Saraswati Chandra - Part 2 - Ch. 10 in Gujarati Fiction Stories by Govardhanram Madhavram Tripathi books and stories PDF | સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 10

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

સરસ્વતીચંદ્ર - ભાગ-2 - પ્રકરણ - 10

સરસ્વતીચંદ્ર

ભાગ : ૨

ગુણસુંદરીનું કુટુંબજાળ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ ૧૦

બહારવટિયાઓનો ભેટો

નિદ્રાવશ કુમુદસુંદરીને લઇ રથ ચાલ્યો અને રથને વચ્ચે રાખી રવાલદાર ઘોડાઓ ઉપર બેઠેલા સવારો ન ધીમે-ન ઉતાવળથી-એ રીતે ચારેક ગાઉ ચાલ્યા હશે એટલામાં રાત્રિ પૂરી થઇ જવા આવી. જંગલનાં પશુમાત્ર શાંત થઇ ગયાં અને ખડબચડી જમીન આવતાં રથચંક્ર નીચે ધબાકા થતા, પવનની લહેર અને મધુર ટાઢથી વેગવાળા થતા ધોરી બળદના પગલાં વાગતાં, સવારોની ઘોડાઓની ખરીઓ વાગતી, ક્વચિત્‌ કચરાતા કાંકરા બોલતા અથવા રથમાં ભરાતાં ઝાડનાં ડાળાં ખખડતાં અને રસ્તાની બાજુએ ગામડાં આવતાં આઘે કૂકડા સંભળાતા, એ સિવાય બીજો સ્વર સરખો સંભળાતો ન હતો. કુમુદ પાછલી રાતની મીઠી નિદ્રા ભોગવતી હતી. ગાડીવાળો હાથમાં રાશ અને પરાણો રાખી અર્ધો જાગતો છતાં ડોલાં ખાતો હતો, અને સવારો જાગૃત છતાં-ચારેપાસ નજર રાખતા હોવા છતાંવાતો કરતા રહી ગયા હતા. ચારપાસ પૃથ્વી ઉપર અંધકારમાં આછુંઆછું તેજ ભળતું હતું, અને રસ્તાથી બે પાસે ઝાડો અને છોડવાના રંગ દીસતા નહોતા પણ તેના છાંયડા અને ઊભા આકાર દેખાતા હતા. પૂર્વ દિશાના આકાશમાં ધોળો તેજનો પડદો ચડતો હતો. આ વખત આમંડલને માનચતુરનું મંડળ સામેથી મળતાં સૌ સવારો ચમક્યા, અબ્દુલ્લાએ પોતાનો ઘોડો તેમની પાસે લઇ જઇ સૌ સમાચાર ધીરે સ્વરે કહ્યા, અને સૌ મંડળ ભેળું થઇ જઇ આગળ ચાલવા માંડ્યું. માનચતુરે રથનો પડદો ધીમેથી ઊંચકી જોયો અને કુમુદસુંદરીને ઊંઘતી જોઇ, પાછો નાખી દઇ, તે રથની જોડે ઘોડો રાખી ડોસાએ ચાલવા માંડ્યું. સૌ વધારે સાવધાન-સજ્જ-થઇ ગયા અને હથિયારો સંભાળતા ચાલ્યા.

અંધકારનો પડદો ઊપડી ગયો તેમાંથી જંગલનાં ચિત્રવિચિત્ર નાટકીય પાત્રો દ્દૃષ્ટિમર્યાદામાં એકદમ ઊભરાવા લાગ્યાં. લાલ પીળાં અને ધોળાં નાનાંમોટાં ફૂલોને ધારણ કરનાર નાના નાના લીલા છોડવા માર્ગની બે પાસ આઘાપાછા રહી પવનની ધીમી લહેરમાં નાચવા લાગ્યા. ખેતરોની ઉપરનીચે થયેલી સંભાળ વગર રાખેલી પોતપોતાના શેડા વચ્ચે પડી રહેલી માટી, પ્રસૂતાના ખાલી પડેલા કરચલીઓવાળા પેટની પેઠે, માનવીના હાથમાં પોતાના ફાલ આપી દઇ, એકાંતમાં શાંત વિશ્રાંતિની મીઠાશ ભોગવતી જાગતી સૂતી સૂતી આકાશ સામું જોવા લાગી. ક્ષિતિજના છેડામાં તથા આસપાસ મોટાંનાનાં ઝાડો, એકબીજાના ખભા ઉપર ડોકિયાં કરી, ઊગનાર સૂર્યના સાજનની વાટ જોવા લાગ્યાં. મળસકાનો ઉજાસ પ્રથમ આછો આછો દેખાઇ, મદનના ચાળાઓ પેઠે જંગલનાં સર્વ અવયવોમાં સ્ફુરવા લાગ્યો. જંગલના ક્રૂર પ્રાણીઓ સંતાઇ ગયાં તેને સ્થાને પક્ષીઓની કોમળ જાતિઓ ઝાડો ઉપર ઊડાઊડ કરવા લાગી, કલ્લોલ કરી રહી અને જુદાજુદા મધુર સ્વરથી ગાયન કરવા મંડી. પક્ષીવર્ગનાં નરમાદા મદનની આણ દિવસે પાળવા લાગ્યાં, ને મત્ત ખેલ મચાવી મૂક્યા. માદાઓ બાળક પક્ષીની ચાંચમાં ધાન્યના કણ મૂકવા લાગી અને પક્ષીજાતમાં પણ માતાનો સ્નેહ દ્દૃષ્ટાંત પામ્યો.

મળસકું થયું, અંધારું ગયું. પૃથ્વીના-વનસ્પતિના-અને તારાને ઢાંકનાર તેજવાળા આકાશના-રંગ અને આકાર ઉઘાડા થયા; અને રથના પડદાઓ ભેદી, આંખનાં પોપચાંમાં પેસી, પવનની લહેરે અને તડકા વગરના તેજે કુમુદની આંખો ઉઘાડી અને એને જગાડી. જાગતાંની સાથે વનલીલાનો પત્ર કમખામાંથી કાઢ્યો અને જરીક બેઠી થઇ, ઊઘડતી આંખો નાજુક આંગળીઓ વડે ચોળી ઉઘાડી, કાગળ આતુરતાથી વાંચવા લાગી. સ્વભાવે રસીલી, દુઃખમાં પણ રમતિયાળ, હેતાળ વનલીલાનો કાગળ લાંબો અને એના સ્વભાવ પ્રમાણે જ હતો. કુમુદ પ્રથમ તો કાગળને ઉપરઉપરથી અથથી ઇતિ ઉતાવળી ઉતાવળી વાંચી ગઇ અને મતલબ જાણી લીધી. બીજી વાર કાગળની વીગત ઉપર ધ્યાન આપી પૂરેપૂરો અક્ષરે અક્ષર વાંચ્યો. ત્રીજી વખત તેમાંના કેટલાક ભાગ ફરીફરી વાંચવા લાગી.

કૃષ્ણકલિકા અને પ્રમાદધનની સંતલસ આ પત્રમાં પૂરેપૂરી વીગતવાર લખી હતી. પોતાને પતિએ છેતરી એ ભાનથી વિષાદ થયો; પતિના મનમાંથી કિલ્મિષ ગયું નથી એટલું જ નહી પણ હજી એના ઉપર મલિન કૃષ્ણકલિકાની સત્તા છે અને એના ઉપરના જ કલંકિત પક્ષપાતને વશ થઇ પતિએ દુષ્ટ સંકેત રચ્યો છે એ વિચારથી કુમુદના મનમાં અચિંત્યો કાંટો પેઠા જેવું થયું. આત્મપરિક્ષા ન કરનાર પ્રમાદધનના મનમાંથી કુમુદસુંદરી ઉપરનો અણસમજનો દ્ધેષ જતો નથી અને જાતે દશગણા દ્ધેષનું પાત્ર બને છે એ વિચાર આઘા કાઢવા છતાં નિર્બળ થાકેલી બાળાના મનમાં પેઠા.

“ઓ રે હરિ ! સત્યતણા તું સંઘાતી !

હરિ, હું તો કંઇ એ નથી સમાતી.

હરિ, મારાં કોણ જન્મનાં કર્તુ ?

ઓ રે હરિ, ચોરીથી બીજું શું નરતું ?”

“દમયંતીના કરતાં પણ મારે માથે ભૂંડો આરોપ આવશે ! હું સૌને શું મોં દેખાડીશ ? ઓ પ્રભુ ! હવે તો મારે એક તું રહ્યો.” આટલું કહી વિચારમાં પડી, રોઇ પડી. આંખો લોહી, પડદો ઉઘાડી રથ બહાર જોયું તો નવા માણસો જોયા અને ઘોડા ઉપર માનચતુર પર પણ નજર ગઇ. માચતુર રથ ભણી આંખ રાખતો હતો તેણે પડદો ઊઘડતો દીઠો કે તરત ઘોડો છેક રથની પાસે લીધો.

“કેમ બહેન, ખુશીમાં છે ?”

“હા, વડીલ, પણ તમે ક્યાંથી ?” આંખો ચોળતી ચોળતી ડોકું બહાર રાખી, પડદો ઝાલી રાખી કુમુદ પૂછવા લાગી.

“બહેન, ગુણસુંદરી અને સુંદર મનહરપુરી આવ્યાં છે ને રસ્તામાં કંઇ ભો સંભળાયો એટલે આ માણસો લઇ તને જાળવવા આવ્યો છું.”

કુમુદ ચમકી : “હેં-કોનો ભો છે ?”

“બ્હીનીશ નહીં, આપણી પાસે માણસો એટલાં બધાં છધે કે કંઇ હરકત પડવાની નથી.” વાત ઉરાડવાના પ્રયોજનથી ડોસાએ બીજી વાત કાઢી : “તારે સાસરે બધાં ખુશીમાં છે કની ?”

“હા, સસરાજીને કારભાર મળ્યો ને કાલ જ સરપાવ થયો.”

“ચાલો, બહુઆનંદની વાત. ત્યારે તો હવે તને અહંકાર ચડ્યો હશે ?” ડોસો હસવા મંડ્યો.

“વડીલનાં બાળક અહંકાર રાખવો ક્યારે સમજ્યાં છે જે ? મારા સસરાજી અને સાસુજીએ આપને નમસ્કાર કહાવ્યા છે.”

આટલા શબ્દ નીકળે છે એટલામાં સુભદ્રા નદી ઉપર બૂમ પડી. રથની આસપાસ સવારો કાન માંડતા સજ્જ થઇ ગયા-હથિયાર સંભાળવા મંડી ગયા-રથની આસપાસ કોટ બાંધી ઊભા, રથ ઊભો રહ્યો, સૌનાં મોં ઉપર લોહી ચડી આવ્યાં, માનચતુર ઘોડા ઉપર ઊછળી ટટાર થઇ ગયોશૌર્યના ઉકળાટથી કંપવા લાગ્યો-અને એકદમ તલવાર ઉઘાડી કરી-ઊંચી કરી-બોલી ઊઠ્યો : “સબુર ! જખ મારે છે”-“બહેન-ડરીશ નહી-હું તારી પડખે છું.”-“અબ્દુલ્લા-ચોપાસ નજર રાખજે-પળવાર અહીંયા જ ઊભા રહો.”

સૌ મંડળ ઊભું રહ્યું; સૌ બંદૂકો ભરવા લાગ્યા. કુમુદસુંદરી છળી ગયા જેવી થઇ ગઇ, એનું મોં બાવરું થઇ ગયું, તોપણ શાંતિ ખેંચી આણી પડદા બહાર લાંબી નજર નાખવા લાગી. “શું છે ? વડીલ, શું છે ?”

અબ્દુલ્લો આગળ જઇ ઊભો રહ્યો અને જે દિશામાંથી બૂમ આવતી હતી તેણી પાસ આંખ ઝીણી કરી દઇ તાકીને જોવા લાગ્યો. થોડી વારમાં એક સવાર એ દિશામાં આવતો દેખાયો, પાસે આવ્યો તેમ તેમ ઓળખાયો. ફતેહસંગની ટુકડીમાંનો એ એક સવાર હતો. ઘોડો દોડાવતો દોડાવતો તે અબ્દુલ્લાની પાસે આવી હાંફતો હાંફતો સમાચાર કહેવા લાગ્યો-અબ્દુલ્લો એને માનચતુરની પાસે લઇ ગયો.

ચતે હાથે સલામ કરી એ સવાર બોલ્યો : “ઘણી ખમા મહારાજ મણિરાજને ! આખા જંગલમાં તેમની આણ વર્તાઇ ચૂકી છે. સવાર પડતાં બહારવટિયાઓ આઘાપાછા રહી આપણી તૈયારી જોઇ જવા લાાગ્યા. ગામેગામ- અંગ્રેજી હદમાં પણ સૌ જાગૃત છે અને હરામખોર લોક એકઠા થવા પામ્યા નથી. મુખી વડની નદી સુધીનો રસ્તો સાચવે છે. ચંદનદાસ તો એ જોઇને જ જતો રહ્યો છે-વાણિયો સૌ સમજી ગયો. વાઘજી વડ પાસે આવતોનથી, આંબાઓમાં ભરાઇ રહ્યો છે ને લાગ જોયાં કરે છે. ફતેહસંગને ભીમજીના માણસો મળ્યાં-પણ કંઇ હોય નહીં તેમ તાડોમાં ચાલ્યા ગયા ને ભીમજી પણ તેમના ભેગો ગયો-આપણે તેને છેડ્યો નથી. પુલ આગળ ઢોલ લઇ બેઠો હતો તેને પકડતાં તેણે ઢોલ વગાડી-એ સાંભળી એક પાસથી પરતાપ અને બીજી પાસથી ભીમજીના માણસો આવ્યા. ઢોલવાળો સુવર્ણપુરની હદમાં હતો ત્યાં જ પરતાપના માણસોનો ભેટો થયો...”

“પરતાપે આવી પૂછ્યું કે ઢોલવાળાને કેમ પકડો છો ? ફતેહસંગે કહ્યું-ચાલ, ચાલ, તું કોણ પૂછવાવાળો છે ? વળી કહ્યું કે આ જંગલમાં સુરસંગ અને તેના બે છોકરાઓ બહારવટે નીકળેલા છે તેમને પકડવા અંગ્રેજ સરકાનું અને ભૂપસંગનું વારંટ છે તે આ ત્રણે હદમાં બજાવવામાં હુકમ છે-આ ઢોલવાળો તેમનો સંગી છે માટે પકડ્યો છે.”

“ફિર ક્યા હુઆ ?” અબ્દુલ્લા બોલ્યો.

“ફતેહસંગે દાત પીસી કહ્યું કે તમારા બોલ ઉપરથી તમે પણ તેમના સંગી જણાવ છો માટે બોલી જાઓ કે તમે કોણ છો ? તમને પણ પકડવા પડશે.”

“ખૂબ કિયા ! ફતેહસંગ !” અબ્દુલ્લો મૂછો આમળવા લાગ્યો. “ફિર ક્યા હુઆ ?”

“શાબાશ ! ફતેહસંગ ! જેસા તેરા નામ તેસા તેરા કામ હૈ.”

“આ બોલ નીકળતાં માણસો ધાયાં-હાકલ કરી-બંધૂકના બાર એકબે કર્યા-આપણે ઘસારો થતાં જ પરતાપના માણસ નાસવા લાગ્યાં.”

“હત ! બાયલાઓ !” માનચતુરે ઉદ્‌ગાર કર્યો.

“પરતાપને ક્રોધ ચડ્યો-તે એકલો રહ્યો તોપણ તરવાર ખેંચી ફતેહસંગના સામો આવ્યો. ધિંગાણું થવાની વાર ન હતી, પણ નાઠેલા માણસોમાંથી બે જણ પાછા આવ્યાં અને બાંય તાણી પરતાપને પાછો ખેંચી ગયા, આપણે તેમને જવા દીધા અને હું અત્રે સમાચાર કહેવા આવ્યો.”

“સાલી લુગાઇમાં ભાગ ગઇ અબ તો ચલા દે રથ, ગાડીબાન !”

માનચતુર કહે : “રસાલદાર ! સબૂર કરો. એ લોક પાછા એકઠા થશે. એ લોક બરાબર વેરાઇ જાય ત્યાંસુધી રથા ત્યાં લઇ જવો વાજબી નથી.” -સવારના સામું જોઇ તે બોલ્યો- “તમે પાછો જાઓ; સુરસંગ અને હરભમના સમાચાર જણાય અને વાઘજી જતો રહે એટલે મને કહાવજો. પ્રતાપ નક્કી પાછો આવવાનો-એની સરત રાખજો. હવે નદીની આણી પાસ બીક નથી-અમે સૌ ધીમેધીમે ચાલી આવીશું અને પુલની આણી પાસ રહીશું તે અમારા માણસ પર કામ લાગશે. તમારે સોએ એટલી સરત રાખજો. હવે નદીની આણી પાસ રહીશું તે અમારા માણસ પણ કામ લાગશે. તમારે સૌએ એટલી સરત રાખવી કે જો હરામખોરો પાછા આવે તો સુવર્ણપુરની હદમાં નસાડવા કે લડવું પડે તોપણ હરકત ન પડે. નદીની આણી પાસ તો કોઇને આવવા જ ન દેવા. પેલી પાસ રસ્તો ખુલ્લો થશે ત્યારે પુલ ઓળંગીશું.”

ડોસો વૃદ્ધ છતાં તેની દ્દૃષ્ટિ ઘણે છેટે પહોંચતી હતી. પશ્ચિમ દિશામાં આઘે ધૂળ ઊડતી દેખાઇ. હવે તો પોતે, ફતેહસંગ અને મુખી એકઠા હોય તો જ ઠીક. એની નિશાનીથી સૌએ ઝડપ વધારી અને થોડીક વારમાં પુલ પાસે આવી પહોંચ્યા. ફતેહસંગના માણસો પુલની સામી પાસે એકઠાં થઇ ઊભાં હતાં. ફતેહસંગે બૂમ પાડી : “ચિંતા કરશો નહીં-માઓ ઉરાડી મૂકી છે.”

ડોસાએ પશ્ચિમ દિશાની નિશાની કરી. એક સવાર એણી પાસથી આવ્યો. કુમુદસુંદરીના રથ જોડેના બુદ્ધિધનના માણસોએ તેને આળખ્યો. તેમાંથી એક જણ બોલ્યો : “કેમ મહારાજ, તમે ક્યાંથી ?”

“જાઓ. ફતેહ કરો-વહેલા આવજો.”

ડોસો આ વાતનો ભેદ સમજ્યો નહીં-તેણે પૂછી લીધો. શંકર પોતાનાં માણસો સાથે રસ્તે ઓળંગી ભદ્રાનદી ભણી ચાલ્યો ગયો.

સુરસંગને ચારેપાસથી ખોટા સમાચાર મળ્યાં. ચંદનદાસ પ્રથમથી નાસી ગયો. ભીમજી છૂટો પડી ગયો, વાઘજી અને પ્રતાપ વગર બીજી ટુકડીઓ ભાગી ગઇ. ગામેગામ ખબર પડી ગઇ, બુદ્ધિધન અને વિદ્યાચતુર બેના સવાર એકઠા થઇ ગયા ! હવે તો મનોરથ સિદ્ધ કરવા જતાં નાશ વિના બીજું પરિણામ ન હતું. આટલામાં એને શંકર મળ્યો કે હિંમત આવી. સુરસંગ, વાઘજી, પ્રતાપ અને શંકર ચારે જણ પોતાનાં શૂરાં માણસો લઇ ઘોડાઓને વેગભર ચલાવતા ચાલ્યા. તેમનો વેગ અને ડરાવી નાખે એવો પ્રતાપ જોઇ શંકર મનમાં બોલ્યો :

“જેની ફૂંકે પર્વત ફાટે, આભ ઊંડળમાં ભરતા !

જેને ચાલ્યે ધરણી ધ્રૂજે, તે નર દીઠા મરતા !

હરિનું ભજન કરી લ્યો રે.”

“અહા ! આ લોકો આટલુંઆટલું દુઃખ ખમતાં આમ ધરતી ધ્રુજાવે એમ ચાલે છે-ચચ્ચાર દિવસના અપવાસી છે-બબ્બે રાતના ઉજાગરા છેશરીરે ચીંથરેહાલ છે-તોપણ આમ ચાલે છે. એ મારા મિત્રો થયા ! રાજસેવા કરવા જતાં મારે મિત્રદ્રોહી થવું-શું એમ ક્યા વિના આ પેટ ન ભરાય ?- પણ ના-રાણાનું લૂણ ખાધું છે તે.”

“ના, ના.”

પોતાનો ઘોડો સુરસંગની આગળ લાવી તેને ચલાવતો ચલાવતો શંકર બોલ્યો : “તમારી બીક ખોટી નથી-છોકરાં ન સમજે-પણ ફતેહસંગ અને મુખી તૈયાર છે; આપણે જરા દક્ષિણાદા જઇ રસ્તો ઓળંગી રથને પાછળથી પકડવો.”

“હા ! હા ! ભીમજી પણ મળશે.”-સુરસંગે લોહચુંબક પેઠે આ વિચાર પકડી લીધો. “ચાલો, દિવસે ચડે છે-દોડો.”

સુરસંગે ઘોડો મારી મૂક્યો, તેની સાથે તેનો સૌ પરિવાર દોડ્યો. સૌ દક્ષિણ દિશામાં વળ્યા, રસ્તો ઓળંગ્યો, સુવર્ણપુરની સીમમાં-બુદ્ધિધનની આણમાં આવ્યા અને તે બાબત કોઇને ભાન ન રહ્યું. અંગ્રેજી હદમાં રહેવાનો વિચાર શંકરે ભૂલાવ્યો-શંકર એ વિચારથી મનમાં ફુલાવા લાગ્યો.

અનુભવી બહારવટિયાનો તર્ક ખરો હતો. એ તર્ક ભુલાવવો એ શંકરનો હેતું હતો. રથના ઉપર સુરસંગ હલ્લો કરે તો જ સુરસંગ ઉપર સામેથી હલ્લો થાય, અને તેમ થાય તો જ ખરું સ્વરૂપ પ્રકાશી ભૂપસિંહના શત્રુને પકડી બુદ્ધિધનની નીતિ પાર પાડવાનો પ્રસંગ મળે. રથ ઉફર હુમલો થા નહીં ત્યાંસુધી વિદ્યાચતુરના માણસ હથિયાર ઉપાડે એમ ન હતું, તેમ ન થાય તો બહારવટિયાઓને પકડવા એટલી એકલા શંકરની તાકાત ન હતી. સુરસંગનું બોલ્યું ન સાંભળ્યું કરી શંકર હથિયાર ઊંચું કરી બોલ્યો, “જુઓ છો શું ? આવો પ્રસંગ ફરીનહીં આવે-રથ પાસે માણસ થોડાં છેકાઢો રથમાં બેસનારીને ખેંચી બહાર-ચાલો, આવો, દોહો”...શંકરે રથ ભણી ઘોડો દોડાવ્યો-સુરસંગનો સાથ પણ રસે ચડી પાછળ દોડ્યો-સુરસંગના હાથમાં લગામ ન રહી. સૌની પાછળ તે પણ ઘસડાયો. રથ પાસે પહોંચતાં પહેલાં શંકરે બંદૂકના ખાલી બાર કર્યા, તેથી બહારવટિયાઓ ભરેલા બાર કરવા લાગ્યા. તેમને શૌર્યુ ચડ્યું, ઝાલ્યા રહ્યા નહીં. ઘોડાઓ ઊડી પડતા હોય એમ ધપવા લાગ્યા, ઘોડાઓ અને સવારોનાં લોહી ઊકળ્યાં, સુરસંગ ચારપાસ જોવા લાગ્યો કે ભીમજી કે કોઇ આ બારથી આકર્ષાઇ આવે છે ? પોતાનું કોઇ આવ્યું નહીં. ચારે દિશાઓમાં તેણે નાખેલી-ફરી ફરી નાખેલીદ્દૃ ષ્ટિ વ્યર્થ ગઇ. અભિમન્યુએ ચક્રવ્યૂહમાં ઊભાંઊભાં ચાર પાસ જોઇ જોઇ બૂમ પાડી હતી-” કાકા-ભીમસેન કાાકા આવો ! આ વખત ક્યાં ગયા ?” એ જ રીતે સુરસંગના હ્ય્દયે ભીમજી અને ચંદનદાસને આતુરતાથી, વિકલતાથી સંભાર્યા પણ કોઇ આવ્યું નહીં. માત્ર થોડી વારમાં તેને શત્રુઓએ ઘેરી લીધો. આગળ જુએ તો ફતેહસંગ અને તેના માણસ પાછળ જુએ તો હરભમ અને તેના માણસ. રથ તો ગોળી પહોંચે નહીં એટલે છેટે રહ્યોરથ આગળથી સુવર્ણપુરના થોડાક માણસ સુરસંગની જમણી બાજુએ આવ્યા.

આખરની વખતે કાયર શૂરો બને તો શૂરાને શૌર્ય ચડે એમાં શી નવાઇ ! વીજળીનો ચમકારો થાય એટલી વારમાં શૂર રજપૂત સમજી ગયો કે હવે જીતવાનું નથી-બચવાનું છે-અને પોતાના શૌર્ય વિના કોઇ બચાવે એમ નથી. આ વિચારે તેના હ્ય્દયને ધમધમાવ્યું, તેની આંખો વિકરાળ બની ફાટી ગઇ, આંખે તો શું પણ આખા શરીરે લોહી તરી આવ્યું, નસેનસ અને રગેરગ ધબકવા ચળકવા લાગી, ઓઠને દાંતે પીસ્યા, કપાળે ભ્રૂકુટિ ચડી ગઇ-કરચલીઓ પડી ગઇ, ઘોડા ઉપર બેઠેલું શરીર ઊંચુંનીચું થવા લાગ્યું-કૂદી પડવા તત્પર થયું, પગ ઘોડાની બે બાજુએ શૌર્યનો થનથનાટ કરવા લાગ્યા, અને તરવાર મજબૂત પકડી ઊંચી કરી ફાટે સ્વરે સુરસંગ બોલી ઊઠ્યો : “જુઓ છો શું ? ઘસો, મારા બાપુ, આ પાર કે પેલે પાર.” એક ઠેકાણે આગ લાગતાં ચારેપાસ સળગવા લાગે અને આકાશ પણ સળગે તેમ સુરસંગના માણસોમાં સુરસંગનું શૌર્ય આવ્યું. એની હાકલ સાંભળી એના માણસો ઊછળ્યા અને “હો-હો”, “-જોજો”, “લેતો જા”,- “મારો મમારો” કરતાં આંધળાં બની ચારે પાસ શત્રુનો ઘસારો ઝીલવા સજ્જ થયાં. વાઘજી અને પ્રતાપ પિતાનીબે પાસે ખડા થઇ ગયા. શત્રુએ ઘસારો કરતાં વાર લગાડી. સુરસિંહે જ ફતેહસિંહ ભણી ઘસારો કરવા થઇ માંડ્યો અને તરવાર એવી તો જોરથી મારી કે ફતેહસંગે વચ્ચે ઢાલ ન ધરી હોત તો જાતે કપાઇ જાત. ઢાલમાં જુદાં પડ્યાં, અને “ખમા મહારાણા ?”-કરી મોટી બૂમ પાડી શંકર ગાજી ઊઠ્યો અને કાળા વાદળામાં ઢંકાઇ રહેલી વીજળી ગાજી ઊઠે અને ચમકી નીકળે તેમ સ્વરૂપ પ્રકાશી આગળ આવ્યો.

“સુરસંગ ! મારે ને તારે મિત્રતા છે. પણ મેં સુવર્ણપુરના મહારાણાનું લૂણ ખાધું છે અને તેવી સેવા કરવા તારી મિત્રતા કરી છે. તું હવે જુએ છે કે મહાન ગજરાજ ખાડામાં પડે અને સાંકળો બાંધવાની જ વાહ રહે તેમ તારે આ પળે થયું છે. મરણ કે શરણ બે વિના તારે ત્રીજોરસ્તો અત્યારે નથી. તારું સૂરવીરપણું તેં સિદ્ધ કરી આપેલું છે-તેની કીર્તિમાં કાંઇ ખામી આવે એમ નથી. ભૂપસિંહે કંઇ તાારો ગરાસ લીધો નથી-તેની સાથે તારે વેર નથી-એ તારી કિંમત સમજે છે-એનું મોટાપણું અને એની કૃપા ચડેલા અને પડેલા શઠરાયને ખબર છે. ભૂપસિંહની તું રૈયત છે. એની હદમાં તારે હાથે કોઇને લોહીનું ટીપું નીકળશે તો તું તારા રાજાનો જાણી જોઇને અપરાધી થશે, અને ગઇ ગુજરી વીસરી તારા ઉપર મહારાજા કંઇ પણ દયા કરે એમ હશે તો તેનો હક્ક તું ખોઇશ. હું તને દગો નથી દેતો-મારા રાજાની સેવા બજાવી છે-જો તું તારા રાજાને શરણે થઇશ તો એ રાાજાને પગે પડી-તાારા ગુણની કીર્તિ કરી-હું મારી ભૂપસિંહની કૃપા પરથી હાથ ઉઠાડવાનો અપરાધી તું થશે. તેમના નિરર્થક મરણની હત્યા તારે શિર બેસશે. તેમનાં બૈરાંછોકકરાંના નિસાસા જન્મજન્માંતરમાં પણ તારી પૂઠે બ્રહ્મહત્યાની પેઠે ભમશે તારા આ પુત્રો છે-તે હજી જુવાન છે-તેમનો વિનાશ નિરર્થક થશે-તારો વંશ નિર્મૂલ થશે-તારો પરિવાર અસ્ત થશે. જે તને કહું છું તે આ તારા માણસોને પણ કહું છું. શરણ કે મરણ બેમાંથી જે જેને સારું લાગે તે સૌ કોઇ દેખાડી દો. ખમા મહારાણાને !” આ અદ્‌ભુત પ્રકારથી સૌ સ્તબ્ધ થઇ ગયા. શંકર બોલી રહ્યો એટલી વારમાં એની સાથેનું મંડળ તેમ મણિરાજના માણસ જામનગરીઓ સળગાવી બંદૂકો સજ્જ કરી બહારવટિયાઓની ચારે પાસ ફરી વળ્યા. શંકર પોતાના પક્ષમાં છે જાણી રત્નનગરીના માણસોમાં વધારે શૌર્ય આવ્યું. જેટલું શૌર્ય તેમનામાં વધ્યું તેટલું બહારવટિયાઓમાં ઘટ્યું. અપવાશ અને થાકથી મરી ગયેલા જેવા ચિંથરેહાલ રજપૂતોનું હોલાઇ જતું શૌર્ય સુરસંગ અને ભીમજીના ઉત્સાહક ભાષણે કુમુદને પકડવાની આશારૂપ જ્યોતવડે સળગાવ્યું હતું. પ્રાતઃકાળે કરેલી શોધથી, સામાવાળાઓની તૈયારીઓથી, ચંદનદાસ અને ભીમજીની ભાળ ન લાગવાથી, વાઘજી અને પ્રતાપે આણેલા પગ ભાંગે એવા સમાચારોથી, અને ચારેપાસ ગામડાંઓમાં પોતાાની વાત જણાઇ ગઇ જાણવાથી, સુરસંગનાં માણસો નિરાશ થવા આવ્યાં હતાં; એટલામાં વળી શંકર નવા માણસો લઇ આવ્યો તેની હૂંકથી અને સુરસંગની છેલ્લી હાકલથી સૌમાં મરણશૌર્ય ચડ્યું હતું તે શંકર ફરી ગયો માલૂમ પડ્યાથી બમણું ઊતરી ગયું. શંકરના ભાષણથી સૌ નિરાશ થયા. હવે સુરસંગનો પક્ષ કરવાથી તેનો કે પોતાનો સ્વાર્થ સધાશે નહીં એ નિશ્ચય થયો અને ભાંગેલાં હથિયારો લઇ આટલા માણસો સાથે લડવું એ તો માત્ર બળતા અગ્નિમાં કૂદી પડવા જેવું લાગ્યું. એક જણ આગળ આવી સુરસંગનને હાથ જોડી કહેવા લાગ્યો : “બાપુ ! આમાં કાંઇ માલ નથી; કારભારીની દીકરી, શંકર ખરું કહે છે; સૂકા કૂવામાં પડ્યે તરસ છીપવાની નથી ને તેમાં પડવાથી મરવા વગર ફળ નથી; સૌને બૈરાંછોકરાં છે; અત્યાર સુધી તમને લાભ થાય એમ હતું તો અમારાં ગળાં તમને આપ્યાં; હવે તો શરણમાં જ લાભ છે-મરણમાં નથી; આજ સુધી તમારું કહ્યું કર્યુંઆજ તમે મારું કહ્યું કરો ! શંકર મહારાજ ! માર કે ઉગાર-આ તરવાર તને સોંપું છું.” કેટલાકે એનું કહ્યું કર્યું; કેટલાક વિચારમાં પડ્યા. આમાંથી કુમુદ મળે એમ નથી એવો વિચાર આવતાં પ્રતાપ સૌની નજર ચુકાવી છાનોમાનો અદ્દૃશ્ય થઇ ગયો; સૌની દ્દૃષ્ટિ શંકરના ઘોડા આગળ થયેલા હથિયારોના નાનાસરખા ઢગલા ઉપર હતી-ધીમે ધીમે, ડરતા, વિચારતા વિચારતા કોક કોક બહારવટિયાઓ ઢગલા પાસે આવી તેમાં ઉમેરો કરતા હતા અને હથિયાર છોડનાર માણસો એક પાસ શરમાઇ જઇ-નીચું જોઇસુર સિંહની પૂઠ કરી અથવા આડી આંખ કરી, એકઠા ઊભા. શંકરના બે માણસોએ ઢગલો પૂરો થતાં ઉપાડી લીધો.

સૌની દ્દૃષ્ટિ સુરસંગ ભણી વળી. પોતાનું ભાગ્ય ફરી વળ્યું જોઇ, માણસો દગો દેતાાં જોઇ, સુરસંગ નિરાશ થયો, ક્રોધને વશ થયો, ચારેપાસ નજર ફેરવવા લાગ્યો, હથિયાર છોડનારા માણસો ઉપર તિરસ્કાભરી આંખો કરી ઓઠ કરડવા લાગ્યો, ઘોડા ઉપર પગ અને જંઘા અફાળવા લાગ્યો, પ્રતાપને આંખ વડે શોધવા લાગ્યો, શોધતાંશોધતાં “જીવતો રહે તો આનું વેર લેજે” એમ તેને મનમાં કહેવા લાગ્યો, પોતાના પક્ષમાં રહેલા એક જ માણસ-પુત્ર વાઘજી-ને જોઇ સંતોષ અને શૌર્ય ધરવા લાગ્યો, હથિયાર પર હાથ મૂકવા લાગ્યો, પોતાનો નાશ નિશ્ચિત જોવા લાગ્યો, છતાં એ નાશપ્રસંગે શૌર્યની કીર્તિનો પ્રસંગ ખડો થતો જોઇ ઉત્સાહી થવા લાગ્યો, અને અંતે ઘોડા પર ઊંચો થઇ, ઘોડાને ઊંચો કરી ભાખર ચડાવી, આંખો રતી અંગારા જેવી કરી, સાથે સવાર થયેલા સવાર વાઘજીનો ખભો થાબડી, શંકરના સામે તીવ્ર કટાક્ષ ફેંકી, પોતાનો ઘોડો ફેરવે છે, પાછળ હરભમને જુએ છે, હરભમે ગઇ કાલ આપેલો પ્રહાર સાંભળતાં તેના ભણીથી બીજી પાસ ફરે છે, ઘોડાનો વેગ વધારી મૂકી તેને ચોપાસ ચક્રાકાર દોડાવે છે, હાથમાંથી તરવાર ચારેપાસ વીંઝી મૂકી સવારની-શસ્ત્રધારીની-પટો ખેલનારની-કળાઓની સીમા આણી મૂકે છે, તે જોઇ તેના પક્ષનાં હથિયાર છોડનાર માણસો શરમાય છે, પસ્તાય છે, હથિયાર નિરર્થક શોધે છે અને પાછો ખસે છે, પ્રતિપક્ષીઓ સજડ થઇ જાય છે, જોઇ રહે છે, અને એના ઘોડાને અવકાશ આપવા મોટું કુંડાળું ખાલી રહેવા દે છે, સુરસિંહે શૌર્યની-વીરકળાની-સીમા દેખાડી. એના દેખાવે સૌને મ્હાત કર્યા. એની છાતીમાં, એના હાથમાં લોહી ઊકળી આવ્યું, દોડવા લાગ્યું, ચડી આવ્યું, પાસે ઊભેલા વાઘજીએ શૂર પિતાનું શૌર્ય વધારવા ચારણકૃત્ય કર્યું : “શાબાશ, શાબાશ, બાપા શાબાશ ! ધ્રૂજે ધરતી ! ધ્રૂજે વેરી ! ફતેહ ! ફતેહ ! રાખ્યો રજપૂતરો રંગ !” ‘રંગ’ શબ્દ પૂરો થતાં જ, ફરતાં ફરતાં શંકર સામો દીઠો ત્યાં ‘દગલબાજ !’ એ શબ્દ ગર્જી, ઘોડો કુદાવી, શંકરની નજર ચુકાવી, તેના ઘોડા ઉપર આકાશમાં ઘોડો કુદાવી શંકરની છાતી ભણી તરવાર ધસાવી, સુરસંગે એવો ઘસારો કર્યો કે આંખના પલકારામાં એનો ઘોડો શંકરના ઘોડા માથા ઉપર ઊંચેથી પડ્યો. શંકરનો ઘોડો દબાઇ ગયો-બેસી ગયો. ઘોડાના માથા ઉપર ઘોડો અને તેના ઉપર ઊંચો કૂદેલો સુરસંગ મહાન ગજરાજના કુંભસ્થળ ઉપર ચડી હોદ્દામાં બેઠેલા શિકારી સામે પંજો ઉપાડતા વિકરાળ સિંહ જેવો દેખાયો. પગના ઢીંચણ સુધી પહોંચતા લાંબા કરેલા હાથની હથેલીમાંથી ફૂંફાડા મારતા નાગની પેઠે ઘસતી સીધી બેધારી તરવાર જોતજોતામાં શંકરના શરીરને વીંધી આરપાર ગઇ હોય એમ દેકાઇ, સૌએ જાણ્યું કે સુરસિંહની કળાના ભોમિયા કળાવાન શૂર બ્રાહ્મણે ડાબો હાથ પહોળો કરી શરીર ખસેડી દીધું એ તરવારને પોતાના હાથ અને શરીર વચ્ચેની ખાલી જગામાં ખૂંપી જવા દીધી, ખૂંપી ગઇ કે હાથ દાબી દીધો અને પોતાનો જમણા હાથમાંની તરવારથી બળવાન ઘા કરી સુરસંગનો જમણો હાથ કાપી નાખ્યો. ઝાડ પર કુહાડો પડતાં ડાળું તૂટી પડે તેમ બહારવટિયાના પ્રચંડ શરીરમાંથી કપાયેલો હાથ છૂટો પડ્યો, તેના મૂળ આગળ કુત્સિત માંસનો લોચો ઘસી આગળ આવ્યો અને રુધિરની ધારાઓ કપાયેલી નસોમાંથી ફુવારા પેઠે ફુટવા લાગી. પળવારમાં સુરસંગનું શરીર, એનાં વસ્ત્ર અને એનો ઘોડો લોહીલુહાણ થઇ ગયાં. શંકરની તરવાર સુરસંગ પર પડતાં પહેલાં શકરાબાજ પેઠે તાકી રહેલા વાઘજીએ તરાપ મારી શંકર ઉપર તરવારનો ઘા કર્યો, બાજુએ ઊભેલા હરભમે એ તરવાર શંકર ઉપર પડતાં પહેલાં નીચેથી પોતાની તલવાર ઊંચી કરી તે ઉપર વાઘજીની તલવાર ઝીલી. બે તરવારો અત્યંત બળથી એકબીજા સાથે અફળાતાં મોટો કડાકો થયો અને વાઘજીની તરવાર એના હાથમાંથી છૂટી પડી આકાશમાં સૌના માથાં ઉપર ઊડી. ઊંચું જોઇ આઘા ખસી જઇ, સૌએ એને જમીન ઉપર પડવા દીધી અને એક જણે ઊંચકી લીધી. ઘવાયેલો સુરસંગ ઘોડા ઉપરથી ગબડી પડ્યો. તરવાર વિનાના પણ વાઘ જેવા વાઘજીએ પોતાનો ઘોડો સૌના માથા ઉપર કુદાવ્યો અને સૌને ઓળંગી આકાશમાર્ગે પેલે પાર ઉઘાડી જગામાં પડ્યો, અને પડતાંમાં સજ્જ થઇ એટલા તો વેગથી દોડ્યો કે સર્વની દ્દૃષ્ટિનો તિરસ્કાર કરી દઇ દિશામાં ગયો એટલું પણ માલૂમ ન પડે એવી રીતે પોતાના સવાર સાથે તે અદ્દૃશ્ય થઇ ગયો.

આશ્ચર્ય પામતું સર્વ મંડળ જોઇ રહ્યું. ઘવાયેલા મૂર્છા પામેલા સુરસંગને શંકરના માણસો ફળિયામાં બાંધી જીવતો કેદ કરી એને એના શરણ થયેલા માણસોને સુવર્ણપુરની દિશામાં લઇ ગયા, અને “ખમા મહારાણા ભૂપસિંહને” એ ગર્જના ચારેપાસનાં સંભળાવતાં ઉત્સાહમાં ચાલ્યાં ગયાં, વિદ્યાચતુરનાં માણસો અને શંકર, સુરસંગ અને વાઘજીના પરાક્રમની સ્તુતિ કરતા કરતા કુમુદના રથ ભણી હર્ષભેર ઉતાવળે પગલે ચાલ્યા અને બૂમો મારવા લાગ્યા : ‘ફતેહ ! ફતેહ !’