Karma no kaydo - 14 in Gujarati Fiction Stories by Sanjay C. Thaker books and stories PDF | કર્મનો કાયદો ભાગ - 14

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

કર્મનો કાયદો ભાગ - 14

કર્મનો કાયદો

શ્રી સંજય ઠાકર

૧૪

કર્મફળનું દર્પણ ચિત્તપટલ

‘પાતંજલ વોગસૂત્ર’માં સમાધિપાદના ચોથા સૂત્રથી ‘ઢ્ઢબ્ડ્ડક્રગક્રસ્તસ્ર્ૠક્રૅ શ્નભથ્શ્ક્ર’ કહીને કર્મના ફળને વૃત્તિઓ દ્વારા ચિત્તમાં રહેલા ચૈતન્ય ઉપર પડતું પ્રતિબિંબ કહ્યું છે. યોગ કહે છે કે જેની જેવી વૃત્તિ હોય તેના ચિદાકાશમાં તેવું જ ફળ રચાય છે. યોગમાં પાંચ પ્રકારનાં ચિત્ત કહેલાં છે : ક્ષિપ્ત, વિક્ષિપ્ત, મૂઢ, એકાગ્ર અને નિરુદ્ધ.

જેમાં ક્ષિપ્ત ચિત્ત એ રજોગુણથી અતિ ચંચળતા પામેલું ચિત્ત હોય તે. વિક્ષિપ્ત એટલે જેમાં રજોગુણ સાથે સત્ત્વગુણનો પણ સંપર્ક હોય અને જે ક્યારેક ચંચળ તો ક્યારેક સ્થિર રહેતું હોય તે. મૂઢ એટલે જેમાં તમોગુણનો જ અધિક પ્રભાવ હોય અને જે કોઈ કેફી પદાર્થોની અસર તથા ક્રોધના આવેશમાં ઊપજતું હોય તેવું ચિત્ત. એકાગ્ર ચિત્ત એટલે જે ચિત્ત સાધનાથી કેળવાઈને એકાગ્રતા પામ્યું હોય તે અને નિરુદ્ધ ચિત્ત એટલે જે યોગની સાધના પરિપૂર્ણ થતાં સમગ્ર ચિત્તની વૃત્તિઓ પોતાના અંતરમાં રહેલા ચૈતન્ય વિષે નિરોધ પામી હોય તે.

ક્ષિપ્ત ચિત્ત :

ક્ષિપ્ત ચિત્ત ધરાવતી કોઈ અતિ ચંચળ વ્યક્તિને કર્મસંજોગથી સુખ મળે તોપણ તે તેની ચંચળતાના દોષના કારણે ભોગવી નથી શકાતું. જે લોકોએ રાત-દિવસ અવળા ધંધા કરીને તેમના ચિત્તને ક્ષિપ્ત કરી નાખ્યું છે તેવા લોકોને મહેલોમાં પણ ચેન નથી પડતું. તેમની સામે બત્રીસ ભાતનાં ભોજન પીરસાયાં હોય, પણ તેમને બે કોળિયાનીયે તૃપ્તિ નથી હોતી. લાખો રૂપિયાના આલીશાન બેડ હોય, પણ તેમને એના ઉપર ઉંઘ નથી હોતી. લાખો રૂપિયાની લકઝુરિઅસ કારમાં ફરતા હોય, પણ તે કારની લકઝુરિઅસનેસ તો રોડ ઉપર ઊભેલી નિર્દોષ ચિત્તવાળી કોઈ વ્યક્તિ કે બાળક જોઈ શકે છે. ક્ષિપ્ત ચિત્તવાળાનું મન તો તેવી કારમાં બેસીને પમ ચિંતાને જ વળગેલું હોય છે. એનો અર્થ એ થાય કે તેમને સુખમાં પણ સુખ નથી હોતું.

મારો એક મિત્ર શૅરબજારમાં ટ્રેડિંગ કરતો-કરતો કોમૉડિટી ઈન્ડેક્સના સોદામાં પડ્યો. થોડા સમયમાં તેને લાખો રૂપિયાનો ફાયદો થયો, પરંતુ તે ક્ષણિક નીકળ્યો. બે મહિના બાદ જે કમાયો હતો તે ઉપરાંત પણ ગુમાવ્યું અને દેવામાં ગરકાવ થઈ ગયો. શૅરબજાર તો કાંઈક ઠીક, પણ કોમૉડિટી ખરાબ. શૅરબજારમાં તો ઓપનિંગ બેલ અને ક્લોઝિંગ બેલ વચ્ચેના સમય માટે જ સોદાઓ પાડી શકાય, પણ કૉમૉડિટી ત્યારે રાતદિવસ ચાલતું. વળી હાર્યો જુગારી બમણું રમે તે કહેવત મુજબ ગુમાવેલા રૂપિયા પાછા મેળવવા દિવસ-રાત તે લાગ્યો રહેતો. એક મહિનામાં તો અપૂરતી ઊંઘ અને ટેન્શનના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ.

આખરે ડૉક્ટરની સલાહ પ્રમાણે તેને દસ-પંદર દિવસ માટે કોઈ સારા હિલ સ્ટેશને લઈ જવાની સલાહ અપાઈ, જે મુજબ તેના એક દીકરા અને પત્ની સાથે તે મહાબળેશ્વર, ઊંટી, લોનાવાલા અને ખંડાલા જેવાં સ્થળે ગયો. પંદર દિવસે પરત આવ્યો અને મને મળ્યો ત્યારે મેં પૂછ્યું : “મજા આવી કે નહીં ? પહાડી વિસ્તારનાં નયનરમ્ય દૃશ્યોને મન ભરીને માણ્યાં કે નહીં ?”

તેણે નિસાસાભેર કહ્યું : “શું માણું ને શી મજા આવે ? મને તો તે પહાડીનાં વૃક્ષોમાં પણ કોમૉડિટીના ઈન્ડેક્સ જ નજરે આવતા હતા. વળી ગુમાવેલા રૂપિયા અને માથે થયેલા દેવાની સ્થિતિમાં શી મજા લેવી ?” તેની વાત પણ સાચી હતી, કારણ કે જેનું ચિત્ત ક્ષિપ્તભાવને પામેલું છે. તે ક્યાંથી મજા લઈ શકે છે ?

વિક્ષિપ્ત ચિત્ત :

વિક્ષિપ્ત ચિત્તવાળી વ્યક્તિઓ સુખ ભોગવતાં-ભોગવતાં જ દુઃખમાં ગરકાવ થઈ જાય છે, કારણ કે તેમની વૃત્તિઓ ક્યારેક સ્થિર તો ક્યારેક અસ્થિર હોય છે. દેવો અને મનુષ્યોનાં ચિત્તને વિક્ષિપ્ત કહેવામાં આવ્યાં છે. જે ભોગકર્મો આજ મધુર લાગ્યાં છે તે જ ભોગો આવતી કાલે ઉબાવનારા સાબિત થાય છે. ચિત્તની ચંચળતાથી વ્યક્તિ મહેલોમાં, સ્વર્ગમાં અને સુખભોગોમાં પણ ઉબાઈ જાય છે. એક ફિલ્મ જોવી આજે ખૂબ ગમી અને મજા કરી, પણ બીજા દિવસે તે ફિલ્મ જોવાનો રસ જતો રહે છે. એક મનગમતી વાનગી આજે ખાધી તે બીજા, ત્રીજા અને ચોથા દિવસે જો ફરીફરીને આપવામાં આવે તો ઊબ આવે છે. વિક્ષિપ્ત ચિત્તમાં કર્મોનું ફળ તે ચિત્તની વૃત્તિઓ સાથે જ ગડથોલાં ખાય છે, તેથી સુખમાં દુઃખ તરફ અને દુઃખમાં સુખ તરફ ફંગોળાતું રહે છે.

મૂઢ ચિત્ત :

મૂઢ ચિત્તવાળી વ્યક્તિઓને તો ચિત્તની મૂઢતા સિવાય અન્યનો બોધ જ રહેતો નથી. દાનવો, યક્ષો, રાક્ષસો, પિશાચો વગેરેનાં ચિત્તને મૂઢ ચિત્ત કહેવામાં આવ્યાં છે, તેમને સ્વર્ગમાં રાખો કે નર્કમાં, તેઓ તો તેમની મૂઢતા જ અનુભવે છે. અમુક રાક્ષસી પ્રજાને ગમે તેવી સારી વ્યવસ્થા આપવામાં આવે તોપણ તેઓ તેમની મૂઢતાથી તેને ગેરવ્યવસ્થામાં જ બદલી નાખે છે.

કહેવાય છે કે એક વખત દાનવો ભગવાન પાસે ગયા અને તેમણે કહ્યું : “ભગવાન ! તમે દર વખતે દેવોનો પક્ષ લઈને તેમને સ્વર્ગ આપો છો, હવે તો અમારે પણ સ્વર્ગમાં રહેવું છે અને દેવોને અમારા સ્થાન પાતાળલોકમાં મોકલવા છે.” ભગવાને તેમને કહ્યું : “મેં તમારા માટે જે રચ્યું છે તે યોગ્ય છે, છતાં તમને જો એમ થતું હોય કે હું આમ કરવામાં કોઈ પક્ષપાત કરું છું તો તમે હવેથી સ્વર્ગમાં રહો અને દેવોને હું પાતાળલોકમાં મોકલી આપું છું.”

ભગવાનના કહેવાથી દેવો પાતાળમાં ગયા અને દાનવો સ્વર્ગમાં ગયા, પરંતુ થોડા જ સમયમાં સ્વર્ગની હાલત તો પાતાળલોક કરતાંયે ખરાબ થઈ ગઈ. દેવો સાંજના સમયે અપ્સરાઓનાં નૃત્ય જોતા અને વારુણિ પીતા. તેના બદલે દાનવો ચોવીસે કલાક વારુણિ પીતા ફરવા લાગ્યા. નૃત્ય કરતી અપ્સરાના નૃત્યની કળા જોવાને બદલે અપ્સરાઓનાં ચીરહરણ કરીને બળાત્કાર ગુજારવા લાગ્યા.

જે સ્વર્ગમાં દેવોએ વિશાળ ડાઈનિંગ હૉલ બનાવ્યા હતા તેની હાલત મુસાફરોને લૂંટતા હાઈવેના ધાબા જેવી કરી નાખી. જે ડાઈનિંગ ટેબલ ઉપર સિસ્ટમથી બેસવાનું હોય ત્યાં ટેબલ ઉપર જૂતા સાથે પગ રાખીને વેઈટરને ઓર્ડર આપી. ગર્વાન્વિત થઈ ગયા. સ્વર્ગનાં ટેબલ-ખુરશી તો મળ્યાં, પણ ઉભડક બેસવાની ટેવના કારણે ખુરશી પર પણ ઉત્કૃષ્ટાસનમાં બેસવા લાગ્યા. અમુક તો ખુરશીને બદલે ટેબલ ઉપર બેસીને જમવા લાગ્યા.

તેમને નાહવા-ધોવાનો અને સાફ સફાઈનો કોઈ રસ ન હતો, એટલે ઇન્દ્રની સુધર્મા સભા પણ થોડા દિવસોમાં માવા-પાનની પિચકારીઓથી સરકારી ગેસ્ટહાઉસ જેવી દુર્ગંધ મારતી થઈ ગઈ. જ્યાંત્યાં માવા-ગુટકા અને પોલિથિનની બૅગોનો કચરો. અપ્સરાઓ પણ નાક આગળ બુરખો પહેરીને નૃત્ય કરતી થઈ ગઈ.

સ્વર્ગની ભાષા પણ થોડા દિવસોમાં બદલાઈ ગઈ. અપ્સરાને નચનિયા, સુધર્માસભાને બકવાસ કા અડ્ડા, રાજમહેલોને રંગરેલિયોં કા અડ્ડા જેવાં નવાં નામ મળી ગયાં. ‘અબે તેરી કી’, ‘ઘોડા નિકાલ ઔર ઠોક દે સાલે કો’, ‘માર દે સાલે કો, કાટ દે સાલે કો’ જેવા શબ્દોથી સ્વર્ગની ગલીગલી ગુંજવા લાગી. ચોરી, લૂંટફાટ, પોલીસકેસો અને દંગાઓથી એક વર્ષમાં તો સ્વર્ગ એ સ્વર્ગ છે કે નર્ક તે ઓળખવું મુશ્કેલ થઈ ગયું.

એવા સમયે અમુક અસુરોને થયું કે આપણા પાતાળલોકની શી હાલત છે, આપણા માદરેવતનમાં દેવો શું કરે છે તે જરા જઈને જોઈએ. તેઓ જ્યારે પાતાળલોકમાં ગયા અને જોયું તો પાતાળની જગ્યાએ નવું સ્વર્ગ લાગ્યું. બધે જ ચોખ્ખાઈ, સાફસફાઈ, સુંદરતા, વ્યવસ્તિતતા અને પરસ્પર શિષ્ટાચાર મુજબનો વ્યવહાર. તેઓ તો ભૂલી જ ગયા કે આ એ પાતાળલોક છે કે જ્યાં આપણે રહેતા હતા ? તે દાનવો ભાગ્યા પાછા અને આવ્યા સ્વર્ગમાં કે જ્યાં તેમના બીજા સગા-સંબંધી દાનવો રહેતા હતા. તેમણે વાત કરી કે હવે આ સ્વર્ગમાં આપણું રહેવું બરાબર નથી. સ્વર્ગ તો આપણી પાતાળભૂમિનું છે, જેથી ચાલો, આપણે ભગવાન પાસે જઈને કહીએ કે આપણને પાછા પાતાળલોકમાં મોકલી આપે.

બધા દાનવો ભગવાન પાસે આવ્યા અને કહ્યું : “ભગવાન ! અમને હવે પાછા પાતાળલોકમાં મોકલી આપો.” ભગવાને પૂછ્યું : “કેમ ?” દાનવોએ કહ્યું : “પ્રભુ ! અમે સ્વર્ગથી ઉબાઈ ચૂક્યા છીએ, એટલે હવે અમને અમારા વતનમાં જ મોકલી આપો.” ભગવાને કહ્યું : “હું તો તમને કહેતો જ હતો કે તમે તમારા ઠેકાણે જ શોભશો. તમે જ્યાં રહેશો તે પાતાળલોક નહીં હોય તોપણ તે લોક પાતાળલોક જેવો જ બની જશે - કદાચ તેથીયે ખરાબ, કારણ કે પાતાળલોકમાં તો મેં તમારા માટે તમારી વ્યવસ્થા કરી છે, પણ જ્યાં તમારા માટે વ્યવસ્થા કરવામાં નથી આવી તેની હાલત તો તમારા હાથે ઔર બદતર થશે.”

અસલમાં પુણ્યશાળીઓને રહેવાનું સ્થાન સ્વર્ગ છે તેમ નથી, પરંતુ સ્વર્ગ એ છે કે જ્યાં પુણ્યશાળીઓ રહે છે. પાપીઓને રહેવાનું સ્થાન નર્ક છે તે વાત સાચી નથી, પરંતુ પાપીઓ જ્યાં રહે છે તે નર્ક છે. મૂઢ ચિત્તવાળા લોકોને સ્વર્ગ પણ દુઃખદાયક બની રહે છે. મૂઢ ચિત્ત જ દુઃખોનો ભંડાર છે.

એકાગ્ર ચિત્ત :

જ્યારે એકાગ્ર બનેલું ચિત્ત જ સુખરૂપ થઈ જાય છે. તેમાં દુઃખ થવું અસંભવિત બની જાય છે. અંતરના ચૈતન્ય સાથે જોડાઈને એકરૂપ થયેલું ચિત્ત અંતરના ચૈતન્યના પ્રભાવથી જ સુખસ્વરૂપ થઈ જાય છે. અસલમાં દુનિયાનાં જે કોઈ સુખ, શાંતિ કે આનંદ છે તે એકાગ્રતા વગર સંભવી શકતાં જ નથી. આપણે કોઈની વાત સાંભળીએ, કોઈ પુસ્તક વાંચીએ કે પછી કોઈ ફિલ્મ જોઈએ તેવા સમયે જો આપણે તેમાં એકાગ્ર ચિત્તવાળા હોઈશું તો તે વાત, તે પુસ્તક કે તે ફિલ્મ આપણને સુખરૂપ જ લાગશે, પરંતુ એકાગ્રતાનો ભંગ થતાં જ તે-તે વિષયમાંથી આપણને ઊબ આવવી શરૂ થઈ જશે.

નિરુદ્ધ ચિત્ત :

નિરુદ્ધ ચિત્ત તો પરમાનંદની અવસ્થા છે, જ્યાં ન કોઈ વૃત્તિ છે અને ન તો તે વૃત્તિઓનું કોઈ પ્રતિબિંબ. તે અવસ્થાને જ યોગમાં સમાધિ તરીકે ઓળખાવાઈ છે.

આ રીતે કર્મની વૃત્તિઓ જે પ્રકારનું ચિત્ત પેદા કરે અને તે ચિત્તનો અનુભવ જ ફળ કહેવાતું હોય તો કર્મ તેના ફળથી અલગ કેમ હોઈ શકે ? વ્યક્તિ જે પ્રકારની વૃત્તિ સેવે છે તે વૃત્તિનો જ તે તેના ચિદાકાશમાં અનુભવ કરે છે. જ્યાં સુધી વ્યક્તિનાં કર્મોનો ચિદાકાશમાં રહેલા ચૈતન્યમાં કોઈ અનુભવ થતો નથી ત્યાં સુધી તે કર્મ કોઈ ફળ ઉપજાવી શકતું નથી, જેથી વ્યક્તિનું કર્મ અને તેનું ફળ અલગ રહી શકતાં નથી.

***