Pincode -101 Chepter 23 in Gujarati Fiction Stories by Aashu Patel books and stories PDF | પિન કોડ - 101 - 23

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

પિન કોડ - 101 - 23

પિન કોડ - 101

પ્રકરણ-23

આશુ પટેલ

રાજ મલ્હોત્રાની સેક્રેટરી શીતલે ઉતાવળે આવીને કહ્યું કે સુપરસ્ટાર દિલનવાઝ ખાન આવી ગયા છે અને જસ્ટ લિફ્ટમાં પ્રવેશ્યા છે એટલે સાહિલના મોતિયા મરી ગયા. એક તો તેને એ ટેન્શન થઈ ગયું હતું કે પોતે અંગત વાતો કરીને બાફી માર્યું હતું. એમા વળી દિલનવાઝ ખાનના આગમનની વાત સાંભળીને તેને થયું કે હાથમાં આવેલી સોનેરી તક સરી ગઈ, રાજ મલ્હોત્રા સ્વાભાવિક રીતે દિલનવાઝ ખાનને તરત અંદર બોલાવી લેશે અને મને રવાના કરી દેશે.
પણ રાજ મલ્હોત્રાએ તેની ધારણાથી વિપરીત રીતે શીતલને કહ્યું, ‘સેન્ડ હિમ ટુ શ્રીરાજસ ચેમ્બર. ટેલ હિમ ધેટ આઈ વિલ જોઈન હિમ આફ્ટર સમ ટાઈમ.’
સાહિલને આશ્ર્ચર્યનો સુખદ આંચકો લાગ્યો. તેને થોડી ક્ષણો માટે પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો. તેને થયું કે ખરેખર રાજ મલ્હોત્રા એવા શબ્દો બોલ્યા હતા કે પછી પોતાના વિશફૂલ થિંકિંગને લીધે પોતાને એવા શબ્દો સંભળાયા હોવાનો ભ્રમ થયો હતો! જોકે શીતલનો જવાબ સાંભળીને તેને ખાતરી થઈ કે એ તેનો ભ્રમ નહોતો.
શીતલે કહ્યું, ‘યસ સર.’
પણછની જેમ ખેંચાયેલી સ્થિતિમાં હોવા છતાં સાહિલને શીતલના ચહેરા પરથી લાગ્યું કે કદાચ તેને પણ રાજ મલ્હોત્રાની સૂચનાથી આશ્ર્ચર્ય થયું હતું. જો કે રાજ મલ્હોત્રાની સૂચના સાંભળીને તે તરત આવી હતી એથી પણ વધુ ઉતાવળથી જતી રહી. તે તેની કૅબિન તરફના દરવાજાને બદલે બીજા દરવાજાથી બહાર નીકળી ગઈ. રાજ મલ્હોત્રાની ચેમ્બરમાં લગભગ અડધો ડઝન દરવાજા હતા. સાહિલે અનુમાન કર્યું કે શીતલ કદાચ બીજે દરવાજેથી રાજ મલ્હોત્રાની પર્સનલ લિફ્ટ પાસે ગઈ હશે. અને ક્યાં તો કદાચ તેના ભાઈ શ્રીરાજ મલ્હોત્રાની ચેમ્બર તરફ ગઈ હશે.
શ્રીરાજ, રાજ મલ્હોત્રાનો નાનો ભાઈ હતો અને રાજ મલ્હોત્રાના ગૃપનો વાઈસ ચેરમેન પણ હતો. રાજ મલ્હોત્રાના ઘણાં બધા ઉદ્યોગ-ધંધા હતા એમા એક ફિલ્મ પ્રોડક્શન કંપનીનો પણ સમાવેશ થતો હતો.
‘યસ યંગમેન, કન્ટિન્યુ.’ શીતલ ગઈ એટલે રાજ મલ્હોત્રાએ સાહિલ તરફ જોઈને કહ્યું. તેમના એ શબ્દોથી સાહિલનો શ્ર્વાસ હેઠો બેઠો. કોઈ માણસનું મૃત્યુ નિશ્ર્ચિત લાગતું હોય અને અચાનક તેનું મૃત્યુ ટળી જાય અને ઉપરથી લોટરી લાગી જાય એ વખતે તેને જેવો આનંદ થાય એવી જ અનુભૂતિ સાહિલને થઈ રહી હતી. રાજ મલ્હોત્રાએ દિલનવાઝ ખાન જેવા પાવરફૂલ અને પોપ્યુલર એક્ટરને રાહ જોવડાવવાનું કહીને તેની સાથેની મીટિંગ ચાલુ રાખી એ બહુ મોટી વાત હતી.
‘સોરી સર. વચ્ચે હું મારી અંગત વાત કરી બેઠો.’ સાહિલે માફી માગતા શબ્દો દોહરાવ્યા.
‘નો ઈશ્યુ યંગમેન. તું તારી વાત પૂરી કર.’ રાજ મલ્હોત્રાએ તેને કમ્ફર્ટેબલ બનાવતા કહ્યું: કેરી ઓન. તું મને કહી રહ્યો હતો કે અત્યારે જે ઊડતી કારના પ્રયોગો ચાલી રહ્યા છે એ બધી કાર્સથી તારી કાર કઈ રીતે જુદી હશે?’ રાજ મલ્હોત્રાએ વાત ક્યાંથી અધૂરી રહી હતી એ યાદ અપાવતા પોતાના સવાલનું પુનરાવર્તન પણ કરી લીધું.
સાહિલ જવાબ આપે એ પહેલાં રાજ મલ્હોત્રાની સેક્રેટરી ફરી વાર તેમની કેબિનમાં ધસી આવી. તેણે કહ્યું, ‘દિલનવાઝ ખાનને શ્રીરાજ સર સાથે બેસાડ્યા છે, પણ થોડી વારમાં એમ. પી. ગજાનન નાગરે આવે છે. એ હમણાં જ રાજ ભવનમાં ગવર્નર સાથે મિટીંગ પૂરી કરીને અહીં આવવા નીકળ્યા છે. હી મે રીચ એની ટાઈમ.’ શીતલનો ચહેરો ટેન્સ હતો.
રાજ મલ્હોત્રાએ અત્યંત શાંત અવાજે કહ્યું, ‘એ આવી જાય તો તેમને કોન્ફરન્સ રૂમમાં બેસાડજે.’
સાહિલને લાગ્યું કે તેણે કંઈક બોલવું જોઈએ. રાજ મલ્હોત્રા તેને માત્ર પાંચ-સાત મિનિટ મળવાના હતાં એને બદલે તેમની તેની સાથેની મુલાકાત ઘણી લાંબી ચાલી હતી. તેણે કહ્યું, ‘સર તમે તમારી મીટિંગ્સ પતાવી લો. એવું હોય તો હું ત્યાં સુધી બહાર રાહ જોઈશ અથવા તો તમે મને કહો ત્યારે ફરી વાર મળવા આવી જઈશ.’
શીતલ હજી ઊભી હતી. તેણે કંઈક વાત કરવાની કોશિશ કરી, પણ રાજ મલ્હોત્રાએ કહ્યું, ‘હું ફ્રી ન થાઉં ત્યાં સુધી જે પણ આવે એમને તું અને શ્રીરાજ એન્ટરટેઈન કરી લેજો.’
શીતલે કહ્યું, ‘ઓકે સર.’ એ પછી તે ઉતાવળે જતી રહી. સાહિલને લાગ્યું કે રાજ મલ્હોત્રાની સેક્રેટરીના ચહેરા પર કદાચ પોતાના પ્રત્યે અણગમો હતો.
શીતલ ગઈ એટલે વળી સાહિલ સંકોચ અનુભવીને પોતાની વાત દોહરાવવા જતો હતો, પણ એ કઈ બોલે એ પહેલાં જ રાજ મલ્હોત્રાએ તેને કહ્યું, ‘જસ્ટ રિલેક્સ, યંગમેન! હું તને એક સિક્રેટ કહું છુ. મારી સેક્રેટરીને જેફ્રી આર્ચરની અને જ્હોન ગ્રીશામની નોવેલ્સ વાંચવાનું પસંદ છે. તેણે જેફ્રી આર્ચરની ‘ધ ફોર્થ એસ્ટેટ’ નોવેલ વાંચી હતી એ પછી તેણે મને એકવાર એમાં એક મીડિયા બેરન અને તેની સેક્રેટરી વચ્ચેની એક મજેદાર વાત કરી હતી. એક મીડિયા બેરન તેની સેક્રેટરીને એવી સૂચના આપી રાખે છે કે મને મળવા આવેલો કોઈ માણસ મેં આપેલા સમયથી વધુ વાર બેસી રહે તો તારે એમના પછીના મુલાકાતીને લઈને મારી ચેમ્બરમાં આવી જવું. અથવા તો ઉતાવળે દોડી આવીને મને કોઈ વીવીઆઈપીનું નામ આપીને કહેવાનું કે ફલાણા વીવીઆઈપી આવી ગયા છે! એટલે સામે બેઠેલો માણસ પોતે જ કહી દેશે કે હું રજા લઉં છું. શીતલ પાસેથી મેં એ વાત સાંભળી એટલે મને થયું કે આ સારો આઈડિયા છે એટલે મેં પણ તેને કહી રાખ્યું છે કે તારે આ રીતે કોઈ પણ વીવીઆઈપીના નામ ફેંકવાના. એટલે મારો સમય બચી જાય. નહીં તો ઘણાં કામની વાત બાજુએ મૂકીને આડીઅવળી વાતોએ વળગી જાય!’
રાજ મલ્હોત્રાના એ શબ્દોથી સાહિલને નવાઈ પણ લાગી અને સાથે સાથે ધરપત પણ થઈ કે તે પોતાની વાત પૂરી કરી શકે છે. જોકે તેણે જોયું હતું કે પોતે લોબીમાં રાહ જોઈ રહ્યો હતો ત્યારે બીજા ઘણાં માણસો પણ પોતાની જેમ લોબીમાં બેઠાં હતાં. એમાનાં કેટલાંક સ્વાભાવિક રીતે જ રાજ મલ્હોત્રાને મળવા આવ્યા હશે. એટલે હવે ઝડપથી પોતાની વાત પૂરી કરી લેવી જોઈએ.
એ જ વખતે તેના સેલફોનની રીંગ વાગી. એ કોલ નતાશાનો હતો. સાહિલે તરત જ કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો. ‘સોરી.’ તેણે રાજ મલ્હોત્રાને કહ્યું. ત્યા જ ફરી નતાશાનો કોલ આવ્યો. સાહિલ અકળાઈ ઉઠ્યો. તેણે ફરી વાર કોલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો. તેને હવે ગુસ્સો આવી ગયો કે નતાશાને એક વાગ્યે ઓમરને મળવાનું છે અને હજી તો બાર વાગ્યા છે ત્યાં તે કોલ કરવા માંડી. વળી હું કેટલી ઈમ્પોર્ટન્ટ મીટિંગમાં છું એની તેને ખબર છે તો પણ અત્યારે તે કોલ કરી રહી છે! તેણે પોતાનો સેલ ફોન સ્વીચ ઓફ કરી દીધો. એ થોડીક સેક્ધડ્સ તેને થોડા કલાકો જેવી લાગી. તેણે ફરી અત્યંત ક્ષોભ સાથે કહ્યુ: ‘આય’મ એક્સ્ટ્રીમલી સોરી, સર.’
‘રિલેક્સ, યંગમેન. આ બધી સ્થિતિમાંથી હું નીકળી ચૂક્યો છું.’ રાજ મલ્હોત્રાએ કહ્યું અને પછી સલાહ આપવાના સૂરમાં ઉમેરી દીધુ: ‘તને ખબર છે કે મહત્ત્વાકાંક્ષી માણસોના જીવનની સૌથી મોટી ટ્રેજડી શું હોય છે? આપણે મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે, સફળ થવા માટે કેટલાંય વર્ષો ખર્ચી નાખીએ છીએ એ વખતે આપણા નજીકના માણસો માટે આપણે એટલો સમય કાઢી નથી શકતા કે આપણો ઘણો સમય બે વખત ખાવાનું કમાવામાં જતો રહે છે અને બાકીનો સમય લોકોને મળવા માટે દોડધામમાં અથવા તો લોકો મળતા ન હોય ત્યારે શું કરવું, શું થશે એની ચિંતામાં જતો હોય છે. અને સફળતા મળી ગયા પછી એ સફળતાને, પોતાના સ્થાનને ટકાવી રાખવા માટે નવો સંઘર્ષ શરૂ થઈ જાય છે. મહત્ત્વાકાંક્ષી માણસો પહેલા ઉપર ચઢવા, સફળતાની ટોચ પર પહોંચવા માટે દોડતા રહે છે અને જિંદગીને ઊંચાઈએ લઈ ગયા પછી એ
ઊંચાઈ પરથી પટકાઈ ન પડાય એ માટે સતત પ્રયત્નશીલ રહેવામાં તેમની જિંદગીના ઘણાં વર્ષો નીકળી જતાં હોય છે. એ વખતે પણ મહત્ત્વાકાંક્ષી માણસો પાસે પોતાના નજીકના માણસો માટે સમય નથી હોતો.’
સહેજ અટકીને તેમણે હળવા સ્મિત સાથે સાહિલને પૂછી લીધું, ‘તારી ગર્લફ્રેન્ડનો કોલ હતો ને? બ્રીફમાં વાત કરવી હોય તો કરી લે એટલે તારૂં ધ્યાન ફરી કામની વાતમાં પરોવાઈ શકે. હું પણ ક્યારેક તારી જેમ કેટલીય ઑફિસમાં ટેબલની એ બાજુ પર પણ બેસતો હતો એટલે મને ખબર છે કે આવા કોલ આવે ત્યારે વિચારો બે દિશામાં વહેંચાઈ જતા હોય છે!’
સાહિલ ધ્યાનપૂર્વક તેમની વાત સાંભળી રહ્યો હતો. તેને આશ્ર્ચર્ય થયુ કે રાજ મલ્હોત્રાને કઈ રીતે સમજાઈ ગયું હશે કે મને કોનો કોલ આવી રહ્યો હતો! એના કરતાય વધુ નવાઈ તેને એ લાગી રહી હતી કે રાજ મલ્હોત્રા જેવા એક્સ્ટ્રીમલી હાઈ-પ્રોફાઈલ બિઝનેસ ટાઈકૂન પાસેથી આવી ફિલોસોફી સાંભળવા મળી રહી હતી અને માત્ર પાંચ મિનિટ માટે મળવાનો સમય આપ્યો હોવા છતાં તેઓ છેલ્લા એક કલાકથી તેની સાથે શાંતિથી વાત કરી રહ્યા હતા.
સાહિલને ત્યારે ખબર નહોતી કે તેણે રાજ મલ્હોત્રાની વાત માનીને નતાશા સાથે એક મિનિટ માટે વાત કરી લીધી હોત તો તે અને નતાશા બહુ મોટી આફતમાંથી બચી ગયા હોત!

(ક્રમશ:)