Pincode -101 Chepter 52 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 52

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પિન કોડ - 101 - 52

પિન કોડ - 101

પ્રકરણ-52

આશુ પટેલ

ડીસીપી સાવંતે કોલ રિસિવ કર્યો. એ કોલ પોલીસ કમિશનર ઈલિયાસ શેખનો હતો. તેમણે જે કહ્યું એ સાંભળીને સાવંત અપસેટ થઈ ગયા. કોલ પૂરો થયો એટલે તેઓ થોડી વાર શૂન્યમનસ્ક બનીને બેસી રહ્યા. તેમની આઈએએસ પત્નીએ તેમના ચહેરા પર ઉચાટ જોઈને પૂછ્યું: ‘શું થયું?’
ડીસીપી સાવંત કઈ કહે એ પહેલા ફરી વાર તેમના મોબાઈલ ફોનની રિંગ વાગી. તેમણે કોલ રિસિવ કર્યો. સામે છેડે સિનિયર ઈંન્સ્પેક્ટર દતાત્રેય વાઘમારે હતા.
વાઘમારેએ કહ્યું: ‘સર, મને સો ટકા ખાતરી છે કે પેલી છોકરીને વરસોવાના પેલા મકાનમાં જ લઈ જવાઈ છે અને ઇકબાલ કાણિયા પણ એટલામાં જ ક્યાંક છુપાયો છે. આપણે ત્યાં પૂરતી તૈયારી સાથે કોમ્બિંગ ઓપરેશન કરવું જોઈએ...’
‘વાઘમારે...’ ડીસીપી સાવંતે તેમને વચ્ચે જ અટકાવ્યા.
‘સર, એક વાર મારી પૂરી વાત તો સાંભળી લો...’
‘વાઘમારે, હું હવે ડીસીપી ક્રાઈમ નથી. મને ઝોન અગિયારના ડીસીપી તરીકે મૂકી દેવાયો છે...’
‘સર!’
વાઘમારે આગળ કઈ બોલે એ પહેલા ડીસીપી સાવંતે ભારે અવાજે કહ્યું: ‘અને તમે હવે ભૂતપૂર્વ સિનિયર ઇન્સ્પેક્ટર બની ચૂક્યા છો. તમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરી દેવાયા છે!’
* * *
‘મારે એક મિસિંગ કમ્પલેઇન્ટ લખાવવી છે. મારો દોસ્ત સાહિલ સગપરિયા બે દિવસથી ગાયબ છે.’ સાહિલનો દોસ્ત રાહુલ ગોરાઈ પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારીને કહી રહ્યો હતો. તે છેલ્લા દોઢ કલાકથી ગોરાઈ પોલીસ સ્ટેશનમાં બેઠો હતો. તેને હતું કે પોલીસ સ્ટેશનમાં જઈને તે તરત જ સાહિલ વિશે ફરિયાદ લખાવી દેશે, પણ તેણે ખાસ્સો સમય રાહ જોવી પડી હતી. હવાલદારે તેને કહ્યું હતું કે બેસો, સાહેબ ફ્રી થશે ત્યારે તમે તેમને મળી શકશો. રાહુલ સાહિલના ગુમ થવા વિશે ફરિયાદ લખાવવા ઊંચાનીચો થઈ રહ્યો હતો, પણ હવાલદારે તેને કહ્યું હતું કે પેલા સાહેબ કહે તો જ ફરિયાદ નોંધી શકાય અને સાહેબ અત્યારે બિઝી છે. આ દરમિયાન પેલો અધિકારી ગળામાં અને હાથમાં ઘણુ બધું સોનું પહેરીને બેઠેલા કોઈ માણસ સાથે ગપ્પા મારી રહ્યો હતો અને તે બન્ને વારેવારે જોરજોરથી હસીને એકબીજાને તાળી મારી રહ્યા હતા. રાહુલ મનોમન ધૂંધવાઈ રહ્યો હતો, પણ તે લાચાર બનીને જોઈ રહેવા સિવાય કશું કરી શકે એમ નહોતો. છેવટે પેલો અધિકારી તેના પર ઉપકાર કરી રહ્યો હોય એ રીતે તેની વાત સાંભળવા તૈયાર થયો હતો.
રાહુલે કહ્યું કે તેને પોતાના દોસ્તના ગુમ થવા વિશે ફરિયાદ લખાવવી છે એટલે તે પોલીસ અધિકારીએ પહેલા તો કશો જ પ્રતિસાદ ના આપ્યો. રાહુલની વાત સાંભળી જ ના હોય એ રીતે તેણે ખિસ્સામાંથી તમાકુની ડબ્બી કાઢીને થોડું તમાકુ ડાબા હાથની હથેળીમાં લીધું અને પછી એમાં થોડો ચૂનો નાખીને અડધી મુઠ્ઠી વાળી. એ પછી જમણા હાથના અંગૂઠાથી ડાબા હાથની હથેળીમાં તમાકુ મસળતા મસળતા તેણે ચૂંચી આંખ કરીને રાહુલ તરફ જોયું.
રાહુલે ફરી વાર કહ્યું: ‘સર, મારો દોસ્ત બે દિવસથી ઘરે આવ્યો નથી એટલે મારે ફરિયાદ લખાવવી છે.’
તે અધિકારીએ અત્યંત ઉદ્ધતાઈથી કહ્યું: ‘કેમ તારે તારા દોસ્ત વિશે ફરિયાદ લખાવવી છે? તેના કુટુંબના બધા સભ્યો મરી ગયા છે?’
રાહુલે પોતાનો રોષ અને આક્રોશ છુપાવતા કહ્યું: ‘મારા દોસ્તનું મુંબઈમાં મારા સિવાય બીજુ કોઈ નથી અને તે મારી સાથે મારા ભાડાના ફ્લેટમાં રહે છે.’
‘મે તને પૂછ્યું કે તું ભાડાના ફ્લેટમાં રહે છે કે તારી માલિકીના ફ્લેટમા રહે છે?’
રાહુલે કહ્યું: ‘સોરી. મેં એમ જ કહ્યું.’
‘એમ જ કહ્યું એટલે? તું અહી ટાઈમપાસ કરવા આવ્યો છે?’
રાહુલે તેને મૂળ વાત પર લાવવાની કોશિશ કરી: ‘સર, મારો દોસ્ત બે રાતથી ફ્લેટ પર આવ્યો નથી એટલે મને ચિંતા થઈ રહી છે...’
‘તો સીધા ફરિયાદ લખાવવા દોડી આવવાનું પોલીસ સ્ટેશનમાં? પહેલા તારી રીતે તપાસ કર. ના મળે તો પછી ફરિયાદ લખાવવા આવજે.’
‘પણ સર...’
‘એ આહિરે, ચા મગાવ ને. આજે આખી રાતનો ઉજાગરો છે એટલે સાલું માથું ચડ્યું છે.’ રાહુલ આગળ કઈ બોલે તે પહેલા જ તે અધિકારીએ એક હવાલદાર સામે જોઈને બૂમ મારી.
રાહુલને એ અધિકારી પર કાળ ચડયો કે આ હલકટ થોડી વાર પહેલા પેલા ગુંડા કે માથાભારે બિલ્ડર જેવા લાગતા માણસ સાથે દોઢ કલાક સુધી ગપ્પા મારતો બેઠો હતો ત્યારે તેને ઉજાગરો કે માથાનો દુખાવો નહોતો નડતો!
રાહુલે ફરી એક વાર આજીજી કરી: ‘સર, પ્લીઝ મારી પૂરી વાત તો સાંભળો...’
‘તને કહ્યું ને કે પહેલા તારી રીતે તપાસ કર. કાલ સુધી પત્તો ના લાગે તો આવજે પાછો. મુંબઈમા દર વર્ષે દસ હજારથી વધુ માણસો ગુમ થઈ જાય છે અને એમાંથી પંચાણું ટકાથી વધુ માણસો પાછા ઘરે આવી જાય છે. અમે આ રીતે આડેધડ ફરિયાદ લખવા બેસીએ તો અમે નવરા જ ના પડીએ.’ પેલા અધિકારીએ કંટાળાના ભાવ સાથે કહ્યું. પછી તેણે મજેથી પોતાના નીચલા હોઠ અને દાંત વચ્ચે તમાકુ મૂક્યું અને રાહુલને કહ્યું: ‘જા જઈને તારા ફ્રેંડને શોધવાના કામે લાગ અને અમને પણ કામ કરવા દે!’
રાહુલના મનમાં તે અધિકારી માટે ગાળ આવી ગઈ. તેને થયું કે તે આ અડિયલ પોલીસ અધિકારીના ઉપરી અધિકારી પાસે જઈને તેની વિરુદ્ધ ફરિયાદ કરે, પણ તરત જ તેણે એ વિચાર પડતો મૂકવો પડ્યો. તેને થયું કે આ અધિકારી પાસે પહોંચવા માટે તેણે દોઢ કલાક રાહ જોવી પડી હતી. તેના ઉપરી પાસે તો ક્યારે પહોંચી શકાય! તેણે પોલીસ વિશે સાંભળ્યુ હતું કે મોટા ભાગના પોલીસ કર્મચારીઓ એ રીતે વર્તતા હોય છે કે તેઓ પબ્લિક સર્વન્ટ એટલે કે પ્રજાના નોકર ના હોય, પણ બધા નાગરિકો તેમના બાપના ગુલામ હોય. અત્યારે તેને એ વાતમાં તથ્ય હોવાનો અનુભવ થઈ રહ્યો હતો. તેના મનમાં એવો આક્રોશ ઊભરી આવ્યો કે તે એ અધિકારીનું લબોચું ભાંગી નાખે, પણ તેણે પોતાનો આક્રોશ મનમાં જ ધરબી રાખવો પડ્યો.
રાહુલ ત્યાથી રવાના થયો નહીં એટલે પેલા અધિકારીએ કહ્યું: ‘એ હીરો, તું કઈ ભાષા સમજે છે એ ભાષામાં તને સમજાવું. કાલ સુધીમાં તારો દોસ્ત પાછો ના આવે તો આવજે. અત્યારે અહીથી રવાના થા અને અમને અમારુ કામ કરવા દે.’
નિરાશ થઈને રાહુલ ચાલતો થયો. એ વખતે તેના કાન પર પેલા પોલીસ અધિકારીના કડવા શબ્દો અથડાયા: ‘આ સાલાઓ બીજાં રાજ્યોમાંથી મુંબઈ આવીને અહીં માથે પડે છે અને પોલીસનું કામ પણ વધારતા રહે છે!’
* * *
‘અમારી દીકરી મોહિની ક્યારે પાછી આવશે? તેની સહાયક જયા વાસુદેવન અવારનવાર તેના વિશે પૂછી રહી છે.’ વૈજ્ઞાનિક મોહિની મેનનના પિતા તેમના ઘરમાં ઘણા દિવસથી રહેતા બે ઉચ્ચ શિક્ષિત લાગતા યુવાનને પૂછી રહ્યા હતા.
‘તમારી દીકરી હવે થોડા દિવસમાં જ પાછી આવી જશે.’ પેલા બે યુવાનમાંથી એક યુવાને જવાબ આપ્યો.
‘પણ એવું તો તમે ઘણા
દિવસથી કહી રહ્યા છો. તમે અમને બીજા લોકો સાથે હળવામળવા પણ દેતા નથી...’ મોહિનીની માતાએ દલીલ કરી.
‘તમે કોઈને મળવાની કોશિશ કરશો તો તમારી દીકરીને જ નુકસાન પહોંચાડશો.’ પેલા યુવાને રુક્ષ અવાજે કહ્યું.
‘પણ બીજા કોઈ સાથે નહીં તો તમે અમને મોહિની સાથે તો વાત કરવા દો.’ મોહિનીના પિતાએ સહેજ અકળાઈને કહ્યું.
‘તમારી દીકરી કોઈ પિકનિક પર નથી ગઈ. તે કોઈ અગત્યના કામમાં છે અને એ કામ પૂરું ના થાય ત્યાં સુધી તે કોઈના પણ સંપર્કમાં રહી શકે એમ નથી.’
‘અરે પણ એવું કયું કામ છે કે મોહિની અમને ના કહી શકે?’ મોહિનીની માતાની ધીરજ પણ ખૂટી ગઈ.
‘આ બધા સવાલો તમે અમને અનેક વાર પૂછી ચૂક્યા છો અને અમે તમને ફરી ફરીને સમજાવી ચૂક્યા છીએ કે મોહિની અત્યારે કોઈને પણ મળી શકે એમ નથી, તમને પણ નહી.’
‘તમે મોહિની સાથે અમારી વાત નહીં કરાવો તો હું બૂમો પાડીને અમારા પાડોશીઓને બોલાવીશ.’ મોહિનીની માતા ઉશ્કેરાઈ ગઈ.
‘ઠીક છે તમે એવું કરી શકો છો! અમે તમને નહીં રોકીએ...’ પેલા યુવાને કહ્યું.
તે યુવાને આગળ જે શબ્દો કહ્યા એ સાંભળીને મોહિનીના પિતા હેબતાઈ ગયા અને મોહિનીની માતા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડવા લાગી.
(ક્રમશ:)