Satya na Prayogo Part-3 - Chapter - 1 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્યના પ્રયોગો - ભાગ-3 - 1

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

સત્યના પ્રયોગો - ભાગ-3 - 1

‘સત્યના પ્રયોગો’

અથવા

આત્મકથા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આત્મકથા

ભાગ ૩જો

૧. તોફાનના ભણકારા

કુટંબ સહિત દરિયાની આ મારી પહેલી મુસાફરી હતી. મેં ઘણી વેળા લખ્યું છે કે હિંદુ સંસારમાં વિવાહ બાળવયે થતા હોવાથી, અને મધ્યમ વર્ગના લોકોમાં મોટે ભાગે પતિ સાક્ષર અને પત્ની નિરક્ષર એવી સ્થિતિ હોય છે તેથી, પતિપત્નીના જીવન વચ્ચે અંતર રહે છે અને પતિએ પત્નીના શિક્ષક બનવું પડે છે. મારે મારી ધર્મપત્નીના ને બાળકોના પોશાકની, ખાવાપહેરવાની તેમજ બોલચાલની સંભાળ રાખવી રહી હતી. મારે તેમને રીતભાત શીખવવી રહી હતી. કેટલાંક સ્મરણો મને અત્યારેય હસાવે છે. હિંદુ પત્ની પતિપરાયણતામાં પોતાના ધર્મની પરાકાષ્ઠા માને છે; હિંદુ પતિ પોતાને પત્નીનો ઈશ્વર માને છે. એટલે પત્નીએ જેમ તે નચાવે તેમ નાચવું રહ્યું.

જે સમય વિશે હું લખી રહ્યો છું તે સમયે હું માનતો કે સુધરેલા ગણાવાને સારું અમારો બાહ્યાચારબને ત્યાં લગી યુરોપિયનને મળતો હોવો જોઈએ. આમ કરવાથી જ પો પડે અને પો પડ્યા વિના દેશસેવા ન થાય.

તેથી પત્નીનો અને બાળકોનો પોશાક મેં જ પસંદ કર્યો. બાળકો વગેરેને કાઠિયાવાડનાં વાણિયાં તરીકે ઓળખાવવાં તે કેમ સારું લાગે ? પારસી વધારેમાં વધારે સુધરેલા ગણાય. એટલે, જ્યાં યુરોપિયન પોશાકનું અનુકરણ અઠીક જ લાગ્યું ત્યાં પારસીનું કર્યું. પત્નીને સારુ સાડીઓ પારસી બહેનો પહેરે છે તેવી લીધી; બાળકોને સારુ પારસી કોટપાટલૂન લીધાં. બધાંને બૂટમોજાં તો જોઈએ જ. પત્નીને તેમજ બાળકોને બંને વસ્તુ ઘણા માસ લગી ન ગમી. જોડા કઠે, મોજાં ગંધાય, પગ ફુગાય. આ અડચણોના જવાબ મારી પાસે તૈયાર હતા. જવાબની યોગ્યતા કરતાં હુકમનું બળ તો વધારે હતું જ. એટલે લાચારીથી પત્નીએ તેમજ બાળકોએ પોશાકના ફેરફારને સ્વીકાર્યા. તેટલી જ લાચારીથી અને એથીયે વધુ અણગમાથી ખાવામાં છરીકાંટાનો ઉપયોગ કરવા

માંડ્યો. જ્યારે મારો મોહ ઊતર્યો ત્યારે વળી પાછો તેમણે બૂટમોજાં, છરીકાંટા ઈત્યાદિનો ત્યાગ કર્યો. ફેરફારો જેમ દુઃખકર્તા હતા તેમ ટેવ પડ્યા પછી તેનો ત્યાગ પણ દુઃખકર હતો. પણ અત્યારે હું જોઉં છું કે અમે બધાં સુધારાની કાંચળી ઉતારીને હળવાં થયાં છીએ.

આ જ સ્ટીમરમાં કેટલાંક બીજાં સગાં તેમજ ઓળખીતાં પણ હતાં. તેમના તેમજ ડેકના બીજા ઉતારુઓના પરિચયમાં પણ હું ખૂબ આવતો. અસીલ ને વળી મિત્રની સ્ટીમર એટલે ઘરના જેવી લાગતી અને હું હરજગ્યાએ છૂટથી ફરી શકતો.

સ્ટીમર બીજાં બંદર કર્યા વગર નાતાલ પહોંચવાની હતી, એટલે માત્ર અઢાર દિવસની

મુસાફરી હતી. કેમ જાણે અમને પહોચતાંવેંત ભાવિ તોફાનની ચેતવણી આપવી ન હોય, તેમ

અમારે પહોંચવાને ત્રણ કે ચાર દિવસ બાકી હતા એવામાં દરિયામાં ભારે તોફાન ઊપડ્યું. આ દક્ષિણના પ્રદેશમાં ડિસેમ્બર માસ ગરમીનો અને ચોમાસાનો સમય હોય છે, એટલે દક્ષિણ સમુદ્રમાં આ દિવસોમાં નાનામોટાં તોફાન હોય જ. તોફાન એવું તો સખત હતું અને એટલું

લંબાયું કે મુસાફરો ગભરાયા.

આ દૃશ્ય ભવ્ય હતું. દુઃખમાં સૌ એક થઈ ગયા. ભેદ ભૂલી ગયા. ઈશ્વરને હૃદયથી સંભારવા લાગ્યા. હિંદુ-મુસલમાન બધા સાથે મળી ઈશ્વરને યૈદ કરવૈ લૈગ્યૈ. કોઈએ માનતાઓ

માની. કપ્તાન પણ ઉતારુઓની સાથે ભળ્યા ને સૌને આશ્વાસન આપી કહ્યું કે, જોકે તોફાન તીખું ગણાય તેવું હતું, તોપણ તેના કરતાં ઘણાં વધારે તીખાં તોફાનોનો પોતાને અનુભવ થયો હતા. સ્ટીમર મજબૂત હોય તો એકાએક ડૂબતી નથી. ઉતારુઓને તેમણે આવું ઘણું સમજાવ્યું, પણ એથી ઉતારુઓને કરાર ન વળે. સ્ટીમરમાં અવાજો તો એવા થાય કે જાણે હમણાં ક્યાંકથી તૂટશે, હમણા ગાબડું પડશે. ગોથાં એવાં ખાય કે હમણા ઊથલી પડશે એમ લાગે. ડેક ઉપર તો કાઈ રહી જ શેનું શકે ? ‘ઈશ્વર રાખે તેમ રહેવું’ એ સિવાય બીજો ઉદ્‌ગાર નહોતો સંભળાતો.મને સ્મરણ છે તે પ્રમાણે, આવી ચિંતામાં ચોવીસ કલાક વીત્યા હશે. છેવટે વાદળ

વીખરાયું. સૂર્યનારાયણે દર્શન દીધાં. કપ્તાને કહ્યું : ‘તોફાન ગયું છે.’

લોકોના ચહેરા ઉપરથી ચિંતા દૂર થઈ ને તેની સાથે જ ઈશ્વર પણ અલોપ થઈ ગયો !

મોતનો ડર ભુલાયો તેના સાથે જ ગાનતાન, ખાનપાન શરૂ થયાં. માયાનું આવરણ પાછું ચડ્યું, નિમાજ રહી, ભજનો રહ્યાં, પણ તોફાનટાણે તેમાં ગાંભીર્ય દેખાયું હતું તે ગયું !

પણ આ તોફાને મને ઉતારુઓની સાથે ઓતપ્રોત કરી મૂક્યો હતો. એમ કહી શકાય

કે, મને તોફાનનો ભય નહોતો અથવા તો ઓછામાં ઓછો હતો. લગભગ આવાં તોફાન મેં

અગાઉ અનુભવ્યાં હતાં. મને દરિયો લાગતો નથી, ફેર આવતા નથી. તેથી હું ઉતારુઓમાં નિર્ભય થઈ ફરી શકતો હતો, તેમને આશ્વાસન આપી શકતો હતો, અને કપ્તાનના વરતારા સંભળાવતો હતો. આ સ્નેહગાંઠ મને બહુ ઉપયોગી થઈ પડી.

અમે અઢારમી કે ઓગણીસમી ડિસેમ્બરે ડરબનના બારામાં લંગર કર્યું. ‘નાદરી’ પણ તે જ દહાડે પહોંચી.

ખરા તોફાનનો અનુભવ તો હજુ હવે થવાનો હતો.