યંગીસ્તાનનુ હાઇવે એટલે યારીયાન
આપણે મિત્રો નથી, થોડાઘણા પરિચિત છીએ
બેઉ કાં સરખું વિચારે,એ વિશે વિસ્મિત છીએ!
હેમેન શાહની પંક્તિઓ ઓગષ્ટ મહિનાના પહેલા સન્ડેનાં પરફેક્ટલી સેટ થાય છે. સતત સાથે રહેતા, આપણી એક અલગ દુનિયાનાં શિલ્પી, એક નવા વાતાવરણમાં આપણે રાખનાર અને સતત જીવાડતાં મિત્રોનો દિવસ. ચોકલેટ્સ,ગ્રીટિંગ કાર્ડ, લોટ્સ ઓફ હગ્સ અને ફાઇનલી એક બીજાને ફ્રેન્ડશીપ બેલ્ટના સુખદ બંધનમાં બાંધી અને ફરી એક વર્ષ મિત્રતાનું વચન લઈ લેવાનું......
દુનિયાનું સૌથી પહેલું કપલ આદમ અને ઈવનું હતું એવું કહેવાય છે, એમનો પ્રેમ એ અત્યારની માનવજાત કહી શકાય પણ એ પ્રેમની શરૂઆત એટલે મૈત્રી. મિત્રતા એક એવો નિર્દોષ સંબધ છે જ્યાં કોઈ જાતના ક્વોલિફિકેશનની જરૂર નથી પડતી પણ તે મિત્રતા ટકાવવા માટે એક કારણની જરૂર પડતી હોય છે. આ સંબધ લોહીનો નથી છતાંય ઘણી વખત તે દુનિયામાં સૌથી વધુ જરૂરી સંબધ બની જાય છે. દિલનાં જ સંબધ હંમેશા ટકતા હોય છે અને એ સંબધ એટલે મિત્રતા.
દુનિયામાં દરેક વસ્તુની એક 'એજ' હોય છે અને એ કાળ પૂરો થતાં એની મજા ઓસરી જતી હોય છે. 10 થી 12 વર્ષે આપણે કલ્પનાની જિંદગીમાં રાચવાનો શોખ હોય છે, મિત્રો સાથેની મેદાનની રમતો અને મમ્મી-પપ્પાનું આવરણ એટલે આ જિંદગી. આ પછી જે કાળ આવે છે એ હોય છે જેમાં કરિયરના મહત્વના વર્ષો આવે છે અને તેમાં ખૂંપી જવું પડે છે, જિંદગી ચાલ્યા જ કરે છે પણ આ બધી વસ્તુમાં ફ્રેન્ડસ ફેક્ટર નામનું એવું ફેક્ટર છે જે ક્યારે પણ નથી ઓસરતું. મિત્રો આવ્યા જ કરે છે અને ચાલ્યા જાય છે, છેવટે એમાંથી ગાળણ ક્રિયાનાં ફળસ્વરૂપે અમુક પાક્કા મિત્રો બની જતા હોય છે, જે લાઈફટાઈમ ચાલે છે. હા, એવું બની શકે કે એ લોકો આપણી આજુબાજુ ન હોય પણ આપણો એક અવાજ અને એ લોકો સામે આવી જાય. આ જગ્યા પર થેંક્સ સોરી, રિસામણાં, મનામણા અને ખુલાસા ન હોય, અહીં તો માત્ર ચહેરો હોય અને તેના હાવભાવ.
સંભવત સુરેશ દલાલની જ આ પંક્તિઓ છે જે 'યારીયાન' માટે પૂરતી લાગુ પડે છે
તું વૃક્ષનો છાંયો છે,
નદીનું જળ છે..
ઊઘડતા આકાશનો ઉજાસ છે
તું મિત્ર છે.
તું થાક્યાનો વિસામો છે,
રઝળપાટનો આનંદ છે..
તું પ્રવાસ છે, સહવાસ છે..
તું મિત્ર છે.
તું એકની એક વાત છે,
દિવસ અને રાત છે,
કાયમી સંગાથ છે..
તું મિત્ર છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું
હું છલકાઉં ત્યારે તને ગાઉં
હું તો બસ તને ચાહું..
તું મિત્ર છે.
તું વિરહમાં પત્ર છે,
મિલનમાં છત્ર છે..
તું અહીં અને સર્વત્ર છે !
તું મિત્ર છે.
તું બુદ્ધનું સ્મિત છે,
તું મીરાનું ગીત છે,
તું પુરાતન તોયે નૂતન
અને નિત છે !
તું મિત્ર છે.
તું સ્થળમાં છે,
તું પળમાં છે;
તું સકળમાં છે
અને તું અકળ છે !
તું મિત્ર છે.
બસ તું મિત્ર છે અને વાત પુરી થઈ ગઈ, આ વાત પુરી કરવા માટે ઈશ્વર કૃપા જોઈએ અર્થાત સારા નસીબ જોઈએ, સારા મિત્રો પણ નસીબ વાળને જ મળે છે એ નોંધવું રહ્યું.
આ મિત્રો એટલે શું તો કે 'કુરળ' કહે કહે છે કે ' જેટલા ઊંડા ઉતરો એટલી વધુ પ્રસન્નતા પ્રાપ્ય થાય છે'. આજના દિવસોમાં ફ્રેન્ડશીપ તો ખૂબ જ સરળતાથી બની જાય છે. ફેસબૂકીયા મિત્રોની ફોજ તો બહુ જ હોય છે લાઈફમાં પણ એ મૈત્રી એટલે કેટલે તો કે 'લોગ આઉટ' ન થયા તેટલે!!!!!! આવા મિત્રોને રમેશ પારેખ કહે છે
'હાથ ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે'
બદલાતા જમાનાની હવા હવે ગુજરાતી કોલેજીયને પણ લાગી ગઈ છે અને મૈત્રીનાં પાયા પર હવે જિંદગીનો હાઇવે પણ બનાવતા થઈ ગયા છે. સોશિયલ મીડિયાના પ્રભાવ હેઠળ વિજાતીય મૈત્રી આકાર લેતી થઈ જાય છે અને એમાંથી પ્રેમના ફણગા ફૂટે છે. એક રીતે કઈયે તો પ્રેમ એ મૈત્રીની બાયપ્રોક્ડટ જ છે, દરેક પ્રેમ પહેલા મૈત્રીની કસોટી પરથી પસાર થાય જ છે અને તેમાં તપી તપીને એક તબક્કે બંને જણ ઓગળી જાય છે અને પ્રેમમાં એવા ભળી જાય છે કે પછી તેમનું સ્વતંત્ર અસ્તિત્વ શોધવું પડે છે, જે મળી લગભગ નેક્સટ ટુ ઈમ્પોસીબલ હોય છે.
અનુભવથી મને મૈત્રીનું એક ગણિત સમજાયું છે કે જસ્ટ ફ્રેન્ડસમાંથી બેસ્ટ ફ્રેન્ડસની પ્રોસેસ ત્યાં જ હોય છે જ્યાં બંને જણના શોખ અને સ્વભાવ અલગ અલગ હોય, સમાન શોખ વાળી વ્યક્તિ મિત્ર હોઈ શકે પણ ખરી મૈત્રી એમના વચ્ચે ભાગ્યે જ હોય છે કેમ કે દુનિયાનું પ્રાથમિક લક્ષણ છે કે એ પૂર્ણતા પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે એ ભલે અણુ હોય કે ઇન્સાન. વિરુદ્ધ ગુણધર્મમાં હંમેશા આકર્ષણ હોય છે આથી પોતાનામાં ન હોય એ ગુણને અન્યમાં દેખતા તરત જ વ્યક્તિ આકર્ષિત થતી હશે.
બક્ષી કહે છે કે 'દોસ્તી અકારણ બનતી હોય છે અને સકારણ ટકતી હોય છે'. કોઈ ક્લાસની બેન્ચ પર તો કયારેક પાર્કના હીંચકા પર મિત્ર તો આમ જ બની જતા હોય છે, પણ એને ટકાવા માટે હર હંમેશા કોઈને કોઈ કારણ લઈને જ ટકતી હોય છે. દુનિયામાં કારણ વગર કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી એ તો વાત જગજાહેર છે એમાંથી મૈત્રી પણ કેમ બાકાત રહે. મહાભારત આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. કર્ણ અને દુર્યોધનની મૈત્રી 'સકારણ' તો ટકી રહી નહીં તો ભગવાન કૃષ્ણ અને માતા કુંતા સમજાવા આવે છતાંય દુર્યોધનનો સાથ ન છોડે અને સત્ય એની તરફ નથી એ ખ્યાલ હોવા છતાં, કેમ કે આની પાછળનું કારણ હતું દુર્યોધનનો ઉપકાર.
એક વાત ફૂટનોટમાં મૂકી શકાય કે આ 'સકારણ' શબ્દ 'ગરજ'થી રિપ્લેસ ન થવો જોઈએ, જો આવું થાય તો પછી મિત્રતાને ગ્રહણ લાગે એ નક્કી જ છે. ગરજ શબ્દ જ્યારથી મૈત્રીમાં આવ્યા કરે ત્યારે કોઈ અભિમાનમાં ગુરુતાગ્રંથિમાં રાચવા માંડે અને કોઈ લઘુતાગ્રંથિથી પીડાવા માંડે, જેનો અંત આવ્યે જ છૂટકો.
એક ચિંતક કહે છે સુખની વ્યાખ્યા આપતા કહે છે કે 'પ્રિય મિત્ર સાથે ગાળેલો સમય અને એવો સમય ફરીથી ગાળવાની આતુરતાનો નામ જ સુખ'. સુખી થવાના 101 ઉપાયો જેવી અનેક જાહેરાત વચ્ચેનો સાદો અને વ્યાજબી ઉપાય લા વિલકિન્સે આપી દીધો. મિત્રો સાથેની સાંજ એ ભલેને ચાનાં કપ સાથે કેમ ન હોય પણ એ યાદગાર સાંજમાં બેસુમાર થાય છે. આ સાંજનો સ્વાદ એ કેરીની અવસ્થા જેવો હોય છે જે કાચી અને પાકી કેરીની વચ્ચેની અવસ્થા હોય છે , મતલબ કે ખટ્ટ મીઠો સ્વાદ જેમાં પ્રેમ હોય, સાચુકલી ગાળો હોય અને વગર મુદ્દતનો ગુસ્સો હોય.
દોસ્તી હંમેશા દિલથી થતી હોય છે, અહીં દિમાગ વાપરવા ગયા તો સમજી લો કે ' મિત્રો જીવતા હતા ને મૈત્રી ખરી ગઈ'
-સુરેશ દલાલ
દિમાગ નફો ખોટનાં ગણિતમાં માને છે અને દિલ પાસે ગણિત નામના સોફ્ટવેરને નો એન્ટ્રી હોય છે, હ્દયની સિસ્ટમ ગણિતને સપોર્ટ નથી કરતી એ તો કલાને સપોર્ટ કરે છે. 'ફ્રેન્ડશીપ'ની શીપ સલામત રાખવી એક કલા છે. હર એક વ્યક્તિને તે હસ્તગત નથી હોતી. 'ચાલશે' અને 'ફાવશે' શબ્દ કદાચ મિત્રતા જ શિખવતું હશે એ પણ ખાતરી પૂર્વક કહી શકાય. મહાભારત માત્ર કર્ણના સખાભાવનું સાક્ષી નથી અહીં તો કૃષ્ણનો પણ સખાભાવ નોંધવો પડે, સર્વજ્ઞાની હોવા છતાં તેમને અર્જુનનાં રથનાં સારથી બન્યા હતાં, એ પદ પણ તેમને ફાવી ગયું અને ત્યાંથી પણ તેમને સમગ્ર યુદ્ધની રણનીતિ ઘડી પાંડવો તરફ યુદ્ધ વાળી નાખ્યું.
પ્રીતની સંઘે- બહુ હોંશિયાર માણસ ને દોસ્ત હોય નહિ.
જીવન માં દોસ્ત મેળવવા માટે
એ દોસ્ત જેટલા મુર્ખ, નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ, બેહિસાબી, ખેલદિલ થવું પડે છે.
દાવ પેચ વિનાનું ખડખડાટ હસવું પડે છે, ખિસ્સામાંથી બંધ મુઠ્ઠીઓ બહાર કાઢી ને હથેળીઓ ખોલવી પડે છે.
દોસ્તી ખુલ્લી હથેળીઓની રમત છે અને હથેળીઓ સંતાડીને રમનારને એ ફાવતી નથી....!!
- ચંદ્રકાંત બક્ષી