Gappa Chapter - 11 in Gujarati Fiction Stories by Anil Chavda books and stories PDF | Gappa Chapter 11

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

Gappa Chapter 11

પ્રકરણ : ૧૧

“આમ તો આ વાત સાવ સાચ્ચી છે. ગપ્પું નથી.”

તરંગે કલ્પેનને બરાબરની મહાત આપી હતી, આથી તે ખુશ હતો એટલે તેણે હસતા હસતા કહ્યું, “અરે ભાઈ આપણે સાચ્ચી વાત જ કરવાની છે. ગપ્પાં તો મારવાનાં જ નથી. તને શું લાગે છે અત્યારે સુધી જે વાત થઈ એ બધા ગપ્પાં હતાં ?”

“મેં એવું ક્યાં કીધું ?”

“તું કહે છે તો ખરો કે આ વાત સાવ સાચ્ચી છે.”

“અરે તું મારી વાતનો ઊંધો અર્થ કાઢે છે યાર...”

“સારું જવા દે હવે... તું શું વાત કહેવા માંગે છે એ કહે...”

“આ વાત પણ તેં જેમ વાત કરી તેમ યુગો પહેલાની છે. મારા દાદાએ પથ્થર ફેંકી સૂરજ બનાવ્યો અને તારા દાદાએ બ્લેક હોલ બનાવ્યો એની પણ પહેલાંની વાત.”

“એ પહેલાંની વળી કઈ વાત ?” તરંગે પ્રશ્ન કર્યો.

“સાંભળ, કહું છું તને. એ વખતે તો આકાશમાં સૂરજ પણ નહોતો. કેમકે મારા દાદાએ આકાશમાં કાણું જ નહોતું પાડ્યું તો ક્યાંથી સૂરજ હોય ?” કલ્પાની આવી વાત સાંભળી બધા હસવા લાગ્યા.

“સીધી વાત કર.” તરંગે કહ્યું.

“હંમ્‌... તો આ એ વખતની વાત છે કે જ્યારે સમય પોતે પણ સાવ વેરવિખેર હતો.”

“વેરવિખેર એટલે ?”

“એટલે કે વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય જેવું કશું જ હતું નહીં. બધું જ અસ્તવ્યસ્ત હતું. ભૂતકાળ વર્તમાનમાં જતો રહેતો, વર્તમાન ભૂતકાળમાં ચાલ્યો જતો. ક્યારેક ભવિષ્યની ઘટનાઓ પહેલાં ઘટી જતી અને ભૂતકાળની પછી ઘટતી. ટૂંકમાં ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યકાળ જેવું કશું સીધેસીધું અસ્તિત્વ ધરાવતું નહોતું.”

“લે... આ કેવું !” આયુએ આશ્ચર્યથી કહ્યું.

“હા, આ એવું જ હતું. માણસ ક્યારેક સીધો ઘરડો જ જન્મતો અને બાળક તરીકે મૃત્યુ પામતો. ક્યારેક તે મર્યા પછી ફરી સમયપટ પર આવી જતો. હવાની લહેરખીઓ કેમ આમથી તેમ ફર્યા કરતી હોય છે, તેમ જ સમય સીધો ચાલવાને બદલે આમથી તેમ ઊડ્યા કરતો હતો. ભવિષ્યની ઘટનાઓ ક્યારેક ઘટ્યા પહેલાં જ ભૂતકાળ થઈ જતી હતી. તો વળી ક્યારેક ભૂતકાળ થઈ ગયેલી ઘટનાઓ થઈ જ ન હોય એમ ફરી-ફરી બનતી હતી. આમાં વર્તમાન જેવું તો કશું રહેતું જ નહોતું. બધું આડું-અવળું જેમ ને તેમ ઘૂમરાતું રહેતું હતું. ક્ષણ, મિનિટ, કલાક જેવું કશું હતું નહીં. બધું માત્ર ‘હતું’ થઈને જ હતું. કશું માપ નહોતું, રમણભમણ હતું બધું.”

“હહહહ... કંઈક સમજાય એવી વાત કરને કલ્પા... ગોળ ગોળ વાત કેમ કરે છે?” ભોંદુએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરી.

“ગોળ ગોળ નહીં સીધી જ વાત કરું છું, પણ જે વાત કરવી છે એ વાત જ આવી ગોળ ગોળ અને રમણભમણ છે. એટલે એ વાત તો એ જ રીતે થઈ શકે ને ?”

“પણ તું એકની એક વાત રીપીટ કરતો હોય એવું લાગે છે.” આયુએ કહ્યું.

“ઓકે. સોરી. આગળ વધીએ. મારે કહેવાની મુખ્ય વાત એ છે કે તે વખતે સમય તો અસ્તિત્વ ધરાવતો હતો, પણ તેને પોતાને વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્ય એવું કશું જ નહોતું. ક્રમ જેવું કશું હતું નહીં. તે વહેતો હતો, પણ સાવ વેરવિખેર વહેતો હતો. વર્તમાન-ભૂતકાળ-ભવિષ્યકાળ બધું એકબીજામાં અદલબદલ થઈ જતું હતું.”

“હહહહ... અરે ફરી પાછી તેં એની એ જ વાત કરી.”

“પણ પછી સમય જતાં એક દિવસ એક માણસ જન્મ્યો. તે ડાયરેક્ટ યુવાન જ પેદા થયો. કલાક બે કલાકમાં તે પાછો બાળક થઈ ગયો. આટલું ઓછું હતું તે પાછો બે મિનિટમાં વૃદ્ધ થઈ ગયો. તે મરવાની અણી પર જ હતો ત્યાં વળી પાછો કિશોર થઈ ગયો. સમયની તોફાની ગર્તામાં તે આમથી તેમ ધકેલાતો રહેતો હતો. દરિયામાં જેમ તોફાન આવે અને મોજાંઓ આમથી તેમ ઉછળ્યા કરે તેમ સમય પણ અણધારી રીતે ઊછળ્યા કરતો હતો. તે કોઈ નિશ્ચિત બંધારણમાં નહોતો. આ માણસ પણ સમયના મોજાંની થપાટોમાં પછડાટો ખાધા કરતો હતો. સમયના આવા વેરવિખેરપણાને લીધે ક્યારેક તો તે પોતાને ને પોતાને જ મળી જતો હતો અને એને પોતાને ય ખબર નહોતી પડતી.

એક દિવસ તે એ ગાડી લઈને જતો હતો અને વચ્ચે એક માણસ આડો આવી ગયો. જોકે ચાર રસ્તા પરનો સિગ્નલ તો બંધ જ હતો. પણ આ માણસે તો સિગ્નલનો નિયમ જ ન પાડ્યો અને એક માણસને ગાડી ઠોકી દીધી, ધડામ દઈને !!...”

ધડામ દઈને... ગાડી સીધી ભોંદુના મગજમાં જ અથડાઈ હોય એવું એને લાગ્યું. એ માથું ખંજવાળવા લાગ્યો. ‘સાલું. જ્યારે સમય જ વેરવિખેર હતો, પૃથ્વી પર સૂર્ય-ચંદ્ર નહોતા, એના દાદાએ કાણું પાડીને સૂરજ પણ નહોતો બનાવ્યો, તરંગના દાદાએ બ્લેકહોલ નહોતો બનાવ્યો, ત્યારે એ માણસ વળી ગાડી લઈને ક્યાંથી આવ્યો ? આટલું ઓછું હતું તો રસ્તા ક્યાંથી આવ્યા ? રસ્તા તો ઠીક પણ ગાડી અને ટ્રાફિકના નિયમો ક્યાંથી આવી ગયા ?’ ભોંદુનું માથું ભમવા લાગ્યું.

તરંગ પણ વિચારતો હતો કે ‘સાલો હરામી... વાત ક્યાં ગોળગોળ ફેરવે છે એ જ કંઈ સમજાતું નથી... એના મનમાં કેટલીય ગાળો આવી ગઈ. પણ વગર બોલ્યે એણે કલ્પાની વાતો સાંભળ્યા રાખી અને કહ્યું, “અચ્છા, પછી શું થયું ?”

“પછી થવાનું શું હતું ? પેલા માણસે જેની સાથે ગાડી અથડાવી હતી તે ગાડી અથડાવનાર માણસ કરતા ઉંમરના નાનો હતો. એ જોરથી રોડ પર પટકાયો અને એનો એક પગ ભાંગી ગયો. ગાડીમાં બેસનાર માણસને તો કંઈ થયું નહીં. પણ એ જ્યારે ગાડીમાંથી નીચે ઊતરવા ગયો ત્યારે એ પણ ધડામ દઈને નીચે ફસડાઈ પડ્યો. તે પોતાના પગ પર ઊભો જ ન રહી શક્યો. તેને કંઈ સમજાયું નહીં. તેને થયું કે મારો એક પગ કેમ કામ નથી કરતો. તેણે ધ્યાનથી જોયું તો તેનો પણ એક પગ ભાંગી ગયો હતો. પછી તેને ખબર પડી કે તેણે જેની સાથે ગાડી અથડાવી હતી એ બીજું કોઈ નહીં પણ તે પોતે જ હતો !

તાત્કાલિક તે દવાખાને મલમપટ્ટી કરાવવા ગયો. તે દવાખાને પહોંચવા આવ્યો તે પહેલા તો તેનો પગ એકદમ ઠીકઠાક થઈ ગયો. કેમકે એને જેની સાથે ગાડી અથડાવી હતી એ માણસે તાત્કાલિક જાતે જ મલમપટ્ટી કરી લીધી. કારણ કે તે દવાખાનામાં નોકરી કરતો હતો. એટલે પોતાનો ઇલાજ કઈ રીતે કરવો તે સારી રીતે જાણતો હતો. આ માણસે મલમપટ્ટી કરાવી એટલે પેલા માણસને પણ મટી ગયું. હવે મજાની વાત તો ત્યાં છે કે આ જે દવાખાને જવા નીકળ્યો હતો તે દવાખાનામાં જ એ પોતે નોકરી કરતો હતો. એટલે વળી ફરી એ પોતાને જ ત્યાં મળી ગયો. એને થયું કે આની સાથે તો મેં થોડી વાર પહેલાં ગાડી ભટકાડી હતી એ અહીં ક્યાંથી આવી ગયો. વળી આ તો સાવ સાજો છે, આને તો કંઈ જ વાગ્યું નથી. પણ ક્યાંથી વાગેલું હોય એ તો એનો ભૂતકાળ હતો અને ઘણા સમય પહેલાં એને વાગ્યું હતું અને ઘણા સમય પહેલાં જ એણે એની દવા કરાવી નાખી હતી !

આ માણસ ખૂબ ચકરાવે ચડી ગયો. તે દવાખાનેથી ગાડીમાં પાછો ફર્યો. રસ્તામાં તેણે જોયું કે આજુબાજુ બેન્ડવાજા વાગી રહ્યા છે ને અને બધા જોરશોરથી નાચી રહ્યા છે. બહાર શું ચાલી રહ્યું છે તે જોવા માટે તે જેવો બહાર નીકળવા ગયો તો અચાનક કોઈએ તેનો હાથ પકડ્યો અને કહ્યું કે, “ક્યાં જાય છે ? તારે બહુ બહાર ન નીકળાય, તું વરરાજા છે.”

આ માણસની તો ખોપડી છટકી ગઈ. પણ એ કંઈ વધારે સમજે-કરે એ પહેલાં તો બધાએ તેને ઊંચકીને ઘોડા પર બસાડી દીધો. એના માથા પર ફૂલોથી શણગારેલો એક સોફો પણ આવી ગયો. ચારે બાજુ ધડામધૂમ વાજા વાગવા લાગ્યા. બધા નાચવા લાગ્યા અને અચાનક ઘોડો ભડક્યો ! તેણે જોરથી દોટ મૂકી. બીકના માર્યા જાનૈયાઓ ચીચીયારી પાડવા લાગ્યા. બધા નાસો-ભાગોની બૂમો પાડતા-પાડતા દોડવા લાગ્યા. પણ ઘોડો ઊભા રહેવાનું નામ લેતો નહોતો. વળી સાફો એવો પહેરેલો હતો કે મોં આગળ ફૂલની સેરો ઢળેલી હતી એટલે એને બહારનું વધારે દેખાતું નહોતું. તેણે દોડતાઘોડે હાથ વડે ફૂલો હટાવ્યાં અને જોયું તો હેબતાઈ જ ગયો. ચારે બાજુ તલવારો ખખડતી હતી અને મારો-કાપોના અવાજ આવતા હતા. તેને થયું કે હું તો થોડી વાર પહેલાં તો વરરાજા તરીકે પરણવા નીકળ્યો હતો. આ વળી ક્યાં પહોંચી ગયો ?

તેણે જોયું તો એક શ્યામ માણસ રથ હાંકી રહ્યો છે. તેણે માથામાં એક મુગટ પહેર્યો છે અને તેમાં મોરપીચ્છ લાગેલું છે. તેની પાછળ એક મજબૂત બાંધાનો ઘઉવર્ણો બાણાવળી છે. તે ચારેબાજુ તીરનો મારો કરી રહ્યો છે. બીજી તરફ એક ગદાધારી માણસ અનેક સૈનિકોને બેરહેમીથી કચડી રહ્યો છે. બીજી તરફ એક એક વૃદ્ધ ચાંદી જેવી ચમકતી દાઢી અને ખડતલ શરીર ધરાવતો માણસ યુદ્ધના મેદાનમાં બેફામ લડી રહ્યો છે. મહાભારતના કુરુક્ષેત્રની લડાઈના સમયમાં તે આવી ગયો હતો. અચાનક સડસડાટ કૃષ્ણનો રથ તેની બાજુમાંથી નીકળી ગયો ને તેને ખબર પણ ન રહી. બધા સૈનિકો મરો કે મારોની નીતિથી લડી રહ્યા હતા. આ બધું જોઈ તેના મનમાં ધ્રુજારી આવી ગઈ. તેનો ઘોડો અટકવાનું નામ નહોતો લેતો. બીજી જ પળે વળી એકાએક સામેથી એક સૈનિક પૂરપાટ ઘોડો લઈને આવ્યો અને તેણે આની પર વાર કર્યો. જીવ બચાવવા આણે પણ તલવાર કાઢી અને સામે ઊગામી. બંનેની તલવારો સામસામે અથડાઈ અને ખડિંગ દઈને અવાજ આવ્યો. સામેના સૈનિકે એટલો જોરથી પ્રહાર કર્યો કે આ માણસ ધડામ દઈને નીચે પટકાયો. બીજો વાર થવાની બીકે તે ઝડપભેર ઊભો થયો અને તલવાર ઉગામવા લાગ્યો. પણ આ શું ? આજુબાજુ જોયું તો યુદ્ધ જેવું કશું હતું જ નહીં.

તે કોઈ ઘરમાં પડ્યો હોય એવું લાગતું હતું. તે ખૂબ ડરી ગયો હતો. તેના ધબકારા વધી ગયા હતા અને તે જોરજોરથી હાંફી રહ્યો હતો. શું થઈ ગયું એ તેને સમજાતું નહોતું. તેણે થોડા લાંબા શ્વાસ લીધા.

થોડી રાહત થઈ એટલે શાંતિથી જોયું તો તે ડાઇનિંગ ટેબલ પરથી પડ્યો હોય એવું તેને લાગ્યું. તેના હાથમાંથી ખડિંગ દઈને એક ચમચો નીચે પડી ગયો હતો એને લેવા તે નીચે વળ્યો એમાં પટકાયો હતો અને એ જ ચમચો પકડીને તે હવામાં વીંઝવા લાગ્યો હતો.”

“અરે યાર... શું વાત ચાલી રહી છે કંઈ જ સમજાતું નથી.” આયુએ પોતાની મુંઝવણ વ્યક્ત કરી.

“અરે હું એ જ કહેવા માગું છું કે વાત બહુ જ ઑકવર્ડ છે.” કલ્પાએ ગૂંચ સમજાવતા કહ્યું. “કેમકે સમયની વાત છે. સમય સરખી રીતે વહેતો નહોતો એટલે આવી બધી ભૂલો થતી હતી. વર્તમાન ભૂતકાળ થઈ જતો, ભૂતકાળ વર્તમાન થઈ જતો. ભવિષ્યકાળ વર્તમાન બની જતો, વર્તમાન ભવિષ્યકાળ બની જતો... બધું જ આગળ-પાછળ, ઉપર-નીચે, ઊંધું-ચતું થઈ જતું હતું. જેમ કોઈ વિશાળ પંખાની ફરતાં સેંકડો દોરડાંઓ લટકતાં હોય અને પંખો ગોળ ગોળ ફરવાને બદલે આડો-અવળો ફર્યા કરે - આગળ પાછળ ફર્યા કરે અને બધાં જ દોરડાંઓ એકબીજામાં અટવાયા કરે અને ગૂંચો ઉપર ગૂંચો સર્જાયા કરે તેમ સમય પણ આડોઅવળો - આગળપાછળ અને ઊંધીચતી રીતે ગોળગોળ ફરીને અનેક ગૂંચો અને ગૂંચોનીયે ગૂંચો સર્જી રહ્યો હતો. એવી ગૂંચો કે જે ક્યારેય ઉકેલી ન શકાય. પાણીમાં પાણી નાખીએ તો જે રીતે એકમેકમાં ભળી જાય તેમ સમય પણ સમયમાં બરોબરનો ભળી ગયો હતો. તેનામાં કશું ક્રમસર નહોતું બનતું. ન ભૂતકાળ, ન ભવિષ્ય ન વર્તમાન. તે પોતાનામાં જ અટવાયા કરતો હતો.”

“હહહહ... પછી શું થયું ?” સમજાયું ન સમજાયુંની ગૂંચવણમાં માથું ખંજવાળતા ખંજવાળતા ભોંદુએ પૂછ્યું.

“સમયની આ ગૂંચમાંથી છૂટકારો મેળવવા માટે પેલા માણસે ઘણી મથામણો કરી, પણ તે છટકી શક્યો નહીં. રાતદિવસ તે આમાંથી બહાર આવવાનો રસ્તો શોધવા લાગ્યો. અને સૌથી મહત્ત્વની અને સિક્રેટ વાત કહું ?”

“શું ?” આયુએ ફરી આશ્ચર્યભેર કહ્યું.

“એ વખતે પૃથ્વી પર માત્ર એક જ વ્યક્તિ હતી.”

“હેં !”

“હા... માણસનું આયુષ્ય પ્રાચીન ગ્રંથોમાં જોવા જઈએ તો સો વર્ષનું ઉલ્લેખવામાં આવ્યું છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને ચોથું સન્યાસાશ્રમ. દરેક ભાગને પચ્ચીસ પચ્ચીસ વર્ષમાં વહેંચવામાં આવ્યા છે. મનુષ્યની સરેરાશ ઉંમર સો વર્ષની આંકવામાં આવી છે.”

“પણ એને ને આને શું લેવા દેવા ?” તરંગે પ્રશ્ન કર્યો.

“ઘણી બધી લેવાદેવા છે. સમયના પેટાળમાં જે કંઈ થતું હતું તે માત્ર આ એક વ્યક્તિને જ આધીન હતું. દરેક સેકન્ડે સમય બદલાતો હતો. એટલે દરેક સેકન્ડે વ્યક્તિ પણ બદલાતી હતી.”

“તું યાર બહુ ગૂંચવણો ઊભી કરે છે કલ્પા.”

“થોડું અઘરું લાગશે, પણ મારી વાત સમજવાનો પ્રયાસ કર. એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય ?”

“૬૦.” શૌર્યએ જવાબ આપ્યો.

“હંમ્‌... તો એક કલાક બરાબર કેટલી મિનિટ થાય ?”

“હહહહ... ૬૦. શું ડોબા જેવા પ્રશ્નો પૂછ્યા કરે છે ?”

“તો એક કલાક બરોબર કેટલી સેકન્ડ થાય ?”

શૌર્ય માથું ઊંચું કરીને વિચારવા લાગ્યો. “૬૦ ગુણા ૬૦. છાંયો છાંયો છત્રીસ, એટલે... ૩૬૦૦ સેકન્ડ થાય એક કલાકની.”

“એક કલાકની ૩૬૦૦ સેકન્ડ બરોબર ? તો એક દિવસની એટલે કે ૨૪ કલાકની કેટલી સેકન્ડ થાય ?”

“અલ્યા તું બધાનું ગણિત પાક્કું કરાવે છે કે તારી વાર્તા માંડે છે ?”

“તું બોલ તો ખરો...”

“કેલક્યુલેટર જોઈએ એની માટે તો...”

“હહહહ... આ મોબાઇલ શું કામનો છે. લે... કર ગણતરી...” ભોંદુએ ચશ્માં ઠીક કરતાં કરતાં આયુની સામે મોબાઇલ ધર્યો. આયુએ મોબાઇલ લઈ સીધો શૌર્યને ધરી દીધો. શૌર્યએ વગર બોલ્યે મોબાઇલ લઈ લીધો અને ગણતરી શરૂ કરી.

“૨૪ ગુણા ૩૬૦૦...” બોલતા બોલતાં તેણે મોબાઇલમાં કેલક્યુલેટર ખોલી તેમાં ટાઇપ કર્યું. “ઓહ્‌હો... ૮૬,૪૦૦ સેકન્ડ.”

“હંમ્‌... તો એક દિવસની ૮૬,૪૦૦ સકેન્ડ થાય. બરોબર? હવે બીજી એક ગણતરી કર. એક વર્ષની કેટલી સેકન્ડ થાય ?”

“અરે ભાઈ તું કરવા શું માંગે છે ?” હવે શૌર્ય પણ પ્રશ્ન કરવા લાગ્યો.

“તું કર તો ખરો.”

“એક વર્ષના દિવસો ત્રણ સો ને પાંસઠ...” બોલતાં બોલતા શૌર્યએ માથું ખંજવાળ્યું. “૩૬૫ ગુણ્યા ૮૬,૪૦૦ એટલે જવાબ આવે... થ્રી, વન, ફાઇવ, થ્રી, સિક્સ અને થ્રી ટાઇમ ઝીરો.”

“એટલે કેટલા થાય ?” ભોંદુએ માથું ખંજવાળ્યું.

“એટલે એકત્રીસ કરોડ પાંચ લાખ ને છત્રીસ હજાર...”

“મતલબ કે એક વર્ષમાં ટોટલ એકત્રીસ કરોડ પાંચ લાખ ને છત્રીસ હજાર... સેકન્ડ થાય.”

“હહહહ... પણ ક્યારેક દિવસ ઓછો કે વધુ થાય તો એટલી નાયે થાય...”

“પણ આપણે તો સરેરાસ વર્ષના ૩૬૫ દિવસની ગણતરી પ્રમાણે ચાલીએ તો આટલા જ થાય ને ?...”

“હહહહ... પણ તું કરવા શું માંગે છે એ કહેને યાર...”

“કહું છું, કહું છું, એક વર્ષની આટલી સેકન્ડ થાય તો સો વર્ષની કેટલી સેકન્ડ થાય એ જો તો ?” કલ્પાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું. શૌર્ય માથું ઊંચું કરીને તેની સામે જોઈ રહ્યો.

“અરે તું મારી સામે જોયા વગર ગણતરી કરને... ટણપા...”

“ઓકે. જોઉં છું. ૩૧,૫૩૬,૦૦૦ ગુણ્યા ૧૦૦. એટલે જવાબ આવે એકત્રીસ, પાંચ, છત્રીસ અને પાછળ પાંચ મીંડાં !”

“પણ એટલે કેટલા થાય ?” આ વખત આયુએ માથું ખંજવાળતા ખંજવાળતા પૂછ્યું.

“જોવું પડશે.” શૌર્ય પણ અટવાયો.

“મારી પાસે લાવ.” તરંગ બોલ્યો. તે ધ્યાનથી આંકડાઓ જોવા લાગ્યો અને ગણતરી કરવા લાગ્યો. “ત્રણ અબજ, પંદર કરોડ અને છત્રીસ લાખ... થાય.”

“ઓહ બાપ રે... એટલે એક માણસ જો સો વર્ષ જીવે તો એના ભાગમાં ત્રણ અબજ, પંદર કરોડ અને છત્રીસ લાખ...સેકન્ડ આવે એવું થયું ને ?...” શૌર્યએ આશ્ચર્યથી મોઢું પહોળું કરતા કહ્યું.

“એ વાત આપણે બાજુ પર મૂકીએ. હવે મૂળ વાત પર આવીએ.” કલ્પાએ વાત પોતાના હાથમાં લીધી. “એક માણસનું સરેરાસ આયુષ્ય સો વર્ષનું ગણીએ તો એ વખતે પૃથ્વી પર ૩,૧૫૩,૬૦૦,૦૦૦ લોકો હતા એવું કહી શકાય. અને સૌથી રહસ્યની વાત એ છે કે આ બધા જ લોકો એટલે કે ૩,૧૫૩,૬૦૦,૦૦૦ લોકો કોઈ બીજા નહીં પણ એક જ વ્યક્તિ હતી. વર્તમાન, ભૂતકાળ ભવિષ્ય બધામાં એ વ્યક્તિ ફર્યા કરતી હતી. પોતાને જ મળતી, પોતાને જ પ્રેમ કરતી, પોતાને જ નફરત, પોતાની સાથે જ ઝઘડો કરવાનો, બધું એટલે બધું એક જ વ્યક્તિ !”

“હહહહ... બધું એટલે બધું એક જ વ્યક્તિ... ?” ભોંદુએ વિચિત્ર રીતે આંખો પહોળી કરીને પ્રશ્ન કર્યો.

“હા, બધું એટલે બધું જ...”

“હહહહ.... એટલે પેલો પ્રેમ પણ એક જ વ્યક્તિ કરતી હતી ?” કહીને ભોંદુએ આંખ મારી.

“હહહહ... હા, પેલો પ્રેમ પણ એક જ વ્યક્તિ કરતી હતી.” કહીને કલ્પાએ પણ તેની સામે આંખ મારી. બધા હસી પડ્યા, પણ તરંગ કલ્પાની વાત પર બરોબર મીટ માંટીને બેઠો હતો.

“પણ જ્યારે એ વ્યક્તિને જાણ થઈ કે આ બધું હું એક જ કરી રહ્યો છું, ત્યારે તેની આંખો પણ તારી જેવી જ પહોળી થઈ ગઈ હતી ભોંદિયા ! હવે તેને સમયની ચુંગાલમાંથી છૂટવું જ હતું. કોઈ પણ રીતે અને કોઈ પણ ભોગે. પણ કઈ રીતે તે તેને સમજાતું નહોતું. તે ખૂબ અસમંજસમાં હતો. રાત-દિવસ પળેપળ તે વિચાર્યા કરતો હતો કે આ અસ્તવ્યસ્ત સમયના દરિયામાંથી કઈ રીતે બહાર આવવું ? તેણે એક યંત્ર બનાવવાનું વિચાર્યું. પણ તે યંત્ર પણ બનાવી શકતો નહોતો. તે જેવો યંત્ર બનાવવા કોઈ સાધન સામગ્રી એકઠી કરતો કે તરત જ સમયની થપાટમાં તે બીજા કાળમાં ચાલ્યો જતો. યુવાન, બાળ, વૃદ્ધ બધું તે જ હતો. તે મરવાનો નહોતો. કેમકે સમયની થપાટો પર આમથી તેમ જવાનું તેને ફાવી ગયું હતું. મૃત્યુ આવે તો તે પોતાને પાછો લઈ આવતો. ઘણા યુગોના જીવન પછી તેને સમજાયું કે મારે પોતાની અંદર જ એક યંત્ર બનાવવું પડશે કે જે સમયના પ્રવાહી મોજાંઓ પર તરી શકે.

ઘણાં વર્ષોની મહેનત પછી તેણે પોતાની અંદર જ એક અજાબય યંત્રનું સર્જન કર્યું. આત્મયંત્ર દ્વારા તે સમયના વિશાળ દરિયામાં ઊછળી રહેલાં મોજાંઓ પર તરતો તરતો છેક કાંઠે પહોંચ્યો. માંડ માંડ તે આ સ્થળે પહોંચ્યો હતો. જ્યાં નજર પહોંચે ત્યાં સમય જ સમય હતો. તે સમયની બહાર ઊભો હતો ! ઊભા ઊભા તેણે નિરિક્ષણ કર્યું કે આમ કેમ થઈ રહ્યું છે ? સમજવામાં તેને બીજાં સેંકડો વર્ષો થઈ ગયાં. પણ હવે તેને ઉંમરની કે સમયમાં થપાટો ખાવાની તમા નહોતી. કેમકે તે સમયની બહાર હતો, તેને કાળ નાથી શકે તેમ નહોતો. તેની પાસે અનંત જીવન હતું. સો વર્ષના ચક્રની બહારનું જીવન ! યુગોના રિસર્ચ પછી આખરે તેને એક સત્ય લાદ્યું. તેને સમજાયું કે સમય પોતે હજી બાળક છે. તે ભાન ભૂલેલો છે. તેને કઈ રીતે વહેવું, કઈ રીતે હાલવું ચાલવું તેની ગતાગમ નથી. એના લીધે તેના ગર્ભમાં જે કંઈ પણ છે, તેના ચિત્તમાં જે કંઈ ઊછરી રહ્યું છે તે કોઈ નાના બાળકની જેમ તરંગાતું રહે છે - આમથી તેમ વમળો ખાતું રહે છે - આગળ-પાછળ, ઉપર-નીચે અને ઊંધું-ચતું થતું રહે છે. જો સમયને વ્યવસ્થિત અને ક્રમમાં ચાલતાં શીખવવામાં આવે તો શક્ય છે કે બધું ક્રમબદ્ધ થવા લાગે !

આ માણસના મનમાં એક આશા જાગી. તેણે સમયને નાના બાળકની જેમ બૂચકાર્યો. સમય પણ ગેલમાં આવી ગયો. તેણે સમયને કહ્યું, ‘સમય ચાલ, હું તને ચાલતા શીખવાડું. તું આમથી તેમ કૂદ્યા કરે છે એના લીધે થાકી જાય છે અને બરોબર ચાલી પણ નથી શકતો.’ સમય એ માણસની સામે જોઈ સ્મિત કરવા લાગ્યો. સાવ નાનાં બાળક જેવું નિર્દોષ સ્મિત !”

તરંગને થયું કે આ હરામી શું માથું ખાય છે આવું તો કંઈ હોતું હશે ? ગપ્પાંમાં સાલો બધાનો બાપ થાય એવો છે. કંઈક તો હકીકત જેવું હોવું જોઈએને... પાછો મને કહેતો હતો કે હું સાચી વાત કરવા જાઉં છું. હરામી સાલો... ગપ્પાં પરની તેનું એકહથ્થું શાસન પણ ખતમ થતું હોય તેવું તેને લાગતું હતું.

“આ માણસની વાત સાંભળી સમય તેની સામે જોવા લાગ્યો અને એકદમ સ્થિર થઈ ગયો. એક ક્ષણ માટે તે આની સામે જ જોઈ રહ્યો. ત્યારે આખી દુનિયા સ્થગિત થઈ ગઈ. મુક્ત હવામાં જાણે આખું બ્રહ્માંડ ચોંટ્યું હતું. અરે ! સ્વયં આ માણસ પણ સમયની બહાર હોવા છતાં સ્થગિત થઈ ગયો. તેણે કહ્યું કે, ‘તું થોભીશ નહીં. વહેતો રહે.’ વળી સમયે વહેવાનું ચાલું કર્યું. ફરીથી બધું જ ઊથલપાથલ થવા લાગ્યું. એનાં મોજાં આ માણસના પગ પાસે આવીને ઓસરતા હતા, તે છેક સમય-સમુદ્રના કાંઠે ઊભો હતો.

જેમ કોઈ ગોવાળ ગાયને પસવારે તેમ તેણે સમયને ધીરે ધીરે પસવાર્યો. એની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું કે ‘સમય, તારી પર આખી દુનિયા નભેલી છે. તું વેરવિખેર રીતે વહીશ તો દુનિયામાં બધું વેરવિખેર જ રહેશે. દુનિયાનો કોઈ ચોક્કસ ઢાંચો નહીં બંધાય. કશું જ ક્રમાનુસાર નહીં થઈ શકે. તારે એક પ્રવાહમાં બંધાવું પડશે. જેમ નદી સતત અને નિરંતર વહેતી રહે છે એમ તારે પણ વહેવું પડશે. જેથી તારી સપાટી પર સૃષ્ટિનાં વહાણ તરી શકે. આ માણસ સમયને ધીરે ધીરે વ્યવસ્થિત ક્રમબધ્ધ રીતે ચાલવાનાં પાઠ શીખવવા લાગ્યો. સમય પણ તોફાની બાળકની જેમ તોફાન કરતો કરતો બધું શીખવા લાગ્યો. યુગોના યુગો આ ચાલ્યું. આ દરમિયાન અથાગ મહેનતથી પેલા માણસે, ગૂંચવાયેલા વાળને કાંસકીથી વ્યવસ્થિત ઓળવામાં આવે તેમ તેણે સમયને ઓળી નાખ્યો. સેંકડો યુગો સુધી તે માણસ ખરબો ગણા મોટા સમયના પીંડને વ્યવસ્થિત બાંધતો રહ્યો - તેને ક્રમાનુસાર વહેવાના પાઠ શીખવતો રહ્યો. યુગોના યુગો પછી પણ આ માણસની ઉંમર તો એની એ જ રહેતી હતી, કદાચ તે સમયના મહાકાય પીંડની બહાર હતો એટલે વર્તમાન-ભૂતકાળ કે ભવિષ્યની કશી જ અસર તેને થતી નહોતી. તે આ બધાથી પર હતો.

સખ્ખત મહેનત અને પોતાની આગવી બુદ્ધિથી ધીમે ધીમે તેણે સમયના પાણીને વ્યવસ્થિત રીતે એક પ્રવાહમાં વહેતા શીખવી દીધું. જ્યારે તેને સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે હવે સમય વ્યવસ્થિત અને ક્રમબદ્ધ રીતે વહેતા શીખી ગયો છે, ત્યારે તેણે સંતોષનો મોટો શ્વાસ ભર્યો. પછી તે સમયના કાંઠે આવેલા એક ઊંચા શિખરની ટોચ પર ગયો. અને ત્યાંથી સમયના વિશાળ સમુદ્રમાં ધૂબકો મારી દીધો. ધૂબકો મારીને સીધો આ દુનિયામાં આવી ચડ્યો.”

“હહહહ.... આ દુનિયામાં આવીને પછી તે ક્યાં ગયો?” વાતમાં તલ્લીન થયેલા ભોંદુએ આતુરતાથી પૂછ્યું.

“અત્યારે એ માણસ તમારી સામે બેઠો છે.” આટલું કહીને કલ્પેને એક હાથ છાતી પર મૂકી માથું નીચું નમાવ્યું...

“હેં...” બધાના મોંમાથી એકસાથે નીકળી ગયું.

એ જ વખતે શૌર્યએ કલ્પાના બરડામાં જોરથી ધબો મારીને કહ્યું, “ભૂક્કા કાઢી નાખ્યા !”