The Play - 9 in Gujarati Short Stories by Hiren Kavad books and stories PDF | The Play - 9

Featured Books
Categories
Share

The Play - 9

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

મેઘ અને નવ્યા બન્ને રેસ્ટોરન્ટમાં ડિનર માટે જવાનાં હોય છે. ઇન્દ્રએ ખ્યાતિ અને તર્જનીનેં ડિનર માટે બોલાવેલા હોય છે. મેઘ અને નવ્યા ડિનર શરૂ કરે છે. ત્યારે જ તર્જની અને ખ્યાતિ ત્યાં આવે છે. નવ્યાનીં નજર તર્જની પર પડે છે. ખ્યાતિ અને મેઘ મળે છે. વાતાવરણ તંગ બને છે. શિવ મેઘનાં જેવુ જ રૂપ લઇનેં ત્યાં આવે છે અને બધુ સંભાળે છે. બધા સાથે ડિનર કરે છે. બધા છુટા પડે છે. મેઘ અને નવ્યા એક સ્થળ પર જાય છે. નવ્યા રોડનાં પેલે પારથી મેઘને પ્રપોઝ કરી રહી હોય છે. ત્યારે જ એક ટ્રક આવીને નવ્યાંનેં ઉલાળી મુકે છે… હવે આગળ.

૯. અંતર

શિવની આંખો લાલઘુમ હતી. એવું લાગી રહ્યુ હતુ કે હમણા એમાંથી અગ્નિ વરસશે. એણે એની બધી જ પીડા દબાવીને રાખી હતી. એના ચહેરા પર ગુસ્સા સિવાય કોઇ જ ભાવો નહોતા. એની નજર સામે બેસેલા ઇન્દ્ર સામે હતી.

‘ઇતિહાસમાં પહેલીવાર હું એક કઠિન નિર્ણય લેવા જઇ રહ્યો છું.’, બ્રહ્માંએ શાંત ભાવે ઉભા થઇને કહ્યુ. બધાની નજર અર્ધવર્તુળ સભાના સામેના છેડે વચ્ચે બેસેલા બ્રહ્માં તરફ ગઇ.

‘આપણા દેવ લોકમાં ભોગ વિલાસ પૂરા થઇ ગયા છે એટલે જ દેવતાઓનેં પૃથ્વિ પર જઇને પોતાની શરીર ઇચ્છાઓ શાંત કરવી પડે છે. દેવો કાલ્પનિક પાત્રો પ્રત્યે એટલા આસક્ત થઇ જાય છે કે એ ઘટનાઓંને રોકવાં પૃથ્વિ સુધી દોડ્યા જાય છે.’, બ્રહ્માંએ વારાફરતી ઇન્દ્ર અને શિવ તરફ જોયુ.

‘અત્યાર સુધીનાં ઇતિહાસમાં આ પહેલીવારનોં નિર્ણય છે. આપડે આ નાટ્ય અહિં જ સ્થગિત કરી રહ્યા છીએ.’, ચારેતરફ હોહા થઇ ગયો. બધા એકબીજા સામે જોઇને ગણગણવા લાગ્યા. બ્રહ્માંએ બોલવાનું શરૂ રાખ્યુ.

‘નાટ્યને કોઇ જ નિર્દેશીત નહિં કરે. પાત્રો પોતપોતાના સહજ માર્ગ પર જ આગળ વધશે. આપડા તરફથી હવે કોઇ જ નિર્દેશન નહિં રહે. બીજી એક મહત્વની વાત એ કે ઇન્દ્ર અને શિવને દેવલોકનાં નિયમોંનો ભંગ કરવા બદલ શિક્ષા કરવામાં આવશે.’

‘શિવ અને ઇન્દ્ર આવતા પાંચ વર્ષ પૃથ્વી પર કોઇ જ સુવિધા વિના વિતાવશે અને એ પછીના બે વર્ષ સુધી કોઇ દેવલોકનાં નાટ્ય કેન્દ્રિત કોઇ જ કાર્યમાં સમ્મિલીત નહિં થઇ શકે.’, ઇન્દ્રનાં ભવા ચડી ગયા. શિવનેં વધારે કંઇજ ફરક ના પડ્યો.

'તો આ નાટ્ય અહિંજ સ્થગીત કરવામાં આવે છે. શિવ અને ઇન્દ્રની શિક્ષા આજ મધ્ય રાત્રીથી પ્રારંભ થશે. એના પહેલા તમે તમારા સ્નેહિજનોને મળી શકો છો. આ સભા અહિં જ સ્થગિત થાય છે.', બ્રહ્માંએ કહ્યુ અને એ પોતાના પદથી નીચે ઉતર્યા. શિવ એ જ ક્ષણે કોઇ સાથે વાત કર્યા વિના સભામાંથી બહાર નીકળી ગયા.

***

નંદિની રડી રહી હતી. એની સામે બેભાન અવસ્થામાં પડેલ મેઘ હતો. હમણાંજ એને ECT ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. નવ્યાનીં યાદોએ મેઘનાં મન પર કબજો મેળવી લીધો હતો. એટલી હદે કે મેઘને એમ જ લાગતુ હતુ કે નવ્યા હજુ મેઘને બોલાવી રહી છે. સામાન્ય મનુષ્યો આ આવસ્થાનેં પાગલપનનીં અવસ્થા કહે છે. પરંતુ મનુષ્યનાં દિમાગને કોઇ પામી નથી શક્યુ. આ શરીરથી પર વિશ્વનેં આ શરીર સાથે નથી જોઇ શકાતુ. પરંતુ મનુષ્યનાં દિમાગમાં એટલી તાકાત છે કે એ જાંકી તો શકે જ. દેવો અથવા કહેવાતા દિગદર્શકોએ મેઘનાં નાટ્યને સ્થગિત કરી દીધુ હતુ. હવે મેઘનું નાટ્ય દિશાવિહીન હતુ. કદાચ દિશા વિહીન વ્યક્તિ જ અશક્યનેં શક્ય કરી શકતો હશે.

***

‘નવ્યા.’, મેઘ અડધી રાત્રે એક જાટકે જાગી ગયો. એના કપાળ પર પરસેવો હતો. બે વર્ષથી આવતું સપનું એણે કોઇને નહોતુ કહ્યુ. એ ગાંડામાં ખપી જવા નહોતો માંગતો.

‘હું આવીશ.’, મેઘ બબડ્યો.

***

મેઘે નંદિનીનાં દરવાજા પર પહેલીવાર ટકોરા માર્યા. જાણે એ કોઇ પરાઈ વ્યક્તિ હોય. નંદિનીએ ફરીને જોયુ અને અંદર આવવા માટે ડોકું ધુણાવ્યુ. મેઘ નંદિની પાસે જઇને બેસી ગયો. થોડી ક્ષણો મૌન ગઇ. મેઘે નંદિનીનાં હાથ પર હાથ મુક્યો અને એનાં હોઠ હલ્યા.

‘હું આમ નહિં જીવી શકુ.’, મેઘ બોલ્યો. નંદિની કંઇ ના બોલી.

‘આ જગ્યાઓ મને અકળાવે છે. આઇ વોન્ટ ટુ સ્ટાર્ટ ટ્રાવેલીંગ.’, મેઘે કહ્યુ.

‘ક્યાં જઇશ?’, નંદિનીનીં આંખો ઓલરેડી ભીની થઇ ચુકી હતી.

‘ખબર નહિં.’,

‘કેટલા સમય માટે?’,

‘ખબર નહિં.’, મેઘ બોલ્યો.

‘તારા પર ફરી પાગલપન સવાર થયુ છે?’, નંદિની ઉભી થઇ ગઇ.

‘ના, મારી હાલત તો સમજ.’, મેઘ બોલ્યો.

‘તારા સિવાય મારૂ કોઇ નથી તને ખબર છે.’, નંદિની રડી પડી હતી.

‘આ દૂનિયામાં કોઇ જ આપડુ નથી.’, મેઘ બોલ્યો.

‘તો કેમ તને નવ્યાનાં હજુ સપનાં આવે છે?’, નંદિનીએ ડૂસકા લેતા લેતા શબ્દોનોં ઘા કર્યો.

‘તને કેમ ખબર?’

‘માં છું તારી.’

‘નંદુ.’, મેઘે નંદિનીનોં હાથ પકડીનેં પોતાની બાજુમાં બેસારી અને પોતે એનાં ખોળામાં લંબાણો.

‘હું ચાહુ છું કે તુ મને હસતે મોં વિદાય આપે.’, મેઘ બોલ્યો.

‘મને ખબર નથી કે તું ક્યાં જાય છે, ક્યારે આવીશ તો હું કઇ રીતે હસતા મોંએ વિદાય આપું?’, નંદિનીનાં આંસુઓ હજુ વહ્યે જતા હતા.

‘મુકામ અને સમય નક્કિ હોય તો એને યાત્રા થોડી કહેવાય.’,

‘બસ મારે તારા તર્કો નથી સાંભળવા.’,

‘મમ્મી. હું બંધાઈને મરી જઇશ.’, મારે ધરતીને ખુંદવી છે.

‘શું શોધવા?’, નંદિની સતત તર્કો આપી રહી હતી.

‘ખબર નહિં.’,

‘મને ડર છે કે તું પાછો જ નહિં આવે.’,

‘મારી મમતા છોડી દે.’, મેઘ થોડો કઠણ થઇને બોલ્યો.

‘મેઘ !’, નંદિનીના ચહેરા પર તંગ ભાવો આવ્યા.

‘હું ગુંગળાઈ ગયો છું, મારે નવ્યાનેં શોધવી છે.’, મેઘ ઉભો થઇ ગયો.

‘ગોડડેમ ઇટ એ મરી ગઇ છે. કેટલીવાર કહું.’, નંદિનીનેં ગુસ્સો આવ્યો.

‘દૂનિયા માટે, મારે માટે નહિં.’, મેઘ બોલ્યો.

‘આવું બોલવાંથી એ પાછી નહિં આવે. મારી સામે જો.’, નંદિનીએ મેઘનો ચહેરો પકડ્યો.

‘હું શું કરીશ તારા વિના?’, નંદિની સતત રડી રહી હતી.

‘બહુ કડવી વાત છે, પરંતુ તુ મરી જઇશ પછી તારા વિના હું શું કરીશ?’, મેઘ કોઇ જ ભાવો વિના બોલ્યો. નંદિની સ્તબ્ધ થઇ ગઇ. એના ચહેરા પર પણ કોઇ જ ભાવો નહોતા. એ શબ્દો ગળી ગઇ. એ કંઇજ ના બોલી શકી. એણે પાછા ડગલા ભર્યા અને જ્યાં હતી ત્યાંજ બેસી ગઇ.

‘મેં તને પ્રેમ કર્યો છે માં.’, મેઘ નંદિનીપાસે ગોઠણીયાભેર પડીને કહ્યુ.

‘જા.’, નંદિની વધારે ના બોલી. જાણે આવેલા મહેમાનનેં જાકારો આપતી હોય.

***

વહેલી સવારે મેઘ પોતાનું બેકપેક લઇને નંદિનીના રૂમ પાસે આવ્યો. એણે મોટું બેકપેક રૂમનીં બહાર મુક્યુ અને ધીંમેંથી દરવાજો ખોલ્યો. એને ખબર હતી કે જો એ દિવસે જવાની તૈયારી કરશે તો નંદિની એને ઘરની બહાર પણ નહિં નીકળવા દે. એ ધીંમેંથી નંદિનીનાં બેડ પર બેઠો. એણે ઉંડો શ્વાસ લીધો અને નંદિનીના ચહેરા તરફ જોયુ. એણે નંદિનીનાં ચહેરા પર હાથ ફેરવ્યો. નંદિનીં આંખો રોયેલી લાગી રહી હતી. મેઘનીં આંખમાં આંસુ હતા. એ ધીરેથી એના હોંઠ નંદિનીનાં કપાળ તરફ લઇ ગયો અને હળવેથી ચુમ્યો. એણે અમુક ક્ષણો સુધી નંદિનીનાં ચહેરા તરફ જોયે રાખ્યુ, એ ચાહતો હતો કે નંદિની ઉઠે અને એને સ્મિત સાથે જવા માટે રજા આપે. પરંતુ સુતેલી નંદિનીનોં ચહેરો ન હલ્યો. મેઘ ધીરેથી નંદિનીનાં રૂમનીં બહાર નીકળ્યો અને દરવાજો બંધ કર્યો.

***

આખી રાત નંદિની રોઇ હતી. એને ઉંઘ નહોતી આવી. છતને તાકીને એણે રાત કાપી હતી. એને ખબર હતી હવે મેઘ કોઇનાથી રોક્યો નહિં રોકાય. રૂમનોં દરવાજો ખખડ્યો એટલે નંદિનીએ આંખો બંધ કરી લીધી. નંદિનીને મેઘનાં હાથનોં સ્પર્શ થયો. પરંતુ એણે આંખો ના ખોલી. એણે એના આંસુઓ મહામુશ્કેલીએ દાબીને રાખ્યા હતા. એ મેઘનેં રોકવા નહોતી માંગતી, ન તો એ મેઘને રડતી આંખે વિદાય કરવા માંગતી હતી. એને મેઘનો ચહેરો જોવાની તિવ્ર ઇચ્છા હતી. પરંતુ જો એ મેઘનો ચહેરો જોશે તો મેઘથી જુદા થવુ ઘણુ અઘરૂ બની જશે. એણે મેઘનાં હોઠોનોં સ્પર્શ પોતાનાં કપાળ પર મહેસુસ કર્યો. એને ઘણી રાહત મળી. આ એક સ્પર્શનાં સહારે એને હવે વધેલી જિંદગી કાપવાની હતી. ક્ષણો સુધી શાંતી. એને ખબર હતી, મેઘનીં આંખોમાં આંસુ હશે જ. આંસુતો નંદિનીને પણ સારવા હતા. પરંતુ એણે પોતાનીં જાતને જડ બનાવી દીધી હતી. મેઘ ઉભો થયો એ એણે મહેસુસ કર્યુ. એક ક્ષણ એને થયુ કે આંખો ખોલુ અને મેઘને ગળે લગાડી લવ. એની મમતાએ જ એને રોકી લીધી. દરવાજો ખુલવાનોં અવાજ સંભળાયો, દરવાજો બંધ થવાનોં એને અવાજ સંભળાયો. નંદિનીની આંખમાંથી રોકાયેલી આંસુ સરી પડ્યુ.

***

દરવાજો બંધ થયો. એક માં અને દિકરા બન્નેની આંખોમાં આંસુ હતા. બન્ને પાસપાસે હોવા છતા બન્નેમાંથી કોઇએ એકબીજાનાં આંસુઓ નહોતા જોયા. માં એક એવું તત્વ છે જેણે મુક્તતા આપવા માટે પોતાની મમતાનેં પણ કુરબાન કરી છે. ઇશ્વરોનાં જન્મ આંસુઓના સહારે થતા હોય છે. એ ચાહે પ્રસવનીં પિડા હોય કે વિરહની. ઇશ્વરનેં જ્ન્માવવાની પહેલી શરત આંસુ છે.

***

રસ્તાઓ નક્કિ નહોતા ન તો મુકામ કોઇ નક્કિ. છોડવું હંમેશા મુશ્કેલ હોય છે. પરંતુ છોડ્યા પછી જ કંઇ નવુ દેખાતુ હોય છે. પ્રિય વ્યક્તિ ગુમાવેલી વ્યક્તિ એવા સમયમાંથી પસાર થતી હોય છે જ્યારે કાંતો પોતે ભટકી જાય. કાંતો પામી જાય. કેટલાંક એવા હોય છે કે ભટકીને પામતા હોય છે. મેઘને ખબર નહોતી એની યાત્રા ખબર નહોતી. પરંતુ એણે ચાલવાનું શરૂ કરૂ દીધુ હતુ.

ઉત્તર દિશા મેઘની અંતરઆત્માએ પસંદ કરી લીધી હતી. એણે ક્યાં રહેવું, શું કરવુ એવું કંઇજ નક્કિ નહોતુ. નોર્મલ જીન્સ અને ટી-શર્ટ. પાછળ બેકપેક, દાઢી અને કપાયેલા વાળ. એક ખુબ શાંત અને સુશીલ વ્યક્તિ બસમાં ચડી હતી. કોઇને પણ એમ લાગે કે આ વ્યક્તિ સારો કામ ધંધો કરતી હશે. પરંતુ મેઘની અંદર એક ધુન લાગી ચુકેલી હતી. એણે પાછળ છોડ્યુ હતુ, પરંતુ એ બંધનોમાંથી મુક્ત થયો હતો કે નહિં એના પર પ્રશ્નો હતા. પ્રેમનાં બંધનમાંથી કોણ છુટ્યુ છે? એવું બંધન જ્યાં મુક્તતા જ મુક્તતા.

***

‘કેન હી સીટ હિઅર?’, એક વ્યક્તિ આવી અને એણે મેઘનીં બાજુની ખાલી સીટ તરફ ઇશારો કરીને પૂછ્યુ. મેઘે એ બાળક તરફ જોયુ.

‘યસ.’, મેઘે હળવુ સ્મિત કર્યુ.

‘થેંક્યુ’, પેલી લેડીએ કહ્યુ.

‘આઇ એમ લોરેન.’, એ લેડીએ હાથ લાંબો કર્યો.

‘મેઘ. નાઇસ ટુ મીટ યુ.’, મેઘે હેન્ડશેક કર્યુ અને કહ્યુ.

‘વોન્ટ્સ યોર નેમ બડી?’, મેઘે પેલા બાળકને પૂછ્યુ.

‘જોસ’, પેલા બાળકે કહ્યુ. એ લેડી પછી બીજા બે યુવાનો આવ્યા. લેડી પાછળની એક ખાલી સીટ પર બેઠી અને બીજા લોકો બસમાં ઉભા રહ્યા. બન્ને યુવાનોનાં વાળ લાંબા હતા. એ લોકો જીપ્સી જેવા જ લાગી રહ્યા હતા.

‘હેય મેન.’, સામે વાળા વ્યક્તિએ પૂછ્યુ.

‘હેય. આઇ એમ મેઘ.’, મેઘે કહ્યુ.

‘ડેરેન’, એક વ્યક્તિએ હાથ લાંબો કર્યો.

‘લીઅમ.’, બીજા વ્યક્તિએ હાથ લાંબો કર્યો.

‘વેર યુ હેડીંગ?’, ડેરેને પૂછ્યુ.

‘આઇ ડોન્ટ નો મેન. વેર યુ ગાય્ઝ ગોઇંગ?’, મેઘે સામેથી પૂછ્યુ.

‘જંગલ તરફ. ત્યાં એક આદિવાસી મહોત્સવ છે. જ્યાં વિવિધ સ્પીરીચ્યુઅલ પ્રેક્ટિસ થાય છે. યુ વોના જોઇન?’, લીઅમે કહ્યુ.

‘યા સ્યોર.’, મેઘે કહ્યુ.

લીઅમ મેઘની બાજુમાં બેઠો અને જોસને ખોળામાં લીધો. બન્નેની વાતો શરૂ થઇ.

‘તો અમે લોકો છેલ્લા ચાર વર્ષથી ટ્રાવેલ પર છીએ.’, મેઘનાં પ્રશ્નનો જવાબ આપવાનું લીઅમે શરૂ કર્યુ હતુ.

‘લગભગ અમે મોટાભાગનું દક્ષિણ ફરી લીધા છીએ, હવે અમારૂ મુકામ જંગલનાં આદિવાસીઓને મળવાનું છે ત્યાંનાં લોકો સાથ રહેવાનું છે. ડેરેન ડોક્યુમેન્ટરી શુટર છે. જેનાંથી અમે પૈસા કમાઈએ છીએ અને દૂનિયા ફરીએ છીએ. એ આદિવાસી વસવાટ વિશે એવું કહેવાય છે કે ત્યાંનાં દરેક લોકો આઉટ ઓફ બોડી એક્સપીરીયન્સ કરી શકે છે. અને આ મહોત્સવ એનાં માટે જ યોજાય છે.’, મેઘનેં આ વાતમાં સતત રસ પડી રહ્યો હતો. મેઘને વાત વાત પર નવ્યા યાદ આવી રહી હતી.

‘ખરેખર એવું શક્ય છે?’, મેઘે પૂછ્યુ.

‘એ લોકોનું એવું કહેવું છે કે એમની જે રસમ છે એ વર્ષોથી ચાલી આવે છે. એ રસમ દરમ્યાન તમે એવા સ્ટેટમાં જતા રહો જ્યાં કોઇ ભૌતિક શરીરનું અસ્તિત્વ નથી પરંતુ તમે છો, કોઇ બીજું છે જેની સાથે તમે એવી રીતે કનેક્ટેડ કે કોઇ શરીર વિના એકબીજા સાથે સંપર્ક કરી શકો છો.’, મેઘને બધુ વિચિત્ર અને ફેસીનેટીંગ લાગી રહ્યુ હતુ. એ આવો અનૂભવ કરવાં ઉત્સુક બની રહ્યો હતો. બન્નેની ઘણી વાતો થઇ. થોડા સમય પછી એને એક ઉંઘની જપકી આવી ગઇ.

***

‘મેઘ ? મેઘ ?’, નવ્યાનોં અવાજ આવ્યો.

‘મેઘ જાગ, હું આવી છું.’, નવ્યાનોં અવાજ મેઘ સાંભળી શકતો હતો પરંતુ એની આંખ સામે અંધારૂ હતુ.

‘મેઘ તારી નવ્યાનેં નહિં જુએ?’, નવ્યા બોલી અને મેઘની આંખો સામે અંજવાળું થયુ. સામે નવ્યા હતી અને ચારેતરફ ખુબ જ અંજવાળુ હતુ.

‘નવ્યા.’, મેઘ નવ્યા તરફ દોડ્યો. પરંતુ જેટલો એની પાસે જતો હતો એટલી જ નવ્યા એનાથી દૂર જઇ રહી હતી.

‘નવ્યા તુ કેમ દૂર જઇ રહી છે?’, મેઘ અકળાઈનેં બોલ્યો.

‘એ અંતર છે મારા અને તારા વચ્ચેનું.’, નવ્યા બોલી.

‘મારે તને સ્પર્શ કરવો છે.’,

‘હું શરીર નથી મેઘ, સ્પર્થ અશક્ય છે હવે.’, નવ્યાએ ખુબ જ શાંતીથી કહ્યુ.

‘આવું ના બોલ. મારે તારી પાસે પહોંચવુ છે.’,

‘હજુ વાર લાગશે.’, નવ્યા ખુબ જ શાંત ભાવે બોલી.

‘ક્યારે નવ્યા?’, મેઘ અધિરાઈથી બોલ્યો.

‘હજુ તારૂ શરીર છે.’, નવ્યા બોલી.

‘તો મને માર્ગ બતાવ, હું ક્યાં જાવ? મારે તારો અનૂભવ કરવો છે.’, મેઘે પૂછ્યુ.

‘કોઇ જ માર્ગ નહિં, પહેલા તુ તારી જાતનેં ભૂલ. જે પણ યાદ છે એને ભૂલ. જ્યાં હું પણ ના હોવ. કોઇ જ યાદ નહિં. પછી જ્યાં પહોંચીશ ત્યાં હું હોઇશ. ત્યાં બધાજ હશે. પૂરેપુરૂ બ્રહ્માંડ હશે.’,

‘મારે બીજા કોઇની જરૂર નથી. મારે માત્ર તારી જરૂર છે.’, મેઘનાં ચહેરા પર તંગ ભાવો હતા. એના કપાળે પરસેવો આવવા લાગ્યો હતો.

‘તારે હજુ જરૂર છે, જ્યાં સુધી આ જરૂરને નહિં મીટાવે ત્યાં સુધી તને હું નહિં મળી શકુ.’

‘ધીઝ ઇઝ ક્રેઝી નવ્યા. આઇ કાન્ટ ફરગેટ યુ.’,

‘જીવતો દરેક માણસ પાગલ છે. એ તને તું અહિં આવીશ ત્યારે ખબર પડશે.’, નવ્યા સ્મિત સાથે બોલી.

‘નવ્યા. આઇ મીસ યુ.’, મેઘ પોતાને સંભાળીને બોલ્યો.

‘આઇ નો.’, નવ્યાએ ફરીથી સ્મિત સાથે કહ્યુ.

‘તને ખબર છે હું તને પ્રેમ કરૂ છું.’,

‘હા મને ખબર છે.’, નવ્યા બોલી અને ધીરે ધીરે મેઘની આંખ સામેના પ્રકાશ ઓછો થવા લાગ્યો અને અંધકાર વધવા લાગ્યો.

‘નવ્યા થોડીવાર.’, નવ્યા કંઇજ બોલ્યા વિના ઉભી રહી.

‘નવ્યા.’, અંધકાર વધતો ગયો.

‘નવ્યા.’, મેઘ ચિલ્લાયો. પરંતુ હવે સપૂર્ણ અંધારૂ છવાઈ ગયુ હતુ.

‘નવ્યા…’, મેઘની ચીસ નીકળી અને એની આંખ ખુલી ગઇ. બસનાં બધા જ લોકો મેઘની આસપાસ ટોળું વળીનેં ઉભા હતા. મેઘનોં ચહેરો પરસેવાથી રેબઝેબ હતો.

‘આર યુ ઓલરાઇટ મેન?’, લિઅમેં પૂછ્યુ. મેઘે ચારેતરફ જોયુ. મેઘ એક ગહન સપનામાંથી બહાર આવ્યો હતો. એ કંઇ બોલી ન શક્યો.

‘હું ક્યારથી સપનું જોઇ રહ્યો હતો?’, મેઘે લીઅમને પૂછ્યુ.

‘બે મિનિટ જ થઇ, તને ઉંઘ આવી એને અને તુ ચીલ્લાવા લાગ્યો. તારા મોંમાંથી નવ્યા-નવ્યા શબ્દ નીકળી રહ્યો હતો.’, મેઘને ઘણુ અજીબ લાગ્યુ. એ લગભગ અડધા કલાકથી નવ્યા સાથે વાત કરી રહ્યો હતો. એ થોડીવાર શાંત રહ્યો. કેટલીય મિનિટો સુધી નવ્યા એના વિચારોમાં ચાલતી રહી. નવ્યાએ કહેલી એકે એક વાત એને યાદ હતી.

બસ ચાલતી રહી. સામેથી રસ્તો આવતો હતો અને અમુક રસ્તો જતો હતો. ખુલ્લા મેદાનો વચ્ચે ચાલી રહેલી બસનીં બારીમાંથી મેઘની નજર મેદાનની ક્ષિતીજ પર પડી. અવકાશ કેસરી થઇ ચુક્યુ હતુ. સુર્ય ભૂમી ફાડીને બહાર આવવાનોં હતો.

મેઘનાં મગજમાં સતત ‘તુ તારી જાતનેં ભૂલ. જે પણ યાદ છે એને ભૂલ.’ વાક્ય ગુંજી રહ્યુ હતુ. મેઘને સમજમાં નહોતુ આવી રહ્યુ કે આ કઇ રીતે શક્ય છે? એ સતત ઉગી રહેલા કેસરી સુર્યને તાકી રહ્યો. સુર્ય પૂરો ખીલ્યો. મેઘે ઉંડો શ્વાસ લીધો.

‘કોણ નવ્યા?’, મેઘ મનમાં બબડ્યો.

‘હહ. હજુ તને મારૂ નામ યાદ છે.’, મેઘને તરત જ કટાક્ષ વાળુ હસતો નવ્યાનોં અવાજ સંભળાયો. મેઘનીં આંખનો ખૂણો ભીનો થઇ ગયો.

***

શું નવ્યા જીવશે? શું મેઘ નવ્યાનેં પાછી મેળવી શકશે? કઇ રીતે મેઘ અને નવ્યા સાથે વાતો કરશે? મેઘ ક્યાં જશે? જાણવા માટે વંચો ધ પ્લે ચેપ્ટર – ૧૦. આવતા શુક્રવારે. Please do Share and Rate story. Don’t forget to send me your views and reviews.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com