Gappa Chapter 6 in Gujarati Fiction Stories by Anil Chavda books and stories PDF | ગપ્પાં (Gappan) (પ્રકરણ-06)

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

ગપ્પાં (Gappan) (પ્રકરણ-06)

પ્રકરણ : ૬

“તો હવે મારી વાત સાંભળ.” કલ્પેનનો ઇતિહાસ પત્યો એટલે તરંગે વાત શરૂ કરી. “તું જે યમુનાના કિનારે નાળિયેરીના ઝુંડ નીચે ઝુંપડી બાંધીને રહેતો હતો તે જ નાળિયેરીની વાત મારે કરવી છે.”

“અચ્છા ?” કલ્પેને પ્રશ્ન કર્યો.

“હા, યુગો પહેલાં ધરતી પર એક ગામ હતું. એ વખતે મારો પચ્ચીસમો જનમ હતો.”

“અત્યારે આ એનો પૂનર્જન્મ છે હોં કલ્પા.” આયુએ કલ્પા સામે કટાક્ષ કરતા કહ્યું.

“અચ્છા એમ વાત છે ?” આયુ જેવા જ ઘોઘરા અવાજમાં શૌર્યએ કહ્યું અને હસી પડ્યો.

“વાત સાંભળો ને...” કહીને તરંગે પોતાની વાત આગળ વધારી.

“ગામમાં બધા સુખેથી રહેતા હતા. હુંય મારા પરિવાર જોડે રહેતો હતો. આ ગામની એક ખૂબી હતી. આ ગામ પાસે એક એવું તળાવ હતું કે તેમાં અત્યંત મીઠું અને સ્વાદિષ્ટ પાણી પાણી મળતું હતું. બધાં જ ગામલોકો સંપીને આ પાણી પીતાં હતાં. પાણી એવું મીઠું કે વાત ના પૂછો. જાણે ઈશ્વરે પોતાના હાથે બનાવીને આપ્યું હોય તેવું લાગતું હતું એ પાણી ! મજાની વાત એ હતી કે આવું મીઠું પાણી ફક્ત અમારા ગામમાં જ આવતું હતું. બીજા કોઈ પણ ગામના કોઈ પણ તળાવમાં આવું સ્વાદિષ્ટ આવતું નહોતું. બીજે બધે તો અત્યારે આપણે જેવું સાદું પાણી પીએ છીએ તેવું જ સાદું પાણી ભરાતું હતું. આના લીધે બીજા બધા ગામનાને પણ અમારા ગામના તળાવનું પાણી પીવાનો મોહ રહેતો હતો. પણ અમારા ગામના બધા જ સંપીલા હતા. બહારના કોઈને પણ આ પાણી પીવા દેતા નહોતા. જો બધાને આ પાણી પીવા દેવામાં આવે તો વહેલાં ખૂટી જાય અને ગામલોકોને પણ પૂરતું ન મળે.

આની માટે ગામલોકોએ ચોક્કસ નિયમો પણ બનાવી રાખ્યા હતા. નિયમ એવો કે ગામમાં કોઈ પણ મહેમાન આવે તો એમને આ પાણી ચખાડવાનું નહીં. સાદું પાણી જ આપવાનું. આ પાણી આ ગામમાં જન્મ્યા હોય અને આ ગામમા ંરહેતા હોય એમની માટે જ હતું. ગામમાંથી પરણીને દીકરી બીજા ગામમાં જાય તો એને ય આ મીઠું પાણી આપવાનું બંધ કરી દેવાનો ચૂસ્ત નિયમ ! જે ગામમાં રહે એ જ આ પાણી પી શકે, બીજું કોઈ નહીં. ક્યારેક ક્યારેક આ મુદ્દાને લઈને ગામમાં વિવાદ પણ થતો. પણ પાણી એટલું મીઠું, એટલું સ્વાદિષ્ટ કે એની માટે નિયમ પાળવો ફરજિયાત બની જતો હતો. બીજા ગામનાને પણ અમારી ખૂબ ઈર્ષ્યા થતી હતી. તે પણ આ પાણી પીવા માટે તલસતા હતા, જીવ બાળતા હતા.

અમારા ગામના મુખી પણ તળાવના આ પાણી બાબતે નિયમમાં એકદમ પાક્કા હતા. તેમની દીકરી મોટી થઈ એટલે એક સુંદર છોકરો જોઈને તેને બાજુના ગામમાં પરણાવવામાં આવી. પરણ્યા પછી તેની માટે આ પાણી હંમેશ માટે દુર્લભ હતું. પણ મુખીની દીકરીને આ પાણી એવું સદી ગયું હતું કે વાત જવા દો. આ પાણી જ જાણે કે તેનામાં લોહી બનીને વહ્યા કરતું હતું. તેને બીજા કોઈ સાથે પરણાવ્યા પહેલાં તે પાણી જોડે પરણી ગઈ હતી. પાણી વગર એનું જીવવું મુશ્કેલ જ નહીં, અશક્ય લાગતું હતું. પાણી માટે તે રાત-દિવસ ઝૂરવા લાગી.

પરણ્યાના થોડાક દિવસ થયા એટલે તરત જ તેણે એના પિતાને સંદેશો મોકલાવ્યો કે બાપુ હું આપણા ગામના પાણી વગર નહીં જીવી શકું. પણ આ તો ગામના મુખી. વળી એમની જ દીકરી. મુખી પોતે જ વચન ઉથાપે તો ગામના બીજા લોકોને તો કહેવાનું જ શું ? મુખીએ કડક રીતે નિયમો પાળ્યા. તેણે પોતાની દીકરીને સ્પષ્ટપણે જણાવી દીધું કે, ‘દીકરી હવે આ ભવે તો તારા માટે આ પાણી હંમેશાં માટે વહી ગયું છે અને વહેલાં પાણી ક્યારેય પાછાં આવતાં નથી !’

“બાપુ, પાણી તો ત્યાંનું ત્યાં જ છે, ફક્ત હું વહીને અહીં આવી ગઈ છું.”

“સમયની વેળમાં તું વહે કે પાણી, બધું સરખું જ છેને દીકરી... ગામલોકોએ જે નિયમો બનાવ્યા છે તેને હું ક્યારેય ન ઉથાપી શકું. તું મારી દીકરી છે એ વાત સાચી, પણ હું ગામનો મુખી છું એ વાત પણ એટલી જ સાચી છે. મારે તો ઊલટાનું વધારે ધ્યાન રાખવું જોઈએ.”

પિતાની આવી વાત સાંભળીને દીકરી રડી પડી. તે ગળગળી થઈ ગઈ. તેનો જીવ કાળજે કપાતો હતો.

બાપ-દીકરીની લાગણીની અને પાણીની બધી જ વાતચીતથી આખું ગામ વાકેફ હતું. મુખી પણ વચનનો પાક્કો એક નો બે થાય એવો નહોતો. દીકરી ખૂએ પણ વચન ન ખૂએ એવો ! ગામલોકોને મુખી પ્રત્યે ભારોભાર ગર્વ અને માન હતું. મુખીએ પણ તે બરોબર જાળવી રાખ્યું હતું. બધા જાણતા હતા કે મુખીની દીકરી ગામના પાણી વગર ટળવળે છે, પણ કોઈ કશું બોલતું નહોતું. કેમકે આવી તો ગામની અનેક દીકરીઓ પરણીને બીજે વળાવવામાં આવી હતી, જો મુખીની દીકરીને પાણી આપવામાં આવે તો એ બધી જ દીકરીઓને પાણી આપવાનું ચાલુ કરવું પડે. સમય જતાં દીકરીનાં સંતાનોને પણ આપવાનું થાય, ધીમે ધીમે બધાને આપવાનું થાય અને પાણી સાવ ખલાસ થઈ જાય. આ વાત પણ બધા જ લોકો જાણતા હતા. એટલે કોઈનામાં બોલવાની હિંમત નહોતી.

મારે તો કોઈ દીકરી હતી નહીં કે ક્યાંય બહાર પરણાવી પણ નહોતી. કેમકે મારા તો તે વખતે લગ્ન પણ નહોતા થયા. પણ મુખીની દીકરી મારી સાથે ભણતી હતી અને મારી સારી એવી દોસ્ત હતી. એટલે મને એની પ્રત્યે વિશેષ લાગણી હતી.

લગ્નને ઘણો સમય થઈ ગયો હતો. સમય જતાં મુખીની દીકરી ગર્ભવતી થઈ. તેના ગર્ભમાં એક નાનકડો સુંદર જીવ આકાર લઈ રહ્યો હતો. ગર્ભાવસ્થાને લીધે તેના શરીરમાં પાણી સૂકાવા લાગ્યું હતું. ડૉક્ટરે પણ ચોખ્ખું જ કહી દીધું કે જો આને તેના શરીરમાં વહી રહેલું તેના ગામનું પાણી પીવડાવવામાં નહીં આવે તો બાળક કે તેની મા બંનેમાંથી કોઈ નહીં બચે !

એક દિવસ ગામમાં સભા ભરવામાં આવી હતી. અચાનક સભામાં ગામના મીઠા પાણીનો કોઈ પ્રશ્ન નીકળ્યો અને મેં તક ઝડપી લીધી. મેં કહ્યું કે, “આપણે ક્યાં સુધી આ મીઠા પાણીને ગળે બાંધીને ફર્યા કરીશું ? ક્યાં સુધી આપણો સ્વાર્થ સાધતા રહીશું ? આપણી ગામની બહેન-દીકરીઓ પાણી વિના ટળવળે - મૃત્યુના મુખમાં ધકેલાય તોય આપણે આપણા જડ નિયમને વળગી રહીએ એ કેટલે અંશે યોગ્ય છે ?”

મારું નિશાન સીધું જ મુખીની દીકરી તરફ હતું તે બધા સમજી ગયા. તરત એક વૃદ્ધ માણસે અવાજ ઊઠાવ્યો, “એ ભાઈ, તું આજકાલ બે-ચાર ચોપડીઓ ભણ્યો છે એમાં તારી જાતને મોટો બુદ્ધિશાળી સમજે છે ? ગામના નિયમોમાં તને શું ખબર પડે... હજી મૂછનો દોરો માંડ માંડ ફૂટ્યો છે ને તું બધાને નિયમો સમજાવીશ ?”

“અરે દાદા, નિયમ સમજાવવાની વાત નથી. પણ એક માણસ જો આના લીધે ટળવળતું હોય તો તેનો જીવ બચાવવા આટલી સવલત કરી આપવી જોઈએ.” મેં નમ્રતાથી કહ્યું.

“પણ એ એકને સવલત કરી આપીએ તો ગામની બીજી દીકરીઓનું શું ? એકના લીધે બીજી બધીને અન્યાય કરવાનો ?” દાદા મારી સામે તાડુકી ઊઠ્યા.

“આમાં અન્યાય કરવાની વાત નથી દાદા. વાત સમજણની છે.”

“એટલે તું મને સમજાવીશ, એમ?” દાદા એકદમ ગુસ્સે થઈ ગયા. “આટલાં વરસો અમે શું ધૂળમાં કાઢ્યા કે અમારે તારા જેવા લબરમૂછિયાની સલાહો લેવાની ?”

ભરસભામાં દાદાએ મને બરોબરનો ખખડાવી નાખ્યો.

“પણ દાદા, મારી વાત તમને સલાહ આપવાની નથી, હું તો વિનંતી કરું છું.” મેં મારી નમ્રતા જાળવી રાખી. “મુખીની દીકરી છે એટલે નહીં, પણ આપણા ગામની દીકરી છે એટલે. વળી આ પાણી નહીં મળે તો તેનો જીવ જવાની પણ સંભાવના છે. અને સમય જતાં આ પાણી પણ ખૂટવાનું જ છે ને ?”

“ના, આ પાણી ક્યારેય ના ખૂટે... એ તો ભગવાનની દેન છે દેન...” દાદાએ ગર્વથી કહ્યું.

“ભગવાને કંઈ એવો આદેશ આપ્યો છે કે માત્ર ગામલોકોએ જ આ તળાવમાંથી પાણી પીવું ? એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? અને જો આ પાણી ન જ ખૂટવાનું હોય તો બધાને આપવામાં શું વાંધો ?” મેં પણ મારા પ્રયાસો ચાલુ રાખ્યા.

“એટલે તું આપણા વડવાઓએ સદીઓ પહેલાં જે નિયમો નક્કી કર્યા છે એની સામે પ્રશ્ન ઊઠાવે છે ? ભગવાન સામે પ્રશ્નો ઊઠાવે છે ?” દાદા ગુસ્સાથી રાતાપીળા થઈ ગયા. “બધા ચૂપ કેમ બેઠા છો ? આ બે ટકાનો આજકાલનો છોકરડો વડીલોની સામે આટલું બધું બોલી જાય ને કોઈ કશું કહેતું નથી ? બધાની મૂછોના વળ ઊતરી ગયા કે શું ?”

દાદાની આવી વાત સાંભળીને જાણે બધાને જોમ આવ્યું. તરત બીજા એક વૃદ્ધ વ્યક્તિ ઊભા થયા. “છોકરા તારી આ સભામાં બોલવાની હજી ઉંમર નથી. આ દાદા તો દુનિયાના ખાધેલા છે. એ જે સમજી-વિચારીને બેઠા છે, તેનું રતિભાર પણ તું સમજી નહીં શકે. તારી વાત તારી પાસે રાખ અને સભાને સભાનું કામ કરવા દે.”

“પણ આ તો અન્યાય છે, કોઈ વ્યક્તિનો જીવ જાય છે અને સભા કઈ રીતે પોતાનું કામ કરી શકે ?” મેં મારો અવાજ બુલંદ બનાવ્યો.

“ચૂપ થા છોકરા...” દાદા મોટેથી બરાડ્યા. “અત્યારે ને અત્યારે આ છોકરાને સભામાંથી બહાર કાઢો.” દાદાનો અવાજ પડતા જ બે પડછંદ માણસો ઊભા થયા અને મને બેઉં હાથથી પકડી ઊંચકીને સભાની બહાર ફેંકી દીધો. જતા જતાય પગ પછાડતો પછાડતો હું બૂમો પાડતો રહ્યો કે ‘આ અન્યાય છે... આ ખોટી વાત છે... આવું ન કરવું જોઈએ...’

પણ મારી વાત બહેરા કાનમાં અથડાતી હતી. મારા આવા અપમાનને લીધે મને પણ હાડોહાડ લાગી આવ્યું હતું. જેવો મને આ પડછંદ માણસોએ છોડ્યો કે તરત જ મેં સભા તરફ દોટ મૂકી. મને દોડતો આવતો જોઈને સભામાં બેઠેલા એક બીજા પડછંદ માણસે પોતાની કમરમાં ભરાવેલું પથ્થરનું હથિયાર બહાર કાઢ્યું અને મારી સામે ધસી આવ્યો. હું મારું હથિયાર કાઢું એ પહેલાં તો એણે મારા જમણા ખભાને ચીરી નાખ્યો. લોહી દદડવા લાગ્યું. ચારેકોર હાહાકાર થઈ ગયો. પણ એ બીજો પ્રહાર કરે એ પહેલાં જ મેં એને ગળેથી પકડીને ધૂળભેગો કરી નાખ્યો. હું મારા વિશાળ બાહુ ફેલાવીને ઊભો રહ્યો ને મોટેથી ત્રાડ નાખી કે “આવી જાવ જેનામાં તાકાત હોય તે...”

સભામાં સોપો પડી ગયો. ચૂં કે ચાં થતી નહોતી. થોડી વાર થઈ એટલે મુખી હળવે રહીને તેમની જગ્યા પરથી ઊભા થઈ મારી તરફ આવ્યા અને કહ્યું, “આજ સુધી આપણા ગામમાં આવો કોઈ લોહિયાળ ઝઘડો થયો નથી. આ પહેલી ઘટના છે. આવી ઘટનાને લીધે મારું માથું શરમથી ઝુકી જાય છે.” તેમણે ખરેખર માથું નીચે ઢાળી દીધું.

“આવાં ઝઘડા કરનાર માટે ગામમાં કોઈ જગ્યા ન હોવી જોઈએ.” માથું ઊંચું કરીને મુખીએ મારી સામે જોયું. “ભલે પછી એ મારી દીકરી માટે જ કેમ ન લડતો હોય.”

એક પળ માટે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું કંઈ બોલવા જાઉં એ પહેલાં જ મુખીએ મારી સામે આંગળી ચીંધીને કહ્યું કે, “પંચના નિયમોમાં દખલ દેવાના કારણે અને ગામમાં લોહિયાળ ઝઘડો કરવાને કારણે આજથી આ માણસને નાત બહાર કાઢવામાં આવે છે. હવેથી ગામ સાથે તેનો કોઈ જ સંબંધ નથી. તેના પરિવારનાએ પણ હવેથી આ વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ ન રાખવો. જો તેમના પરિવારની કોઈ પણ વ્યક્તિ તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખશે તો તેને પણ નાત બહાર મૂકવામાં આવશે.”

મારા શ્વાસ જાણે થોડીવાર માટે થંભી ગયા. શું કરવું શું ન કરવું તે સૂઝતું નહોતું. મેં કહ્યું, “મુખી, તમે એક સાથે તમારી દીકરી અને મને બંનેને અન્યાય કરી રહ્યા છો.”

“પંચના નિયમો અને રાજકાજમાં કોઈ સગું કે લાગણી જેવું નથી હોતું, ત્યાં માત્ર કાયદો જોવાય છે.” મારી સામે જોયા વિના જ મુખી બોલ્યા.

“આ હળાહળ અન્યાય છે.”

“પણ પંચ માટે તો આ જ યોગ્ય ન્યાય છે.” પેલો ડોસો ફરી જોરથી બોલ્યો. “કાઢી મૂકો... કાઢી મૂકો... આ માણસને ગામમાંથી કાઢી મૂકો...” પેલા ડોસાની પાછળ પાછળ બીજા બધા પણ જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. હું કંઈ બોલું તે પહેલાં જ બધાએ મને ચારેબાજુથી ઘેરી લીધો. મને એક દોરડાથી બાંધી દીધો. હું બોલવા જ જતો હતો કે મને બાંધવાની કંઈ જ જરૂર નથી હું મારી જાતે જ જતો રહીશ. પણ મારા મોંમાંથી કંઈ શબ્દ નીકળે તે પહેલાં તો ડોસાએ મારા મોમાં ડૂચો મારી દીધો. મારો પરિવાર મારી હાલત જોઈ રહ્યો હતો, પણ કોઈ એક શબ્દ પણ બોલી શકે તેમ નહોતું. કાયદો એટલે કાયદો !

મને બાંધી, મારા મોઢામાં ડૂચો મારી, માથું મૂંડી ગધેડા પર ઊંધો બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવ્યો. પછી ગધેડા સાથે બાંધેલી હાલતમાં જ મને ગામ બહાર તગેડી મૂકવામાં આવ્યો. મહા મહેનતે હું ગધેડા પરથી છૂટ્યો. ગામની બહાર એક નાનકડું જંગલ હતું. હું તેમાં ચાલ્યો ગયો. આવું હળાહળ અપમાન મેં મારી જિંદગીમાં ક્યારેય જોયું નહોતું. રાત પડી ગઈ હતી. ઝાડ નીચે પડ્યો પડ્યો હું આકાશના તારા જોઈ રહ્યો હતો. બાજુના ઝાડ તરફ કશુંક સળવળ થતું હોય તેવું મને લાગ્યું. હું ઊભો થયો અને જોયું તો મારી મા હતી. મને જોતા જ તેની આંખમાં પાણી આવી ગયાં. તેણે મને કહ્યું કે, “દીકરા, ચાલ ઘરે, ગામલોકો તો જે કહે તે, તું ઘરે આવી જા.”

મારી આંખમાં આવું આવું થઈ રહેલું પાણી મેં રોકી લીધું. “હવે મને એ ગામમાં રહેવું ના પોષાય મા.” મેં મક્કમ થઈ કહ્યું.

“પણ દીકરા તું આમ એકલો જંગલમાં ક્યાં સુધી રહીશ ? ક્યાં જઈશ ? શું ખાઈશ, શું પીશ ?”

“તું ચિંતા ના કરીશ મા, હું મારું કરી લઈશ. મારા લીધે તમે કોઈ મુશ્કેલી ન વહોરશો. મારી સાથે તમને કોઈ જોશે તો તમને પણ નાત બહાર કાઢશે. તમે જલદી ઘરે જતાં રહો.”

“પણ દીકરા તારી વગર...” મેં માના મોં પર હાથ મૂકીને તેમની વાત ત્યાં જ અટકાવી દીધી.

“હવે નહીં મા, હવે તો ગામના તળાવનું પાણી બધા માટે ખુલ્લું ન મૂકાય ત્યાં સુધી હું ઘરે પાછો નહીં ફરું.”

“પણ દીકરા એ તો આજેય નહીં થાય ને કાલેય નહીં થાય. તું તારી જીદ છોડ, ચાલ ઘરે... એવું હોય તો આપણે ગામ છોડીને બીજે જતાં રહીશું.”

“ના મા, મારા લીધે આખા ઘરનાને શું કામ ભોગવવાનું? એ તો હું ક્યારેય નહીં થવા દઉં. હવે વધારે વાત ન કરશો મારી સાથે... ચાલ્યા જાવ ઘરે...” મેં મક્કમ અવાજે કહ્યું.

મારી મા કશું બોલી ન શકી. તે થોડી વાર ઊભી ઊભી - રડતી રહી ને પછી ચાલી ગઈ. હું આકાશના તારા સામે જોઈને વિચારતો રહ્યો કે હવે શું કરવું ? વિચારતા વિચારતા ક્યારે ઊંઘ આવી ગઈ તેની મને ખબર ન રહી. મને ખૂબ ભૂખ લાગી હતી. હું ઝાડ નીચે સૂતો હતો તેનાથી થોડેક જ દૂર બેચાર નાળિયેરીઓ હતી. તેની પર નાળિયેર આવેલાં હતાં. નારિયેરી પરથી થોડાં નારિયેર ઉતારીને મેં ખાધાં. નારિયેલ ખાતાં ખાતાં જ મારા મનમાં એક ચમકારો થયો. હવે મારે શું કરવું તે મને સમજાઈ ગયું હતું. હવે હંમેશાં માટે કદાચ તળાવના પાણીનો ઉકેલ આવી જવાનો હતો.

જંગલમાંથી મેં સૂયા જેવા થોડા મોટા કાંટાઓ ભેગા કર્યા. અનેક મજબૂત વેલીઓને તોડી તોડીને એમાંથી જાડો અને મજબૂત દોરો બનાવ્યો. મારા મનમાં નક્કી કર્યા મુજબ કેળનાં પાન જેવાં અનેક મોટાં પાંદડાઓ લઈ લઈને મેં સીવવાનું ચાલું કર્યું. દિવસ રાત હું બસ આ પાંદડાંઓ સીવ્યાં કરતો. જ્યારે ભૂખ લાગે ત્યારે જંગલમાંથી નાળિયેર કે બીજાં અમુક ફળો ખાઈ લેતો. અનેક દિવસો આ રીતે સીવ્યાં પછી અંતે મારે જોઈતો હતો તેવો જ રહસ્ય-કોથળો તૈયાર થવા લાગ્યો. મેં રહસ્ય કોથળાને એ રીતે તૈયાર કર્યો હતો કે તેની અંદર આખા તળાવનું પાણી આવી જાય. વળી અમુક પાણી કેળ, નારિયેળનાં પાંદડાંઓ પણ પોતાની અંદર શોષીને રાખી શકે તેવી ટેકનિક મેં વિકસાવી. પણ હવે બીજી તકલીફ એ થઈ કે તળાવમાંથી પાણી લાવવું કઈ રીતે? અને આટલું બધું પાણી હું ઉપાડું પણ કઈ રીતે ?

કોથળો તૈયાર કરતાં કરતાં મેં બીજી પણ એક યુક્તિ શોધી કાઢી. ઝાડની અનેક લીલી અને પોલી ડાળીઓ મેં એકઠી કરી. તેમાંથી એક લાંબી પાઇપ બનાવી. સીધા તળાવમાં જઈને પાણી લેવું તો અશક્ય જ હતું. ત્યાં સતત ચોકી-પહેરો રહેતો હતો. જંગલમાં રહ્યા રહ્યાં જમીનમાં મેં પાઇપ નાખવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે આ પાઇપ છેક તળાવની વચોવચ તળિયે જઈને નીકળી. જમીનમાં થઈને તળાવ સુધી જતો આ નળીનો એક છેડો મારા હાથમાં હતો ને બીજો તળાવના તળિયે, પણ હજી સુધી પાણી આવતું નહોતું. મારા હાથમાં રહેલો નળીનો છેડો મોંમાં લઈને હું પાણી ખેંચવા લાગ્યો. જોતજોતામાં તો પાણી બહાર આવવા લાગ્યું. જેવું પાણી આવવાનું ચાલુ થયું કે તરત જ મેં મારા રહસ્ય-કોથળામાં નળીનો બીજો છેડો નાખી દીધો. તળાવમાંથી ધોધમાર પાણી ખેંચાવા લાગ્યું. રાતના અંધારામાં કોઈને ખબર પણ ન પડી કે પાણી ખેંચાઈ રહ્યું છે. બધા ચોકીદાર તો આરામથી સૂઈ રહ્યા હતા. સવારે જાગીને બધાએ જોયું તો તેમની આંખો પહોળીને પહોળી જ રહી ગઈ. આખું તળાવ ખલાસ ! આખા ગામમાં હો-હા મચી ગઈ કે એક જ રાતમાં આખેઆખું તળાવ કઈ રીતે ખાલી થઈ શકે ? પણ કોઈની પાસે જવાબ નહોતો.

બધું પાણી મેં મારા રહસ્ય-કોથળામાં ભરી નાખ્યું અને તેનું ઉપરનું નાકું વેલીથી બાંધી દીધું. હવે પ્રશ્ન એ હતો કે આટલાં બધાં પાણીનું મારે કરવું શું ? પણ તેનો ઉપાય પણ નાળિયેરી ખાતા ખાતાં મેં વિચારી નાખેલો. મારે જે કરવું હતું તેની માટે રાત પડવી જરૂરી હતી. કેમકે દિવસે આ કામ કરવા જાઉં તો કોઈ ને કોઈ જોઈ જવાની બીક હતી. મેં રાત પડવા સુધી રાહ જોઈ. જેવી રાત પડી કે તરત જ મેં મારું કામ ચાલુ કરી દીધું. જંગલમાં અનેક નાળિયેરીઓ હતી. હું નાળિયેરીના દરેક ઝાડ પર ચડતો અને તેની પર જેટલાં પણ નાળિયેર હોય તેમાં રહસ્ય-કોથળામાંથી પાણી કાઢીને નળીથી ભરી દેતો. આખી રાત મેં આ રીતે હજારો-કરોડો નાળિયેરોમાં પાણી ભર્યા કર્યું. એટલું બધું પાણી ભર્યું... એટલું બધું પાણી ભર્યું... એટલું બધું પાણી ભર્યું... કે દુનિયાની કોઈ નારિયેળી બાકી ન રાખી. સવાર પડવા આવી હતી. હવે હું પણ થાકી ગયો હતો. સવાર પડતા પડતામાં તો મેં તમામ પાણી નાળિયેરીઓના કોચલાઓમાં ભરી દીધું હતું.

જ્યાં લોકો નાળિયેરી ખાવા જતાં કે તેમાંથી પાણી નીકળતું. લોકોને નવાઈ લાગી કે પહેલાં તો નાળિયેરમાં માત્ર ટોપરું જ આવતું હતું, તેમાં પાણી ક્યાંથી આવ્યું ? મેં નાળિયેરીમાં પાણી ભર્યું એની અસર એવી થઈ કે પછી ભવિષ્યમાં જે પણ નાળિયેરીઓ ઊગી એનાં તમામ ફળો પણ પછી પાણીથી ભરેલાં જ આવતાં. આજે આપણે નાળિયેરીમાં જે પાણી જોઈએ છીએ, તે મારા પ્રતાપે છે, બાકી પહેલાં તો ખાલી કોચલું અને ટોપરું જ હતું નાળિયેરમાં !

કોઈ કશું પણ બોલ્યા વિના એક ચિત્તે તરંગની વાત સાંભળી રહ્યા હતા.

“બોલો ભાઈ, મેં એ વખતે નારિયેળીમાં પાણી ન ભર્યું હોત તો આજે પણ આખી દુનિયા ખાલી ટોપરું જ ખાતી હોત !!.. નાળિયેરપાણી કેવું સ્વાદિષ્ટ હોય છે ખબર છે ને બધાને ? વળી આરોગ્ય માટે પણ એ તો ખૂબ સારું હોય છે. બધા મારો આભાર માનો કે મારા લીધે નાળિયેરપાણી તમે પી શક્યા. નહીંતર તમે પણ હજી કોચલા તોડીને ટોપરું જ ખાતાં હોત...”

“આહાહાહાહા.... મજામજા કરાવી દીધી તેં તો... ક્યાંથી લાવે છે આ બધી વાતો ? તારો કોઈ જવાબ નથી તરંગ !” આયુએ તરંગને પાનો ચડાવ્યો.

“આ બધું એમ આવે છે...” કહીને તરંગે કલ્પા સામે માથું હલાવ્યું. કલ્પેન કશું બોલવાના વ્હેંતમાં નહોતો. હવે આ ગપ્પા સામે તેણે બીજું ગપ્પું મારવાનું હતું. તેં મનમાં ને મનમાં ફાંફે ચડ્યો હતો.

“કલ્પા, હવે આપણે શું કરીશું... તારી કલ્પનાના ઘોડા કઈ બાજુ દોડાવીશ તું ?” શૌર્યએ ચિંતા વ્યક્ત કરી.

“હહહહ... એક મિનિટ... કલ્પા તને શું લાગે છે, નાળિયેરીઓમાં તરંગે પાણી ભર્યું છે ?”

“હા, હા, એ જ પાણી ભરેને... બીજા કોઈની તાકાત છે કે નાળિયેરીમાં પાણી ભરી શકે ?” કલ્પાએ એવા ફોર્સથી કહ્યું કે બધાથી હસ્યા વિના ન રહેવાયું. પણ કલ્પેન અંદરથી ખૂબ ગંભીર હતો. પોતાની આદત પ્રમાણે નવો વિચાર શોધવા માટે મનના કબાટોમાં ખાંખાખોળાં કરવા લાગ્યો.

“હહહહ... તો હવે તૈયાર થઈ જા, તારો વા....” ભોંદુ પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ કલ્પેન શાંતિથી બોલ્યો, “હા, મને ખબર છે મારો વારો આવે છે.”

“કલ્પા તું પણ બરાબરની ચોપડાવી દે.” એવું કહેવાનું મન થતું હતું શૌર્યને, પણ તે કલ્પેનનું વિચારશીલ મુખ જોઈને કશું બોલ્યો નહીં. તરંગ પણ ફીક્કી નજરે કલ્પા સામે જોઈ રહ્યો હતો. કોઈને સમજાતું નહોતું કે હવે કલ્પો શું બોલશે.