Pincode - 101 - 36 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 36

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પિન કોડ - 101 - 36

પિન કોડ - 101

પ્રકરણ-36

આશુ પટેલ

જેવ્યક્તિને જોઈને હોટેલમાલિકને એરકન્ડિશન્ડ રિસેપ્શન એરિયામાં પણ પરસેવો વળી ગયો હતો તેને તે હોટેલમાલિક અને તેના કર્મચારીઓએ ન્યુઝ પેપરમાં અને ટી.વી. ન્યુઝ ચેનલ્સ પર સેંકડો વાર જોઈ હતી.
‘દત્તાત્રેય વાઘમારે.’ આગંતુકે રૂઆબભર્યા અવાજે કહ્યું.
‘જી સર. તમને હું ઓળખું છું. આઈ મીન મુંબઈમાં એવું કોઈ નહીં હોય કે જે તમને ન ઓળખતું હોય...’ હોટેલમાલિકની જીભના લોચા વળવા માંડ્યા. નતાશા નાણાવટીના નામે તેની હોટેલમાં ઊતરેલી યુવતીને લઇને પોલીસ ટીમ રવાના થઇ એટલે તેને એમ થયું હતું કે બાલ બાલ બચ્યા, પણ હવે એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ વાઘમારે તેની હોટેલમાં આવી ચડ્યા હતા. તેમને વળી શું કામ પડ્યું હશે? એ વિચારથી તે શિયાવિયા થઈ ગયો.
હું મારી પ્રશંસા સાંભળવા નથી આવ્યો.’ વાઘમારેએ તેને આગળ બોલવાનો મોકો આપ્યા વિના ધારદાર અવાજે કહ્યું.
‘જી સર, મારે લાયક કોઈ સેવા...’ હોટેલમાલિકે અવાજમાં શક્ય એટલી મીઠાશ ઘોળીને કહ્યું.
પણ તે બોલવાનું પૂરું કરે તે પહેલાં જ વાઘમારેએ ફરી વાર તેની વાત વચ્ચેથી જ કાપી નાખતા સત્તાવાહી અવાજે કહ્યું, ‘તમારે ત્યાં નતાશા નાણાવટી નામની છોકરી ઊતરી છે. એની પૂછપરછ કરવાની છે.’
વાઘમારેના એ શબ્દો સાંભળીને હોટેલમાલિક બાઘાની જેમ તેમને તાકી રહ્યો. પણ પછી તેણે સ્વસ્થ થવાની કોશિશ કરતા કરતા જે શબ્દો કહ્યા એ સાંભળીને વાઘમારેના ચહેરા પર તણાવની લાગણી ઊભરી આવી!
હોટેલમાલિકે આશ્ર્ચર્યના આંચકા સાથે કહ્યું, ‘એ છોકરીને તો હમણાં જ ક્રાઈમ બ્રાંચની સ્પેશિયલ ટીમ લઈ ગઈ! એ છોકરી ખોટા નામથી અહીં ઊતરી હતી...’
તે હજી પૂરું બોલી રહે એ પહેલાં જ વાઘમારેએ બરાડો પાડ્યો, ‘શું નામ હતું એ ઓફિસરનું?’
હોટેલમાલિક વધુ ડરી ગયો, ‘ઈન્સ્પેક્ટર રવીન્દ્ર જાધવ નામ કહ્યું હતું તેમણે...’
‘મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચમાં રવીન્દ્ર જાધવ નામનો એક પણ અધિકારી નથી!’ વાઘમારેએ અકળાઇને ઊંચા અવાજે કહ્યું. પછી જોકે તેમને સમજાયું કે આ હોટેલમાલિકને મુંબઇના બધા પોલીસ અધિકારીઓના નામ ખબર ના હોય. એટલે એ વાત પડતી મૂકીને તરત જ તેમણે બીજા સવાલોનો મારો ચલાવી દીધો.
‘કેટલી વાર પહેલા ગયા એ લોકો?’ વાઘમારેએ પૂછ્યું.
‘જી સર, માંડ બે-ત્રણ મિનિટ થઈ હશે.’ હોટેલમાલિકે જવાબ આપ્યો.
‘કઈ ગાડીમાં આવ્યા હતા એ લોકો?’
‘સફેદ કલરની એમ્બ્યુલન્સ હતી...’
‘શું? પોલીસ એમ્બ્યુલન્સમાં એ છોકરીને લઈ ગઈ! તમારું દિમાગ ઠેકાણે તો છે ને? તમને સહેજ પણ શંકા ન ગઈ કે પોલીસ કોઈ છોકરીને એમ્બ્યુલન્સમાં શા માટે લઈ જાય? તમારે પોલીસને જાણ કરવી જોઈતી હતી!’
હોટેલમાલિક બોલવા ગયો કે પોલીસની વિરુધ્ધ પોલીસને કઈ રીતે ફરિયાદ કરી શકાય? પણ વાઘમારેનો લાલચોળ બની ગયેલો ચહેરો જોઈને તે ચૂપ રહ્યો.
‘શિંદે, તાત્કાલિક હોટેલનું અન્દર-બહારનું સીસીટીવી ફૂટેજ ચેક કરો અને જુઓ કે એ એમ્બ્યુલન્સનો નંબર શું હતો? પેલી છોકરીને લઇ જનારા માણસો કેવા હતા? એ એમ્બ્યુલન્સ કઇ કંપનીની હતી? અને તરત જ ટ્રાફિક પોલીસને એ એમ્બ્યુલન્સ વિશે માહિતી આપીને તાબડતોબ એ એમ્બ્યુલન્સને આંતરવા માટે મેસેજ પહોંચાડો. પાટીલ, બહાર જઇને ચેક કરો કે એ એમ્બ્યુલન્સ કઇ બાજુ ગઇ છે.’ વાઘમારેએ ધડાધડ આદેશ છોડવા માંડ્યા.
તમને સમજાય છે કે તમે કેટલી મોટી બેવકૂફી કરી છે? વાઘમારેએ હોટેલમાલિક પર ગુસ્સો ઠાલવવા માંડ્યો.
જોકે તેઓ આગળ કંઈ બોલે એ પહેલા તેમના સેલફોન પર ખબરી સલીમનો કોલ આવ્યો. તેમણે કોલ રીસિવ કર્યો એ સાથે સલીમે કહ્યું, ‘કેટલાક માણસો પેલી છોકરીને એમ્બ્યુલન્સમાં નાખીને વરસોવા તરફ લઈ ગયા છે. મેં એમ્બ્યુલન્સનો નંબર નોંધી લીધો છે...’
‘તું અત્યારે છેક મને કહે છે બેવકૂફ? જલદી નંબર બોલ.’ વાઘમારેએ હતાશાને કારણે પેદા થયેલો ગુસ્સો સલીમ પર ઠાલવ્યો. તેમને એ વાતની ચિંતા હતી કે ડીસીપી સાવંત પોતાના પર બગડશે.
‘સોરી વાઘમારેસા’બ. હું ક્યારનો તમારો મોબાઇલ નંબર લગાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ તમે મારો કોલ કાપ્યો એ પછી તમારો નંબર સતત બિઝી જ આવતો હતો.’ સલીમે પોતાનો બચાવ કરતા કહ્યું. તેણે એમ્બ્યુલન્સનો નંબર લખાવ્યો અને એ એમ્બ્યુલન્સ પર કોઇ ચેરિટેબલ ટ્રસ્ટનું નામ હતું એ લખાવ્યું અને એ કયું વાહન હતું એ માહિતી પણ આપી. એ બધી વિગતો આપ્યા પછી તેણે તરત જ ઉમેરી દીધું: ‘તમારો નંબર ના લાગ્યો એટલે હું તરત જ મોટરસાઇકલ પર એ એમ્બ્યુલન્સની પાછળ રવાના થઇ ગયો. મોહસીન પણ એ એમ્બ્યુલન્સની પાછળ છે. હું તેનાથી થોડાક ફૂટ જ દૂર છુ.’
સલીમના એ શબ્દોથી વાઘમારેના જીવમાં જીવ આવ્યો. તેમણે સલીમને કહ્યું, ‘બહુ સારું કર્યું તેં. હું ફટાફટ પહોંચું છું. એ એમ્બ્યુલન્સ ક્યાં પહોંચી છે હમણા?’
‘યારી રોડ નજીક પહોંચી છે.’
‘ત્યાં તો ઓમરની ઓફિસ છે ને? ઓમરને ખબર છે કે તે છોકરી કોઇની સાથે એમ્બ્યુલન્સમાં નીકળી છે? તેં ઓમરને કહ્યું કે તે છોકરી હોટેલમાંથી બહાર નીકળી છે? ક્યાંક ઓમરે જ એમ્બ્યુલન્સ નહોતી મોકલી ને?’ વાઘમારેએ એકસામટા અનેક સવાલો કરી દીધા.
તેઓ વાત કરતા કરતા પોતાના જુનિયર કર્મચારીઓ સાથે પોતાના વાહન તરફ ચાલતા થઇ ગયા હતા. તેમની સાથે કામ કરવા ટેવાઇ ગયેલા તેમના સાથીદારો તેમની ફોન પરની વાત પરથી અને તેમની બોડી લેંગ્વેજ પરથી સમજી ગયા હતા કે અત્યારે પેલી એમ્બ્યુલન્સ હાથમાંથી ન નીકળી જાય એ વધુ મહત્ત્વનું છે એટલે એ બધા વાઘમારેની સાથે લગભગ દોડવાની ગતિએ ચાલીને તેમના વાહન તરફ જઇ રહ્યા હતા. વાઘમારેએ ઇશારાથી જ એક પોલીસમેનને હોટેલમાં રોકાઇને સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે ત્યા રોકાઇ જવા કહી દીધું હતું. તેમણે સરકારી સ્કોર્પિયોમાં બેસતા બેસતા બહાર પૂછપરછ કરી રહેલા એક પોલીસમેનને સાથે આવી જવા માટે ઇશારો કર્યો.
સ્કોર્પિયો ગતિમાં આવી. આ દરમિયાન તેમની સલીમ સાથે વાત ચાલુ જ હતી.
‘ઓમરને ખબર નથી’. અને તેણે એમ્બ્યુલન્સ મોકલી હોય એ પણ શક્ય નથી કેમ કે તેણે તો હજી થોડી વાર પહેલા જ મને કોલ કરીને પૂછ્યું હતું કે પેલી છોકરી હજી હોટેલમાંથી નીકળી નથી? તે બહુ ટેન્શનમાં હોય એવું લાગતું હતું. હમણા તમારો કોલ બિઝી આવતો હતો ત્યારે વચ્ચે મેં તેનો નંબર લગાવ્યો હતો, પણ તેનો નંબર સતત બંધ જ આવે છે...’
‘તારી મોટરસાઇકલનો નંબર શું છે?’ વાઘમારેએ વચ્ચે જ પૂછી લીધું.
‘એમએચઝીરોટુ... અરે!’
‘શું થયું?’ વાઘમારેએ પૂછ્યું.
મને ફોન પર વાત કરતો જોઇને ટ્રાફિક પોલીસે અટકાવ્યો...’ સલીમ આગળ બોલે એ પહેલા કોલ ડિસ્કનેક્ટ થઇ ગયો. વાઘમારેના મોંમાંથી એક ગંદી ગાળ સરી પડી.
* * *
નતાશા સાથે લાંબા સમય પછી થયેલી અણધારી મુલાકાત અને રાજ મલ્હોત્રા સાથેની મુલાકાત અને છેલ્લા ત્રણ દિવસમાં પોતાની જિંદગીમાં આવેલા અકલ્પ્ય વળાંક વિશે વિચારી રહેલો સાહિલ થોડી થોડી વારે નતાશાનો સેલ ફોન નંબર લગાવવાની કોશિશ કરી રહ્યો હતો, પણ નતાશાનો નંબર સતત બંધ જ આવતો હતો. અચાનક સાહિલને નતાશાના ઘણા બધા એસએમએસ મળ્યા, જેમાં નતાશાએ તેને કહ્યું હતું કે મને તરત જ કોલ કર. તેનો છેલ્લો મેસેજ એવો હતો કે મને હોટેલના નંબર પર તાત્કાલિક કોલ કર, હું હજી હોટેલમાં જ છુ. નતાશાએ એ મેસેજમાં હોટેલનો નંબર પણ લખ્યો હતો અને આશ્ર્ચર્યજનક રીતે રૂમ નંબર પણ લખ્યો હતો. સાહિલને ધ્રાસ્કો પડ્યો કે નક્કી કંઇક બન્યું છે. નતાશા ઓમરને મળવા નથી ગઇ, તેનો સેલફોન બંધ છે અને તેણે કેટલા બધા મેસેજ મોકલ્યા છે, એ પણ વ્હોટ્સ એપને બદલે એસએમએસથી!
આટલા મોડા મેસેજીસ ડીલિવર કરવા માટે પોતે જે કંપનીનો નંબર વાપરતો હતો એ ટેલિકોમ કંપનીને મણ મણની ગાળો દેતા દેતા સાહિલ હોટેલનો નંબર ડાયલ કરવા ગયો, પણ એ પહેલા જ તેના સેલ ફોન પર કોઇનો કોલ આવ્યો. સામે છેડેથી કહેવાયેલા શબ્દો સાંભળીને સાહિલને એરકંડિશન્ડ કારમાં પણ પરસેવો વળી ગયો.

(ક્રમશ:)