Nidar Bhimno Sandesho in Gujarati Short Stories by Dhumketu books and stories PDF | નીડર ભીમનો સંદેશો !

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

નીડર ભીમનો સંદેશો !

નીડર ભીમનો સંદેશો !

દામોદર ને મહારાજ ગુફાઓની પાસે આવ્યા. મહારાજ ભીમદેવ ગુફાઓની રચના જોઈને નવાઈ પામી ગયા. ચારે તરફ ઘાટું જંગલ ફેલાયેલું હતું. આંહીં ગુફાઓ હશે, એમ કોઈને શંકા પણ થાય તેવું ન હતું. પણ અત્યારે તો હવે સૂઈ જવા સિવાય બીજું કામ સૂઝે તેમ ન હતું.

મુસાફરીનો એવો થાકોડો લાગ્યો હતો કે પથારીમાં પડતાંની સાથે સૌ કોઈ ઊંઘી ગયા.

ગુફાઓની ઉપર બે-ચાર માણસો છૂટાછવાયા ચોકીદારી કરતા આખી રાત જાગતા બેઠા રહ્યા.

સવારમાં જ્યારે ગુફાઓની રચના વધારે સ્પષ્ટ રીતે દેખાઈ ત્યારે આ સ્થળની રચના જોઈને, મહારાજ ભીમદેવ છક્ક થઈ ગયા.

કોઈ આંહીં પડ્યો રહીને, બાર બાર વરસ સુધી જુદ્ધ ખેલે, તોય પત્તો લાગે તેવું હતું નહિ. રાસાયનિક નાગાર્જુનની કહેવાતી આ ગુફાઓ ખરી રીતે કોની હશે એ તો કોઈ જાણતું ન હતું. પણ નાગાર્જુનનું નામ સોમનાથ પાસેના દૈહિક સાથે જોડાયેલું હતું ને આ ગુફાઓ આંહીં હતી. એમાંથી લોકવાયકાએ એને નાગાર્જુનની ગુફાઓ ઠરાવી દીધી હોય તો નવાઈ નહિ. એક વખત ત્યાં કોઈ ઉપાસકો કે સિદ્ધિના આશકો રહેતો હશે એ ચોક્કસ. અત્યારે તો સેંકડો માણસો સમાય તેવી વિશાળ વખંભર ગુફાઓ માણસ વિનાની શૂન્ય પડી હતી. કોઈ કોઈ ચાંચિયા અવારનવાર ત્યાં આવી જતા હશે. એમ એમણે મૂકેલા મંગાળાઓ ઉપરથી લાગતું હતું.

આ ગુફાઓમાં ઠંડા મીઠા પાણીનો સંગ્રહ હતો, ને અનાજ ભરવા માટેનો એક કોઠાર જણાતો હતો. એના રસ્તા એવા અટપટા અને વિચિત્ર હતા કે એક વખત માણસ અંદર પેસે, પછી એ પાછો મૂળ સ્થાને પહોંચતાં બે-ચાર વખત તો ભૂલ કરે ને કરે. એમાંથી કદાચ એકદમ બહાર નીકળી જવું પડે, તો મુખ્ય માર્ગને છોડીને, જંગલને રસ્તે જ નીકળી જવાય તેવું પણ હતું.

ચારે તરફની ગુફાઓનાં દ્વાર વચ્ચે પડતાં હતાં. ત્યાં વચ્ચેના મોટા ચોગાનમાં એક ઠંડા પાણીનો સુંદર કુંડ હતો. એની ઉપરની ચારે બાજુની પરસાળમાં અત્યારમાં બેઠક રચાઈ ગઈ હતી. મહારાજ ભીમદેવ ત્યાં બેઠા. દામોદરે થોડા સૈનિકોને ત્યાં આસપાસ ચારે તરફ બહારના ભાગમાં ઊભા રાખી દીધા.

મહારાજ ભીમદેવની દૃષ્ટિ એક વખત ચારે તરફ ફરી વળી. એમને આંહીંની હવાથી જરાક શાંતિ જણાતી હતી. પણ હજી એમના મોં ઉપર ભારે આઘાતનાં સ્પષ્ટ ચિહ્નો દેખાતાં હતાં. કેસરી સિંહથી જેમ મેઘગર્જના સહન ન થાય, ને એને મરવામાં જ મજા પડે, એવી વિચારમાળા મહારાજની મુખમુદ્રામાં ચાલી રહેલી જણાતી હતી. દામોદરે એક સૈનિકને કાંઈક સંકેત કર્યો. તે પાસેની ગુફાઓમાં તરત અદૃશ્ય થઈ ગયો.

‘થયું ત્યારે દામોદર !’ મહારાજે અચાનક કહ્યું, ‘આ સ્થાનક તો તેં ભારે શોધ્યું છે. તારું શોધેલું સ્થાનક તે આંખમાથા ઉપર. આપણે હવે પાટણ ઉપર આંહીંથી બહારવટું ખેડવું રહ્યું. મારણ મારવા માટે નીકળવું પડે, ત્યારે પણ આ થાનકનો ઉપયોગ થઈ પડશે. કરો કંકુનાં. પાછું મહારાજ વનરાજની પેઠે એકઠે એકથી શરૂ કરીએ. રા’ને તેડાવી લે હવે ! એના વિના આ વાતમાં મજો નહિ આવે ! બહારવટું સોરઠનું, ને જુદ્ધ ગુજરાતનું. જુદ્ધ તો હવે ખોયું એટલે હવે બહારવટું જ રહ્યું.’

દામોદરને મહારાજનો આટલો ઉત્સાહ પણ આનંદ આપી રહ્યો.

મહારાજના વેણનો એ જવાબ આપવા જતો હતો, પણ એટલામાં એક તરફની ગુફામાંથી, આ બાજુ આવતા ત્રણ-ચાર જોદ્ધાઓ દેખાયા, એટલે એ શાંત રહ્યો.

જોદ્ધાઓનાં શરીર ઉપર હજી પાટાપીંડી દેખાતાં હતાં. કોઈએ હાથ ઝોળીમાં રાખ્યો હતો. કોઈ લંગડાતો હતો. તો કોઈના આખા માથાને ઢાંકે તેવા પાટાથી એની ઓળખાણ જ રહી ન હતી. મહારાજ એમને આવતા જોઈ રહ્યા.

સૌથી મોખરે એક જુવાન રૂપાળો જોદ્ધો ચાલતો હતો, એની આંખમાંથી, આટલી નિશાનીઓની વચ્ચે પણ, હજી તેજની ધારા છૂટતી હતી તે પગે જરાક લંગડાતો હતો. એક મોટો ઘા એના કાન પાસે પડ્યો હોય તેમ જણાતું હતું. એના ઉપર બાંધેલા પાટાથી એનો થોડો ચહેરો ઢંકાઈ ગયો હતો. તે લાંબી તલવારને ટેકે ટેકે આગળ આવી રહ્યો હતો.

મહારાજથી પાંચેક ડગલાં દૂર રહ્યો, અને એણે બે હાથ જોડીને મહારાજને પ્રણામ કર્યા.

મહારાજે તેને હાથથી પાસે આવવાની નિશાની કરી : ‘આંહીં આવ, આંહીં, વિમલ ! આંહીં દામોદર મહેતા પાસે. તું પણ હજી આંહીં છે ?’

‘મહારાજ ! બે-ચાર જણાને પછી અહીં જ રોકાઈ જવું પડ્યું. હજી દુર્ગપતિનો ઘા બરાબર રુઝાયો નથી.’

‘કોનો - કુમારપાલનો ? ક્યાં છે એ ?

જવાબમાં પાછળથી એક વૃદ્ધ જેવો જબ્બરદસ્ત જોદ્ધો આગળ આવતો દેખાયો. તે સોમનાથનો દુર્ગપતિ હતો. તેના આખા માથાને પાટાપીંડીમાં એવું બાંધ્યું હતું કે એનો ચહેરો જ દેખાતો ન હતો.

મહારાજ એને આવતો જોઈને પોતે જ ઊભા થયા : ‘અરે ! કુમારપાલજી, તમે શું કરવા આવ્યા ? હું ત્યાં ન આવત ? ક્યાં છે જયપાલ ?

કુમારપાલે જવાબમાં બોલ્યા વિના માત્ર કપાળ ઉપર હાથ મૂક્યો. જયપાલ માંગરોલમાં હતો, એ એનો બનેવી હતો, પણ યુદ્ધ શરૂ થયા પછી એ થોડો વખત ઝઝૂમતો દેખાયો હતો. પછી ક્યાં ગયો, પકડાઈ ગયો કે શું થયું, તેનો કાંઈ જ પત્તો ન હતો.

દુર્ગપતિ તો હજારોને હણતો, ઘા ઝીલતો ને મારતો, મહારાજ ભીમદેવના સાન્નિધ્યમાં જ લડી રહ્યો હતો. મહારાજે એનું પરાક્રમ જોયું હતું. મહારાજે પ્રેમથી તેના ખભા ઉપર હાથ મૂક્યો : ‘કુમારપાલજી ! તમે દુર્ગને ટકાવવામાં હદ કરી નાખી. હોય ઈ તો...’

કુમારપાલ મહારાજના ચરણ પાસે નીચે બેસી ગયો. મહારાજે તેના ખભા ઉપર હાથ મૂક્યો : ‘દુર્ગપાલજી ! તમે હમણાં પથારીમાં રહો. અમે ત્યાં તમારી પાસે આવીશું !... દામોદર ! વરજાંગજીને સાદ કર તો...’

જવાબમાં તરત એક યોદ્ધો દેખાયો...કુમારપાલને ટેકો દઈને અંદર લઈ જવાની દામોદરે સંજ્ઞા કરી. કુમારપાલ હાથ જોડતો ઊઠ્યો.

પણ થોડી વારમાં જ એ પાછો ફરતો દેખાયો.

‘મહારાજ !...’

‘અરે ! કેમ કેમ ? દુર્ગપતિ ? પાછા કેમ આવ્યા ? દામોદર ! શું છે એમને ?’

‘મહારાજ ગર્જનકને પાછો જતાં, રોકવા ચડે, ત્યારે મારું નામ ક્યાંક ભૂલી જાય નહિ. આ ઘા તો બે દીના મહેમાન છે !’

મહારાજ ભીમદેવના ચહેરા ઉપર એક પ્રકારનો મહાન આનંદ ને એવો જ મહાન શોક પ્રગટી ઊઠ્યા. તે પળભર તો બોલી શક્યા નહિ. ‘તમને કાંઈ ભુલાય ?’ એમણે કુમારપાલને સાંત્વન આપતો શબ્દ કહ્યો. એ પણ કહ્યો ન કહ્યો ત્યાં બહારથી કોઈકનો અવાજ આવતો જણાયો. વરહાજી દોડતો આવી રહ્યો હતો.

‘કેમ વરહાજી ? શું છે ? કોણ છે ?’

‘કોઈક ઘોડેસવાર આવ્યો છે, કે’ છે મારે મહારાજને હાથો-હાથ જ સંદેશો આપવાનો છે ! મેં કહ્યું મને આપો, તો કે’ના.’ દામોદરે પૂછ્યું : ‘પણ છે કોણ ? ક્યાંનો છે ? મહારાજ આંહીં ક્યાં છે ?’

‘એ તો મેં કહ્યું; પણ એને પાકે પાયે વાત મળી ગઈલાગે છે. સાંભરથી* આવવાની વાત કરે છે?’

‘સાંભરથી ? ત્યારે તો વાક્‌પતિરાજનો કોઈક... આવવા દે... પણ બધા ત્યાં બહાર ઊભા ન રહેતા. ‘આવવા દે એને !’

----------------------

*અજમેર, મહમૂદ ગજનીના વખત પછીનું છે. સાંભર, શાકંભરી. એ નામ જ વધારે પ્રસિદ્ધ હતું.

થોડી વારમાં જ એક નાનકડી કેડી ઉપરથી સાંકડી પગથી ઊતરીને આ તરફ આવતો એક જુવાન રૂપાળો જોદ્ધો ત્યાં દેખાયો.

તે નખશિખ શસ્ત્રથી સજ્જિત હતો. તેના પાતળા કસાયલા શરીરમાં જાણે વીજળીની રેખાઓ કોઈએ મૂકી હોય તેમ અચળતાથી તેજસ્વી ચાલે, અણનમ રહીને તે આવતો હતો. તેના નાનકડા વજ્જર હાડમાં ને સુંદર નાકમરોડમાં, રજપૂતીના અટંકપણાની ખુમારી હતી. એને સૌ આવતો જોઈ રહ્યા. પણ એ પાસે આવ્યો અને એનો ચહેરો જોતાં જ, સૌ સમજી ગયા કે વાક્‌પતિરાજનો જ એ કોઈક સંબંધી હોવો જોઈએ. તે સ્વસ્થ, શાંત ને નીડર દેખાતો હતો. તેના ચહેરામાં કોઈ પણ પ્રકારની ચંચળતા કે ઉતાવળ ન હતાં. તેણે આવીને મહારાજને બે હાથ જોડીને પ્રણામ કર્યા.

‘ક્યાંથી - શાકંભરીથી આવો છો ?’

‘ગઢ-બીટલીથી, મહારાજ !’ તેણે જવાબ વાળ્યો. સાંભરદેશનો અણજિત અણનમ કિલ્લો ગઢ બીટલી કોઈ ભૂલી જાય નહિ, એવા ખાસ હેતુથી જાણે એ બોલ્યો હોય તેમ લાગ્યું. તેણે ફરીને પણ એ શબ્દ ઉપર જ ભાર મૂક્યો : ‘હું આવું છું, ગઢ બીટલીથી, મહારાજ !’

‘કોણે શાકંભરીનાથે મોકલ્યા ને ?’

‘ના મહારાજ ! મારી પાસે ભીમપાલ મહારાજનો - નીડર ભીમદેવ મહારાજનો સંદેશો છે !’

સૌ સાંભળી રહ્યા. નીડર ભીમદેવનું નામ તો જાણીતું હતું. પણ પાટણ સાથે એને કોઈ દિવસ સંદેશા-વ્યવહારની આપ-લે થયેલી, કોઈના ધ્યાનમાં હતી નહિ. ભીમદેવે દામોદર સામે જોયું. એને પણ આ સંદેશાની વાત નવાઈની લાગતી હતી.

‘ક્યાં છે સંદેશો ?’

જવાબમાં તેણે પોતાની કમ્મરેથી એક નાનકડી બરુની વાંસળી કાઢી. તેના ઉપર રેશમી વસ્ત્રનું આચ્છાદન હતું. તેણે તે બે હાથમાં લઈને મહારાજની સામે ધરી.

મહારાજે એ લઈને એમાંથી એક વસ્ત્રલેખ કાઢ્યો.

સૌ આતુરતાથી જાણવા માટે મહારાજ સામે મીટ માંડી રહ્યા.

મહારાજે દામોદરની તરફ વસ્ત્રલેખ આગળ ધર્યો.

તરત જવાબ આપી શકાય એવી વાત એમાં ન હતી. દામોદરે સંદેશો લાવનારની સામે જોયું : ‘તમે આંહીં રોકાઓ તો પછી વાત થાય. શું તમારું નામ ?’

‘મારું નામ ગોગદેવ ચૌહાણ !’

‘ત્યારે ગોગદેવ ચૌહાણ ! તમે આંહીં બે દી થોભો. તમે કયે રસ્તે થઈને આવ્યા ?’

‘હું તોપ્રભુ ! સ્તંભતીર્થ ભણીથી આવ્યો !’

‘એમ ? તમને આ સ્થાન કોણે બતાવ્યું ?’

‘સ્તમ્ભતીર્થમાં એ બાતમી, આંહીંના એક યોદ્ધાએ આપી. એને હું ઘણી વખત સોમનાથ દર્શને આવતાં મળ્યો હતો. મને એ ઓળખતા હતા.’

‘કોણ એ યોદ્ધા ? શું નામ ?’

‘જયપાલજી !’

‘જયપાલજી ? હા, એ ત્યાં છે ? એમ ? ઠીક; ઠીક, એ તો સારા સમાચાર. પણ સ્તમ્ભતીર્થમાં તમને શું હવા લાગી ?’

‘બધે આ જ હવા છે. બધા માને છે, ગર્જનક હવે પાછો જઈ રહ્યો !’

દામોદરે મહારાજ સામે જોયું. જયપાલ હોડીમાં બેસીને સ્તમ્ભતીર્થ ભણી ગયેલો એ વાત ચૌહાણ પાસે અચાનક આવી ગઈ હતી. પણ મહારાજે એ વિષે વધારે પૃચ્છા કરવાનું મન દબાવ્યું. એટલે દામોદરે તરત વરહાજીને કહ્યું :

‘વરહાજી ! એમની બધી સંભાળ તમે રાખજો. કોઈ વાતની ઊણપ ન રહે એ જોજો. સારે ઠેકાણે એમને ઉતારજો. પણ આ તો જંગલ છે, ગોગદેવજી !’ દામોદરે કહ્યું.

‘કાંઈ ફિકર નહિ પ્રભુ ! કસોટીનો કાળ સૌને માથે આવે છે. ન આવે તો પછી માણસ માણસ ક્યાંથી રહે ? ત્યારે હું બે દિવસ પછી મળું ?’

‘હા બે દિવસ પછી. વરહાજી જ તમને આંહીં લાવશે. એ આ જંગલનો પ્રાણ છે.’