Doctor ni Dairy - 9 in Gujarati Short Stories by Sharad Thaker books and stories PDF | ડૉક્ટરની ડાયરી-9

Featured Books
Categories
Share

ડૉક્ટરની ડાયરી-9

ડૉક્ટરની ડાયરી-9

ડૉ. શરદ ઠાકર

જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા,

તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા

આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાંની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ફટાફટ દરવાજા ઊઘડ્યાં અને અંદરથી ‘અમે બે, અમારાં બે’ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું, ચાર જણાંનું બનેલું, સુખી કુટુંબ નીચે ઊતરી પડ્યું. પુરુષ, સ્ત્રી અને બે બાળકો. પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલાં માળીને પૂછ્યું : ‘સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને ?’

‘હા.જી.’ માળીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો : ‘પધારોને ! માતાજી અંદર જ છે.’

હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંતપુરુષ નહોતાં, પણ સ્ત્રી હતાં, સાધ્વીજી હતાં. સત ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુંલિંગ નથી હોતું, હોઈ પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. પરસેવાથી રેબઝેબ ચારેય જણાં ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા.

‘કહાં સે આતે હો ?’ માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી.

‘ગુજરાતસે.’

‘તો આપણે ગુજરાતીમાં વાત કરીએ.’ માતાજી હસ્યાં : ‘હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ ?’

‘પ્રશાંત.’

‘શું કરો છો ?’

‘ડૉક્ટર છું. એમ.એસ. થયો છું. જનરલ સર્જરીમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે. પ્રાઈવેટ સર્જિકલ હોમ ધરાવું છું. આ મારી પત્ની છે. આ બાબો છે, નાની છે એ બેબી છે.’

‘કમાઈને બેઠા છો ?’

‘ધરાઈ જવાય એટલું. સમૃદ્ધ છું.’

‘તો પછી અહીં સુધી લાંબા થવાનું કારણ ?’

‘સમૃદ્ધ ખરો, પણ સુખી નથી. મનની શાંતિ માટે ભટકું છું. ક્યાંકથી તમારો રેફરન્સ મળ્યો, એટલે અહીં આવ્યો છું.’

સાધ્વીજી હસ્યાં. ડૉક્ટર સામે નજર નોંધીને જોયું. પાંચ ફીટ દસ ઈંચની હાઈટ, મજબૂત દેહકાઠી, મોંઘાદાટ પેન્ટ-શર્ટ, પ્રેમિકા જેવી પત્ની, રમકડાં જેવાં બાળકો અને આશ્રમના ઝાંપા પાસે પડેલી રૂપકડી કાર! સુખ તો આટલામાં જ પરખાઈ આવતું હતું. સમૃદ્ધિ ઘરે હશે. પણ શાંતિ? મનનું ચેન? ચિત્તનો આનંદ? એ તો આદમીની અંદર વસતો હોય, એને પારખવો શી રીતે ? સાધ્વીજીએ નજરને ધારદાર બનાવી. ડૉક્ટરના મગજના પોલાણમાં ઉતારીને પાછી ખેંચી લીધી. માણસ સાચો લાગ્યો, સાત્વિક પણ…..! ખરેખર એને શાંતિની ઝંખના હતી અને જબરદસ્ત હતી.

‘ખરેખર શાંતિ મેળવવી છે? હું મેળવી આપું એવી !’

‘હા. પણ મારા દિલને એનાથી સમાધાન મળવું જોઈએ.’

‘હું કહું એમ કરવું પડશે. છે તૈયારી ?’

‘કસોટી કરી જુઓ. માથું માગો તો એ પણ ઉતારી દઉં.’ ડૉક્ટરે કમળપૂજા કરવાના અભિનય સાથે કહ્યું.

‘તો ચાલો, ઊભા થાવ. તમારી ગાડી ભલે અહીં જ રહી. આપણે બીજી ગાડીમાં જઈએ છીએ.’

‘પણ ક્યાં ?’

‘નીચે. આબુ રોડ.’ આટલું કહીને માતાજી ઊભાં થયાં. બીજા એક ભક્ત ગાડી લઈને થોડી વાર પહેલાં જ એમને મળવા માટે આવ્યા હતા. એમની ગાડી ઉછીની લીધી. એમનો ડ્રાઈવર પણ માંગી લીધો. ‘હમણાં જ આવું છું.’ કહીને નીકળી પડ્યા. સીધા જઈ પહોંચ્યા આબુરોડની એક રેડીમેઈડ કપડાની દુકાનમાં. દુકાનદારને હુકમ કર્યો : ‘એક જોડી ઝભ્ભો-લેંઘો આપ.’ પેલો માતાજીને ઓળખતો હતો. એમની કાર્યપદ્ધતિને પણ ઓળખતો હતો. એટલે સૌથી સસ્તો, ઘરાકોના હાથમાં ફરીને ચોળાઈ ગયેલો, મેલોદાટ ઝભ્ભો-લેંધો કાઢી આપ્યો.

‘ડૉક્ટર, અંદરની ઓરડીમાં જઈને કપડાં બદલી આવો. તમારા કિંમતી શર્ટ-પેન્ટ અહીં જ મૂકી દો અને આ પહેરી લો.’

‘કેમ, એનાથી શું વળશે ?’

‘એ ધીમે ધીમે સમજાશે.’ માતાજી મર્માળુ સ્મિત કરી રહ્યાં હતાં. ડૉ. પ્રશાંતે આદેશનું પાલન કર્યું. ઓરડીના અરીસામાં જોયું તો હસવાનું પણ ભૂલી ગયા. આ કપડામાં એમનું તેજ, ડૉક્ટર તરીકેનું ગૌરવ, એમની આભા બધું જ ઓસરી જતું હતું.

‘હવે ?’

‘હવે અમે જઈએ છીએ આશ્રમ તરફ ગાડીમાં બેસીને, તમારે અહીં જ રહેવાનું છે. સાંજ સુધીમાં આશ્રમ ઉપર આવી જજો. મને ખબર છે કે તમારું પાકીટ તમારી પત્ની પાસે પડ્યું છે. તમારે ઘડિયાળ, વીંટી કે ચેઈન વેચવાના નથી. કોઈની પાસેથી ઉછીના પૈસા માંગવાના નથી. તમે ડૉક્ટર છો એવી ઓળખાણ કોઈને આપવાની નથી. તમારી પાસે બે કલાકનો સમય છે. જો તમે એટલા સમયમાં આવી નહીં પહોંચો તો ખોટી માથાકૂટ પડતી મૂકજો. હું તમારી ગાડી અને પરિવારને અહીં મોકલી આપીશ. સીધા અમદાવાદ જવાનો રસ્તો પકડી લેજો. શાંતિ નામનું સ્ટેશન તમારા જેવા પ્રવાસી માટે નથી એમ સમજી લેજો.’ માતાજી કોઈ ગુરુ જેમ શિષ્યની આકરી કસોટી કરે એમ ડૉક્ટરની સામે બીજી વાર જોયા પણ વગર ગાડીમાં બેસીને સડસડાટ ઊપડી ગયાં.

ડૉક્ટર હતપ્રભ બનીને જોતા રહ્યાં. દુકાનદારે લાકડી ઉપર બાંધેલું કપડું ઝાટકીને માંખો ઉડાડવાનો અભિનય કર્યો. ઈશારો ખુલ્લો હતો : ‘દુકાન આગળથી ટળો. હવા આવવા દો. અહીં શું ભિખારીની જેમ ઊભા રહ્યા છો ?’ હા….! ભિખારી જ ! ડૉ. પ્રશાંતના પેટમાં આંતરડાનું બુમરાણ ઊઠ્યું. કકડીને ભૂખ લાગી હતી. સવારનું કશું ખાધું ન હતું. મનમાં હતું કે માતાજીનાં આશ્રમે જઈને પેટપૂજા કરીશું. પણ માતાજીએ તો ભારે કરી. કપડાં ઉતારી લીધાં. પાછું કોઈની પાસેથી ઉધાર માંગવાની પણ મનાઈ કરતાં ગયાં.

અચાનક એમના મગજમાં વિચાર ઝબક્યો. ઉધાર માગવાની મનાઈ છે, પણ માગવાની ક્યાં ના છે ? તરત જ મનમાંથી બ્રેક લાગી, માગવું એ તો ભીખ કહેવાય. તો શું કરવું ? પદયાત્રા શરૂ કરી દેવી ? ભૂખ્યા પેટે બળવો કર્યો. પગ કરતાં હાથને તકલીફ દેવી બહેતર રહેશે. ભીખ તો ભીખ, અહીં કોણ પોતાને ઓળખવા નવરું બેઠું છે ? ડૉક્ટરે આજુબાજુ નજર દોડાવી. સામે મંદિરના પગથિયાં પાસે પાંચ-સાત ભિખારીઓ બેઠા હતા. ગંદા, ફાટેલા કપડાં પહેરેલાં, વધેલી દાઢીવાળા, નિસ્તેજ ચહેરાવાળા, અપંગ, જુગુપ્સા ઉત્પન્ન થાય એવા…! ડૉક્ટરે વધુ વિચાર કરવાનું માંડી વાળ્યું. ભિખારીઓની વચ્ચે જઈને ગોઠવાઈ ગયા. આવતા-જતા શ્રદ્ધાળુઓ સામે હાથ લાંબો કરીને ભીખ માટે યાચના કરી.

‘શું છે ?’ એમનો કલીનશેવ્ડ ચહેરો અને આંખ પરના સોનેરી ફ્રેમના ચશ્માં જોઈને એક પુરુષે પૂછપરછ કરી.

‘પૈસાની જરૂર છે.’

‘શરમાતો નથી ? ગળામાં સોનાની ચેઈન છે, હાથમાં વીંટી અને ઘડિયાળ છે. મારા બેટા ભીખ માગીને દાગીના પહેરે છે અને અહીં સોનું જોવાના સાંસા છે ! શું જમાનો આવ્યો છે ?’ બબડતો બબડતો પેલો પગથિયાં ચડી ગયો. કદાચ આજે એ ભગવાન પાસે હાથ જોડીને માગણી પણ આવા નસીબદાર ભિખારી થવાની જ કરવાનો હશે.

ડૉક્ટરે બીજી જ મિનિટે શરીર ઉપરનો તમામ શણગાર ઉતારીને ઝભ્ભાના ખિસ્સાને હવાલે કરી દીધો. પણ ચહેરા ઉપર ઝલકતી સુંવાળપને ક્યાં સંતાડવી? ભિખારીનો અભિનય અસલી ભિખારીઓની પંગતમાં તો નહીં જ જામે એમ સમજીને એ ઊભા થઈ ગયા. બાજુમાં થોડે દૂર પાનનો ગલ્લો હતો, ત્યાં જઈને ગલ્લાવાળાને આજીજી કરી, ‘બોસ, વખાનો માર્યો હું વધુ કંઈ કહી શકું એમ નથી. ઉપર સુધી જવા માટેનું ભાડું આપ. તારો ઉપકાર કદી નહિ ભૂલું.’

પણ પાનવાળો પીગળ્યો નહીં. ભિખારીઓ એણે કરેલા ઉપકારને યાદ રાખે એ બાબતમાં એને ખાસ રસ જેવું લાગ્યું નહીં હોય. બહુ બહુ તો એણે મફત પાન બનાવી આપવાની ઓફર કરી. પણ એ વાત ડૉક્ટરને મંજૂર નહોતી. પાન ખાતાં ભિખારીને તો કોઈ પૈસોયે ના આપે ! સમય સરકી રહ્યો હતો. ડૉક્ટર એક અવળવાણી જેવો પડકાર હારી જવાની અણી પર હતા. ભીખ માગવી અને મેળવવી પણ કેટલી મુશ્કેલ વાત છે એ આજે સમજાયું. એમણે હવે શરમ સાથે છૂટાછેડા લઈ લીધા. રસ્તા ઉપર ચાલતા એક એક માણસને રોકીને રૂપિયા માગવાનું શરૂ કર્યું. છેવટે એક જણ હરિનો લાલ નીકળ્યો. એમને સાવ ભિખારી માનીને નહીં, પણ સંજોગોનો શિકાર બનેલા ગૃહસ્થ સમજીને વીસ રૂપિયા આપી દીધા.

ડૉક્ટરની આંખમાં આંસુ આવી ગયા. રૂપિયાનું આ મૂલ્ય છે ? પેશન્ટની પલ્સ પર અડધી મિનિટ હાથ મૂકીને એ સો-દોઢસો રૂપિયા કમાઈ લેતા હતા. એકાદ કલાકનું ઓપરેશન દસ-પંદર હજાર રૂપિયા તાણી લાવતું હતું. પૈસો એમની પાસે બહુ સરળતાથી આવતો હતો. પણ એ તો એમની પાસે ! એ જેમની પાસેથી આવતો હતો એમનું શું ? એમના અસંખ્ય દર્દીઓ ગામડાંના હતા. ગરીબ હતા. એમણે આપેલી નોટોમાં પરસેવાની ભીનાશ હતી. એ ભીખ નહોતી, મજૂરી હતી અને ભીખ કરતાં મજૂરીની ટંકશાળમાં બહાર પડતી કરન્સી વધુ મોંઘી હોય છે. આ વાત આજે સમજાણી. એક ટેક્સીવાળો જોરજોરથી ઘરાકોને ખેંચી રહ્યો હતો : ‘એક સવારી કે બારહ રૂપયે…. એક સવારી કે બારહ રૂપયે !….’ ડૉ. પ્રશાંતે ગણતરી કરી જોઈ. ભાડું કાઢતાં આઠ રૂપિયા વધતા હતા. એટલામાં પેટ ભરીને નાસ્તો પણ થઈ જાય. પણ કોણ જાણે કેમ. હવે ‘ભૂખ’ મરી ગઈ હતી. વધારાના આઠ રૂપિયા મંદિરની બહાર બેઠેલાં ‘જાતભાઈઓ’માં વહેંચીને એ ટેક્સીમાં ગોઠવાઈ ગયા. સવારી ‘પેક’ થઈ ગઈ એટલે ડ્રાઈવરે ગાડી ઉપાડી. થોડી જ વાર પછી ડૉક્ટર મા સચ્ચિદાનંદની સન્મુખ બેઠા હતા.

માતાજીએ વહાલપૂર્વક એમની સામે જોયું. પ્રસાદની થાળી મંગાવીને આગ્રહપૂર્વક ભોજન કરાવ્યું. પાણી પાયું. પછી શાંતિથી પૂછ્યું : ‘બેટા, કંઈ ફરક જેવું લાગે છે ?’

‘હા, મા ! મનમાંથી અહંકાર ઓગળી ગયો. મારો પૈસો તો મારી ડિગ્રીને આભારી છે, મારી ચમક-દમકને આભારી છે. મારા કપડાંને આભારી છે. મારી ઓળખમાંથી આ બધું કાઢી નાખું તો બાકી શું રહે છે? ઊભી બજારે એક કલાક સુધી અથડાયા કરું તો યે કોઈ આ દેહને એક રૂપિયો પણ આપતું નથી.’

‘બેટા, દુનિયાની કડવી વાસ્તવિકતા જોઈ લીધી ને ?’

‘જોઈ લીધી, મા…..!’

‘તારા માટે ભીખ માગી એવી બીજા માટે માગી શકાશે, બેટા ?’ માતાજી ધીમે ધીમે વાતનાં મર્મ તરફ આવી રહ્યાં હતાં.

‘એટલે ?’

‘છોડી દે આ માયા તમામ ! તારી જે દશા આ એક કલાક દરમિયાન હતી, એવી જ દશા, એના કરતાં પણ વધુ દયાજનક, વધુ ક્ષોભજનક સ્થિતિ આ દેશના એંશી ટકા લોકોની છે. ઈશ્વરે તારા હાથમાં જાદુ મૂક્યો છે. એ કુદરતની કૃપાને કમાણીનું સાધન બનાવવાનું બંધ કરી દે. તારા ઈલમને છુટ્ટો મેલી દે. ચેરીટેબલ હોસ્પિટલ શરૂ કર. સાવ પડતર ભાવે સારવાર, ઓપરેશન કરવાનું ચાલુ કર. પૈસા ખૂટે તો તવંગરોની પાસે જઈને હાથ લાંબો કરજે. આ જગત માત્ર ભિખારીઓથી જ ભરેલું નથી. એમાં જગડુશા જેવા દાતાઓ પણ વસે છે. તું મારી પાસે શાંતિની ખોજમાં આવ્યો હતો ને ? જા, તને મારાં આશીર્વાદ છે. તું ગરીબ દર્દીઓને તનની શાંતિ આપ. તારા મનની શાંતિનું મૂળ એમાં જ પડેલું છે.’ માતાજીએ હથેળી ઊંચી કરી. ડૉ. પ્રશાંત પ્રણિપાતની મુદ્રામાં ઢળી પડ્યા.

આ લેખ એ મારી કવિકલ્પના નથી. આ માની ન શકાય એવી વાત જ્યારે તમે વાંચી રહ્યા હશો, બરાબર એ જ સમયે ડૉ. પ્રશાંતનું અદ્યતન ચેરીટેબલ દવાખાનું અમદાવાદના ધરણીધર દેરાસર વિસ્તારમાં શુભારંભ પામી રહ્યું હશે. તાલુકાના શહેરમાં આવેલી એમની ખાનગી, ધીકતી પ્રેક્ટિસ એમણે બંધ કરી દીધી છે. આખા પરિવારે જિંદગીની જાહોજલાલી જોઈ લીધી છે, હવે ફકીરીનો માર્ગ સ્વીકાર્યો છે. એમની પત્ની રાજીખુશીથી એમની પાછળ જ છે, અદ્દલ એ જ રીતે જે રીતે આજથી બાર વર્ષ પહેલાં લગ્નની ચૉરી ફરતે ચાર ફેરા ફરવામાં પતિની સાથે હતાં.

આજે એક વાત મારા ડૉક્ટર મિત્રોને પણ કહેવી છે. ગુજરાતભરના જુનિયર-સિનિયર તબીબોએ ‘
ડૉ.ની ડાયરી’ને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે જ મારા મનમાં પડેલી વાત એમની આગળ રમતી મૂકું છું. જિંદગીના દસ, વીસ કે ત્રીસ વર્ષ ભલે નોટો છાપવામાં ગાળી દો, દુકાનો ખોલો કે પોલીક્લિનિકના અડ્ડાઓ ચલાવો, પણ ઓડકાર આવી ગયા પછી તો કંઈક વિચારો ! પ્રત્યેક શહેરમાં કમ સે કમ એક તો એવો મર્દ પાકે જે આપણી જમાતને ઊજળી દેખાડી બતાવે. એમ ન માનશો કે નિશાન ફક્ત તમારી જ દિશામાં નોંધાયેલું છે, હું પણ તમારી વચ્ચે જ ઊભો છું. બાપદાદાની બાંધેલ ડહેલી, એક મેડીબંધ હોલ હવેલી, ગામની ચિંતા ગોંદરે મેલી, સૌ સૂતાં હોય એમ કાં લાગે ? આપણામાંથી કો’ક તો જાગે !

(જેને જાગવું હોય એ મારો સંપર્ક કરી શકે છે, બાકી ઊંઘવું જ હોય તો બિછાનાં ક્યાં કમ છે? હા, પૈસો પથારી આપી શકે છે, ઊંઘ નહીં.)