NORTH BENGAL in Gujarati Travel stories by Lalit Gajjer books and stories PDF | NORTH BENGAL

Featured Books
Categories
Share

NORTH BENGAL

ઉત્તર બંગાળનો પ્રવાસ, ભાગ 1

લેખક- પારાવારનો પ્રવાસી

માનવીઓના અભયારણ્યની મુલાકાત!

એપ્રિલ 1, 2015. સાંજના ચારેક વાગ્યાનો સમય હતો. ઉનાળાને કારણે આમ તો હજુ ધોમ તડકો હોવો જોઈએ પરંતુ હિમાલયના ઓછાયા હેઠળ પથરાયેલા આ વિસ્તારમાં સાંજના પગરણ થઈ ચૂક્યા હતાં. આકાશે ઘેરાયેલા વાદળોથી સાંજ જામવા લાગી હતી. અજબ માહોલ રચાયો હતો. હવામાં અજબની શાંતિ હતી. ગુજરાતી હોવાને નાતે અમે માની શકતા ન હતા કે એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવુ ઠંડુ વાતાવરણ પણ હોઈ શકે. અમારી ગાડીઓ ક્યારેક ધૂળિયા રસ્તા પર તો ક્યારેક નદીના હમણાં જ સૂકાયેલા સો-બસ્સો ફીટ પહોળા પટ પર ધમધમાટ કરતી આગળ વધી રહી હતી. માર્ગની એક તરફ ઊંચા ઊંચા પહાડો ઉપર કોઈ જટાળા જોગીએ ચલમ ચેતવી હોય એવી નાની નાની જ્યોતો પ્રગટી રહી હતી તો બીજી તરફ ઊંચા ઊંચા સીધા સોટા જેવા સોપારીના વૃક્ષોનું સામ્રાજ્ય હતું.

દસેક મિત્રો ત્રણ ગાડીમાં વહેંચાઈ ગયા હતા. સાથે બંગાળી મિત્રો અને સહાયકો હતા. બારીના કાચ ખુલ્લાં રાખીને અમે હિમાલયના શિખરોને સ્પર્શીને આવતી હવાની લહેરખીનો આનંદ લઈ રહ્યાં હતાં.. એવામાં અચાનક વાતાવરણે પલટો માર્યો. અત્યાર સુધી ખુશનુમાં લાગતા વાતાવરણનો બદલાતો રંગ અમે અનુભવી રહ્યાં હતાં. પરંતુ એ બદલાવ વરસાદ સુધી પહોંચશે તેનો કોઈને અંદાજ ન હતો. થોડી વારમાં જ અમી છાંટણા શરૃ થયા. ઠંડો પવન અને સાથે વરસાદ.. અમારે ફટાફટ બારીના કાચ બંધ કરવા પડયાં. હજુ તો અમે હથેળી પલાળવાનો આનંદ લેવો શરૃ કરીએ ત્યાં તો વરસાદે આક્રમક સ્વરૃપ ધારણ કરી લીધું હતું.. હિમાલયે અમારુ સ્વાગત કર્યુ.

થોડી વાર એમ જ ગાડીઓ ચાલતી રહી. એક નદીનો પટ પુરો થયો ત્યાં સાંકડો રસ્તો શરૃ થયો. વાદળો અને વરસાદની ગડેડાટી વચ્ચે ગાડીની લાઈટમાં બોર્ડ વંચાયુઃ તોતોપારા.. એમેઝોનના વર્ષા જંગલોમાં હોય એવુ એ ગામ હતું. બન્ને બાજુ વાંસ-લાકડાના બનેલા નાનાં-મોટા મકાનો હતાં દરેકના આંગણામાં સોપારીના ઢગલાબંધ વૃક્ષો ઉભા હતાં. ગામના ચોકમાં પહોંચીને અમારી ગાડીઓ થંભી. અમારા બંગાળી સહાયક સ્વરોજીત રોયે સ્થાનીક લોકો સાથે વાત કરી અને પછી અમને જીવંત અજાયબી જેવા એ ગામનો પરિચય મળ્યો..

ભુતાનની સરહદે ઉભેલા હિમાલયની તળેટીમાં, ઢોળાવ પર જલદાપારાને અડકીને જ તોતોપારા નામનું ગામ આવેલું છે. ગામ અનેક રીતે અનોખું છે. એક તો અહીં રહેતા તોતો જાતિના આદિવાસીઓ આખા જગતમાં માત્ર અહીં જ રહે છે. એટલે કે તોતો આદિવાસીઓ જગતમાં બીજે ક્યાંય જોવા મળતાં નથી.

તોતો પ્રજા દુનિયાથી દૂર ઢોળાવ પર છૂટાં-છવાયા મકાનો બનાવીને રહે છે. સાંજ ઢળે એ પહેલા સૌ કોઈ પોતપોતાના ઘરમાં જતાં રહે છે. મકાન પણ લાકડામાંથી બનાવે છે અને પહાડી-વન વિસ્તાર હોવાથી પહેલો માળ છોડીને ઉપર રહે છે. મોટે ભાગે ઘરની બનાવટમાં લાકડુ જ વપરાય છે. સાંજના સમયે જોઈએ તો પહાડી પર જાણે અનેક સાધુઓ એક સાથે ધૂણી ધખાવીને બેઠા હોય એવુ લાગે. એ હકીકતે એક-બીજાથી દૂર રહેલા ઘરમાં જલતી રોશનીનો ઉજાશ હોય છે. અલગ અલગ રહેતા હોવા છતાં સૌ એક જ છે. અત્યંત ખડતલ શરીર હોવાથી તોતો લોકો ખભે વજન ઊંચકીને સરળતાથી ઢોળાવ ચડી શકે છે. એ વગર તેમને ચાલે એમ પણ નથી, કેમ કે તેમના પ્રદેશમાં વાહનોની કલ્પનાય મુશ્કેલ છે. દુર્ગમતાનો ખ્યાલ એ વાતે આવી શકે કે હજુ ૨૦૧૫ની શરૃઆતમાં જ સરકાર ત્યાં સુધી વીજળી પહોંચાડી શકી છે. પાણી ભુતાનમાંથી બિછાવેલી પાઈપલાઈનો દ્વારા પહોંચે છે. ભણતરનું પ્રમાણ ખુબ ઓછુ છે, એટલે બંગાળ સરકારે તોતો પ્રજા ભણે તો નોકરીમાં અગ્રતાની સ્કીમો બનાવી છે. એ પછી ભણતર વધ્યું છે. તોતો પ્રજાના વિકાસ અને જતન માટે બંગાળ સરકારે કટિબદ્ધતા દાખવી છે. ખરેખર જેને રિઝર્વેશન કે અનામતની જરૃર છે, એવી એ પ્રજા છે. પણ વગર અનામતે એ પોતાની મસ્તાની જિંદગી ગુજારે છે.

તોતો પ્રજા મૂળ મોંગોલિયાથી વિચરતી વિચરતી અહીં આવી ચડી હતી. તેમના ચહેરા જોતાં જ એ મોંગોલાઈડ હોવાની ખબર પડી આવે. આઝાદી પછી ૧૯૫૦-૫૧માં ગણતરી કરી ત્યારે ખબર પડી કે જનસંખ્યા સાડા ત્રણસોથી વધુ નથી! માટે સરકારે તેમનો વંશવેલો આગળ વધારવા માટે વિવિધ યોજનાઓ જાહેર કરી. હવે તેમની વસતી દોઢેક હજારે પહોંચી છે અને એ માત્ર અહીં જ છે. અહીં થતા સોપારી-એલચી અને આદુના વૃક્ષો તેમની આજીવિકાનો મુખ્ય આધાર છે. હવે ૨૧મી સદીમાં અહીં સુધી સ્કૂલ અને દવાખાના જેવી સવલતો પહોંચી છે. અહીં જમીન સીધી નથી, પહાડી ઢોળાવ જ છે, એટલે સપાટ ખેતર જોવા મળવાં મુશ્કેલ છે.

તોતો લોકોના રિત-રીવાજો અનોખા છે. અહીં કન્યાઓ લગ્ન પહેલા સત્તાવાર રીતે માતા બની શકે છે. આ પ્રજા મૂર્તિપૂજામાં માનતી નથી. કુદરતી તત્ત્વો અગ્નિ-પાણી-પહાડ-હવા-જંગલ જ તેમના દેવી-દેવતા છે. એ રીતે સુધરેલા સમાજ કરતાં એ લોકો ઘણા આગળ છે. ગામનો મુખી જ કોર્ટ છે, એટલે પોલીસ કેસ થાય એવો બનાવ તો સદીમાં પણ એક વખત નથી બનતો. પૈસા-બૈસાની બહુ ચિંતા નથી કેમ કે હજુય સાટા-પદ્ધતિ વડે ચીજોની ખરીદી-વેચાણ કરી શકે છે.

ફરતીબાજુ ફેલાયેલા જંગલોમાં હાથીઓની મોટી સંખ્યામાં વસતી છે. ગેંડા પણ રહે છે. આ પ્રાણીઓ પણ ગામની ઊડતી મૂલાકાત લેતાં રહે છે. ગીરના જંગલમાં દુર્લભ સિંહો જોતા જેટલો રોમાંચ થાય એટલો જ રોમાંચ તોતો પ્રજાને જોવામાં થઈ શકે એમ છે. દુર્લભ પ્રાણી-પક્ષીઓ જોનારા લોકો ઘણા હશે. પરંતુ દુર્લભ માનવીઓ જોવા હોય તો તોતોપારા ગામે જવું રહ્યું.

તોતોપારાની મુલાકાત લીધી ત્યારે અમને સમજાયુ કે ભારતમાં પણ કેવી કેવી વિવિધતાઓ છે. પ્રવાસના નકશામાં તોતોપારા ક્યાયં નથી. એટલે અમને જો પહેલેથી જાણકારી ન હોત તો અમે પણ જલદાપારા નેશનલ પાર્ક રખડીને ઘરભેગા થઈ ગયા હોત. પણ અમારી સંશોધનવૃત્તિને કારણે અમને ખબર પડી કે આવુય ગામ છે અને અનોખું છે. ગામ સામાન્ય રીતે પ્રવાસનો ભાગ ન ગણાય, પણ તોતોપારાને ગણવુ જોઈએ.

નકશામાં ખ્યાલ આવશે કે તોતોપારા છેક ભુતાનની સરહદે છે. એટલે સરહદની ભુગોળ કેવી હોય એ પણ અહીં જોઈ શકાય છે. અહીં ક્યો પહાડ ભારતનો અને કઈ ટેકરી ભુતાનની તેનો કોઈ ભેદ પામી શકાય એમ નથી. ભારત-ભુતાનની પ્રજા વચ્ચે પણ સામ્ય છે.

અમે વહેલી સવારે અમદાવાદથી ઉડીને કલકતા અને પછી કલતાથી ઉડીને બાગડોગરા પહોંચ્યા હતા. બાગડોગરાથી કલાકોના ડ્રાઈવિંગ પછી જલદાપારા નેશનલ પાર્કના ગેસ્ટ હાઉસમાં થોડો બ્રેક લઈ નીકળી પડ્યા હતા. એ વખતે આખા દિવસના પ્રવાસનો થાક હતો. પણ તોતોપારાના પાદરમાં અડધો-પોણો કલાક ગાળ્યા પછી એ થાક ગુમ થઈ ચૂક્યો હતો.

હવે સાંજ સંપૂર્ણ ઢળી ચૂકી હતી અને અંધારાનું સામ્રાજ્ય ફેલાયુ હતું. તોતોપારાના પાદરમાં એકાદ-બે દુકાનોએ લાઈટો ચાલુ હતી. અમે આવ્યા ત્યારે હતી એ ચહલ-પહલ ઓછી થઈ ગઈ હતી. જે પગલાંઓ દોડતા હતા એ પોતપોતાના ઘર તરફ જ જઈ રહ્યા હતા.

ગામવાસીઓ અમારી ભાષા સમજતા ન હતા, અમે એમની ભાષા સમજતા ન હતાં. છતાં પણ એટલુ તો ગામવાસીઓ સમજ્યા કે કોઈ આપણા ચાહકો છે, બાકી અહીં આદિવાસી ગામમાં પ્રવાસીઓ શા માટે આવે? ગામવાસીઓને મનોમન રામરામ કરી અમે ત્યાંથી રવાના થયા.

હિમાલયના અંધકારને ચીરતી અમારી ગાડીની લાઈટો જંગલમાં અનોખો ઉજાશ પાથરતી હતી. રસ્તામાં ક્યાંય હાથી જોવા મળે છે કે કેમ એ જાણવા અમે સૌ ઉત્સુક હતા. અલબત્ત, એ વખતે તો હાથી ન દેખાયા, પણ બીજા દિવસના પ્રવાસમાં અમને જલસો પડવાનો હતો.

એની વાત હવે પછીના ભાગમાં..