Sorthi Barvatiya - Part 2 (Jodho Manek) in Gujarati Classic Stories by Zaverchand Meghani books and stories PDF | Sorthi Barvatiya - Part 2 (Jodho Manek)

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

Sorthi Barvatiya - Part 2 (Jodho Manek)

સોરઠી બહારવટીયા

ભાગ -૨

જોધો માણેક : મૂળુ માણેક

(૧૮૫૮ - ૧૮૬૭)


©COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

નિવેદન

(પહેલી આવૃત્તિ)

મને સાંપડેલાં આ વૃત્તાંતો ઐતિહાસિક છે, અર્ધઐતિહાસિક છે કે અનૈતિહાસિક છે, તે નિર્ણય ઉપર પહોંચવા માટે કોઈ સરકારી, દરબારી અથવા પ્રજાકીય દફતરો નથી; તેમ જ એ બધાં કેવળ ચારણ-ભાટનાં જ કહેલાં નથી; બહારવટિયાનાં સગાંસંબંધીઓ, અધિકારીઓ, ગ્રામ્ય પ્રજાજનો, ખુદ બહારવટામાં શામિલ થયેલાઓ, નજરોનજરના સાક્ષીઓ વગેરે બન્યા તેટલા જૂજવા જૂજવા જાણકારોમાં ફરીને આ દોહન કર્યું છે. તેથી ઇતિહાસના અંધકારમાં અમુક અંશે પણ હું આ સામગ્રીને માર્ગદર્શક માનું છું અને તેનો આધાર લઈને હું બહારવટિયાનાં કૃત્યોની સાંગોપાંગ છણાવટ કરવા માગું છું. એ છણાવટના મુદ્દા આ પ્રકારના રહેશે :

૧.ઇતર દેશોના તેમ જ ઇતર પ્રાંતોના બહારવટિયા : તેની પ્રત્યે દેશવાસીઓનાં દિલસોજ વલણ : એ દિલસોજીનાં કારણો : બહારવટિયાનાં જીવનવૃત્તાંતોનું યુરોપી સાહિત્યમાં ગૂંથણ.

૨.આપણે ત્યાં બહારવટિયાનાં ઐતિહાસિક પુસ્તકો : કિનકેઈડ અને કૅપ્ટન બેલનાં લખાણો પર સમાલોચનઃ રા. સા. ભગવાનલાલ સંપતરામનો વાઘેરોના બળવાનો સંગીત ઇતિહાસ.

૩.સોરઠી બહારવટિયાઓના વિભાગો. બહારવટે નીકળવાનાં કારણો : સત્તાના જુલમો : નિરાશા : પોતે માનેલા અન્યાય સામે મરણિયો પડકાર.

૪.તેમનાં સંકટો : એકલા હાથે અન્યાય સામે ઝૂઝવામાં કેટકેટલાં વર્ષોનું અડગ ધૈર્ય ! બાળબચ્ચાંથી અને ઘરબારથી વંચિત બનીને નોતરેલાં પીડનો : ભૂખમરા ને દગલબાજીયુક્ત કરુણ મૃત્યુઓ.

૫.તેઓનાં ઠામઠેકાણાં : લશ્કરો : હથિયારો : સાલસંવત : રાજસત્તાનાં સૈન્યો મોટી સંખ્યામાં તેમ જ વિપુલ સામગ્રીવાળાં હોવા છતાં ધરપકડમાં વિલંબ થવાનાં કારણો : બહારવટિયાને આશરો આપનારાં સ્થાનો : સૈન્યોની કુનીતિ : પ્રજાપીડિત તપાસનીતિ : બહારવટિયાને જતો કરવામાં સિપાઈઓની બદદાનત.

૬.બહારવટિયાના વહેમો : ઇષ્ટ દેવતાઓની ઉપાસના : ગેબી મદદગારો પર વિશ્વાસ : અમુક જાતનાં તાવીજો અને અમરત્વ આપનારી વસ્તુઓ : દેવોપાસનાનાં સારાં-માઠાં તત્ત્વો.

૭.નારી-સન્માન : ચારિત્ર્યની નિર્મલતા : વીરધર્મ : શત્રુ પ્રત્યેનો ધર્મ : નેકી : એકવચનીપણું : ‘કોડ ઓફ ઑનર’ : પરંતુ તે બધાંની વિચિત્ર ગતિ.

૮.શારીરિક તપશ્ચર્યા.

૯. મોજીલી પ્રકૃતિ : પરોપકારવૃત્તિ : ધનસંચયની વાંછનાનો અભાવ.

૧૦.લૂંટફાટનાં કારણો : શાહુકારો પ્રતિ દાઝ : ચોપડા શા માટે બાળે ? પ્રજા જાલિમ રાજા સાથે શા માટે સહકાર કરે ? એ એની રીસ : મૂડીદારની ચૂસણનીતિનો કિન્નો.

૧૧.ખેડૂતો પ્રતિ રોષ : સાંતી શા માટે છોડાવે ? જમીન પર કોનો હક્ક ? અન્યાયથી ઝૂંટાવી લીધેલી પોતાની ધરતીમાંથી એક કણ પણ શત્રુરાજસત્તાના કોઠારમાં ન જવા દેવાનો નિરધાર.

૧૨.અંગ્રેજો પ્રત્યેની દાઝ : ગોરાઓની કતલ : તેનાં ઊંડાં કારણો : એનાં યશોગીતો : અંગ્રેજ રાજસત્તા સામે નિર્ભર બની હથિયાર ધરવાનો પોરસ : પ્રજાને નિઃશસ્ત્ર બનાવી દઈ નિવીર્યતામાં ઉતારવા માટે કંપનીના કારોબારનું આગમન હોવાનો તેઓનો સંદેહ.

૧૩.લોકોનો સહકાર : પ્રજાની દિલસોજી કેટલી હદે સાંપડી શકે ? પૂરેપૂરી કેમ ન પ્રાપ્ત થઈ ? થઈ હોત તો તેઓને અન્ય જલદી મળી શકત કે નહિ ? બહારવટિયો લોકસત્તાને કેમ ન અપનાવી શક્યો?

૧૪.ઘાતકી આચરણો : કેટલે અંશે બચાવ કરવા યોગ્ય ? કેટલે અંશે ધિક્કારપાત્ર ? યુગનાં તત્ત્વોનો રંગ કેટલો, ને કેટલી આત્મગત ક્રૂરતા ? યુદ્ધનીતિની આવશ્યકતાને લીધે કેટલું આસુરીપણું અને અંતઃકરણમાં ઊતરેલી અધમતા કેટલી ?

૧૫.યુગ-સંસ્કારોનો અભાવ : ન રાષ્ટ્રભાવ, ન ધર્મભાવ, ન માલિકીહક્કની પવિત્રતાનો ખ્યાલ : ન કોઈ ન્યાય તોળનાર મધ્યસ્થ સત્તા વા સંસ્થાનું અસ્તિત્વ : ન કોઈ વિશ્વાસપાત્ર વગદાર પક્ષ સમાધાની કરાવનારા : અહિંસાવાદનો યુગ વર્ત્યો નહોતો : ન શિક્ષણ : ન વીરત્વના અન્ય આદર્શોની હાજરી : બહુમાં બહુ તો રામાયણ-મહાભારતનું જ શ્રવણ અને તેમાંથી નીપજતું યુગ-સંસ્કારોનું સિંચન : શરીરે ને આત્માએ કરી બલવંત : આત્મૌદાર્યના ચમકાર : શિયળના વ્રતધારી : શત્રુશૌર્યનેય વંદના દેનારા : ભોળા : મરણોન્મુખ : અડગ ને અણનમ : મહાપ્રાણ : પરંતુ મધ્યયુગની પરિમિતતાના પીંજરામાં પુરાયેલા : જ્ઞાનની જ્યોત પહોંચેલી નહિ : અણઘડ્યું રહી ગયેલું વીરત્વ : પાસા પાડીને તેજસ્વી બનાવનારું કોઈ પડખે ન મળે.

૧૬.તેઓના પ્રશસ્તિ-ગીતો : રણ-કાવ્યો : નાના દોહાથી લઈ મોટાં ‘એપિક’નાં અનુકારી કાવ્યો : એ કાવ્યના રચનારા કોણ કોણ ? લૂંટારા પાસેથી ઇનામો લેવાની અધમ લોલુપતામાંથી જ અવતરેલાં ? કે વીરપૂજા અને શૌર્યપ્રેરણાની ભાવનામાંથી જન્મેલાં ?

૧૭.બહારવટિયાને શૂરવીર કહેવા કે નહિ ? જગતે વીરત્વનાં બિરદે કોને કોને નવાજેલા છે ? વિશ્વની તવારીખના મહાવીરોથી લઈ નાના મોટા યુદ્ધવીરો, ત્યાગવીરો, દાનવીરો, કલાવીરો, સુધારાવીરો, સ્ત્રી-સન્માનના વીરો નક્કી કરવામાં દુનિયાએ કઈ તુલા ને ક્યાં તોલાં વાપરેલાં છે ? એ તુલા પર બહારવટિયો જોખમાય તો તેનું વજન કેટલું? આદર્શ વીરનરો ઇતિહાસના આરંભથી માંડીને આજ સુધી કેટલા ? ઘણાખબા ‘હીરોઝ ઇન મેકિંગ’ વત્તેઓછે અંશે.

૧૮.આજનાં તોલાં-ત્રાજવાં : મૂડીવાદના હત્યાકાંડો : યુદ્ધવેપાર, જાહેર જીવન, કલા-સાહિત્ય, પત્રકારત્વ, સમાજસુધારણા, પાંડિત્ય, વિદ્વત્તાવગેરેમાં દાતા-પદે અને નેતા-પદે રાજ કરતાં દંભ, દુરાચાર, સંહાર-નીતિ, પ્રજાના હ્રાસ : સરખામણીમાં બહારવટિયો કેટલો પાપી ઠરવો ઘટે?

૧૯.૧૯. રાજસત્તાઓની મદાંધતા ને સ્વાર્થાંધતા : રાજ્યવિસ્તારની લોલુપતા તેમ જ આવશ્યકતા : વીરનરો પ્રતિનો અનાદર : ઇન્સાફની અદાલતોમાં ન્યાયનાં નાટકો : અંગ્રેજ લશ્કરી સહાય પર અવલંબન : અંગ્રેજ સત્તાએ એ અવલંબન આપવામાં ધારણ કરેલી મનાતી પક્ષકાર નીતિ : નાનાઓને પોતાની રાવબૂમ સાંભળનાર કોઈ નહિ હોવાના નિરાશાજનક ખ્યાલો : એજન્સીની મોટી જવાબદારી.

૨૦.બહારવટું તો સદાકાળ ચાલ્યું છે; રાજસત્તાના અન્યાયો હશે ત્યાં સુધી ચાલશે : દરેક યુગનું બહારવટું જુદી ભાતનું, પણ સિદ્ધાંત તો એક : રાજસત્તા, ધર્મસત્તા, હરકોઈ સત્તાના અધર્મ સામે મરણિયો હુંકાર : મધ્યયુગી બહારવટિયાનું મક્કમપણું, મરણિયાપણું, ત્યાગ, સહનશક્તિ, પ્રભુશ્રદ્ધા, આત્મશ્રદ્ધા, ઔદાર્ય ને વીરનીતિ, એ નવા યુગને આરે અવતારવા લાયક : એનું મૃત્યુંજયત્વ આદરને યોગ્ય : એનાં ઘાતકીપણાં, નિર્દયતા વગેરે ત્યજવા ને તિરસ્કારવા લાયક.

૨૧.સોરઠની લડાયક જાતિઓનું ભાવિ : એની ખાસિયતો : નેકી, નીતિ, ભોળપ વગેરે કુલપરંપરા, એના ભાવિનો આંટી-ઉકેલ : એની અત્યારની ગુનાહિત દશા : એને માટે કોણ જવાબદાર ? એના નાશ થકી સમાજને લાભ-હાનિ : એનું અસ્તિત્વ ઇષ્ટ કે અનિષ્ટ ? ઇષ્ટ હોય તો તે કેવે સ્વરૂપે? ને સાહિત્યની શી શી સેવાઓ આ વૃત્તાંતો વડે સંભવિત છે ?

યુરોપીય સાહિત્ય એનો ઉત્તર આપશે. વીરશ્રીનો આરાધક સર વૉલ્ટર સ્કૉટ એ વાત બોલશે. યુરોપ-અમેરિકાનાં રોમાંચક અને શૌર્યપ્રેરક ચિત્રપટો ‘ગોશો’ અને ‘રૉબિનહૂડ’ એ બોલશે. ગોવર્ધનરામભાઈનું ‘સરસ્વતીચંદ્ર’ બોલી રહ્યું છે. આપણા આધુનિક નવલ-સાહિત્ય અને નાટ્ય-સાહિત્યમાં પણ ‘બહારવટિયા’નું તત્ત્વ ગૂંથાતું થયું છે. તેવે સમયે બહારવટિયાને નામે રચાતી કૃતિઓ અસંભવિત અથવા અસંગત કલ્પનાઓએ કરીને વિકૃત અથવા ભ્રામક ન બને, એ નેકી અને નેકટેકનાં જૂનાં દૃષ્ટાંતોમાંથી પ્રેરણા મેળવીને નવાં સર્જનો વધુ સ્વાભાવિક તેમ જ ઓછાં નાટકીય બને, એ ઉદ્દેશની સફળતા માટે જૂનાં વૃત્તાંતો સંઘરવાનો ઉપયોગ છે.

રાણપુર : ૪-૮-’૨૮ ઝવેરચંદ મેઘાણી

(બીજી આવૃત્તિના નિવેદનમાંથી)

આ આવૃત્તિમાં ઉમેરેલાં શોભનચિત્રો, મનુષ્યોનાં અને સ્થળોનાં કાલ્પનિક જ છે. સંગ્રહની અંદર સહાય આપવા માટે શ્રી રાણાભાઈ આલા મલેકનો બેટવાળા શ્રી રતનશી લધુભાઈનો, ચિરોડાવાળા શ્રી દેવસિંગજીભાઈ સરવૈયાનો, શ્રી ધીરસિંહજી વેરાભાઈનો તથા મિત્ર હાથીભાઈ વાંકનો આભાર માનું છું. ‘ઓખામંડળના શૂરવીર વાઘેરો’ નામના પુસ્તકના સંપાદકોનો પણ ઋણી છું. આંસોદરના ગઢવી દાદાભાઈને પણ કેમ ભુલાય ?

રાણપુર : ૧૩-૪-’૨૯

ઝવેરચંદ મેઘાણી

(ચોથી આવૃત્તિ)

ત્રીજી આવૃત્તિ વેળાએ મારી હાજરી આંહીં ન હોવાથી જે કેટલુંક મઠારકામ બાકી રહી ગયું હતું, તે આ વખતે કર્યું છે. પેટામથાળાં નવેસરથી મૂક્યાં છે.

વાઘેરોના બહારવટાની પ્રત્યક્ષ અનુભવેલી અને જોયેલી હકીકતો એના મિત્રોના જ મુખબોલમાં મને કહેનાર બેટ-નિવાસી રતનશી શેઠ ગઈ સાલ ગુજરી ગયા. પંદરેક વર્ષ પર મારી અને તેમની મુલાકાત થઈ હતી ત્યારે એમનું વય ચુંમોતેર હતું, એવી નોંધ મારી નોંધપોથીમાંથી નીકળે છે. તેમની તસવીર મૂકીને આ પુસ્તક જોડે તેમનું સ્મરણ જોડું છું.

વાઘેર-બહારવટાની સાથે સીધા સ્વાનુભવમાં મુકાયેલી એક બીજી વયોવૃદ્ધ વ્યક્તિનો નોંધ પણ જૂની પોથીમાંથી જડે છે. એ હતાં આરંભડા ગામનાં વાઢેલ-કુળનાં ઠકરાણી. એ ઓઝલવંતાં દાદીમા જોડે મારી મુલાકાત ગોઠવનારા હતા મારા સાથી શ્રી ભૂપતસિંહ વાઢેલ (ભાવનગર રેલવેના ભૂતપૂર્વ ગાર્ડ).

તે વખતે ૯૦ વર્ષનાં આ રજપૂતાણીએ મને નજરોનજર નિહાળેલી વાતો કહેલી, એ કેમ વણપ્રસિદ્ધ રહી ગઈ તેનું મને જ વિસ્મય છે. એના શબ્દોનું ત્રુટક ટાંચણ મારી નોંધમાં છે :

આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું તે દી પંદર વરસની. પરણીને આવ્યે બે વરસ થયેલાં. મેડી ઉપર ઊભીને હું બેટના દરિયાની લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી... પછી અમને એક ભાંગેલ વહાણમાં બેેસાડી કચ્છમાં નાગરેચી લઈ ગયા હતા. તે પહેલાં તો ટાંકાની અંદર પડીને મરી જવાનું સૌ બાઈઓએ નક્કી પણ કર્યું હતું. પણ નાગરેચીથી ચાંદોભાઈ, જાલમસંગના સસરા, દીકરીના સમાચાર પરથી આવ્યા. સરકારને ખબર દીધી; કહ્યું કે વાવટો ચડાવી જાઓ... ભાંગલ વહાણ માંડવીનું સમું થાવા આવેલ. એમાં અમને સૌને બેસાર્યાં. વચ્ચે વહાણમાં પાણી ભરાણું. તોફાન જાગ્યું. ખારવાએ બચાવ્યાં. બે છોકરાં મરી ગયાં.

આ સાહેદી દેનાર દાદીમા પણ પરલોકવાસી થયાં છે. મને ઓરતો તો આ વાતનો રહી ગયો છે કે આવી વ્યક્તિઓની પાસે નિરાંતે બેસીને, બેત્રણ વાર પહોંચીને, તેમની જૂની યાદદાસ્તનાં વધુ પડો કેમ ઉખેળ્યાં નહિ !

રાણપુર : ૨૫-૧૨-’૪૧

ઝવેરચંદ મેઘાણી

(નવમી આવૃત્તિ)

લેખકના અવસાન પછી બહાર પડેલા એમના પુસ્તક ‘છેલ્લું પ્રયાણ’માં બહારવટિયા રાયદેનું વૃત્તાંત મુકાયેલું. એ વૃત્તાંતનું વધુ યોગ્ય સ્થાન અહીં લાગવાથી ત્રીજા ભાગમાં ઉમેર્યું છે.

‘રસધાર’ની માફક આ કથાઓમાં આવતા દુહા-છંદોની અશુદ્ધિઓ શ્રી રતુભાઈ રોહડિયા અને શ્રી તખતદાન રોહડિયાએ તારવી આપી એ બદલ એમના આભારી છીએ. આ બે મિત્રોએ સૂચવેલી શુદ્ધિઓ ઉપરાંત બાકીના તમામ કાવ્યાંશોની અતિ ઝીણવટભરી ચકાસણી કરી આપવાનું પ્રીતિકાર્ય શ્રી મકરન્દ દવેએ પોતાની નાજુક તબિયતને ગણકાર્યા વિના કર્યું એ ‘સોરઠી બહારવટિયા’ અને ‘રસધાર’નાં સુવર્ણજયંતી સંસ્કરણોનું એક સંભારણું બન્યું છે.

તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોની અર્થસારણી ‘રસધાર’(ભાગ પ)માં છે એ આ કથાઓના વાચકોને પણ ઉપયોગી થશે.

૧૯૮૧

જયંત મેઘાણી

ક્રમ નિવેદન

જોધો માણેક : મૂળુ માણેક (૧૮૫૮ - ૧૮૬૭)

૧.માછીમરણની કૂખે માણેક

૨.સમૈયાની માનતા

૩.‘દ્વારકા પાંજી આય !’

૪.ટીલાવડ નીચે

૫.દ્વારકા પર હલ્લો

૬.લધુભાની જીભ

૭.લૂંટારા શરમાયા

૮.જેરામભા

૯.જોધાનો ન્યાય

૧૦.બેટમાં યુદ્ધ

૧૧.વેરીની દિલેરી

૧૨.આભપરાને આશરે

૧૩.મડમનો મનોરથ

૧૪.સરકારી શોધ

૧૫.બીજી વિષ્ટિ

૧૬.ઘેરાનો નિર્ણય

૧૭.આભપરો છોડ્યો

૧૮.કોડીનાર ભાંગ્યું

૧૯.કાકાની કાળવાણી

૨૦.વડોદરાની જેલમાં

૨૧.જેલ તોડી

૨૨.માધવપુર ભાંગ્યું

૨૩.જાલમસંગનો જમૈયો

૨૪.દેવોભા રવાના

૨૫.સુતાર પરણાવ્યો

૨૬.કેવા નસાડ્યા !

૨૭.‘નહિ હટેગા !’

૨૮.માછરડાનું ધીંગાણું

૨૯.ઓખો રંડાણો

૩૦.રોયા રણછોડરાય

૩૧.ઐતિહાસિક માહિતી

જોધો માણેક : મૂળુ માણેક

(ઈ.સ. ૧૮પ૮ - ૧૮૬૭)

૧. ભાગતા દુશ્મનોને એણે માર્યા નથી.

ર. “પે મ ભજો ! બાપ, ન ભાગો ! માનું દૂધ ન લજાવો !” એવા શબ્દે એણે શત્રુઓને પડકારી ઊલટાનું શૌર્ય ચડાવ્યું છે.

૩. બહારવટાનાં અન્ય ઊંચાં બિરદો એણે બરાબર પાળ્યાં છે.

૪. ઇતિહાસકાર રા. સા. ભગવાનલાલ સંપતરામ, એજન્સીના અધિકારી હોવા છતાં પણ લખી ગયા છે કે “બેશક તેઓ થોડા છતાં મોટી ફોજ સામા આવી બાથ ભીડતા, ને શાબાશી પડકારાથી સારા સારા લડવૈયાના હાંજા નરમ કરી નાખતા, કારણ કે તેઓ મરણિયા થયા હતા. મરવું-મારવું એ જ તેઓએ નિશ્ચય કર્યો હતો. આમાંથી જીવતા રહી ઘેર બેસીશું એવી આશા જ નહોતી.

“તેઓ ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો. અને તે જ કારણથી તેઓએ પોતાનાં ઘરબાર ને બાપુકાં વતન મૂકી ભાગવું પડેલું. તેઓના સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખતરસ અને ટાઢતડકા વેઠી તેઓનાં મગજ ફરી ગયાં હતાં. અને તાલુકદારી તેમજ સરકારી ફોજ તેઓ એક જગે નિરાંત બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓના મગજમાં મજબૂત ઘર કર્યું હતું.

“વાઘેરો વિશે દેશના લોકોને પણ ઘણું જ તપતું હતું. તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે.”

“હવે મૂળુ એકલો રહ્યો ને આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી વખત ભૂખ, તરસ, થાક, ઉજાગરા, ફોજ મૂઆનો અફસોસ, ભાઈ જેવા ભાઈનું મોત, તે પણ વિયોગમાં થયુંઃ તેથી શું તેના મનને થોડું લાગતું હશે? કહે છે કે કેટલીક વાર તો મૂળુ લાંઘણો ખેંચતો. ને કેટલીક વાર તેને સાત-સાત દહાડા સુધી અનાજ નહિ મળેલું.

“દ્વારકાની લડાઈ વખતે જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો તે હવે ફક્ત અંગત પાંચ-સાત માણસથી રહ્યો. એટલું સારું થયું કે તેની આ દુઃખદાયક જિંદગીનો થોડા વખતમાં અંત આવી ગયો. બેશક, તે હરામખોરનો ધંધો લઈ ફરતો, એટલે સામાન્ય રીતે જોતાં આપણે આવા મૃત્યુથી ખુશી માનવી જોઈએ, તોપણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી.”

“જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે તે કેટલીક બદસલાહને વશ થયેલો. તોપણ તેના મહાન વિચાર, તેનું શૂરવીરપણું, ઉદારતા અને તેના આવા પ્રકારના મરણથી, તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહે જ નહિ. મૂળુનાં કામાં એવાં નહોતાં કે તેને આપણે હલકી પંક્તિના બહારવટિયાના જોડે સરખાવીએ”.

“મને બીજા કોઈ ઢેઢ અને પીકારક વાઘેર મૂવા તેનું કાંઈ તપતું નથી, પણ ઉચ્ચ ખાનદાન આખી ટોળી માટે જે તપે છે. અરે ! તે સર્વનો ઘાણ નીકળી ગયો.”

“તેઓ સાવ અણસમજુ નહોતા, પણ તેઓને સોબતે ભુલાવ્યા. હલકા વાઘેરોએ તેમનાં માથાં ફેરવી નાંખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલમે વધારે અસર કરી.”

“સિપાહી તો ખરા જ. મરવાં-મારવાં તે તો હિસાબ નહિ. વાણિયા ન હતા કે ભાઈબાપ કહી કીધેલાં અપમાન સહન કરે.”

“વેર લેવાના જોશમાં દૂર અંદેશે ભૂંડું થશે તે સૂઝ્‌યું જ નહિ. જોધાના વિચાર તો આખર ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો.”

(રા. સા. ભાવનગરવાલા સંપતરામકૃત ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’માં)

૧. માછીમારણની કૂબે માણેક

આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવીઃ ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડીઃ ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એક ગાઉનું જંગલ૧ઃ એવા કારમા પંથે કાપીને જાત્રાળુ ગોમતીજીને કાંઠે પહોંચે. ત્યાં આસમાની દરિયાની છોળો ઊછળીને રણછોડરાયના પગ પખાળે છે. ‘જે રણછોડ ! જે રણછોડ !’ લલકારતો જાત્રાળુ ઓખામંડળની ઝાડી વીંધે છે, રૂપાળા દરિયા ને કારમા વગડાની વચ્ચે એને કાબા લૂંટી ખાય છે. જાત્રાળુ પોતાને દેશ જઈને ગીતો ગાય છેઃ

૧. ઓખામંડળની ઝાડી એટલી ગીત હતી કે પૂર્વે ચોત્રીસ ઈંચ વરસાદ પડતો. આજે ઝાડી છેક જ કપાઈ ગઈ છે.

અસી કોસકી ઝાડી લગત હૈ !

કાબા કઠિન કઠોર, દ્વારકા મેં રાજ કરે રણછોડ !

ડંડા કુંદા છીન લેત હૈ !

તુંબા ડારત ફોડ, દ્વારકામેં રાજ કરે રણછોડ !

જળમાં કોઈ વહાણ ન હેમખેમ જાય ને થળમાં ન જાત્રાળુ વણલૂંટ્યો જાય. એનું નામ જ ઓખો ! ઓખો એટલે વિક્ટઃ એવા ઓખામંડળમાં એક દિવસ કેવી બીના બની રહી હતી ?

સોળ વરસની એક કુંવારિકાઃ તળાવની પાળેથી પાણી ભરીને ચાલી આવે છેઃ માથા ઉપર છલોછલ ભરેલી હેલ્ય અને બેય હાથમાં ત્રણ-ત્રણ વરસની દૂધમલી બે ખડેલી પાડીઓઃ જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા મારતી આવે છે પણ પનિયારીના માથા પરનું બેડું જરીકે ડગમગતુંછલકતું નથી. એને મન તો આ ખડેલીઓ જાણે હાથમાં ઉંદરડીઓ રમતી આવતી હોય એવી લાગે છે. એની મુખમુદ્રામાં કે કાયામાં ક્યાંય થડકાર નથી.

નીરખીને અજાણ્યો અસવાર તો આઘેરો ઊભો જ થઈ રહ્યો. આ ભીનલાવરણી પનિયારીનાં કાંડાનું કૌવત નીરખીને એ રજપૂત જુવાનનો શ્વાસ હેઠો બેસી ગયો. પડખે ચાલતા આદમી પાસેથી પોતે જાણી લીધું કે આ ગામનું નામ હમોસરઃ માછીમારની દીકરીઃ બાપનું નામ મલણ કાળોઃ હજી બાળકુંવારડી જ છે.૧

(૧ કર્નલ વોટસન પોતાના ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં લખે છે તે પ્રમાણે તો આ કન્યા મલણ કાળાની પોતાની નહિ પણ દત્તક દીકરી હતી, એટલે કે ઓખામંડળની અંદર હરોળો નામની રજપૂત જાતિની ચાવડા રજપૂતોએ કતલ કરી નાખી, તે હરોળોની સરદારની આ પુત્રીને મલશે શરણે લીધી હતી. (‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’, પાનું ૩૧૦.)

‘ઓહોહો ! આના પેટમાં પાકે એ કેવા થાય ! મનધાર્યા મુલક જીતી આપે !’

એવા વિચાર કરતો ઘોડેસવાર ઘોડો ફેરવ્યા વગર, પાછો વળીને પોતાની ફુઈના આરંભડા ગામને ગઢે આવ્યો. આવીને રઢ્ય લીધી, “ફુઈ, પરણું તો એક એને જ.”

રાઠોડ રાજાની રાણી તો રજપૂતાણી હતી. કચ્છના ધણી રાવ જીયાજીની દીકરી હતી. એનાથી આ શૅ સંખાય ? કુળનું અભિમાન કરતી બોલીઃ “અરે બાપ ! ઈ તો કાબાઃ ગોપીયુંના વસ્તર લૂંટનારા.”

“પણ ફુઈ ! અરજણ જેવા અજોડ બાણાવળીનું ગાંડીવ આંચકી ગોપી તળાવની પાળે એની ભુજાયુંનો ગરવ ગાળનારા એ કાબા !”

“પણ વીરા ! એ તો માછલાં મારવાના ધંધા કરનારાઃ કાળાં વહરાં એનાં રૂપઃ અને તું તો કચ્છ ભુજનો ફટાયોઃ જદુવંશીનું ખોરડુંઃ આપણને ઈ ખપે ?”

“ખપે તો ઈ એક જ ખપે, ફુઈ ! જગતમાં બાકીની બધી નાની એટલી બોન્યું ને મોટી એટલી માતાજીયું !”

આરંભડાના રાઠોડને ઘેર રિસામણે આવેલા ભુજના કુંવર હમીરજીએ હેમોસરની સરોવર-પાળે દીઠેલી કાળુડી માછીમાર કન્યા ઉપર પોતાનો વંશ અને ગરાસ ઓળઘોળ કરી દીધો. ઓખામંડળના કાબાઓની સાથે એણે લોહીનો સંબંધ જોડ્યો. અને ઓખામંડળ ઉપર પોતાની આણ પાથરવા માંડી. બોડખેત્રી ગામનાં તોરણ બાંધ્યાં. વાઘેર એની જાત કહેવાણી.

કાબાની એ કુંવરીને ખોળે જે દિવસ જદુવંશીના લોહીનો દૂધમલ દીકરો જન્મીને રમવા લાગ્યો, તે દિવસે ગામ-પરગામનું લોક થોકેથોક વધામણીએ હલક્યું. વાઘેર બેટડાનાં રૂપ નિહાળી નિહાળીને માણસોનાં મોંમાંથી જાડેજી બોલીનું મીઠું વેણ નીકળી પડ્યું કેઃ “ઓહોહો, ભા ! હી તો માણેક મોતી જડે ? લાલમલાલ માણેક !”

તે દિવસથી માણેક નામની અટક પડી. વાઘેરની તમામ કળીઓમાં માણેક શાખાની કળી ઊંચી લેખાણી.

ઓખામંડળ એટલે તો ઠાંસોઠાંસ કાંટાળા વગડા અને ઊંડા વખંભર ખડા. વળી કાબાકુળનો અવતાર જ લૂંટ કરવા સાટુ હતો. માછલાં મારે, મછવા લઈને દરિયામાં વહાણ લૂંટે, અને હડી કાઢીને ધરતીમાં જાત્રાળુઓને લૂંટે, પણ કાબા ભેળા રજપૂત ભળ્યા તે દિવસથી માણેક રાજાઓએ તીર્થધામનું રક્ષણ આદર્યું અને જાત્રાળુઓનું જતન કરવા માંડ્યું.

ર. સમૈયાની માનતા

માણેક કળીમાં માંહે માંહે કોઈ અમૂલખ પુરુષો પાક્યા. એણે વાઘેરની જાતમાં ખાનદાનીના રંગ ચડાવ્યા. સમૈયો માણેક ઓખામાં આજ પણ ઘરોઘર સાંભરે છે. કેવી એની વાતો થાય છે !

સોરઠમાંથી એક દિવસ સવારે દ્વારકાના દરબારગઢમાં એક ગાડું આવીને છૂટ્યું છે. અંદરથી બે ધણીધણિયાણી ઊતર્યાં. સ્ત્રીના હૈયા ઉપર કેસૂડા સરીખો બેટડો રમી રહ્યો છે.

ડેલીએ ગાડું છૂટેલ ભાળીને દરબાર સમૈયાજીએ સાદ કર્યો, “કેર માડુ આય ?”

“સમૈયા માણેક ! હકડી ઓરત અચી આય. હી બાઈ તો હીં ચુવેતી કે મુંજે તો સો નારીએર સમૈયા માણેક જે કપરામેં ઝોરણાં !” (એક ઓરત આવી છે, ને એ તો એમ કહે છે કે મારે તો સમૈયા માણેકના કપાળમાં એક સો નાળિયેર વધેરવાં છે.)

પરદેશણ બાઈએ કહેવરાવ્યું, “બાપા ! ભૂલ ભૂલમાં મારાથી જીભ કચરાઈ ગઈ છે. દીકરો નો’તો થાતો, તે માનતા કરી કે જો શામળોજી દીકરો દેશે તો દ્વારકાના દેવરાજા સમૈયાના કપાળે હું એકસો શ્રીફળ વધેરીશ. મેં તો જાણ્યું કે સમૈયો માણેક દેવ થઈ ગયા હશે અને એનો પાળિયો પૂજાતો હશે!”

“નાર સમૈયા ! તોજી માનતા ! ફોડ હણે મથ્થો ! દેવજા ડીકરા !” એમ કહી દાયરે દરબારની ઠેકડી આદરી.

સમૈયાએ દાતણની ચીરો નીચે નાખી, મોઢું ધોઈ, દ્વારકાધીશની સામે હાથ જોડ્યા. ને પછી બાઈને કહેવરાવ્યું, “હલી અચ ! મંઝી ધી ! હલી અચ! તોજી માનતા પૂરી કર. હી મથ્થો ખુલ્લો જ રખી ડીઆંસી !” (હાલી આવ, મારી દીકરી ! હાલી આવ. ને તારી માનતા પૂરી કર. આ માથું મેં ખુલ્લું જ રાખી દીધું છે.)

એક સો શ્રીફળનો હંબાડ કરીને બાઈ ઊભી રહી. દીકરાને સમૈયાના પગમાં રમતો મૂક્યો. પહેલું શ્રીફળ ઉપાડ્યું, માણસ જેવા માણસના કૂણા માથાને પથ્થર માનીને શ્રીફળ પછાડવા જાતાં એનો હાથ આંચકો લઈ ગયો. ત્યાં તો સમૈયાએ બાઈને ફરી પડકારી, “અરે મંઝી ધી ! અરે બેટડી ! હી મથ્થેજી દયા મ રખ. ઝોર બરાબર !”

બાઈએ શ્રીફળ પછડ્યું. માથાને અડ્યા પહેલાં અધ્ધરથી જ ફટાકો બોલ્યોઃ શ્રીફળનાં બે કાચલાં જમીન ઉપર જઈ પડ્યાં.

એક સો શ્રીમફળ એ જ રીતે અધ્ધરથી જ ફૂટ્યાં. માનતાવાળી બાઈ “બાપા ! બાપા !” કરતી સમૈયાનાં ચરણોમાં ઢળી પડી.

“બાઈ ! મંઝી મા! આંઉ ડેવ નાઈઆ. હી તો તોજે ધરમસેં થિયો આય.” (બાઈ ! મારી મા ! હું કાંઈ દેવ નથી. આ તો તારા પોતાના જ ધરમથી થયું છે.)

એટલું બોલીને સમૈયાએ પોતાની દીકરી માનેલી એ બાઈને પહેરામણી દીધી. બાઈ ગાડું જોડી ચાલી ગઈ.

સમૈયાનો કુંવર મૂળુ માણેક કુફેલમાં ગરકાવ છે. એ માતેલા રાજકુંવરે વસ્તીની મરજાદ લોપવા માંડી છે. લોકોએ નગરશેઠ ઇંદરજીભાઈની પાસે રાવ પહોંચાડી. બુઢ્ઢો ઇંદરજી ડગુમગુ પગલે કચેરીમાં ગયો. શેઠને સાંભળતાં જ સમૈયાએ દોટ દીધી. “ઓહો કાકા ! આપે અચણો ખપ્યો ?” (આપને આવવું પડ્યું ?)

“હા, સમૈયા ! બીયો ઈલાજ ન વો.” (બીજો ઈલાજ નહોતો.)

“કાકા ! ચ્યો, ફરમાવો.”

“સમૈયા ! હાથી હરાડો થિયો !”

“કાકા, આંઉં બંધીનાસી.” (હું બાંધી લઉં છું.)

હાથી હરાયો છે તો એને હું બાંધી લઈશ; એટલી જ સમસ્યા થઈ.

ઇંદરજી શેઠ દુકાન પર ગયા ને દરબાર નાહીને મંદિરમાં પહોંચ્યા. પાંચ માળા ફેરવી. પછી બે હાથ જોડીને બોલ્યાઃ

“હે ધજાવારા ! તુંમે જો સાચ વે, તે મુંજો પુતર ત્રે ડિમેં મરે, નકાં આઉં મરાં !” (હે ધજાવાળા ! તારામાં સાચ હોય, તો મારો પુત્ર ત્રણ દિવસમાં જ મરે, નહિતર હું મરું !)

ત્રીજે દિવસે એ જુવાન દીકરા મૂળુને જમનાં તેડાં આવ્યાં.

૩. ‘દ્વારકા પાંજી આય !’

આવા પૂર્વજોના છેલ્લા બે નેકીદાર વારસોની આ વાર્તા છે. સિત્તેર વરસ ઉપર ત્યાં અમરાપર નામે નાનું ગોકળિયું ગામડું હતું. આજે ત્યાં ગામનો ટીંબોયે નથી. ગામની જગ્યા ઉપર જમીન ખેડાય છે, દ્વારકાથી દોઢ-બે ગાઉ જ આઘે.

એ અમરાપર ગામમાં જોધો માણેક અને બાપુ માણેક નામના બે ભાઈઓ, ઓખામંડળના વાઘેરોમાં ટિલાત ખોરડાના બે વારસો, રહેતા હતા. રાજ તો ગાયકવાડ સરકારના હાથ ગયું છે, દ્વારકામાં પલટન પડી છે. ગામડે ગામડે પલટનનાં થાણાં થપાયાં છે. વાઘેર રાજાઓને ગાયકવાડે જિવાઈ બાંધી આપી છે, પણ હમણાં હમણાં તો અમરાપરવાળા ટિલાતોને જિવાઈ મળવીયે બંધ પડી.

ગાયકવાડનો સૂબો બાપુ સખારામ મદછક બનીને દ્વારિકાના મહેલમાં બોલે છે કેઃ “કાય ! વાઘેરાત મંજે કાય આહેત !” (શું છે ! વાઘેર બાપડા શી વિસાતમાં છે ?)

એ ટિલાત ખોરડાની વાઘેરણો આજ પાદરેથી પાણીનાં બેડાં ભરી ઓસરીએ હેલ્યો ઉતારે છે, પણ એનાં મોઢાંની લાલી આજ નોખી ભાત બની ગઈ છે, મોઢાં ઉપર ત્રાંબાં ધગ્યાં દેખાય છે.

ઓસરીઓમાં જ પોતાના ધણીઓ બેઠા છે, પણ મુખડાની લાલપનું કારણ પણ બાઈઓને કોઈ નથી પૂછતું. પરસેવે ટપકત ! લાલ નેત્રોવાળી વાઘેરણો છંછેડાઈને બોલીઃ “અસાંજા થેપાડા આઈ પર્યો !” અને હણેં આંજી પાઘડી અસાંકે ડ્યો !” (અમારા ઘાઘરા તમે પહેરો અને તમારી પાઘડી અમને આપો.)

બેય ભાઈઓનાં મોં ઊંચાં થયાં. જોધાએ ધીરે અવાજે પૂછ્યું કે “આજે શી નવાજૂની છે વળી ?”

“નવું શું થાય ? રોજે રોજ થઈ રહ્યું છે ને ! રજપૂતોને પાદર

મોરલા મરે, ને રજપૂતાણીયુંનાં બેડાં કાંકરીએ અંટાયઃ દાઢીમૂછના ધણીું બેઠા બેઠા ઈ બધું સાંખી લ્યે કે !”

“કોણે મોરલા માર્યા ? કોણે કાંકરીયું ફેંકી ?”

“બીજા કોણે ? દ્વારકાના પલટનવાળાઓએ.”

જોધાએ શિર નીચે ઢાળ્યું. પણ બાપુને અને એના દીકરા મૂળુને તો ઝનૂન ચડવા લાગ્યું. ધીરી ધીરી ધમણની ફૂંકે ઓચિંતો ભડકો થાય તેમ ધીરે ધીરે વિચાર કરીને બાપ-દીકરો ભભૂકી ઊઠ્યાઃ “જોધા ભા ! તોથી કીં નાંઇ થીણું. અસાંથી સેન નાંઈ થીંદો. દ્વારકા પાંજી આય, પલટણવારેજી નાય ! પાંજી રોજી બંધ કરી છડ્યું આય ! પાણ પાંજો ગામ ગીની ગીડો.” (તારાથી કાંઈ નથી થવાનું. અને હવે અમારાથી સહન નથી થતું. દ્વારકા આપણી આપણા બાપની - છે, પલટણવાળાની નથી. શા માટે આપણી રોજી બંધ કરી? આપણે આપણું ગામ પાછું લેશું.)

‘દ્વારકા પાંજી આય !’

દેવળના ઘુમ્મટ જેવા જોદ્ધાના હૈયામાં પડઘો પડ્યો, ‘દ્વારકા પાંજી આય !’

ઓહોહોહો ! કેવો મીઠો પડઘો ! આખે શરીરે રોમરાઈ અવળી થઈ ગઈ. પણ ગરવો જોધો એ મમતાનો ઘૂંટડો ગળી ગયો.

એવે ને એવે ધીરે અવાજે એણે ઉત્તર દીધો કે “ભાઈ ! વસઈવાલેજા ચડાવ્યા મ ચડો. આજ પાંજે સેન કર્યા બન્યા બીયો ઇલાજ નાય. હકડી ઘડીમેં પાંજા ચૂરા થીંદા, અચો પણ રામજીભાજી સલાહ ઘીનું.” (ભાઈ ! વસઈવાળા વાઘેરના ચઢાવ્યા ચડો મા. આજ આપણે સહન કર્યા વિના બીજો ઈલાજ નથી. એક ઘડીમાં આપણા ચૂરા થઈ જશે. ચાલો, આપણે રામજીભાની સલાહ લઈએ.)

રામજી શેઠ નામે દ્વારકાનો ભાટિયો હતો. અમરાપરવાળા વાઘેરોનો એ સાચો ભાઈબંધ હતો. ડાહ્યા વેપારીએ આ ઉશ્કેરાયેલા બાપ-બેટાને ઠાવકી જીભે સલાહ આપી કે “ભાઈ, આજ લડવામાં માલ નથી. વસઈવાળાના ચડાવ્યા ચડશો નહિ.”

રોજ રોજ પલટનવાળાઓની આવી છેડતી સાંખતા સાંખતા વાઘેર ટિલાતો બેઠા રહ્યા. પણ પછી છેવટે એક દિવસ સહન કરવાની અવધિ આવી ગઈ.

૪. ટીલાવડ નીચે

સને ૧૮પ૮નો જાન્યુઆરી મહિનો છે. વહેતાં વહેણ પણ થંભી જાય એવી ટાઢ સુસવાટા મારે છે. અધરાત ભાંગી નથી પણ સોપો પડી ગયો છે. વગડામાં કોઈ વિલાપ કરતું હોય એવા સૂર કાઢતો પવન બોરડીઓ અને આંબલીઓનાં પાંદડાંને ખખડાવી, પછાડી, માવછોયાં બાળકો જેવાં બનાવી ઉપાડી જાય છે અને એ બધુંય, ઓખામંડળનાં રાભડિયાં, કદાવર કૂતરાં ટૂંટિયા વાળીને પડ્યાં પડ્યાં સાંભળે છે, પણ ભસવાનું જોર બતાવી શકતાં નથી. ગામની તદ્દન નજીક ધુતારાં શિયાળવાં લુચ્ચાઈની લાળી કરી વગડો ગજાવે છે.

તેણે ટાણે ઓખામંડળના ધ્રાશણવેલ ગામના પાદરમાં ટીલાવડ નામે ઓળખાતા ચામુંડાના વડલા નીચે અંધારામાં પાંચ-છ મોટી સગડીઓ સળગી રહી છે. એ સગડીને વીંટી પચીસ જણા, પાંચેક હોકા પંગતમાં ફેરવતાં ફેરવતાં, ઊભા ગોઠણ સાથે કસકસીને પછેડીની પલોંઠી ભીડી સજ્જ હથિયારે બેઠા છે. મોંએ બોકાનાં ભીડ્યાં છે. પચીસેયનો પોશાક જાડેજા રજપૂતો પહેરે છે તેવી જ ઢબનો છે પણ પહેરવેશમાંથી રાજવટને શોભે તેવી રિદ્ધિસિદ્ધિ ઊડી ગઈ દેખાય છે. પાઘડીઓમાં પડેલા લીધાર ગડીની અંદર સંતાડી દીધેલા છે. અને સુરવાળોનાં થીંગડાં પલોંઠી ભીડેલ પછેડી હેઠે દબાવેલાં છે. ઓખામંડળના રાજાઓની એ અધરાતે એવી હાલત હતી.

“સહુ આવી ગયા ?” એમાંથી મોટેરા દેખાતા એક વાઘેરે ચારેય બાજુ પોતાની ચિત્તા સરખી ચકચકતી આંખ ફેરવી.

“હા, રવા માણેક, આવવાના હતા એ સંધા આવી ગયા,” બીજાએ જવાબ દીધો.

“સાંઢિયો સંધેય ગામે ફેરવ્યો’તો ને ?”

“તમામ ગામે. નેસડુંયે બાકી નહિ.”

“અમરાપરથી કોણ કોણ હાજર છે ?”

“હું જોધોભા, બાપુભા અને મૂરુભાઃ ત્રણ જણા.” ગરવા અને ઓછાબોલા છતાં મીઠાબોલા મુખી જોધા માણેકે જવાબ વાળ્યો.

“બસ ! માપાણી ટોળામાંથી ત્રણ જ જણ ? ઠીક, શુમણિયામાંથી?”

“હું ખીમો, ઘડેચીવાળો.”

“ભલા. જોધાણી કોઈ ?”

“હું ભીમો, મેવાસેથી.”

“ઠાવકી વાત. કુંભાણી કોણ છે ?”

“હું હભુ, મકનપરથી.”

“બીજા કોણ કોણ માડુ છે ?”

“કરસન જસાણી ને ધુનો જસાણી મુળવાપરથીઃ દેવા છબાણી ને રાયદે ભીમાણી શામળાસરથીઃ ધંધો અને સાજો પીંડારિયો; અને વશીવાળામાંથી તું રવો, પાળો, રણમલ અને દેવો, એટલું થારાણી ખોરડું.”

મોં મલકાવીને રવો બોલ્યો, “ત્યારે તો અમારા માડુ સંધાયથી વધુ. એમ છે, જોધા ! માથાં વાઢી દેવાં ઈ છોકરાંની રમતું નથી. વશીવાળાને ઓખો જાય તેની ઊંડી દાઝ છે, ભા !”

“સાચું કહ્યું, રવા માણેક !” જોધા માણેકે આ વશીવાળા ચારેય જણાના ચહેરાની ખુન્નસભરી કરડાકી અને દોંગાઈની રેખા પારખીને ટૂંકો જવાબ વાળ્યો.

“ત્યારે હવે લાવો દારૂ.”

“હાજર છે, ભા !” કહીને ધ્રાશણવેલના વાઢેલ ગરાસિયા દાદાભાઈ ને રામભાઈ ઊઠ્યા. સહુને થાળી પીરસાણી.

“ભારી દાખડો કર્યો, દાદાભા !”

બે હાથ જોડીને પોતાના વાઘેર ભાઈઓની સામે દાદોભા વાઢેલ ઊભો રહ્યો. “આપ તો ઘણ જોગ, પણ અસાંજી સંપત એતરી, ભા” (આપ તો ઘણા મોટા આદરમાનને યોગ્ય છો, પણ અમારી સંપત્તિ જ આટલી થોડી છે !)

સગડીએ પોતાના હાથપગ શેકતા સહુ વાળી કરીને બેઠા. એટલે વશીવાળા રવા માણેકે પોતાના બઠિયા કાનની બૂટ ખજવાળતાં વાત ઉચ્ચારીઃ “ત્યારે હવે શું ધાર્યું છે સંધાએ ?”

“હવે તો ગળોગળ આવી ગયા છીએ.” જોધાણી કુંભાણીએ વાતને વેગ આપ્યો.

“ઓખામંડળના ધણી હતા તે તો મિટાવી દીધા. પણ રાબ-રોટલો ખાવા જેટલી જિવાઈ બાંધી આપી છે તે પણ વહીવટદાર છો મહિનાથી ચૂકવતો નથી.”

“હાથે કરીને પગે કુવાહો આપણે જ માર્યો છે ને ?”

“કોણ છે ઈ માડુ ! જોધો માણેક ને ? જોધાએ કાયમ આપણી જ કસૂર કાઢી છે.”

“હું જૂઠ નથી બોલતો, ભા ! આપણે રાજા મટી ચોર ઠર્યા તે આપણે જ લખાણે. પોણોસો વરસથી સંભારતા આવોઃ આપણે કેવાં કામાં કર્યાં ! નગર, પોરબંદર ને ગોંડળ જ એવાં રજવાડાંમાં લૂંટ આદરીઃ એટલે મારા ખાધો, ને ફક્ત પાંચ ગઢ ને સત્તાવીસ ગામડાં રિયાં.”

“હા, પછી શું, જોધા ભા ?” રવો દાઢવા લાગ્યો.

“પછી શું ? પચાસ વરસ ઉપર આપડે જ વડવે ભેળા થઈ રાણી સરકારના વેપારનું વહાણ લૂંટ્યું અને એમાંથી ગોરાને ને એક બાપડી મઢમને દરિયામાં ફેંક્યાં. ફેંક્યાં તો ફેંક્યાં પણ એ લૂંટ ને એ ખૂનના વળતર રૂપિય્‌ સવાલાખ ચૂકવવાનું કબૂલીને પછી ખૂટલાઈ કરી ન ચૂકવ્યા. ત્યારથી વાઘેર ઈજ્જત ગુમાવીને ચાંચિયા ઠર્યા. દરિયામાં લૂંટવા સિવાય આપણા વડવાઓએ કર્યું શું ? ઓખાના બારામાં ટોપીવાળાનાં વહાણ પેસી ગયાં તો આપણા જ પાપે.”

“રંગ છે વાઘેરના પેટને ! બલોયાં પહેરો બલોયાં, જોધા ભા !”

“હવે તો ક્યારનાંયે બલોયાં કાંડામાં પડી ગયાં, રવા ભા !” તું ને હું જીવીએ છીએ, ને ઓખો ખાલસા થઈ ગયો. આપણે ધણી હતા તે જિવાઈદાર થયા. આપણે માથે લશ્કરનાં બટાલિયન બેઠાં, ઠેર ઠેર થાણાં થપાણાં. કપ્તાનો, રેસિડેન્ટો ને પોલિટિકલોનું તો કીડિયારું ઊભરાણું ! અને આ ગાયકવાડીનો જુલમ તો હવે જોયો જાતો નથી.”

“ગઈ ગુજરી જવા દ્યો, જોધા ભા ! અને હવે કહો, આપણે કરવું શું ?” જોધા માણેકના આજ્ઞાવશ વાઘેરોએ અગ્નિ ઉપર રાખ વાળી.

“આપણે કરીએ છીએ તેના ઉપર આ વશીવાળા ભાઈઓ ધૂળ વાળી દે છે એનું શું કરવું ?” જોધાએ કહ્યું.

“શું ધૂળ વાળી ?” રવો ડોળો ફાડીને બોલ્યો.

“તમે વગર કારણે આરંભડું ભાંગ્યું. તોરમાં બેટનો કિલ્લો કબજે લીધો, એમ સાત ગામડીના ગરાસિયાએ ઊઠીને સમંદરના પાણી જેવી સરકારની સત્તા સામે ઉતાવળી બાથ ભરી. એમાં સરકારની ધૂંવાધાર તોપું આવીને આપણા બારામાં ડાચાં ફાડી ઊભી છે. અને જાત્રાળુઓ રણછોડરાયજીનાં દર્શને ન આવી શકે, તે પાતક કાંઈ ઓછું !”

“અને જોધા ! તું ડાહ્યો ડમરો, તું વળી સરકારની સાથે નેકી જાળવીને શી કમાણી કાઢી આવ્યો ? કપિલા છઠ્ઠાની જાત્રામાં અમે તો જાત્રાળુ પાસેથી કરોડુંનો માલ કબજે કરત. પણ તું સરકારનો હેતનો કટકો થાવા ગિયો. તેં જાત્રાળુની ચોકી કરીને ગાયકવાડને ચાર લાખ કોરીનો કર પેદા કરાવ્યો, તેનો સિરપાવ તને શું મળ્યો ? તું ચોર હોય તેમ તારા જામીન લેવાણા. તે દિન તને કચેરીમાં બોલાવી ભૂંડે હાલે કેદ કરવાની પણ પરેવી થઈ’તી. અને હવે તારી જિવાઈ પણ રોકી રાખી. લે, લેતો જા, ગાયકવાડી પાઘડી ! બોલ, રણછોડજીના કસમ ખાઈને કહે, તેં રાજકોટ છાવણીમાં પણ ખબર કહેવરાવ્યા છે કે નહિ ?”

“હા, ભાઈ, પંદર દા’ડાની મે’તલ આપી હતી.”

“પંદર દિવસ થઈ ગિયા ?”

“હા.”

“બસ, ત્યારે બોલો હવે, જે રણછોડ !”

“જે રણછોડ !” ટીલાવડ કાંપી ઊઠે તેવા વિકરાળ ધીરા અવાજે પચીસ ગળાં ઘોરી ઊઠ્યાં.

“જોધા ભા !” જોધાનો ભાઈ બાપુ માણેક બોલ્યો. “હું હજી આજ જ મારી રોજની ઉઘરાણી કરીને બાપુ સખારામ પાસેથી હાલ્યો આવું છું. અને મને શું જવાબ દીધો ખબર છે ? મોંમાંથી ગાળ કાઢી.”

“હેં, ગાળ કાઢી ? જબાન કાપી લેવી’તી ને ?”

“શું કરું, ભા ! તારો ડર લાગ્યો, નીકર હું વાઘેરનો બચ્ચો, ઇ ચટણાની ગાળ કાંઈ ખમું ? એણે તો સામેથી કે’વરાવ્યું છે કે અમરાપરને પાદર અમારા બે મકરાણીનાં ખૂન કર્યાં છે, માટે હવે તૈયારીમાં રહેજો, અમરાપરને તોપે ઉડાડવા આવું છું.”

“મરાણીનાં ખૂન ! શા સારુ ?”

“હા, જોધા ભા ! મકરાણી ખભે બંદૂકું ટીંગાડીને નીકળ્યા’તા અને પાદરની આંબલી માથે મોરલો બેઠો’તો તેને માથે ગોળી છોડી. મોરલો તો ભગવાનનું વાહનઃ એનું શાક કરીને બચારા મકા ખાતા’તા ! અમે દોડીને બેય મકાનું કાચું ને કાચું શાક સમળીયુંને ખવરાવી દીધું. તેનો બદલો લેવા બચાડો બાપુ સખારામ તોપુંના રેંકડા હાંકી લાવશે !”

“હા, આજ અમરાપરનો વારો, ને કાલ બીજાં પચીસેય ગામના

પાયા ખોદી નાખશે. અને માપાણી ખોરડાના દીવડા જેવા ત્રણેય જણા, જોધો, બાપુ ને મૂળુ માણેક જેવા દાઢીભૂછના ધણી બેઠ્યે ઓખો રાંડી પડશે, ખરું ને જોધા ?” રવો બોલ્યો.

“અરે, હજી જોજો તો ખરા, રણછોડરાયનાં દેરાંની મૂરતિયુંને માથે પણ ગોળા આફળશે,” વસઈવાળો રણમલ ધૂધકારી ઊઠ્યો.

“તે પહેલાં મૂળુ માણેકને માથે માથું નહિ હોય, ભા !” ખૂણામાં છાનોમાનો મૂળુ માણેક બેઠો હતો તેણે મૂછે તાવ દઈને પહેલી જ વાર આ વચન કાઢ્યું. કોઈ ફણીધારની ફૂંકે જાણે વડલામાં લા લાગી હોય તેવો સુસવાટો થયો.

“ત્યારે હવે પરિયાણ શું કરી રહ્યા છો ? કરો કેસરિયાં.”

હાથ ઉપર માથું નાખી જોધો વિચારમાં પડી ગયો. એણે ધીરેથી કહ્યું, “હજી વાર છે, ભાઈ, અથર્યા મ થાવ.”

“કાં ?”

“ગાયકવાડની બાદશાઈ સામે બાથ ભરાશે ?”

“ગાયકવાડી બાદશાઈ તો રહી છેટી, ઠેઠ વડોદરે. અને આંહીં તો લશ્કર વહીવટદારથી તોબા કરીને બેદિલ બેઠું છે. વાઘેરની ફૂંકે સૂકલ પાંદડાં ઊઠે તેમ ગાયકવાડનો વાવટો ઉડાડી દેશું.”

“પણ ભાઈ ! વાંસે સરકાર જેવો વસીલો છે. પાંચ સો વહાણ તોપું ભરીને ઓખાને ચુડેલું રાસડા લ્યે તેવો કરી મેલશે,” જોધે ભવિષ્યમાં નજર નાખીને કાળની વાણી કાઢી.

“કંપની સરકાર તો હિંદુસ્તાનને કાંઠેથી હોકો ભરીને હાલી, જોધા ભા !” મૂળુએ મોં મલકાવ્યું.

“કાં.”

“કાં શું ? બળવો ફાટી નીકળ્યો છે. પલટનો સામે થઈ ગઈ છે. મરાઠાના ભાલાની અણીએ, સોયમાં મોતી પરોવાય તેમ ગોરાનાં મડ્યમ-છોકરાં પરોવાય છે. સરકારના અંજળ ઊપડ્યાં.”

“કોણે કહ્યું ?”

“એકેએક જાત્રાળુ આંખે જોયેલી વાત કરી રિયાં છે.”

“હું ન માનું. અંગ્રેજ જાય નહિ. એની ખીલી તો શેષનાગની ફેણ માથે જડાઈ ગઈ છે ભાઈ, મ ભરાઓ, અને સબૂર કરો. તેલ જુઓ, તેલની ધાર જુઓ.”

“જોધા ભા ! તારા પગુમાં પડીએ છીએ. હવે તું અવળાં વેણ મ કાઢ. હવે આડા હાથ મ દે, અમથી સંખાતું નથી.”

“ઠીક, ભાઈ, તમને સૂઝે એમ કરો. હું જાઉં છું, અમરાપરનો ઉગાર કરવા આદમી ભેળા કરી આવું. લ્યો, જે રણછોડ !”

“જે રણછોડ, જોધા ભા ! હવે ફરી વાર ટીલાવડ હેઠે નહિ મળીએ. રણરાયની છાયામાં મળીશું, હો !”

જોધો ઊઠ્યો. દાયરો વીંખાણો. જોધાએ મૂળુને પડખે બોલાવીને શિખામણ દીધી કે, “બેઠા મૂળુ !”

“બોલ કાકા !”

“આ વસઈવાળાનો ચડાવ્યો ચડીશ મા, હો. એનાં પરિયાણ પાપનાં છે. બાકી તો બેટા, જ્યાં તું ત્યાં જ હું. હું હવે આ ટાણે મારાં ધોળામાં ધૂળ નહિ ઘાલું.”

હનુમાનજતિ જેવાં પગલાં ભરતો જોધો અંધારામાં ધાબળો ઓઢીને અદૃશ્ય થયો. જુવાન મૂળુભાએ અમરાપર જઈ પોતાના વફાદાર રાયકાને હુકમ કર્યોઃ “રાયકા ! વાઘેરોનાં પચીસેય ગામડાંમાં ફરી વળજે અને કહેતો જાજે કે શ્રાવણ સુદ એકમની અંધારી રાતે, દ્વારકાના કિલ્લાની પાછલી રાંગે, ઉગમણી દૃશ્યે, જસરાજ માણેકના પાળિયા પાસે પાઘડીનો આંટો નાખી જાણનારા સહુ વાઘેર બચ્ચા હાજર થઈ જાય. જા ઝટ, જે રણછોડ !”

“જે રણછોડ !” કહીને રાયકે સાંઢિયાની દોરી હાથમાં લીધી. રાતોરાત સંદેશો ફેરવીને પ્રાગડ વાસ્યે પાછો અમરાપરના દરબારગઢની ડેલીએ સાંઢિયો ઝોકાર્યો.

“કહી આવ્યો ?”

“હા, ભા.”

“શો જવાબ ?”

“જે રણછોડ !”

“સંધાએ ?”

“એકોએકે બાઈયું પણ બચ્ચાં ઝોળીએ નાખીને સાથે નીકળશે.”

“ખમા ! ખમા રણછોડરાયને ! હવે અમરાપર ગામમાં સહુથી લાંબાં

બે ખોરડાં હોય તેના આડસર ખેંચી કાઢો.”

બે આડસરો કાઢીને તેની ઊંચી આભને અડતી નિસરણી બનાવી. શ્રાવણ સુદ એકમની સાંજે અંધારાં ઊતર્યાં પછી મૂળુ માણેકે ગઢની અંદર જઈને ઓરતોને છેલ્લા જુહાર લીધા-દીધા.

પ. દ્વારકા પર હલ્લો

દિવસ આથમે ને જેમ ટપોટપ આભમાં એક પછી એક તારલા ઊગતા આવે, તેમ અમરાપરના પાદરમાં પણ શ્રવણ સુદ એકમની સાંજે દિવસ આથમવાની સાથે જ ગામડે ગામડેથી વાઘેરો આવવા લાગ્યા.

દોઢસો વાઘેરોનો સંઘ, કેડીએ આવીને અમરાપરને પાદળ મૂળુ માણેકના નેજા નીચે ખડો થયો. સામસામા ‘જે રણછોડ !’ ‘જે રણછોડ !’ના સૂર બંધાઈ ગયા અને બધા બથો ભરી ભરી ભેટ્યા. આખું દળકટક અમરાપરથી ઊપડ્યું અને જ્યાં સીમાડે પગ માંડ્યો ત્યાં ડાબી કોર ગધેડો ભૂંક્યો.

“મુરુભા ! તારી ફતેહના ડંકા જાણજે. ડાબો ગધેડો ભૂંક્યો. લાખ રૂપિયાનાં શુકન થાય છે.” બારાના ઠાકોર જેઠજીએ શુકન પારખીને મુબારકબાદી દીધી.

“સવારને પહોર દ્વારકા આપણું સમજ્જે, મૂરુભા !” વસઈવાળાએ મૂળુને ચડાવ્યો.

“દ્વારકા મળે કે ન મળે, આપણું કામ તો હવે આ પાર કાં પેલે પાર મરી મટવાનું છે, ભા !” મૂળુભા પોરસ ખાઈને બોલ્યો.

પ્રાગડના દોરા ફૂટ્યા અને દ્વારકાના ગઢે અગ્નિકોણથી મૂળુ મોકે “જે રણછોડ !” કહી નિસરણી ઊભી કરાવી.

પણ નિસ્રણી એક હાથ ટૂંકી પડી. ગઢ એટલો છેટો રહી ગયો.

મૂળુએ હાકલ પાડી કે “ભાઈ ! ક્યો વાઘેરનો બચ્ચો માનું ધાવણ ધરાઈ ધરાઈને ધાવ્યો છે ! છે કોઈ ઠેકનારો !”

“હું !” કહીને પતરામલ માંયાણી નામનો જુવાન ચડ્યો. મોંમાં તરવાર પકડીને એણે ઠેક મારી. “જે રણછોડ !” કરતો ગઢ માથે ગયો. ત્યાંથી ફાળિયું નાખીને બીજા સહુને ચડાવ્યા.

અત્યાર સુધી છાનુંમાનું કામ ચાલ્યું. પણ જેમ ગઢને માથે બસો દાઢીમુછાળા ચડી ગયા તે છતાં આખો કિલ્લો અડદના દાણા છાંટ્યા હોય તેવા ઘારણમાં ઘોંટાઈ રહ્યો છે એવું જોયું, તેમ તો ઓખામંડળ આખોય ઊમટ્યોઃ વાઘેરનું એકેએક ખોરડું હલક્યું. ‘જે રણછોડ ! જે રણછોડ !’ના લલકાર મચ્યા. હૈયેહૈયું દળાણું. દીવાલો સાથે આફળતા દરિયા ઉપર સૂરજ મહારાજે મોં કાઢયું, સમુદ્રે શંખનાદ ગજાવ્યા અને મૂળુએ ચસ્કો કર્યો : “જોધો કાકો અચેતો ! પાંજો પે અચેતો ! હણેં ફતે હુઈ વઈ !”

જોધો મોક ચાલ્યો આવે છે. ઓચિંતો આ વિજયટંકાર દેખીને એના મોં પર વાદળી છવાઈ ગઈ છે. વાઘેરોને ઉન્માદે ચડ્યા દેખી, દારૂડિયા જાદવોના સરદાર કૃષ્ણની માફક એને વિમાસણ ઊપડી. પણ જોધો સમય વરતી ગયો.

‘જે રણછોડ ! મુંજા પેટ ! રંગ રાખી ડીનો, ડીકરા !” કહેતો જોધો નિસરણીએ ચડ્યો. આડસરની નિસરણી કડાકા લેવા માંડી. ભૈરવની ફોજ જેવા વાઘેરોએ બજારમાં ઓડા બાંધી દીધા.

“નારાયણરાવ ક્યાં છે ? એની મેડીમાં કોક પહોંચો. ઈ જુલમના કરનારને પગે ઝાલીને બે ફાડિયાં કરી નાખીએ. ઝાલો ઈ મહેતાને !” મૂળુ માણેકે હુકમ દીધો.

“નારાયણરાવને સજા મળી ગઈ. મૂરુભા !” મેડીએથી માણસે આવીને કહ્યું.

“કાં ?”

“પાયખાનામાં થઈને ભૂંડે હાલે ભાગી છૂટ્યો.”

“ક્યાં ગયો ?”

“જામપરામાં.”

“જીવતો જાશે બેટો ?”

“જાવા દે, મૂરુભા બાપ, ભાગતલને માથે ઘા ન હોય.” જોધાએ ધીરેથી શિખામણ દીધી.

ત્યાં સામેથી ધડ ! ધડ ! ધડ ! બંદૂકોના ચંભા થાતા આવે છે. રીડિયા થાય છે અને ભેરી ફૂંકતો ફૂંકતો ગાયકવાડી સૂબો બાપુ સખારામ ફોજ લઈ હાલ્યો આવે છે.

“આ કોણ ?”

“બાપુ સખારામ. બીજો જાલીમ, જિવાઈને બદલે ગાળો દેનારો. એની તો જીવતી ચામડી ઉતરડી નાખીએ.”

પાંચ-દસ લડવૈયા લઈને બાપુ સખારામ વાઘેરોના વાદળ સામે ધસ્યો આવે છે અને મૂળુ માણેક બંદૂક લઈ એને ટૂંકો કરવા દોડે છે.

“ખમ્મા ! ભાઈ, જાળવી જા !” કહીને જોધાએ મૂળુનું બાવડું ઝાલ્યું. “એને મરાય ? આટલી ફોજ સામે નિમકની રમત ખેલવા એકલો હાલ્યો આવે છે. છોડી દે એને.”

મૂળુ થંભી ગયો. છેટેથી અવાજ દીધો, “હાલ્યો જા, ગાયકવાડના કૂતરા, તને શું મારું !”

પછી હુકમો દેવાયા : “ભીમા ! તું વરવાળુ માથે પહોંચ. ન જિતાય તો મોં દેખાડતો મા. દરિયામાં ડૂબી મરજે.”

ભીમો માણેક ફોજ લઈને વરવાળુ ગામ પર ઊપડ્યો.

“અને દેવા છબાણી ! તું બેટનો કબજો લેજે. તોને મોઢે ઊડી જાજે. પણ હાર્યાના વાવડ દેવા પાછો મ વળજે.”

“જે રણછોડ !” કહીને દેવો છબાણી શંખોદ્વાર બેટ પર છૂટ્યો.

“પણ આ દ્વારકા ખાલી ક્યારે થઈ ગયું ? સરકારી માણસો બધાં ક્યાં સમાણાં ?” દૂતોએ દોડતા આવીને ખબર દીધા, “જોધા ભા, જામપરામાં ચારસો સરકારી જણ બેઠા છે.”

“લડવાની તૈયારી કરે છે ? કે ઓખો છોડીને ભાગવા રાજી છે ?

“ભાગવા.”

“અરે ભાગી રિયા. માંડો જામપરાને માથે તોપો ! ફૂંકી દ્યો ! વડોદરા વાવડ દેવા એક છોકરુંય જીવતું ન નીકળે.”

આવા રીડિયા થયા અને જોધો ઝાંખો પડી ગયો. ગરવી વાણીમાં એ બોલ્યો : “ન ઘટે, મુંજા પે ! એવી વાતું વાઘેરુંના મોંમાં ન સમાય. એ બચાડા તો ચિઠ્ઠીયુંના ચાકર ! અને વળી પીઠ દેખાડીને ભાગે છે. એની ઓરતું, બાલબચ્ચાં, ઘરડાં-બુઢ્‌ઢાં રઝળી પડે. જાવા દો, મારા દીકરાઓ !”

ચારસો ગાયકવાડી ચાકરો, દ્વારકા દુશ્મનોના હાથમાં સુખ-શાંતિથી સોંપીને સીમાડા બહાર નીકળી ગયા. નગર રાજ્યના મહાલ જામખંભાળિયામાં જઈને ચારસો જણાએ પડાવ કર્યો અને આંહીં દ્વારકામાં તો -

ખભે ખંભાતી ધોતિયાં, ધધકે લોહીની ધાર,

ગોમતી લાલ ગુલાલ, માણેક રંગી મૂળવા !

ગોમતી નદી સોલ્જરોનાં લોહીથી લાલ ગુલાલ બની ગઈ.

૬. લધુભાની જીભ

વાઘેરોના સાથમાં આજ વેપારી રામજીભા ઘૂમી રહ્યો છે. રામજી શેઠદ્વારકાનું ભૂષણ બન્યો છે.

જોધા માણેકના એ દિલોજાન ભાઈબંધ પર જામપરામાંથી બાપુ સખારામનો સંદેશો આવ્યો કે “અમે ઘેરાઈ ગયા છીએ, ભૂખે મરીએ છીએ. કંઈક અનાજ મોકલો.”

રામજીભાએ જોધાને જાણ કરી. દાના દુશ્મન જોધાએ છાનામાના કહી દીધું કે “રામજીભા ! કોઈ ન જાણે તેમ ખોરાકી મોકલી આપો. પણ જો વાઘેરોને વાત પહોંચશે તો મારો ઈલાજ નથી. વનવનની લકડી આજ ભેળી થઈ ગઈ છે.”

કિલ્લા બહાર રામજી શેઠની બે વખારો હતી. તેમાંથી ખોરાક મોકલાવા લાગ્યો. પણ વાઘેરોને ખબર પડી ગઈ કે દુશ્મનોને ખોરાક જાય છે. ગાંડા વાઘેરો રામજીની વખારો તોડી પાડીને માલ ફગાવવા લાગ્યા.

ત્યાં રામજી શેઠનો દીકરો લધુભા દોડતો આવ્યો. એની કુહાડા જેવી જીભ ચાલી : “એ માછીયારાવ ! આંકે રાજ ખપે ? જંજો ખાવતા તીંજો ખોદાતા !” (એ માછીમારો ! તમને તે રાજ હોય ? જેનું ખાઓ છો એનું જ ખોદો છો ?)

“લધુભા ! તું ભલો થઈને જબાન સંભાળ ! અટાણે દીકરાનાં લગન નથી, પણ લડાઈ છે.”

એ રીતે વાઘેરોએ એને ઘણો વાર્યો, પણ લધુભા ન રહી શક્યો, ગાળોની ઝડી વરસાવવા લાગ્યો. ઝનૂને ચડેલા વાઘેરોઃ અને સામે એવો જ કોપેલો વેપારીઃ બીજું તો કંઈ ન થઈ શકે એટલે લધુભાને બાંધી એના પગમાં બેડી પહેરાવી, મંદિરના કિલ્લામાં શત્રુઓનાં મુડદાંની સાથે એને પૂરી દીધો.

કિલ્લાનો બંદોબસ્ત કરીને જોધો જમવા આવ્યોઃ રામજીભાને ઘેરે જ એ રોજ રોટલા ખાતો. આજ નાહીને પાટલે બેસે છે ત્યાં એને યાદ આવ્યું, “રામજીભા ? લધુભા કેમ ન મળે ?”

“ક્યાંક ગયો હશે. તું તારે ખાઈ લે, ભાઈ !”

“હું શી રીતે ખાઉં ? તારો દીકરો ન જડે ને મને અન્ન શૅ ભાવે ? આ દાવાનળ સળગે છે એમાં કોને ખબર છે, શું થયું હશે ?”

જોધો થાળી ઉપરથી ઊઠી ગયો. લધુભાની ગોતે પડ્યો. પત્તો મળ્યો કે એને તો કિલ્લામાં પૂર્યો છે. જોધાએ કિલ્લાનું તાળું તોડ્યું. લધુભાને બેેડીઓમાં જકડાયેલો જોયો, એના પગ લોહીવાળા દીઠા. જોધાને જોતાં જ લધુભાએ જીભ ચલાવી.

જોધાએ એને વાર્યો, “એ લધુભા ! ગુડીજો ટીલો તું ડીને હો ! તોજી જીભ વશ રાખ, ભા ! હીન ટાણે તો વન વનજી લકડી આય !” (ગળીની કાળી ટીલી તું જ મને દઈશ, ભાઈ ! તું તારી જીભ વશ રાખ. અત્યારે તો આંહીં વન વનની લાકડી ભેગી થઈ છે.)

જોધાને લાગ્યું કે આ ખાનદાન ભાટિયાનું કુટુંબ ક્યાંક કચરાઈ જશે; એને આંહીંથી ખસેડી નાખું.

અમરાપરથી બે-ત્રણ ગાડાં મંગાવી કિલ્લા બહાર જસરાજ માણેકના પાળિયા પાસે ઊભા રખાવ્યાં. પાંત્રીસ માણસોને હાથમાં નાળિયેરના ઊલકા ઉપડાવી, દિશાએ જવાના બહાનાથી કિલ્લા બહાર કઢાવ્યાં. અમરાપર પોતાને ઘેર પહોંચતા કર્યા. ફક્ત બુઢ્‌ઢા રામજી દાદો જ દ્વારકામાં રહ્યા.

જોધાને ઘેર ચાર-પાંચ ભેંસો મળે છે. રામજીભાનાં છૈયાં-છોકરાંને રોજ જોધાની વહુઓ દૂધપાક-પૂરી કરી જમાડવા લાગી છે.

અને આ વાત કરનાર, રામજી શેઠના ૭૪ વર્ષના પૌત્ર રતનશી શેઠ જે અત્યારે બેટમાં હયાત છે, તે કહે છે કે “મને આજ પણ એ દૂધપાક-પૂરી સાંભરે છે.”

૭. લૂંટારા શરમાયા

ત્યાંથી કુટુંબ જુદું પડ્યુંઃ રામજી શેઠનો નાનેરો ભાઈ જેરામ, લધુભાનો દીકરો રતનશી અને દાદી વગેરે બેટમાં ગયાં. બેટમાં તેઓનું ઘર હતું.

જલદ જીભવાળા લધુ શેઠ પોતાની ગુમાસ્તા વગેરેને લઈને ચાર ગાડાં જોડાવી જામખંભાળિયા તરફ ચાલી નીકળ્યા.

રાતનો વખત છે. ગાડાં ચાલ્યાં જાય છે. કોઈને દુશ્મનનો વહેમ પણ નથી.

પહેલું ગાડું લધુભાનુંઃ એ નીકળી ગયું. પણ બીજું ગાડું નીકળતાં જ ઝાડવાંની ઓથેથી આદમી ઊઠ્યા. એમાંથી એક જણે બળદની નાથ પકડી.

ગાડાખેડુએ બૂમ પાડી, “એ લધુભા, લૂંટારા !”

ઠેકીને બહાદુર લધુભા ઊતર્યો. “કેર આય !” એવી હાકલ કરતો દોડ્યો આવ્યો, લૂંટારાઓને પડકારીને કહ્યું : “અચો ! હરામી ! અચો પાંજે ગડે !” (આવો મારે ગાડે !)

આવીને જુએ તો આદમીઓએ મોં પર મોસરિયાં વાળેલાંઃ ફક્ત આંખો તગતગેઃ મોવડી હતો તેણે ઝીણી નજરે નિહાળીને લધુભા બોલ્યા, “હાં, વાહ વાહ ! તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજોંગો અંયે.”

(તારી આંખો પરથી સૂઝે છે કે તું તો વરજાંગ.)

લૂંટારો ભોંઠોછ પડી ગયો. શરમથી હસીને ગરીબડે સૂરે કહેવા લાગ્યો કે “મુઠો ડન્ને લધુભા ! ચાર ચાર ગાઉ દોડી દોડીને અસેં મરી વીયાંસી. પણ હણે તો અસાંથી લૂંટાય ન !” (ભોંઠા પડ્યા ને, લધુભા ! ચાર ચાર ગાઉથી દોડીને અમે તો મરી ગયા. પણ હવે તો અમારાથી લૂંટાય નહિ.)

“લૂંટને ! ઈની પાસે તો બસો-ચારસો કોરિયંજો માલ હુંદો ! પણ મું આગળ બ બજાર કોરિયું આય. હલ, ઈ આંકે ખપે તો ગીની વીંન ?” (લૂંટને! એની પાસે તો બસો ચારસો કોરીઓનો માલ હશે, પણ મારી પાસે તો બે હજાર કોરીઓ છે. હાલ જોઈએ તો લઈ જા.)

“હણે તો લધુભા ! સરમાઈ વીંયાંસી. તોજે મેતેકે લૂંટણા વા ! ચોપડેમેં અસાંજે ખાતેમેં ખૂબ કલમેંજા ઘોદાં માર્યું આય.” (હવે તો લધુભા! અમે શરમાઈ ગયા છીએ. અમારે તો તને નહિ, પણ આ તારા મહેતાઓને જ લૂંટવા હતા. એણે ચોપડામાં અમરા ખાતામાં ખૂબ કલમના ગોદા માર્યા છે.)

“હણે કૂરો ?” લધુભાએ વાઘેરને પૂછ્યું.

“હણેં હલો. આંકે રણજી હુંન કંધીતે છડી વેજું. નક આંકે બીયા કોક અચીને સંતાપીના.” (હવે ચાલો, તમને રણની પેલી બાજુ સુધી પહોંચાડી જઈએ નીકર તમને બીજા કોઈક આવીને સંતાપશે.)

વાઘેર લૂંટારો ખસિયાણો પડી ગયો. કોઈ કુટુંબી માગે તેવી રીતે માગ્યુંઃ “લધુભા ! ભૂખ લગી આય.”

“તો ડિયું ખાવા. જોધે માણેકજો પરતાપ આય.” (તો દઉં ખાવા. જોધા માણેકનો પ્રતાપ છે.)

લૂંટારાને લધુભાએ ખવરાવ્યું. લૂંટારો હતો તે વોળાવિયો બન્યો. લધુભાનાં ત્રણેય ગાડાંને સામા કાંઠા સુધી પહોંચાડી આવ્યો.

૮. જેરામભા

રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું ? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે “દ્વારકાવાળા ખૂટી ગયા, પણ તમે ખૂટશો મા. કિલ્લે સોંપશો મા.” એણે સામો પક્ષ લીધો.

સિપાહીઓ કહે, “પણ અમારે ખાવાનું શું કરવું ?”

જેરામ કહે, “હું સગવડ કરી દઉં. મંદિરમાં વાંધો નથી.”

વાઘેરો ચડી આવ્યા. મંદિરનો કિલ્લો બંધ દીઠો અને આખી રાત કિલ્લા ઉપર કપાસિયાના તેલના દીવા માંડી એક આદમીને ‘ખબરદાર ! ખબરદાર !’ એવી હાકલો સાથે ચોકી દેતો દીઠો.

વાઘેરોએ અવાજ ઓળખ્યો. “એ અવાજ જેરામભાનો. એ હશે ત્યાં સુધી કિલ્લો નહિ સોંપવા દે.” ગામ લૂંટ્યા વિના વાઘેરો પાછા દ્વારિકા ગયા. જોધાને અને રામજીભાને તેડી લાવ્યા.

જુવાન જેરામભા કિલ્લા ઉપર ઊભો છે. નીચે ઊભાં ઊભાં જોધાએ અને રામજીભાએ સમજાવટ આદરી.

“ભાઈ જેરામભાઈ ! હેઠો ઊતરી જા !” જોધો બોલ્યો.

“ન ઊતરું; એમ કિલ્લો ન સોંપાય. તું તારે બે હજાર વાઘેરની ફોજ લઈને ચડી આવ. કિલ્લો જીતીને ખુશીથી લઈ લે. પણ ખૂટલાઈ કરાવીને શું લેવા આવ્યો છો, જોધા ભા ?”

“જેરામભા ! આજ તો હું તને શરમાવવા આવ્યો છું. અમારે રાજપલટો આણવો છે. અને તું ઊઠીને શું ઓખાનો શત્રુ થઈશ ? જેરામભા, દ્વારકા કોની ? દ્વારકા પાંજી આય !”

“દ્વારકા પાંજી આય !” એ વેણે જેરામનું હૈયું હલમલાવી નાખ્યું. તેમાં વળી રામજી શેઠનો સાદ પુરાયોઃ “ભાઈ જેરામ ! હવે હુજ્જત મ કર.”

જેરામ કહે, “તો એટલી બાંયધરી દે, કે આ કિલ્લાના કોઈ પણ આદમી ઉપર ઘા ન કરવો; સહુને હેમખેમ સલાયા ભેળા થવા દેવા.”

જોધો કહે, “કબૂલ છે, રણછોડરાયની સાખે !”

કિલ્લાના સિપાહીઓને ગાયકવાડી કે સરકારી કુમક આવી નહિ. બચાવ લાંબો વખત થાય તેમ નહોતું રહ્યું. જેરામભાના રક્ષણ નીચે સહુ નીકળીને સલાયા ગામ તરફ ચાલતા થયા.

બરાબર શંખ તળાવ પાસે પહોંચે ત્યાં પાછળથી માંકડા જેવા વાઘેરોનું એક ટોળું તેઓને આંબી ગયું અને ટોળાએ ચસકા કર્યા કે “મારો ! મારો ! મારો !”

આડો ઊભો કરીને જેરામભા બોલ્યો, “ખબરદાર, જો આગળ વધ્યા છો તો ? તમે જોધાભાનો કોલ ઉથાપો છો ?”

વાઘેરોએ હુજ્જત કરી, “જેરામભાઈ, આ સિહાઈઓએ અમારા એક આદમીને માર્યો છે એટલે અમે એક ધીંગાણું કર્યા વગર તો પાછા જાવાના જ નથી.”

જેરામભાના હાથમાં લાકડી હતી. ધરતી ઉપર ધૂળમાં આડો લીંટો કરીને કહ્યું કે ‘વાઘેર બચ્ચાઓ, જો આ લીંટો વળોટો તો તમને જોધા માણેકની આણ છે.”

એટલી આણ બસ હતી. લાકડીની લીટી હતી તે દીવાલ જેવી થઈ પડી. વાઘેરો પાછા વળી ગયા.

૯. જોધાનો ન્યાય

બેટ શંખોદ્વાર ઉપર જોધાનો વાવટો ચડ્યો છે. જોધો દારૂગોળો તપાસે છે. પૂછે છેઃ “ભાઈ દેવા ! શો શો સરંજામ હાથમાં આવ્યો ?”

“ઓગણીસ તોપો.”

“રંગ ! બીજું ?”

“ફતેમારીઓ, સૂરોખાર ને ગંધકથી ભરેલી.”

“વાહ રણછોડ ! જેવું લીધું છે તેવું જ સાચવજે, દેવા ! હજી મરદુંના મામલા વાંસે છે.”

“જેવી રણછોડરાયની મરજી, જોધાભા !”

દારૂગોળો તપાસીને જોધો માણેક પાછો વળ્યો. પણ બેટની બજારમાં નીકળે ત્યાં તો મંદિરોના દરવાજા ઉપર ચોકી કરવા બેઠેલા પીંડારા વાઘેરોને પૂજારીઓ ઉપર ત્રાસ ગુજારતા જોઈને જોધાની આંખ ફાટી ગઈ. પીંડારિયાઓ જાત્રાળુઓ પાસેથી પૈસા છોડાવી રહ્યા છે અને પૂજારીઓ ને જાત્રાળુઓ કુંજોનાં ટોળાંની માફક કળેળાટ કરે છે. ચુપચાપ જોધો ઊભો જોઈ રહ્યો છે. માણસોએ ચીસ પાડી, “જોધાભા, અમને બચાવો. આથી તો મરાઠા શું ભૂંડા હતા ?”

પીંડરિયા જોધાને ભાળીને નીચું ઘાલી ગયા. જોધાએ કહ્યુંઃ “તમારાં મોઢાં કાળા કરો. માનું દૂધ લજાવ્યું, ભા ! તમે રાજપૂતના ફરજંદ છો ?”

એકેએક પીંડારિયાને ચોકી પરથી બરતરફ કરી બેટનો કિનારો છોડવા હુકમ દઈ દીધો. અને જોધાએ ન્યાયની અદાલત ભરી. પૂછવામાં આવ્યું, “કોના ઉપર જુલમ થયો છે, ભાઈ ?”

“મંદિરવાળા ભંડારી હરિમલ ઉપર.”

“શું થયું ?”

“એને ઝાલીને અભડાવ્યા.”

“કોણે પાપીએ ?”

“રણમલ પીંડારે.”

“શા સારુ ?”

“દંડ લેવા સારુ.”

“બોલાવો રણમલને. ન આવે તો રસીથી બાંધીને લાવજો.”

રણમલને તેડી હાજર કરવામાં આવ્યો. જોધા માણેકે રણમલ તરફ પીઠ યેરવી અને વચનો કહ્યુંઃ “આટલા સારુ હું પીંડારિયાઓને તેડી લાવ્યો’તો ખરું ને, રણમલ ! જા, તુંને તો ગોળીએ દેવો જોઈએ, પણ હવે ભાગી છૂટ. ભંડારીજી ક્યાં છે, ભાઈઓ ?”

“જાંબુવતીજીનાં મંદિરમાં સંતાણા છે.”

“હાલો મંદિરે.”

મંદિરે જઈને જોધા માણેકે ભંડારીની માફી માગી અને એવો ઠરાવ કર્યો કે દર મહિને અક્કેક મંદિરવાળાએ વાઘેરોની ચોકીનો ખરચ ચૂકવવો.

બેટમાં બંદોબસ્ત કરીને જોધો દ્વારકા પાછો વળ્યો. જઈને જોવે તો દ્વારકામાં પણ દેકારો બોલે છે. બંદૂકો તાકીને વાઘેરો વેપારીઓ પાસેથી મોંમાગ્યા દંડ ઉઘરાવે છે. છકેલા વાઘેરો સ્ત્રીઓને અને છોકરાંને પોતાનાં ઘોડાંની હડફેટે ચડાવે છે, પોતાને રહેવા માટે હરકોઈનાં ઘર ખાલી કરાવે છે. જોધાએ સંતાઈને નજરોનજર એક દુકાન ઉપરનો બનાવ જોયો. આંખમાં સુરમો આંજીને ઓળેલી દાઢીમૂછવાળો એક વાઘેર સાત હથિયાર સોતો એક વેપારીની દુકાને બેઠો છે. ઉઘાડો જમૈયો એના હાથમાં ચકચકે છે. સામે શેઠિયો થર ! થર ! ધ્રૂજે છે અને વાઘેર ડોળા ફાડીને કહે છે કે “મારા લેણાનું ખત ફાડી નાખ, નીકર હમણાં આ છાતીમાં હુલાવું છું.” એ વખતે જોધાનું ગળું રણક્યુંઃ “તે પહેલાં તો ભા ! તારી છાતીનું દળ આ જમૈયો નહિ માપી લ્યે ? રંગ છે વાઘેરાણીની કૂખને !”

એકેએક વાઘેર જેની શેહમાં દબાતો, તે જોધાજીને જોઈને જમૈયાવાળો આદમી ખસિયાણો પડી ગયો. ગામનું મહાજન ટપોટપ દુકાનો પરથી ઊતરીને જોધાને પગે લાગ્યું. અને સહુએ પોકાર કર્યોઃ “જોધા બાપુ ! આટલું તો તમે દીઠું, પણ અદીઠું અમારે માથે શું શું થઈ રહ્યું છે તે જાણો છો ? કહો તો અમે ઉચાળા ભરીએ, કહો તો માલમિલકત મેલીને હાથેપગે ઓખાના સીમાડા છાંડી જઈએ, પણ આવડો માર તો હવે નથી સહેવાતો.”

જોધાએ મહાજન ભેળું કર્યું. એક પડખે મહાજન બેઠું છે, બીજે પડખે વાઘેરો બેઠા છે. વચ્ચે જોધો પોતે બેઠો છે. મૂળુ અને દેવો, બેય ભત્રીજા પણ હાજર છે. જોધાએ વાત શરૂ કરીઃ “ભાઈ દેવા ! બેટા મૂળુ !”

“બોલો, કાકા !”

“આપણે ચોર-લૂંટારા નથી. રાજા છીએ. આપણે મરાઠાની જેમ પરદેશથી પેટ અને પેટિયું ભરવા નથી આવ્યા. પણ આપણા બાપડાડાનું રાજ

પાછું હાથ કરી રજપૂતના ધરમ પાળવા આવ્યા છીએ.”

“સાચી વાત.”

“અને આ વસ્તી આપણાં બેટા-બેટી છે.”

“કબૂલ.”

“આપણે માથે રણછોડરાય ધણી છે.”

“ખમ્મા, રણછોડ !”

“ત્યારે રાજપૂતના દીકરા બિરદ વગર રાજ કરે નહિ. સાંભળો આપણાં બિરદઃ

“પહેલુંઃ વસ્તીની વાલની વાળી પણ ન લૂંટવી.

“બીજુંઃ ઓરતોને બહેન-દીકરી લેખવી.

“ત્રીજુંઃ જાત્રાળુને લૂંટવા તો નહિ, પણ ચાલતા આવેલા ધારા પ્રમાણે કર વસૂલ લઈને ઠેઠ રણના કાંઠા સુધી ચોકીપહેરમાં મેલી આવવાં.

“બોલો ભાઈ, આ બિરદ ઉથાપે તેને ?”

“તેને તોપે ઉડાવવો...” મૂળુ બોલ્યો.

પછી જોધો વેપારીઓ તરફ ફરીને બોલ્યોઃ “કહો, ઇંદરજી શેઠ, હીરા શેઠ, હવે તમે સવા મણની તળાઈમાં સૂજો. મારો સગો ભત્રીજો મૂળુ પણ જો ક્યાંય કોઈને ટુંકારો કરે, તો વાવડ દેજો. સજા કરીશ.”

“ધન્ય છે, બાપુ !” મહારાજ શાંત પડ્યું.

“ઊભા રહો. ધન્યવાદ પછી દેજો. તમારી જવાબદારી પણ સમજી લ્યો. તમારે અમને ખાવાનું તો આપવું જ પડશે. ઘરદીઠ ખાવાનું લેવાનો ઠરાવ કરીને જ તમારે ઊઠવાનું છે. આ તો લડાઈ છે, ઘોલકી નથી માંડી. અને જાંગલાઓને તમે કેમ કર ભરતા’તા ?”

“કબૂલ્‌ છે, બાપુ !” કહીને મહાજને ઠરાવ ઘડ્યો. જે રણછોડ ! જે રણછોડ ! એવા નાદ થયા ને ડાયરો વીંખાણો.

૧૦. બેટમાં યુદ્ધ

શંખોદ્વાર બેટથી થોડેક છેટે આજ સવારથી મનવારો ગોઠવાતી જાય છે. ચાર મોટી મનવારો સમિયાણાની દીવાદાંડી પાસે આવીને ઊભી રહી અને ત્રણ નાની બેટો ખાડીમાં ચોકી દેવા લાગી. સાતેના ઉપર અંગ્રેજી વાવટા ઊડે છે. તોપોનાં ડાચાં સાતેના તૂતક ઉપરથી બેટની સામે ફાટી રહ્યાં છે.

ધીંગાણાના શોખીલા વાઘેરો કિનારા ઉપર નાચતા કૂદતા બોલવા લાગ્યા કેઃ “આયા ! ચીંથડેજે પગેવારા આયા ભા ! ચીંથડેજે પગેવારા ને લાલ મુંવારા માંકડા આયા ! હી ચીંથડેજે પગેવારા કુરો કરી શકે ?” (ચીંથરાના પગવાળા ને લાલ મોંવાળા માંકડા આવ્યા. એ બિચારા શું કરી શકશે ?)

ચીંથરાના પગવાળા એટલે મોજાંવાળાઃ વાઘેરોને મન આ મનવારો ને સોલ્જરો ચીંથરાં જેટલાં જ વિસાતમાં હતાં. તાળીઓ પાડીને વાઘેરોએ પોતાના ગોલંદાજને હાકલ કરીઃ “હણેં વેરસી ! ખણો ઉન નંડી તોપકે ! હકડો ભડાકો, ને ચીંથરેવારેજા ભુક્કા !”

બેટને આઘે આઘે છેડે બરાબર મોટા દરિયાને કાંઠે હાજી કરમાણશા પીરની મોટી દરગાહ છે. હાજી કરમાણીશા ઓલિયો ઠેઠ ખંભાતથી, એક શિલાની નાવડી બનાવી, ધોકા ઉપર કફનીનો સઢ ચડાવી આખો દરિયો તરતા તરતા બેટને આરે ઊતરી આવ્યા કહેવાય છે. એ જગ્યાની પાસે વાઘેર ગોલંદાજ વેરસીએ પોતાની નાની તોપમાં સીસાનો ભુક્કો, લોઢાના ચૂરા અને ગોળા વગેરે ઠાંસીને ખેરીચો ભર્યો. મનવારોની સામે માંડીને તોપ દાગી પણ ગોળા મનવારને આંબી જ ન શક્યા.

હવે મનવારોએ મારો ચલાવ્યો. મણ-મણના ગોળાઓએ આવીને વાઘેરોની તોપના ભુક્કા બોલાવ્યા. કિનારો ખરેડી પાડ્યો.

નાદાન વાઘેરો અણસમજુ છોકરાંની કાલી વાણીમાં કહેવા લાગ્યાઃ “નાર તો ભા ! પાણ તો જાણ્યું જે હીતરી હીતરી નંડી ગોરી વીંજેંતો પણ હે તો હેડા હેડા વીંજેંતો. હેડેજો કરાર તો પાંજે ન વો ! હણે ભા ! ભજો!

ભજો !” (આપણે તો જાણ્યું કે આવડી આવડી નાનકડી ગોળીઓ છોડશે. આ તો આવડા મોટા ગોળા ફેંકે છે. આવડા ગોળાનો તો આપણે કરાર નહોતો. હવે તો ભાઈ, ભાગો !)

કરમાણીશા પીરની દરગાહ ઉપરથી વાઘેરો ભાગ્યા. મંદિરના કિલ્લામાં જઈને ભરાણા - અને આ બાજુથી દ્વારકાના દરિયામાં પણ મનવારોએ ડોકાં કાઢ્યાં.

કિનારેથી જોધો ને મૂળુ, બે જણા વાઘેરોના કાળની નિશાનીઓ સામે ઠરેલી નજરે નીરખી રહ્યા છે. જોધો જરાક મોઢું મલકાવી મૂળુની સામે જુએ છે. મૂળુનું મોં ખસિયાણું પડીને નીચે ઢળે છે.

“મૂરુભા ! બચ્ચા ! કાળને કેવાં નોતરાં દીધાં આપણે !”

હડુડુડુ ! હડુડુડુ ! દરિયામાંથી આગબોટોએ તોપોના બાર આદરી દીધા. ઉપરાઉપરી ગોળાનો મે’ વરસવા લાગ્યો. ગઢની રાંગ તોડી. એટલે વાઘેર જોદ્ધાઓએ દુકાનોનો ઓથ લીધો. પલકવારમાં તો દુકાનો જમીનદોસ્ત બની, એટલે વાઘેરો ખંડેરોનાં ભીંતડાં આડા ઊભા રહ્યા. ગ્રૂપછાંટના ગોળા પડે છે, પડીને પછી ફાટે છે, ફાટતાં જ અંદરથી સેંકડો માણસોનો સંહાર કરી નાખે તેવી જ્વાળાઓ છૂટે છે. હવે શું કરવું તે કાંઈ સૂઝતું નથીઃ તે વખતે બુઢ્‌ઢાઓએ જુક્તિ સુઝાડીઃ “દોડો ભાઈ, ગોદડાં લઈ આવો. અને ગોદડાં ભીનાં કરી કરીને ગોળા પડે તેવાં જ ગોદડાં વડે દાબીને બૂઝવી નાખો.”

પાણીમાં પલાળી પલાળીને ગોદડાં લઈ વાઘેરો ઊભા રહ્યા. જેવો ગોળો પડે તેવો જ દોડી દોડીને ગોદડાં દબાવી દેવા લાગ્યા. ગોળા ઓલવાઈને ત્યાં ને ત્યાં થંભી ગયા. એક આખો દિવસ એ રીતે બચાવ થયો. દૂરબીન માંડીને આગબોટવાળાએ જોયું તો વાઘેરોની કરામત કળાઈ ગઈ.

બીજે દિવસે પ્રભાતે આગબોટવાળાઓએ આગબોટો પાછી હઠાવી. ગોળા બદલાવ્યા. તોપોના બાર શરૂ થયા. આંહીં વાઘેરો પણ ગોદડાં ભીંજાવીને હાજર ઊભા, પરંતુ આ વખતે ગોદડાં નકામાં નીવડ્યાં. ગોળા અધ્ધરથી જ ફાટી ફાટીને માણસોનો કચ્ચરઘાણ વાળવા લાગ્યા. વાઘેરોનો ઇલાજ ન રહ્યો. દેવાએ પોકાર કર્યો કે “હવે કાંઈ ઉગાર ?”

“મંદિરમાં ગરી જઈએ.”

“અરરર ! ઈ ગાયુંના ખાનારાઓ મંદિર ઉપર ગોળા મારશે અને આપણે કયે ભવ છૂટશું ?”

“બીજો ઈલાજ નથી, હમણાં ખલ્લાસ થઈ જશું. બાકી મંદીર માથે દુશ્મનો ગોળા નહિ છોડે.”

ભાન ભૂલીને વાઘેરો મંદિરમાં દાખલ થયા. ત્યાં તો મંદિરના ચોગાનમાં બે ગોળા તૂટી પડ્યા, અને ગોદડે ઝાલવા જાય ત્યાં એમાંથી ઝેરી ગૅસ છૂટ્યો. ઓલવવા જનારા આઠેય આદમીઓ ગૂંગળાઈને ઢળી પડ્યા. બીજો ગોળો બરાબર મોટા દેરાના ઘુમ્મટ પર વાગ્યો. એક થંભ ખરેડી પડ્યો. તે વખતે ત્રાસ પામીને દેવા છબાણીએ હાકલ દીધીઃ “ભાઈઓ, હવે દુશ્મનોએ મરજાદ છાંડી છે. અને આપણાં પાપે આ દેવદેરાંના ભુક્કા સમજ્જો. આપણાથી સગી આંખે હિંદવાણાના આ હાલ નહિ જોવાય. ભગવાનની મૂર્તિ તૂટે તે પહેલાં આપણો જ અંત ભલે આવી જાય. નીકળો બહાર.”

“પણ ક્યાં જાશું ?”

“આરંભડે થઈને દ્વારકામાં.”

ત્યાં તો જાસૂસ ખબર લઈ આવ્યો, “દેવાભા, જમીનમાર્ગે આપણે હવે જઈ રહ્યા. નાકાં બાંધીને તોપખાનાં ચાલ્યાં આવે છે. ભાળ્યા ભેળા જ ફૂંકી દેશે.”

રઘુ શામજી નામનો એક ભાટિયોઃ ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલી જાણે. એણે વાઘેરોને કહ્યું, “વષ્ટિ કરીએ. બીજો ઈલાજ નથી.”

કિનારે આવીને લોકોએ ધોળો વાવટો ચડાવ્યો. સુલેહની નિશાની સમજીને મનવારનો કપ્તાન કિનારે આવ્યો. જુવાન જુવાન વાઘેરો કિલ્લામાં રહ્યા. બુઢ્‌ઢા હતા તેને કિનારે લઈ ગયા.

કપ્તાન બોલ્યો કે “હથિયાર દોડી દ્યો !”

બુઢ્‌ઢા બોલ્યા કે “હથિયાર તો ન છડ્યું, હી કિલ્લો સોંપી ડ્યું.”

દરમિયાન કિલ્લાના કોઠા પાસેથી સાંકડી ગલીમાં ખાડો કરી આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરો તોપમાં ઢીંગલા ધરબીને છુપાઈ રહ્યા. જોધો ત્યાં હાજર નહોતો.

પાંચસો સોલ્જરો ઊતર્યા. કાંઠે ચોકી મૂકીને પાંચસો જણા આગળ વધ્યા. વાઘેરોએ રૂની મલી આડેથી તોપ દાગતાં પચીસ સોલ્જરોની લોથોનો ઢગલો થયો અને તોપો દાગનારા બેય વાઘેરો તરવાર ખેંચીને ફોજમાં ઠેકી પડ્યા. આખી ફોજને પાછા હટાવી. ગોળીએ વીંધાઈને બેય જણાએ છેલ્લે ‘જે રણછોડ !’નો નાદ કર્યો, શ્વાસ છૂટી ગયા.

માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાડ,

સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.

(માણેકે સંગ્રામરૂપી સીંચોડો માંડી દીધો. જાણે વાઘેરો વાડ ભરડવા બેઠા. ગોરા સોલ્ઝરોરૂપી શેરડી કરી મોટા શૂરવીરોને પીસી નાખ્યા.)

ફોજે આથમણી રાંગ છોડીને દખણાદી નિસરણી માંડી. સોલ્જરો સીડી ઉપર ચડી રહ્યા છે, ત્યાં ‘જે રણછોડ !’ના નાદ સંભળાયા. દેવો છબાણી પાંચ વાઘેરોને લઈ દોડ્યો, નિસરણી નીચે પટકી, ગોરિયાળીવાળો ગીગો તરવાર ખેંચી ‘જેુ રણછોડ !’ કરી સોલ્જરો વચ્ચે ઠેકી પડ્યો. ઊંચેથી વાઘેરોએ એને પડકાર્યો કે “ભા ! જેડા ગાડર ગૂડેતા હેડા સોજરા ગુડજો !” (જેવાં ઘેટાં કાપીએ તેવો સોલ્જરોને કાપજો !) એ પડકારો સાંભળી એણે ત્રીસ સોલ્જરોની કતલ કરી નાખી, અને ફોજને ફક્ત સાત મરદોએ કિનારા ઉપર પાછી કાઢી મેલી. ઘામાં વેતરાઈ ગયેલો બેટનો રક્ષપાલ દેવો છબાણી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી ગયો.

“હવે આપણો સરદાર પડતે આપણે આંહીં રહી શું કરશું ? અને હમણાં ફોજ બેવડી થઈને ઊમટશે,” એમ કહીને કિલ્લેદારો નાઠા. ગોળાનો વરસાદ ન સહેવાયાથી દ્વારકાવાળા નવસો જણા પણ નીકળી ગયા. કિલ્લાનાં બારણાં ખુલ્લાં મુકાઈ ગયાં. રખેને હજુ પણ આગબોટો ગોળા છોડે, એવી બીકે બેટના મહાજને કિનારે જઈ ફોજના કપ્તાન ડોનલ સાહેબને ખબર દીધા કે “વાઘેરો બેટ ખાલી કરીને નાસી છૂટ્યા છે, માટે હવે સુખેથી પધારો બેટમાં!”

૧૧. વેરીની દિલેરી

અંધારી રાતે દ્વારકામાંથી ગોરાઓની ગોળીએ વીંધાતા વાઘેરો જીવ લઈને નાસી છૂટ્યા છે. કોઈ એકબીજાને ભાળી શકતું નથી. કાંટામાં ક્યાંથી ગોરાની ગોળી છૂટશે એ નક્કી નથી. દ્વારકા ખાલી કરીને બેભાન વાઘેરો ભાગ્યા જાય છે.

અંધારામાં દોડતા જતા એક આદમીનું ઠેબું નીચે પડેલા એક બીજા આદમીને વાગ્યું. દોડનાર વાઘેર બીનો નહિ, ઊભો રહ્યો. નીચે વળ્યો. પડેલા માણસને પડકાર્યો, “તું કોણ ?”

“કોણ, સુમરો કુંભાણી, મકનપુરવાળો તો નહિ ?” ઘાયલ પડેલા આદમીએ આ પૂછનારનો અવાજ પારખ્યો.

“હા, હું તો એ જ. પણ તું કોણ ?”

“મને ન ઓળખ્યો ? સુમરા ! તું તારો શત્રુ, તારી ઓરતને ઉપાડી જનાર હું વેરસી !”

“તું વેરસી ! તું આંહીં ક્યાંથી ?”

“જખમી થઈને પડ્યો છું. વસઈવાળા મને પડતો મેલીને ભાગી ગયા છે, ને હું પોગું એમ નથી, માટે, સુમરા ! તું મને મારીને તારું વેર વાળી લે, મેં તારો અપરાધ કર્યો છે.”

“વેર ? વેરસી, અટાણે તું વેરી નથી. અટાણે તો બાપનો દીકરો છો. વેર તો આપણે પછી વાળશું; વેર જૂનાં નહિ થાય.”

એટલું કહી સુમરાએ પોતાના શત્રુને કાંધ ઉપર ઉઠાવી લીધો. લઈને અંધારે રસ્તો કાપ્યો. ઠેઠ વસઈ જઈને સહીસલામત ઘેરે મૂકીને પાછો વળ્યો.

૧ર. આભપરાને આશરે

બેટ અને દ્વારકા ખાલી કરીને જોધો પોતાની ફોજ સાથે ભાગી છૂટ્યોછે. સાંઢિયા ઉપર નાનાં બચ્ચાંને ખડક્યાં છે, અને ઓરતો પોતાનાં ધાવણાં છોકરાંનાં ખોયાં માથા ઉપર લટકાવીને મરદોની સાથે રાતોરાત ઊપડતે પગલે નાસી છૂટી છે. થોડોક જાય ત્યાં સામા વાવડ આવે છે કે “ભાઈ પાછા વળો. એ રસ્તે સોજીરોની ચોકી લાગી ગઈ છે.” એ માર્ગ મેલીને બીજે માર્ગે જાય, તો ત્યાંથી પણ નાકાબંધી થઈ ગયાના સમાચાર મળે છે.

એમ થાતાં થાતાં આખી રાતના રઝળપાટને અંતે પ્રભાતે વાઘેરોનું દળ પોશીત્રાની સીમમાં નીકળ્યું. પાછળ સરકારી વારના પણ ડાબા બોલતા આવે છે. જોધા માણેકે સલાહ દીધી કે “ભાઈ, સામે ડાભાળા ખડામાં દાખલ થઈ જાયેં તો જ ઉગારો છે. માટે હડી કાઢો.”

ડાભાળો ખડો નામની ગીચ ઝાડી છે અને ત્યાં દરિયામાંથી એક સરણું વહ્યું આવે છે, તેમાં ધુણી માતાની સ્થાપના છે. એ ઝાડીમાં પહોંચતાં તો બહારવટિયા પ્રભુને ખોળે બેસી જાય એવી વંકી એ જગ્યા હતી. ડાભાળો ખડો એક ખેતરવા રહ્યો એટલે સાથે માતાનો ભૂવો હતો તે બોલ્યોઃ “જોધા બાપુ ! હવે ભો નથી. માતાજી ફોજને ખમ્મા વાંછે છે.”

“કેમ જાણ્યું ભાઈ ?”

“આ જુઓ. માતાજીની ધજા સામે પવને ઊડે છે. હવે વારના ભાર નથી કે આપણને આંબે. માતાજીએ વગડામાં આંધળા ભીંત કરી મેલ્યા હશે.”

ડાભાળા ખડામાં જઈને બહારવટિયાઓએ પડાવ નાખી દીધો, ચોફરતી ચોકીઓ ગોઠવાઈ ગઈ. ભેળી ઘંટીઓ લીધેલી તે માંડીને વાઘેર ગરાસણીઓ દાણા દળવા બેસી ગઈ. જોધા માણેકનો ડાયરો પણ રાજાની કચારી જેવો દિવસ બધો ભરાયલો જ રહેવા લાગ્યો. સહુ આગેવાનો આ ઓચિંતી ઊથલપાથલને યાદ કરી, શું થઈ ગયું તેના વિચારોમાં ડૂબી ગયા. જાણે સ્વપ્નું આવીને ઊડી ગયું. જોધાજીએ માણસોને પૂછ્યુંઃ “દ્વારકાના કાંઈ વાવડ ?”

“વાવડ તો બહુ વસમા છે. બાપુ ! સોજીરોએ દેરાં માથે અકેકાર

ગુજારવા માંડ્યો છે.”

“શું થયું, ભાઈ ?”

“દખણામૂર્તિની પ્રતિમાજીના જમણા હાથની આંગળીયું અને નાસકા ખંડિત કરી. બીજી મૂર્તિયુંની પણ ભાંગફોડ કરી.”

“હા ! હા !” કહી જોધાએ આંખ મીંચી.

“બીજું, બેટમાં તો આપણે કિલ્લો ખાલી કર્યાની રાતે જ સોજીરો દાખલ થઈ ગયા. વળતે દી સવારમાં ડોનવેલ સા’બે સોજીરુંને લૂંટ કરવાનો હુકમ દીધો.”

“લૂંટ કરવાનો હુકમ ?”

“હા, બાપુ, લૂંટ કરવાનો હુકમ દીધો, એટલે પે’લાં પરથમ તો કરાંચીનાં વહાણોમાં દારૂ સંઘરેલો હતો ઈ હાથ લાગ્યો એટલે સોજીરો પી પીને ચકચૂર થિયા. પછી ઉઘાડી તરવારે કૂતરાની, મીંદડાંની, ઢોરઢાંખર જે મળ્યું એની, રૈયતનાં નિર્દોષ માણસુંની વિના કારણ કતલ કરવા લાગ્યા.”

“હં !” કહીને જોધા માણેકે નિસાસો મેલ્યો. બીજા બેઠેલા, તેઓના પંજા પટોપટ પોતાની તરવાર માથે ગયા. આ જોઈને જોધાજી બોલ્યો, “ધીરા થાવ, ભાઈ ! હજી વાત અધૂરી છે. પછી કેમ થિયું ભાઈ ?”

“મંદિરની દીવાલ તૂટી હતી તેમાંથી એક સોનાની પાટ જડી. ગોરાને લાગ્યું કે દીવાલોમાં રોગી પાટો જ ભરી હશે ! એટલે વળતે દી સોજીરોની પલટન કિલ્લાને સુરંગ દઈને ફૂંકી નાખવા માટે આવી. વસ્તીએ કાલાવાલા કર્યા કે ‘આમાં અમારાં દેરાં છે ને દેરામાં મૂર્તિઓ છે માટે જાળવી જાવ !’ પલટનનો સાહેબ બોલ્યો કે ‘બે કલાકમાં તમારી મૂર્તિઓ ઉઠાવી જાઓ, નહિ તો ટુકડોય નહિ રહે.’ મૂર્તિઓ ઉપાડીને રાધાજીને ગૌશાળામાં પધરાવી, અને ચાર પડખેથી સુરંગ ભરીને, ફોજથવાળાઓએ આખો કિલ્લો અને ભેળાં તમામ દેરાને ફૂંકી દીધાં. અટાણે તો ત્યાં દિવસેય ખંડેરો ખાવા ધાય છે. રાતે તો ઊભા રે’વાતું નથી.”

“અને હવે ?”

“હવે તો હાઉં, લૂંટ આદરી છે. દેરાંમાંથી નાણાં મળતાં જાય છે, તેમ તેમ લૂંટારાઓને ઉમંગ ચડતો જાય છે. ભગવાનને પે’રાવવાના અઢળક દાગીના, રોકડ...”

“અને વસ્તીનાં પોતાનાં ઘરેણાં-નાણાં દેરામાં સાચવવા મેલ્યાં છે તે?”

“તે પણ ભેળાં જ જાશે, બાપુ ! કોણ ભાવ પૂછશે ?”

“રણછોડરાય ! રણછોડરાય ! અમારાં પાપ આંબી ગિયાં. સૂકાં ભેળાં લીલાંય બળી જશે ! સત્યનાશ વહોર્યું, મૂરુભા !” એમ બોલતો બુઢ્‌ઢો અંતરીક્ષમાં નેત્રો તાકી રહ્યો.

આમ વાત થાય છે ત્યાં ખેભર્યો સાંઢિયો ઝાડીમાં દોડ્યો આવે છે, અને માર્ગે બેઠેલ અસવાર, સાંઢિયો ઝૂકબ્યો-ન ઝૂક્યો ત્યાં તો ઉપરથી કૂદકો મારીને દાયરામાં શ્વાસ લીધા વિના વાવડ આપે છેઃ

“આપણી ગોતમાં ફોજું દસેય દૃશ્યે ભટકે છે. એક પલટન વશી ગઈ’તી, ત્યાં કોઈ બહારવટિયો તો હાથ લાગ્યો નહિ, એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી અને ધરમશાળાને સુરંગ નાખી ફૂંકી દીધી.”

“વશી બાળી નાખ્યું ? વસ્તીનું શું થયું ?”

“કોક ભાગી નીકળ્યાં, ને કોક સળગી મર્યાં. ઢોરઢાંખર તો ખીલે બાંધેલાં સસડી મૂવાં હશે.”

“પછી ફોજ કોણી કોર ઊતરી ?”

“સગડ લિયે છે. પોશીતરા, શામશાસર અને રાજપરા સુધી પગેરું છે. ને હમણાં અહીં આવ્યા સમજો, બાપુ !”

“હવે આપણને કોણ સંઘરશે ? દોઢ હજાર માણસને સંતાવા જેવી વંકી જગ્યાહવે ફક્ત એક જ રહી છે. હાલો ભાઈ, આભપરો આપણને આશરો દેશે.”

પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર પંદરેક ગાઉમાં બરડો ડુંગર પથરાયો છે, અને એના જામનગર તાબાના ઊંચેરા ભાગને આભપરો નામે ઓળખવામાં આવે છે. આભપરો આભની સાથે જ વાતો કરી રહ્યો છે. જેઠવા રાજાઓ કાજે ભૂતના હાથે બંધાયેલ હલામણ જેઠવાનું ઘૂમલી નગર, કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનનાં આંસુડાં ટપક્યાં હતાં, જ્યાં રાખાયત નામનો ફૂટતી મૂછોવાળો બાબરિયો જુવાન ગાયોનાં ધણ દુશ્મનોના હાથમાંથી વાળવા જતાં મીંઢોળ સોતો મોતની સેજમાં સૂતો હતો અને એની વાંસે વિલાપ કરતી વિજોગણ સોન કંસારીએ જેઠવા રાજાની કૂડી નજરમાંથી ઊગરવા બરડાઈ બ્રાહ્મણોનો ઓથ લઈ, રાજાની કતલમાં સવા શેર જનોઈ ઊતરે તેટલા અટંકી બ્રાહ્મણો વઢાવ્યા હતા, જ્યાં વેણુ નદીને કાંઠે રાણા મેહ જેઠવાએ, ઊજળાવરણી ને ઊજળાંલક્ષણી ઊજળી નામની ચારણ કન્યાની પ્રીતિના કાલાવાલા નકારી, એના શાપથી ગળત કોઢમાં ગળવાનું કબૂલી લીધું હતું

એવા આભપરા ડુંગર ઉપર શૈલકુમાર જેઠવાએ ભૂતને હાથે બંધાવેલાં કાળુભા, કચોળિયું ને સાકુંદો નામનાં ત્રણ પુરાતની તળાવ છે. એ તળાવની પાળે ઝાડવાંમાં ને પોલા પા’ણાઓની બખોલમાં વાઘેરોના કબીલાએ ઘંટીઓ માંડીને ગામ વસાવ્યું. નીચેના બરડા મુલકમાંથી અને નગરનાં પરગણાંમાંથી ખેડૂતોની ખળાવાડોમાંથી ખોરાકી પૂરતા દાણા પાડા ઉપર લાદી લાદીને લાવવા લાગ્યા. અને જોધાની મુખમુદ્રા ઉપર મરણિયાપણાના રંગ તરવરી ઊઠ્યાઃ જોધો પોતાના ખરા રૂપમાં આવ્યો. એણે અંગ્રેજોની સાથે મહા વેર જગાડ્યું. એનું દિલ પ્રભુની સાથે લાગી ગયુંઃ

મનડો મોલાસેં લગાયો

જોધો માણેક રૂપમેં આવ્યો !

કમરું કસીને માણેક બંધિયું અલા !

ગાયકવાડને નમાયો. - જોધો.

કેસર કપડાં અલાલા !માણપેકે રંગિયાં ને

તરવારેસેં રમાયોઃ - જોધો.

જોધા માણેકજી ચડી અસવારી અલા !

સતીયેંકે સીસ નમાયો. - જોધા.

ઊંચો ટેકરો આભપરેજો અલા !

તે પર દંગો રચાયો. - જોધા.

શેખ ઈસાક ચયે, સુણો મુંજા સાજન !

દાતાર મદતેમેં આયો. - જોધો.

(જોધો માણેક સાચા રૂપમાં આવ્યો, એણે પોતાનું દિલ પ્રભુ સાથે લગાડી દીધું. માણેકે કસીકસીને કમર બાંધી. દુનિયામાં ડંકો બજાવ્યો. કેસરિયાં કપડાં રંગીને માણેક તરવારે રમ્યા. જોધા માણેકની સવારી ચડી. પાદરમાં સતીઓના પાળિયા હતા તેને જોધાજીએ માથું નમાવી પ્રણામ કર્યા. આભપરાના ઊંચા ટેકરા ઉપર ધીંગાણું મચાવ્યું. કવિ શેખ ઈસાક કહે છે કે ઓ મારા સ્વજનો ! સાંભળો ! એની મદદમાં દાતાર આવ્યા.)

૧૩. મડમનો મનોરથ

દ્વારકાના અંગ્રેજ હાકેમના બંગલામાં મડમ મેરી પોતાના સ્વામી બાર્ટન સાહેબની સાથે જિકર લઈ બેઠી છે. સાહેબ ઓરતને સમજાવે છેઃ “મેરી, તું હઠીલી થા નહિ. આજ આપણે આંહીં સરકારી હાકેમ બનીને આવેલ છીએ. આંહીં વાઘેરોનું બા’રવટું સળગે છે. આપણે સે’લગાહે નથી આવ્યાં !”

“ના ના, ચાહે ગમે તે કરો. મારે જોધા મોકને જોવો છે. એની બહાદુરીની વાતો સાંભળ્યા પછી મારી ધીરજ રહીતી નથી.”

“પણ એ બહારવટિયો છે, બંડખોર છે, એના શિર પર અંગ્રેજોની કતલનો આરોપ ઊભો છે. એન છૂપા મળાય જ નહિ. એને તો જોતાં જ ઝાલી લેવો જોઈએ.”

“એક જ વાત, સ્વામી ! મારે એ શૂરવીરને નીરખવો છે.”

સાહેબનો ઈલાજ ન રહ્યો. એણે જોધા માણેકને આભપરેથી ઉતારી લાવવા માટે દ્વારકાવાળા રામજી શેઠને આજ્ઞા કરી. રામજી શેઠ અકળાયો.

“સાહેબ, એકવચની રહેશો ? દગો નહિ થાય કે ?”

“રામજી શેઠ, મારી ખાનદાની પર ભરોસો રાખીને બોલાવો.”

રામજીએ આભપરાની ટોચે છૂપા સમાચાર પહોંચાડ્યા કે “જોધાભા, આવી જજો, સમાધાની થાય તેવું છે.”

જોધો ઊતર્યો. ઓખાનું માણેક ઊતર્યુ. રૂપની સોરઠમાં જોડી નહોતી. આજાનબાહુઃ મસ્ત પહોળી છાતીઃ બાજઠ જેવા ખંભાઃ વાંકડી મૂછોઃ જાડેજી દાઢીઃ મોટી મોટી આંખોમાં મીઠપ ભરેલીઃ ને પંડ પર પૂરાં હથિયારઃ આજ પણ ભલભલા પોતાની વડીલોને મોંએથી સાંભળેલી એ વાઘેર રાજાનાં અનોધાં રૂપની વાતો કરે છે.

ગામ બાહારની ગીચ ઝાડીમાં આવીને જોધાએ રાહ જોઈ. રામજીભાને સમાચાર મોકલ્યા. રામજી શેઠ માડમ પાસે દોડ્યા. સવારથી માડમનું હૈયું હરણના બચ્ચાની માફક કૂદકા મારતું હતું. આજ કાઠિયાવાડી જવાંમર્દનો નમૂનો જોવાના એના કોડ પૂરા થવાના છે. અંગ્રેજની દીકરીને બહાદુર નર નીરખવાનો ઉછરંગ છે.

“મડમ સા’બ ! જોધો માણેક હાજર છે.”

“શેઠ ! એને આંહીં ન લાવજો ! આંહીં ન લાવજો, કદાચ સાહેબ ક્યાંક દગો કરે ! આંહીં કચેરીમાં નહિ, પણ બહાર જંગલમાં જ મળવાનું રાખજો !”

મેરીના અંતરમાં ફિકરનો ફફડાટ હતો. પોતાના ધણી ઉપર પણ એને પૂરો વિશ્વાસ નહોતો બેસતો.

સાહેબે ખુશીથી બહાર જઈને મળવાનું કબૂલ કર્યું. રામજી શેઠ પોતાના રાજાને ખબર દેવા ગયા. એ બુઢ્‌ઢા ભેરુને દેખતાંની વાર જ જોધો સમે દોડ્યો. ભાટિયાને બાથમાં ઘાલીને મળ્યો અને ઊભરાતે હૈયે બોલ્યો, “રામજીભા! જીરે જીરે મલ્યાંસી પાણ ! પાકે તો ભરોંસે ન વો !” (રામજીભાઈ ! જીવતાં જીવત આપણે મળ્ય ખરા ! મને તો ભરોસો નહોતો.)

રામજી શેઠની છાતી પણ ભરાઈ આવી. ભેળો પોતાના દીકરાનો દીકરો રતનશી, દસ વરસનો હતો, તે આ ભાઈબંધીનાં હેત જોઈ રહ્યો. (રતનશી આજે બેટમાં હયાત છે.)

સાહેબ આવ્યા. મડમ આવ્યાં. બન્નેએ જોધાની સાથે હાથ મિલાવ્યા. ગોરાં વરવહુએ ઘઉંવર્ણા અને અભણ બળવાખોરની ખાનદાન મુખમુદ્રા સામે પ્રેમભીની મીટ માંડી. જોધાની રેખાએ રેખાને જાણે પીવા લાગ્યાં. સાહેબ મડમ સામે જુએ, ને મડમ સાહેબ સામે જુએ. બેયની આંખો જાણે જોધાને માટે કાંઈક વાતો કરી રહી છે. મડમનું અબોલ મોં જાણે કરુણાભરી ભાષામાં કહી રહ્યું છે કે “ઓખામંડળનો સાચો માલિક તો આ. આપણે તો ફક્ત બથાવી પડ્યાં. આનાં બાળબચ્ચાંનું શું ? એની ઓરત ક્યાં જઈ જન્મારો કાઢશે ? કાંઈ વિચાર થાય છે ?”

મડમની આંખો પલળતી દેખાણી. બાર્ટને કહ્યું, “જોધા માણેક ! તમે આંહીં મારી પાસે નજરકેદ રહેશો ? હું તમારું બહારવટું પાર પડાવું. તમારો ગુનો નથી. ગુનો તો તમને ઉશ્કેરનારાઓનો છે. આંહીં રહો. હું તમારે માટે વિષ્ટિ ચલાવું.”

જોધાએ રામજીભા સામે જોયું. રામજી તો વટનો કટકો હતો. તેણે કહ્યું, “ના, સાહેબ, જોધાભા તો ઓખાનો રાજા છે. એને નજરકેદ ન હોય. એ તો છૂટો જ ફરશે. કહો તો હું હામી થાઉં.”

“રામજી શેઠ, હું દિલગીર છું, કાયદાએ મારા હાથ બાંધી લીધા છે. એને હામી ઉપર ન છોડાય. તમે એને આંહીં રહેવા દ્યો. હું એને રાજાની રીતે રાખીશ.”

“ના ! ના ! ના !” બુઢ્ઢા રામજીએ ડોકું ધુણાવ્યું. “મારે ભરોસે આવેલા મારા રાજાને ક્યાંઈક દગો થાય, તો મારી સાત પેઢી બોળાય ! હું ન માનું. જોધાભા ! પાછા વળી જાવ.”

સાહેબે અફસોસ બતાવ્યો. મડમ તો બહારવટિયાની મુખમુદ્રા ઉપર ઊઠતા રંગોને જ નીરખે છે. આખરે જોધો ઊઠ્યો, સાહેબ-મડમે ફરી હાથ મિલાવ્યા. કાળી મોટી આંખોમાંથી મીઠપ નિતારતો બહારવટિયો રણછોડરાયના મંદિર તરફ ઊભો રહ્યો. હાથ જોડ્યા. આભપરા દીમનો વળી નીકળ્યો.

ઝાડીમાં એનાં પગલાંના ધબકારા સાંભળતી મડમ ઊભી રહી.

૧૪. સરકારી શોધ

દાત્રાણા ગામના ચોરા ઉપર માણસોનો જમાવ થઈ ગયો છે. અને એક ગોરા સાહેબ કમરમાં તરવાર, બીજી કમરે રિવૉલ્વર, છાતી ઉપર કારતૂસોનો પટો, સોનાની સાંકળીવાળી ટોપી, ગોઠણ સુધી ચળકાટ મારતા ચામડાના જોડા, પહાડ જેવો ઘોડો અને ફક્ત પાંચ અસવારો, એટલી સજાવટ સાથે ઊભો ઊભો ગામના પટેલને પૂછે છે, “કિધર ગયા બા’રવટિયા લોગ ?”

પટેલ જવાબ આપતાં અચકાય છે, એની જીભ થોથરાય છે. કોઈ જઈને બહારવટિયાને બાતમી આપી દેશે તો પોતાના જ ઓઘામાં બહારવટિયા પોતાને જીવતો સળગાવી દેશે એવી એના દિલમાં ફાળેડ છે. સાહેબે પોતાનો પ્રભાવ છાંટ્યોઃ “ગભરાયગા, ઔર નહિ બોલેગા, તો પકડ જાયગા. હમ હમારા બલોચ લોગકો તુમારા ઘર પર છોડ દેગા. વાસ્તે સીધા બોલો, કિધર હૈ બહારવટિયા ?”

“સાહેબ, ચરકલા ગુરુગઢ અને દાતરડાના પાદરમાં થઈને બહારવટિયા ભુવનેશ્વરના ડુંગરામાં ને પછી આભપરા માથે ગિયા છે.”

“કિતના આદમી ?”

“બારસો !”

“રોટી કોન દેતા હૈ ?”

“સાહેબ, અમારા ગામનો પાડાવાળો પોતાનો પાડો છોડાવવા આભપરે ગિયો’તો, એ નજરે જોયેલ વાત કહે છે કે બારસોય જણા પડખેની ખળાવાડોમાંથી બાજરો લાવીને ફક્ત એની ઘૂઘરી બાફીને પેટ ભરે છે. અને જોધો માણેક બોલ્યો છે કે જામ સાહેબના મુલકમાં પૈસાવડીએ ખાવાનું મળશે તો ત્યાં સુધી અમારે લોકોને લૂંટવા નથી. નીકર પછી મોટાં ગામો ધમરોળવાં પડશે.”

“અચ્છા ! સરકાર ઉસકી ચમડી ઉતારેગા !”

એટલું કહીને રતુંબડા મોઢાવાળા સાહેબે ઘોડો દોડાવી મૂક્યો. માર્ગે સાહેબને વિચાર ઊપડે છેઃ બાલબચ્ચાં, ઓરતો ને મરદો પોતાના નોકને ખાતર બાજરીનાં બાફણાં ઉપર ગુજારો કરે છે, એની સામે ટક્કર ઝીલવાનું આ ભાડૂતી માણસોનું શું ગજું છે ?

૧પ. બીજી વિષ્ટિ

આભપરા ઉપર દિવસ બધો ચોકી કરતા કરતા બહારવટિાય જૂના કોઠાનું સમારકામ ચલાવે છે અને રાતે દાયરો ભેળો થઈ દાંડિયારાસ રમે છે. વાઘેરણો પોતાના ચોક જમાવીને ડુંગરનાંયે હૈયાં ફુલાય એવે કંઠે રાસડા ગાય છે. એવા ગુલતાનને એક સમે ચોકીદારે જોધાની પાસે આવીને જણાવ્યું કે “બાપુ, હેઠલી ચોકીએથી વાવડ આવ્યા છે કે ચાર જણા તમને મળવા રજા માગે છે.”

“કોણ કોણ ?”

“દેવડાનો પટલ ગાંગજી, સંધી બાવા જુણેજાનો દીકરો ને બે સૈયદ છે.”

“સૈયદ ભેળા છે ? ત્યારે તો નક્કી વષ્ટિ સાટુ આવતા હશે. સૈયદ તો મુસલમાનોનું દેવસ્થાનું કે’વાય. ગા’ગણાય. એને આવવા દેજો, ભા !”

એક પછી એક નાકું અને ચોકી વળોટતા ચારેય મહેમાનો આભપરાના નવા રાજાઓના કડક બંદોબસ્તથી દંગ થતા થતા આવી પહોંચ્યા. જોધા માણેક તથા મૂળુ માણેકને પગે હાથ દઈને મળ્યા. બોલ્યા કે “જોધભા ! વેર ગાયકવાડ સમે, અને શીદ જૂનાગઢ-જામનગરને સંતાપો છો ? અમે તમારું શું બગાડ્યું છે.”

“ભાઈ, અમને સહુને જેર કરવા સાટુ તમારાં રજવાડાં શીદ ગાયકવાડ અને અંગ્રેજની સાથે ભળ્યાં છે, તેનો જવાબ મને પ્રથમ આપો. અમે એનું શું બગાડ્યું છે ?”

“પણ કોઈ રીતે હિયાર મેલી દ્યો ? સરકાર ગઈગુજરી ભૂલી જવા તૈયાર છે.”

“ખબરદાર, વાઘેર બચ્ચાઓ !” વીઘો સુમણિયો ખૂણામાંથી વીજળીને વેગે ઊભો થયો, “હથિયાર મેલશો મા, નીકર મારી માફક કાળાં પાણીની

સજા સમજ્જો. વાઘેર પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે.”

જોધાએ મહેમાનોને હાથ જોડી કહ્યું કે “એ વાત મેલી દ્યો. અમને હવે ઈશ્વર સિવાય કોઈ માથે ભરોસો નથી. અને મેં તો હવે મારા મોતની સજાઈ પાથરી લીધી છે. હું હવે મારો મનખ્યો નહિ બગાડું.”

પહાડ ઉપર જે કાંઈ આછીપાતળી રાબડી હતી તે પીરસીને મહેમાનોને જમાડ્યા. હાથ જોડી બોલ્યા કે “ભાઈયું ! આપ તો ઘણા જોગ, પણ અસાંજી સંપત એતરી !”

છેક છેલ્લા ગાળાની ચોકી સુધી મહેમાનોને વાઘેરો મૂકી આવ્યા.

૧૬. ઘેરાનો નિર્ણય

સરકારનો હુકમ છૂટ્યો કે નગરનું રાજ્ય જાણીબૂઝીને જ આભપરામાં બહારવટિયાને આશરો આપે છે. જો નગરની ફોજ એને આભપરો નહિછોડાવે તો નગરનું રાજ તો ડૂલ થઈ જશે. જામના કારભારી ને વજીર લમણે હાથ દઈને વિચાર કરવા લાગ્યા. ઘણી ઘણી વિષ્ટિ ઘૂમલીના ડુંગર ઉપરજામરાજાએ મોકલી, પણ વિષ્ટિવાળા લાચાર મોંયે પાછા વળ્યા.

જામે કચેરીમાં પૂછ્યું, “લાવો વષ્ટિવાળાઓને, બાલિયા રેવાદાસ !તમને શું કહ્યું ?”

“બાપુ ! જામને ચરણે હથિયાર છોડવા વાઘેરો તૈયાર છે, પણઅગ્રેજોને પગે નહિ.”

“હાં, બીજું કોણ ગયું’તું.”

“બાપુ, અમેઃ પબજી કરંગિયો ને મેરામણ.”

“શા ખબર ?”

“એ જઃ કહે છે કે આ જગ્યા નહિ છોડીએ. અમારી રોજીની વાત ગળામાં લઈને જામ જો ચારણભાટની જામીનગીરી આપે, તો જામના કૂતરાથઈને ચાલ્યા આવવા તૈયાર છીએ, પણ સરકારનો તો અમને ભરોસો નથી.”

“કેમ !”

“એક વાર હથિયાર છોડાવીને વિશ્વાસઘાત કર્યો માટે !”

“કેટલા જણ છે ?”

“પંદરસેં હથિયારબંધઃ અરધ બંદૂકદાર, ને અરધા આડ હથિયારે.”

“શું કરે છે ?”

“જૂનો કોટ સમારે છે.”

ફોસલાવવાની આશા છોડી દઈને દરેક મોટા મોટા રાજ્યે પોતપોતાની ફોજો ભેળી કરી. છ-છ બાજુએથી ઘેરો ઘાલ્યો.

૧૭. આભપરો છોડ્યો

માગશર વદ નોમની પાછલી રાતે શિયાળાના ચંદ્રમા અનોધાં તેજ પાથરતો હતો. આભપરાની ટૂકો એ તેજમાં તરબોળ બની હતી. ઘૂમલીનાં દેવતાઈ ખંડેરોની - એ તળાવો, વાવો, કૂવાઓ, દેરાં ને ભોંયરાની - એક વાર અલોપ થઈ ગયેલી દુનિયા જાણે ફરી વાર સજીવન થઈ ગઈ હતી. કડકડતી ટાઢમાં પહેરવા પૂરાં લૂગડાં ન હોવાથી વાઘેરોનાં બચ્ચાં તાપણાંની આસપાસ પોઢતાં હતાં. ચોકીદારો બોકાનાં વાળીને પોતાનાં અધઉઘાડાં અંગ ભડકા કરી કરીને તપાવતા હતા. તે વખતે મોડપરના ગઢ ઉપરની તોપના એક, બે ને ત્રણ બાર થયા.

તોપ પડતાં જ ગાળે ગાળેથી ફોજો ઊપડી. ઘૂમલીની દિશાએથી કંસારીની કેડીએ નગરમાં છસો માણસોની હાર બંધાઈઃ દાડમાની કેડીએ ને નલઝરની કેડીએ બસો-બસો સરકારી પલટનિયાએ પગલાં માંડ્યાં. કિલ્લેસરથી ત્રણસો અને દંતાળો ડુંગર હાથ કરવા માટે સાડા પાંચસો ચડ્યા.

એમ આશરે બે હજાર ને ત્રણસો પૂરેપૂરા હથિયારધારીઓએ વાઘેરોને વીંટી લીધા. જાણ થતાં જ બહારવટિયાએ સામનો કરી લેવા હાકલ કરી કે “હલ્યા અચો મુંજો પે ! હલ્યા અચો !’ (હાલ્યા આવો, મારા બાપ ! હાલ્યા આવો !)

વાઘેર બચ્ચાના મોમાંથી ભર લડાઈમાં, પોતાના કટ્ટા અને અધમ શત્રુની સામે પણ ‘હલ્યા અચો મુંજા પે !’ સિવાય બીજો સખૂન કદી નીકળ્યો નહોતો. મહેમાનોને આદરમાન આપતા હોય અને મિત્રોને શૂરાતન ચડાવતા હોય એવા પોરસના પડકારા દઈ પચાસ-પચાસ બહારવટિયાના જણે જેવે તેવે હથિયારે આ કેળવાયેલી ને સાધનવાળી પલટનોનો સામનો કર્યો, મરદની રીતે ટપોટપ ગોળીએ વીંધાતા ગયા. કંસારીનાં દોરાંનો મોરચો, આશાપરાના ધડાની ચોકી, વીણુંનો ધડો, એમ એક પછી એક ચોકીઓ પડતી ચાલી.

બીજી બાજુ સરકારે પાસ્તર ગામના રબારી માંડા હોણને ભોમિયો બનાવી, એના સો રબારીઓને ખભે રબરની અને કાગળની તોપો ઉપડાવી આભપરે ચડાવી. દિવસ ઊગ્યો અને તોપો છૂટી. કાળુભા અને સાકુંદા તળાવમાં ગોળા પડ્યા. પાણી છોળે ચડ્યાં. સૂરજને પગે લાગતો જોધો બોલ્યો કે “થઈ ચૂક્યું. આપણા પીવાના પાણીમાં ઝેરના ગોળા પડ્યા. હવે આભપરો છોડીને ભાગી છૂટીએ.”

પોતાના સાતસો જુવાનોને આભપરે સુવાડીને બહારવટિયાએ દંતાળાને ડુંગરે એક દિવસનો ઓથ લીધો. જોધા માણેકે આ પ્રમાણે ટુકડીઓ વહેંચીઃ “મેરુભા ! તું એકસો માણસે માધવપુરની કોર. પોરબંદર માથે ભીંસ કર.”

“દેવાભા ! તું એકસો માણસે હાલારમાં ઊતરી ગોંડળ-જામનગરને હંફાવ.”

“હું પોતે ગીરમાં ગાયકવાડને ધબેડું છું.”

“વેરસી ! તું ઓખાને ઊંઘવા મ દેજે !”

“ધના ને રાણાજી ! તમે બારાડીને તોબા પોકરાવો !”

“ભલાં !” કહીને સહુએ જોધાની આજ્ઞા શિર પર ચડાવી. રાત પડતાં અંધારે નોખી ટુકડીઓ, ઓરતો ને બચ્ચાં સહિત પોતપોતાને માર્ગે ભૂખીતરસી ચાલી નીકળી.

૧૮. કોડીનાર ભાંગ્યું

૧કોડીનાર મારીને જાય

ઓખેજો વાઘેર કોડીનાર મારીને જાય,

ગોમીજો રાજા કોડીનાર મારીને જાય.

આથમણે નાકેથી ધણ વાળીને,

ઉગમણે નાકે લઈ જાય. - ઓખેજો.

નિસરણીયું માંડીને ગામમાં ઊતર્યા ને,

બંદીવાનની બેડીયું ભંગાય. - ઓખેજો.

કોડીનાર મારીને જોધોભા ગાદીએ બેઠા ત્યારે,

કોડીનારનો ધણી કોઈ ન થાય. - ઓખેજો.

દાયરો કરીને કસુંબા રે કાઢિયા ને,

સાકરુંના ઠૂંગા વેચાય. - ઓખેજો.

રંગડા વાઘેરને દેવાય. - ઓખેજો.

ખરે રે બપોરે બજારું લૂટિયું ને,

માયાના સાંઢિયા ભરાય. - ઓખેજો.

બ્રાહ્મણ સૈયદુંને દાન તો દીધાં ને,

ગામમાં મીઠાયું વે’ચાય. - ઓખેજો.

ગાયું કેરે ગોંદરે નીર્યા કપાસિયા ને,

પાદરે ચોરાસી જમાય. - ઓખેજો.

દેશ પરદેશે કાગળો લખાણા ને,

વાતું તારી વડોદરે વંચાય. - ઓખેજો.

હૈયાની ધારણે બોલ્યા રે નથુનાથ

તારા જસડા ગામેગામ ગવાય. - ઓખેજો.

૧ કિનકેઈડ સાહેબે બહારવટિયાનાં આવાં કેટલાંક કાઠિયાવાડી રણગીતોને ‘બૅલડ’ નામ આપી, અંગ્રેજી ભાષામાં ઉતાર્યાં છે, પોતે ભાષાન્તર કરવામાં અતિશય છૂટ લેતા હોવાથી એના અનુવાદો અસલ ગીતા કરતાં સરસ થાય છે; અને કેટલીક વાર તો જૂનાં સાથે મેળવવા જતાં પંક્તિઓ મળતી નથી. નીચેનું ‘બૅલડ’ આ ગીતનું જ ભાષાન્તર હોવાનું દીસે છે, એમાં કેટલીક પંક્તિઓ મળતી નથી, કેટલીક વધુ ઘટનાઓ વર્ણવી છે. કદાચ એ ઘટનાવાળી મૂળ પંક્તિઓ મારા શોધેલા ગીતમાંથી ઊડી ગઈ હશે. ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ના પાના ૩૮ પર એ લખે છે કે

ૈં રટ્ઠદૃી ેહીટ્ઠિંરીઙ્ઘ ંરી ર્કઙ્મર્ઙ્મુૈહખ્ત હ્વટ્ઠઙ્મઙ્મટ્ઠઙ્ઘ ુરૈષ્ઠર ૈજ ુિૈંીંહ ૈહ ટ્ઠ ખ્તટ્ઠઅ, દ્ઘૈહખ્તઙ્મૈહખ્ત દ્બીિંી ટ્ઠહઙ્ઘ ટ્ઠકર્કઙ્ઘિજ િીઙ્મૈીક ટ્ઠકીંિ ંરી ર્જદ્બીુરટ્ઠં ુીટ્ઠિૈર્જદ્બી ૂેટ્ઠંટ્ઠિૈહજર્ ક ંરી દ્ભટ્ઠંરૈ હ્વટ્ઠઙ્ઘિજઃ

ર્

ં ! કટ્ઠૈિ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ, જરી જંટ્ઠહઙ્ઘજર્ હ ંરી ષ્ઠેજિીઙ્ઘ સ્ટ્ઠરટ્ઠિંંટ્ઠ’જ ઙ્મટ્ઠહઙ્ઘજ, ૈંહ રીટ્ઠદૃીહજ ંરીિી ુટ્ઠજ હીૈંરીિ ર્દ્બર્હ ર્હિ જંટ્ઠિ ! ્‌રીઅ ુીિી ઉટ્ઠખ્તરૈજિ જંર્િહખ્ત ટ્ઠહઙ્ઘ ંટ્ઠઙ્મઙ્મ ટ્ઠહઙ્ઘ ંરીઅ ષ્ઠઙ્મૈદ્બહ્વીઙ્ઘ ંરી ર્ઙ્મર્-ર્રઙ્મીઙ્ઘ ુટ્ઠઙ્મઙ્મ; ્‌રીહ ુટ્ઠજ રીટ્ઠઙ્ઘિ ંરી મ્ટ્ઠહૈટ્ઠજ’ ુટ્ઠૈઙ્મ હ્વેં ંરીૈિ ીંટ્ઠજિ રટ્ઠઙ્ઘ ર્હ ટ્ઠદૃટ્ઠૈઙ્મ. ઉરીહ ંરી ૌહખ્તર્ કર્ ાંરટ્ઠ ર્ઙ્મર્ીંઙ્ઘ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ.

્‌રીહ ટ્ઠ દ્બૈખ્તરંઅ કીટ્ઠજં રી દ્બટ્ઠઙ્ઘી ર્કિ ંરી ુંૈષ્ઠી-ર્હ્વિહિ ટ્ઠહઙ્ઘ ંરી ડ્ઢરીઙ્ઘ, છહઙ્ઘ ંરી જુીીં-હ્વટ્ઠઙ્મઙ્મજ ંરીઅ ુીિી જષ્ઠટ્ઠંીંિીઙ્ઘ કિીી ટ્ઠહંરીિ. ્‌ર્રેખ્તર ીટ્ઠષ્ઠર મ્ટ્ઠિરદ્બૈહ ટ્ઠીં ટ્ઠહઙ્ઘ ટ્ઠીં, અીં રી ીદ્બૈંીઙ્ઘ ર્હં રૈજ ઙ્મટ્ઠીં, ઉરીહ ંરી ર્ઙ્મઙ્ઘિર્ ક ર્ય્દ્બૈં ર્ઙ્મર્ીંઙ્ઘ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ.

છહઙ્ઘ ંરીઅ િીદૃીઙ્મઙ્મીઙ્ઘ ઙ્મટ્ઠીં ટ્ઠહઙ્ઘ ર્ઙ્મહખ્તીિ, ટ્ઠહઙ્ઘ ંરીઅ ષ્ઠરટ્ઠહીંઙ્ઘ દ્બટ્ઠહઅ ટ્ઠ ર્જહખ્ત. ર્(ક રૈજ ખ્તર્ઙ્મિઅ ંરીિી ૈજ ર્હંરૈહખ્ત ંરટ્ઠં ષ્ઠટ્ઠહ દ્બટ્ઠિ) છહઙ્ઘ ંરી મ્રટ્ઠંજ ર્કિ ખ્તૈકં ઙ્ઘૈઙ્ઘ ર્ષ્ઠદ્બી ટ્ઠહઙ્ઘ ંરીઅ ંરેદ્બીઙ્ઘ ંરી ાીંંઙ્મી ઙ્ઘિેદ્બ, ઉરીહ ંરી િૈહષ્ઠીર્ ક ડ્ઢુટ્ઠિાટ્ઠ ર્ઙ્મર્ીંઙ્ઘ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ.

છહઙ્ઘ રી ખ્તટ્ઠદૃી ુૈંરર્ ીહ રટ્ઠહઙ્ઘ ર્ં ીટ્ઠષ્ઠર દ્બટ્ઠૈઙ્ઘીહ ૈહ ંરી ઙ્મટ્ઠહઙ્ઘ. છજ જરી જટ્ઠં હ્વીઙ્ઘીષ્ઠાીઙ્ઘ ુૈંરૈહ ંરી હ્વિૈઙ્ઘટ્ઠઙ્મ ષ્ઠટ્ઠિ, ્‌ર્રેખ્તર ંરી જર્િંજ ંરીઅ જષ્ઠટ્ઠષ્ઠિી ર્ષ્ઠેઙ્મઙ્ઘ ીંઙ્મઙ્મ, ર્હં ટ્ઠ જૈહખ્તઙ્મી ઉટ્ઠખ્તરૈિ કીઙ્મઙ્મ; ઉરીહ ર્ત્નઙ્ઘરટ્ઠ સ્ટ્ઠહૈા ર્ઙ્મર્ીંઙ્ઘ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ.

“કોડીનાર ભાંગવા આવું છું, આવજો બચાવવા !” એમ પ્રથમથી જ ગાયકવાડ રાજને જાસો દઈ, ગીરના ગાળા ઓળંગતો ઓળંગતો બુઢ્ઢો જોધો માણેક પરોડિયાને અંધારે કોડીનારના કોટની રાંગે આવી પહોંચ્યો.

ગાયકવાડી ફોજ તો ગામમાંથી ભાગી છૂટી હતી, પણ ગામને ઝાંપે કોઠા ઉપર એક આદમી અડગ હિંમતથી ઊભો હતો. વાઘેરો આવ્યા તેને એ એકલ આદમી સૂનકાર પડેલા કોઠામાંથી બંક ચલાવી ગોળીએ વધાવતો હતો. એનું નામ આદમ મકરાણી.

“વાહ જમાદાર !” વાઘેરોએ એ વીરને નીચે ઊભાં ઊભાં પડકાર્યો, “શાબાશ ભાઈ ! ગાયકવાડના આટલા સિપાઈમાં એક તેં જ નિમક સાચું કર્યું. હવે બા’રો નીકળી જા, તારે માર્ગે પડ, તારું નામ કોઈ ન લીએ.”

આવી શાબાશીને આદમ મકરાણી ન સમજી શક્યો. હતો બહાદુર, પણ મનની મોટપનો છાંટોય નહોતો. એણે ગાળો દેવા માંડી. વાઘેરોએ ફરી વાર એને ચેતવ્યો કે “જમાદાર ! જબાન સમાલો અને ઊતરી જાઓ. અમે ઘા નથી કરતા, માટે ખાનદાન બનો.”

પણ આદમે ખાનદાની ન ઓળખી. એણે હલકટ બોલ માડ્યા. અને દગો કરીને એણે મૂૂળુ માણેકના ભાણેજ ઉપર ગોળી છોડી. જોધાએ આજ્ઞા દીધીઃ “હાણે હી કુત્તો આય, સિપાઈ નાય, હાણે હીંકે હણો !” (હવે એ કૂતરો છે. સિપાઈ નથી રહ્યો. હવે એને મારો !)

એ વેણ બોલતાં જ મીયા માણેકની બંદૂક છૂટી. એક જ ભડાકે આદમ મકરાણીને કોઠા ઉપરથી ઉપાડી લીધો.

આદમને ખતમ કરીને જ્યાં દીવાલ પર ચડવા જાય છે ત્યાં ગામ વચ્ચોવચ એક મેડીમાંથી તોપનો મારો થયો. એક પછી એક ગોળા પડવા લાગ્યા. જોો જોઈ રહ્યો. “આ કોણ જાગ્યો !”

જાણભેદુએ કહ્યું, “કોડીનારના નગરશેઠ કરસનદાસની એ મેડી, જોધાભા ! અરબસ્તાન સુી એનાં વહાણ હાલે છે.”

“વાણિયે તોપું માંડી ?”

“જોધાભા, એ તો નાઘેર કાંઠાનો વાણિયો, રાજપૂત જેવો.”

ધડ ! ધડ ! ગોળા આવવા લાગ્યા. તે વખતે જોધા માણેકની મીટ પોતાના એક ભેરુબંધ ઉપર મંડાણી. ભેરુબંધ સમજી ગયો. કાઠિયાવાડનાં રાજસ્થાન માંહેલો એ એક જાડેજો ઠાકોર હતો. કરડો, કદાવર અને બંદૂકનો સાધેલ એ રાજપૂત આંબલી ઉપર ચડ્યો. બરાબર તોપવાળી મેડીમાં તીણી નજર નોંને એણે ભડાકો કર્યો. નગરશેઠના આરબ ગોલંદાજને વીંધી લીધો.

ગોલંદાજ વીંધાતાં જ મેડી પરથી વાણિયાએ શરણાગતિની કપડી કરી. (ધોળો વાવટો બતાવ્યો.) પછી જોધો માણેક કોટને નિસરણી માંડીને ઉઘાડી તરવારે આગળ થઈને ચડ્યો; દરવાનને ઠાર કરી, દરવાજા ઉઘાડા ફાટક મેલી, પોતાના સરખેસરખા સો જણને અંદર દાખલ કર્યા; બંદૂકોમાં આઠ-આઠ પૈસાભારની વજનદાર ગોળીઓ ઠાંસી ખોબોખોબો દારૂ ભરી માણસો જે ઘડીએ હલ્લા કરવા ચાલ્યા તે ઘડીએ જોધો આંગળી ઊંચી કરીને ઊભો રહ્યોઃ

“સાંભળી લ્યો, ભાઈ ! વસ્તીની બોનું-ડીકરીયુંને પોતપોતાની ડીકરીયું ગણીને ચાલજો. પ્રથમ મે’તા-મુસદ્દીઓને હાથ કરજો ! પછી વેપારીઓને પકડજો ! બીજો જે સામો ન થાય એને મ બોલાવજો !”

ગામમાં પેસીને વાઘેરો છૂટાછવાયા ભડાકા કરવા લાગ્યા. તેટલામાં બાજુની ખડકી ઉઘાડીને એક ડોશી બહાર ડોકાણી. હાથ જોડીને બહારવટિયાને વીનવવા લાગી કે “એ બાપા, બંધુકું બંધ કરો, મારું ગરીબનું ઘર ભાંગી પડશે.”

“શું છે માડી ?” જોધાએ પૂછ્યું.

“મારે એકનો એક દીકરો છે, એની વહુને અટાણે છોરુ આવવાનો સમો છે. આ ધડાકા સાંભળીને વહુ બાપડી ફાટી મરશે.”

જોધાએ હાથ ઊંચો કરી ગોળીબાર થંભાવ્યા.

કાયસ્થ દેસાઈનું ઘર હતું. બહારવટિયા ત્યાં લૂંટી રહ્યા હતા. ચાર વરસના એક નાના છોકરાના પગમાંથી તોડા કાઢતા હતા. છોકરો રોતો હતો.

“ભાઈ માધવરાય !” એ છોકરાની બહેનને હાકલ કરી, “રોવે છે શીદ, ભાઈ ? તું જીવતો રહીશ તો તોડા ઘણાય મળી રે’શે. રો મા, માધવરાય!”

‘માધવરાય’ નામ સાંભળતાં જ વાઘેરો અટકી ગયા. એકબીજાની સામે જોઈ કહેવા લાગ્યા કે “પાં તો માધુરાયજા કૂતરા આહાં ! માધવરાય તો આસાંજા ઠાકર !” (આપણે તો માવરાયના કૂતરા છીએ. માધવરાયજી તો આપણા પ્રભુ કહેવાય.)

એ બાળકને માધવપુરવાળા પ્યાર પ્રભુ માધવરાયનો નામેરી જાણીને વાઘેરો પગે લાગ્યા અને વગરલૂંટ્યો બહાર નીકળી ગયા.

ગામ કબજે કરી કચેરી ભરીને બહારવટિયાએ બેઠક જમાવી. નગરશેઠ કરસનદાસને સન્મુખ બેસારેલા છે. નગરશેઠે હાથ જોડીને કહ્યું કે “તમારે શરણે આવ્યા છીએ. હવે અમારી આબરૂ રાખો અને કોરે કાગળે દંડનો આંકડો માંડો.”

કહેવાય છે કે બહારવટિયે પાંચ હજાર રાળ (ઇૈટ્ઠઙ્મ નામનું પોર્ટુગીઝ નાણું કે જેનું, દીવ નજીક હોવાથી, વાઘેરમાં ચલણ હતું), એટલે કે રૂ. ૧ર,પ૦૦, દંડ માંડ્યો. શેઠે દંડ કબૂલ્‌ કર્યો. પછી વિનતિ કરી કે “સહુ દાયરો લઈને મારે ઘેર પગલાં કરો.”

બહારવટિયો વિશ્વાસ મૂકીને શેઠને ઘેર પરોણો બન્યો. ઘરને ભોંયતળિયે તો કાંઈ નહોતું, પણ પહેલે માળે જાય ત્યાં બહારવટિયાએ જોયું કે તેલની મોટી કડાઓ ઊકળી રહી છે. ઉપલે માળે જાય તો પા’ણા ગોફણો વગેરેના ઢગલા પડ્યા છે. તેથીયે ઉપરના માળે ચડતાં તો બંદૂક, દારૂગોળો અને તરવારના ગંજ દીઠા. અગાસી પર ત્રણ ઠાલી તોપો દેખી.

હસીને બહારવટિયાએ પૂછ્યું, “કાં શેઠ, શો વિચાર હતો ?”

નગરશેઠે જવાબ દીધો, “બાપા, નાઘેર તો સોમનાથજીની ભૂમિ છે. આ ભૂમિ ઉપર તો લાખો શૂરાપૂરાનાં લોહી છંટાણાં છે. મરવું-મારવું એ અમારે મોટી વાત નથી. સાચું બોલું છં કે જો તમારામાં ધરમ ન દેખ્યો હોત, ને મને ગામની બાયું-દીકરીયુંની બેઈજ્જતીની બીક હોત, તો - બડાઈ નથી મારણો પણ - લડતે લડતે ચોથી ભોંયે ચડત અને તેમ છતાં ન પહોંચત તો સુરંગ ફોડીને મેડી ઉડાડી દેત. પણ તમારું ધરમજુદ્ધ જોઈને પ્રેમ આવ્યો એટલે આ ગોઠ દીધી છે, જોધા માણેક !”

“રંગ તુંને, ભા ! રંગ વાણિયા !” એમ બોલતો બહારવટિયો હેતભરપૂર હૈયે નગરશેઠને બાથ ભરી ભેટી પડ્યો.

પાંચ હજાર રાળની થેલીઓ ભરીને શેઠના દીકરાઓએ બહારવટિયાની સન્મુખ ધરી દીધી. ધરીને પગે લાગ્યા.

“દીકરાઓ !” બહારવટિયો બોલ્યો, “આ હું તમને પાઘડીના કરીને પાછા આપું છું.”

ગોઠ જમીને બહારવટિયો નીકળી ગયો. શેઠનો દંડ ન લીધો.૧

૧ આ શ્ઠનો પાછળથી વેલણ ગામ ઈનામમાં મળેલું અને દી. બ. મણિભાઈ જશભાઈના કારોબારમાં શ્રીમંત સરકાર એને ઘેર જઈ આવેલા.

સરકારની કચેરીની અને દુકાનોની લૂંટ ચલાવી; બીજે દિવસે બ્રાહ્મણોની ચોરાસી જમાડી, ગાયોને ગોંદરે કપાસિયા નીર્યા; ત્રીજે દિવસે કસુંબા કાઢી દાયરા ભર્યા; ચારણ બારોટની વાર્તા ને નાથબાવાના રાવણહથ્થા સાંભળ્યા. ત્રણેય દિવસ કોડીનારના ગઢ ઉપર વાઘેર રાજાનો નીલો નેજો ફરકતો રહ્યો. ત્રણ દિવસ સુધી રીતસર ત્યાં રાજ ચલાવ્યુંઃ ન્યાય ચૂકવ્યા. રક્ષણ કર્યું ને કેદીઓ છોડ્યા. ચોથે દિવસે ચાલી નીકળ્યા. ગીરના કોઈ વંકા ગાળામાં બેસી કોડીનારની લૂંટનો ભાગ પાડ્યો. જોધાએ પૂછ્યું, “કુલ આપણે કેટલા જણ ?”

“એકસો ને બે.”

“ઠીક ત્યારે, એકસો ને બે સરખા ભાગ પાડો, ભા !”

“ના ના, જોધા ભા ! એમ નહિ બને. તું અમારો રાજા છો.” પ્રથમ તારી મોટાઈનો ભાગ કાઢીએ. તે પછી જ અમારા એક સો ને બે સરખા ભાગ પડાશે.”

મોટાઈનો ભાગ કાઢ્યા પછી સરખેસરખા ભાગ પડ્યા. અકેક માથા દીઠ ત્રણસો-ત્રણસો કોરી વહેંચાણી અને બહારવટિયા હિરણ્ય નદીને કાંઠે વાંસાઢોળના ડુંગરમાં આવ્યા. નદીની લીલી પાટ ને પીળી પાટ ભરી હતી. પડખે એક ઘટાદાર આંબલી હતી. જોધાએ એ આંબલી નીચે ઉતારો કરવાનો મનસૂબો જાહેર કર્યો.

તે જ વખતે બરાબર એક વટેમાર્ગુ ત્યાંથી નીકળ્યો. એણે શિખામણ દીધી કે “ભાઈ, આંહીં દાનસ્તું માણસ રાત રોકાતું નથી, એવી વહેમવાળી આ જગ્યા છે. પછી તો જેવી તમારી મરજી !”

જોધાએ કહ્યું, “અરે ભાઈ, ખડિયામાં ખાંપણ લઈને ફરનારને તો ધરતી માતા માના ખોળા બરોબર.”

પડાવ નાખ્યો. બીજા જ દિવસથી જોધાને તાવ ચડ્યો. ત્રીજે દિવસે જોધાને પોતાનું મોત સૂઝ્‌યું. મરતી વખતે એણે એટલું જ કહ્યું કે “ભાઈ મને મૂરુની તો ભે નથી પણ દેવો ક્યાંઈક લપટશે એવો વહેમ આવે છે. દેવાને મારી રામદુવાઈ ક -”

એટલું વેણ અધૂરું રહ્યું ને જોધાનો જીવ ખાળિયું ખાલી કરીને ચાલી નીકળ્યો. હિરણ્યને કાંઠે જોધાને દેન દીધું. એક સો ને એક માણસોએ લૂગડાં કાળા રંગમાં રંગીને પહેરી લીધાં. આખી ટુકડી જઈને મૂળુને ભેળી થઈ ગઈ.

જે આંબલી નીચે જોધાએ પ્રાણ છોડ્યા, તે આજ પણ ‘જોધા આંબલી’ નામે ઓળખાય છે. સાસણ ગામથી લીમધરા જતાં, વાંસાઢોળ ડુંગરની તળેટીમાં હિરણ્ય નદીને કાંઠે આ આંબલી ઊભી છે.

૧૯. કાકાની કાળવાણી

“મરતાં મરતાં કાકો કાંઈ બોલ્યા’તા ?”

“હા, મૂરુભા, કહ્યું’તું કે મૂળુનો તો મને પૂરેપૂરો ભરોસો છે, પણ દેવો લપટ્યા વિના નહિ રહે.”

મૂળુ માણેકે નિસાસો નાખ્યો. એનાથી બોલાઈ ગયું કે “દેવો - સાચી વાત. દેવો ભાઈ ઘણોય હતો તો દેવતા જેવો, પણ એના જુલમની વાતું મારે કાને પોગીયું છે. અને વાઘેરુંના નેજાના સતનો આધાર જોધોકાકો જાતાં મારો રુદિયો હવે આ ધીંગાણામાં ઠરતો નથી. મુને ફાળ પડી છે કે દેવોભાઈ વખતે વાઘેરુંના નેજાના વાવટાને બટ્ટો બેસારશે.”

ઓખામંડળના થડમાં કોઈ વંકી જગ્યાએ ઊતરીને મૂળુ માણેકે કાકાનું સ્નાન કર્યું છે, કાળાં લૂગડાં પહેર્યાં છે, અને કાકાનો પ્રતાપ પરવારી બેસવાથી એને બા’રવટું સંકેલી લેવાના મનસૂબા ઊપડ્યા છે. પડખે દેવુબાઈ૧ બહેન પણ ઊભી છે. એનાથી ન રહેવાયું. ભાઈની સંગાથે રઝળી રઝળીને પોતાનાં અનોધાં રૂપ હારી બેઠેલી, નિચોાવઈને કંગાલ બની ગયેલી બહેને આ ટાણે ભાઈને પડકાર્યોઃ “ભાઈ ! દુઃખ ભોગવવાં દોહ્યલાં થઈ પડ્યાં ? ત્રીસ જ વરસની અવસ્થાએ ઘડપણ ચડ્યાં !”

૧. દેવુબાઈ નામની બહેન બાળકુંવારી રહીતે બળવામાં વાઘેરોને પડકારતી બહાર નીકળેલી, એ વાત બીજે સ્થળેથી મળી હતી પણ દ્વારકાના વાઘેરો દેવુબાઈ જેવું કોઈ પાત્ર થઈ ગયાનો ઈન્કાર કરે છે.

“બોનબા ! દુઃખથી તો થાક્યો નથી. સાતસો-સાતસો વાઘેરોએ કંટાળીને ગોરા પાસે હથિયાર મેલી દીધાં તેથીયે અકળાતો નથી. પણ દેવના ઓછાયાથી ડરું છું. કાકો દેવતાઈ નર હતા. એનાં છેલ્લા વેણ ઈ તો પેગંબરનાં વેણ લેખાય !”

“ફકર મ કરજે. એવું થાશે તે દી દેવો માનો જણ્યો ભાઈ છે, તોય હું માથું વાઢી લઈશ.”

આમ વાતો થાય છે ત્યાં બાતમીદાર આવી પહોંચ્યો. એનું મોં પડી ગયું હતું.

“શા ખબર છે, ભા ?”

“મૂરુભા ! ધ્રાંસણવેલ રાંડી પડ્યું. રામાભાઈની દેહ પડી ગઈ. અસોભા પણ ગુજરી ગયા. મુળવાસરવાળા મેપા જસાણીને પણ ગોળીના જમખ થયા અને બાપુએ ને હબુ કુંભાણીએ સરકારને પગે હથિયાર મેલ્યાં.”

મૂળુ માણેકે ફરી સ્નાન કર્યું. નવા સમાચાર મળવા ઉપરથી વિચાર કરવા બેસે ત્યાં એક સાંઢિયો આવીને ઝૂક્યો. અસવારે આવીને રામરામ કર્યા.

“ઓહો ! દુદા રબારી ! તમે ક્યાંથી, બાપા ?” એમ કહેતો મૂળુ ઊભો થઈ ગયો.

“મૂળુ બાપુ ! તમારા ભલા સારુ આવેલ છું. મારે કાંઈ સવારથ નથી. પણ ઓખો રઝળી પડશે એ વાતનું મને લાગી આવે છે, માટે સંતાતો લપાતો ચોર બનીને આવ્યો છું.”

“બોલ, ભા !”

કુટિલતાની રમતો રમતી આંખો, કાળા સીસમ જેવો, ટૂંકી ગરદન ને બઠિયા કાનવાળો દુદો રબારી ઈશારો કરીને મૂળુભાને એકાંતે તેડી ગયો. કાનમાં કહ્યું કે “બારટન સાહેબ અભેવચન આપે છે. જમીન પાછી સોંપી દેવા કોલ દે છે. એક દિવસની પણ સજા નહિ પડવા દે. માટે સોંપાઈ જાઓ. અટાણે લાગ છે. ગુનેગાર તો કાકો હતો. તમે તો છોકરું છો. તમારો કાંઈ ગુનો જ નથી.”

મૂળુનું દિલ માની ગયું. રબારી તો ભવાનના ઘરનું માણસઃ પેટમાં પાપ ન હોય; ને ગોરા ગમે તેવા તોયે બોલ પાળનારા, એમ સમજી મૂળુએ અંગ્રેજના શરણે જવાનો મારગ લીધો. માણસોને કહી દીધું કે “ભા ! હવે વીખરાઈ જાવ. બા’રવટાનો સ્વાદ હવે નથી રિયો. બોન દેવુબાઈને પણ અમરાપર લઈ જાવ. હું સીધો સાહેબ પાસે જાઉં છું.”

“ભા, બોન કહે છે એક વાર ચાર આંખો ભેળી કરતા જાવ.”

“ના, નહિ આવું, બોનની આંખોના અંગાર મને વળી પાછો ઉશ્કેરી મૂકશે.”

“ભા ! બોને કહેવરાવ્યું છે કે ઓખાનો ધણી ગોરા નોકરને પગે હથિયાર ધરશે ત્યારે જોવા જેવો રૂડો લાગશે, હોં !”

ર૦. વડોદરાની જેલમાં

અમરેલી શહેરમાં તે દિવસ માણસ કાંઈ હલક્યું છે ને ! ચાર ગોરા સાહેબોની અદાલત બેઠી છે અને બહારવટિયા ઉપર મુકદ્દમો ચાલે છે. જુબાનીઓ અને સાક્ષીઓના ઢગલા થઈ પડ્યા છે. પીંજરામાં બીજા બધા વાઘેરો ઊભા છે, ફક્ત મૂળુ માણેક જ નથી.

“મૂલુકો ક્યું નહિ સમજાયા ?” એમ ચારેય ગોરાઓ પૂછે છે.

અમલાદારોએ જવાબ દીધો, “સાહેબ, મૂળુ માણેક વચન આપીને બદલી ગયો.”

એવે ઓચિંતો ત્રીસ વર્ષનો વાંકડી મૂછોવાળો મૂળુ દેખાયો, ગમગીન છતાં પ્રતાપી એનો ચહેરો !

“ખમ્મા, મૂરુભા ! મૂરુભા આવ્યો !” એવી વધાઈ પીંજરામાં ઊભેલા કેદીઓના મોંમાંથી વછૂટી.

“ટોપીવાળા સાહેબો !” મૂળુ બોલ્યો, “મૂળુ માણેક બીજા હજાર ગુના કરે, પણ વચન આપીને ન ફરે. હું ભાગી નીકળવા નહોતો રોકાણો. પણ મા-બહેનો અને ઓરતોને મુલાજાભેર ક્યાંઈક ઓથે રાખી આવવા મૂંઝાતો હતો. કેમ કે ઓખો તો અટાણે તમારા બલોચી પલટનિયાઓના પંજામાં પડ્યો છે; અને બલોચો અમારી બોન-દીકરીયુંની લાજું લૂંટે છે.”

બોલતાં બોલતાં મૂળુ માણેકની આંખમાં કાળ રમવા લાગ્યો.

મુકદ્દમો ચાલ્યો.૧ જુબાનીઓ લેવાઈ, ફેંસલો લખીને ગોરાઓ ઊપડી ગયા. એની પાછળથી ફેંસલો વંચાણો કે ‘સુડતાલીસ વાઘેરોને પાંચ-પાંચ વર્ષની, અને મૂળુને ચૌદ વર્ષની સખત મજૂરીની સજા, એના પિતા બાપુ માણેકને સાત વર્ષની સજા. તમામને વડોદરા રેવાકાંઠા જેલમાં ઉઠાવી જવાના.’

૧. આ વખતના કેદીઓની જુબાની ઉપરથી સાફ માલૂમ પડ્યું કે ગાયકવાડી અધિકારીઓએ તેઓના રોજ બંધ કર્યા; અને વારે વારે તેઓની ઉપર ચડાઈ કરવાના ડારા દીધા તેથી તેઓને આ તોફાન કરવાની જરૂર પડી. પોલિટિકલ ખાતામાં જોધો એક વાર ફરિયાદે ગયેલો, ને ત્યાંથી કાંઈક દિલાસો મળેલો. પણ પાછળથી કાંઈ થયું નહિ. મૂળુ પોતાના રોજ પેટે, લગ્ન ખરચ સારુ બે હજાર કોરી લેવા ગયો હતો પણ તેને મળી નહિ હતી. (‘ઓખામંડળના વાઘેરોની માહિતી.’)

ખડ ખડ ખડ દાંત કાઢીને મૂળુ બોલ્યો, “ક્યાં છે વાઘેરોને વિશ્વાસઘાતી કહેનારા ! વિશ્વાસઘાતી તે સાહેબના વેણ ઉપર ભરોસો રાખીને હથિયાર મેલનાર વાઘેરો કે અમને અભેવચન આપીને પછી કાળે પાણીએ કાઢનાર અંગ્રેજો ?”

કચેરીની અંદર મૂળુ માણેકની તરવાર કબજે કરવામાં આવી. સારાં હથિયાર તો બધાં ગીરમાં દાટી દીધેલાં, ફક્ત આ એક કટાઈ ગયેલી, વટની, મિયાન વગરની તરવાર હતી. મિયાનને બદલે વડવાઈ વીંટેલી હતી. તરવાર જોઈને ગોરા અમલદારો હસવા લાગ્યા. મૂળુને ટોણો માર્યો કે “એસી તરવારસે તુમ સારે મુલકકો ડરાતા થા !”

આંખ ફાડીને મૂળુએ જવાબ દીધો કે “ભૂરિયા ! તરાર તરાર કુરો ચેતો ! તરાર મેં કી નારણો આય ? પાંજો કંડો નાર ! કડો.” (ભૂરિયા, તરવાર તરવાર શું કરે છે ? તરવારમાં તે શું જોવાનું બળ્યું છે ? આ મારું કાંડું જો, કાંડું.)

એટલું બોલતાં બોલતાં જુવાન બહારવટિયે પોતાનું લોખંડી કાંડું બતાવ્યું, સાહેબો ભોંઠા પડીને ચૂપ થઈ રહ્યા.

સુડતાલીસ સાથીઓની સાથે મૂળુ માણેક વડોદરા રેવાકાંઠા જેલ તરફ ચાલી નીકળ્યો.

ર૧. જેલ તોડી

વગડામાં એક ઘોડેસવાર ચાલ્યો જાય છે. ટારડું ઘોડું ગણી ગણીન ડગલાં માંડે છે, બેસુમાર બગાં કરડી રહી છે, એટલે ઘોડાના પૂંછડાને તો જંપ જ નથીઃ શરીરને બન્ને બાજુ મોઢું નાખી નાખીને ઘોડું બગાંને વડચકાં ભરતું જાય છે અને પીઠ પર બેઠેલો લાંબી ધોળી દાઢીવાળો બંધાણી અસવાર એક હાથે ઘોડાનું ચોકડું ડાંચે છે, બીજે હાથે સરકનું દોરડું ફેરવી ફેરવી મારે છે, બે પગે ઘોડાના પેટાળમાં એડીઓ મારે છે, પોતે આખું શરીર હચમચાવે છે ને જીભના ડચકારા કરે છે. એમ છ-છ જાતની કરામતો કરવા છતાં ઘોડું તો સરખી ચાલે જ ચાલ્યું જાય છે. અસવાર ઘોડાને ફોસલાવે છેઃ “હા, મારા બાપ, હાલ. ઝટ પગ ઉપાડ. મોડું થાશે તો શીખ નહિ મળે.”

એક અલમસ્ત આદમી ઉઘાડે શરીરે ખેતરમાં ઘાસ વાઢતો હતો, એણે આ શબ્દો સાંભળીને પૂછ્યું, “એ બારોટજી, ક્યાં ઝટ પોગવું છે ?”

“પોગવું છે, ભાઈ, પોગવું તો છે દુલા રાજાની પાસે. ઝટ જઈને દુવા કે’વા છે ! અહાા મૂળવો, કરાફતનો વાઘેર મૂળવો !

કેસરિયા વાઘા કરી, કાંકણ બાંધ્યું હોય,

જગત ઊભી જોય, માણેક પરણે મૂળવો.

અને મૂળવા, તારી શી વાત ?

તું ટોડા ગોપાળતણ, જો મેલીને જાત,

(તો તો ) સવખંડ ચેરો થાત, માણેક તાહળો, મૂળવા !

બારોટે દુહા લલકાર્યા ત્યાં વગડો આખો જાણે સજીવન થઈ ગયો. મજૂર, મૂલી, ખેડૂતો, પશુઓ, સહુ ઊંચાં માથાં કરી સાંભળી રહ્યાં. તેમ તો બારોટની ગળી ગયેલ ભુજાઓમાં બેવડું જોર આવ્યું. હાથ લાંબા કરીને લલકારવા લાગ્યોઃ

મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા,

હત જો ત્રીજો હાથ, (તો) નર અંગરેજ આગળ નમતા !

“રંગ મૂળવા, રંગા ! બેય હાથ તો રોકાઈ ગયા, એક હાથ મૂછને તાલ દે છે, ને બીજો હાથ તરવારની મૂઠ ઉપર જાય છે. ત્રીજા હાથ કાઢે ક્યાંથી ! અમરેલીવાળા ભૂરિયાઓએ ઘણુંય કહ્યું કે મૂળુ માણેક, સલામ કર. પણ ત્રીજા હાથ વગર સલામ શેની કરે ?”

“અરે પણ બારોટ ! ફટકી કાં ગયું ? મૂળુ માણેક તો વડોદરે રેવાકાંઠાની જેલમાં સડે છે. ખોટાં ખોટાં બોકાસાં કાં પાડો ? ગળું દુખવા આવશે.”

“એ ભૂત કે પલીત ? જાણતોય નથી, ઝોડ જેવા ? મૂળવો સાવજ પાંજરે સામે કદી ? ઈ તો એ આવ્યો છૂટીને.”

“હેં ? શી રીતે છૂટ્યો ? માફી માગીને ?”

“તારી જીભમાં ગોખરુ વાગે, માળા કાળમુખા ! મૂળવો માફી માગે? એ જેલ તોડી જેલ !”

“જેલ તોડી ! વજ્જર જેવી જેલ તોડી ?”

“હા હા ! ઈ તો સંધાય ભેરુડા મત બાંધીને સામટા દરવાજે ધોડ્યા. જોવ ત્યાં તો બારીમાં સામાં પચીસ સંગીન ધરીને પલટનિયા ઊભેલા. પણ રંગ છે ગોરવિયાવાળીવાળા દેવા છબાણીને. સવા શેર સૂઠ એની જણનારીએ ખાધી ખરી, બાપ ! તે ઈ દેવે પડકારો કર્યો કે હાં મારા ભાઈયું ! મારી દયા કોઈ આણશો મા, હું સંગીન આડું મારું ડિલ દઈ દઉં છું, તમે જોરથી મારા શરીર સામો ધસારો દઈને નીકળી જોજો. એમ કરીને દેવો ડેલીની બારી આડો ડિલ દઈને ઊભો રહ્યો. બીજા સહુ પલટનિયાઓની બંદૂક દેવાના દિલમાં સલવાઈ રહી એટલે લાગ ભાળી નીકળી ગયા.”

“અને દેવો ?”

“દેવોય આંતરડાં લખડતાં’તાં તે ડોકમાં નાખીને હાલ્યો.”

“તે શું મૂરુભા નીકળી આવ્યા છે ?”

“હા, હા, ને વાઘેરુંને કરે છે ભેળા. મોટી ફોજ બાંધીને ફરી બા’રવટું માંડે છે. જાઉં છું મોજ લેવા. આ જ છે માધવપરના વાવડ. આજ તો ખોબે ખોબે કોરિયું ને સોનામો’રું વેંચશે મારો વા’લીડો !”

દળ આવ્યાં દખણી તણાં, ભાલાળા ભોપાળ,

સામા પાગ શીંગાળ, માણેક ભરતો મૂળવો.

(દક્ષિણીઓનાં ભાલાવાળાં સૈન્ય આવ્યાં, પણ સિંહ સમાન મૂળુ માણેક તો એની સામે પગલાં ભરીને ચાલ્યો.)

અને એ મલકનાં માનવી !

મૂળવે અંગરેજ મારિયા, (એના) કાગળ જાય ક્રાંચી,

અંતરમાં મઢમ ઊચરે, સૈરું વાત સાચી !

(મૂળુ માણેકે અંગ્રેજોને માર્યા. એના કાગળો કરાંચી પહોંચ્યા. હૃદયમાં ફાળ પામતી મડમો પોતાની સહિયરોને પૂછવા લાગી કે “હેં બે’ન, મારા ધણીને મૂળુએ માર્યા એ સાચી વાત ?”)

એવા એવા દુહા લલકારતો ને પોતાના બુલંદ અવાજથી વગડા ગજાવતો બારોટ ટારડી ઘોડીને સપરટાં મારતો મારતો ચાલી નીકળ્યો.

સાંતીડાં થોભાવીને વાઘેરો વિચાર કરવા માંડ્યા. એકે કહ્યુંઃ “માળે બારોટે દુહા સારા બનાવ્યા !”

બીજો સાંતીડાને ઘીંહરું નાખીને મંડ્યો ગામ તરફ હાલવા. પહેલાએ પૂછ્યું, “કાં ?”

“હવે સાંતી શીદ હાંકીએં ? મૂરુભાને ભેળા ભળી જાયેં. ભળીને ફરી વાર વાઘેરોનું જૂથ બાંધીએ.”

“હાલો તંઈ આપણેય.”

બેઉ ખેડૂતો ચાલી નીકળ્યા. ઘાસનો ભારો વાઢીને પોતાના માથા પર ચડાવવા મથી રહેલ એક કોળી પણ થંભીને ઊભો થઈ રહ્યો. બે ઘડી વિચાર કરીને એણે પણ ભારો ફગાવી દીધો, દાતરડાનો ઘા કરી દીધો અને હાલ્યો. બીજાએ પૂછ્યું, “કાં ભાઈ, કેમ ફટક્યું ?”

“જાશું મૂરુભા ભેરા.”

“કાં ?”

“ભારા વેચીવેચીને દમ નીકળી ગિયો !”

રર. માધવપુર ભાંગ્યું

એ રીતે ઈ.સ. ૧૮૬પ, સપ્ટેમ્બર, તારીખ ર૬ના રોજ રેવાકાંઠા જેલ તોડીને બહારવટિયો વીસ વાઘેર કેદીઓને લઈ કાઠિયાવાડમાં ઊતર્યો. ઓખામાં વાત ફૂટી કે મૂળુભા પાછો આવ્યો છે.

“આવીને પહેલા સમાચાર ઓખાના પૂછ્યાઃ “પાંજો ઓખો કીં આય?”

સંબંધીઓએ જાણ કરીઃ “મૂળુભા, ઓખાને માથે તો રેસિડન્ટ રાઈસ સાહેબે બલોચોને મોકળા મેલી દીધા છે.”

“શું કરે છે બલોચો ?”

“જેટલો બની શકે એટલો જુલમ; જાહેર રસ્તે રૈયતની વહુ-દીકરીઓને ઝાલી લાજ લૂંટીરિયા છે અને વસ્તી પોકાર કરવા આવે છે તો સાહેબ ઊલટો ધમકાવે છે.”

“કેટલુંક થયાં આમ ચાલે છે ?”

“ત્રણ વરસ થયાં.”

સાંભળીને મૂળુનો કોઠો ખદખદી ઊઠ્યો. એણે આજ્ઞા દીધી કે “ભાઈ, ઝટ ફોજ ભેળી કરો, હવે મારાથી નથી રહેવાતું.”

જોતજોતામાં તો વાઘેરો ને ખાટસવાદિયાઓનાં જૂથ આવીને બંધાઈ ગયાં.

કેસરિયા વાઘા મૂળુ માણેકના શરીર ઉપર ઝૂલવા લાગ્યા. એણે પોતાના માણસોને કહ્યું કે “ભાઈ, બા’રવટાનાં શુકન કરવાં છે માધવપુર ભાંગીને. જેલમાંથી જ માનતા કરી હતી કે માધવરાયજીની સલામું લેવા આવીશ. માટે પે’લું માધવપુર.’

“મૂળુભા ! માધવપર પોરબંદરનો મહાલ છે હો ! અને જેઠવા રાજાએ ચોકીપહેરો કડક રાખ્યો હશે.”

“આપણે પણ ચોકીપહેરાની વચ્ચે જ દાદાનાં દર્શન કરવાં છે, ભાઈ!

નધણિયાતાને માથે નથી જાવું.”

કંઠાળી મુલક સોના જેવાં અનાજ દેતો હતો. એની બરકતમાં વેપારી વાણિયા ને ખોજા ડૂબી ગયા હતા. ચાલીસ સિંધી જુવાનોનું થાણું માધવપુરની ચોકી કરતું. બહારવટિયા ઓચિંતા ક્યારે પડશે એ બીકથી આખી રાત ‘જાગતા સૂજો ! ખબરદાર !’ એવા પડકારા થતા હતા. એક દિવસ ઊડતા ખબર આવ્યા કે આજે રાતે બહારવટિયા પડશે. ખરે બપોરે કોટના દરવાજા દેવાઈ ગયા, પણ રાતે કોઈ ન આવ્યું. ખબર આવ્યા કે પાંચ ગાઉ આઘે ગોરશેર નામના ગામે અપશુકન થવાથી બહારવટિયા પાછા વળી ગયા.

માહ મહિનો ચાલે છે. લગ્નસરાના દિવસ છે. બહારવટિયાની ખાનદાની પર ભરોસો રાખી લોકોએ વિવાહ માંડ્યો છે. માધવપુરને પાદર ભાયા માવદિયાની જાન પડેલી અને રાતે કેશવા કામરિયાનું ફુલેકું ચડનારું હતું. એવે મહા વદ બીજને બુધવારે રાતે મૂળુ અને દેવાની ટોળી માધવપુરને ટીંબે માધવરાયને દર્શને ઊતરી.

હથિયારબંધ નવતર જુવાનોએ તો પ્રથમ જોવા માટે જાન તથા ફુલેકાની ધામધૂમમાં ભળી જઈ દીવાટાણે ગામમાં પગ મૂક્યો. શેરીએ શેરીએ મહાલ્યા. ફુલેકાવાળા માને છે કે આ નવતર જુવાનો જાનની સાથે આવ્યા છે અને જાનવાળા માને છે કે આ તો ફુલેકાવાળા ભેળા હશે.

ફુલેકાનાં ઢોલ-શરણાઈ શાંત થઈ ગયાં. બજારો બંધ થઈ. ગામ નીંદરમાં પડ્યું. એ વખતે બહારટિયા પોલીસના થાણા ઉપર પડ્યા.

બંદૂકો નોંધીને ઊભા રહ્યા. મૂળુ બોલ્યો, “અટાણે હથિયાર છોડી દિયો, નીકર અમારે તો માડુ મારો ને કુત્તો મારવો બરાબર છે.”

હથિયાર છોડાવી, માણસોને કોઠામાં કેદ કરી, મૂળુએ ચારેય દરવાજે ચોકીદાર મૂક્યા. વાઘેર પહેરગીરોએ કડકડતી ટાઢમાં માઢની બારીઓ સળગાવી તાપતા તાપતા કાફીઓ લલકારવા લાગ્યા. અને હજામો પાસે જાનની મશાલો ઉપડાવી મૂળુ તથા દેવો માધવરાયજીને મંદિરે ચડ્યા.

માણસોએ કહ્યું કે “મૂળુભા ! મંદિરને મોટાં તાળાં દીધાં છે.”

“અરે ક્યાં મરી ગિયો પૂજારી ?”

“ભોનો માર્યો સંતાઈ રિયો છે. કૂંચિયું એની કેડ્યે લટકે છે.”

“પકડી લાવો ઈ ભામટાને.”

પૂજારી સંતાઈ ગયો હતો. એને ખોળીને હાજર કર્યો.

“એ બાપુ ! માધવરાયના અંગ મોથી દાગીના ન લેવાય હો !”

“હવે મૂંગો મર, મોટા ભગતડા ! તારે એકને જ માધવરાય વા’લો હશે, ખરું ને ? મૂંગો મૂંગો મને કમાડ ખોલી દે. મારે દરશન કરવાં છે, દાગીના નથી જોતા.”

મૂળુના ડોળા ફર્યા કે બ્રાહ્મણે ચાવી ફગાવી. મંદિરનાં તોતિંગ કમાડ ઊઘડ્યાં. માધવરાય ! માધવરાય ! ખમ્મા મારા ડાડા ! એમ જાપ જપતો મૂળુ મંદિરમાં દાખલ થયો. દોડીને પ્રતિમાને બાથ ભરી લીધી. ડાડા ! ખમ્મા ડાડા! એમ પોકાર કરતાં કરતાં મૂળુ પોકે પોકે રોઈ પડ્યો. માણસો જોઈ રહ્યાં કે આ શું કરે છે ? આની ડાગળી ખસી ગઈ કે શું થયુું ?

સારી પેઠે કોઠો ખાલ કરીને મૂળુ ઊઠ્યો. પાછલે પગે ચાલતો ચાલતો બે હાથ જોડીને બહાર નીકળ્યો.

દુકાનોમાંથી રેશમી વસ્ત્રનો તાકો ઉપાડી મંદિર ઉપર નવી ધજા ચડાવી પછી મૂળુએ હુકમ આપ્યો કે “કોઈને લૂંટ્યા કે રંજાડ્યા વિના ફક્ત લુહાણા અને ખોજા વેપારીઓને આંહીં શાંતિથી બોલાવી લાવો.”

મંદિરને ઓટલે બૂંગણ ગાદલાં પથરાવી મૂળુએ દરબાર ભર્યો. વેપારીઓને કહી દીધું કે “બ્રાહ્મણોની ચોરાસી જમાડવી છે, માટે બ્રાહ્મણો માગે તેટલાં સીધાં સામાન કાઢી આપો.”

શેરાની ચોરાસી રંધાણી. તમામ માણસો માટે શેરાનાં સદાવ્રત મંડાઈ ગયાં.

હિન્દુ-મુસલમાન તમામ દેવસ્થાનો પર નવી ધજા ને નિવેદ ચડાવ્યાં.

લોકો ભેળા બહારવટિયા દાંડિયા-રાસ રમ્યા, કોળી પટેલિયાઓની સ્ત્રીઓ પાસે રાસડા લેવરાવ્યા.

ત્રાસ વર્તાવ્યો ફક્ત વેપારીઓ ઉપર. સતાવવાની મનાઈ છતાં કેટલાક ફાટેલા જુવાનોએ કોઈ કોઈ ઠેકાણે લૂંટફાટ કરી દરદાગીના કઢાવ્યા; દુકાનો ફાડી ફાડી રસ્તા ઉપર ઘી, ગોળ, સાકર, અનાજ, કપાસિયા વગેરેના ઢગલા કર્યા, અને ગામલોકોને હાલક દીધી કે “ખાવું હોય એટલું ખાઓ ને લેવું હોય એટલું ઘેર લઈ જાઓ !”

વેપારીઓના ચોપડા લાવી સળગાવી મૂક્યા.

“ગલાલચંદ શેઠ,” બહારવટિયાએ હુકમ કર્યો, “તું અમારો મે’તો. બધા વેપારીઓ પાસેથી એની મતાના પ્રમાણમાં દંડનો આંકડો ઠરાવ-ઉઘરાવી દે, ભા ! અને જેની પાસે રોકડ ન હોય એની પાસે એના દંડ પૂરતી કિંમતનો જ દાગીનો વસૂલ લેજે. વધુ મા લેજે, ભા ! નીકર તુંને માધવરાયજી પૂછશે!”

ગલાલચંદ શેઠે દંડના આંકડા મૂક્યા. ધનજી મુખીની દસ હજાર કોરી રાખી છ હજારનો માલ પાછો આપી દીધો.

ઠક્કર કેશવજી જેઠા નામે એક માલદાર વેપારીને મનાવતાં કોઈ બહારવટિયાના માણસે કાન ઉપર વગાડ્યું ને એને કાને લોહી નીકળ્યું. જોતાં જ મૂળુએ ત્રાડ પાડી કે “કોઈને એક ચરકો પણ કરવાનો નથી. આ શેઠને લોહી નીકળવાથી મારું દિલ દુખાણું છે. એને કશોય દંડ કર્યા વગર છોડી મૂકો!”

ખોજા કોમના કોઈ વેપારીની રતન નામની એક ડોશી પોતાના દરદાગીના લઈને એક બ્રાહ્મણના ઘરમાં સંતાઈ ગઈ. એનો પીછો લઈને બહારવટિયા આવી ચડ્યા. ખૂબ ધમકી આપી પૂછપરછ કરી. પણ બ્રાહ્મણ કુટુંબે કહ્યું કે “આ ડોશી તો અમારા ઘરનાં છે.”

“તો ખાવ એની સાથે એક થાળીમાં.”

બ્રાહ્મણોએ રતન ડોશીને એક થાળીમાં જમાડ્યાં. ઈતબાર રાખીને બહારવટિયા ચાલ્યા ગયા.

એક ખોજાના ઘરમાં પેઠા. કોઈ ન મળેે. ‘એલા ભાઈ, ભારી લાગ!’ કહેતા બહારવટિયા અંદર પેઠા. પેસતાં જ એક ઓરતને સુવાવડની પથારીમાં પડેલી દીધી. ચૂપચાપ બહારવટિયા બહાર નીકળી ગયા.

સાંજે ઢોલ-શરણાઈ વગડાવતા અને ગલાલે રમતા વાઘેરો લોકોના મોટા ટોળ ઉપર મૂઠીએ મઠીએ કોરીઓ વરસાવતા નીકળી ગયા. એકંદરે એક લાખ કોરીનું નુકસાન કરી ગયા. દેવા વિઠ્ઠલ નામના શેઠે જીવની જેમ જાળવીને દાટી રાખેલી જામશાહી કોરીઓનો ખજાનો વાઘેરો ખાલી કરતા ગયા. તે ઉપરથી હજુ માધવપુરને મેળે આવનારી કંઠાળની મેરાણીઓ એક કટાક્ષનો રાસડો બોલે છે. તેની એક લીટી આ છેઃ

દેવા ! તારી જૂની જામશાઈ કાઢી.

બીજે જ દિવસે ગલાલચંદ શેઠ અલોપ થયો. કોઈને નથી ખબર કે એ ક્યાં ગયો. કદાચ એણે શરમથી કે બીકથી આપઘાત કર્યો હશે. એનો પત્તો લાગ્યો જ નથી.

બીજે દિવસે દરબારી ગિસ્ત આવી. ગામ ઉપર જુલમ કરી, મોજ ઉડાવી ચાલી નીકળી.

ર૩. જાલમસંગનો જમૈયો

સૂઈ નામના ગામને પાદર માતાનો પીપળો હતો. એક દેરું હતું. આજે ઝડી થવાથી પીપળો પડી ગયો છે, દેરું હજુ ઊભું છે.

માતાને થાનકે બહારવટિયા બેઠેલા છે અને એનો સંગાથી જે સીદી હતો તે પીપળાની ડાળે ચડીને ખોબા ભરી ભરી દોકડા ઉછાળે છે. નીચે ઊભેલાં નાનકડાં છોકરાં એ દોકડા વીણતાં વીણતાં ને ઝીલતાં ઝીલતાં રાજી થાય છે.

મૂળુ માણેક ને દેવો માણેક નીચે બેઠા બેઠા બોલે છે કે “ભાઈ સીદી! છોકરાંવને દોકડા સાટુ ટગવ મા. કોરિયું ભરી ભરીને વરસાવ. બાળારાજા રાજી થઈને દુવા દેશે.”

બચ્ચાનાં આવાં ગેલ જોઈ જોઈને બહારવટિયા મોજ કરે છે ત્યાં વાવડ આવ્યા કે સડોદડવાળા રાજાબહાદુર જાલમસિંહજી૧ નગરથી જામ વિભાની મોટી ફોજ લઈ આજ મરણિયા બનીને આવે છે ને લગોલગ આવી પહોંચ્યા છે.

૧ મરહૂમ જામ રણજિતના દાદા.

‘ફોજ આવી ! વાર આવી !’ એ બોકાસો સાંભળતાં જ છોકરાં ગામમાં ભાગ્યાં ને બહારવટિયા રણ ભણી ભાગી છૂટ્યા.

બહારવટિયા પગપાળા ને વાર ઘોડાંવાળી : રાજાબહાદુર લગોલગ આવી જાય છે. વાઘરોના હાથમાં ભરેલી બંદૂકો છે, પણ મૂળુ માણેકની આજ્ઞા છે કે “વારને બિવરાવજો, ભડાકો ન કરશો. ચાહે તેમ તોય રાજાનું કુળ છે. હજારુંનો પાળનાર વદે.”

થતાં થતાં તો વાર આંબી ગઈ. અને બહારવટિયા આકળા થયા. ત્યારે મૂળુએ કહ્યું. “મિયા માણેક ! રાજાબહાદુરને રોકી દે. પણ જોજે હો, જખમ કરતો નહિ.”

પાછળથી લાંબાને ડુંગરે જે મરાણો તે જ મિયો માણેક આખી ફોજની સામે એકલો ઊભો રહ્યો. બંદૂક છાતીએ ચડાવી પડકાર દીધો કે “રાજાબહાદુર! તુંને અબ ઘડી મારી પાડું પણ મારા રાજાની મનાઈ છે. પણ હવે જો કદમ ભર્યો છે ને, તો આટલી વાર લાગશે. તપાસ તારો જમૈયો.”

એટલું બોલીને મિયેં બંદૂક ફટકારી. ગોળી શત્રુની કમર પર અટકીને ગઈ. શરીરને ચરકો પણ કર્યા વગર રાજાબહાદુરનો જમૈયો ઉડાવી દીધો. મિયો મોં મલકાવીને બોલ્યોઃ “આટલી વાર લાગે, રાજાબહાદુર ! પત તુંને ન મરાય, તું તો લાખુનો પાળનાર !”

(દુહો)

જમૈયો જાલમસંગરો, ભાંજો તેં ભોપાળ,

દેવે જંજાળું છોડિયું, ગો ઊડે એંધાણ.

રાજાબહાદુર પાછા ફરી ગયા. એની કાફીઓ જોડાઈઃ

જાલમસંગ રાજા વાઘેરસેં કજિયો કિયો

વાઘેરસેં કજિયો કિયો રે... - જાલમ.

પેલો ધીંગાણોં પીપરડીજો કિયો,

ઉતે૧ રાણોજી સૂરોપૂરો થિયોર. - જાલમ.

બીજો ધીંગાણો રણમેં કિયો,

ઉતે જમૈયો૩ પિયો રિયો. - જાલમ.

ત્રીજો રે ધીંગાણો ખડેમેં કિયો,

ઉતે આલો જમાદાર તર રિયો.૪ - જાલમ.

ચોથો ધીંગાણો માછરડે કિયો,

ઉતે હેબત લટૂર સાયબ રિયો. - જાલમ.

હેડાજી ધારણે બોલ્યો રે નથુનાથ

તોજો નામ બેલી મદડેમેંપ રિયો. - જાલમ.

૧ ત્યાં. ર સ્વર્ગે ગયો. ૩ પડ્યો. ૪. તળ રહ્યો - મરાયો. પ કરદોમાં.

બરડામાં રાણાનું અડવાણું ભાંગીને જ્યારે બહારવટિયા ભાગ્યા ત્યારે પોરબંદરની ફોજ લઈ નાગર જોદ્ધો ઘેલો બક્ષી વાંસે ચડેલો. વાર જ્યારે લગોલગ થઈ ત્યારે એ જ મિયા માણેકે ઊભા રહી ઘેલા બક્ષીને પડકારેલ કે “ઘેલા બક્ષી ! આટલી વાર લાગશે. સંભાળ તારી આ કમરમાંની દોત.”

કાગળ ચિઠ્ઠીઓ લખવા માટે ખડિયાનું કામ કરતી લાંબી દોતો અસલમાં ભેટની અંદર રખાતી. મિયાની બંદૂકે એક જ ભડાકે એ દોતને ઘેલા બક્ષીની કમરમાંથી ઉડાવી દીધી હતી અને શત્રુના અંગને ઈજા થવા નહોતી દીધી.

આવો જ બંદૂક મારનાર જમાદાર શકર મકરાણી આ ટોળીમાં હતો. એક દિવસ એક હિંદુસ્તાની પુરબિયો ઠાકોર બહારવટિયા ભેગો ભળવા માટે આવ્યો. એની પરીક્ષા કરવા માટે શકર જમાદાર પોતાની ભેટમાં બાંધેલ જમૈયા ઉપર લીંબુ ઠેરવી ઊભો રહ્યો અને પછી એણે ઠાકોરને કહ્યું, “ગોલી મારો ઔર યે નીંબુ કો ઉડા દો.”

પુરબિયો ઠાકોર તો મોતીમાર હતો એણે બેધડક બંદૂક ચલાવી લીંબુનું નિશાન પાડ્યું. પણ પછી પૂછ્યું કે “શકર જમાદાર તમે બીના નહિ ? મારી ગોળી આડી જાત તો ?”

શકરે જવાબ દીધો, “જેની ગોળી આડી જાય તેના ધણીને આવી જામેલ છાતી હોય નહિ, ઠાકોર !”

ર૪. દેવોભા રવાના

“દેવાને કહી દ્યો મને મોઢું ન દેખાડે.”

ત્રણસો માણસની બેઠક વચ્ચે મૂળુ માણેકે આ શબ્દો કાઢ્યા, અને આખો દાયરો ઓઝપાઈ ગયો. ઓચિંતો જેમ આભ ફાટે તેમ લાગ્યું. સામો સવાલ કરવાની કોઈની છાતી ચાલી નહિ. ફક્ત બુઢ્ઢો રાણોજી માણેક હતો, એણે હળવેથી નીચે જોઈને કહ્યુંઃ “ભા, તું ડાહ્યો છો, પણ કાંઈ ઉતાવળ તો નથી થાતી ને, બાપા ?”

“રાણાજી ભા, દેવાને જીવતો જવા દઉં છું, ઈ તો ઉતાવળને સાટે ઊલટી ઢીલ થઈ લેખાશે, પણ શું કરું ? આજ બોન દેવુબાઈ નથી, નીકર આટલું મોડું ન થાવા દેત.”

“બચ્ચા ! આવડો બધો વાંક !”

“વાંકની તો અવધિ આવી રહી. મને હવ ઝાઝું બોલાવો મા. હું રણછોડરાયની આંખના દીવડા ઓલવાતા જાઉં છું. ઓખો આપણું સ્મશાન બનશે. જગત આપણને સંભારી સંભારી આપણા નામ માથે થૂ થૂ કરશે. ઈ બધું આ કુકર્મી દેવાને પાપે.”

એ ને એ વખતે દેવા માણકે પોતાનાં ઘોડાંને પેદલ માણસો નોખાં પાડ્યાં. જતો જતો દેવો બોલતો ગયો કે “મલક બધાની બાઈયુંને બોન જ કહ્યા કરતો મૂળવો મર હવે ઓખો જીતી લ્યે !”

“હેં કુત્તા ! એટલું જ બોલીને મૂળુ બેઠો રહ્યો.”

રપ. સુતાર પરણાવ્યો

“કેવો છો, ભા ?”

“સુતાર છું.”

“આંહીં શીદ આવ્યો છો ? અમારે કાંઈ આ ડુંગરા માથે મેડિયું નથી બંધાવવી.”

“હું આવ્યો છું મારા વખાનો માર્યો, બાપુ ! સાંભળું છું કે સહુનાં સંકટ મૂળુ માણેક ફોડે છે.”

“તને વળી કેવાનું સંકટ પડ્યું છે ?”

“મારી વેરે સગપણ કરેલી કન્યાને... ગામના સુતારે સવેલી ઉપાડી જાય છે.”

“તે ભાઈ, અમે સહુના વિવા કરી દેવા બહાર નીકળ્યા છીયેં ? જા, જઈને તારી નાત ભેળી કર.”

“નાત પાસે ગયો’તો. પણ સામાવાળા પાસે ઠીક ઠીક જીવ છે. નાતને એણે રૂપિયા ચૂકવ્યા ને જમણ દીધું એટલે પછી નાત ગરીબની વાર હવે શેની કરે !”

“નાતેય રુશવત ખાધી ? હરામી નાત કાંઈ પેધી છે ! તે ભાઈ, તારા રાજાની પાસે જાને ?”

“ત્યાંય જઈ આવ્યો. પણ સામાવાળાએ રૂપિયા ચાંપ્યા, રૂપિયા ખાઈને

રાજા કહે છે કે તમારી નાતના કામમાં અમે વચ્ચે નહિ આવીએ !”

“આવી નાત ને આવા રાજા !”

“મૂળુભા બાપુ ! તમે મારો નિયા કરો. હું રાંડીરાંડનો દીકરોઃ નાનેથી મારે માથે વે’વાર પડ્યો. વાંસલા ચલાવી ચલાવી પાઈએ પાઈએ નાણાં સંઘર્યાં. પાંસચો કોરી દીધી ત્યારે માંડ વેશવાળ થયું. હું તો કોડે કોડે લગન સમજવા જઉં છું, ત્યાં તો સસરાએ ધક્કો દઈને કહ્યું, ‘જા જા ભિખારી. તને ઓળખે છે કોણ ?’ આવો અનિયા અને તમારું બા’રવટું ચાલે તે ટાણે ?”

“હેં એલા, કન્યાનું મન કોના ઉપર છે ? તારા ઉપર કે સામાવાળા ઉપર ?”

“મારા ઉપર, બાપુ ! સામાવાળો તો ફક્ત શાહુકાર છે, કાંઈ મારા જેવો રૂડો નથી. એના હાથમાં વાંસલો ભળે છે જ ક્યાં ! ને હું અધરાત સુધી કામ કરું એવો. આ જુવોને મારી ભજાઉં ! સાંજ પડ્યે પાંચ ઝાડવાં કુવાડે કુવાડે પાડી નાખું, ખબર છે ?”

“બસ ત્યારે, બાવડાં સાબૂત હોય તો નીકળ અમારી હારે બા’રવટે. લાવ તારો હાથ. આ કોલ દઉં છું. મૂળુ માણેક પંડે તને કોલ દે છે, કે ઈ કન્યા સાથે તુંને જ પરણાવવો. પણ એક શરત કબૂલ છે ?”

“બોલો, બાપુ !”

“તુંને પરણાવીએ. પણ એક રાત ઉપર વધારે વાર ઘરે નહિ રે’વાય. એકલે પંડે અમારી સાથે નીકળી જવું પડશે. બા’રવટિયા એટલા તો જોગી જતિ, જાણછ ને ?”

સુતાર થોડી વાર ખચકાણો. પરણેતરની એક જ રાત અને તે પછીના સેંકડો સુખી દિવસો સડેડાટ એની આંખ સામેથી નીકળી ગયા. ઘરની શીતળ છાંયડીવાળી કોડઃ હેલ્યે પાણી ભરતી સુતારણઃ ખભા ઉપર ખેલતાં નાનાં છોકરાંઃ એ બધુંય સ્વપ્નું એક ઘડીમાં સમાઈ ગયું. ઝબક્યો હોય તેવી ઉતાવળે મૂળુભાને પગે હાથ નાખીને કહ્યું કે “કબૂલ છે, બાપુ ! મારે તો ઈ અધરમના કરવાવાળા ઈ સવેલડાં લઈ જનારા શાહુકાર માથે અને ઈ અનીતિનાં દલાલાં આરોગનાર નાતને દરબાર માથે આખો અવતાર વેર વાળ્યે જ છૂટકો છે.”

“રંગ તુંને ! બોલ, જાન કે દી ને ક્યાંથી નીકળવાની છે ?”

દિવસ અને જગ્યા નક્કી થયાં, બહારવટિયાઓએ છાનામાના ઓડા બાંધ્યા. બરાબર બપોરે સુતારની જાનનાં ગાડાં ખખડ્યાં. વરના માથા ઉપર ટબૂડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે -

મેઘવરણા વાઘા વરરાજા !

કેસરભીનાં વરને છાંટણાં.

સીમડીએ કેમ જાશો વરરાજા !

સીમડીએ ગોવાળીડો રોકશે.

ગોવાળીડાને રૂડી રીત જ દેશું

પછી રે લાખેરી લાડી પરણશું !

અને હાથમાં તરવારવાળો વરરાજા મૂછોના આંકડા ચડાવતો બેઠો છે.

ત્યાં માર્ગે બોકાનીદાર બહારવટિયા ખડા થઈ ગયા, ગાડાં થંભ્યાં, જાનમાં રીડારીડ થઈ પડી. બંદૂક તાકીને બહારવટિયો બોલ્યોઃ “કોઈ ઊઠશો મા. ને કોઈ રીડિયું પાડશો મા, અમારે કોઈને લૂંટવા નથી. ફક્ત એક હરામી વરરાજાને જ નીચો પછાડો.”

બાવડું ઝાલીને માણસોએ વરને પછાડ્યો. મૂળુએ હાકલ કરી, “હવે કાઢ તારાં ઘરેણાં.”

ઘરેણાંનો ઢગલો થયોઃ મૂળુ પોતાના ભેરુ સુતાર તરફ ફર્યો. “પે’રી લે, ભા !”

બહારવટિયે ફરી વાર વર તરફ જોયું. “છોડ્ય મીંઢળ !”

મીંઢળ છૂટ્યાં. બહારવટિયે કહ્યું, “બાંધી દ્યો ભેરુને કાંડે !”

મીંઢળ દાગીના, તરવાર, તોડાંઃ તમામ શણગાર વરના શરીરેથી ઊતરીને ભાઈબંધ સુતારને શરીરે શોભાવા લાગ્યાં.

“હવે ચડી જા ગાડે, બેલી !”

ભાઈબંધ ગાડે ચડ્યો. મૂળુ જોઈ રહ્યો. “વાહ, ઠાંવકો જુવાન હો! આ સવેલીચોરના કરતાં તો તુંને આ વેશ વધુ અરઘે છે. એ બાઈ ! વરની બોન ! તું કેમ ચૂપ થઈ ગઈ ? આને માથેથી લૂણ ઉતારવા માંડ. ને સહુ બાઈયું-દીકરીયું જેમ ગાતી’તી તેમ જ ગાવા માંડો, જો આ સવેલીચોરને જીવતો રાખવો હોય તો.”

ગીત ઊપડ્યાં. લૂણ ઊતરવા લાગ્યાં.

“હાં, હાંકો જાન. અમે ભેળા છયેં.”

સવેલીચોરને જંગલમાં કેદ રાખી બહારવટિયો મૂળુ પોતાના સાચા ભાઈબંધને પરણાવવા ચાલ્યો. કોઈ ચું કે ચાં કરી શક્યું નહિ. સહુએ થરથરતે શરીરે ઝટપટ વિવાહ ઉકેલ્યા. સાચા વર વેરે કન્યા મંગળ વરતી. જાન પાછી વળી. એ ને એ ગાડે બહારવટિયો વરવહુને એના ગામમાં લઈ ગયો. અને સાંજરે ગામને સીમાડે ઊભા રહી ભાઈબંધને ભલામણ કરી કે “ભાઈબંધ ! આપણો કરાર યાદ કરજે. કાલ સવારે સામા ડુંગરામાં આવી મળવાનું છે. નીકર તારું મોત સમજ્જે !”

ર૬. કેવા નસાડ્યા !

“અરે મહેરબાન ! આંગળી ચીંધ્યાની ગુનેગારી ? મારા ગામમાં બહારવટિયા ભરાણા છે એવા વાવડ દીધાનું ઊલટું આ ફળ ? સંચોડું ગામ જ સળગાવી દેશો ?”

“બીજો ઈલાજ નથી. તમે સંધીઓ પણ શામિલ છો. તમારા ગામને સાફ કરવું જ પડશે.”

રોઘડા ગામને પાદર ગામેતી તૈયબ સંધી આડો પડી પડી પાઘડી ઉતારે છે, અને એ બે ગોરા સાહેબો ઘાસનો સળગતો પૂળો લઈને ગામને આગ લગાડે છે. વાર્યા રહેતા નથી. ભેળી બલૂચોની ફોજ છે.

બે ગોરામાં એક છે ઓખામંડળનો રેસિડેન્ટ રાઈસ ને બીજો છે આસિસ્ટન્ટ પોલિટિકલ હેબર્ટ સાહેબ.

બહારવટિયા ગામની અંદર ઝાંપા આડાં ગાડાં મેલીને ઓથ લઈ ગયા છે. ‘હલ્યા અચો ! હલ્યા અચો’ એવા ચસકા કરે છે.

વાડ્યમાં પૂળો મેેલાણો. ગામ સળગ્યું. પણ સામી બહારવટિયાઓની ગોળીઓ સનસનાટ કરતી આવી. ફોજના ત્રણ બલૂચો પડ્યા. ફોજ પાછી હઠી.

આખરે તોપ આવી પહોંચી, પણ બે બાર કર્યા ત્યાં તોપ બગડી ગઈ.

“વીંટી લ્યો ગામને,” એવો હુકમ દઈ ગોરાઓએ ગામ ફરતો ઘેરો ઘાલ્યો. રાત પડી ગઈ. ગોરાઓ પોતાના તંબૂમાં પેઠા.

ચંદ્રમા આથમીને અંધારાં ઊતર્યાં. અને પોષ મહિનાની ટાઢમાં ટૂંટિયાં વાળીને બેઠેલાં કૂતરાં ભસવા લાગ્યાં.

પહેરેગીરોએ પોતાની તીણી આંખે અંધારાં ચીરીને જોયું. બૂમ પાડી, “ભાઈ, બહારવટિયા જાય છે.”

“ચૂપ રહો ! ચૂપ રહો ! ટાઢ વાય છે.” કહીને ફોજના બલૂચો સૂતા રહ્યા.

સાહેબોના તંબૂ અને બલૂચોની ચોકી, બેય વચ્ચે થઈને બહારવટિયા ચાલી નીકળ્યા પણ કોઈ સળવળ્યું નહિ.

સવાર પડ્યું ને સેનામાં શૂરાતન પ્રગટ્યું. બિંગલ ફૂંકાણાં. હુકમ છૂટ્યો કે “હા, ગામ ઉપર હલ્લો કરો.”

સેનાએ શાંતિથી ગામ લૂંટ્યું. બલૂચોએ અબળાઓની આબરૂ પાડી. એ અત્યાચાર એક પહોર ચાલ્યો.

લૂંટ અને બદફેલી ખતમ કરાવીને ગોરાઓ તંબૂમાં આવ્યા. પોતે બહારવટિયાને કેવી બહાદૂરીથી નસાડ્યા તેનો અહેવાલ લખવા બેઠા.

ર૭. ‘નહિ હટેગા !’

થાણાદેવળી ગામની દરબાર-કચારીમાં લખમણ વાળા દરબારની હાજરીમાં અભરામ નામના મકરાણીએ નીચે પ્રમાણે વાત વારે વારે કહી સંભળાવેલીઃ

આભપરા ડુંગર ઉપર, સોન-કંસારીના દેરાંની ઓથ લઈ પોણોસો વાઘેરો સાથે મૂળુ માણેક પડ્યો હતો. એની સામે નગર-વડોદરાની મળી નવસો માણસની ફોજે નીચલે ગાળેથી મોરચા માંડ્યા. ફોજની પાસે નવી નવી ઢબનાં હથિયાર છે, દારૂગોળા છેઃ ને વાઘેરો તો જેવાં જડ્યાં તેવાં હથિયારે ટક્કર લઈ રહ્યા છે.

રોંઢા સુધી ટપાટપી બોલી, પણ ગિસ્તને વાઘેરો પાછી ન વાળી શક્યા. ધીરે ધીરે ગિસ્ત પગલાં દબાવતી ઓરી આવવા લાગી. બહારવટિયાઓની પાસે દારૂગોળો ખૂટી ગયો, મૂળુ મરણિયો થયો. એણે આજ્ઞા દીધી કે “બાલબચ્ચાંને ડુંગરાની પાછલી બાજુએ ઉતારી નાખો. અને છેલ્લી વારના ‘જે રણછોડ’ કરી જદા પડી જાઓ !”

પોણોસો વાઘેરો તરવારો દાંતમાં ભીંસીને છેલ્લા અક્કેક બબ્બે ભડાકા જેટલો દારૂવાળી બંદૂકો સાથે હેઠા ઊતર્યા. પણ ઉપરથી આવતા પોણોસોનો ધસારો એ ફોજને પંદરસો જેટલો લાગ્યો.

ગિસ્ત ભાગી. પોણોસો મરણિયાના હલ્લા નિહાળતાં જ ગિસ્તના આત્મામાંથી રામ ગયા. આડીઅવળી ગાળે ગાળે અટવાતી ફોજ ઊપડી અને મૂળુએ હાકલ કરી કે “ભજો મા ! પે ભજો મા ! નિમક લજાવો મા; જુવાન્યો, ભજો મા !” પણ ગિસ્ત તો ભાગી તે ભાગી જ.

“ખબરદાર !” મૂળુએ માણસોને કહ્યું, “ભજાને માથે ઘા ન કરજો હો કે !”

ભાગતા શત્રુની ઉપર ઘા ન કરવાનું વાઘેર બહારવટિયાનું બિરદ હતું તે પ્રમાણે વાઘેરો બંદૂકો વછોડવી બંધ કરી. પણ બંદૂકના ધુમાડા વીખરાયા અને ઉઘાડા અજવાળામાં વાઘેરોએ એક આદમીને ઊભેલો દીઠોઃ જાણે મસ્જિદમાં નમાજ પઢતો હોય એવો અચળ બની ઊભો છે. એને મોતનો ડર નથી.

બૂંગણ ઉપર દારૂગોળા ને હથિયારોનો પથારો પડ્યો છે. ખાવાનાં ભાતાં પડ્યાં છે; અને એ બધાંની વચ્ચે ઊભો છે એક જુવાન આદમીઃ હાથમાં છે જમૈયોઃ જમૈયો ચક ! ચક ! ચક ! થઈ રહ્યો છે. જુવાનને ઝીણી પાતળી દાઢી છે. મુસલમાન દેખાય છે. પણ નકલ નહિ, અસલ મુસલમાન છેઃ આરબ છેઃ ભેટમાં ત્રણ-ચાર જમૈયા ધરબ્યા છે.

ધસારો કરતો બહારવટિયો ઊભો રહી ગયો. પાછળ ધસી આવતાં માણસોને પોતે પંજો આડો ધરી અટકાવ્યા અને હુકમ કર્યો, “એને કેડી દઈ દ્યો, ભાઃ ઈ બહાદુર છેઃ નવસોમાંથી એકલો ઊભો રહ્યો છે, એને માથે ઘા ન હોય. કેડી દઈ દ્યો.”

માણસોએ મારગ તારવી દીધો. શત્રુને ચાલ્યા જવાની દિશા દીધી.

પણ શત્રુ ખસતો નથી.

એ તો ઊભો જ છેઃ હાથમાં ઉગામેલો ચક ! ચક ! જમૈયોઃ ઠરેલી આંખોઃ ભરેલું બદનઃ ગુલાબના ગોટા જેવું મોંઃ એવો શત્રુ ભાગી ગયેલી ગિસ્તના દારૂગોળા ને સરંજામની વચ્ચે બૂંગણ ઉપર ઊભો છે. એકલો ઊભો છે.

બહારવટિયો નીરખી નીરખીને જોઈ રહ્યો. બોલ્યો, “શાબાશ બેલી! છાતીવાળો જુવાન ! ચાલ્યો જા, દોસ્તઃ તુંને ન મરાય ! તું શૂરોઃ ચાલ્યો જા!”

તોય આરબ ઊભો છે. બહારવટિયાને દારૂગોળો હાથ કરવાની ઉતાવળ છે. આકળો બહારવટિયો ફી પડકારો કરે છે કે “હટી જા, જુવાન, ઝટ હટી જા !”

જુવાનના હોઠમાંથી અવાજ નીકળ્યો, “નહિ હટેગા !”

“અરે બાપ ! હટી જાય. તું આંહીં જાને નથી આવ્યો.”

“નહિ હટેગા ! હમ નિમક ખાયા ! હમ નહિ હટેગા !” “અરે ભા ! હટી જા, અમારે દારૂગોળો હાથ કરવો છે.”

“યે મેઘજીન, ઔર દારૂગોળો, હમારા સર સાટે હૈ; સર પડેગા પીછે

ઇસ સરંજામ પર તુમારા હાથ પડેગા. હમ નહિ હટેગા. હમને નિમક ખાયા.”

બહારવટિયાએ આ વિલાયતી જુવાનના ગુલાબી બદન પર સાચો રંગ પારખ્યો. સાથીઓ તરફ વળીને કહ્યું કે “આવા વીરને એકલાને આપણે સામટા જણ ભેળા થઈને મારી પાડીએ ઈ શોભે ? બોલો ભાઈઓ !”

માણસો બોલતા નહોતા, જમૈયાવાળા જુવાનને જોઈ રહ્યા હતા, જુવાન અબોલ હતો, પણ એના દેખાવની ખુમારી જાણે હાકલ કરીને બોલતી હતી કે “નહિ હટેગા, નિમક ખાયા.”

મૂળુએ આજ્ઞા કરી, “આવો બેલી ! આપણે સહુ બાજુએ બેસી જાયીં. આપણામાંથી એક એક જણ ઊઠો, ને આ જુવાનની હારે જુદ્ધ માંડો. બાકી તો ઈ પડે ત્યાર પહેલાં એના સરંજામને અડવું અગરાજ છે.”

બધા જણ બાજુએ બેઠા. એક જુવાન ઊઠીને આરબ સાથે બાખડ્યો. નિમકની રમત રમતો આરબ આખરે પડ્યો. મૂળુએ મરતા શત્રુની પીઠ થાબડી.

“શાબાશ તારી જણનાીને, જુવાન !”

આબની લાશ ઉપર બહાવટિયાએ કિનખાબની સોડ્ય ઓઢાડી, લોબાનનો સુગંધી ધૂપ દીધો અને મુસલમાનની રીતે એની મૈયત કાઢીને બહાવટિયાએ જુવાનને દફનાવ્યો.

વાત કરનાર મકાણી અભામે કહ્યું કે “બાપુ ! હુંયે ઈ નવસો જણાની ગિસ્તમાં હતો. ભાગવાનું વેળુ ન રહેવાથી ઝાડીની ઓથે સંતાઈ ગયો’તો. સંતાઈને મેં આ આખોય કિસ્સો નજરોનજ દીઠો’તો. જેવું જોયું છે તેવું જ કહું છું.”

ર૮. માછરડાનું ધીંગાણું

ડુંગરની ભેખ ઉપર માથું ઢાળીને મૂળુ માણેક બેઠો છે. રોઈ રોઈને આંખો ઘોલ મરચા જેવી રાતી થઈ ગઈ છે. પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા.

“મૂરુભા ! છાતી થર રાખો. હવે કાંઈ મૂવેલો દેવોભા પાછો થોડો આવે તેમ છે ?”

“ના, ભાઈ ! મૂવો તે કારણે હું રોતો નથી. એવા સાત ભાઈને પણ રણછોડરાયના નામ માથે ઘોળ્યા કરું. પણ દેવો તો અમારા કુળને બોળીને મૂવો.”

થોડી વારમાં બહારવટિયો છાનો રહ્યો. પછી બોલ્યો, “મારી મનની મનમાં રહી ગઈ. દેવાના કટકા મારાથી થઈ શક્યા હોત તો મારા હાથ કેવા ઠરત ! દુનિયાને દેખાડત કે ભાઈએ સગા ભાઈને અધરમ સાટુ છેદી નાખ્યો. પણ હવે બાજી ગઈ.”

“મુરુભા ! માછરડાને પાદર વડલા નીચે સાહેબોએ દેવુભાની લોથ લટકાવી છે.”

“ભલે લટકાવી... જગત જોશે કે અધરમીના એવા હવાલ હોય છે. રંગ છે સાહેબોને. ભલે એની કાયાને કાગડા-કૂતરાં ખાતાં.”

“મુરુભા ! હવે ઈ લોથમાં તો દેવુભાનો આતમા નથી રહ્યો; પાપનો કરનારો પ્રાણ તો ચાલ્યો ગયો છે અને ખાળિયું તો હિંદુ-મુસલમાન સહુને મન સરખું જ પાક લેખાય. એ ખાળિયાને અવલમંજલ પોગાડ્યા વિના દેવુભાનો જીવ પ્રેતલોકમાં જંપશે નહિ.”

“ભલે, તો લઈ આવીએ.”

માછરડાને પાદર પાકી ચોકી વચ્ચે દેવાનું મુડદું લટકે છે. દેવાએ ન કરવાનું પાતક કર્યું હતું. મૂળુએ જાકારો દીધો પછી દેવા પોતાનાં ત્રીસ માણસોની સાથે ગામડાં ભાંગતો ને કુફેલ આચરતો. એક દિવસ બહારવટિયા બુટાવદર નામના ગામ પર પડ્યા, ગામ ભાંગ્યું, ગામનો કોઠો કબજે લીધો. હીણી મતિના ભાઈબંધોનો ચડાવ્યો દેવો દારૂમાં ચકચૂર બન્યો. અને એ અક્કલ ખોઈ બેઠેલાના કાનમાં ભેરુએ ફૂંક્યું કે “દેવુભા ! આહીરના દીકરાની વહુઃ તારે લાયક એનાં રૂપઃ તું આ ગામનો રાજા કહેવાઃ હુકમ દે, ઉઠાવી લાવીએ!”

“રે’વા દેઃ દેવુભા, અલ્લાના કસમ છે તને ! એ કામો રે’વા દે ! ખુદાનો ખોફ ઊતરશે, રે’વા દે !”

મકરાણી સાથી શકર જમાદાર, કે જે ખંભાળિયેથી દેવાની સાથે ભળેલો, તેણે આ બૂરાઈને રસ્તેથી દેવાને ઘણો ઘણો વાર્યો, પણ દેવાનો દેવ રૂઠ્યો હતો.

વરવો ચંદ્રવાડિયો નામે આહીરઃ એના દીકરા શવાની આણાત સ્ત્રીને અધરાતે ઉઠાવી જઈ લંપટોએ કોઠામાં પૂરી. આખી રાત એ કાળો કોઠો આહીર અબળાને વિલાપે કંપતો રહ્યો. સવારે એને પાછા ઉઠાવી ઘેરે નાખી ગયા.

બીજા દિવસની અધરાત પડી. કોઠામાંથી કુકર્મીઓ ફરી વાર વછૂટ્યા. આહીરને ઘેર આવ્યા. ઘરમાં આહીરાણીને ન દેખી. વરવાને પૂછ્યુંઃ “ક્યાં છે બાઈ ? બતાવ !”

“હું નથી જાણતો.”

“દ્યો એને ડામ.”

વરવાને શરીરે જામગરીઓ ચાંપી ચાંપી ડામ દીધા. વેદના ન સહેવાણી ત્યારે વરવો માન્યોઃ “આ પટારામાં છે.”

પટારામાંથી બાઈને ઉઠાવી. પ્રભાતે એનું અધમૂઉં ખોળિયું પાછું આવ્યું. ઓખામંડળની ધરતી પર નિસાસા વરસાવતી આહીરાણીએ શ્વાસ બંધ કર્યા.

બુઢ્ઢો આહીર વરવો જાણે આભને પૂછતો હતો કે “ક્યાં જાઉં !”

“ઢાંકને ડુંગરે. જલદી પોગ, સાહેબોનું જૂથ છે,” ધીરે અવાજે એટલું જ બોલીને એક વટેમાર્ગુ ચાલ્યો ગયો.

મુઠ્ઠીઓ વાળીને વરવાએ હડી દીધી. શ્વાસભર્યો, અંધારાભરી આંખે ઢાંક પહોંચ્યો. ગોરાઓની બંદૂકો ડુંગરાની અંદર દીપડાના શિકાર ખેલે છે. કાઠિયાવાડ એજન્સીના અંગ્રેજ અમલદારો, જેની જુવાની જળભરપૂર સાયર જેવી છલકી રહી છે, તેના પગોમાં આહીરે માથું મેલી ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું. પોતાને માથે ગુજરેલા અકેકારની કથની કહી. જુવાન ગોરાનું લોહી તપી ગયું, પૂછ્યુંઃ “ક્યાં છે બદમાશો ?”

“બુટાવદરના કોઠામાં.”

અંગ્રેજોએ ઘોડાં પલાણ્યાં. ઈ.સ. ૧૮૬૭ના ડિસેમ્બર મહિનાની ર૯મી તારીખ છે. ગોરાઓનો પાક દિવસ છે, લૂંટારાઓને ઠાક કરી મોટાં ઈનામો મેળવવાના કોડ ઊછળે છે. આજનું ટાણું કે દી આવશે ? આવો સોંઘો સુરજ

ફરી નહિ જડે.

કાલી પલટણના મેજર રનોલ્ડ (૧ર નંબરની બોમ્બે કેવલ્રી)

આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કેપ્ટન હેબર્ટ

આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કૅપ્ટન લાટૂશ

આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કૅન્ટન હૅન્ડરસન

કૅપ્ટન હૅરિસન

જમાદાર અલવી

જામનગર સિબંધીના જમાદાર નથુ આલા

જામનગર સિબંધીના રાજા બહાદુર જાલમસિંહ

-એટલા જણાની સરદારીએ ફોજ ઊપડી. ઘોડાંનો ઘેર થઈ ગયો. બંદૂકોમાં કારતૂસ ચડી ગયા. આભ ધૂંધળો થયો.

બુટાવદરના કોઠા ઉપરથી ચાડીકાએ ડમરી દીઠી, એટલે દેવાને ચેતવ્યો કે “દેવાભા, વાર આવી વરતાય છે.”

ફોજ પહોંચે તે પહેલાં તો કોઠા ઉપરથી ઠેકી ઠેકીને દેવાની ટુકડી ભાગી છૂટી અને વહારે એનો પીછો લીધો. વાઘેરો ઊતરીને વડાળી ગયા. વડાળી થઈને નવાગામ નીકળ્યા. નવાગામમાં વાડામાં પલટનના માણસો આંબી ગયા. ધીંગાણું થયું. બે વાઘેર ને ત્રણ પલટનિયા કામ આવ્યા, પછી ફોજવાળાએ ઓડા બાંધ્યા. સાહેબે આજ્ઞા કરી કે “રાજાબહાદુર જાલમસંગ ! તમે ફગાસિયા અને જામવાળીના ડુંગરો ઝાલો.”

જાલમસંગ ફગાસિયા ચાલ્યા અને વાઘેરોએ માછરડાની ધાર ઝાલી.

માછરડાની ધાર તો નાની એવી ટેકરી છે. ચારેય બાજુ મેદાન છે. ઉગમણી નદી ચાલી છે. ટેકરી ઉપર કાંઈયે ઓથ નથી. ત્યાં વાઘેરોએ ખાડા ખોદીને જેવી તેવી આડશ કરી દીધી.

ત્રણસો હથિયારધારીઓએ ત્રણ બાજુથી લૂંટારાને વીંટી લીધા.

“સાહેબ !” ઉપર પહોંચવા માટે આકળા ગઈ ગયેલા ગોરા સાહેબ લાટૂશને રાવ બહાદુર પોપટજી વેલજી નામના અધિકારીએ વાર્યા, “સાહસ નથી કરવા જેવું. ધીરા રહેજો !”

“હવે વાણિયો થા મા, વાણિયો !” એવા જલદી જવાબ આપીને લાટૂશે ધાર ઉપર ઘોડાં મારી મૂક્યાં.

ઉપરથી બહારવટિયાની ગોળીઓના મે’ વરસ્યા. પેડુમાં જોખમ ખાઈ જુવાન લાટૂશ ઘોડા ઉપરથી ઊછળ્યો, નીચે પટકાયો.

ફોજના ગોળીબારે વાઘેરોનો પણ સોથ વાળ્યો. દુષ્ટ દેવોભા પણ છેલ્લે છેલ્લે ખરી બહાદુરી બતાવતો, જખમોમાં વેતરાઈ જઈને ઢાલને ટેકે પડ્યો હતો. બાજુમાં બે-જોટાળી બંદૂક હતી. મરતો મરતો એ મિયાં અલવીની વાટ જોતો હતો. અલવીને પોતાની સાથે લઈ જવાની એની છેલ્લી ઈચ્છા હતી. એ વખતે લાટૂશના મોતથી વીફરેલો હેબર્ટ હાથમાં ઉઘાડી તરવાર લઈ ઘૂમતો હતો. એણે એક જગ્યાએ દેવાને પડેલો દીઠો. એને મૂએલો માની ગોરો તરવારની અણી હુલાવવા ગયો. મરણની તૈયારી કરતા વાઘેરે સૂતાં સૂતાં પોતાના પડખામાં પડેલી બંદૂક ઉપાડી હેબર્ટને ત્યાં ને ત્યાં ફૂંકી દીધો અને પોતે પણ થડકારાથી શ્વાસ છોડ્યો. (કહે છે કે લાટૂશને પણ દેવાએ ત્યાં જ મારેલો.)

એ ધીંગાણામાં કામ આવેલા ઓગણીસ લૂંટારાની લાશો બીજે દિવસે માછરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થરેરાટી બોલી ગઈ.

મધરાતે મૂળુ માણેક આવી પહોંચ્યો, ચોકી વચ્ચેથી ભાઈની લાશ ઉપાડી ગયો. સોગઠીને પાદર જઈને લાશને દેન દીધું.

માણેકે માંડવ રોપિયો, વાગે ત્રંબક તૂર;

દેવે ખાગેથી ડંસિયા, હેબટ ને લટૂર.

(માણેક વાઘેરે માંડવા રોપ્યા, ત્રાંબાળુ ઢોલ ને તૂરીના નાદ થયા. દેવાએ તરવારથી હેબર્ટ ને લાટૂશ બંને ગોરાઓને માર્યા.)

માછરડે શકત્યું મળી, પરનાળે રગત પીવા.

અપસર થઈ ઉતાવળી, વર દેવો વરવા.૧

આજ ત્યાં - માછરડા પર - બે સાહેબોની કબરો છે.

બુઢ્ઢા વાઘેરો દ્વારકાને બંદીખાને પડ્યા પડ્યા રોજેરોજ અને પહોરે પહોરે ધીંગાણાંના સમાચારની વાટ જુએ છે. બહારવટામાં કોણ કોણ મર્યું એની બાતમી આ બુઢ્ઢાઓને દરોગો આપ્યા કરે છે. એ રીતે એક દિવસ દરોગાએ સંભળાવ્યું કે “રવા માણેક !”

લબડતી ચામડીવાળા, સુકાયેલા વાઘેર કેદીએ ઊંચું જોયું.

“રવા માણેક ! માછરડાની ધારે તારો દેવો મર્યો.”

સૂકું મોં મલકાવીને કેદીએ માથું ધુણાવ્યું, “મરે નહિ, જેલર સા’બ! મારો દેવડો આમે આમે મરે નહિ. ખોટી વાત.”

સાંભળતાં જ બુઢ્ઢાની આંખ ચળકી. ટટ્ટાર થઈને એણે પૂછ્યું, “બે ગોરાને ?”

“હા, હેબર્ટને અને લટૂરને.”

“આહ ! ભા દેવડો ભા ! રંગ આય ! રંગ આય ! રંગ દેવડો !”

એટલું બોલતો બુઢ્ઢો હરખના ઉન્માદમાં ત્યાં ને ત્યાં ઢગલો થઈ પડ્યો. પોરસથી એની છાતી ફુલાણી અને શ્વાસ ચાલ્યો ગયો.

૧ કિનકેઈડનું ભાષાંતર :

ર્

ંદ્બ સ્ટ્ઠષ્ઠરટ્ઠઙ્ઘિટ્ઠ ૐૈઙ્મઙ્મ ંરી ર્ય્ઙ્ઘઙ્ઘીજજ (દ્ભટ્ઠઙ્મૈ)

ઝ્રટ્ઠદ્બી ર્ં ઙ્ઘિૈહા ંરી હ્વર્ઙ્મર્ઙ્ઘર્ ક દ્બીહ.

છહઙ્ઘ ંરી છજેટ્ઠિજ ષ્ઠટ્ઠદ્બી ૈહ રટ્ઠજીં ર્ં ુીઙ્ઘ

ંરી રીર્િ ડ્ઢીદૃ (સ્ટ્ઠહૈા.)

ર૯. ઓખો રંડાણો

“મૂરુભા ! આ વાડીની ઘટા ઠાવકી છે. આંહીં જ વિસમિયેં.”

“હા વેરસી ! માણસું અનાજની ના પાડશે પણ ઝાડવાં કાંઈ છાંયડીની ના પાડશે ?”

હસીને જવાબ દેતાં દેતાં બહારવટિયાએ પોતાના દૂબળા દેહ પરથી હથિયાર છોડ્યાં. બરડાના વાછરડા ગામની સીમમાં એક વાડીનાં ઘટાદાર ઝાડવાં હેઠળ એણે પોતાનું થાકેલું ડિલ પડતું મેલ્યું. ભૂખે અને ઉજાગરે એને ભાંગ્યો હતો.

વૈશાખની ઊની લૂ વાતી હતી. ચારે કોર ઝાંઝવાં ! ઝાંઝવાં ! ઝાંઝવાં ! જાણે નદીસરોવર ભર્યાં છે, ને કાંઠે મોટી નગરીઓ જામી પડી છે!

બીજા ચાર સાથીડા ભેળા હતા, તેણે પણ હથિયાર પડિયાર ઉતારીને ઓશીકે મેલ્યાં. ઝાડને થડ ટેકો દઈ પરાણે હસતું મોં રાખતો બહારવટિયો બોલ્યોઃ “જોયું, ભાઈ જગતિયા ! આ ઝાંઝવાં જોયાં ? ઓખો જાણે આઘો ઊભો ઊભો હાંસી કરી રિયો છે ! અરે ભૂંડા ! પાંજો વતન થઈને ટરપરાવછ! અટાણે !”

મૂળુએ મોં મલકાવ્યુંઃ પણ એની આંખોમાં ઝળઝળિયાં છલી આવ્યાં.

હાદો કુરાણી જોઈ રહ્યો, “હેઠ મૂરુભા ! કોચવાઈ જવાય કે ?”

“અરે, ના રે ના ! ઈ તો મુંને જોધો કાકો ને દેવોભા સાંભળી આવ્યા. પંદરસોની ફોજ ફેરવતાં, તેમાંથી આજ પાંચ રિયા. હવે પાંચમાંથી તો કોઈ ખસો એમ નથી ને, ભાઈ ?”

નાગસી ચારણે પોરસ ચડાવ્યો, “આ પાંચ તો પાંડવું જેવા રિયા છીએં, મૂરુભા ! હવે તે ખસીએં ? આવો સાથ છોડીએ ?”

“અરે હવે ક્યાં ઝાઝા દી કાઢવા છે ? ઠીક લાંઘણું થાવા લાગી છે, હવે તો દ્વારકાનો ધણી વે’લી વે’લી દોરી ખેંચી લેશે !” મૂળુ પરાણે હસતો હસતો બોલ્યો.

“એ.... ભૂખનો વાંધો નહિ, મૂરુભા !” વેરસી બગાસું ખાતો બોલ્યોઃ “ભૂખ ખમાય, ઉજાગરા ન ખમાય. અટાણે ભલેને કોઈ ભોજન ન આપે ! કાંઈ ઊંઘવાની કોઈ ના પાડે એમ છે ? ઊંઘ કરીને ભૂખ વીસરશું.”

સહુએ એક પછી એક બગાસાં ખાધાં.

“મૂરુભા ! હથિયાર છોડવાનું મન થાય છે ?”

“હવે હથિયાર છોડું ? કિનારે આવીને બૂડું ? આ ટાણે તો દેવાવાળું

ગીત મોંયે ચડે છે.”

ધીરે કંઠે મૂળુ ગાવા લાગ્યોઃ

ના રે છડિયાં હથિયાર અલાલા બેલી !

મરણેજો હકડી વાર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં હથિયાર,

(હથિયાર નહિ છોડીએ, અલ્લા અલ્લા કરો, ઓ ભાઈઓ! એક વાર મરવું તો છે જ, દેવોભા કહે છે કે ઓ વંકડા મરદ, મૂળુભા ! આપણે હથિયાર નહિ છોડીએ.)

પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે,

કીને ન ખાધી માર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

(પહેલું ધીંગાણું પીપરડીનું કર્યું ત્યાં કોઈએ માર ન ખાધો.)

હેબટ લટૂરજી વારું રે ચડિયું બેલી !

ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

(હેબર્ટ લટૂરની ફોજ ચડી, ત્યારે માછરડાની ધાર પર ચડ્યા.)

જોટો રફલ હણેં છાતીએ ચડાયો નાર,

હેબટ લટૂર મુંજો ઘા, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. (

જોટાળી રાઈફલ છાતીએ ચડાવીને દેવાએ કહ્યું કે જોઈ લેજો હેબર્ટ લટૂર ! મારો ઘા કેવો થાય છે ?)

ડાબે તે પડખે ભેરવ બોલે, જુવાનો !

ધીંગાણેમેં લોહેંજી ઘમસાણ, દેવોભા ચેતો,

મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.

(ડાબી બાજુએ ભેરવ-પક્ષી બોલ્યું છે. માટે આજ તો ધીંગાણામાં લોઢાનાં ઘમસાણ બોલશે. આજ મરશું એવા શુકન દેખાય છે.)

ચારેય જણ લહેરથી ગીત ઝીલવા લાગ્યા. ગાઈને ભૂખ-દુઃખ વીસરવા લાગ્યા.

ગાતો ગાતો મૂળુ ઝોલે ચડ્યો. નીંદરે ઘેરાણો. ચારેય સાથીઓનાં પોપચાં પણ ભારી થવા લાગ્યાં. ભેળો એક જણ ચાડિયો હતો એને બેસાડ્યો. ઝાડ માથે. અને પાંચને નીંદરે ઢાળી દીધાં. લાંઘણો, ઉજાગરા અને રઝળપાટ થકી લોથપોથ થયેલાં શરીરો ઘસઘસાટ લંબાઈ ગયાં.

બંદૂક લઈને ઝાડ ઉપર બેઠેલા ચાડીકાને પણ ઝોલાં આવવા લાગ્યાં. બંદૂક પર ટેકો લઈને એ પણ જામી ગયો.

સીમમાં એક આદમી આંટા મારે છે. એણે આ સૂતેલા નરોને નીરખ્યા, ઓળખ્યા. બાજુમાં જ પોરબંદરની ફોજ પડી હતી, તેને જઈ વાવડ દીધા.

ફોજનો દેકારો બોલ્યો ત્યારે બહારવટિયા જાગ્યા. મીઠું સ્વપ્નું ચાલતું હતું. જાણે ગાયકવાડી સૂબા બાપુ સખારામે અને બે હજાર કોરી આપી છેઃ ને પોતે એ ખરચી પરણવા ગયો છેઃ ફુલેકે ચડ્યો છેઃ રૂપાળી વાઘેરાણી જાણે રાતના છેલ્લે પહોરે એનું કપાળ પંચાળે છે.

એ મીઠું સોણું ભાંગી ગયું. જાગે ત્યાં સામે મોત ઊભું છે.

બહારવટિયો ઊઠ્યો. ગિસ્તની સન્મુખ પગલાં માંડ્યાં. ભેરુઓએ હાકલી દીધીઃ “મૂળુભા ! આમ આભપરાના દીમના !”

“ના ભાઈ, હવે તો રણછોડરાયજીના દીમના !”

બહારવટિયો ફોજની સન્મુખ ચાલ્યો, વાર આંબે તે પહેલાં તો પાંચેય

જણાએ ગામ બહારના એક ઘરની ઓથ લીધી. એ ઘર ઢેઢનું હતું. વારમાંથી હાકલ પડીઃ “તરવાર નાખી દે જીવવું હોય તો.” જવાબમાં ખોરડામાંથી બહારવટિયો ગહેક્યોઃ ભેળા ચારે ભેરુએ સૂર

પુરાવ્યાઃ શૂરવીરોએ જાણે મોત વેળાની પ્રાર્થના ઉપાડીઃ ૧ના છડિયાં તરવાર અલાલા બેલી, મરણેજો હકડી વાર, દેવોભા ચેતો, મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. “એ ભાઈ ! જીવવા સાટુ નો’તા નીકળ્યા. અને પે ! આવી જાવ.

મરદુંના ઘા જોવા હોય તો ઓરા આવો. આઘે ઊભા ઊભા કાં પડકાર કરો?” પાંચ જણા ખોરડામાં ભરાઈ બેઠા હતા.ર પણ ફોજમાં પાંચસો જણામાંથી કોઈની છાતી નહોતી કે પડખે આવે. છેટેથી જ બંદૂકોનો તાશેરો થયો.

૧. કિનકેઈડ આનું ભાષાન્તર કરતાં લખે છેઃ

ૐીિી ૈજ ટ્ઠ ૂેટ્ઠિંટ્ઠિૈહ ંરટ્ઠં ુટ્ઠજ જેર્જીઙ્ઘ ર્ં રટ્ઠદૃી હ્વીીહ ષ્ઠરટ્ઠહીંઙ્ઘ ટ્ઠજ ંરી જર્ંદ્બિૈહખ્ત ટ્ઠિંઅ ષ્ઠટ્ઠદ્બી ે ટ્ઠહઙ્ઘ કર્િદ્બ ૈંજ જૈિૈં, દ્બૈખ્તરં રટ્ઠદૃી હ્વીીહ જેહખ્તર્ હ ંરી હ્વટ્ઠહાજર્ ક ંરી ર્િેઙ્ઘ ઈેર્િંટ્ઠજઃ

ૐીટ્ઠિ ંરી હ્વર્િંરીજિ, સ્ટ્ઠહૈા જટ્ઠઅ,

હ્લટ્ઠદ્બીર્ િ ઙ્ઘીટ્ઠંર હ્વીર્ ેજિ ર્ંઙ્ઘટ્ઠઅ,

ઝ્રટ્ઠૈંદૃીજ ુી જરટ્ઠઙ્મઙ્મ હીદૃીિ હ્વી,

ડ્ઢીટ્ઠંર દ્બટ્ઠઅ કૈહઙ્ઘ, હ્વેં કૈહઙ્ઘ ેજ કિીી.

ર. કોઈ જાણકારો એમ પણ કહે છે કે મૂળુ માણેક છેલ્લી વાર ટોબરા પાસે ઘેરાણો ત્યારે તેના સાથી હરદાસ રબારીએ કહ્યુંઃ “મૂળુભા ! તું એકલો બહાર નીકળી જા, તું એકલો આબાદ રહીશ તો મીંડાં તો ઘણાં ચડી જશે.” મહામહેનતે મૂળુ માણેકે આ સલાહ સ્વીકારી, ધાબળો ઓઢી, તરવારનો પટો કાઢી બહાર નીકળ્યો. પણ ધાબળાનો છેડો ઊંચો થઈ જતાં ડાબા પગમાં રાજચિહ્ન તરીકે સોનાનો તોડો હતો તે દેખાઈ જતાં જ મકરાણી જમાદાર શોરાબ વાલેછંગાએ ઘા કર્યો ને બહારવટિયાને મારી પાડ્યો. પછી તો કાઠિયાવાડમાં ખબર પડતાં, વાઘેરોના પોરસવાળો એક સરવૈયો રાજપૂત સો ગાઉ પરથી ઘોડે ચડીને આવ્યો અને મૂળુ માણેકના મારનારના એ જમાદાર શોરાબ વાલેછંગાને શોધીને ઠાર કર્યો.

પણ બંદૂકોની ઝીંકે ખોરડું પડ્યું નહિ. બહારવટિયાઓએ પણ સામો ગોળીઓથી જવાબ વાળ્યો.

“એલા સળગાવો ખોરડું !” ગિસ્તમાં ગોઠણ થવા લાગી.

બંદૂકના ગજ સાથે દારૂની કોથળી ટીંગાડી, કોથળીની સાથે લાંબી જામગરી બાંધી, જામગરી સળગાવીને ગજનો ઘા કર્યો. ખોરડા ઉપર પડતાં જ દારૂનો દા લાગ્યો. ઘડીકમાં તો ખોરડાને મોટા મોટા ભડાકાએ ઘેરી લીધું.

જ્યારે બહારવટિયા ધુમાડે મૂંઝાઈ ગયા, ત્યારે મૂળુએ પોતાના ચારણ ભેરુને સાદ દીધો, “નાગસી ભા ! તું ચારણ છો. માટે તું મારું માથું ઉતારી લે, મારું માથું ગિસ્તને હાથે બગડવા મ દે. મારું માથું વાઢીને ફોજ લઈ જાશે અને મલકને દેખાડશે. એથી તો ભલું કે તું દેવીપૂતર જ વાઢી લે.”

ચારણ ધ્રૂજી ઊઠ્યો. મૂળુભાનું માથું વાઢવાનું જોર એની છાતીમાં નહોતું. દડ ! દડ ! દડ ! ચારણનાં નેત્રોમાંથી નીર દડી પડ્યાં.

“બસ ! ચારણ ! મારું મોત બગાડવું જ ઠર્યું કે ? ઠીક ત્યારે બેલી, ઉઘાડી નાખો બારણું.”

રપાંચ જણા બહાર નીકળ્યા. સામેથી ગોળીઓની ઝીંક બોલી અને આંહીં છેલ્લા નાદ સંભળાણા :

“જે રણછોડ !” “જે રણછોડ !” “જે રણછોડ !”

ઇંદરલોકથી ઊતરીયું, રંભાઉં બોળે રૂપ,

માણેક પરણે મૂળવો, જ્યાં ભેળો થિયા ભૂપ.

(ઇંદ્રલોકથી રંભાઓ મહારૂપ લઈને ઊતરીઃ જ્યાં ભૂપતિઓ ભેળા થયા છે અને મૂળુ માણેક પરણે છે ત્યાં રણક્ષેત્રમાં.)

નારીયું નત્ય રંડાય, નર કે દી રંડાય નહિ,

ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો.

(સ્ત્રીઓ તો રંડાય છે પણ પુરુષ કદી રંડાતો નથી. છતાં આજ તો મૂળુ માણેક મરતાં (ઓખામંડળ) જે પુરુષવાચક છે, તે રાંડી પડ્યો, નિરાધાર બન્યો.)

૩૦. રોયા રણછોડરાય

પોરબંદરની બજારમાં શેઠ નાનજી પ્રેમજીની દુકાન પર ગિસ્ત ઊભી છે. વચ્ચે પડ્યું છે એક વાઢી લીધેલું માથુંઃ કાળો ભમ્મર લાંબો ચોટલો વીખરાણો છે. નમણા મોઢા ઉપર લોહી રેળાયા છતાંયે મોં રૂડપ મેલતું નથી. હમણાં જાણે હોઠ ફફડાવીને હોંકારો દેશે ! એવામાથા ઉપર ગિસ્તના માણસો દારૂ છંટાવતા હતા.

પાસે ઊભેલા એક નાગર જુવાને એ વાઢેલ માથાની મુખમુદ્રા ઓળખી. એના મોંમાંથી વેણ નીકળી પડ્યું કે “આ તો મૂળુ માણેકનું માથું !”

પચાસેક આંખો એ બોલનાર ઉપર ચોંટી ગઈ. સહુને અજાયબી થઈ. મિયાં અલવીનો એક જાસૂસ પડખે ઊભો હતો. તેણે આ નાગર જુવાનને નરમાશથી પૂછ્યું, “તમે કેમ કરીને જાણ્યું, ભાઈ ?”

એક જ પલમાં જુવાન ચેતી ગયો. એ માથાના ધણીને વારે વારે દીઠેલો, ઘેરે નોતરેલો, પ્રેમથી હૈયાસરસો ચાંપેલો, એ બધી વાત ભૂલીને જવાબ દીધો કે એ તો બહુ રૂપાળું મોઢું છે, તેથી એમ લાગ્યું.

વાત અટકી ગઈ. નાગર બચ્ચો અણીને સમયે ઊગરી ગયો. અને એ રૂપાળા માથાને કપાયેલું દેખી, ભાંગી પડતે હૈયે ઘર તરફ ચાલ્યો ગયો.

ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય,

મોતી હૂતું તે રોળાઈ ગયું, માણેક ડુંગરમાંય.

(ગોમતીએ શોકથી મોં પર ઘૂમટો ઢાંક્યો. રણછોડરાય પણ રડ્યા, કેમ કે માણેકરૂપી મહામોલું મોતી ડુંગરમાં નાશ પામ્યું.)

ઐતિહાસિક માહિતી

૧.વૉટ્‌સનકૃત ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ઃ પાનાં ૧૧૬-૧૧૭, ૩૧૩- ૩૧૮ : વૉટ્‌સનનું વર્ણન ઉપરછલ્લું અને અમલદારશાહીની એકપક્ષી દૃષ્ટિથી જ લખાયેલું છે.

૨.ઓખામંડળના વાઘેરોની માહિતી’ : રચનાર દૂ. જ. મંકોડી તથા હ. જૂ. વ્યાસ, દ્વારકા. મૂળ રા. સા. ભગવાનલાલ સંપતરામે લખેલું. એમાં સારી પેઠે, સમતોલ અને પ્રયત્નપૂર્વક એકઠી કરેલી માહિતી છે.

૩.મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્રરૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશીભાઈ, કે જે આમાંની અમુક ઘટનાઓના ખુદ સાક્ષી છે. તે હજુ બેટમાં હયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે.

૪.આ નવી આવૃત્તિમાં ઝીણી-મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષીરૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી.

કીર્તિલેખ કોના રચાય છે ?

(લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી)

મારી ટાંચણપોથીનું પાનું ફરે છે અને એક કબર દેખાય છેઃ

“દ્વારકાઃ કબરઃ કિલ્લા પાસે. કબર છે એક ગોરાની. કબરના પથ્થર પર લેખ કોતર્યો છે

ઉૈઙ્મઙ્મૈટ્ઠદ્બ ૐીહિઅ સ્ટ્ઠર્િૈં. ન્ૈીેીંહટ્ઠહં ૈહ ૐ. સ્. ૬૭ ઇીખ્તૈદ્બીહં ટ્ઠહઙ્ઘ છ. ડ્ઢ. ઝ્ર. ર્ં ઈઙ્મરૈહજર્ંહી, ર્ય્દૃીર્હિિર્ ક ર્મ્દ્બહ્વટ્ઠઅ, ૨૬ અીટ્ઠજિ ટ્ઠર્ખ્ત, ઙ્ઘૈીઙ્ઘ ડ્ઢીષ્ઠ. ૧૮૨૦; કૈજિં ર્ં ટ્ઠજષ્ઠીહઙ્ઘર્ હ ંરી ઙ્મટ્ઠઙ્ઘઙ્ઘીિ ર્ં ંરી ર્હ્લિં.”

ફોર્ટ : કોનો કિલ્લો ? ગાયકવાડ રાજ્યનો. કોના મુલકમાં ? મૂળ માલિકો વાઘેરોના. સીડી પર પ્રથમ ચડી જઈને મરેલો ગોરો. કોની ગોળીએ મૂઓ ? કિલ્લાની અંદર કબજો કરી બેઠેલા વાઘેરોની ગોળીએ.

એક ભાડૂતી ફોજનાએક ભાડૂતી ગોરાનો કીર્તિલેખ છે, કબરની સામે ઊભો ઊભો મારી પોથીમાં હું આ ‘કીર્તિલેખ’ ટપકાવતો હતો ત્યારે ૧૮પ૭ની સાલના એક કાળ-નાટકના પરદા પછી પરદા આંખો સામે ઊઘડતા આવતા હતા. દેશી જવાંમર્દોનો દાળોવાટો કાઢવા માટે ગાયકવાડે સૌરાષ્ટ્રકાંઠે ઉતારેલી આ ભાડૂતી ફોજના ભાડૂતી માણસનો કીર્તિલેખ મારાં નેત્રોને લજ્જાથી ભરતો હતો. સાચા કીર્તિલેખો ત્યાં કોતરાયા નથી. એ જ ગાયકવાડી કિલ્લાને માથે ૧૮પ૮ના ડિસેમ્બરથી થોડા જ મહિના અગાઉ બળવો પુકારી ઊઠનારા બેહાલ ચીંથરેહાલ ધરતીજાયા વાઘેરોએ નિસરી માંડી, તેનો કીર્તિલેખ ક્યાં છે ? જનતાનાં કલેજામાં. ઓખામંડળમાં હું ૧૯ર૮માં ગયો, જઈને મેં લોકજબાન પરથી નીચલા કીર્તિલેખો ઉકેલીને ટપકાવ્યાઃ

બળવો મુકરર થયો છે.

જસરાજ માણેકના પાળિયા પાસે સમસ્ત વાઘેર જવાંમર્દો મુકરર સમયે જમા થયા છે. કિલ્લો તોડવો છે.

શુકનાવળીએ શુકન જોયાં, બોલ્યો કે ભાઈ, જુવાન પુંજા માણેક પર ઘાત છે.

એને ઘરમાં પૂરીને નીકળ્યા. પુરાયેલા પુંજાને બાઈઓએ તાનું દીધુંઃ ‘અસાંજાં લૂગડાં પેરી ગીનો !’ ‘અમારાં લૂગડાં પહેરી લ્યો.’

ને પુંજો કમાડ ભાંગીને નીકળ્યો અને છપ્પન પગથિયાંવાળી સરગદવારી પર ચડી કિલ્લો તોડવા પહોંચ્યો. ગાયકવાડી દુર્ગરક્ષકોની પહેલી શત્રુ-ગોળીએ પુંજો પડ્યો.

એ કીર્તિલેખ ક્યાં કોતરાયો છે ?

‘નિસરણી હાથ એક ટૂંકી પડી. ગઢ એક જ હાથ છેટો રહ્યો. હાકલ પડે છે -’

‘કીનજી મા શેર સૂંઠ ખાધી આય !’

એના જવાબમાં, મોંમાં તરવાર પકડી નિસરણી માથેથી ગઢ માથે ઠેક મારીને પહોંચનાર વાઘેર પતરામલ મિંયાણીનો કીર્તિલેખ ક્યાં છે ? પથ્થરના ટુકડામાં નથી. જનતાની જબાન પર છે.

હું બેટ શંખોદ્વાર ગયો હતો. પોણોસો વર્ષના ભાટિયા રતનશીભાઈનું ઘર મને લોકોએ ચિંધાડી દીધું. છૂટી પોટલીએ પહેરેલ પોતડી, કસોવાળી સફેદ પાસાબંડી, ખભે ઘડી પાડેલ ખેસ, માથે ગાંધી-ટોપી : પાતળી ઊંચી દેહકાઠી અને રણકો કરતો કંઠ આજે પણ સાંભરે છે. એકલ પંડ્યે હતા. દીકરો દેશાવરે. રોટલા કરી દેવા માટે, હજુ તો ફક્ત વાગ્દત્તા સ્થિતિમાં હતી તો પણ દીકરાની વહુ સાસરે-ઘેરે આવી રહી હતી. રતનશીભાઈએ ઊછળી ઊછળીને, નજરે દીઠેલી વાઘેર-બળવાની પ્રવાહબદ્ધ વાત કહેવા માંડી. નજરે દીઠેલ, કારણ કે પોતે, પોતાના પિતા લધુભા, ને પોતાના દાદા રામજીભા, ત્રણેય એ કાળ-નાટકનાં પાત્રો હતાં. પાંચ-સાત વર્ષનું એનું બાળપણ વાઘેરબળવાની વિગતો સંઘરીને સિત્તેર સંવત્સરોથી એ બુઢ્ઢા દેહમાં લપાયું હતું. એ પાંચ વર્ષના શિશુની આંખો અને સ્મરણશક્તિ બોલી ઊઠી ને મેં ટપકાવી લીધું.

...ત્રણેક કલાક ધારાવાહી રહેલી રતનશી ડોસાની કથા ખતમ થઈ. એ સમાપ્તિભાગને સહન કરવા માટે જે વજ્રહૃદય જોઈએ તે મારામાં નહોતું. બળવાની લીલાભૂમિ નિહાળી, થાનકો જોયાં, સમુદ્રકાંઠો જોયો, એ કાંઠેથી જળજંતુઓએ કસબ કરેલા નાના પાણકા અને જળ-ઝાડવાંનાં ડાખળાં વીણ્યાં. પંજા પીર, સૂણી-મેહારના ડુંગરા નામનું બે ખડકોનું જળતીર્થ, જ્યાંથી વાઘેરો વગર વહાણે ઊતરી ગયા તે શંખોલીઓ કાંઠો, ક્યુ નામનો બેટ, માનમરોડી ટાપુ, ધબધબા ટાપુ, સાવઝ ટાપુ, લેફામૂરડી ટાપુ, એ દૂરદૂરથી દીઠાં. પ્રથમ આરંભડા ગામથી મછવામાં બેસી બેટમાં ગયો ત્યારે જળમાં ઊભેલા સાતમૂરૂ, પારેવો ને ઢેઢમૂરૂ નામનાં બેટડાં પણ જોયાં. ઢેઢમૂરૂ નામ અર્થપૂર્ણ છે. બેટ શંખોદવારની એ છેલ્લામાં છેલ્લી અણીઃ ઢેઢ લોકોને ખુદ બેટની ધરતી પર પગ મકવાની મનાઈ હતી - મંદિરોના માલિક તરફથી ! અસ્પૃશ્યોએ તો દેવની ઝાંખી એ ઢેઢમૂરૂ નામના ખડક પરથી જ કરીને પાછા વળવાનું હતું. જેઓએ દેવને આટલા બધા આભડછેટિયા બનાવ્યા તેઓ આખરે શું કમાયા? ગોરાઓના હાથથી મંદિરોનો સુરંગ-ધ્વંસ ! દૈવી ન્યાયને ચોપડે તો પાપપુણ્યનાં ચક્રવૃદ્ધિ વ્યાજ ચડે છે.