે તેના એક સુનિશ્ચિત ગણિત સાથે વિદ્વાનોએ ભવિષ્યની પરિસ્થિતિઓને વર્તમાનમાં વાંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો પ્રયાસ માનવજીવનના કલ્યાણ માટે હતો, લોકોને ધૂતી ખાવાના ધંધારૂપ ન હતો.

ભારતના ઋષિઓની જ્યોતિષવિદ્યા વ્યક્તિવાચી ન હતી, પણ સમગ્ર માનવ જીવનને સ્પર્શ કરતી બાબતો માટે હતી. પૃથ્વી કરતાં હજારગણો મોટો સૂર્ય પૃથ્વી ઉપરના કોઈ સામાન્ય માનવીના જીવનનાં અંગત સુખ-દુઃખમાં રસ લેવા લાગે તેવી વાત માનવી તો મૂર્ખાઈનો આખો લાડુ ગળી જવા જેવી છે. ખરેખર સૂર્યથી પૃથ્વી ઉપર પડતી અસરના કારણે સમગ્ર પૃથ્વીવાસીઓ ઉપર સામૂહિક શી અસર પડી શકે તે હકીકત જોવા માટે જ્યોતિષનો ઉપયોગ હતો.

પરંતુ ભારતની જ્યોતિષવિદ્યાના આધારભૂત ગ્રંથોનો કાળાંતરે નાશ થયો હતો. ભોજપત્ર અને તાડપત્રો ઉપર લખાયેલી અમુક સંહિતાઓ મળી આવી, જેમાં ‘ભૃગુસંહિતા’, ‘રાવણસંહિતા’, ‘નારદસંહિતા’ જેવી અમુક સંહિતાઓના અવશેષ હતા, પણ તે અધૂરા હોવાથી વધારે ખતરનાક હતા, કારણ કે અધૂરી વિદ્યા અવિદ્યા કરતાં પણ ખતરનાક હોય છે તેમ જ આવા ગ્રંથોમાં પણ પાછળથી સ્વાર્થગત ઘણી ખોટી વાતો ઉમેરાઈ હોય તેવું તેને વાંચતાં જ પ્રતીત થાય છે, જેથી હાલ ઉપલબ્ધ આવા ગ્રંથો પણ ઋષિઓએ લખેલા મૂળ ગ્રંથો છે તેમ કહેવું ખોટું છે.

આજે જ્યોતિષીઓ વ્યક્તિની કુંડળી બનાવે છે અને તેનાં બાર ખાનામાં ગ્રહોના પરિભ્રમણની કલ્પના કરે છે. ક્યા ખાનામાં કયો ગ્રહ કેવું ફળ આપે તે પણ એક કાલ્પનિક વિષય છે. તેનો પણ કોઈ નક્કર કે ઠોસ પુરાવો મેળવવો શક્ય નથી. ખરેખર આ બાર ખાનાંની કુંડળીમાં ગ્રહોનું નહીં, પણ જ્યોતિષીના ગ્રાહકનું જ પરિભ્રમણ કરાવાય છે. બિચારો ગ્રાહક બાર ખાનાંમાંથી બહાર નીકળી જ નથી શકતો.

કારણ કે કુંડળીનાં બાર ખાનાંઓ તો સ્થિર હોય છે, પણ તેમાં એક ખાનામાંથી બીજા ખાનામાં ગતિ કરતા ગ્રહો સ્થિર નથી. તેમ જ સમયની અવધિમાં ગ્રહોની સ્થિરતા પણ કંઈક અંશે નિશ્ચિત થાય તો એકબીજા ગ્રહો એકબીજાના ખાનામાં રહીને એકબીજા ઉપર દૃષ્ટિ-કુદૃષ્ટિ કરતા રહે છે, જેથી એક વખત કુંડળીના કૂંડાળામાં પડેલી વ્યક્તિ જીવનભર કુંડળીની કલ્પનાઓનાં જાળાં ગૂંથતી તેમાંથી બહાર નીકળી શકતી નથી.

વળી કુંડળી કાઢનારા જ્યોતિષીઓ માને છે કે માણસ પંચમહાભૂતથી ઉત્પન્ન થાય છે તેથી તે પણ એક ગ્રહ છે. તેજન્મે ત્યારે સૂર્ય-ચંદ્ર વગેરે ગ્રહો આકાશમાં જે સ્થિતિએ રહેલા હોય તે તેને અસર કરે છે. તે મુજબ વ્યક્તિની જન્મકુંડળી કાઢવામાં આવે છે. માનો કે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ વગેરે સાથે એક નવો ગ્રહ અસ્તિત્વમાં આવી ગયો. આ નવા જન્મેલા ગ્રહ ઉપર કરોડો માઈલ દૂર રહેલા ગ્રહો શી અસર કરશે તેના માટે તો બાર રાશિઓનાં બાર ખાનાંમાં નવ ગ્રહોને દોડાવવામાં આવે છે, પણ નવા જન્મેલા ગ્રહની પહેલેથી જ નજીક રહેલા ગ્રહો, જેમાં માતા-પિતા, કાકા, દાદા, ભાઈ, બહેન વગેરે શી અસર કરશે તેના માટે કુંડળીમાં કોઈ સ્થાન નથી.

ખરેખર તો દૂરના ગ્રહોને બદલે નજીકના ગ્રહો વધારે અસર કરે છે, તેથી નજીકના ગ્રહોને કુંડળીમાં પ્રથમ સ્થાન આપવું જોઈએ, પણ જો તેમ થાય તો ખેલ જ્યોતિષીના હાથનો ન રહે, કારણ કે પછી તો કુંડળી જ એટલી મોટી થઈ જાય કે તેને દોરવા માટે પચાસ વારના પ્લૉટ જેટલીજગ્યા જોઈએ. વળી તેમાંય આ ગ્રહોની પરસ્પર એકબીજા પર પડતી દૃષ્ટિ વગેરેને ધ્યાનમાં રાખીને કાઢવામાં આવતી ચલિત કુંડળી તો પૂરા મહોલ્લા જેવડો નકશો માગી લે.

પરંતુ નજીકના પ્રભાવશાળી ગ્રહોને બદલે દૂરના ગ્રહો જ્યોતિષીઓને વધારે માફક આવે છે. બિચારા દૂરના ગ્રહો માટે જ્યોતિષીઓ ગમે તે બોલે, ગમે તે બતાવે અને તેમના નામે ગમે તેમ અગડં-બગડં વિધિ કરાવે તોપણ વાંધો લેવા નીચે આવવાના નથી, પરંતુ નજીકના ગ્રહો માટે કોઈ જ્યોતિષી જરા પણ આડુંઅવળું કરે તો જ્યોતિષીને જ તેના મેડિક્લેઈમને અપ-ટુ-ડેટ રાખવાની ઝંઝટ ઊભી થઈ જાય.

જ્યોતિષીઓ તો સૂર્યને પણ પાપગ્રહ માને છે. જે સૂર્યને ઋષિઓ ત્રિકાળસંધ્યાથી વંદન કરતા આવ્યા છે, જે સૂર્યને ‘ગઠ્ઠસ્ર્ષ્ટૠક્રૅ ત્ત્ક્રઅૠક્રક્ર પટક્રદ્બડ્ડક્રગળ્શ્વ’ કહીને ઉપાસના કરતા આવ્યા છે, જે સૂર્ય જ સમગ્ર જગતનો આદિ અને અંત હોવાથી આદિત્ય કહેવાય છે તે સૂર્ય પણ જ્યોતિષીઓના મતે પાપગ્રહ કહેવાય છે, કારણ કે જ્યોતિષીઓ જાણે છે કે સૂર્ય સામે ગમે તેટલી ધૂળ ઉડાડો, પણ સૂર્યનારાયણ ન તો તેનો વાંધો લેવાના છે અને ન તો કોઈ કેસ ફાઈલ કરવાના છે.

હાલ ટી.વી. ચૅનલો અને અખબારોમાં અઠવાડિક રાશિ ભવિષ્ય આપવામાં આવે છે. તેમાં જે રાશિ-નક્ષત્રમાં માણસનો જન્મ થયો હોય તે રાશિના ફળનું કથન કરવામાં આવે છે. માણસ પોતાના નામનું રાશિભવિષ્ય વાંચી-સાંભળીને કારણ વગરનો સુખી-દુઃખી થતો રહે છે. મયૂરના હાથે મોહનનું ખૂન થાય ત્યારે એક જ રાશિવાળાએ શું સમજવું ? નરેન્દ્રભાઈ સામે ચૂંટણીમાં ઊભા રહેલા નવીનચંદ્ર હારી જાય ત્યારે બંને એક રાશિવાળાએ શું સમજવું ? અમિતભાઈનું પાકીટ અરમાનભાઈ મારી જાય ત્યારે બંને એક રાશિવાળાએ શું સમજવું ? બિચારા નવનીતભાઈ તેમનાં પત્ની નયનાદેવીના હાથે રોજબરોજ ત્રાસ પામતા હોય ત્યારે બંને એક રાશિવાળાંએ શું સમજવું ?

મેં સાંભળ્યું છે કે એક ગુજ્જુ યુવાન આર્થિક રીતે ઉન્નત થતો ન હતો. કોઈ ને કોઈ કારણોસર તેની ઉન્નતિના પ્રયાસો નિષ્ફળ નીવડતા, તેથી ઘણા પ્રયત્નોના અંતે કંટાળીને એક અખબારમાં વાંચેલી એડ મુજબ એક જ્યોતિષીને મળવા ગયો. જ્યોતિષીએ તેની કુંડળી કાઢીને કહ્યું : “તમને શનિનો દોષ છે. શનિ વક્રી થઈ તમારા પ્રયાસોમાં કાંકરી માર્યા કરે છે, તેથી જ તમે નિષ્ફળ રહો છો, અન્યથા તમારા જેવા બહાદુર અને મહેનતુ માણસની મહેનત તો રંગ લાવવી જોઈએ અને તમે આજે લાખો રૂપિયાના આસામી હોવા જોઈએ.”

જ્યોતિષીની વાત પેલાના મગજમાં બરાબર ફિટ બેસી ગઈ. કેમ ન બેસે ? વાતને ફિટ બેસાડવાની જ તો જ્યોતિષીઓ પાસે કળા હોય છે. જ્યોતિષીઓ વ્યક્તિના અહંકારને ફૂલ ચડાવતા હોય છે અને તેના દોષનો ટોપલો ગ્રહો ઉપર નાખતા હોય છે. તે વ્યક્તિએ કહ્યું : “મહારાજ ! તમારી વાત સાવ સાચી છે. હું પ્રયત્ન કરું અને સફળ ન થઉં તેવું તો બની જ ન શકે, પણ તમે કહો છો તેમ શનિ જ વક્રી થઈને મારા પ્રયાસોને બગાડી રહ્યો છે. હવે તમે જ બતાવો કે આ શનિને મારે સીધો કેમ કરવો ?”

બસ, જ્યોતિષીને જે જોઈતું હતું તે મળી ગયું. જ્યોતિષીએ કહ્યું : “જુઓ, ભાઈ ! શનિ એ સૂર્યનો પુત્ર છે અને મહાશક્તિશાળી છે. તેને સીધો કરવો એ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ તમારા માટે હું મારી તંત્રશક્તિ, મંત્રશક્તિ અને જ્યોતિષવિદ્યાને એવી કામે લગાડીશ કે વાંકા થયેલા શનિની સાન ઠેકાણે લાવીને તેને સીધો કરી દઈશ.” જ્યોતિષીની વાત સાંભળીને પેલા મામસના મનમાં તો આશાના નવા તરંગો ઊછળવા લાગ્યા. ધંધાની સફળતાનું ફળ જ્યોતિષીના હાથમાં દેખાવા લાગ્યું. તેણે કહ્યું : “મહારાજ ! ગમે તે કરો, પણ હવે તમે આ વાંકા શનિને સીધો કરી બતાવો.”

જ્યોતિષીએ ગરમ થયેલા લોઢા ઉપર હથોડો મારતાં કહ્યું : “તમારે તંત્ર, મંત્ર અને વિદ્યાનો ઉપયોગ કરવા માટે દસ હજારની દક્ષિણા આપવી પડશે.” પેલાએ કહ્યું : “કાંઈ વાંધો નહીં, મહારાજ !”

જ્યોતિષીએ તેના તપેલા લોઢાને બરાબર ઘાટ આપવા કહ્યું : “ખાલી દક્ષિણાથી નહીં ચાલે. તમારે દર શનિવારે કાળાં કપડાં પહેરીને, કાળા પથ્થર ઉપર કાળા તલનું તેલ ચડાવવું પડશે.” પેલાએ તરત કહ્યુંઃ “કાંઈ વાંધો નહીં, મહારાજ !”

જ્યોતિષીએ કહ્યું : “તમે ઉતાવળા ન થાઓ. મારી વાત ધ્યાન દઈને સાંભળો. જુઓ, કાળા તલનું તેલ જ્યાંત્યાં અને જેમતેમ ચડાવવાનું નથી. તેના માટે શનિનો સિદ્ધ પથ્થર જોઈએ.” જ્યોતિષીની વાત સાંભળીને પેલો થોડી મૂંઝવણમાં પડ્યો, એટલે તેના ચહેરાના ભાવ વાંચીને જ્યોતિષીએ કહ્યું : “તમારે ગભરાવાની જરૂર નથી. શનિનો સિદ્ધ કરેલો અસલ કાળો પથ્થર મારી પાસે છે.” જ્યોતિષીની વાત સાંભળી ગુજ્જુએ હાશકારો અનુભવ્યો અને કહ્યું : “મહારાજ ! ક્યાં છે તે પથ્થર ?” જ્યોતિષીએ કહ્યું : “મારી પાસે.” ગુજ્જુએ કહ્યું : “તો મને આપો.”

જ્યોતિષીએ ફરી હથોડો માર્યો : “ભાઈ ગુજ્જુ ! પથ્થર જેવોતેવો નથી. સિદ્ધ કરેલો પથ્થર છે. તેના પાંચ હજાર અલગ દેવા પડશે.” ગુજ્જુએ કહ્યું : “કાંઈ વાંધો નહીં, મહારાજ ! કબૂલ છે. લાવો, ઝટ પથ્થર લાવો.”

જ્યોતિષીએ કહ્યું : “ભાઈ ગુજ્જુજી ! તમે ઉતાવળા બહુ છો. મારી વાત પૂરી થવા દો. એકવીસ શનિવાર સુધી તમારે આ સિદ્ધ કાળા પથ્થર ઉપર કાળા તલનું તેલ ચડાવવાનું છે, પણ જે હાથથી તમે તેલ ચડાવો તે હાથમાં શનિના સિદ્ધ કરેલા નંગની સોનાની વીંટી પહેરેલી ન હોય તો તેલ શનિ સુધી નહીં પહોંચે.” જ્યોતિષીના વાત સાંભળીને ગુજ્જુ ફરી ગૂંચવાયો. એટલે ફરી તેને ઘાટ ઘડવા જ્યોતિષીએ થોડું આશ્વાસન આપતાં કહ્યું : “જુઓ, ભાઈ ગુજ્જુ ! સિદ્ધ નંગ પણ મારી પાસે છે. હું બીજા માટે તેના ત્રણ હજાર લઉં છું, પણ તમારા માટે અર્ધી કિંમતે આપીશ.” પોતાના ઉપર ચડતાં ચક્કર વચ્ચે ગુજ્જુ હળવેથી બોલ્યો : “ભલે, મહારાજ ! હવે તો પૂરું ને ?”

જ્યોતિષીએ કહ્યું : “ભાઈ ગુજ્જુજી ! તમે ઉતાવળા બહુ છો. શનિનું નંગ સોના સિવાય પહેરાય નહીં, તેથી વીંટી સોનામાં જ કરાવવી પડશે અને એકવીસ શનિવાર પછી તે વીંટી મને દાનમાં આપી દેવી પડશે.” જ્યોતિષીના હથોડા ખાી-ખાઈને ગુજ્જુની અકળામણ વધતી જતી જોયઈ જ્યોતિષી બોલ્યો : “બસ, પછી તમે જુઓ કે તમારો શનિ સીધોદોર !”

જ્યોતિષીની જાળમાં પડીને બિચારા ગુજ્જુએ એકવીસ શનિવાર કહ્યું તેમ કર્યું, પણ ફાયદો કાંઈ ન થતાં પાછો ગયો જ્યોતિષી પાસે. ગુજ્જુને જોઈને જ્યોતિષીએ પૂછ્યું : “કાં, ભાઈ ! નડતર ઓછું થયું કે કેમ ?”

બિચારા ગુજ્જુએ નિસાસો નાખતાં કહ્યું : “ના, મહારાજ ! નડતર તો વધી ગયું છે. તમારી દક્ષિણા ચૂકવવા જેના ઉછીના પૈસા લાવ્યો હતો તે લેણિયાત બનીને ઘરે આંટા મારે છે અને ઉધારમાં જે સોનાની વીંટી કરાવી હતી તે સોની પણ બજારમાં ભાળે એટલે તરત ઉઘરાણી કરે છે. પહેલાં તો શનિ જ નડતો હતો, હવે તો સોની પણ નડે છે ! લેણિયાત દિવસમાં ત્રણ વાર ઉઘરાણીએ આવે છે અને મારી મફતની ચા મોજથી પીએ છે. બજારમાં નીકળાતું નથી. ગમે તે સાથે હોય તોપણ સોની ઉઘરાણી કરીને આબરૂની ફજેતી કરે છે. શનિ બિચારો દૂરનો ગ્રહ છે, પણ આ સોની ગ્રહ તો સાવ નજીકનો છે. જો મારા ઉપર દયા કરો તો દક્ષિણાની વીંટી પાછી આપો !”

ગુજ્જુની નિરાશાભરી વાત સાંભળીને જ્યોતિષી બોલ્યો : “ભાઈ ! તમે બહુ ઉતાવળા છો. જુઓ, તમારી આપેલી દક્ષિણા અને ચડાવેલું તેલ શનિ સુધી પહોંચતાં સમય લાગે છે. શનિ તો કરોડો માઇલના અંતરે છે. ઉતાવળ ન કરો, ધીરજ ધરો, સારામાં સારું પરિણામ આવશે.”

ગુજ્જુએ કહ્યું : “મહારાજ જ્યોતિષીજી ! હવે મને સમજાય છે કે મારી નિષ્ફળતાનું કારણ શું હતું. મારી ઉતાવળ અને અધીરિયો સ્વભાવ જ મારી નિષ્ફળતાનું કારણ છે. કોઈ શનિ નહીં, તમે મારી દક્ષિણા ન આપો તો કાંઈ નહીં, પણ વીંટી પાછી આપો એટલે હું સોની-ગ્રહનો ઉપચાર કરું.”

ખબર નથી કે ગુજ્જુને જ્યોતિષીએ વીંટી પાછી આપી કે નહીં, પણ જે લોકો કર્મનિષ્ઠાની જગ્યાએ ભાગ્યનિષ્ઠાને સેવે છે અને કર્મોને તિરસ્કૃત કરીને સીધો જ ભાગ્યનો ઉપચાર કરવા માગે છે, તેમની હાલત આવી જ થાય છે.

કર્મો જ ભાગ્યના નિર્માતા છે તેમ સમજીને જે પોતાના કર્મને સુધારે છે તેનું ભાગ્ય અવશ્ય સુધરે છે, પણ તાંત્રિકો અને જ્યોતિષીઓના હાથે ભાગ્યને સુધારી લેવા માગતા લોકો આખરે ઉલ્લુ બનવા સિવાય કાંઈ હાંસલ કરી શકતા નથી, તેથી જ શ્રીકૃષ્ણ ‘ભજીૠક્રક્રભૅ ગધ્ઠ્ઠપસ્ર્શ્વભૅ ઙ્ગેંૠક્રષ્ટ’ જેવા શબ્દો સાથે કર્મને સુધારવા ઉપર ભાર મૂકે છે, કારણ કે કર્મ જ માણસના હાથમાં છે, ભાગ્ય નહીં. તો પછી ભાગ્યને શા માટે ગાંઠવું જોઈએ ? કર્મનો જ આદર કરવો જોઈએ. આ બાબતે શ્રી નરેન્દ્ર મોદીની સુંદર કવિતા છે :

પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ ?

હું પડકાર ઝીલનારો માણસ છું;

હું તેજ ઉછીનું લઉ નહીં,

હું જાતે બળતું ફાનસ છું.

ઝળહળાનો મોહતાજ નથી,

મને મારું અજવાળું પૂરતું છે;

અંધારાનાં વમળને કાપે,

કમળ તે જ તો સ્ફુરતું છે.

કુંડળીને વળગવું ગમે નહીં,

અને ગ્રહો કને શિર નમે નહીં;

કાયરોની શતરંજ પર જીવ

સોગઠાંબાજી રમે નહીં,

ધુમ્મસમાં મને રસ નથી,

હું ખુલ્લો નિખાલસ માણસ છું;

પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ ?

હું પડકાર ઝીલનારો માણસ છું.

નરેન્દ્ર મોદી ખુલ્લા અને નિખાલસ માણસ છે કે કેમ તે બાબતે રાજકારણના વિવાદો થઈ શકે. પરંતુ નરેન્દ્ર મોદી પ્રારબ્ધની હુંસાતુંસીને ગાંઠ્યા વગર પડકાર ઝીલનારા માણસ છે તે હકીકત તો સર્વને સ્વીકાર્ય થઈ શકે, અન્યથા એક ચા વેચનારી વ્યક્તિ પ્રધાનમંત્રી ન થઈ શકે.

સમાજમાં ભાગ્યને સીધું સુધારી લેવા માગતા લોકોએ જે પાપપ્રથાઓ ઊભી કરી છે તેવી પાપપ્રથાઓ તો સીધા પાપ કરનારાઓએ પણ નથી કરી. માણસ અપરાધ સમાજનો કરે અને માફી મંદિરમાં જઈને માગી આવે. શોષણ પોતાના ગ્રાહકોનું કરે અને દાન-ભેટ બાબાઓનાં ચરણે જઈ મૂકે. સમાજમાં ગમે તેવાં અપરાધજન્ય કર્મો કરે અને પછી તેનું પાપ ધોવા ધાર્મિક વિધિઓ કરાવી લે. કોઈ ગંગાસ્નાન કરી આવે તો કોઈ હજયાત્રા કરીને હાજી થઈ જાય. આજે ધાર્મિક કહેવાતા દેશોમાં જેટલી ભેળસેળ, દગાખોરી, દંભ, પાખંડ અને ભ્રષ્ટાચાર છે તેટલાં વિશ્વના અન્ય દેશોમાં નથી.

***