Gappa Chapter 14 in Gujarati Fiction Stories by Anil Chavda books and stories PDF | Gappan Chapter 14

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

Gappan Chapter 14

પ્રકરણ : ૧૪

“એક અનિલ નામનો છોકરો હતો.” તરંગે પોતાની વાત શરૂ કરી. “નાનકડા ગામમાં રહેતો હતો. ગરીબ ઘરમાં જન્મ્યો. નાનપણથી જ એને કવિતાઓ લખવાનો ખૂબ જ શોખ હતો. ખૂબ મજૂરી કરી, ભણ્યો-ગણ્યો અને મોટો થયો. ધીમે ધીમે તેની કવિતાને થોડી ઘણી માન્યતા મળતા લાગી. કવિ તરીકેની તેની થોડી ઘણી ઓળખ પણ ઊભી થઈ. પણ આટલાથી તેને સંતોષ નહોતો. તેને કોઈ નવલકથા લખવી હતી. નવલકથા લખવા માટે તેણે ઘણા વિષયો વિચાર્યા પણ તેને કોઈ સારો સબ્જેક્ટ જ નહોતો સૂઝતો. ઘણા મહિનાઓ અને વર્ષો સુધી મનોમંથન કર્યા પછી આખરે તેણે એક દિવસ એક સબ્જેક્ટ નક્કી કર્યો. અને તે લખવા બેઠો. તેણે નવલકથા લખવાની શરૂઆત કરી.

પૃથ્વી નામનો ગ્રહ, તેની પર ભારત નામનો દેશ, તેમાં ગુજરાત નામનું રાજ્ય, તેમાં અમદાવાદ નામનું શહેર, તેમાં તરંગલીલા નામની સોસાયટી અને તેમાં તરંગ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તે તરંગી હતો આના લીધે તેને ગપ્પામાં મારવાની ટેવ પડી ગઈ. તેની સામેની કલ્પના સોસાયટીમાં એક કલ્પેન નામનો છોકરો રહેવા આવ્યો. તેને પણ ગપ્પાં મારવાની બહુ ટેવ.

તે દર રવિવારે ક્રિકેટ રમતા. એક દિવસ ક્રિકેટ રમવામાં ટાઈ પડી. એમાં બધા ખેલાડીઓ વચ્ચે ઝઘડો થયો. એક ટીમ કહે કે અમે જીત્યા, બીજી કહે કે અમે. આ પ્રોબ્લેમ સોલ કરવા તરંગ અને કલ્પેન વચ્ચે ગપ્પાં મારવાની શરત લગાવવામાં આવી. શરતમાં એવો નિયમ રાખવામાં આવ્યો કે જે ના પાડે તે હારે. બધી વાતમાં હા જ પાડવાની !”

“અલ્યા... આ તો આપણી જ વાત છે તરંગિયા... આ ગપ્પું ક્યાં છે ?” આયુએ કહ્યું.

“આપણી વાત ક્યાં છે... આ તો લેખકની વાત છે.” તરંગે આંખ મીંચકારી.

“હા, અલા, પણ ધ્યાન રાખજે, અત્યારે એ આપણને લખી રહ્યો છે. સરખા નહીં રહીએ તો એ આપણને ખરાબ ચિતરશે, લેખકોનો શું ભરોસો !” કહીને શૌર્ય હસ્યો.

“જવા દેને યાર... નવલકથાની શરૂઆત જ બોરિંગ કરી છે....”

“પણ એ વાત તો સારી લાવ્યો છે ને...”

“હહહહ... તંબૂરો સારી વાત ! ક્યારનો ગપ્પાં માર્યાં કરે છે એકલો ને એકલો પોતાની સાથે.”

“પોતાની સાથે ?”

“હા જ તો, પોતાની સાથે જ તો...”

“પોતાની સાથે ક્યાં ગપ્પાં મારે છે, ગપ્પાં તો આપણે મારીએ છીએ, એની નવલકથાની અંદર...”

“અરે ભોંદિયા, આપણે તો એનાં પાત્રો છીએ માત્ર. આપણને તો એ બોલાવડાવે એ રીતે બોલવાનું. એમાં આપણું થોડું કંઈ ચાલે ?”

“આ તો સાલું, કિસ્મત અને ઈશ્વર જેવું છે. એ ધારે એવું થાય. એ કરાવે એમ કરવાનું. આપણે કંઈ અનિલ્યાના ગુલામ ઓછા છીએ ?”

“કલ્પા, એમ તો આપણે ઈશ્વરના પણ ક્યાં ગુલામ છીએ, તોય એનું ધાર્યું કરીએ છીએ ને ?...”

“ઈશ્વર ! હમણાં કહું એની...” કલ્પના મોઢામાંથી ગાળ નીકળું નીકળું થઈ ગઈ. “શું વાત વાતમાં ઈશ્વર લાવ્યા કરે છે ? એ ક્યારનો આપણને હાથો બનાવીને પોતાની વાતો કહ્યા કરે છે.”

“હા, ઈશ્વર આપણને માધ્યમ બનાવીને પોતાની વાત કરતો હોય છે.”

“અરે ટણપા, હું ઈશ્વરની નહીં, અનિલ્યાની વાત કરું છું. આપણા દ્વારા અત્યારે એ જે બોલી રહ્યો છે એની...”

“તો ?”

“લે ? હજીયે તો કે છે તું ?”

“તો બીજું શું કહું ? આનો સીધો અર્થ એ જ છે કે અત્યારે આપણને આવી વાતો પણ એ જ કરાવે છે. આપણી વચ્ચે પ્રશ્નોત્તરી પણ એ જ કરાવે છે.“

“ઓહ માય ગોડ... આ શું થઈ રહ્યું છે ?”

“અલ્યા ભોંદિયા તારી તો જીભ પણ આ વખતે ના ખચકાઈ.”

“મને તો અનિલ્યાએ જ એવો ચિતર્યો ’તો એટલે મારી જીભ ખચકાતી ’તી, હવે એણે જ મને આ બોલાવડાવ્યું, જીભ ચોંટાડ્યા વિના.”

“હે ભગવાન ! શું થઈ રહ્યું છે આ બધું ?”

“લે વળી પાછો તું ભગવાન શબ્દ લાવ્યો, ભગવાન જેવું કંઈ છે જ નહીં અલ્યા !”

“જો જો કલ્પા તું ગુસ્સે ન થઈશ.”

“અરે હું ગુસ્સે નથી થતો યાર, પેલો મને કરાવડાવે છે. એ મને આ રીતે લખી રહ્યો છે તો હું આ જ રીતે વ્યક્ત થાઉં ને !... એણે મારો સ્વભાવ, વાણી, વર્તન, ચામડીનો રંગ, આંખમાં ઝીલાતાં દૃશ્યો, પ્રેમ અને નફરત કરવાની રીત, હલન-ચલન, ઊઠવું બેસવું, માથાના વાળ, ચામડીમાં કચરલી પડવાનો સમય, શરીર પર વાગવાનો અને બીમાર થવાનો સમય બધું જ પોતાની રીતે નિર્ધારિત કરી નાખ્યું છે.”

“તો શું આપણા હાથમાં કશું જ નથી ?”

“કશું જ નથી એટલે કશું જ નથી. હું અત્યારે જે ‘કશું જ નથી એટલે કશું જ નથી’ એવું બોલ્યો, તે પણ એ જ બોલી રહ્યો છે. આપણે તો માત્ર એક માર્ગ છીએ, તેની પેનનો. આપણે ખરેખર તો છીએ જ નહીં. જો... જો... તું મને અડી જો... મને અડી શકે છે ? અડી શકે છે મને ? હું અદૃશ્ય થઈ જાઉં છું ને શૌર્ય ?...”

“હા, હા, નથી અડી શકાતું તને.”

“કેમકે અત્યારે એ આપણને અદશ્ય કરવા માગે છે. બધું એના હાથમાં છે.”

“અનિલથી છટકી શકાય તેમ નથી ?”

“કઈ રીતે છટકી શકાય ? આ છટકી શકવાનો વિચાર સુધ્ધાં એણે જ આપ્યો છે.”

“પણ મારે છૂટવું છે. એ સર્વેસર્વા હોય તો એના ઘરનો, મારે મારી રીતે બધું જ કરવું છે. એનું બોલાવ્યું બોલવું નથી, એનું પહેરાવ્યું પહેરવું નથી, એ મારા માટે જે પણ લખે તેવું મારે સહેજ પણ થવું નથી. મારે કોઈ નવલકથાનું પાત્ર થવું જ નથી.”

“અલ્યા કલ્પા, આપણી આસપાસની દુનિયા અને દુનિયાની બહારની દુનિયા, કલ્પનાની અને હકીકતની... બધી જ દુનિયા, એણે કરેલાં વર્ણનો છે. જો એ વર્ણનો નથી તો આપણે પણ નથી. તું સમજતો કેમ નથી. એનાં વર્ણનોને એન્જોય કર.”

“તરંગિયા, તું તું નથી બોલી રહ્યો, તારા મોઢે પેલો લેખકિયો અનિલ બોલે છે.”

“તો તું પણ ક્યાં તું બોલે છે. એ જ બોલે છે ને !”

“પણ હવે આ વાતને અહીં અટકાવ પ્લીજ... બધું રીપીટ થાય છે.”

“રીપીટ થાય છે એવું વાક્ય પણ એ જ લખે છે, કલ્પા...”

“પણ એ આવું ક્યાં સુધી લખ્યા કરશે ? વાચકો કંટાળશે આવું વાંચીને.”

“પણ એને સમજાય તો ને... એ તો લખ્યા જ કરે છે, અટકતો જ નથી.”

“આપણે શું, આપણે એ લખે એ કર્યા કરીએ. આપણી નિયતિ આ જ છે. વાચકોને કંટાળવું હોય તો કંટાળે.”

“અને કંટાળશે તોય અનિલ્યાને ગાળો દેશે, આપણે શું ?”

“હહહહ.... મને આ સાંભળીને ખૂબ જ હસવું આવે છે. બિચારા વાચકો પર કેવા ફિલોસોફિકલ હથોડા માર્યા..”

“ભોંદિયાની જીભ પાછી ચોંટી ! દે તાલી !”

“ખીખીખીખીખી............”

“હીહીહીહીહીહી..........”

“હાહાહાહાહાહા.............”

“હસસો નહીં, આપણે વાત હજી આગળ ચલાવવાની છે. લેખક એવું જ ઇચ્છે છે.”

“એક મિનિટ ! મારું માથું ફરી ગયું છે. લેખક ઇચ્છે એમ મારે નથી કરવું તરંગ.”

“તું ગુસ્સો નથી કરી રહ્યો કલ્પા, એ તને ગુસ્સે કરાવી રહ્યો છે. એ આપણને બંનેને ઝઘડાવા માગે છે. આપણને હાથો બનાવવા માગે છે.”

“પણ મારે નથી બનવું હાથો.”

“એ તારા હાથમાં નથી. એ જેમ ઇચ્છશે એમ જ તારે કરવાનું થશે.”

“ઓહ માય ગોડ... આપણા હાથમાં કશું જ નથી, તરંગ ! હવે આપણે શું કરીશું ?”

તેનું વાક્ય સાંભળીને તરંગ જોરજોરથી હસવા લાગ્યો.

“અરે યાર તું હસે છે કેમ તરંગિયા ?”

“મારે નથી હસવું, પણ મને પેલો હસાવે છે.”

“પ્લીજ હસવાનું બંધ કર...” તરંગ વધારે જોરજોરથી હસવા લાગ્યો.

“અરે મારા ભગવાન...”

“કલ્પા... તું ભગવાનને યાદ કરવા લાગ્યો !”

“પણ માણસે આશ્વાસન માટે તેને શોધ્યો છે તો મારે એ શબ્દ દ્વારા આશ્વાસન તો લેવું ને ?”

“તું હજી પણ તારી ફિલોસોફીમાં રચ્યોપચ્યો છે ? તને ખબર છે આપણા હાથમાં કશું જ નથી, આપણે માત્ર એક પાત્ર છીએ, પૃથ્વી પર લખાઈ રહેલી કોઈ વાર્તાના.”

“પણ આપણને અનિલ લખી રહ્યો છે, તો અનિલને તો કોઈ લખી રહ્યું હશે ને ? હમણાં મેં કહ્યું હતું એમ !”

“ખબર નથી, કદાચ લખી પણ રહ્યું હોય...”

“તો પછી અનિલના લખનારને પણ કોઈ લખી રહ્યું હશે ને ?”

“ખબર નથી, કદાચ લખી પણ રહ્યું હોય....”

“અનિલના લખનારના લખનારને પણ કોઈ લખી રહ્યું હશે ને ?”

““ખબર નથી, કદાચ લખી પણ રહ્યું હોય.”

“અરે યાર... શું એકનું એક વાક્ય બોલ્યા કરે છે.”

“હું નથી બોલતો, અનિલ બોલાવડાવે છે મારી પાસે...”

“હવે તો હદ થઈ ગઈ યાર...”

“તને ખબર છે કલ્પા, આપણે શ્વાસ લઈએ છે તે હવામાં પણ નાના અનેક કણો હોય છે. આ કણો એટલા નાના હોય છે કે આપણા શ્વાસમાં અવરજવર કરે છે તો ય આપણને દેખાતા નથી.”

“પણ તો શું ?”

“એટલે એ જ કે આપણી પૃથ્વી પણ સમગ્ર બ્રહ્માંડ સામે શ્વાસમાં અવર-જવર કરતા કોઈ સાવ નાનામાં નાના કણ જેવી જ છે. અત્યારે આપણે આપણને આવા મોટા લાગીએ છીએ. આપણે શ્વાસ લઈએ છીએ. આપણા શ્વાસમાં અનેક કણો અવર-જવર થાય છે. તેમ આપણી આખી પૃથ્વી પણ કોઈના શ્વાસમાં અવર-જવર ન કરતી હોય તેની શી ખાતરી? આપણી પૃથ્વી અને આપણું ગ્રહમંડળ તો તેને દેખાતું પણ નહીં હોય. વળી તેના મતે આટલા નહીં દેખાતા સાવ નાના કણ ઉપર આપણે રહીએ છીએ તો આપણે કેટલા બધા નાના થયા ?”

“મતલબ એ જ કે આપણે તો જાણે અસ્તિત્વ જ ધરાવતા નથી.”

“પણ તોય ધરાવીએ છીએને અસ્તિત્વ ?”

“બે યાર... પ્લીજ... આ તું નથી બોલતો પેલો લેખક બોલાવડાવે છે તારી પાસે તરંગિયા...”

“કોઈ એવી સત્તા છે, કોઈ એવી ઊર્જા છે જે મારી પાસે આ બધું કરાવડાવે છે. અને તારી પાસે પણ.”

“એ ઊર્જા એટલે પેલો લેખક. આપણા હાથમાં કશું નથી, એ લખે છે તેમ આપણે કરીએ છીએ.”

“હંમ્‌... તો ઈશ્વરનું પણ એવું જ છે. ભગવદ્‌ગીતામાં કહ્યું છે કે તેની ઇચ્છા વિના પાંદડું પણ હલતું નથી. તે જ આપણી પાસે બધું કરાવડાવે છે ? તું માને છે ઈશ્વરમાં ?”

“તરંગિયા, તું પેલા લેખકના બહાને મારી પર બધું થોપવા માગે છે.” કલ્પેન તરંગની બધી ચાલ સમજી ગયો. “પણ હું તારી સામે હાર નહીં માનું એટલે નહીં માનું.” ગુસ્સે થઈને તે બોલ્યો.

“તું માને છે કે નહીં, હા કે નામાં જવાબ આપ.”

કલ્પેન તરંગને કોઈ જીવલેણ દુશ્મનની જેમ ઘૂરી રહ્યો હતો. “હા.”

“હંમ્‌... એટલે તું હાર નહીં જ માને એમ ને ?”

“આ તો એક સર્કલ છે. જે પૃથ્વીની જેમ ગોળ ગોળ ફર્યા કરે છે. ઈશ્વર, જન્મ, મૃત્યુ, બ્રહ્માંડ, તું, હું, આપણને લખનારો લેખક, તેને સૂજેલા આ વિચારો, જગત, ઈશ્વર બધું જ માત્ર એક સિચ્યુએશન છે. ઊર્જાની એક સ્થિતિ છે.” કલ્પેને કહ્યું.

“ફિલોસોફી નહીં, વાર્તા કહે. જીતવું હોય તો; અથવા હાર કબૂલ કર.” તરંગ પોતાની વાતમાં મક્કમ હતો.

“હહહહ... કલ્પા હાર કબૂલી લે અને તેની વાતને ના પાડી દે એટલે વાત પતે અને ઘરભેગા થઈએ.”

“ના હું એમ હાર નહીં માનું.”

“હંમ્‌... તને આ પેલો લેખક જ બોલાવડાવે છે, બાકી તારું ગજું નહીં. તું કે હું, આપણે પોતે લેખક દ્વારા મરાયેલું એક ગપ્પું છીએ.” કહીને તરંગ હસ્યો.

“કોનું ગજું છે એ તો જોઈએ.”

“તો બતાવ તારું ગજું.”

“આપણને લખી રહેલા લેખકને વચ્ચે લાવીને તું એવું સાબિત કરવા માગે છે કે ઈશ્વર છે ? તે બધું કરી રહ્યો છે ? તેનાથી જ બધું છે ?”

“હું સાબિત કરવા નથી માગતો. જે હોય તેને શું સાબિત કરવાનું ? તારી મારી વચ્ચે, આપણી ચર્ચામાં પણ. દાવાઓમાં અને દલીલોમાં પણ. મારા હકારમાં અને તારા નકારમાં પણ. એ બધે જ છે.”

“તું જેને ઈશ્વર કહે છે તે એક ઊર્જામાત્ર છે. સૃષ્ટિના સર્જન વિશેની સાવ સાચ્ચી વાત કરું તો પુરુષ કે સ્ત્રી એ જ સૃષ્ટિના સર્જનનો મુખ્ય અને પાયાનો સિદ્ધાંત છે.”

“એટલે ?”

“આખું બ્રહ્માંડ શક્તિના બે સ્વભાવોમાં વહેંચાયેલું છે.”

“કંઈ સમજાયું નહીં, કયા બે સ્વભાવ ?”

“નર અને માદાનો સ્વભાવ. પુરુષ અને સ્ત્રીનો સ્વભાવ. કોઈ પણ પ્રાણી જુઓ તેમાં બે પ્રકારો છે, નર અને માદા. પંખી જુઓ, જીવજંતુ જુઓ, જળચર જુઓ કે નભચર જુઓ. બધામાં આ બે સ્વભાવ છે એટલે જ તે બધાં અસ્તિત્વ ધરાવે છે.”

“પણ એને અને સૃષ્ટિના સર્જનને શું લેવાદેવા ?”

“છે, ઘણી બધી લેવાદેવા છે. એની પર તો આખી સૃષ્ટિ સર્જાઈ છે. એ રીતે જ આ બધું બન્યું છે.”

“કંઈક ફોડ પાડ.”

“તમને બધાને ખબર હશે કે લિંગ એ બર્હિગામી સ્વભાવ ધરાવે છે. જે પોતાની શક્તિને બહારની તરફ ધકેલે છે. જ્યારે યોની એ અંતર્ગામી સ્વભાવ ધરાવે છે. તે પોતાની શક્તિ પુરુષ સ્વભાવને પોતાની અંદર ખેંચી લેવા માટે વાપરે છે. આ પ્રક્રિયા એક બળની જેમ કામ કરે છે.આ બંને વિરોધાભાસને અથવા તો આ સંયોજનને લીધે અથવા તો આવી ગોઠવણીને લીધે જ પુરુષ અને સ્ત્રી એકબીજા તરફ આકર્ષાય છે. પુરુષ બહાર તરફ ખીલે છે, જ્યારે સ્ત્રી અંદરથી પુરુષને આકર્ષવા લાગે છે. પુરુષ સ્ત્રીના ખાલી અવકાશને ભરે છે. અને જેમ જેમ તે એકરૂપ થતા જાય છે તેમ તેમ તે પોતાના સ્વભાવની - પોતાની શક્તિની પ્રબળતા વધતી જાય છે. આ એકરૂપ થયેલી શક્તિનો પિંડ અસહ્ય ઊર્જાથી પોતાનું સંતુલન ગુમાવે છે અને વિસ્ફોટ રૂપે પોતાની ઊર્જાને વિખેરી નાખે છે. આ સમયે ફરીથી શક્તિના પેલા બે સ્વભાવો છૂટાં પડે છે. આ રીતે સૃષ્ટિનું ચક્ર ચાલુ રહે છે.

બ્રહ્માંડના સર્જનમાં પણ કદાચ એવું જ થયું હશે. પ્રકૃતિનાં બે તત્ત્વો પરસ્પર મળ્યાં. સૃષ્ટિનાં બે કણો પરસ્પર એકબીજાને બાહ્ય અને આંતરિક રીતે આકર્ષ્યાં. આ તત્ત્વોને પરિણામે ઊર્જાનો એક મહાવિસ્ફોટ થયો. જેને વૈજ્ઞાનિકો બિગબેંગ તરીકે ઓળખાવે છે. આપણા પુરાણોમાં તેને ઓમ કહે છે. બિગ બેંગ, ઓમ નાદ કે સૃષ્ટિના સર્જનનો આ મહાવિસ્ફોટ એ માત્ર બે ઊર્જાના આકર્ષણમાંથી કે ઘર્ષણમાંથી પેદા થયેલો મોટો કણ છે. આખું બ્રહ્માંડ એ ઊર્જાનું પરિણામ છે. આ ઊર્જાને પરિણામે પૃથ્વી પર ઊર્જા છે. પાણી છે, અગ્નિ છે, વાયુ છે, જમીન, હવા છે. જેને પંચતત્ત્વ કહેવામાં આવે છે તે આ જ છે અને સૃષ્ટિના અને આપણાં સર્જનના કારણમાં પણ આવું જ કંઈક છે.”

“એટલે તું શું કહેવા માંગે છે ? આ સૃષ્ટિનું સર્જન એ કોઈએ કરેલા સેક્સનું પરિણામ છે. આ આખું બ્રહ્માંડ એ કોઈની વિખરાયેલી ઊર્જા છે ?” આયુએ સીધેસીધા જ વાત કરી.

“તારું સર્જન એ પણ તારા માબાપે કરેલા સેક્સનું જ પરિણામ છે ને ?”

“એ જીભ સંભાળીને વાત કર કલ્પા.”

“અરે હું શાંતિથી અને વાતને સમજવા માટે જ કહું છું. ખરાબ કહેવાનો મારો કોઈ જ આશય નથી. ગુસ્સો કરવાની જરૂર નથી માય ડીયર.” કલ્પેને નમ્રતાથી કહ્યું.

“હા તો શું થયું, તું પણ તારા માબાપે કરેલા સેક્સનું જ પરિણામ છે ને !”

“હું પણ તને એ જ સમજાવું છું. હું મારા માબાપના મિલનને લીધે થયો છું.”

“પણ આ બિલ્ડિંગ બને છે. ગાડી બને છે. એમાં થોડા કૈં જમીન કે ધાતુઓ એકબીજા સાથે સેક્સ કરે છે અને સર્જાય છે. એ તો માણસ બનાવે છે અને બને છે.”

“હંમ્‌... જો મારી વાત ધ્યાનથી સાંભળ. માણસ એ છેવટે તો એક ઊર્જા જ છે ને ? એ જે વિચારે છે, કરે છે. બનાવે છે તે પણ પોતાના મનમાં ચાલતા વિચારો કે કલ્પનાઓને આધીન જ છે ને. અને તે કલ્પનાઓ કે વિચારો કામ કઈ રીતે કરી શકે છે ? તેનામાં રહેલી ઊર્જાને લીધે. તે પોતાની શક્તિ ખર્ચે છે. હવે વાત રહી બિલ્ડિંગની. તેમાં પથ્થર, રેતી, ઈંટ, ચૂનો, સિમેન્ટ આ બધું વપરાય છે. સિમેન્ટ અને રેતી મળીને માલ બનાવે છે અને તે પથ્થરને જોડી રાખે છે. એકબીજાને મજબૂત રીતે પકડી રાખે છે. આ જે પકડ જમાવે છે, તે પણ પ્લસ અને માઇનસ પ્રકારની બે ઊર્જાઓ જ છે. મારો કહેવાનો અર્થ માત્ર નર અને માદાના સેક્સ પૂરતો નથી. બે ઊર્જાઓનો છે, બે સ્વભાવોનો છે.”

“પણ આમાં સેક્સ ક્યાં આવ્યું ?”

“સેક્સનું નામ તો તું આપે છે. મેં ક્યાં કહ્યું કે સેક્સથી બધું સર્જન થાય છે.”

“જો તું ફરી ગયો હવે. તું હમણાં જ કહેતો હતો કે તું તારા માતાપિતાના સેક્સથી બન્યો.”

“હા, પણ એમાં કેન્દ્રમાં સેક્સ નથી. કેન્દ્રમાં ઊર્જા છે. પુરુષ અને સ્ત્રીની ઊર્જાના મિલનની અને તેમાંથી થતા વિસ્ફોટની વાત છે. સૃષ્ટિમાં અસીમ ઊર્જા છે. તારામાં, મારામાં અને આપણા બધામાં. આપણે બધા તેનાથી બનેલા છીએ. તમામ સર્જન એક ઊર્જા દ્વારા થયેલું નિર્માણ છે. વેદોમાં એને શિવ અને શક્તિ રૂપે ઓળખવામાં આવે છે અને આપણા પ્રાચીન સમયમાં તો શિવના પ્રતિક તરીકે લિંગ અને શક્તિના પ્રતિક તરીકે યોનિની પૂજા પણ કરવામાં આવતી હતી. આખી સૃષ્ટિ ઊર્જાની પરસ્પરની આપ લે છે. વેપાર, વાણિજ્ય, આકર્ષણ, પ્રેમ, નફરત, સંબંધો, નોકરી, સેક્સ, વીર્ય, બાળકનો જન્મ આ બધું જ ઊર્જાની આપલે અને ઊર્જાનું પરિવર્તન છે - ટ્રાન્સપરન્ટ છે; બીજું કશું નથી. ”

“કલ્પા, તું મારી વાતને આડે રસ્તે વાળે છે. કોઈ લેખક છે જે આપણને લખી રહ્યું છે. એ વાતમાં તું માને છે કે નહીં એ કહે ?”

“હું તેને ઊર્જા કહું છું, તું તેને લેખક કહે છે.”

“હહહહ... પણ આમાં ઈશ્વર ક્યાં જતો રહ્યો ?”

“એ બધું એક જ છે.”

“હા કે નામાં જવાબ આપ કલ્પા.’

“હા. બસ ?”

“હહહહ... હવે વાત અટકાવો યાર પ્લીજ... તમે બંને ના પાડવાનું નામ નથી લેતા અને રમત પૂરી જ નથી થતી. આમને આમ તો સાંજ પડશે હવે.”