Sorthi Baharvatiya Part-2 in Gujarati Short Stories by Zaverchand Meghani books and stories PDF | Sorthi Baharvatiya Part-2

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

Sorthi Baharvatiya Part-2

સોરઠી બહારવટીયા

ભાગ -૨

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

  • નિવેદન
  • (પહેલી આવૃત્તિ)
  • મને સાંપડેલાં આ વૃત્તાંતો ઐતિહાસિક છે, અર્ધઐતિહાસિક છે કે અનૈતિહાસિક છે, તે નિર્ણય ઉપર પહોંચવા માટે કોઈ સરકારી, દરબારી અથવા પ્રજાકીય દફતરો નથી; તેમ જ એ બધાં કેવળ ચારણ-ભાટનાં જ કહેલાં નથી; બહારવટિયાનાં સગાંસંબંધીઓ, અધિકારીઓ, ગ્રામ્ય પ્રજાજનો, ખુદ બહારવટામાં શામિલ થયેલાઓ, નજરોનજરના સાક્ષીઓ વગેરે બન્યા તેટલા જૂજવા જૂજવા જાણકારોમાં ફરીને આ દોહન કર્યું છે. તેથી ઇતિહાસના અંધકારમાં અમુક અંશે પણ હું આ સામગ્રીને માર્ગદર્શક માનું છું અને તેનો આધાર લઈને હું બહારવટિયાનાં કૃત્યોની સાંગોપાંગ છણાવટ કરવા માગું છું. એ છણાવટના મુદ્દા આ પ્રકારના રહેશે :
  • ૧.ઇતર દેશોના તેમ જ ઇતર પ્રાંતોના બહારવટિયા : તેની પ્રત્યે દેશવાસીઓનાં દિલસોજ વલણ : એ દિલસોજીનાં કારણો : બહારવટિયાનાં જીવનવૃત્તાંતોનું યુરોપી સાહિત્યમાં ગૂંથણ.
  • ૨.આપણે ત્યાં બહારવટિયાનાં ઐતિહાસિક પુસ્તકો : કિનકેઈડ અને કૅપ્ટન બેલનાં લખાણો પર સમાલોચનઃ રા. સા. ભગવાનલાલ સંપતરામનો વાઘેરોના બળવાનો સંગીત ઇતિહાસ.
  • ૩.સોરઠી બહારવટિયાઓના વિભાગો. બહારવટે નીકળવાનાં કારણો : સત્તાના જુલમો : નિરાશા : પોતે માનેલા અન્યાય સામે મરણિયો પડકાર.
  • ૪.તેમનાં સંકટો : એકલા હાથે અન્યાય સામે ઝૂઝવામાં કેટકેટલાં વર્ષોનું અડગ ધૈર્ય ! બાળબચ્ચાંથી અને ઘરબારથી વંચિત બનીને નોતરેલાં પીડનો : ભૂખમરા ને દગલબાજીયુક્ત કરુણ મૃત્યુઓ.
  • ૫.તેઓનાં ઠામઠેકાણાં : લશ્કરો : હથિયારો : સાલસંવત : રાજસત્તાનાં સૈન્યો મોટી સંખ્યામાં તેમ જ વિપુલ સામગ્રીવાળાં હોવા છતાં ધરપકડમાં વિલંબ થવાનાં કારણો : બહારવટિયાને આશરો આપનારાં સ્થાનો : સૈન્યોની કુનીતિ : પ્રજાપીડિત તપાસનીતિ : બહારવટિયાને જતો કરવામાં સિપાઈઓની બદદાનત.
  • ૬.બહારવટિયાના વહેમો : ઇષ્ટ દેવતાઓની ઉપાસના : ગેબી મદદગારો પર વિશ્વાસ : અમુક જાતનાં તાવીજો અને અમરત્વ આપનારી વસ્તુઓ : દેવોપાસનાનાં સારાં-માઠાં તત્ત્વો.
  • ૭.નારી-સન્માન : ચારિત્ર્યની નિર્મલતા : વીરધર્મ : શત્રુ પ્રત્યેનો ધર્મ : નેકી : એકવચનીપણું : ‘કોડ ઓફ ઑનર’ : પરંતુ તે બધાંની વિચિત્ર ગતિ.
  • ૮.શારીરિક તપશ્ચર્યા.
  • ૯. મોજીલી પ્રકૃતિ : પરોપકારવૃત્તિ : ધનસંચયની વાંછનાનો અભાવ.
  • ૧૦.લૂંટફાટનાં કારણો : શાહુકારો પ્રતિ દાઝ : ચોપડા શા માટે બાળે ? પ્રજા જાલિમ રાજા સાથે શા માટે સહકાર કરે ? એ એની રીસ : મૂડીદારની ચૂસણનીતિનો કિન્નો.
  • ૧૧.ખેડૂતો પ્રતિ રોષ : સાંતી શા માટે છોડાવે ? જમીન પર કોનો હક્ક ? અન્યાયથી ઝૂંટાવી લીધેલી પોતાની ધરતીમાંથી એક કણ પણ શત્રુરાજસત્તાના કોઠારમાં ન જવા દેવાનો નિરધાર.
  • ૧૨.અંગ્રેજો પ્રત્યેની દાઝ : ગોરાઓની કતલ : તેનાં ઊંડાં કારણો : એનાં યશોગીતો : અંગ્રેજ રાજસત્તા સામે નિર્ભર બની હથિયાર ધરવાનો પોરસ : પ્રજાને નિઃશસ્ત્ર બનાવી દઈ નિવીર્યતામાં ઉતારવા માટે કંપનીના કારોબારનું આગમન હોવાનો તેઓનો સંદેહ.
  • ૧૩.લોકોનો સહકાર : પ્રજાની દિલસોજી કેટલી હદે સાંપડી શકે ? પૂરેપૂરી કેમ ન પ્રાપ્ત થઈ ? થઈ હોત તો તેઓને અન્ય જલદી મળી શકત કે નહિ ? બહારવટિયો લોકસત્તાને કેમ ન અપનાવી શક્યો?
  • ૧૪.ઘાતકી આચરણો : કેટલે અંશે બચાવ કરવા યોગ્ય ? કેટલે અંશે ધિક્કારપાત્ર ? યુગનાં તત્ત્વોનો રંગ કેટલો, ને કેટલી આત્મગત ક્રૂરતા ? યુદ્ધનીતિની આવશ્યકતાને લીધે કેટલું આસુરીપણું અને અંતઃકરણમાં ઊતરેલી અધમતા કેટલી ?
  • ૧૫.યુગ-સંસ્કારોનો અભાવ : ન રાષ્ટ્રભાવ, ન ધર્મભાવ, ન માલિકીહક્કની પવિત્રતાનો ખ્યાલ : ન કોઈ ન્યાય તોળનાર મધ્યસ્થ સત્તા વા સંસ્થાનું અસ્તિત્વ : ન કોઈ વિશ્વાસપાત્ર વગદાર પક્ષ સમાધાની કરાવનારા : અહિંસાવાદનો યુગ વર્ત્યો નહોતો : ન શિક્ષણ : ન વીરત્વના અન્ય આદર્શોની હાજરી : બહુમાં બહુ તો રામાયણ-મહાભારતનું જ શ્રવણ અને તેમાંથી નીપજતું યુગ-સંસ્કારોનું સિંચન : શરીરે ને આત્માએ કરી બલવંત : આત્મૌદાર્યના ચમકાર : શિયળના વ્રતધારી : શત્રુશૌર્યનેય વંદના દેનારા : ભોળા : મરણોન્મુખ : અડગ ને અણનમ : મહાપ્રાણ : પરંતુ મધ્યયુગની પરિમિતતાના પીંજરામાં પુરાયેલા : જ્ઞાનની જ્યોત પહોંચેલી નહિ : અણઘડ્યું રહી ગયેલું વીરત્વ : પાસા પાડીને તેજસ્વી બનાવનારું કોઈ પડખે ન મળે.
  • ૧૬.તેઓના પ્રશસ્તિ-ગીતો : રણ-કાવ્યો : નાના દોહાથી લઈ મોટાં ‘એપિક’નાં અનુકારી કાવ્યો : એ કાવ્યના રચનારા કોણ કોણ ? લૂંટારા પાસેથી ઇનામો લેવાની અધમ લોલુપતામાંથી જ અવતરેલાં ? કે વીરપૂજા અને શૌર્યપ્રેરણાની ભાવનામાંથી જન્મેલાં ?
  • ૧૭.બહારવટિયાને શૂરવીર કહેવા કે નહિ ? જગતે વીરત્વનાં બિરદે કોને કોને નવાજેલા છે ? વિશ્વની તવારીખના મહાવીરોથી લઈ નાના મોટા યુદ્ધવીરો, ત્યાગવીરો, દાનવીરો, કલાવીરો, સુધારાવીરો, સ્ત્રી-સન્માનના વીરો નક્કી કરવામાં દુનિયાએ કઈ તુલા ને ક્યાં તોલાં વાપરેલાં છે ? એ તુલા પર બહારવટિયો જોખમાય તો તેનું વજન કેટલું? આદર્શ વીરનરો ઇતિહાસના આરંભથી માંડીને આજ સુધી કેટલા ? ઘણાખબા ‘હીરોઝ ઇન મેકિંગ’ વત્તેઓછે અંશે.
  • ૧૮.આજનાં તોલાં-ત્રાજવાં : મૂડીવાદના હત્યાકાંડો : યુદ્ધવેપાર, જાહેર જીવન, કલા-સાહિત્ય, પત્રકારત્વ, સમાજસુધારણા, પાંડિત્ય, વિદ્વત્તાવગેરેમાં દાતા-પદે અને નેતા-પદે રાજ કરતાં દંભ, દુરાચાર, સંહાર-નીતિ, પ્રજાના હ્રાસ : સરખામણીમાં બહારવટિયો કેટલો પાપી ઠરવો ઘટે?
  • ૧૯.૧૯. રાજસત્તાઓની મદાંધતા ને સ્વાર્થાંધતા : રાજ્યવિસ્તારની લોલુપતા તેમ જ આવશ્યકતા : વીરનરો પ્રતિનો અનાદર : ઇન્સાફની અદાલતોમાં ન્યાયનાં નાટકો : અંગ્રેજ લશ્કરી સહાય પર અવલંબન : અંગ્રેજ સત્તાએ એ અવલંબન આપવામાં ધારણ કરેલી મનાતી પક્ષકાર નીતિ : નાનાઓને પોતાની રાવબૂમ સાંભળનાર કોઈ નહિ હોવાના નિરાશાજનક ખ્યાલો : એજન્સીની મોટી જવાબદારી.
  • ૨૦.બહારવટું તો સદાકાળ ચાલ્યું છે; રાજસત્તાના અન્યાયો હશે ત્યાં સુધી ચાલશે : દરેક યુગનું બહારવટું જુદી ભાતનું, પણ સિદ્ધાંત તો એક : રાજસત્તા, ધર્મસત્તા, હરકોઈ સત્તાના અધર્મ સામે મરણિયો હુંકાર : મધ્યયુગી બહારવટિયાનું મક્કમપણું, મરણિયાપણું, ત્યાગ, સહનશક્તિ, પ્રભુશ્રદ્ધા, આત્મશ્રદ્ધા, ઔદાર્ય ને વીરનીતિ, એ નવા યુગને આરે અવતારવા લાયક : એનું મૃત્યુંજયત્વ આદરને યોગ્ય : એનાં ઘાતકીપણાં, નિર્દયતા વગેરે ત્યજવા ને તિરસ્કારવા લાયક.
  • ૨૧.સોરઠની લડાયક જાતિઓનું ભાવિ : એની ખાસિયતો : નેકી, નીતિ, ભોળપ વગેરે કુલપરંપરા, એના ભાવિનો આંટી-ઉકેલ : એની અત્યારની ગુનાહિત દશા : એને માટે કોણ જવાબદાર ? એના નાશ થકી સમાજને લાભ-હાનિ : એનું અસ્તિત્વ ઇષ્ટ કે અનિષ્ટ ? ઇષ્ટ હોય તો તે કેવે સ્વરૂપે? ને સાહિત્યની શી શી સેવાઓ આ વૃત્તાંતો વડે સંભવિત છે ?
  • યુરોપીય સાહિત્ય એનો ઉત્તર આપશે. વીરશ્રીનો આરાધક સર વૉલ્ટર સ્કૉટ એ વાત બોલશે. યુરોપ-અમેરિકાનાં રોમાંચક અને શૌર્યપ્રેરક ચિત્રપટો ‘ગોશો’ અને ‘રૉબિનહૂડ’ એ બોલશે. ગોવર્ધનરામભાઈનું ‘સરસ્વતીચંદ્ર’ બોલી રહ્યું છે. આપણા આધુનિક નવલ-સાહિત્ય અને નાટ્ય-સાહિત્યમાં પણ ‘બહારવટિયા’નું તત્ત્વ ગૂંથાતું થયું છે. તેવે સમયે બહારવટિયાને નામે રચાતી કૃતિઓ અસંભવિત અથવા અસંગત કલ્પનાઓએ કરીને વિકૃત અથવા ભ્રામક ન બને, એ નેકી અને નેકટેકનાં જૂનાં દૃષ્ટાંતોમાંથી પ્રેરણા મેળવીને નવાં સર્જનો વધુ સ્વાભાવિક તેમ જ ઓછાં નાટકીય બને, એ ઉદ્દેશની સફળતા માટે જૂનાં વૃત્તાંતો સંઘરવાનો ઉપયોગ છે.
  • રાણપુર : ૪-૮-’૨૮ ઝવેરચંદ મેઘાણી
  • (બીજી આવૃત્તિના નિવેદનમાંથી)
  • આ આવૃત્તિમાં ઉમેરેલાં શોભનચિત્રો, મનુષ્યોનાં અને સ્થળોનાં કાલ્પનિક જ છે. સંગ્રહની અંદર સહાય આપવા માટે શ્રી રાણાભાઈ આલા મલેકનો બેટવાળા શ્રી રતનશી લધુભાઈનો, ચિરોડાવાળા શ્રી દેવસિંગજીભાઈ સરવૈયાનો, શ્રી ધીરસિંહજી વેરાભાઈનો તથા મિત્ર હાથીભાઈ વાંકનો આભાર માનું છું. ‘ઓખામંડળના શૂરવીર વાઘેરો’ નામના પુસ્તકના સંપાદકોનો પણ ઋણી છું. આંસોદરના ગઢવી દાદાભાઈને પણ કેમ ભુલાય ?
  • રાણપુર : ૧૩-૪-’૨૯
  • ઝવેરચંદ મેઘાણી
  • (ચોથી આવૃત્તિ)
  • ત્રીજી આવૃત્તિ વેળાએ મારી હાજરી આંહીં ન હોવાથી જે કેટલુંક મઠારકામ બાકી રહી ગયું હતું, તે આ વખતે કર્યું છે. પેટામથાળાં નવેસરથી મૂક્યાં છે.
  • વાઘેરોના બહારવટાની પ્રત્યક્ષ અનુભવેલી અને જોયેલી હકીકતો એના મિત્રોના જ મુખબોલમાં મને કહેનાર બેટ-નિવાસી રતનશી શેઠ ગઈ સાલ ગુજરી ગયા. પંદરેક વર્ષ પર મારી અને તેમની મુલાકાત થઈ હતી ત્યારે એમનું વય ચુંમોતેર હતું, એવી નોંધ મારી નોંધપોથીમાંથી નીકળે છે. તેમની તસવીર મૂકીને આ પુસ્તક જોડે તેમનું સ્મરણ જોડું છું.
  • વાઘેર-બહારવટાની સાથે સીધા સ્વાનુભવમાં મુકાયેલી એક બીજી વયોવૃદ્ધ વ્યક્તિનો નોંધ પણ જૂની પોથીમાંથી જડે છે. એ હતાં આરંભડા ગામનાં વાઢેલ-કુળનાં ઠકરાણી. એ ઓઝલવંતાં દાદીમા જોડે મારી મુલાકાત ગોઠવનારા હતા મારા સાથી શ્રી ભૂપતસિંહ વાઢેલ (ભાવનગર રેલવેના ભૂતપૂર્વ ગાર્ડ).
  • તે વખતે ૯૦ વર્ષનાં આ રજપૂતાણીએ મને નજરોનજર નિહાળેલી વાતો કહેલી, એ કેમ વણપ્રસિદ્ધ રહી ગઈ તેનું મને જ વિસ્મય છે. એના શબ્દોનું ત્રુટક ટાંચણ મારી નોંધમાં છે :
  • આંહીં મનવારો આવી. લડાઈ ચાલી. હું તે દી પંદર વરસની. પરણીને આવ્યે બે વરસ થયેલાં. મેડી ઉપર ઊભીને હું બેટના દરિયાની લડાઈ જોતી હતી. ધરતી ધણેણતી હતી. બિચારા વાઘેરો પાસે તોપો નહોતી... પછી અમને એક ભાંગેલ વહાણમાં બેેસાડી કચ્છમાં નાગરેચી લઈ ગયા હતા. તે પહેલાં તો ટાંકાની અંદર પડીને મરી જવાનું સૌ બાઈઓએ નક્કી પણ કર્યું હતું. પણ નાગરેચીથી ચાંદોભાઈ, જાલમસંગના સસરા, દીકરીના સમાચાર પરથી આવ્યા. સરકારને ખબર દીધી; કહ્યું કે વાવટો ચડાવી જાઓ... ભાંગલ વહાણ માંડવીનું સમું થાવા આવેલ. એમાં અમને સૌને બેસાર્યાં. વચ્ચે વહાણમાં પાણી ભરાણું. તોફાન જાગ્યું. ખારવાએ બચાવ્યાં. બે છોકરાં મરી ગયાં.
  • આ સાહેદી દેનાર દાદીમા પણ પરલોકવાસી થયાં છે. મને ઓરતો તો આ વાતનો રહી ગયો છે કે આવી વ્યક્તિઓની પાસે નિરાંતે બેસીને, બેત્રણ વાર પહોંચીને, તેમની જૂની યાદદાસ્તનાં વધુ પડો કેમ ઉખેળ્યાં નહિ !
  • રાણપુર : ૨૫-૧૨-’૪૧
  • ઝવેરચંદ મેઘાણી
  • (નવમી આવૃત્તિ)
  • લેખકના અવસાન પછી બહાર પડેલા એમના પુસ્તક ‘છેલ્લું પ્રયાણ’માં બહારવટિયા રાયદેનું વૃત્તાંત મુકાયેલું. એ વૃત્તાંતનું વધુ યોગ્ય સ્થાન અહીં લાગવાથી ત્રીજા ભાગમાં ઉમેર્યું છે.
  • ‘રસધાર’ની માફક આ કથાઓમાં આવતા દુહા-છંદોની અશુદ્ધિઓ શ્રી રતુભાઈ રોહડિયા અને શ્રી તખતદાન રોહડિયાએ તારવી આપી એ બદલ એમના આભારી છીએ. આ બે મિત્રોએ સૂચવેલી શુદ્ધિઓ ઉપરાંત બાકીના તમામ કાવ્યાંશોની અતિ ઝીણવટભરી ચકાસણી કરી આપવાનું પ્રીતિકાર્ય શ્રી મકરન્દ દવેએ પોતાની નાજુક તબિયતને ગણકાર્યા વિના કર્યું એ ‘સોરઠી બહારવટિયા’ અને ‘રસધાર’નાં સુવર્ણજયંતી સંસ્કરણોનું એક સંભારણું બન્યું છે.
  • તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોની અર્થસારણી ‘રસધાર’(ભાગ પ)માં છે એ આ કથાઓના વાચકોને પણ ઉપયોગી થશે.
  • ૧૯૮૧
  • જયંત મેઘાણી
  • ક્રમ નિવેદન . . . . . (૫)
  • જોગીદાસ ખુમાણ (ઇ. સ. ૧૮૧૬-૧૮૨૯)
  • ૧.નાવલીને જુહાર
  • ૨.મુજાવર મુરાદશા
  • ૩.મગિયા જાળ
  • ૪.સાદ વરત્યો
  • ૫.બાપુને પરણાવ્યા
  • ૬.ફૂલધારે ઊતર્યા
  • ૭.પહેરામણી બગડી
  • ૮.દુશ્મનનું કારજ
  • ૯.ભીમ પાંચાળિયો
  • ૧૦.શત્રુની સ્ત્રી
  • ૧૧.મહાપાપ
  • ૧૨.ચારણે છેતર્યો
  • ૧૩.રખાતની દીકરી
  • ૧૪.ગરીબી
  • ૧૫.તુલસીશ્યામમાં
  • ૧૬.ગાંગો બારોટ
  • ૧૭.બાનને માર્યો
  • ૧૮.કાઠિયાણીનો સંદેશો
  • ૧૯.ગાયોના નિસાપા
  • ૨૦.પતાવટ
  • ૨૧.ઐતિહાસિક કથાગીત : બૅલડ
  • ૨૨.ઇતિહાસમાં સ્થાન
  • જોધો માણેક : મૂળુ માણેક (૧૮૫૮ - ૧૮૬૭)
  • ૧.માછીમરણની કૂખે માણેક
  • ૨.સમૈયાની માનતા
  • ૩.‘દ્વારકા પાંજી આય !’
  • ૪.ટીલાવડ નીચે
  • ૫.દ્વારકા પર હલ્લો
  • ૬.લધુભાની જીભ
  • ૭.લૂંટારા શરમાયા
  • ૮.જેરામભા
  • ૯.જોધાનો ન્યાય
  • ૧૦.બેટમાં યુદ્ધ
  • ૧૧.વેરીની દિલેરી
  • ૧૨.આભપરાને આશરે
  • ૧૩.મડમનો મનોરથ
  • ૧૪.સરકારી શોધ
  • ૧૫.બીજી વિષ્ટિ
  • ૧૬.ઘેરાનો નિર્ણય
  • ૧૭.આભપરો છોડ્યો
  • ૧૮.કોડીનાર ભાંગ્યું
  • ૧૯.કાકાની કાળવાણી
  • ૨૦.વડોદરાની જેલમાં
  • ૨૧.જેલ તોડી
  • ૨૨.માધવપુર ભાંગ્યું
  • ૨૩.જાલમસંગનો જમૈયો
  • ૨૪.દેવોભા રવાના
  • ૨૫.સુતાર પરણાવ્યો
  • ૨૬.કેવા નસાડ્યા !
  • ૨૭.‘નહિ હટેગા !’
  • ૨૮.માછરડાનું ધીંગાણું
  • ૨૯.ઓખો રંડાણો
  • ૩૦.રોયા રણછોડરાય
  • ૩૧.ઐતિહાસિક માહિતી
  • જેસાજી - વેજાજી (ઇ. સ. ૧૪૭૩ - ૧૪૯૪)
  • જૂના સમયનું બહારવટું
  • ૧.સ્મશાનમાં
  • ૨.નટના પંખામા
  • ૩.હુરમ બહેન
  • ૪.ચારણે બચાવ્યા
  • ૫.ગંગાદાસ દાદા
  • ૬.ગંગદાસનું મોત
  • ૭.વણારશી શેઠ
  • ૮.ભૂતના મહેમાન
  • ૯.બાદશાહની ચોકી
  • ૧૦.હામીની પસંદગી
  • ૧૧.મા’જન મળ્યું
  • ૧૨.પઠાણ હામી
  • જોગીદાસ ખુમાણ
  • (ઇ. સ. ૧૮૧૬-૧૮૨૯)
  • કવિશ્રી ન્હાનાલાલે ‘સોરઠી તવારીખના થરો’ ઉખેળતાં જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે. એને પોતે ‘જોગી બહારવટિયો’ કહી બિરદાવેલ છે. પોતે સોરઠનું ‘રૉબરૉય’ લખે તો જોગીદાસને વિષે જ લખે, એ એમની ભાવના છે.
  • ભાવનગર રાજ્યને જોગીદાસે દુશ્મનાવટથી પણ શોભા ચડાવી. વજેસંગ-જોગીદાસની શત્રુ-જોડલી તો અપૂર્વ બની ગઈ છે. બન્ને જાણે કે પરસ્પર વીરધર્મના પાલનમાં સ્પર્ધા ચલાવી હતી.
  • છતાં જોગીદાસને ભાવનગરના ઇતિહાસમાં સ્થાન નથી. ‘ધ ભાવનગર સ્ટૅટિસ્ટિક્સ’ નામનું એક રાજ્યમાન્ય તેમ જ સરકારમાન્ય ઇતિહાસ-પુસ્તક વજા-જોગાની અન્યોન્ય નેકીનો શબ્દ સરખોયે નોંધતું નથી, અને કૅપ્ટન બેલનો ઇતિહાસ તો ઉક્ત પુસ્તકમાંથી જ ઉતાોર કરે છે ! વાર્તાને છેડે બેલનું કથન મેં ટાંક્યું છે. વૉટસન, ભગવાનલાલ સંપતરામ અથવા અન્ય કોઈના ઇતિહાસમાં આ પુરુષનો ઉલ્લેખ નથી.
  • જોગીદાસે ભાવનગર રાજ્ય સિવાયનાં ગામ ભાંગ્યાં ક્યાંયે સાંભળવામાં નથી. લૂંટ કરવામાં સીમાડો ભાવનગરનો જ છે ને, એ વાતની પોતે ચોકસી રાખતો. સીમાડાનો એવો પાકો માહિતગાર હતો, માટે જ અમરેલી-ભાવનગર વચ્ચેના સીમાડાની તકરાર ફેંસલા માટે એને સોંપાઈ હતી એમ કહેવાય છે.
  • ૧. નાવલીને જુહાર
  • “મારા દાદા સામત ખુમાણે ભાઈ-બેટાઓનાં લીલાં માથાં વઢાવી વઢાવી કુંડલાની ચોરાશી ઘરે કરી; રાવણ જેવા ખસિયાઓનું જડાબીડ કાઢી મીતિયાળા સરખા કિલ્લા હાથ કર્યા અને શું આજ ઠાકોર આતોભાઈ પોતાની બંદૂકડી બતાવી અમારાં ચોરાશી પાદર આંચકી લેશે ? ના, ના, તો તો
  • સામત ખુમાણના નવેય પોતરા, બાપ આલા ખુમાણના અમે નવેય બેટડા બા’રવટાં ખેડશું.”
  • “આપા હાદા ! તમારા આઠ ભાઈઓની આશા તો હવે મેલી દ્યો,” ખબર દેનારે કહ્યું.
  • “કાં ?”
  • “એને તો ઠાકોર વજેસંગે પાળેલાં પશુડાં બનાવી દીધાં. ઈ તો એ પૂંછડિયું પટપટાવે !”
  • “એટલે ?”
  • “એટલે શું ? સહુ પોતપોતાનાં છ-છ ગામ દબાવીને બેસી ગયા ત્યાં તો ઠાકોરનો સંદેશો આવ્યો કે મારી શરત નહિ માનો તો શેત્રુંજીને કાંઠે ફરીને તોપખાનું ફેરવીશ અને ખુમાણોને ફૂંકી દઈશ.”
  • “શી શરત ?”
  • “અકેક ગામ ડુંગરી (સુવાંગ) અને પાંચ-પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ : ફક્ત ચોથ જ ખાવા દેશું. નીકર ભીંસીને ભાંગી નાખશું.”
  • “વાહ ઠાકોર ! કરામત સારી કરી. પછી ? કોણે કોણે કરાર કબૂલ
  • કર્યો ?”
  • “પીઠાએ, વીરાએ, સૂરાએ, લૂણાએ, તમામે !”
  • “તમામે ? ડાડા સામત ખુમાણના પોતરાએ ? ખોરડું વેચી નાંખ્યું ?
  • બંદૂકડીથી બીના ?”
  • “મરવું દોયલું છે, આપા ! ભાવનગરને પોગાય એમ નથી. સૂરજ સામી ધૂળ ઉડાડવી છે ? તમે પણ બેસી જાવ. ઠાકોર કે’વારે છે -”
  • “કે ?”
  • “કે આપા હાદાને પણ એક ડુંગરી ગામ, ને બાકીનાં પાંચમાં ચોથ.”
  • “નીકર ?”
  • “નીકર તોપખાનાને મોઢે બાંધશે. ભાઈયુંનું જોર તો હવે ભાંગી ગયું. હવે કોનાં બાવડાં માથે ઝૂઝશો, આપા હાદા ?”
  • “મારા ત્રણેય વીરભદરનાં બાવડાં માથે ! મારા ગેલા, ભાણ ને જોગીદાસનાં બાવડાં માથે. ભલે ભોજ કુવાડાનો હાથો બન્યો. ભલે ભાઈયું બેસી ગયા. ભગવાને દીકરા શીદ દીધા છે ? શોભા સાટુ નહિ, મરવા-મારવા સાટુ. અમે મરશું, પણ ભાવનગરનાં અઢારસેંય ઉજ્જડ કરશું. ઠાકોર દૂધચોખાની તાંસળીમાં રોજ ખુમાણોનાં ભાલાં ભાળશે. ઊઠો, બાપ ગેલા ! ઊઠો, ભાણ ! ઊઠો, આપા !”
  • ત્રણ દીકરા ને ચોથો બુઢ્‌્‌ઢો બાપ : ઘોડે ચડી ચાલી નીકળ્યા.
  • “આપા ! શું કરછ, બાપ !” હાદા ખુમાણે કુંડલાની નદીમાં ઊભા રહી ગયેલા પુત્ર જોગીદાસને સાદ કર્યો. જોગીદાસને સહુ ‘આપો’ કહીને બોલાવતા.
  • “કાંઈ નહિ, બાપુ !” કહીને આપો ચાલતો થયો. કુંડલા ન લેવાય ત્યાં સુધી નાવલીનું પાણી આપો અગરાજ કરતો હતો.
  • નાવલીમાં અખંડ ધારા નીર : નીલો ઘટાદાર કિનારો : કાંઠે ચરતી ભેંસો : અને કાંબીકડલાં પહેરીને ત્રાંબા-બેડે પાણી ભરતી કણબણો : એને માથે મીટ માંડીને બાપ-બેટા ચાલી નીકળ્યા :
  • સંવત અઢાર પંચોતરે
  • ફરહરિયા ફરંગાણ,
  • ધર સોરઠ જોગો ધણી
  • ખોભળતલ ખુમાણ.
  • (સંવત ૧૯૭પમાં જે વખતે ફિરંગીઓ (અંગ્રેજો) સોરઠ ધરામાં ઊતર્યા તે વખતે જોગો ખુમાણ સોરઠની ધરતીને રોકી રાખીને ઊભો રહ્યો હતો.)
  • ર. મુજાવર મુરાદશા
  • ફીફાદ ગામને પાદર ઘાટી ઝાડી છે અને એ ઝાડીની અંદર ત્રણ-ચાર જૂની આંબલીઓની ઘેરી ઘટામાં ધનંતરશા પીરની દરગાહ આવેલી છે. સવાર-સાંજ એ સ્થળે લોબાનના ધૂપની એવી ભભક છૂટે છે કે આપોઆપ ખુદાની યાદ જાગે, વિચારો ગેબમાં રમવા માંડે.
  • એક દિવસ સાંજ નમે છે. બુઢ્‌ઢો મુજાવર મુરાદશા એક નળિયાની અંદર દેવતા ભરી તે ઉપર લોબાન ભભરાવી રહ્યો છે. ગામમાંથી હિંદુઓના ઠાકરની પણ આરતી સંભળાય છે. પીરો અને દેવતાઓને બહાર નીકળવાની વેળા છે.
  • એવામાં ઓચિંતો એ ઝાડીમાં એક બંદૂકનો ભડાકો થયો, ધુમાડા નીકળ્યા, અને કીયો ! કીયો ! એવી કારમી કિકિયારી પાડતો એક રૂપાળો મોરલો ઊડ્યો. ઊડતો ઊડતો - ઊડવાની તાકાત નહોતી તેથી અરધોપરધો હવાની ઉપર જ તરતો તરતો - મોરલો નીચે ઊતર્યો. અને દરગાહ પર ધૂપ દેતા બુઢ્‌ઢા મુજાવર મુરાદશાના પહોળા ખોળામાં પોતાના આખા કલેવરનો ઢગલો કરીને મોરલો ઢળી પડ્યો.
  • ધોળી દાઢી ને માથે સેંથો પાડી ઓળેલા ધોળા લાંબા વાળવાળો, સફેદ ઘાટાં ભવાં અને સફેદ પાંપણોથી શોભતો, ગળે પીળા પારાની તસબી અને અંગે લીલી કફનીવાળો સાંઈ મૌલા ચમકી ઊઠે છે. મોરલાના મસ્ત શરીરમાંથી ધખધખતા લોહી વડે એની લીલી કફની લાલચોળ બનવા લાગે છે ને પોતાના પ્યારા મોરલાના બદનને ગોદ સાથે ચાંપી લઈ, એની મખમલશી મુલાયમ આસમાની લાંબી ઢળી પડેલી ડોક પર હાથ ફેરવી પંપાળે છે, અને છેલ્લા દમ ખેંચતા એ દેવપંખીને બેબાકળો બની પૂછે છે કે “અરે ! અરે બચ્ચા મોતિયા ! તીજે ક્યા હુવા ! ઓ મેરા પ્યારા ! કોન શયતાનકા બચ્ચાને તીજે ઝખમી કિયા ! મોતિયા ! મોતિયા ! મોતિયા !”
  • ત્યાં તો ઝાડીમાં ખખડાટ થયો; “મેલી દે, એય સાંઈ !” એવી ત્રાડ પડી : ને હાથમાં સળગતી જામગરીવાળી લાંબી બંદૂક હીંડોળતો એક મદોન્મત્ત સંધી પોતાની ખૂની આંખો ખેંચીને શ્વાસભર્યો આવ્યો. આવીને એણે ફરી વાર હાકલ દીધી કે “મેલી દે મોરલાને !”
  • “અરે કમબખ્ત ! તીને યે મોરલા પર ગોલી ચલાયા ! તીને ઇસ જગામેં શિકાર કિયા, હેવાન ?”
  • “હવે મેલ મેલ, હેવાનના દીકરા ! ઝટ મોરલો મેલી દે, નીકર માર ખાઈશ.”
  • “અરે જાલિમ ! યે પીરકા મોરલા !”
  • “હવે પીરનો મોરલો કેવો, ઉલ્લુ ? ઝાડીનો વગડાઉ મોરલો હતો ને આજ રોજાં ખોલવાં છે તે શાક કરવા સારુ શિકાર કર્યો, એમાં ક્યાં તારા દીકરાને માર્યો છે ? મેલી દે !”
  • એટલું બોલીને સંધીએ જોરાવરીથી મોરલાને મુજાવરના ખોળાની બહાર ખેંચ્યો. મોરલાની છેલ્લી તગતગતી આંખો મુજાવરના મોં સામે જોઈ રહી. પોચે પોચે હાથે એ જખમી પક્ષીને ઝાલી રાખવા ફકીરે ઘણી મહેનત કરી, પણ શિકારીએ મોરલાીન ગરદન પકડીને ખેંચી લીધો. પ્રાણ વિનાનું દેહપિંજર લઈને શિકારી ચાલી નીકળ્યો.
  • “ધનંતરશા ! પીર ધનંતરશા ! ઓલિયા ધનંતરશા !” એમ ત્રણ ભયંકર અવાજ દેતો દેતો બુઝુર્ગ મુજાવર પીરની દરગાહ સામે ઘૂંટણિયે પડીને બેસી ગયો. ઝાડવાંની ચાળણી જેવી ઘટામાંથી આથમતા સૂરજની પચરંગી તડકી એ દરગાહ અને ફકીરને માથે ઢોળાવા લાગી. લોબાનનો ધૂપ ગોટેગોટ ધુમાડા ચડાવીને પીરના થાનકની ચોપાસ ઝાડવાંને પાંદડે પાંદડે છવાઈ ગયો. દરગાહનો ઓટો મુજાવરના અવાજથી થરથરી ઊઠ્યો. પીર જાણે પોતાની સફેદ સોડ નીચે સળવળવા લાગ્યા હોય તેમ પવનમાં કફન ફરકી ઊઠ્યું. અને આંસુડે નીતરતી આંખો મીંચીને મુજાવરે ત્રાડ દીધી કે “ઓ પીર ! આજ રમજાન મહિનાની ખુદાઈ સાંજને ટાણે, તારા દુલદુલ મોતિયાનું શાક કરીને ખાનાર નાપાક ઈન્સાન ઉપર મારી કકળતી આંતરડીની કદુવા પોકારું છું, ઓ બાપ, કે મોરલો એના પેટમાં હોય ત્યાં જ જો ખુમાણોનાં ભાલાં એ માંસ ખાનારના પેટમાં પરોવાઈ ન જાય, તો હું ફકીર નહિ, તું પીર નહિ, ને આસમાનમાં અલ્લાહ નહિ!”
  • એવા શાપ ઉચ્ચારીને મુજાવરે ઓટાના પથ્થર ઉપર પોતાના બંને પંજા પછાડ્યા. પછાડવાની સાથે જ એનાં જર્જરિત આંગળાંના જીવતા નખ નીકળી પડ્યા. દસેફ આંગળીના ટેરવાંમાંથી લાલચોળ લોહીની ધારાઓ વહીને પીરની દરગાહ પર દડ ! દડ ! દડ ! દડ ! પડવા લાગી. પચાસ સંધી સિપાહીઓ, ઝાડવાના ઝુંડમાં થંભી જઈને આ કદુવા સાંભળી રહ્યા ને એ કમકમાટી ભરેલો દેખાવ સંધ્યાનાં અંધારાં-અજવાળાંમાં નિહાળી રહ્યા. સંધ્યા જાણે ગમગીન બની ગઈ. અંધારાં ઘેરાવા લાગ્યાં તો પણ મુરાદશા દરગાહની સામે સૂમસામ બનીને ઘૂંટણભર બેઠો જ રહ્યો. થોડી વારે અંધારામાં જાણે ગેબની મશાલો પ્રગટ થઈ. ઘોડા ઉપર ચડીને જાણે કોઈ દેવ-સવારી ઝાડની ઘટામાં ચાલી ગઈ. માણસો વાતો કરતં કે કોઈ કોઈ વાર રાતે અંધારામાં આવા દીવા અહીં જોવામાં આવે છે તે ધનંતરશા પીરની જ એ સવારી નીકળે છે.
  • “હવે એવા ફકીરડા તો બચારા કૈંક રખડે છે. એવાને તો રોવાકૂટવાની ટેવ પડી. એવાની કદુવાયું તે ક્યાંય લાગતી હશે ?” દાંત કાઢતા કાઢતા સંધીઓ માંહોંમાંહે વાતો કરવા માંડ્યા.
  • “હા, હા, એલા તમતમારે ઝટ મોરલાને વનારી નાખો. ઝટ શાક રાંધીને રોજાં છોડીએ, પેટમાં લા લાગી ગઈ છે. ને હજુ તો પંથ બહુ લાંબો પડ્યો છે.”
  • એવી વાતો કરતા કરતા આખા દિવસના ભૂખ્યા-તરસ્યા બંદૂકદાર સંધીઓએ પાપની રસોઈ પકાવી. સહુએ પેટ ભરી ભરીને રોજા ખોલ્યા. ફક્ત એક જ સંધીએ મોરલાનું માંસ ન ચાખ્યું.
  • એ પચાસ ઘોડાંનો પડાવ કોનો હતો ? કોણ હતા આ સંધી સિપાહીઓ ?
  • એ હતા ભાવનગર રાજના પગારધાર સંધીઓ. એનો આગેવાન હતો ઈસ્માઈલ સંધી. ખુમાણ શાખાના કાઠીઓ પાસેથી કુંડલા પરગણાનાં ચોરાસી ગામ આંચકી લઈને ભાવનગરના ઠાકોરે ઇસ્માઈલ જમાદારને એના પાંચસો બરકંદાજ ઘોડેસવારો સાથે કુંડલાની નાવલી નદીને કાંઠે થાણું બેસાડીને રાખ્યો હતો. ખુમાણો ભાવનગરના જોર સામે બહારવટે ઝૂઝતા હતા. કરડો, કદાવર અને નિમકહલાલીના પાકા રંગે રંગાઈ ગયેલો ઇસ્માઈલ જમાદાર તે દિવસે કુંડલાથી નીકળી પચાસ ઘોડે ભાવનગર ગામે પોતાનો ચડત પગાર વસૂલ લેવા જાય છે, રમજાન મહિનો ચાલે છે, સહુ સંધીઓ રોજા રહ્યા છે. તે દિવસની રાત ફીફાદ ગામમાં ગાળવા તમામ ઊતરી પડે છે. તે વખતે ધનંતરશા પીરની ઝાડીમાં આ બનાવ બને છે, અને ઇસ્માઈલ પોતે પણ પોતાના તકદીરનો ભુલાવ્યો એ પીરની ઝાડીના મોરલાની માટી ખાવા બેસી જાય છે. સાંઈના શાપની એને પરવા જ નથી.
  • આખી રાત ફીફાદ ગામમાં રહી પરોઢિયે સરગી કરી જમાદાર ઇસ્માઈલ પોતાના પચાસ ઘોડે ચાલી નીકળ્યો. મુરાદશા મુજાવરે ખુમાણોનાં ભાલાં ભોંકાવાનો શાપ દીધો. પણ એને તો જરાયે ઓસાણ નથી કે આસપાસ પચીસ ગાઉમાં ક્યાંયે બહારવટિયાનો પગરવ પણ હોય. ખુમાણોને માથે ઠીકઠીકનો જાબદો કર્યાની ખુમારીમાં મૂછે વળ દેતો જમાદાર ઘોડો હાંક્યે જાય છે. એમાં બરાબર ઘેટી-આદપરના ઠાંસામાં દાખલ થતાં જ મહારાજે કોર કાઢી. અને સામી બાજુએ જાણે બીજો એક નાનકડો સૂરજ ઊગતો હોય એવું દેખાડતાં, કિરણો જેવા લાગતાં સોએક ભાલાં ઝળેળાટ કરી ઊઠ્યાં. એ ઝળેળાટ અને એ સજાવટ ઉપરથી પારખી જઈને સંધીઓએ જવાબ દીધો કે “ઇસ્માઈલ જમાદાર! કાઠીઓ આવે છે.”
  • “અરે હોય નહિ.”
  • “હોય નહિ શું ! લ્યો, ત્યારે એ આ કટક વરતાણું.”
  • “ફકર નહિ. આપણે ખંભે એકાવન બંદૂક પડિયું છે, ને ઈ બચારાં આડહથિયારા છે. હમણાં વીંધી લઈએ. જામગરિયું ચેતાવો ઝટ !”
  • પલકમાં તો ચકમક અને લોઢાના ઘસારામાંથી એકાવન હાથમાં આગના તણખા, ઝીણાં રાતાં વગડાઉ ફૂલની માફક રમવા લાગ્યા અને જામગરીઓ ઝબૂકી ઊઠી. ‘હાં ફૂંકી દ્ય? !’ એવો હુકમ થવાની સાથે એકાવન લાંબી બંદૂકો એ અલમસ્ત મુજાઓમાં ઊપડી અને પહોળી ઢાલ જેવી છાતીઓ ઉપર ટેકો લઈ ગઈ, તીણી આંખો પોતપોતાના વડિયાની સામે નિશાન લઈ રહી. સામેથી કાઠીઓનાં ઘોડાં વેરણછેરણ થઈ ગયાં. કોઈ પોતપોતાની ઘોડીઓના પેટાળે ઊતરી ગયા, કોઈએ ઘોડીઓની ગરદન આડાં માથાં સંતાડ્યાં, કોઈએ ઢાલો ઢાંકીને તરવારો ખેંચી લીધી, પણ સંધીઓ બંદૂકોના કાનમાં દારૂ મેલીને જ્યાં સળગતી જામગરી દાબે છે, ત્યાં તો સરૂરૂરૂ થઈને કાનનો દારૂ સળગી ગયો. એકાવનમાંથી એક પણ બંદૂકનો ભડાકો ન થયો !
  • શું કારણ બન્યું હતું ?
  • પાછલી રાતે મેઘરવો પડેલો હોવાથી દારૂ હવાઈ ગયેલો એટલે બંદૂકો કાન પી ગઈ. કોઈને એ વાતની સરત નહોતી રહી, કેમ કે મોરલાનો ભક્ષ કરનારનો કાળ આવવા નક્કી થઈ ચૂકેલો હતો. એકાવનેય બંદૂકો હાથમાં ઠઠી રહી, અને સામેથી ચકોર કાઠીઓએ ઘોડીઓ ચાંપી. ચકર ! ચકર ! સહુના હાથમાં ભાલાં ફરવા લાગ્યાં. અગ્નિઝરતાં કોઈ કૂંડાળાં સળગતાં હોય એવો દેખાવ થઈ રહ્યો. ને મોખરે સંધીઓએ દાણો દાણો થઈ, વેરાઈ જઈ, ભાગવા માંડ્યું.
  • કાઠીઓએ જોયું કે હમણાં સંધીઓ હાથમાંથી ચાલ્યા જશે. ઘોડાને આંબવા નહિ આપે. પલકારામાં કાઠીઓના આગેવાનને કરામત સૂઝી ગઈ. એણે હાકલ કરી કે “એલા, જોજો હો, સંધીડા ઓલા બૂટના કૂવામાં પેસી જશે ને, તો આપણને મારી પાડશે હો ! પછી આપણી કારી નહિ ફાવે.”
  • ભાગતા સંધીઓ સાંભળે તેવી રીતે આ યુક્તિભર્યું વેણ બોલાયુંઃ સાંભળતાંની વારે જ સંધીઓના કાન ચમક્યા. સાચેસાચ જાણે એ પાણી વગરના ભાડિયા કૂવામાં દાખલ થઈ જવાથી આપણો બચાવ થઈ જશે, એવી ભ્રમણામાં આંધળાભીંત બનીને એ એકાવનેય જણાએ એ સુકાઈ ગયેલા મોટા કૂવાની કોરી ખાડ્યમાં ઘોડાં કુદાવ્યાં, ફરી વાર બંદૂકો તોળી જામગરી ચાંપી, પણ કાન પી ગયેલી બંદૂધો ન જ વછૂટી. કાઠીઓએ ખાડાને કાંઠે ઊભા કરીને ભાલાં, બરછી તેમ જ તરવારોના ઘા કરી સંધીઓનો કચ્ચરઘાણ વાળી નાખ્યો.
  • એક હાથ એ પચાસ લાશો વચ્ચેથી ઊંચો થયો. એક સંધી અણિશુદ્ધ શરીરે એ ઘોરખાનામાંથી ઊભો થયો.
  • “અરે આ શું કૌતુક ! આખા કટકનું ખળું થઈ ગયું ને તું એક જીવતો ?”
  • “જીવતો છું એટલું જ નહિ, જોગા ખુમાણ ! પણ આ ડિલને માથે નજર તો કર ! તારો એક ઘાયે ક્યાંય ફૂટ્યો ભાળછ ?”
  • બહારવટિયો થંભીને જોઈ રહ્યો.
  • “જોગીદાસ ખુમાણ ! આ પચાસને માર્યા તેના તને ઝાઝા રંગ ! પણ તારે ભાલે બેસનાર તો મુરાદશા મુજાવરની કદુવા હતી. પીરનો મોરલો ખાનારનાં પેટમાં તારાં ભાલાં પરોવવાનું નક્કી થઈ ચૂક્યું હતું. ને આંહીં જો ! મેં મોરલો નો’તો ખાધો, મને એક પણ જખમ નથી ફૂટ્યો !”
  • “ક્યાં છે મુરાદશા ?”
  • “આ ફીફાદની ઝાડીમાં : ધનંતરશા પીરને થાનકે. અભેમાન કર્યા વિના એના પગુમાં પડી જા - જો બહારવટે જશ લેવો હોય તો !”
  • જેને મુખડે પરનારી સિદ્ધ કોઈ જોગંદરની જ્યોત પથરાઈ ગઈ છે, જેની આંખમાંથી વેરની આગ સાથે ખાનદાનીનો રંગ ઝરે છે, જેની ભૃકૂટિમાં જીવલેણ મક્કમપણાનું રામધનુષ્ય ખેંચાયેલું દીસે છે, એવો સૂરજમુખો બહારવટિયો જોગીદાસ પલભર વિચાર કરી રહ્યો. એણે ઘોડી મરડી. સહુ અસવારો એની પાછળ ચાલ્યા. ફીફાદની ઝાડીમાં પીરને ઓટે આંગળાંમાંથી નખ કાઢી નાખીને ગમગીન બનેલા બુઢ્‌ઢા મુજાવર મુરાદશાના પગમાં જોગીદાસે પોતાના હાથ નાખી દીધા.
  • એનાં પાળેલાં કબૂતરો, ખિસકોલીઓ ને કાબરો એના શરીર પર રમતાં હતાં. એક ડાઘો કૂતરો એના પગ ચાટત હતો.
  • પોતાના બન્ને હાથ બહારવટિયાના મસ્તક પર મૂકીને મુરાદશાએ દુવા દીધી કે “જોગીદાસ ! બચ્ચા ! પીર ધનંતરશા તારાં રખવાળાં કરશે.”
  • ૩. મગિયા જાળ
  • ઠાકોર વજેસંગજી અફસોસ કરી રહ્યા છે, “ઓહોહો ! ખુમાણોએ મારું ઢીમ ઢાળી દીધું : આણંદજી દીવાનને મારી પાડ્યા : આવો નાગર ફરી નહિ મળે.”
  • “ફિકર નહિ, બાપુ. આણંદજીની કાયા તો ભાવનગરની બાજરીને કણે કણે બંધાણી’તીને ? અને ટાણું આવ્યે તો લેખે ચડી જ જાવું જોવે ને ?”
  • “શી રીતે વાત બની ?”
  • “બાપુ, આણંદજીભાઈ તો મહુવે એના બાપનું શ્રાદ્ધ સારવા બેઠા હતા. ઘેરે મે’માનોનું જૂથ ક્યાંય માતું નો’તું. એમાં વાવડ સાંભળ્યા કે બહારવટિયા ભાણગાળામાં પડ્યા છે. શ્રાદ્ધ અધૂરું મેલીને ઊઠ્યા. ભાણગાળેથી બહારવટિયાને ભગાડીને આણંદજીભાઈએ ઝપટમાં લીધા. ખેરાળીના ડુંગરાની અંદર હરખાવદરના ગાળામાં ભેટંભેટા થઈ ગયા. એક આણંદજઈભાઈ ને બીજો સૈયદ બાગો : એક નાગર ને બીજો આરબ : બેય જણા નિમકની રમત રમી જાણ્યા, બાપુ ! આણંદજીભાઈને ઝાટકે ને સૈયદ બાગાને જમૈયે કાઠીનું ખળું કરી નાખ્યું. અંતે જોગીદાસને ભત્રીજે, ચાંપે ખુમાણે આણંદજીભાઈને બરછીએ પરોવી દીધા. સૈયદ બાગાને ડિલે પણ પૂરા બત્રીસ ઘા પડ્યા. ખુમાણો તો એ બેને જ ઢાળીને ભાગી છૂટ્યા.”
  • “ઠીક. જેવી મા ખોડિયારની મરજી ! રાજ તરફથી આણંદજી દીવાનના માથા સાટે એના કુટુંબને ત્રણ ગામ આજથી ‘જાવચ્ચંદર દિવાકરૌ’ માંડી આપું છું : વીસળિયું, વડલી ને લુવારા.”
  • આખી કચારીના એકેએક માણસને ઠાકોર વજેસંગના માથા ઉપર ઓળઘોળ થઈ જવાના ઉમળકા આવ્યા.
  • “અને સૈયદ બાગાનું શું થયું ?” ઠાકોરે સવાલ કર્યો.
  • “સૈયદ બાગયો તો અટાણે પડદે પડ્યો છે, બાપુ ! સૈયદ બાગાના જખમોને જ્યારે અમે હીરના ટેભા લઈ સીવવા માંડ્યા ત્યારે એણે હીરના ટેભાની ના પાડી. એણે તો, બાપુ, હઠ જ લીધી કે મને ચામડાની વાધરીના મજબૂત ટેભા લિયો. આખું અંગ વેતરાઈ ગયું’તું તોપણ એક ચૂંકારો કર્યા વગર આરબે વાધરીના ટેભા લેવરાવ્યા. મોઢા આગળ આણંદજી દીવાનની લાશ પડી’તી.”
  • “રંગ છે આરબની જનેતાને. એને ધાવેલા તો જરૂર પડ્યે ઊભા ને ઊભા કરવતે પણ વે’રાઈ જાય ને !”
  • કચારીમાં આરબ, અમીર, ઉમરાવો ને લશ્કરી અમલદારો બેઠા હતા. એનાં ગુલાબી મોઢાં ઉપર બેય ગાલે ચાર ચાર ચુમકીઓ ઊપડી આવી. નિમકહલાલીનાં નિર્મળાં રાતાં લોહી સહુના શરીરની અંદર ઉછાળા મારતાં હમણાં જાણે કે ચામડીને ફાડીને બહાર ધસી આવશે એવી જોરાવર લાગણી પથરાઈ ગઈ. ત્યાં તો ચોપદારે જાહેર કર્યું.
  • “બાપુ ! જીભાઈ રાઘવજી દીવાન પધારેલ છે.”
  • તુરત જ નાગર જોદ્ધો જીભાઈ રાઘવજી દેખાયો. કમ્મર પર કસકસતી સોનેરી ભેટમાં જમૈયા ધ્રબેલા છે; ગળે ઢાલ, કાખમાં શિરોહીની તરવાર ને હાથમાં ભાલો લીધો છે, પોતાના અમીરી દેખાવની રૂડપથી કચારીને નવા રંગે રંગતો જીભાઈ હાજર થયો. મહારાજ વજેસંગજી હેતભર્યા મળ્યા.
  • “જીભાઈ ! આવી પોગ્યા ? બંદોબસ્ત બરાબર કર્યો છે ને ?”
  • “મહારાજને પ્રતાપે આ વખતે તો આખા ખુમાણ પંથકને માથે મગિયા જાળા પાથરીને ચાલ્યો આવું છું. મગ જેવડુંયે માછલું - ખુમાણનું નાનકડું છોકરું - પણ ક્યાંય આઘુંપાછું ન થઈ શકે એવા સંધી બરકંદાજોનાં થાણાં કુંડલા, રાજુલા, ડુંગર, આંબરડી, મીતિયાળા વગેરે તમામ જગ્યાએ થાપી દીધાં છે. પાકેપાકી મગિયા જાળ પાથરી દીધી છે, બાપા !”
  • “રંગ તમને, જીભાઈ ! બાકી તો બહારવટિયાએ આણંદજીને માર્યા ત્યારથી મારું રૂંવાડું હેઠું બેસતું નથી. જોગીદાસના ક્યાંય વાવડ ?”
  • “જ્યાં હશે ત્યાંથી મારી મગિયા જાળમાં ઝલાઈ જાશે. હવે ફિકર
  • નથી. જોગીદાસ બાપડો હવે કેટલા દી ?”
  • “હા જ તો ? ભાવનગરનો ચોર તો ભાગીને કેટલેક જાશે ?” એક બીજા અમીરે ટાપસી પૂરી.
  • ત્યાં તો મહારાજને દુઃખ ભૂલવવા, હિંમત દેવા ને રૂડું મનાવવા બીજા બધા પણ બોલવા લાગ્યા કે “હવે બચાડી ચંદરમાની ભાગી શિયાળ તે ક્યાં જઈ રે’શે.”
  • “ક્યાં જઈને રે’શે ? દેખ બચ્ચા, ઈધર રે’શે.”
  • કચારીના ખૂણામાંથી એવી એક ત્રાડ સંભળાઈ. ચમકીને મહારાજે એ ત્રાડ પાડનાર સામે જોયું. કચારીના તમામ માણસો એ અવાજ કરનારની ખુમારી દેખી સ્તબ્ધ થઈ ગયા અને ફરી વાર એ ધોળા, વાંકડિયા, ખંભે ઢળકતા વાળવાળા, સફેદ દાઢીમૂછના ભરાવવાળા, ધોળી પાંપણો ને નેણો નીચે તબકતી ઝીણી આંખોવાળા, લીલા અંચળાવાળા ને ગળામાં પીળા પારાની માળાવાળા ફકીરે ત્રાડ દીધી કે “ઇસમેં રહેગા ! યે મેરા ખપ્પર કે નીચું મેં રહેગા !”
  • એટલું કહેતાંની સાથે જ એ ફકીરે પોતાનું કાળું ખપ્પર કચારીમાં ઊંધું વાળ્યું.
  • “નખ્ખોદ વળ્યું !” ઠાકોરના મોંમાંથી ઉદ્‌ગાર નીકળ્યા : ‘મુરાદશા ઓલિયાએ ખુમાણોને આશરો દીધો !”
  • તુરત જ ચતુર રાજાએ બાજી પલટી નાખી. મુજાવર મુરાદશાનો કોપ હેઠો બેસાડવા મીઠાશથી બોલવા માંડ્યું કે “અરે હાં ! હાં ! સાંઈ મૌલા ! ગુસ્સો શમાવી દ્યો, બાવા ! દુઃખ ધોખો ન લગાડો. હોય, એ તો થયા કરે.”
  • “ઠાકોર !” મુરાદશાએ બોખા મોંમાંથી દુઃખનો અવાજ કાઢ્યોઃ “મને દુઃખ કેમ ન લાગે ? જોગીદાસ જેવા લાખ રૂપિયાના કાઠીને ચોર-લૂંટારો બનાવી મૂક્યો એ તો ઠીક, પણ ઉપર જતાં એને નામે આ કચારી ફાવે તેમ બકે? તારી કચારીની કીર્તિ ધૂળ મળે છે, રાજાબહાદુર ! એમાં જોગીદાસને કાંઈ નાનપ નથી ચોંટતી.”
  • “સાંઈ મૌલા ! તમારી વાત સાચી છે. છીછરા પેટનાં મારાં માણસોએ મારું સારું દેખાડવા માટે જોગીદાસને નાનપ દેવામાં ભૂલ કરી છે. મારા દલમાં એવું કાંઈ જ નથી, મારા મનથી તો જોગીદાસ માઈનો પૂત છે. અને એના ગરાસ સાટુ એ અમને સંતાપે એમાં કાંઈ પણ ખોટું નથી, સાંઈ ! આપનો ગુસ્સો શમાવો.”
  • ભાવનગરમાં ગંગાજળિયા તળાવને આથમણે કાંઠે વડવાની જમીનના ખૂણા પર આજ પણ જે જગ્યા પીર મુરાદશાના તકિયા નામે ઓળખાય છે ત્યાં વારંવાર અસૂરી વેળાએ આવીને બહારવટિયો ઊતરતો, દિવસોના દિવસ સુધી રહેતો ને છતાં કોઈને એની બાતમી નહોતી મળતી.
  • ૪. સાદ વરત્યો
  • “બાપુ ! ગજબ થઈ ગયો.”
  • જોગીદાસ બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતિયાળાના ડુંગરમાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા.
  • “શું થયું, આપા ?”
  • “મહારાજ વજેસંગના કુંવર દાદભા ગુજરી ગયા.”
  • “અ ર ર ર ર ! દાદભા જેવો દીકરો ઝડપાઈ ગયો ? શું થયું ? ઓચિંતાનો કાળ ક્યાંથી આવ્યો ?”
  • “ભાવનગરની શેરીએ શેરીએ ભમીને મેં કાનોકાન વાત સાંભળી કે શિહોરથી દશેરાને દી નાનલબા રાણીએ કુંવરને ભાવનગર દરિયા પૂજવા બોલાવ્યા, અને કુંવર દરિયો પૂજીને પાછા વળ્યા ત્યારે નાનલબાએ મંત્રેલ અડદને દાણે વધાવીને કાંઈક કામણ કર્યું. કુંવરનું માથું ફાટવા માંડ્યું. શિહોર ભેળા થયા ત્યાં તો જીભ ઝલાઈ ગઈ ને દમ નીકળી ગયો.”
  • “કોપ થયો. મહારાજને માથે આધેડ અવસ્થાએ વીજળી પડ્યા જેવું થયું, આપા !”
  • “વીજળી પડવાની તો શું વાત કરું, બાપુ ! શિહોર ને ભાવનગરની શેરીએ શેરીએ છાતીફાટ વિલાપ થાય છે, વસ્તીના ઘરોઘરમાં પચીસ વરસનો જુવાન જોદ્ધો મરી ગયો હોય એવો કકળાટ થાય છે.”
  • “આપા ! બાપ ! દાદભાની દેઈ પડે એનું સનાન તો આપણનેય આવ્યું કે’વાય. આપણે નાવું જોવે.”
  • સહુ બહારવટિયાઓએ ફાળિયાંમાં પહેરીને નદીમાં માથાબોળ સ્નાન કર્યું. પછી જુવાન જોગીદાસે વાત ઉચ્ચારી : “બાપુ ! એક વાત પૂછું !”
  • “ભલે બાપ !”
  • “આપણે મહારાજના મોઢા સુધી ખરખરે ન જઈ આવવું જોવે ?”
  • હાદો ખુમાણ લગરીક હોઠ મલકાવીને વિચારે ચડી ગયા. એને એકસામટા અનેક વિચારો આવ્યાઃ ઠાકોર વજેસંગ, જેની સામે આપણે મોટો ખોપ જગાવ્યો છે, એની રૂબરૂ ખરેખર જવું ? જેના માણસોને આપણે મોલની માફક વાઢતા આવ્યા છીએ તે આપણને જીવતા મેલી દેશે ? જે આપણને ઠાર મારવા હજારોની ફોજ ફેરવે છે, એ આપણને ખરખરો કર્યા પછી પાછા આવવા દેશે ? પણ મારો જોગો તો જોગી જેવો છે. એને ખાનદાનીના મનસૂબા ઊપડે છે. એને મનભંગ ન કરાય.
  • “જાયેં ભલે. પણ છતરાયા નથી જાવું, આપા ! દરબારગઢમાં દાખલ થયા પછી મહારાજની તો મને ભે નથી. પણ જો પ્રથમથી જ જાણ થાય તો પછી ઝાટકાનો જ મેળ થાય. કેમ કે પાસવાનો ન સમજી શકે કે આપણે લોકિક કરવા આવ્યા છીએ.”
  • “ત્યારે, બાપુ !”
  • “કુંડલાનો સહુ કાઠી-કણબી દાયરો જાય એની સાથે તું પણ માથે ફાળિયું ઢાંકીને છાનોમૂનો ગૂડો વાળી આવજે. બીજું તો શું થાય ?”
  • કુંવર દાદભાને ખરખરે કુંડલાના કાઠી, કણબી ને મુસદ્દી તમામ શિહોર ચાલ્યા. તેમાં બહારવટિયો જોગીદાસ પણ પેસી ગયો. માથા ઉપર પછેડી ઢાંક્યા પછી એ પાંચસો જણના સમુદાયમાં પોતે કોણ છે તે ઓળખાવાની તો ધાસ્તી નહોતી. દરબારગઢની ડેલી પાસે સહુ હારમાં બેસીને રોવા લાગ્યા. રીત પ્રમાણે મહારાજ વજેસંગ એક પછી એક તમામને માથે હાથ દઈ છાના રાખવા લાગ્યા. ચાલતાં ચાલતાં બરાબર જોગીદાસની પાસે પહોંચ્યા. માથે હાથ મૂકીને મહારાજે સાદ કર્યો, “છાનો રે’, જોગીદાસ ખુમાણ, છાનો રો’.”
  • જોગીદાસ ખુમાણ ! નામ પડતાં તો શિહોર ઉપર જાણે વજ્ર પડ્યું. હાંફળાંફાંફળા બનીને તમામ મહેમાનો આમતેમ જોવા લાગ્યા. સહુએ પોતપોતાની તરવાર સંભાળી. અને આંહીં બહારવટિયાએ પછેડી ખસેડીને પોતાનું પ્રતાપી મોં ખુલ્લું કર્યું. બહારવટિયો એટલું જ બોલ્યો કે “ભલે વરત્યો, રાજ !”
  • “વરતું કેમ નહિ, જોગીદાસ ખુમાણ ! તારું ગળું ક્યાં અજાણ્યું છે? પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય તો પછી તારો વિલાપ કેમ ન વરતાય ?”
  • ‘બહારવટિયો ! બહારવટિયો ! બહારવટિયો !’ એમ હાકોટા થવા લાગ્યા. સહુને લાગ્યું કે હમણાં જોગીદાસ મહરાજને મારી પાડશે. તરવારોની મૂઠે સહુના હાથ ગયા. ત્યાં તો ઠાકોરનો હાથ ઊંચો થયો. એણે સાદ દીધો કે “રજપૂતો ! આજ જોગીદાસભાઈ બાઝવા નથી આવ્યા, દીકરો ફાટી પડ્યો છે એને અફસોસે આવ્યા છે. મારા ગરાસમાં નહિ પણ દુઃખમાં ભાગ લેવા આવ્યા છે.”
  • મહારાજ ગળગળા થયા. જોગીદાસની આંખોમાં ઝળઝળિયાં આવ્યાં. માણસોએ અરધી ખેંચેલી તરવારો મ્યાન કરતાં કરતાં અગાઉ કદી ન જોયેલું ને ન સાંભળેલું એવું નજરે દીઠું. મહારાજ બોલ્યા, “જોગીદાસ, બીશો મા !”
  • “બીતો હોત તો આવત શા માટે, રાજ ?”
  • સહુ દાયરાની સાથે ખાઈ-પી, મહારાજને રામરામ કરી પાછા જોગીદાસ ચડી નીકળ્યા. બહારવટિયાને નજરે જોઈ લેવા શિહોરની બજારે થોકથોક માણસ હલક્યું હતું. બહારવટિયાના ચહેરામોરા જેણે કદી દીઠા નહોતા તેણે તો ખુમાણોને દૈત્યો જ કલ્પેલા હતા ! પણ તે ટાણે લોકે એ જુવાન જોગીદાસનું જતિસ્વરૂપ આંખો ભરીભરીને પી લીધું. આવો તપસ્વી પુરુષ નિર્દોષ કણબીઓનાં માથાં વાઢીને સાંતીડે ટીંગાડતો હશે, ને એના ધડનાં ઘીસરાં કરીને ઢાંઢાને ગામ ભણી હાંકી મેલી રાજ્યની સોના સરખી સીમ ઉજ્જડ કરી મેલતો હશે એ વાત ઘડીભર તો ન મનાય તેવી લાગી.
  • ઘટાટોપ મેદની વચ્ચે થઈને કોઈની પણ સામે નજર કર્યા વિના બહારવટિયો ચાલ્યો ગયો. જુવાન જોગીદાસની નજર જાણે દુનિયા કરતાં પાતાળની અંદર વધુ પડતી હોય તેમ એકધ્યાની યોગીની માફક નીચે જ આંખો નોંધીને નીકળી ગયો.
  • અનેક બાઈઓના મોંમાંથી અહોભાવનું વેણ નીકળી પડ્યું. કે “લખમણજતિનો અવતાર !”
  • પ. બાપુને પરણાવ્યા
  • મીતિયાળાના કિલ્લામાં ત્રણેય ભાઈઓ મસલતો કરે છેઃ
  • “ભાઈ ગેલા ખુમાણ !” જોગીદાસે મોટા ભાઈને પૂછ્યું.
  • “હાં, આપા !”
  • “આપણે ત્રણેય જણા બહારવટે ભટકીએ છીએ, પણ બાપુ એકલા થઈ પડ્યા. પંચાણું વરસની આખી આવરદા ધીંગાણે ગઈઃ એટલે એકલા રે’વું ગોઠે કેમ ? એની ચાકરી કોણ કરે ?”
  • “ત્યારે શું કરવું, આપા ?”
  • “બીજું શું ? બાપુને પરણાવીએ.”
  • “ઠેકાણું તપાસ્યું છે ?”
  • “હા, ઘૂઘરાળે જેબલિયા કાઠીની એક દીકરી છે.”
  • “પણ નવી માને દીકરા થાશે તો ?”
  • “તો તેની ચિંતા શી ? બાપના દીકરાથી વધુ રૂડું શું ?”
  • “ભાગ નહિ પડે ?”
  • “પણ ભાઈયું આપણે પડખે મદદમાંયે ઊભા રહેશે ને ? જાડા જણ હશું તો બહારવટું જોરથી ખેડાશે.”
  • પંચાણું વરસની ઉંમર છતાં હાદા ખુમાણની વજ્ર જેવી કાયા છેઃ બખ્તર, ટોપ, ભાલો, ઢાલ ને તરવાર, તમામ હથિયાર-પડિયારના ભાગ સોતા બાપુ ઠેકડો મારી બાવળા ઘોડા ઉર ચડી બેસે છે. સામું પાગડું ઝાલવાની જરૂર રહેતી નથી, એવા પોતાના બાપનું લગ્ન કરીને, જોગીદાસે પિતાના સુખનો માર્ગ કાઢ્યો.
  • સાત વર્ષ વીત્યાં. જેબલિયાણી માના ખોળામાં બે સાવજ સરખા દીકરા રમે છેઃ એકનું નામ હીપો ને બીજાનું નામ જસો.
  • પણ આ ગુલતાનમાં હાદા ખુમાણને હવે ચેન પડતું નથી. રોજરોજ દીકરાઓની તગડાતગડ સાંભળીને બાપનું દિલ ઊકળે છે. અંતર ઘરમાંથી ઊઠી જાય છે.
  • “દરબાર !” જુવાન જેબલિયાણી પોતાની જાત વિસારી જઈને ખરા ટાણાનાં વેણ બોલી કે “દરબાર ! હવે બસ; હવે આ દુનિયાને કડવી કરી નાખો. ભાણ જોગીદાસ જેવા દીકરા બા’રવટે ભટકી ગીરમાં પા’ણાનાં ઓશીકાં કરે છે, એ વેળાએ આપણને આંહીં હીંડોળાખાટે હીંચકવું ન ઘટે.”
  • “સાચી વાત, કાઠિયાણી ! રંગ છે તને !” પોતાની જુવાન સ્ત્રીને એવા ધન્યવાદ દઈને આપા હાદાએ હથિયાર લીધાં. ઘરનું સુખ છોડીને દસ વરસ સુધી બહારવટું ખેડ્યું. એ હિસાબે એની અવસ્થા એક સો ને બાર વરસની થઈ. પછી તો એને બુઢાપો વરતાવા લાગ્યો. જોગીદાસે આગ્રહ કરીને વળી પાછા બાપુને ઘૂઘરાળે વિસામો લેવા મોકલી દીધા.
  • ૬. ફૂલધાર ઊતર્યા
  • પરનારી પેખી નહિ, મીટે માણારા,
  • શૃંગી રખ્ય ચળિયા, જુવણ જોગીદાસિયા !
  • (હે જુવાન જોગીદાસ ! શૃંગી ઋષિ જેવા મહાતસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે માણા ! તેં પરાયી સ્ત્રી પર મીટ સુધ્ધાંયે નથી માંડી.)
  • બે જણા વાતો કરે છેઃ
  • “ભાઈ, આનું કારણ શું ?”
  • “શેનું, ભાઈ ?”
  • “જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને જ કેમ બેસે છે ? અને માથે ફાળિયું કેમ ઓઢી રાખે છે ?”
  • “ભાઈ, રામને તે દી સીતાજીની ગોત્ય કરતાં કરતાં માર્ગેથી માતાજીનાં ઘરેણાં-લૂગડાં હાથ આવ્યાં, પછી લખમણજીને એ દેખાડીને કોનાં છે એ પૂછેલું, તે ટાણે લખમણજીએ શો જવાબ દીધો’તો, ખબર છે ?”
  • “હા. હા, કહ્યું’તું કે મહારાજ, આ હાથનાં કંકણ, કાનનાં કુંડળ કે ગળાના હાર તો કોનાં હશે તેની મને કંઈ ગતાગમ નથી. કેમ કે મેં કોઈ દી માતાજીના અંગ ઉપર નજર કરી નથી; પણ આ પગનાં ઝાંઝરને તો હું ઓળખી શકું છું. રોજ સૂરજ ઊગ્યે હું માતાજીના પગુમાં પડતો ત્યારે ઝાંઝર તો મારી નજરે પડતું’તું !”
  • “ત્યારે આ જ જોગીદાસ પણ એ જ લખમણજતિનો અવતારી પુરુષ જન્મ્યો છે, બાપ ! એને બજાર સન્મુખ નજર રાખી ન પાલવે. એમાં હમણાં હમણાં બે અનુભવ એવા મળ્યા કે આ દુનિયાની માયાથી એ તપસી ચેતી ગયો છે.”
  • “શા અનુભવ ?”
  • “એક દિવસ જોગીદાસ જૂનીના વીડમાં આંટો દઈને બાબરિયાધાર આવતા’તા. હું ભેળો હતો. બેય ઘોડેસવાર થઈને આવતા’તા. આવતાં આવતાં જેમ અમે નવલખાના નેરડામાં ઘોડીઓ ઉતારી, તેમ તો સૂરજનાં પચરંગી તેજે હીરા મોતીએ મઢી દીધેલા હોય એવા ઝગારા મારતા એ પાણીના પ્રવાહમાં પિંડી પિંડી સુધી પગ બોળીને એક જુવાનડીને ઊભેલી દીઠી. અઢારેક વરસની હશે, પણ શી વાત કરું એના સ્વરૂપની ! હમણાં જાણે રૂપ ઓગળીને પાણીના વહેણમાં વહ્યું જાશે ! સામે નજર નોંધીએ તો નક્કી પાપે ભરાઈએ એવું એનું રૂપ : પણ આપાને તો એ વાતનું કાંઈ ઓસાણેય ન મળે. નેરાની ભેખડ્યું અને જીવતી અસ્ત્રી, બેય આપાને તો એકસરખાં. આપાએ ઘોડી પાણીમાં નાખી. એમાં પડખે ચડીને એ જુવાનડીએ ઝબ દેતી ઘોડીની વાઘ ઝાલી. ઘોડીએ ઝબકીને મોઢાની ઝોંટ તો ઘણીયે દીધી, જોરાવર આદમીનુંયે કાંડું છૂટી ાજય એવા જોરથી સાંકળ ઉલાળી : પણ એ જુવાનડી તો જળો જેવી ચોંટી જ પડી. આપો જોઈ રહ્યા. આપાને તો અચરજનો પાર જ ન રહ્યો, ‘હાં ! હાં ! હાં ! અરે બાઈ ! બાપ ! મેલ્ય, મેલ્ય, મેલી દે ! નીકર ઘોડી વગાડી દેશે.’ એમ આપો વીનવવા લાગ્યો.
  • ‘નહિ મેલું, આજ તો નહિ મેલું, જોગીદાસ !’
  • ‘અરે પણ શું કામ છે તારે ? કોઈ પાપિયા તારી વાંસે પડ્યા છે? તારો ધણી સંતાપે છે ? શું છે ? છેટે રહીને વાત કર. હું તારું દુઃખ ટાળ્યા પહેલાં અહીંથી ડગલુંયે નહિ ભરું. તું બી મા. ઘોડીને મેલી દે, અને ઝટ તારી વાત કહી દે.’
  • ‘આજ તો તમને નહિ છોડું, જોગીદાસ ! ઘણા દીથી ગોતતી’તી.’
  • ‘પણ તું છો કોણ ?’
  • ‘હું સુતારની દીકરી છું. કુંવારી છું.’
  • ‘કેમ કુંવારી છો, બાપ ! પરણાવવાના પૈસા શું તારા બાપ પાસે નથી ? તો હું આપું. તુંય મારી કમરીબાઈ -’
  • ‘જોગીદાસ ખુમાણ ! બોલો મા. મારી આશા ભાંગો મા. હું તમારા શૂરાતનને માથે ઓળઘોળ થઈ જાવા મારી જાત્યભાત્ય પણ મેલી દેવા ભટકું છું. આમ જુઓ, જોગીદાસ, આ માથાના મોવાળા કોરા રાખવાનું નીમ લઈને ભમું છું. આજ તું મળ્યે -’
  • ‘અરે મેલ્ય મેલ્ય, મળવાવાળી ! તું તો મારી દીકરી કમરી કે’વા!’
  • આટલું બોલી, પોતાના ભાલાની બૂડી એ જોબનભરી સુતારણના હાથ ઉપર મારી, ઘોડીની વાઘ ડોંચી, આપા જોગીદાસે ઘોડી દોટાવી મેલી. પાછું વળી ન જોયું ! પછી સાંજરે બેરખાના પારા પડતા મેલતા મેલતા, સૂરજનો જાપ કરતા’તા ત્યારે ભેળા હોઠ ફફડાવીને બોલતા જાતા’તા કે ‘હે બાપ, મારું રૂપ આવડું બધું કૂડું હશે એ મેં નહોતું જાણ્યું. મોઢું તરવારથી કાપીને કદરૂપું કરવાની તો છાતી નથી હાલતી, પણ આજથી તારી સાખે નીમ લઉં છું કે કોઈ પરનારીની સામે અમથી અમથીયે મીટ નહિ માંડું.’
  • “અને બીજી વાત તો એથીય વસમી બની ગઈ છે. પરનારી સામે નજર ન માંડવાનું નીમ એક દી ઓચિંતું તૂટી પડ્યું. એક ગામને પાદર નદીકાંઠે એ દી સાંજટાણે પનિયારિયું આછા વીરડા કરતી પાણી ભરતી હતી. રૂપાળા ત્રાંબાળુ હાંડા ઊટકાઈને ચકચકાટ કરાતા હતા. આછરતા વીરડા, ઊટકેલાં બેડાં, મોતીની ઈંઢોણિયું, નમણાં મોઢાંવાળી ગામની બેન્યું, દીકરિયું, ને એ સહુને માથે જ્યોતો પ્રગટાવતા સૂરજ મહારાજઃ એ રૂડો દેખાવ આપોય જોવા લાગ્યા. ઓલ્ય નીમનું ઓસાણ ચુકાઈ ગયું. પોતાને ઘેરથી આઈ અને દીકરાઓ બધાં આવે, નદીકાંઠે બેસીને કિલ્લોલ કરતાં હોય, એવી ઉમેદ થઈ આવી. પણ એ તો બચાડાં ચોર બનીને ભટકતાં’તાં.
  • “ઘેરે આવીને જોગીદાસને યાદ ચડ્યું કે નીમ ભંગાણું છે. રાતે કોઈને ખબર ન પડે તેમ એણે આંખમાં મરચાંના ભૂકાનું ભરણ ભર્યું. પાટા બાંધીને પોઢી ગયા. પ્રભાતે ઊઠ્યા ત્યાં તો આંખો ફૂલીને દડા થયેલી. ભાઈઓ પૂછવા લાગ્યા કે ‘અરે ! અરે ! જોગીદાસ ! આ શો કોપ થયો?’
  • “‘કાંઈ નહિ, બા ! ઈ આંખ્યુંમાં થોડુંક વકારનું ઝેર રહી ગયું’તું તે નિતારી નાખ્યું.”
  • “આવો નીમધારી પુરુષ. લગરીકે ચૂક ન થાય તે માટે બજાર સામે કે રસ્તા સામે પારોઠ દઈને બેસે છે, ભાઈ !”
  • નાંદુડી ગાળીમાં આ પ્રમાણે બે માણસો વાતો કરી રહ્યા છે. વીરડીથી ગેલા ખુમાણનો દીકરો, સરસાઈથી ભાણ ખુમાણ, આંબરડીથી જોગીદાસ ખુમાણ : એમ હાદા ખુમાણના દીકરા આજ બહારવટું ખેડતાં ખેડતાં થોડોક વિસામો લેવા માટે ભેળા મળીને નાંદુડી ગાળીએ હુતાશણી રમે છે. કોયલોને ટૌકે કોઈ આંબેરણ ગાજતું હોય તેમ શરણાઈઓના ગહેકાટ થાય છે. બરાબર તે સમયે એક અસવારે આવીને નિસ્તેજ મોંએ સમાચાર દીધા કે “બાપુ હાદો ખુમાણ ઘૂઘરાવે દેવ થયા.”
  • “બાપુ દેવ થયા ? બાપુને તો નખમાંય રોગ નો’તો ને ?”
  • “બાપુને ભાવનગરની ફોજે માર્યા.”
  • “દગાથી ? ભાગતાં ભાગતાં કે ધીંગાણે રમતાં ?”
  • “ધીંગાણે રમતાં.”
  • “કેવી રીતે ?”
  • “ફોજે ઘૂઘરાળાની સીમ ઘેરી લીધી. બાપુથી ભાગી નીકળાય તેવું તો રહ્યું નહોતું. એના મનથી તો ઘણીય એવી ગણતરી હતી કે જીવતો ઝલાઈ જાઉં અને ફોજનો પણ બાપુને મારવાનો મનસૂબો નહોતો, જીવતા જ પકડી લેવાનો હુકમ હતો. પણ આપણા ભૂપતા ચારણે બાપુને ભારે પડકાર્યા. વાડીએ બાપુ હથિયાર છોડીને હાથકડી પહેરી લેવા લલચાઈ ગયા તે વખતે ભૂપતે બાપુને બિરદાવ્યા કે
  • સો ફેરી શિહોરની, લીધેલ ખૂમે લાજ,
  • (હવે) હાદલ કાં હથિયાર, મેલે આલણરાઉત !
  • (હે આલા ખુમાણના પુત્ર હાદા ખુમાણ ! સો વાર તો તું શિહોર ઉપર તૂટી પડી ગોહિલપતિની લાજ લઈ આવેલ છો; અને આજ શું તું તારાં હથિયાર મેલીને શત્રુને કબજે જઈશ ?)
  • “આવાં આવાં બિરદ દઈને બાપુનાં રૂવાંડાં બેઠાં કર્યાં. અને બાપુ એક સો બાર વરસની અવસ્થાએ એક જુવાનની જેમ જાગી ઊઠ્યા. એણે હાકલ કરી કે ‘એ ભાઈ ફોજવાળાઓ ! આ રહ્યો તમારો બાપ ! આવો, ઝાલી લ્યો.’ ફોજને આંગળી ચીંધાડી બાપુ બતાવ્યા. અને એકલે પંડ્યે બાપુ ધીંગાણે ચડી જન્મારો ઉજાળવા માંડ્યા. સામી છાતીએ લડીને ફૂલધારે ઊતર્યા.”
  • “બસ ત્યારે !” જોગીદાસ બોલી ઊઠ્યોઃ “પૂરે ગઢપણે આપણો બાપ ફૂલધારે ઊતરી ગયા, એ વાતના તે કાંઈ સોગ હોતા હશે ! એનાં તો ઉજવણાં કરાય. માટે હવે તો મોકળે મને આઠ આઠ શરણાઈયું જોડ્યેથી વગડાવો !”
  • “પણ, બાપા !” કાસદિયાએ કહ્યું : “બાપુનું માથું કાપીને ફોજ ભાવનગર લઈ ગઈ.”
  • જોગીદસના આખા શરીર પર સમસમાટી ચાલી ગઈ. બાપ જેવા બાપના મહામૂલાના માથાના બૂરા હાલ સાંભળતાં એનો કોઠો સળગી ઊઠ્યો. પણ નાહિંમતનું વચન કાઢવાનો એ વખત નહોતો. નાનેરા ભાઈઓની ધીરજ ખૂટવાી ધાસ્તી હતીઃ એ કારણથી પોતે મનની વેદના મનમાં શમાવીને કહ્યું : “હશે, બાપ ! ભાવનગરની આખી કચારી બાપુ જીવતે તો બાપુનું મોઢું શી રીતે જોઈ શકત ! ભલે હવે એ સાવજના મોંને નીરખી નીરખીને જોતાં.”
  • ૭. પહેરામણી બગડી
  • આજે વજેસંગ મહારાજના રાજનગરમાં હાદા ખુમાણના મોતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાસ ક્યાંયે માતો નથી. પોતાનો બાપ મરવાથી બહારવટિયો જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઊભો રહેશે, એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોરલાની માફક થનગનવા લાગ્યું છે. આજે હાદા ખુમાણને મારનાર સંબંધીઓને પહેરામણી કરવા માટે કચારી ભરાણી છે. સાચાં વસ્ત્રોના સરપાવ, ભેટ દેવા માટેી તરવારો અને સાકરના રૂપેરી ખૂમચા મહારાજાની ગાદી સન્મુખ પ્રભાતને પહોર ઝગારા મારે છે.
  • તે વખતે કચારીમાં એક એવો આદમી બેઠો હતો કે જેને રંગરાગમાં ભાગ લેતાં ભોંઠામણનો પાર નથી રહ્યો. એ ક્રાંકચ ગામનો ગલઢેરો મેરામણ ખુમાણ હતો. પોતે આજ અચાનક મહારાજને મળવા આવેલ છે અને એ પોતાના કુટુંબી હાદા ખુમાણના મોતના ઉત્સવમાં ન છૂટકે સપડાઈ ગયો છે. પણ એને ક્યાંયે સુખચેન નથી. પોતે એકલો છે. તરવારે પહોંચે તેમ નથી, તેથી એણે આખી મિજલસને તર્કથી ધૂળ મેળવવાનું નક્કી કર્યું છે. કટોકટીની ઘડી આવી પહોંચી છે.
  • “લાવો હવે પહેરામણી !” મહારાજે હાકલ કરી. ખૂમચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા. ચારણોએ દુહા લલકાર્યા. ત્યાં તો મર્માળી ઠાવકી વાણીમાં મેરામણ ખુમાણ બોલી ઊઠ્યા, “વાહ ! વાહ ! રે ભણેં કાઠી તારાં ભાગ્ય! ભારી ઊજળાં ભાગ્ય !”
  • “કેમ, મેરામણ ખુમાણ ? કોનાં ભાગ્ય ?” ઠાકોરે પૂછ્યું.
  • “બીજા કોનાં, બાપ ! હાદા ખુમાણનાં.”
  • “કેમ ?”
  • “કેમ શું ? એકસો ને બાર વરસની અવસ્થા ! હાથે કં-પવાઃ પગે સોજાઃ આંખે ઝાંખપઃ કાયાનો મકોડે મકોડો કથળી ગયેલઃ આવી દશામાં જો બચાડો ભાવનગરની કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બૂરા હાલ થઈ જાત ? પાંચેય દીકરાને બહારવટાં મેલી દઈ, બાપની સંભાળ લેવા સાટુ થઈને મોંમાં તરણાં લઈ આફરડા મહારાજને શરણે આવવું પડત. તીકર મલક વાતું કરત કે બાપ બંદીખાને સડે છે ને દીકરા તો બહાર મોજું માણે છે ! પણ હવે ઈ માયલું કાંઈ રિયું ? હવે તો નિરાંતે પાંચેય જણા ભાવનગરનાં અઢારસેં ઉજ્જડ કરશે, માટે સાકર તો આજ વહેંચે એના દીકરા કે સાવજ પાંજરેથી મોકળા થ્યા !”
  • આખી કચારી સાંભળે એ રીતે શબ્દો બોલાયા !
  • “સાકર-પહેરામણીના થાળ પાછા લઈ જાવ !”
  • એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાંખી અને પોતે તે જ ઘડીએ હાદા ખુમાણના શોક બદલ માથે ધોળું ફાળિયું બાંધી લીધું.
  • ૮. દુશ્મનનું કારજ
  • ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છેઃ
  • “મેરામણ ખુમાણ, હવે શું કરું ? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.”
  • “સાચું, મા’રાજ. માથેથી ગાળ ઉતારવી હોય તો કુંડલા જઈને હાદા ખુમાણનું કારજ કરો. અને ભાણ જોગીદાસને તેડાવીને કસુંબા પી લ્યો.”
  • ઠાકોર વજેસંગે કુંડલે જઈને પોતાના શત્રુનું કારજ આદર્યું. ત્રણેય પરજમાં મેલા લખ્યા. ભાણ જોગીદાસને તેડી લાવવા માટે મેરામણ ખુમાણને મોકલ્યા.
  • નક્કી કરેલ દિવસે બેય બહારવટિયા ભાઈઓ ડુંગરમાંથી ઊતરીને કુંડલે આવે છે. રસ્તે જોગીદાસ શિખામણ દઈ રહ્યો છે કે “ભાણ ! બાપ, તું આકરો થતો નહિ. તારી તેજ પ્રકૃતિને જરા વશ રાખજે, ભાઈ !”
  • કુંડલાના દરબારગઢમાં આવ્યા ત્યાં દાયરો ઊભો થઈ ગયો. જોગીદાસે પૂછ્યું, “ક્યાં છે મા’રાજ ?”
  • “મા’રાજ તો નદીએ સરાવે છે.”
  • “મા’રાજ પોતે સરાવવા ગયા છે ?”
  • “હા, આપા !”
  • બંને જણાએ ઘોડીઓ નદીના આરા તરફ લીધી. કાંઠે આવતાં તો આઘેથી ઠાકોર વજેસંગને દેખ્યા : મૂછો પડાવીને મહારાજ રામઘાટ ઉપર સરાવણું કરે છે.
  • “જો, ભાણ ! જોઈ લે, બાપ ! બાપ તો તારો ને મારો મર્યો, અને મૂછું બોડાવી છે ભાવનગરના ઠાકોરે : આપણા દુશ્મને ! આમ જો ખાનદાની ! તું કે હું મૂછ્યું પડાવી શકીએ એમ છીએ ?૧”
  • ૧. કાઠીઓ મૂછો પડાવતા નથી, પણ રાજપૂતો પડાવે છે.
  • ત્યાં તો ઠાકોરને સમાચાર પહોંચ્યા. ઊંચું જોયું. બન્ને બહારવટિયા સામે નજર કરીને ઠાકોરે મોં મલકાવ્યું. જાણે મોટેરા ભાઈ હોય એટલું હેત પાથરી દીધું.
  • “ઊઠો ઊઠો, મહારાજ ! હવે બાકીનું મને સરાવવા દ્યો. આપે તો અવધિ કરી.”
  • “આપાભાઈ !” મહારાજ બોલ્યાઃ “હાદો ખુમાણ તમારા બાપુ, તેમ મારાયે બાપુ. હું મોટેરો દીકરો, તમે કોઈ ઘેર નહિ, એટલે હું સરાવું એમાં શું ? મોટેરાને એટલો હક્ક તો રે’વા દ્યો, બાપ !”
  • “ભલે મહારાજ !” જોગીદાસનું ગળું રૂંધાઈ ગયું.
  • સરાવણું પૂરું થયે સહુ ગામમાં આવવા ઘોડે ચડ્યા. બરાબર ઝાંપે આવીને જોગીદાસે ઘોડી સામા કાંઠા ઉપર સાવર ગામ તરફ વાળી અને ઠાકોરને કહ્યુંઃ “રામ રામ મહારાજ !”
  • “આપાભાઈ ! આ તરફ દરબારગઢમાં.”
  • “માફ રાખો, બાપા !
  • હું સાવરમાં ઉતારો કરીશ.”
  • “અરે પણ -”
  • મેરામણ ખુમાણ બોલી ઊઠ્યાઃ “કાં મહારાજ ! ન સમજાણું ? જોગીદાસે કુંડલાનું પાણી હરામ કર્યું છે, એટલે એણે ઘોડી તારવી.”
  • “તો આપણાં મુકામ પણ સાવરમાં નાખો.”
  • ઠાકોરનો હુકમ થયો. કારજની બધી તૈયારી કુંડલામાંથી સામા પાદરમાં લઈ જવામાં આવી.
  • ભલભલા કાઠીઓનું કારજ તે દિવસોમાં ઘઉંના ભરડકાનું થતું. તેને બદલે હાદા ખુમાણના કારજમાં ઠાકોરે સાટા, જલેબી ને મોહનથાળ દીધાં.
  • કેવળ ક્રાંકચનો મેરામણ ખુમાણ ઠાકોરની કરામત ઓળખતો હતો. એણે મનમાં ને મનમાં કહ્યું, “વાહ ઠાકોર ! રૂપાની થાળી ને સોનાની પાળી ! કલેજાં ચીરે, તોય મીઠી લાગે !”
  • “બોલાવો ભાણ જોગીદાસને કસુંબા પીવા. આજ બા’રવટું પાર પાડીએ”, વજેસંગજીએ વાત ઉચ્ચારી.
  • બન્ને ભાઈઓ હાજર થયા. ઠાકોરે વાત ચલાવી :
  • “જુઓ, આપાભાઈ ! બાપુ આલા ખુમાણના વખતના વહીવટના ચોપડા તપાસો : દરેક ભાઈને ત્રીસ-ત્રીસ હજાર મળતાં. એથી વધુ તો તમે ન માગો ને !”
  • “ના.”
  • “ત્યારે છ ગામ ઉપાડી લ્યો, આપા ! તમે જ નામ પાડો.”
  • “પહેલું કુંડલા.”
  • કુંડલાનું નામ પડતાં જ મહરાજનું મોં ઊતરી ગયું. મહારાજે માથું ધુણાવ્યુંઃ “આપા ! કુંડલા તો નહિ. કુંડલા લેવા દરબારને ભારી દાખડો કરવો પડ્યો છે. ઠેઠ રાજુલાથી તોપખાનું ઢરડાવ્યું, તેમાં નેસડીના મૂળા પટેલના ચાળીસ ઢાંઢા તૂટી ગયા, તેના બદલામાં એને આખું જૂનું સાવર દેવું પડ્યું. માટે કુંડલા સિવાય બીજું ઠીક પડે એ ગામ માગી લ્યો.”
  • “પહેલાં કુંડલા; પછી બીજું ખપે. કુંડલા મળ્યા મોર્ય તો નાવલીનું પાણી ન ખપે, મહારાજ !”
  • “આપા ! છ નહિ, સાત માગો, આઠ માગો; પણ કુંડલાની વાત પડતી મેલો.”
  • “મહારાજ છને બદલે પાંચ આપો, પણ કુંડલા તો પે’લાં.”
  • “એ ન બને, આપા !”
  • “તો રામરામ, ઠાકોર !”
  • ભાણ જોગીદાસ ચડી નીકળ્યા, ભાણની રોમરોઈ અવળી થઈ ગઈ હતી; મરું કે મારું ! મરું કે મારું ! - એમ એને થતું હતું. નાવલીની બજારમાં નીકળતાં જ ભાણ ખુમાણે સિબંધી સિપાહીઓ ઉપર ઝાટકા ચોડવા માંડ્યા. દોડીને જોગીદાસે ભાઈને ઝાલી લીધો, “હાં ! હાં ! ભાણ ! સામી તેગ ખેંચે તેને જ મરાય, બાપડા નિર્દોષને માથે આ તું શું કરી રિયો છે!”
  • ગોખમાં ઊભેલા ઠાકોર ભાણની આ અકોણાઈ જોતા હતા. એણે પોતાના સિબંધીઓને ત્યાંથી હાકલ કરી, “ખબરદાર ! બહારવટિયાઓને કોઈ આજ સામો ઘા ન કરજો. ભલે આપણાં સો ખૂન થઈ જાય.”
  • “જોયું. ભાણ ? આ ઠાકોર વજેસંગ !”
  • બહારવટિયા ચાલી નીકળ્યા.
  • કારજના પ્રસંગ વિશે બીજી વાત આમ બોલાય છેઃ
  • જેતપુરના કાઠી દરબાર મૂળુ વાળાય કડેધડે હતા. ત્રણ પરજની કાઠ્યમાં મૂળુ વાળાનો મોભો ઊંચેરો ગણાતો. એનું વેણ ઝટ દઈને કોઈથી લોપાતું નહિ. એજન્સી સરકારની પાસે પણ સહુ કાઠીઓની ઢાલ થઈને ઊભો રહેનાર મૂળુ વાળો હતો. એને બોલાવીને કળાબાજ મહારાજે કહ્યુંઃ “મૂળુભાઈ, હાદા ખુમાણ જેવો કાઠી પડ્યો, એની તો આખા મલકને ખોટ્ય કહેવાય. જીવતે એ મારો દુશ્મન હતો, પણ મૂવા પછી તો મારો ભાઈ લેખું છું. માટે ભાવનગરના ખર્ચે મારે કુંડલા મુકામે એનું કારજ કરવું છે. તમારું કામ તો એટલા સારુ પડ્યું છે કે કારજમાં તમે ભાણ જોગીદાસને બોલાવી લાવો. મારા હાથનો કસુંબો લઈને પછી ભલે તુરત એ ચડી નીકળે. પણ એના બાપને માર્યા પછી હું એને અંજળિ ભરી કસુંબો ન લેવરાવું ત્યાં સુધી મારા જીવને જંપ નથી. વેર તો કોને ખબર છે ક્યાં સુધી હાલશે !”
  • કહેવાય છે કે ઠાકોરના પેટમાં દગો હતો, બહારવટિયાઓને ઝાલી લેવાની પેરવી હતી. પણ કસુંબો લેવાઈ રહ્યો, સહુ સહુને ઉતારે ગયા, રાત પડી એટલે મૂળુ વાળાએ સનસ કરીને બહારવટિયાને ચેતવ્યા, “હં... ભાણ જોગીદાસ ! હવે ચડી નીકળો ઝટપટ.”
  • “અરે ! પણ મહારાજ વાળુમાં વાટ જોશે.”
  • “તો પછી ઝાટકાનાં વાળુ સમજવાં, જોગીદાસ !”
  • રોષે ચડેલા ઠાકોરે રાજકોટ પોલિટિકલ એજન્ટને ખબર દીધા કે “બહારવટિયાને પકડી લેવાની મારી પેરવીને જેતપુરના મૂળુ વાળાએ અને જસદણના શેલા ખાચરે ધૂળ મેળવી દીધી છે. બહારવટિયાને નસાડ્યા છે.”
  • આ ઉપરથી એજન્સી સરકારે જેતપુર અને જસદણ ઉપર સરકારી થાણાં બેસાડી દીધાં હતાં.
  • ૯. ભીમ પાંચાળિયો
  • બાપુનું ગામતરું થઈ ગયું. મોટેરો ભાઈ ગેલો ખુમાણ પણ ગુજરી ગયા છે. એટલે સહુ ભાઈઓમાં મોટા જોગીદાસને માથે ગલઢેરાઈ આવી. એંશી ઘોડે જોગીદાસ ઘૂમી રહેલ છે. મહુવાથી જાફરાબાદ સુધીનો દરિયાકિનારો પણ એ ઘોડાના ડાબલા નીચે કંપવા લાગ્યો છે. બંદરે બંદરે ભાવનગર રાજનો વેપાર બંધ કરાવી દીધો છે.
  • મારગ જે મુંબઈ તણે, જળબેડાં ન જાય,
  • શેલે સમદર માંય, જહાજ જોગીદાસનાં.
  • (મુંબઈ નગરને જળમાર્ગે જહાજો જઈ શકતાં નથી, કેમ કે જોગીદાસનાં વહાણ એની ચોકી કરતાં સમુદ્રમાં તરી રહ્યાં છે.)
  • એવે એક દિવસ જોગીદાસ વરતેજ ગામ માથે પડ્યા. વરતેજની બજાર લૂંટીને નાસી છૂટ્યા અને ઠાકોર વજેસંગ નજીકમાં શિહોર ગામે જ હતા ત્યાં એને ખબર પડી. ઠાકોરને અંગે ઝાળ ઊપડી ગઈ.
  • આજ તો કાં હું નહિ, ને કાં જોગીદાસ નહિઃ એવા સોગંદ લઈને ઠાકોર ઊભા થયા, હાથીએ ચડ્યા. સૈન્ય લઈને જોગીદાસને સગડે ચાલ્યા. ચારેય દિશાએથી ઠાકોરની ફોજ બહારવટિયાના કેડા રૂંધવા લાગી. અને આજ તો લાખ વાતે પણ જોગીદાસ હેમખેમ નહિ નીકળવા પામે એવી હાક આખા પ્રાંતમાં વાગી ઊઠી. મૂંઝાયેલ જોગીદાસ જે દિશામાં જાય છે તે દિશામાં પોતાના કાળદૂત ઊભેલા હોવાના સમાચાર સાંભળી પાછો વળે છે. ક્યાં જવું તે સૂઝતું નથી. અને પાછળ ઠાકોરની સવારીની ડમરીઓ આસમાનને ધૂંધળો બનાવતી આવે છે.
  • એવી હાલતમાં જોગીદાસ ભંડારિયા ગામને પાદર નીકળ્યા. જોગાનજોગે પાદરમાં જ એક પુરુષ ઊભા છે. ઘોડી પાદરમાં ઊતરતાંની વાર જ બેય જણે અન્યોન્યને ઓળખી લીધા.
  • “ભીમ પાંચાળિયા, રામ રામ !”
  • “ઓહોહોહો ! મારો બાપ ! જોગીદાસ ખુમાણ !” એટલું કહી, બે હાથનાં વારણાં લઈને ભીમ પાંચાળિયા નામના ચારણે બહારવટિયાને બિરદાવ્યો :
  • ફૂંકે ટોપી ફેરવે, વાદી છાંડે વાદ,
  • નવે કંડિયે નાગ, ઝાંઝડ જોગીદાસિયો !
  • (હે જોગીદાસ, વજેસંગ જેવો વાદી મોરલી બજાવીને બીજા ઘણા ઘણા રાજારૂપી સર્પોને પોતાના કરંડિયામાં પકડી પાડે છે, પરંતુ એક તું ફણીધર જ એની મોરલીના નાદમાં ન મોહાયો. તેં તો ફૂંફાડા મારીને એ વાદીની ટોપી જ ઉડાડી નાખી.)
  • “ભીમ પાંચાળિયા ! આજ એ દુહો ખોટો પડે તેમ છે. આજ તમારો ઝાંઝડ જોગીદાસિયો કરંડિયે પકડાઈ જાય તેમ છે. માટે રામ રામ ! આજ રોકાઈએ એવું રહ્યું નથી.”
  • દોટ કાઢીને ભીમ પાંચાળિયે જોગીદાસની ઘોડીની વાઘ ઝાલી લીધી અને કહ્યું, “એમ તે ક્યાં જઈશ, બાપ ? તો પછેં ભંડારિયાને પાદર નીકળવું નો’તું. રોટલા ખાધા વિના તો જવાશે નહિ !”
  • “હાં હાં, ભીમ પાંચાળિયા, મેલી દ્યો. આજ તો નહિ જ.”
  • “પણ શું છે એવડું બધું ?”
  • “વાંસે ઠાકોર વજેસંગજી છે ને ચોગરદમ અમારી દૃશ્યું રૂંધાઈ ગઈ છે. હમણાં વેરી ભેટ્યા સમજો.”
  • “હવે ભેટ્યા ભેટ્યા વેરી ! જોગીદાસ શિરામણ કરીને નીકળી ન જાય ત્યાં સુધી ઠારોક વજેસંગે ભંડારિયાને સીમાડે ઊભા થઈ રે’વું પડે, મારા બાપ ! મૂંઝાવ છો શીદ ? ઊતરો ઘોડીએથી. ખાધા વિના હાલવા નહિ દઉં.”
  • જોગીદાસ અચકાય છે.
  • “અરે બાપ ! કહું છું કે તારું રૂંવાડુંય ખાંડું ન થવા દઉં ! એલા ઝટ આપણે ઓરડે ખબર દ્યો કે ઊભાં ઊભાં રોટલા-શાક તૈયાર થઈ જાય ને ભેંસું દોવાઈ જાય. ત્યાં હું હમણાં મહારાજને સીમાડે રોકીને આવી પોગું છું.”
  • જમવાની વરદી આપીને ચારણ ભંડારિયાને સીમાડે ઠાકોર વજેસંગજીની સામે હાલ્યો. હાથીની રૂપેરી અંબાડી ઉપર રુદ્રસ્વરૂપે બેઠેલ ઠાકોરને છેટેથી વારણાં લઈને બિરદાવ્યા કે
  • કડકે જમીંનું પીઠ, વ્રહમંડ પડ ધડકે વજા,
  • નાળ્યું છલક નત્રીઠ, ધૂબાકે પેરંભના ધણી !
  • (હે વજેસંગજી ! હે પેરંભ બેટના ધણી ! તારે ઘેર તો એટલી બધી તોપો છલકે છે, કે એના અવાજથી પૃથ્વીની પીઠ કડાકા કરે છે અને વ્યોમનાં (આકાશનાં) પડ ધડકી જાય છે.)
  • “ખમા ગંગાજળિયા ગોહિલને ! બાપ, અટાણે શીદ ભણી ?”
  • “ભીમ પાંચાળિયા, જોગીદાસની વાંસે નીકળ્યા છીએ.”
  • “જોગીદાસ તો મારા ખોળામાં છે, બાપ ! તમે શીદ ધોડ કરો છો?”
  • “ભીમ પાંચાળિયા, આજ તો મેં પ્રતિજ્ઞા કરી છેઃ કાં તો હું નહિ ને કાં જોગીદાસ નહિ.”
  • “પણ બાપા, ત્રણ દિવસનો ભૂખ્યો જોગીદાસ અટાણે એક ટંક મારે આંગણે બટકું શિરામણ સારુ ઊતર્યો છે. હું હાથ જોડીને કહેવા આવ્યો છું કે કાં તો તમેયે શિરામણ કરવા હાલો, ને કાં જોગીદાસ શિરાવીને ચડી જાય ત્યાં સુધી થોડીક વાર સીમાડે જ હાથીએથી હેઠા ઊતરીને જરાક આંટા મારો.”
  • “ભીમ પાંચાળિયા ! તમે મારા શત્રુને આશરો દીધો ?”
  • “એમ ગણો તો એમ. પણ ઈ તો ગાએ રતન ગળ્યું કહેવાય ને, બાપ ! હું તો ગા છું. મારું પેટ ચીરવા કાંઈ હિંદુનો દીકરો હાલશે ? અને આ તો જોગીદાસ જેવો પરોણો. પરોણો શું ગોહિલને ઘરેથી ભૂખ્યે પેટે જાય ? ને પછી ક્યાં પકડાતો નથી ? ભાવેણાના મહારાજને તો હજારું હાથ છે, બાપા !”
  • ઠાકોર વિચારમાં પડી ગયા. થોડોક ગુસ્સો ઊતરી ગયો. ‘પરોણો ગોહિલને આંગણેથી ભૂખ્યો જાય ?’ એટલું જ વેણ એમના અંતરમાં રમી રહ્યું.
  • “ઊતરો, હેઠા ઊતરો, બાપા !” ચારણે ફરી વાર આજીજી કરી.
  • “ભીમ પાંચાળિયા !” મહારાજનો બોઘો કામદાર સાથે હતો, તેણે તપી જઈને વચન કાઢ્યુંઃ “જો હાથીએ ચડ્યા મહારાજ હેઠા ઊતરે તો તો મહારાજની માએ ધૂળ ખાધી કહેવાય, ખબર છે ?”
  • “બોઘા કામદાર !” કોચવાયેલા ચારણના મોંમાંથી વેણ વછૂટી ગયુંઃ “મહારાજની માએ તો એને દૂધ પીને જણ્યા છે; બાકી તો વાણિયાભામણની માને અનાજ વીણતાં વીણતાં ધૂડ્યની ઢેફલી હાથમાં આવે તો મોંમાં મૂકવાની ટેવ હોય છે ખરી !”
  • ચારણનું મર્મવચન સાંભળીને ઠાકોરનું મોં મલકી ગયું. બોઘા કામદારને તો બીજો શબ્દ ઉચ્ચારવાની હિંમત રહી જ નહિ; અને મહારાજે હસીને કહ્યું કે “ભીમ પાંચાળિયા ! જાવ, આજ તો તમે તમારો નહિ પણ ભાવનગર રાજનો અતિથિ-ધર્મ પાળ્યો છે, એટલે હું મારી પ્રતિજ્ઞા તોડીને પણ પાછો વળું છું. મારવાની પ્રતિજ્ઞા કરતાં મહેમાનગતિનો ધર્મ ઘણો મોટો છે. જાવ, હું આજ જોગીદાસને જાવા દઉં છું.”
  • ઠાકોર હાથી વાળીને શિહોરને માર્ગે ચાલી નીકળ્યા.
  • ૧૦. શત્રુની સ્ત્રી
  • “કાં ? કાંઈ શિકાર ?”
  • “શિકાર તો શિકાર ! પણ ભવ બધાનાં દાળદર ભાંગીને ભુક્કો કરી નાખે એવો ! આકડે મધ અને માખિયું વિનાનું.”
  • “કોણ ?”
  • “ભાવનગરનાં રાણી નાનીબા.”
  • “ક્યાં ?”
  • “દડવે જાય છે. એના ભાઈ કેસરીસિંગને ઘેરે; ભેળા કુંવરડા છે; ભેળી ઘરેણાંની પેટી છે. અને સાથે અસવાર છે થોડા.”
  • “ચડો ત્યારે. કામ કરશું આપણે ને નામ પાડશું જોગીદાસનું. એની મથરાવટી જ છે મેલી. ભેખડાવી દઈએ.”
  • આકડિયા ગામનો ઠૂંઠો કાઠી રાઘો ચાવડો ચોરીના ધંધા કરતાં કરતાં આજ છાનીમાની આટલી બાતમી મેળવીને ભાવનગર ઠાકોર વજેસંગના રાણી નાનીબાનું વેલડું લૂંટવા માટે પોતાના અસવારોને લઈ ટીંબા ગામની સીમમાં દડવાને માર્ગે ઓડા બાંધીને સંતાઈ રહ્યો છે. રણવગડામાં નાચ કરતી કોઈ અપ્સરા સરીખું હિંગળોકિયા રંગનું ઓઝણું ચાલ્યું આવે છે. સંધ્યાની રૂંઝ્‌યો રડી ગઈ છે. ચારે છેડે સૂરજ આથમવાનું ટાણું થઈ ગયું તે વખતે બરાબર ઓચિંતો છાપો મારીને રાઘા ચાવડાના અસવારોએ નાનીબાના કંઈક અસવારોને બરછીથી પરોવી લીધા, કંઈક ભાગ્યા. થોડાકને બાંધી લીધા અને રાઘડે હાકલ કરી કે “બાઈ, ઘરેણાંની પેટી બહાર ફગાવી દેજો.”
  • થરથર કાંપતે સૂરે નાનીબાએ પૂછ્યું કે “તમે કોણ છો, બાપ ?”
  • “જોગીદાસ ખુમાણના માણસો.”
  • “અરરર ! જોગીદાસભાઈ અસ્ત્રીયુંને લૂંટે ખરા ? જોગીદાસ અખાજ
  • ખાય ?”
  • “હા, હા, ભૂખ્યે પેટે અખાજેય ભાવે. દાગીના લાવો.”
  • “અખાજ ભાવે ? ભૂખ્યો તોય સાવજ ! ઈ તરણાં જમે ?”
  • “કાઢી નાખો ઝટ ઘરેણાં. વાદ પછી કરજો.”
  • આટલી વાત થાય છે તેવામાં કોણ જાણે શી દૈવગતિ બની કે ચાળીસ ઘોડાંની પડઘીઓ ગાજી અને છેડેથી ત્રાડ સંભળાણી કે “કોણ છે એ ?”
  • “કોણ, જોગીદાસ ખુમાણ ! હાલ્યો આવ. ભારે તાકડો થયો.” રાઘે ચાવડે અવાજ પારખ્યો.
  • “તું કોણ ?”
  • “હું રાઘો ચાવડો.”
  • “રાઘડા ! અટાણે અંધારે શું છે ? કોની હારે વડચડ કરી રિયો છો?”
  • “આપા જોગીદાસ ખુમાણ ! હાલ્ય હાલ્ય, ઝટ હાલ્ય, આપણો બેયનો ભાગ. પેટ ભરીને ઘરેણાં.”
  • “પણ કોણ છે ?”
  • “તારા શત્રુ વજેસંગની રાણી નાનીબા. તારે તો વેર વાળવાની ખરી વેળા છે. બેય કુંવરડા પણ હારે છે. કરી નાખ ટૂંકું.”
  • “રાઘા !” હસતાં હસતાં જોગીદાસ બોલ્યાઃ “તું કાઠી ખરો, પણ ચોર-કાઠી ! નીકર તું જોગીદાસને આવી લાલચ આપવા ન આવત. મારે વેર તો વજેસંગ મહારાજની સાથે છે, બો’ન નાનીબા હારે નહિ. ઈ તો મારી માબો’ન ગણાય. અને વળી અબળા, અંતરિયાળ આધાર વગર ઊભેલી ! એની કાયા માથે કરોડુંનો દાગીનો પણ હિંદવાને ગા અને મુસલાને સૂવર બરોબર સમજવો જોવે, રાઘા ! હવે સમજતો જા.”
  • “ઠીક તયીં, જોગીદાસ ! તારા ભાગ્યમાં ભલે ભમરો રહ્યો. તું તારે રસ્તે પડ. અમે એકલા પતાવશું.”
  • રાઘો હજુયે સમજતો નથી.
  • “રાઘા ! હવે તો તને રસ્તે પાડીને પછે જ અમથી પડાય. નાનીબાને કાંઈ અંતરિયાળ રઝળવા દેવાય ?”
  • “એટલે ?”
  • “એટલે એમ કે જો આ ટાણે જોગીદાસની નજર સામે રાઘો નાનીબાના વેલડાને હાથ અડાડે, તો જેઠા વડદરે એક હાથ તો ઠૂંઠો કરી દીધો છે ને આજ બીજો હાથ પણ ખેડવી નાખું, એટલે મલક માથે પાપ કરતો તું બંધ પડી જા!”
  • “એમ છે ? તયીં તો થાજે માટી, જોગા !”
  • “માટી તો કાંઈ થયું થવાય છે, બા ! માએ જણ્યા ત્યારથી જેવા હોયીં એવા જ છીએ, રાઘડા ! બાકી તારે માથે કાળ ભમે છે. માટે ભલો થઈને રે’વા દે.”
  • રાઘા અને જોગીદાસે પોતાની ફોજો ભેડવી. ખિસાણ મચી ગયું. પોતાના અસવારોની લોથોના ઢગલા થતા દેખીને રાઘો ભાગી નીકળ્યો.
  • કાંપતે શરીરે નાનીબા રાણી માફામાં બેસી રહ્યાં છે. એને હજુયે ભરોસો નથી કે બહારવટિયાના પેટમાં કૂડકપટ છે કે નહિ. ઊલમાંથી ચૂલમાં પડવાની એને ફાળ છે.
  • જોગીદાસે હાકલ કરી : “એલા ગાડાખેડુ ! માને પૂછ કે પાછું દડવે જાવું છે કે ભાવનગર ? જ્યાં કહો ત્યાં મેલી જાઉં. માને કહીએ કે હવે કાંઈ જ ફડકો રાખશો નહિ.”
  • નાનીબાએ બહારવટિયાના મોંમાંથી મોતી પડતાં હોય તેવાં વેણ સાંભળ્યાં. એને પોતાનો નવો અવતાર લાગ્યો. એણે કહેવરાવ્યું કે “જોગીદાસભાઈ! વીરા ! બો’ન આવડા કરજમાંથી કયે ભવ છૂટશે ? ભાઈ, મને ભાવનગર ભેળી કરી દ્યો. હું આવડો ગણ કે દી ભૂલીશ ?”
  • “વેલડાને વીંટી વળો, ભાઈ !” જોગીદાસે હુકમ કર્યો.
  • ભાલાળા ઘોડેસવારોની વચ્ચે વીંટળાઈને વેલડું હાલતું થયું. મોખરે જોગીદાસની ઘોડી ચાલી નીકળી. પંથ કપાવા લાગ્યો.
  • અધરાત ભાંગી અને આભના નાના મોટા તમામ તારલા એની ઠરેલી જ્યોતે ઝબૂકી વગડાને ઉજમાળો કરવા મંડી પડ્યા, ત્યારે ભાવનગરનો સીમાડો આવી પહોંચ્યો. ઘોડીને વેલડાની ફડક પાસે લઈ જઈને બહારવટિયાએ રજા લીધી કે “બો’ન ! મા ! હવે તમારી હદ આવી ગઈ છે. હવે તમે ઘરને ઉંબરે ઊતરી ગયાં, બાપા ! હવે મને રજા છે ?”
  • “જોગીદાસભાઈ !” નાનીબાની છાતી છલકી, “તમેય મારી ભેળા હાલો. હું મહારાજને કહી તમારું બા’રવટું પાર પડાવું. તમારો વાળ વાંકો ન થાય.”
  • “માડી ! કાંઈ બદલાની લાલચે મેં તમારી વાર નથી કરી. અને તમારી સિફારસે બા’રવટું પાર પડે એમાં જોગીદાસની વશેકાઈ શી ? મારો ગરાસ તો હું બેમાંથી એક જ રીતે મેળવીશ - કાં મહારાજની સાથે સામી છાતીના ઝાટકા લઈ-દઈને, ને કાં પ્રીતિની બથું ભરીને. આજ તો રામ રામ! મહારાજને મારા રામ રામ કહેજો.”
  • એટલું કહીને એણે અંધારે ઘોડી પાછી વાળી. ઘડીભરમાં તો ઘોડાં અલોપ થયાં, અને ‘જોગીદાસભાઈ ! જોગીદાસભાઈ !’ એટલા સાદ જ માફાની ફડકમાંથી નીકળીને સીમાડાભરમાં સંભળાતા રહ્યા.
  • ૧૧. મહાપાપ
  • એક દિવસ જોગી લપસ્યો હતો :
  • આજે બહારવટિયો ખરચીખૂટ થઈ ગયો છે. સાથીઓને ખાવા દેવા માટે દાણા નથી. અર્ધો વાલ પણ સોનું મળે તો તે લઈ લેવા માટે એ સનાળીના કાઠી રાઠોડ ધાધલને સાથે લઈને સીમમાં ભટકે છે. એના ત્રાસનો માર્યો કોઈ કણબી સાંતી જોડી શકતો નથી. સીમ ઉજ્જડ પડી છે. ઉનાળો ધખે છે. ત્યાં વીજપડી નામના ગામની સીમમાં ચાલતાં ચાલતાં એના ચકોર ભેરુબંધે નજર નોંધીને જોયું.
  • “શું જોછ, રાઠોડ ધાધલ ?”
  • “પણે એક કણબી સાંઠીયું સૂડે છે, જોગીદાસ, એને જીવતો જાવા ન દેવાય, હો !”
  • ઘડીક જોગીદાસનું દિલ પાછું હઠ્યું. “રાઠોડ ધાધલ, ઘણીયું હત્યાયું કરી, હવે તો કાયર થઈ ગયો છું. એને ખેડવા દે હવે.”
  • “અરે પણ એના કાનમાં કાંઈક સોનું હશે. લઈ લઈએ !”
  • “હા, ઈ ઠીક સંભાર્યું, હાલો.”
  • બન્ને અસવારોએ મારગને કાંઠે ઘોડીઓ ચડાવી અને પાધરી ખેતરમાં હાંકી. ઘોડીઓ ઢૂકડી આવી ને જેવા એ ખેડૂતે આઠ ડાબલાની પડઘી સાંભળી, તેવો એ કોદાળી ખભે નાખીને ભાગ્યો. ભાગતાંની વાર તો રાઠોડ ધાધલે બરછી ઉગામી, ઘોડી દોટાવીને પડકારો કર્યો કે “યાં ને યાં ઊભો રહી જાજે, જુવાન ! નીકર હમણાં પરોવી લીધો જાણજે !”
  • ભયભીત કણબીએ પાછું વળીને જોયું. બરછી ચમકતી દીઠી. બહારવટિયાઓની નિશાનબાજીને એ જાણતો હતો. ભાગે તો જીવનો ઉગારો નથી એમ સમજી થંભી ગયો. હાથમાંથી કોદાળી પડી ગઈ. એણે હાથ જોડ્યા, બૂમ પાડી કે “એ બાપા ! તમારી ગૌ ! મને મારશો મા !”
  • “એલા કેમ અમારાં ખેતર ખેડછ ? અમારા રોટલા આંચકીને શું
  • તારો ઠાકોર પોતાની કોઠીયું ભરશે ? બોલ, નીકર વીંધી નાખું છું,” જોગીદાસે ધમકી દીધી.
  • “ભૂલ થઈ, બાપા ! અટાણ લગી મને કોઈએ કનડ્યો નો’તો તે ભૂલ થઈ. હવે મને મેલી દ્યો. ફરી વાર તમારું બા’રવટું પાર પડ્યા મોર્ય હું આ દૃશ્યમાં ડગલું જ નહિ દઉં.”
  • “ખા ઠાકરના સમ !”
  • “ઠાકરના સમ !”
  • “ઠીક, અને આ કાનમાં કોકરવાં ને ફૂલિયાં ક્યાંથી પે’ર્યાં છે ? અમે રોટલા વિના રઝળીએ ને તમે સંધા અમારી જમીનુંના કસ કાઢીને સોને મઢ્યા ફરશો ? કાઢી દે ઝટ, અમારે બે-ત્રણ દીની રાબ થાશે, કાઢ્ય.”
  • “કાઢ્ય સટ, નીકર હમણાં આ કાકી છૂટી જાણજે,” એવો રાઠોડ ધાધલનો અવાજ આવ્યો. કણબી જુવાન એ અવાજ દેનારની સામે જુએ તો રાઠોડ ધાધલના હાથની આંગળીઓ પર ચકર ચકર ફરતી બરછી ભાળી. ફડકીને બીજી બાજુ જુએ તો જોગીદાસને ડોળા તાણતો ઊભેલ દીઠો. જાણે કાળનાં બે જડબાં ફાટેલાં હતાં, વચ્ચોવચ પોતે ઊભો હતો. જરાયે આનાકાની કરે તો જીવ નીકળી જવાની વાર નહોતી.
  • “એ બાપા !” આડા હાથ દઈને એ બોલ્યો : “મને મારશો મા ! હું કાઢી દઉં.”
  • અઢાર વર્ષનો દૂધમલિયો કણબીઃ મહેનતુ, ભોળુડો અને ભગવાનથી ડરીને ચાલનારો ખેડૂત : જેના અરીસા જેવા પારદર્શક મોઢા ઉપર ચોખ્ખું લાલ ચણોઠી જેવું લોહી ઉછાળા મારી રહ્યું છે. જેને અર્ધ માથે કપાળ ઝગારા મારે છે : એવો આભકપાળો જુવાન : કડિયા ને ચોરણીની કોરી નકૌર જોડી : કડિયાને છાતીએ કરચલિયાળી ઝાલર અને કસોનાં ઝૂમખાં : પકતી ચોરણીની નાડીએ એક દોથો પચરંગી ઊનનાં ઝૂમખાં ઝૂલે છે : પગમાં નવી મોજડીઓ પહેરી છે : માથાની લાંબી ચોટલીમાંથી બે ઘાટી લટો બેય ખભા ઉપર ઢળી છે : એવો, કાળી ભમ્મર ને સાફ બે આંખોવાળો રૂપાળો કણબી જુવાન ‘એ બાપા મારશો મા !’ કહીને પોતાના કાનમાં પહેરેલ પીળા હળદર જેવા રંગના સાચા સોળવલા સોનાની ચાર ચીજો કાઢવા લાગ્યો; ફક્ત ચાર જ ચીજો : બે કોકરવાં ને બે ફૂલિયાં કાઢતો જાય છે, કાઠોડ ધાધલની બરછી માથા ઉપર તોળાઈ રહી હોવાથી હાંફળોફાંફળો થાય છે. કોકરવાં ઝટ ઝટ નીકળી શકતાં નથી. કાઢી કાઢીને જોગીદાસે પાથરેલી પછેડીની ખોઈમાં નાખતો જાય છે. બહારવટિયા કોઈ આવી જવાની બીકમાં ‘કાઢ્ય ઝટ !’ એવો ડારો દે છે, જવાબમાં ‘મારશો મા, બાપા કાઢું છું !’ કહી કણબી કોકરવાં કાઢે છે. એમ છેલ્લું કોકરવું નીકળી રહેવા આવ્યું છે, છૂટા પડવાની હવે વાર નથી.
  • તે વખતે “મારશો મા ! એને મારશો મા ! એ બાપા, મારશો મા!” એવી આઘેરી રાડ સંભળાણી. બહારવટિયાના કાન ચમક્યા, આંખો એ અવાજની દિશામાં મંડાણી. જોયું તો એક ભતવારી ચાલી આવે છે. માથા પર કાંસાની તાંસળી, રોટલાની પોટકી ને છાસની નાની દેણી માંડી છે. તાંસળી અને દોણી ચમકતાં આવે છે.
  • પાસે આવી. પંદર વર્ષની જુવાનડી પૂરેપૂરી વરતાણી. માથે ભાતિયાળ ચૂંદડી : ભરતમાં ઢંકાઈ ગયેલ કાપડનાં અને પે’રણનાં આભલાં ઝગમગીને જાણે પ્રકાશની જાળી પાથરે છે : ડોકમાં દાણિયું ને ઝરમર : હાથમાં ચાર ચાર તસુની હેમની ચીપો મઢેલ બલોયાં, ગુજરી ને ઠૈયાં : પગમાં કડલાં ને કાંબીઃ આંગળીએ અણવટ ને વીંછિયા : કપાળે દામણી : આંખડીમાં કાજળ : સેંથે હીંગળો પૂરેલો : એવી ફૂલગુલાબી મોંવાળી, ચાર ભેંસોની છાસ ફેરવનાર, ધીંગા હાથવાળી રૂપાળી કણબણ આવી. આવનારીના હૈયામાં શ્વાસ માતો નથી.
  • “એ બાપુ ! મારશો મા ! એને મારશો મા.”
  • “કોણ છે ઈ !” બહારવટિયાએ હાકલ દીધી.
  • “બાપા ! આ મારો વર થાય છે. હજી હમણાં જ હું આણું વાળીને
  • આવું છું. એને મારશો મા ! અમારી જોડલી ખંડશો મા ! કહો તો આ મારો
  • એકોએક દાગીનો ઉતારી દઉં.”
  • “કાઢ્ય, સટ કાઢ્ય !” કહીને જોગીદાસ બાઈ તરફ ફર્યો. એની સામે ખોઈ ધરી. બહારવટિયો પોતાનું બિરદ ચૂકી ગયો. સ્ત્રીને શરીરેથી કાંઈ ન ઉતરાવાય એ વાતનું ઓસાણ આ સૂંડલો-એક દાગીના દેખીને જોગીદાસને ન રહ્યું. એનું દિલ ચળી ગયું. એને ભાન જ ન રહ્યું કે પોતાને જોગી થઈને રહેવું છે.
  • કણબણ પોતાની કાયાને અડવી કરવા લાગી. ટપોટપ ટપોટપ દાગીના જોગીદાસની ખોઈમાં પડવા લાગ્યા. ને છતાંય રાઠોડ ધાધલની ચકર ચકર ફરતી બરછી જુવાનની છાતી સામે તોળાઈ રહી છે. જુવાનની આંખો ઘડીક પોતાની સ્ત્રી તરફ ડોળા ફેરવતી જાય છે ને ઘડીક પેલી બરછી તરફ જોતી જાય છે. ઘરેણાં કાઢતી કાઢતી કણબણ ફોસલાવી રહી છે કે “બાપુ એને હવે મારશો મા, હો ! હું તમને આ તમામ દાગીના ઉતારી દઈશ. અને, બાપુ! તમારે વધુ જોતા હશે તો ઘરે જઈને મારા પટારામાંથી કાઢી લાવીશ. મારા પિયરમાં બહુ સારું છે, ને મને ઘણોય મોટો કરિયાવર કર્યો છે, અને ઈ બધાને મારે શું કરવું છે, બાપુ ! મારો...”
  • એટલું વેણ અધૂરું રહ્યું, અને રાઠોડ ધાધલના હાથમાંથી બરછી છૂટી. કેમ કરતાં છૂટી ? રાઠોડ ધાધલને પણ એ વાતની સરત ન રહી. બરછી છૂટી જુવાનની પહોળી, લોહીછલકતી છાતીમાં પડી. આરપાર નીકળી. જુવાન ધરતી પર પટકાઈ ગયો, બેય બાજુએ લોહીની ધારો મંડાણી. તરફડ ! તરફડ! કણબી તરફડવા લાગ્યો.
  • “અરરર !” જોગીદાસના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. એની ખોઈ હાથમાંથી વછૂટી પડી. જમીન પર દાગીનાનો ઢગલો થયો.
  • ફાટી આંખે બેય જણા જોઈ રહ્યા.
  • કણબણની બે કાળી કાળી આંખો તાકી રહી. જાણે હમણાં ડોળા નીકળી પડશે ! એનું આખું અંગ કંપી ઊઠ્યું, મરતો જુવાન એની સામે મીટ માંડી રહ્યો છે.
  • બાઈએ ધણીની કોદાળી ઉપાડી ધડૂસ ધડૂસ પોતાના માથા પર ઝીંકવા માંડ્યું. માથામાંથી લોહીના રેગાડા છૂટ્યા. મોવાળાની લટો ભીંજાણી. મોઢું રંગાઈ ગયું.
  • “કેર કર્યો ! કાળો ગજબ કર્યો ! રાઠોડ ! કમતિયા ! કાળમુખા ! કેર કર્યો !” જોગીદાસ પોકારી ઊઠ્યો.
  • “કેર કર્યો ! અરરર !” રાઠોડના મોંમાંથી પડઘો નીકળ્યો.
  • “રાઠોડ ! તારું આવું જ મોત થાજો ! તુંને ટીપું પાણી ન મળજો!” જોગીદાસે શાપ ઉચ્ચાર્યો.
  • ને આંહીં ધડૂસકારા વધ્યા. ન જોઈ શકાય તેવો દેખાવ થઈ રહ્યો. બન્ને બહારવટિયા ભાગી છૂટ્યા. નોખા પડીને નાસી ગયા. ઊભા ન રહેવાયું.
  • રાઠોડ ધાધલનું ભારી બૂરું મોત થયું. અને જોગીદાસના વંશનું સત્યાનાશ નીકળી ગયું.
  • ૧ર. ચારણે છેતર્યો
  • સિહોરને પાદર ગરીબશાહ પીરની જગ્યા પાસે પકતી ચોરાણી, કણબી જેવું કેડિયું ને માથે બોથાલું બાંધીને એક આદમી ઊભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાય છે. સાંજ નમવા લાગી હતી. જાણે આ આદમી જલદી પોતાને ગામ જવા માટે કોઈ ગાડુંગડેરું નીકળવાની વાટ જોતો કેડાને કાંઠે ઊભો હોય તેવું લાગે છે.
  • બરાબર અંધારા ઊતરવાં શરૂ થયાં ત્યાં એક બોકાનીદાર પડછંદ અસવાર ઢાલ, તરવાર ને ભાલા થકી શોભતો નીકળ્યો. જેના નામની માનતાઓ ચાલતી ને બીજી બાજુ જેની પાછળ ફોજો ફરતી એ બહારવટિયો જોગીદાસ જ આજ એકલ ઘોડે દિવસ આથમ્યે નીકળેલો. એકલા આંટા દેવાની એને આદત હતી.
  • કેડાને કાંઠે ઊજળાં લૂગડાં અને પછેડીને ભેટ બાંધેલ આદમીને ઊભેલો ભાળી બહારવટિયાએ ઘોડી થોભાવી. એની બોકાનીમાંથી ઘેરો અવાજ નીકળ્યોઃ “કેવા છો, એલા ?”
  • “ક... કણબી છું, બાપુ !” આદમીએ થોથવાતી જીભે ઉત્તર દીધો.
  • “કણબી કે ? ઠીક ત્યારે, ડગલુંય દેશ મા ! નીકર બરછીએ વીંધીશ.”
  • એટલું બોલીને જોગીદાસે ઘોડીને એ આદમીની થડોથડ લીધી.
  • “છાનોમાનો આવી જા મારી ઘોડી માથે, બેસી જા બેલાડ્યે. નીકર જીવતો નહિ મેલું.”
  • એટલું કહીને બહારવટિયાએ પોતાનો પહોળો પંજો લંબાવ્યો. એ આદમીનું બાવડું ઝાલ્યું અને ઊંચે ઉપાડી લઈ પોતાની પાછળ ઘોડી પર બેસાડી અંધારે અલોપ થયો.
  • માર્ગે જોગીદાસના મનમાં મનોરથ રમે છે કે આદમી સિહોરના કોઈ માલદાર મુખી પટેલિયાનો દીકરો દેખાય છે. એને બાન પકડીને આપણી સંગાથે રાખશું અને એના બદલામાં પટેલ આફરડો રૂપિયાની ફાંટ ભરીને આપણને ડુંગરામાં દેવા આવશે !
  • બાન પકડેલ આદમી પણ જરાયે આકળો-બેબાકળો થતો નથી. એને કશો ભય નથી. એના દિલમાં તો આજ જોગીદાસની અજોડ ઘોડી ઉપર અસવારી કર્યાનો આનંદ છે.
  • સિહોરથી ઠેઠ માંડવા ગામ સુધીની મજલ થઈ. માંડવા ગામનું પાદર આવ્યું. આવતાની વાર જ એ પાછળ બેઠેલ આદમી બુલંદ અવાજે દુહો લલકારી ઊઠ્યો :
  • ઠણકો નાર થિયે, ચત ખૂમા, ચળિયું નહિ,
  • ભાખર ભીલડીએ, જડધર મોહ્યો, જોગડા !
  • (હે જોગી જેવા જોગા ખુમાણ ! જટાધારી શંકર સરીખા તો પામર ભીલડીને માથે મોહી પડ્યા; પરંતુ તારું ચિત્ત તો કોઈ નારીના પગના ઠણકાથી કદાપિ નથી ચળતું.)
  • દુહાનો અવાજ પારખતાં જ જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ નજર કરી. તારોડિયાને અજવાળે પોતે બાન પકડેલ આદમીનું મોઢું જોયું. એ મોં મલકી રહ્યું છે અને બન્ને હાથ લંબાવીને એ આદમી બહારવટિયાનાં ઓવારણાં લઈ રહ્યો છે કે “ખમ્મા મોળા જોગીને ! આઈ તોળાં ઝાઝાં રખવાળાં કરે. મોળા તપશી !”
  • “કોણ છો, એલા ?”
  • “ચારણ સાં, મોળા બાપ ! તોળો ભાણેજ સાં !”
  • “નામ ?”
  • “નામ લખુભાઈ ! આશે માંડવાનો રેવાશી સાં !”
  • “ત્યારે પહેલેથી સાચું કેમ ન કહ્યું ?”
  • “મોળા બાપ ! આજ સિહોરથી માંડવે પગપાળા તો પુગાઈ ઈમ નૂતું. અને કણબી થયા વન્યા તોળી ઘોડીને માથે તું બેસાર એમ નૂતો. એટલે ખોટું ભણવું પીઉં, બાપ !”
  • “અરે પણ અભાગિયા ! આટલા સાટુ તેં મારી ઘોડીને મારી નાખી!”
  • એટલું બોલીને ગંભીર મુખમુદ્રાવાળો બહારવટિયો હસી પડ્યો. હાથ ઝાલીને લખુભાઈ ચારણને હેઠે ઉતાર્યા. ચારણ નીચે ઊભો ઊભો ખમકારા દેવા લાગ્યો ને બહારવટિયાની ઘોડી અંધારે ચૂપચાપ ચાલી ગઈ.
  • ૧૩. રખાતની દીકરી
  • “આ ગામનું નામ ?” બરછીની ચકચકતી અણી નોંધીને સામેનું ગામડું બતાવવા બહારવટિયાએ પોતાના સાથીઓને ચાલતે ઘોડે પ્રશ્ન પૂછ્યો.
  • “ઈ ગામ બોડકી, આપા ! અને બોડકી એટલે તો બેય વાતે ઘીકેળાં! સમજ્યા કે ?”
  • “ઘીકેળાં વળી કેમ ?” બહારવટિયાએ ગામના ઘટાદાર આંબા, લીંબડા અને લીલુડી વાડીઓ ઉપર બરાબર વૈશાખના તાપમાં પોતાની નજરને ચરતી મેલી દઈને લોભાતે દિલે પૂછ્યું.
  • “આપા જોગીદાસ ! એક તો આવું હાંડા જેવું રધિભર્યું ગામડું ને તેમાંય વળી આપણા દુશ્મનના કુટુંબનું ગામ.”
  • “કોનું ?”
  • “મહારાજ વજેસંગની દીકરીનું. આંહીંના ગઢમાં કાંઈ ભાવનગરના સોનારૂપાનો પાર નહિ હોય. મહારાજ પણ જાણશે કે દાયજો ભલો દીધો’તો!”
  • “બોલો મા, આપા ! ઈ વાત ન બને !” બહારવટિયાએ ગામ અને સીમ ઉપરથી પોતાની નજર સંકેલીને બરછી પાછી પગ ઉપર ઠેરવી લીધી. મોંમાંથી ‘રામ’ શબ્દ પડતો સંભળાયો.
  • “કાં, આપા ! ઘડીકમાં વળી શું સાંભળ્યું ? આમાં ક્યું નીમ આડે આવ્યું ?”
  • “કાંઈ નહિ; વજેસંગની કુંવરીનાં પોટલાં આપણથી કેમ ચૂંથી શકાય? આપણે વેર તો છે વજેસંગજીની સાથે, દીકરી સાથે નહિ. ઈ તો આપણીયે દીકરી કહેવાય.”
  • “અરે જોગીદાસ, પણ પૂરી વાત તો સાંભળો !”
  • “શું છે ?”
  • “આ વજેસંગની રાણીનાં કુંવરી નથી, પણ આ તો એની એક રખાતની દીકરી : કોઈ રાખતું નહોતું, તે મહારાજે ધ્રાંગધ્રાના એક ભૂખલ્યા ભાયાતને આંહીં તેડાવી, પરણાવી, આ ગામ દઈને આંહીં જ રાખેલ છે.”
  • “તોય ઈ તો મહારાજની દીકરી ઠરી, પેટ ભલે રખાતનું રહ્યું, પણ લોહી મહારાજનું. હવે મને વધુ લોભમાં નાખો મા, ભાઈ ! અને બોડકીને ભાંગવાની વાત મેલી દ્યો.”
  • એટલું બોલીને એ લોભામણા રૂપાળા ગામની સીમને જલદી વટાવી જવા માટે જોગીદાસે ઘોડીનો વેગ વધાર્યો. પણ ઓચિંતું જાણે કાંઈક યાદ આવ્યું હોય તેમ એણે પોતાની બંકી ગરદન ફેરવી, પાછળના અસવારને પ્રશ્ન કર્યો, “ભા ઈ! કોઈના ખડિયામાં કાંઈ સોનું-રૂપું થોડુંઘણુંયે નીકળે એમ છે ?”
  • “કેમ, આપા ! અંતરિયાળ કેમ જરૂર પડી ?”
  • “મહારાજનાં કુંવરીને કાંઈક કાપડું દઈ મેલીએં. દીકરી જો જાણશે કે જોગીદાસકાકો પાદર થઈને પરબારા ગયા તો બહુ ધોખો કરશે !”
  • લોકવાયકા બોલે છે કે બહારવટિયાએ સીમના કોઈ ખેડૂતની સાથે મહારાજ વજેસંગની રખાતની પુત્રી માટે પહેરામણીનું થોડું સોનું મોકલ્યું હતું.
  • ૧૪. ગરીબી
  • સંધ્યાની રૂંઝ્‌યો રહડી ગઈ છે. માણસ હાથતાળી દઈને જાય એવી ઘટાટોપ ઝાડી વચ્ચે ગીરની રાવલ નામની ઊંડી નદીનાં આછાં છીછરાં પાણી ચૂપચાપ ચાલ્યાં જાય છે. નદીની બન્ને બાજુ ઝાડીની ઉપર આભે ટેકો દેતી હોય તેવી ઊંચી ભેખડો; એ ભેખડો ઉપર પણ કોઈ કોઈ ઠેકાણે ડુંગરા ઊભા થયેલા : નદીના વેકરામાં સાવજ-દીપડાનાં પગલાં પડેલાં : બેય બાજુની બોડ્યોમાંથી નીકળીને જનાવર (સિંહ) જાણે હમણાં જ તાજાં પાણી પીને ચારો કરવા ચાલી નીકળ્યાં હોવાં જોઈએ, એવું દેખાતું હતું.
  • રાવલ નદીને એવે ભયંકર સ્થાને, રોળ્યકોળ્ય દિવસ રહ્યાને ટાણે જોગીદાસ પોતાના ચાલીસ ઘોડેસવારો સાથે તુલસીશ્યામ જાતાં જાતાં રસ્તે બે ઘડી વિસામો લેવા ઊતરેલ છે. ચાલીસેય ઘોડીઓ રાવલ નદીનાં લીલાં મીઠાં ઘાસ મોકળી ઊભીને ચરે છે, અસવારોમાંથી કોઈ ચકમક જગવી ચલમો પીએ છે ને કોઈ વળી કરગઠિયાં વીણીને હોકો ભરવા માટે દેવતા પાડે છે. જોગીદાસ પોતે તો પોતાની ભુજા ઉપર ચડાવેલો બેરખો ઉતારીને સૂરજના જાપ કરી રહ્યો છે. સૂરજનાં અજવાળાં સંકેલાય છે, તેમ આંહીં બહારવટિયાની આંખો પણ ઈશ્વરભક્તિમાં બિડાય છે.
  • “જોગીદાસ ખુમાણ ! એક ચણોઠી ભાર અફીણ હશે તમારા ખડિયામાં?” એક કાઠીએ પ્રશ્ન કર્યો.
  • “ના, બાપ ! મારા ખડિયામાં તો તલ જેટુંયે નથી.”
  • “કાંઈ ડાબલીમાં વળગ્યું હશે ?”
  • “હજી કાલ્ય જ ડાબલી લૂઈ લીધી’તી ને ! કાં ? એવડી બધી શી જરૂર પડી છે ?”
  • “ભાઈ ભાણ ખુમાણની આંખ્યું ઊઠી છે. માંહીથી ડોળા જાણે નીકળી પડે છે. તે પોપચાં માથે ચોપડવું’તું. અફીણ ચોપડત તો આંખનું લોહી તોડી નાખત, ને વ્યાધિ કંઈક ઓછી થાત.”
  • “બીજા કોઈની પાસે નથી ?”
  • “બાપ ! તારા ખડિયામાં ન હોય તો પછી બીજાના ખડિયામાં તે ક્યાંથી હોય ?”
  • “આંખે ચોપડવા જેટલુંયે નહિ ?”
  • “ક્યાંથી હોય ! એક કોરી પણ કોઈની પાસે ન મળે. શેનું લેવું ?”
  • “ઠીક, જીતવા ! જેવી સૂરજની મરજી !”
  • ચાલીસ ખડિયામાંથી - ચોરાસી પાદરના માલિકોના ચાલીસ ખડિયામાંથી -દુખતી આંખ ઉપર ચોપડવા જેટલુંય અફીણ ન નીકળ્યું, એવી તાણ્યનું ટાણું ભાળીને જોગીદાસનો જીવ ઉદાસ થઈ ગયો. પણ તરત એને અંતરમાં ભોંઠામણ ઊપડ્યું. જાણે વિપત્તિ સામે પડકાર દેતો હોય એમ એણે છાતી ગજાવીને ખોંખારો ખાધો. ફરી વાર બધું વીસરી જઈ આથમતા સૂરજ સામે બેરખાના પોરા ફેરવવા લાગ્યો.
  • માળા પૂરી થઈ એ વખતે એક કાઠી ખોઈમાં કાંઈક ભરીને જોગીદાસની પાસે આવ્યો. મૂઠી ભરીને એણે કહ્યું, “આ લ્યો, આપા !”
  • “શું છે, ભાઈ !”
  • “આ બે મૂઠી ટેઠવા ખાવ : એટલે કોઠામાં બે-ચાર ખોબા પાણીનો સમાવો થાય.”
  • “ટેઠવા વળી શેના બાફ્યા ?”
  • “બાજરાના.”
  • “બાજરાના ! બાજરો ક્યાંથી ?”
  • “ઈ યે વળી સાંભળવું છે, આપા ! સુગાશો નહિ ને ?”
  • “ના રે, ભાઈ ! સુગાવા જેવી શાહુકારી બા’રવટિયાને વળી કેવી! કહો જોઈએ !”
  • “આપા ! આ ચાલીસેય ઘોડીને કોક દી જોગાણ ચડાવ્યું હશે તેનો
  • ચાટેલો બાજરો ચપટી ચપટી ચાળીસેય પાવરામાં ચોંટી રહ્યો હશે એમ ઓસાણ આવ્યાથી ચાલીસેય પાવરા ખંખેરીને ઈ બાજરીની ઘૂઘરી બાફી નાખી છે !”
  • “અરરર ! ઘોડિયુંનો એઠો બાજરો ?”
  • “એમાં શું, આપા ! પાણીમાં ધોઈને ઓર્યો’તો. બાકી તો શું થાય? આજ આઠ આઠ જમણથી કડાકા થાય છે અને સૌને ચપટી ચપટી ખાધ્યે થોડોક ટકાવ થઈ જાશે ત્યાં તો આપણે તુલસીશ્યામ ભેળા થઈ જાશું. આપા, ખાઈ લ્યો. કાંઈ ફકર નહિ.”
  • “સૌને વેં’ચ્યો કે ?”
  • “હાં, સૌને. તમ તમારે ખાઓ.”
  • ભૂખમરો ભોગવતા ચાલીસ જણાએ એ બાજરાની મૂઠી મૂઠી ઘૂઘરી ખાઈ, બાકીનો ખાડો રાવલનાં પાણીથી પૂર્યો. અને અંધારું થયે આખી ટોળી રાવલની ભેખડો ઓળંગી ભયંકર ડુંગરાઓમાંથી કેડીઓ ગોતી ગોતી તુલસીશ્યામને માર્ગે પડી.
  • ૧પ. તુલસીશ્યામમાં
  • “ઉઘાડો !”
  • બરાબર મધરાતે, ઊંચા ઊંચા ડુંગરાની ચોપાટ વચ્ચે ઊભેલા એ ઘોર વનરાઈવીંટ્યા તુલસીશ્યામ નામના જાત્રાધામના તોતિંગ કમાડ પર ભાલાંની બૂડી ભટકાવીને બહારવટિયાઓએ સાદ ર્યો કે “ઉઘાડો !”
  • “કોણ છે અટાણે !”
  • “મે’માન છીએ, મે’માન ! ઉઘાડ ઝટ ! વધુ વાત સવારે પૂછજે.”
  • તોછડો જવાબ મળવાથી દરવાન વહેમાયો. કમાડની તરાડ પર કાન માંડ્યા. તો ચાલીસ ઘોડાંઓની ધકમક સાંભળી દરવાન થરથર્યો.
  • “ઉઘાડ ઝટ ! ઉઘાડ, ભાઈ ! બરછી જેવી ટાઢ અમારાં કાળજાં વીંધી રહી છે ! ઉઘાડ !”
  • “અટાણે કમાડ નહિ ઊઘડે.”
  • “કાં ? શું છે તે નહિ ઊઘડે ?”
  • “નહિ ઊઘડે. તમે બા’રવટિયા લાગો છો.”
  • “અરે બાપ ! બા’રવટિયા તો ખરા, પણ કાંઈ શામજી મહારાજના બા’રવટિયા નથી. એનાં તો છોરુંડાં છીએ. ઉઘાડ ઝટ.”
  • “નહિ ઊઘડે. બહાર સૂઈ રો’.”
  • “એમ ?” જોગીદાસે મોખરે આવીને ત્રાડ દીધી. “નથી ઉઘાડતો? કહીએ છીએ કે અમે શામજીના બા’રવટિયા નથી. પણ જો હવે નહિ ઉઘાડને, તો હમણાં કમાડ ખેડવીને માલીપા આવશું, અને શામજીની મૂર્તિને માથે એક વાલની વાળીયે નહિ રે’વા દઈએ. અબઘડી લૂંટીને હાલી નીકળશું તો તારું મોઢું ખાઈ જેવું થઈ રહેશે. ઉઘાડ, ગોલા ! શામજીના આશરા તો ચોરશાહુકાર સહુને માટે સરખા કે’વાય.”
  • એ ન ભુલાય તેવો નાદ સાંભળતાં જ દરવાનનો હાથ આપોઆપ અંધારામાં કમાડની સાંકળ ઉપર પડ્યો. અને ‘કિ...ચૂ...ડ’ અવાજે બેય કમાડ ઉઘાડાં ફટાક મેલાયાં. ચાલીસેય ઘોડીઓ અંદર દાખલ થઈ.
  • “શામજી દાદા !”
  • પ્રભાતે જોગીદાસ પાઘડી ઉતારી ઉતારીને ઝૂલતે ચોટલે પ્રભુની શ્યામ પ્રતિમા સામે ઠપકો સંભળાવી રહ્યો છેઃ “શામજી દાદા ! મારો ગરાસ લૂંટાય ને મારાં બાયડી-છોકરાં શત્રુને ઉંબરે બેસીને બટકું રોટલો ખાય ઈ તો ઠીક; ભુજામાં બળ હશે તો મારીઝૂડીને ગરાસ પાછો મેળવશું, પણ દાદા ! તારા કોઠારમાંયે શું કણ કણ ખૂટી ગયું કે મારા ચાળીસ અસવારોને આઠ દીની લાંઘણોનું પારણું ઘોડીયુંના એઠા બાજરીના ટેઠવા ખાઈને કરવું પડે ! આવડો બધો અન્નનો દુકાળ તારા દેશમાં ! એવો મારો શો અપરાધ થઈ ગયો, દાદા! હું શું પાણી માયલોયે પાપિયો લેખાણો ?”
  • જોરાવર છાતીના બહારવટિયાને પણ તે વખતે નેત્રમાં ઝળઝળિયાં આવી ગયાં, પણ એક જ ઘડીમાં એ ચમકી ઊઠ્યો. એના કાનમાં જાણે કોઈ પડઘા બોલ્યા કે ‘ધડૂસ ! ધડૂસ ! ધડૂસ !’
  • “સાચું ! સાચું ! દાદા ! સાચું ! મારું પાપ મને સાંભરી ગયું, હવે તારો વાંક નહિ કાઢું.”
  • તાતા પાણીના દેવતાઈ કુંડમાં જઈ જોગીદાસે સ્નાન કર્યું. માથાનો લાંબો ચોટલો કોઈની નજરે ન પડી જાય તે માટે અંધારામાં સહુથી પહેલાં પોતે નહી આવ્યો, અને ડુંગરાના હૈયામાં ‘જય શ્યામ ! જય શ્યામ ! જય શ્યામ!’ એવી ધૂનના પડછંદા ગુંજવા લાગ્યા.
  • જગ્યાના મહંતે રસોઈની તૈયારી તો ઝડપથી માંડી દીધી હતી. પણ ચાલીસેય કાઠીઓ ભૂખ્યા ડાંસ જેવા બનીને ધીરજ હારી બેઠા હતા. પેટમાં આગ થઈ હતી. રોટલા થાય છે ત્યાં તો વારે વારે દોડી દોડી ‘ભણેં આપા! ઝટ હાલો ! ઝટ હાલો !’ એવી ઉતાવળ કરાવતા હતા. ઉપવાસી જોગીદાસ પણ કાંઈ જેવો તેવો ભૂખ્યો નહોતો. પરંતુ અન્નમાં ચિત્ત ન જાય અને કાઠીઓ તોફાન મચાવી ન મૂકે તે કારણથી પોતે માળા ફેરવવા બેસી ગયો. કાઠીઓ બોલાવવા આવે તો શાંતિથી એમ જ જવાબ આપતો ગયો કે “હજી બે માળા બાકી છે, ભા ! હજી એક જાપ અધૂરો છે ! હમણે પૂરો કરી લઉં છું !”
  • ૧૬. ગાંગો બારોટ
  • ભાવેણાનો નાથ કાયર થઈ ગયા છે. વજેસંગનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે.
  • “કોઈ જો જોગીદાસને પકડી સોંપે તો મારા ભાવનગર રાજમાંથી એક ચોવીસીનું મોં-માગયું ચોસલ્યું કાઢી આપું.”
  • “છે કોઈ મરદ મુછાળો !” એવી હાકલ કરીને બીડદાર કચારીમાં બીડું ફેરવવા મંડ્યો.
  • જસદણ દરબાર જેલા ખાચર ભાવનગરને ઘેર પરોણો છે. એનો હાથ મૂછોના કાતરા પર ગયો. ચોવીસીનું ચોસલ્યું આપવાની વાત સાંભળીને એની દાઢ ડળકી. થાળીમાંથી બીડું ઉપાડીને એણે મોઢામાં મૂક્યું.
  • “તમે પોતે જ, આપા શેલા ?” વજેસંગજીએ પૂછ્યું.
  • “હા ઠાકોર ! છ મહિને ગળામાં ગાળિયો નાખીને બહારવટિયો હાજર કરું.”
  • “અરે રંગ શેલા ખાચર !” એવો રંગ લઈને શેલો ખાચર જસદણ સિધાવ્યા. થોડા દિવસ થયા તો એના કાઠીઓ અધીરા થઈ ગયા, ચોવીસીના ચોસલ્યામાંથી પોતપોતાને બટકું બટકું મળવાની લાલચે જોગીદાસને ઝાલી લાવવા ઉતાવળા થઈ ગયા અને શેલા ખાચરને જઈ કહેવા લાગ્યા : “ભણેં આપા શેલા ! હવે તો બાંધી બાંધી ઘોડીયું પાછલા પગની પાટું મારીને ઘોડાહારનાં પાછલાં પડાળ તોડી નાખે છે. માટે હવે ઝટ કરો !”
  • “હા, બા, હવે ચડીએં.”
  • એ અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો. આવીને કહ્યું કે “દરબાર, તમારો ચોર દેખાડું.”
  • “તું કોણ છો ?”
  • “હું જોગીદાસનો જોશ જોવાવાળો.”
  • “આંહીં ક્યાંથી ?”
  • “તકરાર થઈ. મને કાઢી મેલ્યો. હાલો દેખાડું.”
  • “ક્યાં પડ્યા છે ?”
  • “નાંદીવેલે : ભાણગાળામાં.”
  • “કેટલા જણ છે ?”
  • “દસ જ જણા.”
  • “વાહ વા ! કાઠીયું ! ઝટ ઘોડાં પલાણો. અને ગાંગા બારોટ, તમારે પણ અમારી હારે આવવાનું છે.”
  • “બાપુ ! મને તેડી જવો રહેવા દ્યો,” ગાંગો રાવળ હાથ જોડીને બોલ્યો.
  • “ના, તમારે તો આવવું જ પડશે. અને જેવું જુઓ એવું અમારું પરાક્રમ ગાવું પડશે.”
  • એકસો ને વીસ અસવારે શેલો ખાચર ચડ્યા. લીલા પીળા નેજા ફરકતા આવે છે. આભ ધૂંધળો થાય છે. જોગીદાસને દસ માણસે ઝાલી લેવો એ આપા શેલાને મન આજ રમત વાત છે. સાથે પોતાના આશ્રિત ગાંગા રાવળને લીધો છે. પોતાના જશ ગરરાવવાના એને કોડ છે.
  • ભાણગાળાની ભેખડો ઉપર એકસો વીસ માણસોની ધકમક ભાળતાં જ જોગીદાસ ઘોડો પલાણી દસેય માણસો સાથે ચડી નીકળ્યો. નાનેરા ભાઈ ભાણે હાક કરી : “આપા ! આમ ભુંડાઈએ ભાગશું ? મલકમાં ભારે થઈને હવે હળવા થવું છે ?”
  • “બાપ ભાણ ! બા’રવટિયા તો બચાય ત્યાં સુધી બચે. બા’રવટામાં ભાગ્યાની ખોટ્ય નહિ.”
  • “પણ આપા ! આમ તો જુઓ આ શેલો : કાગડો કાગડાની માટી ખાવા આવ્યો છે. અને એના મોઢા આગળ ભાણ જોગીદાસ ભાગશે ? એથી તો કટકા થઈ જવું ભલું, આપા ! દેવળવાળાનું દેવસું ! પાછા ફરો.”
  • દસ અસવારે જોગીદાસ પાછો ફર્યો. ક્યારે ફર્યો એ ખબર ન પડી. ઓચિંતો પવન જેમ દિશા પલટાવે એમ બહારવટિયે વાટ પલટાવી. સુસવાટા મારતો જાણે વંટોળ આવ્યો. એને આવતો ભાળતાં જ શેલાના કટકમાંથી રામ ગયા. કટક ભાગ્યું.
  • શેલાએ સાદ દીધો : “અરે ભણેં કાઠીઓ ! ભાગો મા ! ભાગો મા!”
  • ભાગતા કાઠીએ જવાબ દીધો, “ભણેં આપા શેલા ! કાઠીનો દીકરો એમ સાંકડ્યમાં આવુંને નૈ મરે. દશમનને પડ તો દીમો જોસે, બા !” (દુશ્મનને મેદાન તો દેવું જોઈએ.)
  • જાણે કાઠીઓ દુશ્મનોને પડ દેવા માટે ભાગતા હતા ! ત્યાં તો “માટી થાજો, જસદણિયાવ !” એવી રણહાક કરતા ભાણ જોગીદાસે દસેય ઘોડાં ભેળાં કર્યાં.
  • “ભાગો ! ભણેં ભાગો ! પડ દ્યો ! ભણેં પડ દ્યો !” એવી કિકિયારી કરતા એકસો વીસ કાઠીઓ ઊપડ્યા.
  • શેલો સાદ કરે છે, “એલા કાઠીઓ ! આ તો કાંકરા કરાવ્યા !”
  • ભાગતા કાઠીઓ કહે છે, “આપા શેલા ! કાંકરા ભલા ! બાકી આંહીં ગરમાં જો પાળિયા થાશે ને, તો કોઈ સિંદોર ચડાવવાય નહિ આવે !”
  • “સાચું ભણ્યું, બા !” કહીને શેલો પણ ભાગ્યો.
  • ગાંગો રાવળ બૂમો પાડતો રહ્યો કે “એ આપા શેલા ! ગજબ થાય છે. ભાગ્ય મા, ભાગ્ય મા !”
  • “ગાંગા ! હું હવે હળવો હળવો આવી પોગજે !”
  • એટલું કહીને શેલો ખાચર કટક સાથે પલાયન થયો. અને આંહીં જોગીદાસને જોતાં જ ગાંગાની છાતી ફાટવા લાગી.
  • “વઘન્યાં ! મારા વિસામાનાં વઘન્યાં, બાપ !”
  • એમ બબ્બે હાથે વારણાં લઈને ગાંગાએ બહારવટિયાને બુલંદ અવાજે બિરદાવ્યા.
  • શરમિંદો બનીને બહારવટિયો બોલ્યો કે “ગાંગા બારોટ ! આ બિરદાવળીનાં મૂલ મૂલવવાની વેળા આજ મારે નથી રહી, શું કરું ?”
  • “બાપ જોગીદાસ ! હું આજ મોજ લેવા નથી આવ્યો. હું તો તારા ગણની ગંગામાં નાઈ રહ્યો છું. તું તો અમારું તીરથ ઠર્યો.”
  • બહારવટિયાએ ગજા મુજબ શીખ કરીને ગાંગાને વિદાય કર્યો.
  • આંહીં શેલા ખાચરે થોડાંક હથિયાર-પડિયાર અને થોડાંક ઘોડાં ભાવનગર મોકલી દઈને ઠાકોરને કહેવરાવ્યુંઃ “બહારવટિયા તો વાંદર્યાં જીમાં! દી-રાત ગરમી ઝાડીયુંમાં રે’વાવાળા ! સરસામાન મેલું, ઝાડવાંના વેલા પકડું પકડું ને ઝાડવાં માથે ચડું ગા. ચડુને ડુંગરામાં તડહકાવું ગા ! અને યાનો આ અસબાબ આંચકી લીધો ને દઉ મેલીએ છીએ.”
  • ઠાકોર સમજી ગયા. આ ટારડાં ઘોડાં ને આ સરસામાન જોગીદાસનાં ન હોય ! ખાચર છોકરાં ફોસલાવે છે !
  • ઘૂમતો ઘૂમતો ગાંગો રાવળ ચાર મહિને જસદણમાં આવ્યો છે. શેલા ખાચરનો દાયરો ભરાયો છે. એવે સમયે કાઠીઓએ ગાંગાને છંછેડ્યો, “ગાંગા બારોટ ! ભણેં હવે બાપુનો ગીત તો ભણ્ય ! ભાણગાણ્તા ધીંગાણાંમાં બાપુ શેલો ખાચર કેવા રૂડા દેખાણા, ઈ વાતનો ગીત ભણ્ય !”
  • ગાંગા રાવળે મોં મલકાવ્યું. “ગીત તે કેમ કરીને ભણું, બા ! ત્યાં તો તમને વાંસામાં બા’રવટિયાનાં ભાલાં વાગતાં’તાં !”
  • “પણ તાળી જીભે કાંઈ ભાલાં વાગતાં સૅ ? ગીત ભણવામાં તારા બાપનો કાણું જાતો સે ? ચાર વીઘા પળત ખાછ, હોળી દિવાળીએ દાત્ય લેછ, બાપુની મોજું લેછ, ઈ કાંઈ મફતિયો માલ છે ?”
  • “એટલે ! ખોટેખોટાં વખાણ ગાવા સાટુ મને બાપુ પળત ખવરાવે છે ?”
  • “હા ! હા ! વખાણ તો કરવાં જોશે. કવિ કે’વાનો થિયો છે ?”
  • “ઠીક ત્યારે, સાંભળી લ્યો. પણ એક કરાર : શીંગાથી પીંછા સુધી એક વાર સાંભળી લેવું : વચ્ચે મને રોકવો કે ટોકવો નહિ. આ ગીતમાં તો વડછડ છે; એટલે ઘડીક આપણું સારું આવશે, ઘડીક ભાણ જોગીદાસનું સારું આવશે. અને છેવટે બાપુનો ડંકો વાગશે. માટે મને વચ્ચે રોકો તો તમને સૂરજના સમ !”
  • “ભલે !”
  • ગાંગાએ ગીચ રચી રાખેલું તે ઉપાડ્યું :
  • (ગીત સાવજડું)
  • બળ કરી અતગ હાલિયો બોંશે,
  • લાવું પવંગ જાણે, ખુમાણુંનાં લોંચે,
  • ખુમાણે દીધાં ભાલાં તરીંગમાં ખોંચે,
  • ભોંયરા લગ આવિયો ભુંશે.
  • (અતિ મોટું સૈન્ય લઈને શેલો ખાચર ચડ્યોઃ મનમાં હતું કે જાણે જોગીદાસ ખુમાણનાં ઘોડાં ઝૂંટવી લાવીએ, ત્યાં તો ઊલટાં, પોતાનાં ઘોડાનાં તરીંગમાં જ ખુમાણોનાં ભાલાં ભોંકાયાં, એવાં ભાલાં ભોંકાયાં કે શેલો ખાચર ભોંયરગઢ સુધી ભાગતો આવ્યો.)
  • જેસી તે હૈયે નો જાણ્યો,
  • અંગ એંકાર અધિકો આણ્યો,
  • આગળ ખુમા તણો હતો અલેણો,
  • (ત્યાં) માથે આવિયો દૂસરો મેણો.
  • (હૃદયમાં કાંઈ વિચાર ન કર્યો. અંગમાં વધુ પડતો અહંકાર આવ્યો.
  • અગાઉ ખુમાણો સાથે અલેણું તો હતું જ, ત્યાં વળી આ બીજું મહેણું માથા પર આવ્યું.)
  • ખાચર ખોટ દૂસરી ખાયો,
  • ઝાળે ખુમો ભાણ જગાયો,
  • કૂડું શેલા કામ કમાયો,
  • ગરમાં જઈને લાજ ગમાયો.
  • (હે શેલા ખાચર ! તેં બીજી વાર ખોટ ખાધી. તેં ઝાડીમાં જઈને ભાણ ખુમાણ સમા સિંહને જગાડ્યા. તેં બહુ બૂરું કામ કર્યું. ગીરમાં જઈને તેં લાજ ગુમાવી.)
  • ધરપત થિયે સબે ધુડધાણી,
  • રાખી મેલ્યા ડોડ રામાણી,
  • માર્યા ફરતા ડોડ મોકાણી
  • ઠરડ કાઢ્યો ભાલે ઠેબાણી.
  • (હે ધરપતિ ! તારું સર્વસ્વ ધૂળધાણી થઈ ગયું. તારા રામાણી, મોકાણી અને ઠેબાણીઓને બહારવટિયાઓએ બહુ માર્યા.)
  • આલણહારો કહું અલબેલો,
  • ખેલ જઈને બીજે ખેલો,
  • ઝાટકિયો દસ ઘોડે ઝીલો,
  • છો વીસુંથી ભાગ્યો શેલો !
  • (આખા ખુમાણનો પૌત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે. માટે હે ખાચરો ! તમે બીજે ક્યાંય જઈને રમત રમો ! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો ત્યાં તો છ વીસું (એકસો વીસ) ઘોડાં સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.)
  • “લ્યો બાપ ! આ ગીત !”
  • ગીત પૂરું થયું. શેલા ખાચરે આંખો લાલ કરી. ગાંગાને કહ્યું, “બારોટ! હવે જસદણમાં રે’ તો ગા’ ખા !”
  • “થૂ તારા જસદણમાં !” કહીને ગાંગો ચાલી નીકળ્યો.
  • ૧૭. બાનને માર્યો
  • તરવારનો ફટકો બોલ્યો, કે તુરત જોગીદાસે ઘોડી થંભાવી. પાછળ જોયું, પૂછ્યું : “શું થયું ? ફટકો શેનો સંભળાણો ?”
  • માણસોનાં મોઢાં ઝાંખા ઝબ પડી ગયાં હતાં, કોઈએ જવાબ ન દીધો.
  • “નક્કી કાંઈક કાળો કામો કર્યા લાગે છે.”
  • જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું. એક કણબીને તરવારને ઝાટકે મારતો, તરફડતો દીઠો.
  • “આ કોણ, ભાઈ ?”
  • “આપા ! આ મૂળા પટેલનો દીકરો : જે મૂળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી દીધી’તી. અરે, જેના ચાળીસ ઢાંઢા ઈ તોપખાનું તાણતાં મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું ઈ કમતિયાનો છોકરો.”
  • “બાન પકડ્યો’તો ને ?”
  • “હા, પણ જીભ કુવાડે કાપ્યા જેવી : આખે માર્ગે ગાળ્યું કાઢી, આપા ! એની જીભમાંથી લુવારની કોડ્યનાં ફૂલ ઝરતાં’તાં ઈ ખમી ન શકાણાં તે માર્યો.”
  • “બાનને માર્યો ! બૂરું કર્યું. હવે આપણે કુંડલા ખાઈ રિયા. બાનને માર્યો ! શું કહેવું, ભાઈ ! આ પાપનો તો સાત જન્મેય આરોવારો નહિ આવે. ઠાકર ક્યાંય નહિ સંઘરે.”
  • ડુંગરાના ગાળામાં મુકામ થયો. ત્યાં ભીમ પટેલના નરસી અને નાથો નામના બે દીકરાને બાન પકડીને સાથે આણ્યા છે. બહારવટિયાની રીત હતી કે બાન ભાગી ન જઈ શકે તેટલા માટે તેના પગને તળિયે અંગારા ચાંપી દેવા. તે સિવાય તો બાનને સારામાં સારું ખાવાપીવાનું ને સૂવા-બેસવાનું આપી પરોણાની રીતે જ રાખતા.
  • અંગારા તૈયાર થયા, લાલચોળ ધગધગતા અંગારા દેખીને કણબીના બે દીકરામાંથી મોટો નાથો નામે હતો તે રોવા લાગ્યો. એને રોતો દેખીને નાનો નરસી બોલ્યો, “હેઠ્ય કાયર ! રોવા બેઠો છો ! આપણે તો ખુમાણ ખોરડું ! સાવરિયાઓને ખોટ્ય બેસે. બચાડા બા’રવટિયા વળી અંગારા શું ચાંપશે ? આમ જો - આમ આપણી જાતે ચાંપી લેવાય !”
  • એટલું કહેતો નરસી ઊભો થયો, ઝગમગતા અંગારા ઉપર સબ ! સબ ! સબ ! પગ માંડીને ચાલ્યો ગયો, પગતળિયાનાં ખોભળાં ફાટી ગયાં અને અંગારા ઓલવાઈ ગયા.
  • બહારવટિયો જોગીદાસ મીટ માંડીને આ કણબીની હિંમત સામે જોઈ રહ્યો, એની આંખો ફાટી રહી. પડખે બેઠેલા સાથીને પૂછ્યું કે “એણે પોતાને ‘ખુમાણ ખોરડું’ કેમ કહ્યો ?”
  • “આપા ! એનો કાકો ધરમશી પટેલ પાંચસે ઘોડે આપણી વાંસે ભમે છે એટલે ઈ અરધા ખુમાણ જ કહેવાય ને ? કુંડલા પંથકના કણબી તો કરાત છે, આપા !”
  • ૧૮. કાઠિયાણીનો સંદેશો
  • માવતર મદઈપણું કરે, જાય બા’રવટે જે,
  • એના છોરુને ચણ્ય દે, (તું) વેંડારછ વજપાળ દે !
  • (હે વજેસંગ ઠાકોર ! જેનાં માવતર તારી સાથે શત્રુતા કરીને બહારવટે નીકળ્યા છે, તેનાં જ નાનાં બચ્ચાંને તું પોષણ આપીને તારે ઘેરે પાળી રહ્યો છે.)
  • જોગીદાસનાં રાણી, બે દીકરા ને એક દીકરી, એમ ચારેય જણાંને ઝાલી લઈ મહારાજે ભાવનગર તેડાવી લીધાં હતાં. રાજરખાવટથી જ એ બંદીવાનોને રાખવામાં આવ્યાં હતાં. દરબારગઢની અંદર જ એ કુટુંબના આવાસ હતા. આજે બહારવટિયાનો આદમી ત્યાં છૂપી રીતે ‘આઈ’ની પાસેથી સમાચાર લઈને ભાણગાળે આવેલ છે. જોગીદાસ પૂછે છે :
  • “બાળબચ્ચાંના કાંઈ સમાચાર લાવ્યો છે, ભાઈ ?”
  • “આપા ! આજ તો આઈએ મોટે ટીપે આંસુડાં પાડતાં પાડતાં સમાચાર કહેવરાવ્યા છે.”
  • “આંસુડાં પાડ્યાં ? કેમ ? થાકી ગઈ કાઠિયાણી ? ભાવનગરના રાજદરબારમાં કાંઈ રખાવટ મોળી પડી ? ઠાકોરે કાંઈ કહ્યું ?”
  • “આપા ! કોઈએ કાંઈ કહ્યું નથી કે કરાવ્યું નથી. આઈ થાક્યાંયે નથી. પણ આ આંસુડાં તો ઘણમૂલાં કે’વાય.”
  • “શું કે’વરાવ્યું છે ?”
  • “કે’વરાવ્યું છે કે કાઠી ! હવે બા’રવટું કોના સામું કરો છો ? મહારાજ તો દેવનો અવતાર છે. મહારાજે પોતે જ આપણી દીકરી કમરીબાઈને ડેડાણ કોટીલાને ઘેર પરણાવી. એને એક લાખનો દાયજો દીધો. દુશ્મન ઊઠીને બાપ થયો !”
  • “હા ! ઈ વાત હું જાણું છું. મહારાજ આપણાં ગામ ખાય છે તે દાયજો ન કરે ! બીજું કાંઈ ?”
  • “બીજું તો કાઠીને કે’જો કે થોડા દી પહેલાં આપણા લાખો ને હરસૂર બેય જણા કુંવર નારુભા ને અખુભાની સાથે રમતા’તા, એમાં લાખે કુંવર નારુભાને લપાટ મારી. કુંવર રોતા રોતા મહારાજ પાસે ગયા. જઈહ્યું કે ‘મને લાખે ખુમાણે માર્યું.’ તે ટાણે મહારાજના મોંમાંથી શબ્દ નીકળ્યા, કાઠી ! મહારાજે કહ્યું કે ‘બેટા ! એનો વાંધો નહિ. એનો બાપ રોજ અમને મારે છે, તો પછી દીકરો તને મારે એમાં નવાઈ શી ? અમેય વાંસો ચંચવાળી રહીએ છીએ !’
  • “કાઠી ! આખા દાયરાની વચ્ચે પોતાના ટીલાત કુંવરને આવો જવાબ આપીને મહારાજ ખડખડ હસી પડ્યા. પછી પોતે નારુભાને હેતભર્યે હૈયે કહ્યું કે ‘ભાઈ ! ઈ કેમ ન મારે ? એને શું ખીજ ન આવે ? એનો બાપા આજ પંદર વરસથી ગામગરાસ ખોઈને ડુંગરામાં ભાટકે છે. પા’ણાનાં ઓશીકાં કરે છે. ઈ દાઝનો માર્યો દીકરો આપણને ઠોંઠઠપલી કરે તો ખમી ખાઈએ, ભાઈ! એને માથે દુઃખનાં ઝાડ ઊગ્યાં છે.”
  • “કાઠી ! આખો દાયરો થંભી ગયો; અને મહારાજે લાખાને ખોળામાં બેસાડીને ઊલટું એના હાથની હથેળી પંપાળી એને પૂછ્યું કે ‘બાપ, તુંને વાગ્યું તો નથી ને ?’”
  • “કાઠી ! આવી રખાવટ રાખનારની સાથે હવે ક્યાં સુધી જુધ કરવાં છે ? આવાં દેવશત્રુને ખોળે તરવાર મેલી દેતાં ન લાજીએ. અને હવે હાલ્યા આવો, મહારાજના ભેરુ બનો.”
  • સમાચાર સાંભળતાં સાંભળતાં બહારવટિયાના હાથમાં બેરખો થંભી ગયો, એની આંખોને ખૂણે બે મોટાં આંસુડાં લટકી પડ્યાં. કાંઈ બોલ્યા વગર જ એ બેઠો રહ્યો. ચારેય કોર અંધારાં છવાઈ ગયાં.
  • ૧૯. ગાયોના નિસાપા
  • “આમાં વંશ ક્યાંથી રે’?”
  • બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો-ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટિયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. ત્યાં ગાયોને ચરતી મેલીને ભાણગાળેથી બીજે જ દિવસ ભાગી નીકળવું પડ્યું. ભાગતાં ભાગતાં ગીર વીંધીને બહાર નીકળ્યા. બીજા મુલકમાં ઊતરી ગયા. નાંદીવેલામાં ગાયો ઠાંસી છે એ વાતનું ઓસાણ પણ ન રહ્યું.
  • એક વરસ વીત્યે બહારવટિયા પાછા ભાણગાળે આવ્યા. જોગીદાસને ત્રણસો ધેનુઓ સાંભરી આવી. ઠાંસામાં આવીને જુએ ત્યાં ત્રણસો ગાયોનાં ખોખાં (હાડપિંજર) પડેલાં. ઠાંસેલી ગાયો ખડ પાણી વિના રિબાઈને મરી ગઈ હતી.
  • “બાપ ભાણ !”
  • “હાં, આપા !”
  • “અકેકાર થયો.”
  • “હોય, આપા ! બા’રવટાં છે.”
  • “બહુ દી બા’રવટાં ખેડ્યાં. બાપ ભાઈ બહુ મરાવ્યા. કણબીઓનાં ઘીંસરાં કરવામાં કાંઈ બાકી નથી રાખી. અઢાર સો હત્યાયું લીધી. અને આ ગાય માતાજીયુંને તગડવામાં તો ત્રાસ જ નહોતો રાખ્યો. વાછરુંને માતાઉંથી વછોડાવીને અનોધા નિસાપા લીધા. આમાં વંશ ક્યાંથી રે’શે ?”
  • “આપા, ઈ બધું સંભારો છો શીદ ?”
  • “સમસમ્યું રે’તું નથી એટલે સંભારું છું. ઠીક સંભારું છું. આટલાં પાપનો પોટલો બાંધવા છતાંય ખુમાણોમાંથી કોઈ પડખામાં ન આવ્યો. સાવરિયા ગરાસ માંડી માંડીને ભાડાની ગાડીયું હાંકવા લાગ્યા. કાકાઓને પોતપોતાનાં છ-છ ગામનું ગળપણ વા’લું થયું. હવે આપણે ક્યાં સુધી રઝળશું ? શો ફાયદો કાઢશું ? ઝલાશું તો કૂતરાને મોતે મરશું.”
  • “તયીં, આપા ! કેમ કરશું ? તરવાર છોડશું ?”
  • “હા.”
  • “તો હાલો, ભાવનગર.”
  • “ના, હેમાળે.”
  • “કાં ?”
  • “જોગીદાસની તેગ ભાવનગરના ધણીને પગે તો ન છૂટે. કૈલાસના ધણીને પગે છૂટશે.”
  • “હેમાળો ગાળવું ઠર્યું ?”
  • “હા. તે વગર આ પાપનો પાર નહિ આવે.”
  • ભાણ - વજ્ર છાતીવાળો ભાઈ - રોઈ પડ્યો. “આપા ! આપા !”
  • કહી ખોળે ઢળી પડ્યો.
  • “રો મા, બાપ ! મને રોક્ય મા. તું છોકરાંને ઓથ દેજે. ને હું મારા એકલાના નહિ, પણ આપણા સહુના મેલ ધોવા જાઉં છું. અને, ભાણ ! જોજે હો, જેબલિયાણી માની ને ભાઈ હીપા-જસાની સાર-સંભાળમાં મોળું કે’વરાવતો નહિ હોં ! બાપુનું ગામતરું છે.”
  • જોગીદાસ હિમાલયે ગળવા ચાલ્યા : જાણે એક હિમાલય બીજા હિમાલયને મળવા ચાલ્યો.
  • જોગીદાસ હેમાળે ગળવા ચાલ્યાની જાણ ભાવનગરમાં થઈ. મહારાજની સન્મુખ જ બહારવટિયાના દીકરા રમે છે. રાણીવાસમાં બહારવટિયાની રાણી બેઠી છે કે જેણે પંદર-પંદર વરસો થયાં, ધણીનું મોં જોયું
  • નથી. અને જોગીદાસ હેમાળામાં ગળ્યે તો ભાવનગરના વંશ ઉપર બદનામીનો પાર નહિ રહે !
  • મહારાજે બહારવટિયાને પાછો વાળવા માટે માણસો દોડાવ્યાં. ખુમાણ દાયરાને સંદેશો કહેવરાવ્યો કે “ઝટ આડા ફરીને આપાને પાછા વાળો, એને બોલે બહારવટું પાર પાડું.”
  • ખુમાણોને સાન આવી. આપાની પાછળ ઘોડાં દોટાવી મૂક્યાં. ગુજરાતની પેલી બાજુના સીમાડા પરથી આપાને પાછા વાળ્યા. જોગીદાસ બોલ્યા : “ભાઈયું ! હવે મડાને શા સારુ ઘરમાં લઈ જાવ છો ?”
  • માર્ગે જસદણમાં મુકામ કરેલ છે. ખુમાણ દાયરો ડેલીએ બેસીને કસુંબા કાઢે છે તે વખતે અંદરથી કહેણ આવ્યું કે “ગઢમાંથી આઈ સહુ ખુમાણભાઈઓનાં દુખણાં લેવા આવે છે.”
  • “ભલે, પધારો ! ખુમાણોનાં મોટાં ભાગ્ય !”
  • ધરતી ન દુભાય તેવાં ધીરાં ડગલાં દેતં વૃદ્ધ કાઠિયાણી ચોપાટમાં આવ્યાં. મોઢે એંશી-નેવું વરસની રેખાઓ અંકાઈ ગઈ છેઃ અંગ પર કાળું ઓઢણું છેઃ જોતાં જ જોગમાયા લાગે છેઃ મોંમાંથી ફૂલડાં ઝરે છે.
  • એક પછી એક સહુની ઓળખાણ ચાલી. આઈ પૂછતાં જાય કે “આ કોણ ?”
  • ‘આ ફલાણા ! ફલાણા !’ એમ જવાબ મળે છે અને આઈ દુખણાં લ્યે છે. એમ કરતાં કરતં આઈ બીજે છેડે પહોંચ્યાં, આઘેથી પૂછ્યું, “આ કોણ?”
  • ‘ઈ જોગીદાસ ખુમાણ ?’
  • “આ પંડ્યે જ જોગીદાસ ખુમાણ !”
  • આઈ એકીટશે જોઈ રહ્યાં. ઉગમણી દિશાએ બેસીને બહારવટિયો બેરખો ફેરવે છે. માથું નીચું ઢળ્યું છે. અંતરના ઊંડાણમાંથી ‘સૂરજ ! સૂરજ!’
  • એવા ધ્વનિ ઊઠે છે, ધ્વનિ સંભળાતા નથી, માત્ર હોઠ જ જરી જરી ફફડે છે. કાઠિયાણીએ જાણે કે આબુથી ઊતરી આવેલા કોઈ જોગંદરને જોયો.
  • “આપા !” દાયરામાંથી કોઈ બોલ્યું, “આપા ! આઈ તમારાં દુખણાં લેવા આવ્યાં છે.”
  • “ના, બાપ !” આઈ બોલી ઊઠ્યાં, “એનાં દુખણાં ન હોય, એ માનવી નથી, દેવ છે. લખમણજતિનો અવતાર છે. એને માથે હું હાથ ન અડાડું. એને તો પગે જ લાગીશ.”
  • છેટે બેસીને ત્રણ વાર આઈએ બહારવટિયાની સામે પોતાના મલીરનો પાલવ ઢાળી માથું નમાવ્યું.
  • જોગીદાસે તો સ્ત્રી દેખીને પોતાના મોં આડે ફળિયું નાખ્યું હતું. પણ આભાસે આભાસે આઈનો ઓળો ત્રણ વાર નમતો દેખાયો. અને ત્રણેય વાર જોગીદાસે સામું શિર નમાવ્યું.
  • છાતી પિગાળી નાખે એવો આ દેખાવ હતો. દાયરો આખો મૂંગો બની શ્વાસ પણ ડરતો ડરતો લેતો હતો. સહુને જાણે સમાધિ ચડી હતી.
  • એમાં આઈએ ચૂપકીદી તોડી. આખા દાયરા ઉપર એની આંખ પથરાઈ. સહુનાં મોં નીરખી નીરખીને એણે વેણ કાઢ્યાંઃ “ખુમાણ ખોરડાના ભાઈયું ! હું શું બોલું ? તમે ખોરડું સળગાવી દીધું. તમે કટંબ-કુવાડા થયા, તમે જૂથ બાંધીને આ જતિપુરુષને પડખે ઝૂઝી ન શક્યા, માડી ! તમને ઘરનો છાંયો વા’લો થઈ પડ્યો ! ચીભડાંની ગાંસડી છૂટી પડે તેમ આખુંય આલાનું પેટ નોખું નોખું થઈ ગયું ! અરે, તમે પોતપોતાની પાંચ-પાંચ ગામડી સાચવીને છાનામાના બેસી ગયા ? આ દેવ-અવતારીને એકલો બહારવટે રઝળવા દીધો? તમે કાંડે ઝાલીને જોગીદાસને શત્રુને હાથે દોરી દીધો ? પારકાએ આવીને ઠેઠ પેટમાં નો’ર પરોવી દીધા ત્યાં સુધીયે તમને કાળ ન ચડ્યો ?”
  • દડ ! દડ ! દડ ! આઈની આંખોએ આંસુ વહેતાં મેલ્યાં. છેલ્લું વેણ કહ્યુંઃ “બીજું તો શું બોલું ? પણ કાઠીને વળી ગરાસ હોતો હશે ? કાઠીના
  • હાથમાં તો રામપાતર જ રહેશે. અને ભાઈ ભોજ ખુમાણ ! કાઠી વંશના જે કટંબ-કુવાડા બન્યા હશે, તેનાં પાપ સૂરજ શૅ સાંખશે ? નહિ સાંખે.” એટલું કહીને આઈ ખોરડે ચાલ્યાં ગયાં. આંહીં દાયરો થંભી જ રહ્યો. જોગીદાસ કાકા ભમોદરાવાળા ભોજ ખુમાણના મોં પરથી વિભૂતિ ઊડી ગઈ. આઈની વાણીમાં એણે ભવિષ્યના બોલ સાંભળ્યા. દાયરાના મન ઉપરથી ગમગીનીનો પડદો તોડવા માટે ચારણે મોટે સાદે દુહો લલકાર્યો કે અંગરેજે મલક ઊંટાકીયો, મયણ કેતોક માણ, ત્રણે પરજું તોળિયું, (એમાં) ભારે જોગો ને ભાણ !
  • (અંગ્રેજોએ આવીને સોરઠ દેશ તોળી જોયો, આ ધરતી કેટલીક વજનદાર છે તપાસી જોયું. કાઠીઓની ત્રણે પરજોને તોળી જોઈ, એમાં ભાણ ને જોગીદાસ બે જણ વજનદાર નીકળ્યા.)
  • ર૦. પતાવટ
  • સામસામા બે શત્રુઓ બેઠેલા : વચ્ચે કસુંબાની કટોરી ઝલકે છે; પચીસ વરસનાં વેર એ બેય શત્રુઓની આંખમાંથી અત્યારે નીતરી ગયાં છે. વજેસંગ ઠાકોર અને જોગીદાસ ખુમાણ સમાધાન કરવા ભેળા થયા છે.
  • “લ્યો, આપા ! માગી લ્યો !” અંજલિમાં કસુંબો લઈ ઠાકોરે હાથ લંબાવ્યો.
  • “માંગી લેવાનું ટાણું તો ગિયું, મહારાજ ! આજ તો તમે આપો તે લઈ લેવું છે, માટે બોલી નાખો.” એમ કહીને બહારવટિયાએ ઠાકોરની અંજલિ પોતાના હાથે પકડી પોતાનું મોં નમાવ્યું.
  • “ત્યારે આપા ! એક તો કુંડલા.”
  • “કુંડલા ન ખપે, મહરાજ !” બહારવટિયાએ હાથ ઊંચો કર્યો.
  • ઠાકોર ચમક્યા. “આ શું બોલો છો, આપા ? કુંડલા સાટુ તો આ જંગ મચાવ્યો, અને હવે કુંડલા ન ખપે ?”
  • “ન ખપે. મહારાજ બોલ્યા એટલે હું માની લઉં છું કે કુંડલા મને પોગ્યું. પણ હવે મારું અંતર કુંડલા માથેથી ઊતરી ગયું છે. મારો બા મૂવો તે દી મહારાજે મોટેરો દીકરો બનીને મૂંડાવેલું. એટલે નાવલી-કાંઠો ભલે મોટેરાને જ રિયો. વળી બીજી વાત એમ છે કે કુંડલા વિષે મને વહેમ પડ્યો છે. ચારણનો દુહો છે કે
  • કીં થે તારા કુંડલા, ભડ વખતાને ભોગ્ય,
  • આલણકા આરોગ્ય, હોય નૈ કસળે હાદાઉ !
  • “આ દુહે મને વહેમમાં નાખ્યો છે. અરથ તો સવળો છે કે ‘હે હાદાના પુત્ર ! તારું કુંડલા વખતસિંહજી શી રીતે ભોગવશે ? હે આલણકા! એનાથી હેમખેમ કુંડલા નહિ ખવાય !’ પણ એથી ઊલટો અરથ પણ નીકળે છે. મારે કુંડલાને ટીંબે અમે નહિ ચડીએ. કુંડલા તો ભલે મહારાજને રિયું.”
  • “ત્યારે એક આંબરડી, કબૂલ છે ?”
  • “હા, બાપા ! આભરેભર્યું ગામ.”
  • “બીજું બગોયું.”
  • “એ પ કબૂલ : સોના સરખું.”
  • “એ બે તમને : વીરડી ને રબારીકું આપા ગેલાનાં છોરુંને.”
  • “બરાબર.”
  • “આગરિયા ને ભોકરવું આપા ભાણને.”
  • “વાજબી.”
  • “ઠવી ને જેજાદ ભાઈ હીપા-જસાનાં મજમું. થયા રાજી ?”
  • “રાજી.”
  • “કાંઈ કોચવણ તો નથી રહી જાતી ને, આપાભાઈ ? જોજો હો !જગત અમારી સો પેઢીને પણ ભાવનગરને અધરમી ન ભાખે.”
  • “ન ભાખે, બાપા. ભાખે એની જીભમાં કાંટા પરોવાય.”
  • “ત્યારે આપાભાઈ ! મને લાગે છે કે તમારા દીકરા તમારું ગઢપણ નહિ પાળે તો ?” ઠાકોર હસ્યા.
  • “તો આંહીં આવીને રહીશ, બાપા !”
  • “ના, ના આંહીંયે કદીક આ મારાં પેટ - અભુભા, નારુભા - પલટી જાય. આજે કોઈનો ભરોસો નહિ, કોઈની ઓશિયાળ નહિ. રાજ તમને જીરા૧ ખડિયાખરચી દાખલ આપે છે. જીવો ત્યાં સુધી ખાવ-પીઓ.”
  • ૧ આ જીરા વિષે એમ પણ બોલાય છે કે એ ખડિયાખરચી તરીકે નહિ પણ જોગીદાસના દીકરા લાખા હરસૂરની ધોતલીમાં અપાયેલું. કહેવાય છે કે આ જીરા ગામ જોગીદાસના વિદેહ પછી પણ એના વંશમાં ચાલુ રહેલું. ત્રીજી પેઢીએ એભલ ખુમાણના વખતમાં એ વંશનાં એક વિધવા બાઈએ પોતાને પિત્રાઈઓ ગરાસ ખાવા દેતા ન હોવાથી જીરા વિષેનો દસ્તાવેજ દરબારી અધિકારીને આપ્યો. અધિકારીએ જોયું કે જીરા તો ફક્ત જોગીદાસની હયાતી પૂરતું જ બક્ષાયેલું. એણે રાજ્યમાં જાહેર કરીને જીરા ખાલસા કરાવી દીધું. પૂછવા જતાં ગગા ઓઝાના રાજપુરુષે કહ્યું કે ‘જીરુ (જીરા)તો શાકમાં પડી ગયું !’
  • બહારવટિયો આભો બન્યો. જીરા ! ત્રીસ હજારની ઊપજ આપનારું જીરા ગામ ઠાકોરે ખડિયાખરચીમાં નવાજ્યું !
  • જોગીદાસે ઠાકોરના હાથમાંથી કસુંબો પીધો. સામી અંજલિ પિવરાવી. વસ્તીને વધામણી સંભળાવવા સહુ કચેરીમાં આવ્યા.
  • બહારવટિયાને શરણાગત નહિ પણ સમોવડિયો કરીને ઠાકોરે પોતાની સાથે અરધોઅરધ ગાદી પર બેસાર્યો અને બંદીજનોએ બેયને ત્રોવડ (સરખી તાકાવાળા) તરીકે બિરદાવ્યાં :
  • વજો અવરંગશા વદાં, દરંગો જોગીદાસ;
  • તણહાદલ અને વખતાતણ, આખડિયા ઓનાડ.
  • (બેમાંથી કોને વત્તો-ઓછો કહું ! વજો મહારાજ ઔરંગઝેબ જેવો વીર ને સામો જોગીદાસ પણ દુર્ગાદાસ જેવો : એક વીર વખત સિંહનો તનય, ને બીજો વીર હાદા ખુમાણનો તનય : બન્ને બહાદુરોએ સામસામાં યુદ્ધ ખેલી જાણ્યાં.)
  • એ બિરદાવળી સાંભળતાં વજેસંગજી ‘વાહ કવિરાજ !’ કહી મલકાય છે. જોગીદાસની સમોવડ ગણાવાનો એને શોચ નથી. મોટા મનનો ભૂપતિ રાજી થાય છે, ને જોગીદાસનાં ગુણગાન વધુ રૂડાં બને છે :
  • તું પાદર જૂના તણે, ફેસળીઓ ફોજે,
  • (તે દિ) બીબડિયું બંગલે, (તુંને) જોવે જોગીદાસિયા !
  • (હે જોગીદાસ ! તું જે દિવસે જૂનાગઢને પાદર ફોજ લઈને ચાલ્યો હતો, તે દિવસે તને બીબીઓ મોટા બંગલાની બારીઓના ચકમાં નયનો ભરી ભરી નીરખતી હતી.)
  • “સાંભળો, આપાભાઈ ! તમારાં શૌર્ય અને સ્વરૂપ કેવાં !” એમ કહીને સાગરપેટો ઠાકોર બહારવટિયાને હસે છે. પણ બહારવટિયાના કાન જાણે ફૂટી ગયા છે. માથું નમાવીને એ તો કચેરીમાંયે બેરખો જ ફેરવે છે. એટલીું જ બોલે છે કે “સાચું, બાપા ! ચારણો છે, તે ફાવે તેમ બિરદાવે.”
  • પણ બંદીજનો તો તે દિવસ ગાંડાતૂર બનેલા હતા. કવિતાનાં નીરમાં બહારવટિયાને તરબોળ બનાવવો હતો : દુહા રેલાવા લાગ્યા :
  • દત સુરત ટેકો દઈ, રાખીતલ પ્રજરાણ !
  • ખળભળતી ખુમાણ, જમીં જોગીદાસિયા !
  • (હે પરજોના રાજા ! કાઠીઓની પૃથ્વી ખળીભળીને નીચે પટકાઈ જવાની હતી, તેને દાન તથા શૌર્યનો ટેકો દઈને તું જ રાખતલ બન્યો.)
  • જોગો જોડ કમાડ, માણો મીતળપર ધણી,
  • ન થડક્યો થોભાળ, હુકળ મચીએ હાદાઉત.
  • (જોટાદાર કમાડ જેવો જોગીદાસ ! મીતિયાળાનો ધણી : યુદ્ધ મચતી વેળા જરાય ન થડક્યો !)
  • કરડ્યો કાંઉ થિયે, પરડોતરાં પ્રજરાણ !
  • ડસતલ તું દહીવાણ, ઝાંઝડ જોગીદાસિયા !
  • (બીજાં નાનાં સાપોલિયાં ડસે તેનાથી શું થવાનું હતું ? પણ ભાવેણાના નાથને તારા જેવો મોટો ફણીધર ડસ્યો ત્યારે જ એનું ઝેર ચડ્યું.)
  • જોગા ! જલમ ન થાત, ઘણમૂલા હાદલ ધરે,
  • (તો તો) કાઠી કીં કે’વાત, સામી વડ્ય સૂબા તણી.
  • (હે જોગીદાસ ! મહામૂલા હાદા ખુમાને ઘેર જો તારો જન્મ ન થયો હોત, તો કાઠી મોટા સૂબા મહારાજાનો સમોવડિયો ક્યાંથી લખાયો હોત ?)
  • અને ચારણોએ છેલ્લી શગ ચડાવી :
  • ધ્રુવ ચળે, મેરુ ડગે, મહદધ મેલે માણ,
  • (પણ) જોગો કીં જાતી કરે, ખત્રીવટ ખુમાણ !
  • (ધ્રુવ તારો ચલાયમાન થાય, મેરુનાં શિખર ડગે, મહોદધિ પોતાની મરજાદ મેલે તોપણ જોગો ખુમા પોતાની ક્ષત્રીવટ કેમ જાતી કરે ?)
  • બહારવટિયાની બિરદાવળ સાંભળી સાંભળી મહારાજ જાણે ધરાતા જ નથી. ચારણોને સામા હોંકારા પણ પોતે જ આપી રહેલ છે. શબ્દે શબ્દે પોતે બહારવટિયાની સામે મીટ માંડી રહે છે. જોગીદાસ એની નજરમાં જાણે સમાતો નથી. બહારવટિયાના ગુણવિસ્તારની સરખામણીમાં ગોહિલનો રાજવિસ્તાર નાનકડો લાગ્યો.
  • જ્યારે મહારાજનું દિલ આટલું ડોલી રહ્યું છે, ત્યારે બહારવટિયાના સૂના અંતરમાંથી તો આ બધી બિરદાવળ, પોયણને પાંદડેથી પાણી દડે તેમ દડી પડી. એના મુખડાની ગરવાઈ જરાય ઓછી ન થઈ. એ તો સૂરજના જાપમાં તલ્લીન છે. ને એને તો પોતાનાં પાતક સાંભરે છે. પોતાના મનવાને મારી મારીને એ પ્રાયશ્ચિત કરે છે.
  • મહારાજે ઈશારત કરી એટલે સભામાં રંગરાગ મંડાયા. સારંગીને માથે સુંવાળી કામઠીઓ અડીને અંદરથી કૂણા કૂણા સૂર ઊઠ્યા. સાથે સ્ત્રીઓનાં ગળાં ગળવા લાગ્યાં. નરઘાં ઉપર ઉસ્તાદની થાપી પડતાં તો રણણ ઝણણ ઘૂઘરા બોલ્યા અને કિન્નરકંઠી રાજરમણીઓનો મુજરો મંડાણો.
  • વજો મહારાજઃ કનૈયોલાલઃ રાસરાજનો જાણે અવતારઃ અને મારકુ વંશનો મોજીલો બેટડોઃ જેવો સંગ્રામમાં તેવો જ રસભોગમાંઃ વીણી વીણીને અમૂલખ વારાંગના તેડાવી હતીઃ કેમ કે આજ તો અનુપમ ઊજવણું હતુંઃ જોગીદાસનું બહારવટું પાર પડ્યું હતું. વારાંગનાનાં ગળાં ગહેકવા લાગ્યાં.
  • અને જોગીદાસે પીઠ દીધી. આંખો અધમીંચી હતી, તે પૂરેપૂરી બીડી દીધી. બેરખો તો હાથમાં ચાલી જ રહ્યો છે.
  • વજો મહારાજ કાંઈ સમજ્યા નહિ. એણે જાણ્યું કે બહારવટિયો દિશા બદલવાની કાંઈક વિધિ કરતો હશે. નાચ-સંગીત ખીલવા લાગ્યાં. કચારી જાણે ગણિકાઓના સૂરસરોવરમાં તરવા ને પીગળવા લાગી.
  • ઓચિંતા જોગીદાસે ઊઠીને ચાલવા માંડ્યુ. વજેસંગજીએ વિસ્મય પામીને પૂછ્યું : “આપાભાઈ ! આ શું ?”
  • “કાંઈ નહિ, બાપા ! રજા લઉં છું.”
  • “કાં ?”
  • “એટલે તમે સહુ નાચમુજરા નિરાંતે ચલાવો.”
  • “કાંઈ સમજાતું નથી, આપાભાઈ !”
  • “મારુવા રાવ ! તમે મારવાડ થકી આવો છો, તમારે પરવડે, પણ હું કાઠી છું. મારી મા-બોન્યું નાચે, ને ઈ હું બેઠો બેઠો જોઉં, એમ ન બને.”
  • “અરે, આપા ! આ મા-બેન્યું ન કે’વાય. આ તો નાયકાઉં. એનો ધંધો જ આ. ગણિકાઉં ગાય-નાચે એનો વાંધો ?”
  • “ગણિકાઉં તોયે અસ્ત્રીનાં ખોળિયાંઃ જનેતાના અવતારઃ જેના ઓદરમાં આપણે સહુ નવ મહિના ઊઝરીએ એ જ માતાજીનાં કુળઃ બધું એકનું એક, બાપા ! તમે રાજપૂત ઝટ નહિ સમજી શકો. પણ મને કાઠીને તો દીવા જેવું કળાય છે.”
  • નાચમુજરા બંધ કરવામાં આવ્યા.૧
  • ૧. જોગીદાસે આ પ્રસંગે પોતાની આંખો ફોડવા માંડેલી તેવી હકીકત અનુચિત લાગતાં આ આવૃત્તિમાંથી કાઢી નાખી છે.
  • મહારાજાએ બહારવટિયાના જોગ પૂરેપૂરા નીરખ્યા. અંતર ઓળઘોળ થઈ જવા લાગ્યું. જોગીદાસ જીવ્યા ત્યાં સુધી એને ઠાકોરે પોતાના ભાઈ કરી પાળ્યા.
  • અન્ય સંભળાતા પ્રસંગો :
  • કવિશ્રી ન્હાનાલાલ એક પ્રસંગ એમ સંભળાવે છે કે ગાયકવાડ તથા ભાવનગર રાજી વચ્ચે સીમાડાની મોટી તકરાર હતી. કેમેય ગૂંચ નીકળે નહિ. બન્ને રાજ્યોને એમ સૂઝ્‌યું કે જોગીદાસ બહારવટિયો સતવાદી છે, સીમાડાનો અજોડ માહેતગાર છે. એ ખરો ન્યાય તોળશે. માટે એને જ આ તકરારનો ફડચો સોંપાયો હતો. સતવાદી બહારવટિયાએ ભાવનગરની સામે કારમું વેર ચાલતું હતું છતાં સત્ય ભાખ્યુંઃ ફડચો ભાવનગરનાં લાભમાં ગયો. એ પ્રસંગના ગુલતાનમાં બહારવટિયાને તેડાવવામાં આવ્યો હતો, અને તે વખતે આ ઘટના બની હતી. કવિશ્રી એમ કહે છે કે જોગીદાસે તે વખતે જમૈયો ખેંચી પોતાની આંખો ફોડી નાખવા તૈયારી કરી હતી. આગલી આવૃત્તિઓમાં એ વર્ણવ્યું હતું, પણ વધુ વિચાર કરતાં એવું વર્તન અત્યુક્તિભર્યું લાગતાં કાઢી નાખ્યું છે.
  • શ્રી ધીરસિંહજી ગોહિલ લખી જણાવે છેઃ
  • જ્યારે ઠાકોર અને જોગીદાસ કસુંબો લેવા ભેળા થઈને તંબૂ બહાર બેઠા હતા, ત્યારે ઓચિંતો એક સાપ નીકળ્યો. બધા એ સાપને દેખી ભાગ્યા. ફક્ત જોગીદાસ બેઠા રહ્યા. સાપ જોગીદાસ તરફ ચાલ્યો.
  • ઠાકોર કહે, “જોગીદાસ ભાગો !”
  • બહારવટિયો કહે, “ના, મહારાજ ! આપ દેખો તેમ મારે સાપોલિયાથી ડરીને તગ ! તગ ! ભાગવું ન પરવડે !”
  • પલોંઠી ઠાંસીને બહારવટિયો બેસી રહ્યો. સાપ એના શરીર પર ચડ્યો. માથા ઉપર ફેણ લઈ ગયો. પછી ઊતરીને ચાલ્યો ગયો. જોગીદાસ જેમ-ના તેમ બેઠા રહ્યા.
  • ઐતિહાસિક કથાગીત : બૅલડ
  • આ ગીત રચનાર ચારણ કોણ, તે નથી જાણી શકાયું. ભાવનગર
  • રાજના આશ્રિત હશે એમ લાગે છે. ભાવનગરના રાજકવિ શ્રી પીંગળશીભાઈના જૂના ચોપડામાંથી એમના સૌજન્યથી આ પ્રાપ્ત થયું છે.
  • પર ચડિયો જે દી જોગડો પીઠો,
  • આકડિયા પાગે અરડીંગ;
  • જરદ કસી મરદે અંગ જડિયા,
  • ન્ક।સમવડિયા
  • અડિયા તરસીંગ. (૧)
  • (જોગીદાસ ને પીઠો ખુમાણ યુદ્ધમાં ચઢ્યા. શૂરવીરો ખડ્‌ગ લઈ આફળ્યા. મરદોએ અંગ પર બખ્તર કસ્યાં. બરોબરિયા સિંહોએ જાણે જંગ માંડ્યો. (સિંહોને ‘તરસીંગ’ ત્રણ શીંગડાંવાળા કહેવામાં આવે છે.)
  • જુધ કરવા કારણ રણ ઝૂટા,
  • સાંકળ તોડ્ય બછુટા સિંહ,
  • માંડે ખેધ બેધ ખુમાણો,
  • લોહ તણો સર જાણે લીંહ. (ર)
  • (યુદ્ધના કારણે બહારવટિયા રણમાં ધસ્યા. જાણે સિંહ સાંકળ તોડીને વછૂટ્યા. ખુમાણોએ મરણિયા થઈ વેર માંડ્યું. જાણે એ તો લોઢા ઉપર આંકેલી લીંટી ! ભૂંસાય જ નહિ.)
  • કસંપે ખોયા મલક કાઠીએ
  • કરિયો ઘરમાં કટંબ-કળો,
  • સાવર ને કુંડલપર સારુ,
  • વધતે વધતે વધ્યો વળો. (૩)
  • (પરંતુ કાઠીઓએ કુસંપને કારણે મુલક ખોયો. ઘરની અંદર જ કુટુંબકલહ કર્યો. સાવર ને કુંડલા માટે વેર વધવા જ લાગ્યાં.)
  • મત્ય મૂંઝાણી દશા માઠીએ,
  • કાંઠી બધા ચડ્યા કડે,
  • ચેલો ભાણ આવિયા ચાલી,
  • જોગો આવધ અંગ જડે. (૪)
  • (પણ માઠી દશાને લીધે તેઓની મતિ મૂંઝાણી. કાઠીઓ બધા હઠે ચડ્યા. જસદણનો ચેલો ખાચર અને ભડલીનો ભાણ ખાચર આવ્યા. તે વખતે જોગીદાસ અંગ પર આયુધ કસતો હતો.)
  • વેળા સમો ન શકિયા વરતી,
  • ફરતી ફોજ જેતપુર ફરંગાણ,
  • ભાયું થિયા જેતપુર ભેળા,
  • ખાચર ને વાળા ખુમાણ. (પ)
  • (કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોમેર અંગ્રેજોની ફોજ ફરતી હતી. છતાં બધા ભાઈઓ જેતપુરમાં ભેળા થયા. ખાચર, ખુમાણ ને વાળા ત્રણેય.)
  • વહરા તસર સિંધુ વાજિયા,
  • સજિયા રણ વઢવા ભડ સોડ,
  • પાવરધણી બધા પરિયાણે,
  • મૂળુને સર બાંધો મોડ. (૬)
  • (ઘોર સિંધુડાના રાગ વાગ્યા, સુભટો રણમાં વઢવા માટે સજ્જ થયા. પાવરના સ્વામીઓ (એટલે કે પાવર પ્રદેશમાંથી આવેલા કાઠીઓ) બધાએ પ્રયાણ કર્યું કે કાકા મૂળુ વાળાના શિર પર સરદારીની પાઘ બંધાવીએ.)
  • મૂળુ સાચો અખિયો માણે,
  • જાણે કોય ન ખાવે ઝેર,
  • ફરતો ફરે મેરગર ફરવો,
  • વજમલસું આદરવો વેર. (૭)
  • (મૂળુ વાળાએ સાચી સલાહ આપી કે ભાઈ, મેરુની પ્રદક્ષિણા કરવી જેટલી મુશ્કેલ છે, તેટલું જ વિકટ વજેસંગ સાથે વેર આદરવાનું છે.)
  • હેક વચન સાંભળ તણ-હાદા !
  • નર માદા થઈ દીઓ નમી,
  • પડખા માંય કુંપની પેઠી,
  • જાવા બેઠી હવે જમીં. (૮)
  • (હે હાદાના તનય ! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમ કે હવે ભાવનગરના પડખામાં અંગ્રેજોની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.)
  • બરબે હાદા-સતણ બોલિયો,
  • કાકા, ભીંતર રાખ કરાર,
  • જોગો કહે કરું ધર જાતી,
  • (તો) વંશ વાળા લાજે અણવાર. (૯)
  • (હાદા-સુતન જોગીદાસ ઉશ્કેરાઈને બોલ્યો કે હે કાકા, તું હૃદયમાં ખાતરી રાખજે. હું જોગીદાસ જો ધરતી જવા દઉં તો તો અત્યારે આપણો અસલ વાળા ક્ષત્રિયોનો વંશ લાજે.)
  • મૂળુ કને આવિયા માણા,
  • કો’ મુંઝાણા કરવું કેમ,
  • વાળો કહે મલકને વળગો,
  • જેસા વેજા વળગ્યા જેમ. (૧૦)
  • (જેતપુર મૂળુ વાળાની પાસે માણા (કાઠીઓ) આવ્યા. પૂછ્યું કે કહો, હવે શું કરીએ ? વાળાએ કહ્યું કે જેસા-વેજા જેમ બહારવટે નીકળી દેશને ધબેડતા તેમ તમે પણ ધબેડો.)
  • મરદાં સાજો થાવ હવ્ય મોટી !
  • આંટી પડી નકે ઉગાર,
  • અધિપતિઓના મલક ઉજાડો,
  • ઘાડાં કરીને લૂંટો ધરાર. (૧૧)
  • (હે મરદો, હો બહાદુર થઈને સાજ સજો. હવે એવી આંટી પડી છે કે ઉગાર નથી; હવે તો રાજાઓના મુલકને ઉજ્જડ કરો. ધાડ પાડીને ધરાર લૂંટો.)
  • એ કથ સુણી ભરિયા ઉચાળા,
  • ગરના ગાળામાંય ગિયા.
  • વાંસેથી ખાચર ને વાળા,
  • રાળા ટાળા કરી રિયા. (૧ર)
  • (જેતુર મૂળુ વાળાનું આવું કથન સાંભળીને ખુમાણોએ ઉચાળા ભર્યા. ભરીને ગીરની ખીણોમાં ગયા. પણ પાછળથી ખાચરો અને વાળાઓ ખટપટ કરવા લાગ્યા.)
  • પરથમ એ ખૂટામણ પેઠું,
  • બેઠું સહુ ગ્રહી ઘરબાર,
  • જોગો કરે ખત્રવટ જાતી,
  • (તો) ભૂવણ શેષ ન ઝીલે ભાર. (૧૩)
  • (પ્રથમ જ ખુટામણ પેઠું. બધા પોતાનાં ઘરબાર ઝાલીને બેસી ગયા. ફક્ત એક જોગીદાસે કહ્યું કે જો હું ક્ષત્રીવટ જાતી કરું, તો તો શેષનાગ પૃથ્વીનો ભાર ન ઝીલે.)
  • જૂસણ કસીઆ જોધ જુાવણે,
  • ખૂમાણે સજિયા ખંધાર,
  • પૃથ્વી કીધી ધડે પાગડે,
  • બાધે દેશ પડે બુંબાડ. (૧૪)
  • (જુવાન જોદ્ધાઓએ બખ્તરો કસ્યાં. ખુમાણોએ અશ્વો સજ્યા. પૃથ્વીમાં નાસભાગ કરાવી મૂકી. આખા મલકમાં બૂમ પડી.)
  • દીવ અને રાજુલા ડરપે,
  • શેષ ન ધરપે હેઠે રાસ,
  • આવી રહે અચાનક ઊભો,
  • દી ઊગે ત્યાં જોગીદાસ. (૧પ)
  • (દીવ અને રાજુલા શહેરો ડરે છે. શેષનાગ જાણે કે નીચો શ્વાસ નથી મેલી શકતો દિવસ ઊગે છે ત્યાં ઓચિંતા આવીને જોગીદાસ ઊભો રહે છે.)
  • આઠે પહોર ઉદ્રકે ઊના,
  • ઘર જૂના સુધી ઘમસાણ,
  • પાટણરી દશ ધાહ પડાવે,
  • ખાગાં બળ ખાવે ખુમાણ. (૧૬)
  • (ઊના શહેર આઠે પહોર ઉચાટમાં રહે છે. જૂનાગઢ સુધી ઘમસાણ બોલ છે. પાટણની દિશામાં પણ બહારવટિયા પોકાર પડાવે છે. તરવારના જોરે ખુમાણો ખાય પીએ છે.)
  • એ ફરિયાદ વજા કને આવી,
  • અછબી ફોજ મગાવી એક,
  • લૂંટી નેસ નીંગરુ લીધા,
  • ત્રણ પરજાંરી છૂટી ટેક. (૧૭)
  • (આવી ફરિયાદ વજેસંગની પાસે આવી. એણે એક મોટી ફોજ મગાવી. કાઠીઓનાં નેસડાં ઉચાળા લૂંટી લીધા. કાઠીઓની ત્રણેય શાખાઓની ટેક છૂટી ગઈ.)
  • ભૂખ્યા ગિરે ડુંગરે ભમિયા,
  • સોહડ જોખમિયા ભાઈયાં શાથ.
  • ગેલો હાદલ ચાંપો, ગમિયા,
  • નમિયા નહિ ખુમાણા નાથ. (૧૮)
  • (બહારવટિયા ભૂખ્યા ભૂખ્યા ગીરનાં ડુંગરામાં ભમ્યા. બહુ જોખમો ખમ્યાં. ગેલો ખુમાણ, હાદો ખુમાણ ચાપો ખુમાણ વગેરેના જાન ગુમાવ્યાં છતાં પણ ખુમાણોનો નાથ જોગીદાસ ન નમ્યો.)
  • ઠેરોઠેર ભેજીઆં થાણાં,
  • કાઠી ગળે ઝલાણા કોય,
  • જસદણ અને જેતપર જબદી,
  • ડરિયા મૂળુ ચેલો દોય. (૧૯)
  • (વજેસંગે ઠેર ઠેર થાણાં મોકલ્યાં. કાઠીઓની ગરદન ઝલાઈ ગઈ. જેતપુર અને જસદણ પર પણ જપ્તી આવી એટલે મૂળુ વાળો અને ચેલો ખાચર બન્ને ડરી ગયા.)
  • મૂળુ ચેલો બેય મળીને,
  • અરજ કરી અંગ્રેજ અગાં,
  • વજો લે આવ્યો સેન વલાતી,
  • જાતી કણ વધ રહે જગ્યા. (ર૦)
  • (મૂળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસંગ ઠાકોરે વિલાયતી સેના, એટલે કે આરબોની સેના, ઉતારી. તો હવે અમારો ગરાસ શી રીતે રહેશે ?)
  • અંગરેજે દીધો એમ ઉત્તર,
  • સૂતર ચાલો છોડ સ્વભાવ,
  • આશા કરો જો ગરાસ ઉગરે,
  • (તો) જોગીદાસ લે આવો જાવ. (ર૧)
  • (અંગ્રેજે આવો ઉત્તર દીધો કે તમે તમારો લૂંટારુ સ્વભાવ છોડીને સીધા ચાલો. ને જો ગરાસ ઉગારવાની આશા રાખતા હો તો જાઓ, જોગીદાસને લઈ આવો !)
  • જોગા કને ગિયા કર જોડી,
  • ચેલો મૂળુ એમ ચવે,
  • ચરણે મનો વજાને ચાલો,
  • (નીકર) હાલો પાવર દેશ હવે. (રર)
  • (ચેલો ને મૂળુ જોગીદાસ પાસે જઈ, હાથ જોડી કહે છે કે કાં તો તમે વજેસંગને ચરણે નમો. નીકર ચાલો પાછા આપણા પૂર્વજોના વતન પાવર દેશમાં. કેમ કે આંહીં આપણને રહેવા નહિ આપે.)
  • જોગીદાસે મનમાં જાણ્યું,
  • તાણ્યું વેર ન આવે તાલ,
  • આવ્યો શરણે વજો ઉગારે,
  • મારે તોય ધણી વજમાલ. (ર૩)
  • (જોગીદાસે મનમાં વિચાર્યું કે હવે વધુ વેર તાણવામાં ફાયદો નથી. વજેસંગજીને શરણે જ જઈએ, ઉગારશે ને કદાચ મારશે તો પણ માલિક છે.)
  • ખાળા ચાળા મેલ્ય ખુમાણે,
  • વાળાનો લીધો વિશવાસ,
  • કૂડે દગો કાઠીએ કીધો
  • દોરી દીધો જોગીદાસ. (ર૪)
  • (ખુમાણોએ તોફાન મૂકીને વાળા (મૂળુ)નો વિશ્વાસ કર્યો. કાઠીએ (મૂળુએ ને ચેલાએ) જૂઠું બોલીને દગો દીધો. જોગીદાસને દોરી જઈ શત્રુના હાથમાં સોંપી દીધો.)
  • જોગો ભાણ કહે કર જોડી,
  • કરડી દેખી પરજ કજા,
  • ગજરી વાર કરી ગોવિંદે,
  • વાર અમારી કર્યે વજા. (રપ)
  • (ભાણ જોગીદાસે હાથ જોડીને કહ્યું કે, હે વજેસંગજી ! અમારી પરજની (જ્ઞાતિની) કુટિલતા અમે જોઈ લીધી. હવે તો ગજની વહાર જેમ ગોવિંદે કરી હતી, તેમ તું અમારી વહાર કર.)
  • મોટા થકી કદી ન મરીએ,
  • અવગણ મત કરીએ અતપાત,
  • માવતર કેમ છોરવાં મારે,
  • છોરુ થાય કછોરુ છાત. (ર૬)
  • (હે મહરાજા ! ભલે અમે અવગુણો કર્યા છે, છતાં મોટા દિલના પુરુષને હાથે અમને મરવાની બીક નથી. છોરુ કછોરુ થાય પણ માવતર છોરુને કેમ મારે ?)
  • અવગણ તજી લિયા ગુણ અધપત,
  • મહેપત બાધા અમે મણે,
  • જોગીદાસ વલ્યાતે જાતો,
  • તે દી રાખ્યો વખત તણે. (ર૭)
  • (અધિપતિએ - રાજાએ - અવગુણ તજીને ગુણ લીધો. અને આજે બધા રાજાઓ એમ કહે છે કે, જોગીદાસને તે દિવસે અંગ્રેજના હાથમાં ચડીને વિલાયત જતો બચાવનાર તો વખતસિંહના પુત્ર વજેસંગ જ હતા.)
  • પીડ ખુમાણાં તણી પિછાણી,
  • ધણીઅત જાણી વડા ધણી,
  • મારૂ રાવ ! વજો મહારાજ !
  • તું માજા હિન્દવાણ તણી. (ર૮)
  • (તેં ખુમાણોની પીડા પિછાની; અને હે સમર્થ માલિક ! તેં તારો સ્વામી ધર્મ સમજી લીધો. હે મારુ (મારવાડથી આવેલા સેજકજીના વંશજ) રાવ ! હે વજેસંગ મહારાજ ! તું હિન્દુઓની શોભારૂપ છે.)
  • ઇતિહાસમાં સ્થાન
  • સૌરાષ્ટ્ર વિષેનાં ઐતિહાસિક પુસ્તકો પૈકી ફક્ત નીચેનાં બેમાં આટલો
  • જ ઉલ્લેખ છે. અને તેટલાની પણ પ્રમાણિકતા અચોક્કસ છે, કેમ કે એણે ભાવનગર રાજ્યના જ એક અહેવાલનો આધાર લીધો છે.
  • કૅપ્ટન બેલનું કથન
  • (‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાંથી)
  • પાનું ૧૬૮ઃ હવે વખતસિંહજીનું ધ્યાન કુંડલાના મામલા તરફ ખેંચાયું. એ મહાલ આલા ખુમા નામના કાઠીના હાથમાં હતો. આલાને છ દીકરા હતા; ભોજ, મૂળુ, હાદો, લૂણો, સૂરો ને વીરો : ઈ.સ. ૧૭૮૪માં આલો ખુમાણ મરી ગયો ત્યારે ગરાસની વહેંચણીમાં છયે ભાઈઓને ટંટો થયો. એમાંના ભોજ ખુમાણને એમ લાગ્યું કે ખાસ કરીને વહેંચણીમાં એને જ નુકસાની ગઈ. તેથી તેણે વખતસંગજીની પાસે જઈને અમુક હક્કો રાખીને પોતાના ભાગનો બધો ગરાસ સોંપી દીધો. સોંપીને એ કુંડલે પાછો આવ્યો. ત્યારે આવું આચરણ કર્યાને કારણે પોતાના બધા ભાઈઓ પોતાને મારી નાખવા તૈયાર દીઠા. ભોજ ખુમાણે મદદ માટે ભાવનગરની પાસે માગણી કરી. અને વખતસિંહજીએ કુંડલા શહેરનો કબજો લેવા અને ભોજ ખુમાણના હિતના રક્ષણ સારુ ફોજ મોકલી. પણ બાકીના પાંચ ભાઈઓ જૂનાગઢ ગયા અને ભોજ ખુમાણે જે લાલચો વખતસિંહ ગોહિલને આપેલી તે જ લાલચો નવાબ હામદખાનને આપી, તેના ભાઈ મૂળુ ખુમાણ સામે સહાય માગી. નવાબે પણ કુંડલા ફોજ મોકલી એને પણ મૂળુ ખુમાણે હાંકી મૂકી.
  • હવે, જૂનાગઢ તો અમરજીના મૃત્યુ પછી અંધાધૂંધીમાં પડ્યું હતું. તેથી નવાબને ફરી વાર હલ્લો કરવાના સંજોગો નહોતા. તેથી ઈ.સ. ૧૭૯૦માં વખતસિંહજીને લાગ્યું કે કુંડલા માથે ફોન લઈ જઈ ત્યાં પોતાની આણ સ્થાપવાની તક છે. ભોજ સિવાયના બીજા તમામ ભાઈઓએ એનો સામનો કરવાનું નક્કી કર્યું અને બે દિવસની ઉગ્ર લડાઈ પછી કાઠીઓએ રાતને વખતે સામે હલ્લો કર્યો; પરંતુ વખતસિંહજીને આ વાતની જાણ થઈ ગઈ હતી, તેથી તેણે કાઠીઓને પાછા હાંક્યા. ને બીજી બાજુ તેઓને પાછા કુંડલે પહોંચતા અટકાવવા માટે એક સૈન્ય મોકલ્યું, આ યુદ્ધકૌશલના પરિણામે કાઠીઓ નોખનોખી દિશામાં નાસી છૂટ્યા. અને વખતસિંહજી કુંડલામાં દાખલ થયા.
  • થોડા દિવસમાં જ કાઠીઓ મીતિયાળે ભેળા થયા ત્યાં જૂનાગઢની નાની ફોજ પણ તેઓની મદદે પહોંચી. પરંતુ કુંડલા હાથ કરવા માટે આ એકત્રિત સેના પણ પૂરતી નહોતી અને બીજી બાજુ વખતસિંહજીએ કાઠીઓની આનાકાની પારખીને પોતે જ સામાં પગલાં ભર્યાં. મીતિયાળા પર કૂચ કરી, અને ત્યાં પણ કુંડલાની માફક જ ફતેહ મેળવી કુંડલા અને લીલિયા બન્ને બકજે કર્યાં.
  • પાનું ૧૯૯ઃ ઈ.સ. ૧૮૧૬માં વખતસિંહજીનું મૃત્યુ થતાં કાઠીઓએ પોતાનો મોટો કાળ ગયો માન્યો. અને ૧૮ર૦માં કુંડલાના ખુમાણ કાઠીઓએ હાદા ખુમાણની સરદારી નીચે બાબરિયાધાર અને બારબટાણા ગામ બાળ્યાં, અને મીતિયાળા તથા નેસડી લૂંટ્યાં. આ સાંભળીને કુંડલા મુકામના ભાવનગરી ફોજના સરદારે અમરેલી તથા લાઠીની ફોજની મદદથી કાઠી પર ચડાઈ કરી. પરંતુ કાઠીઓ છટકીને ગીરનાં આશ્રયસ્થાનોમાં ચાલ્યા ગયા. એમાંથી હાદા ખુમાનો દીકરો ગેલો ખુમાણ પાછળ રહી ગયો, એણે આંબા ગામમાં આશ્રય લીધો. અને ત્યાં લાઠીની ફોજ સાથે યુદ્ધ થતાં એ ગોળીથી ઠાર થયો.
  • પાનું ૧૯૯ઃ દીકરા ગેલાના મોતની વાત સાંભળી હાદા ખુમાણે કુંડલ તાબાના વંડા ગામ પર હુમલાની ગોઠવણ કરી. ૧૯ર૧માં વંડા ભાંગ્યું, પણ લૂંટનો માલ લઈને ગીર તરફ નાસતાં ડેડાણ પાસે તેઓને કુંડલાવાળી કાળા ભાટની ફોજ આંબી ગઈ. કાઠીઓ હાર્યા. લૂંટનો માલ મૂકીને નાઠા. નાસતાં નાસતાં જોગીદાસ ખુમાણનો દીકરો માણસૂર ખુમાણ ગોળી ખાઈને પડ્યો અને એનો ભાઈ લાખો ઘવાયો. આવી જાતના પરાજયો અને નુકસાનોથી રોષે ભરાયેલા બહારવટિયા ફરી પાછા વધુ ને વધુ હઠીલાઈથી તેમ જ ઝનૂનથી આવીને કુંડલા પ્રદેશમાં લૂંટફાટ કરવા લાગ્યા. એથી દેશમાં એટલી બધી મુસીબતો વધી કે ઈ.સ. ૧૮રરમાં કેપ્ટન બાર્નવેલ નામનો પોલિટિકલ એજન્ટ એક સૈન્ય લઈને અમરેલી ગયો. અને વજેસંગજી ગોહિલને તથા બીજા તમામ પાડોશી રાજાઓને મળવા તેડાવ્યા, બહારવટિયાનો નાશ કરવા માટે તેમનો સહકાર માગ્યો અને સુલેહ જાળવવામાં તથા ગુનેગારોને સજા કરવામાં તેઓને પોતે બનતી સહાય આપવા વચન દીધું.
  • આ પરથી વજેસંગજી ઠાકોર આ આક્રમણકારીઓને ઘેરી લેવાની પેરવી કરવા માટે કુંડલા ગયા. ત્યાં એને માલુમ પડ્યું કે ખુમાણોને તો જેતપુર ચીતળના વાળાકાઠીઓ ચડાવે છે અને મદદ કરે છે. એણે આ વાત કૅ. બાર્નવેલને લખી. એણે વાળા સરદારોને બોલાવ્યા. તેઓએ આ વાતનો ઈન્કાર કર્યો. છતાં તેઓના જામીન લેવાયા.
  • આટલું થયું ત્યાં તો ખુમાણોએ ભાવનગરનું જૂનવદર ગામ ભાંગ્યું, અને ઢોર ઉપાડી ગયા. તેઓનો પીછો લેવાયો. જેતપુર કાઠીનાં ઘુઘરાળા અને વાલરડી ગામમાં તેઓ સંતાયા હોવાનું માલૂમ પડ્યું. વજેસંગજીને ખબર પહોંચ્યા, અને એણે કુંડલાથી મોટી ફોજ મોકલી, રાતોરાત ૩૬ માઈલ ચાલીને ફોજ પ્રભાતે ઓચિંતી વાલરડી આવી, અને જોગીદાસના બે દીકરા હરસૂર તથા ગોલણને તેમ જ દીકરી કમરીબાઈને કબજે કર્યાં.
  • પછી તુરત ફોજ ઘુઘરાળે ગઈ, પણ મોડું થઈ ગયું હતું. હાદા ખુમાણ સિવાયના બીજા તમામ ભાગી ગયા. હાદા ખુમાણે તાબે થવા ના પાડી, એથી એને મારી નાખી એનું માથું વજેસંગજીને મોકલી દેવામાં આવ્યું.
  • એે કૅ. બાર્નવેલને ખબર આપ્યા. જેતપુર કાઠીઓની આ બહારવટામાં સામેલગીરી હોવાની સાબિતીઓનો હવે કાંઈ અભાવ નહોતો. તેઓને તેડાવીને કે. બાર્નવેલે કેદમાં નાખ્યા. પછી એવી શરતે છોડ્યા કે તેઓએ બાકી કરેલા ખુમાણ બહારવટિયાને પકડીને વજેસંગજીને સોંપવા ૧૮ર૪માં ભાવનગર લઈ ગયા. વજેસંગજી સાથે વિષ્ટિ ચાલી, પણ કાંઈ સમાધાની ન થવાથી આ હામીઓ ખુમાણોને લઈ પાછા પોતાને ગામ ગયા.
  • પાનું ર૦૧ઃ વજેસંગજીના મનની આવી ડામાડોળને પરિણામે ફરી વાર વર્ષને અંતે ખુમાણો બહારવટે નીકળ્યા, અને ભાવનગરનું ગામ જેસર ભાંગ્યું. મહુવા ને કુંડલાની સિબંધી આ ખૂનીઓની પાછળ છેક મીતિયાળા સુધી પહોંચી ને ત્યાં ચાંપો ખુમાણ કામ આવ્યો. બાકીના બધા ગીરમાં નાસી ગયા અને ભાવનગરની ફોજને પાછા વળવું પડ્યું.
  • પાનું ર૦પઃ જોગીદાસ ખુમાણે હવે ભાવગર શહેરને જ લૂંટવાનો નિરધાર કર્યો. પાલિતાણા જઈને એણે જૂનાગઢ તથા ભાવનગર રાજના બહારવટિયાઓની ફોજ તૈયાર કરી. તેમાં હાલારિયાના ઓઘડ માત્રો પણ હતા. પાલિતાણા દરબાર કાંધાજીએ માણસો તેમજ સાધનોની મોટી મદદ કરી. પૂરતી ફોજ લઈને જોગીદાસે નાગધણીંબા ગામ પર પડી ગામ બાળ્યું. પણ પછી ભાવનગર લૂંટવાનો ઈરાદો છોડી દઈને પાછો વળ્યો ને માર્ગે આવ્યાં તે બધાં ગામને લૂંટતો તથા મોલાતનો નાશ કરતો ગયો.
  • વજેસંગજીએ કાઠીઓનો રસ્તો રૂંધવા એક ફોજ પાલિતાણે મોકલી. પોતે ચારસો માણસોની ફોજ લઈ લૂંટારાઓની પાછળ ચડ્યા, અને શેત્રુંજી કાંઠે ટીમાણિયા ગામ પાસે આવ્યા. આંહીં એક સામસામું યુદ્ધ મંડાયું, જેમાં કાઠીઓ હાર્યા, પણ પોતાની નિત્સની યુક્તિ મુજબ તેઓ વીખરાઈને બીજી લૂંટની તૈયારીઓ કરવા ગીરમાં ચાલ્યા ગયા.
  • ગીરમાં જોગીદાસ આળસુ બનીને પડ્યો ન રહ્યો. થોડા જ મહિના પછી એ ફોજ લઈને નીકળ્યો અને હળિયાદ ઉપર ચડ્યો. ફરી પાછી સિહોરની ફોજ મોકલવામાં આવી પણ એ જોગીદાસને ન પકડી શકી. સમઢિયાળા પાસે તો ભાવનગરની ફોજ આંબી ગઈ. છતાં લૂંટનો માલ રોકવા જેટલી પણ એ ફોજ ફાવી નહિ.
  • ૧૮ર૭ઃ ખુમાણોએ ફરી વાર ભાવનગરના પ્રદેશ પર હુમલો કર્યા. સિહોર લૂંટ્યું. ત્યાં રહેતા થાણાને હરાવ્યું. પણ તે પછી ટાણાથી મોકલાયેલી ફોજને હાથે તેઓએ હાર ખાધી. ટાણાની ફોજે તેઓને પાલિતાણા સુધી તગડ્યા.
  • ઉપરાઉપરી થતા આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા. સાચા જિગરથી એને સુલેહ કરવાની ઈચ્છા થઈ. એટલે એણે કાઠીઓ પાસે કહે મોકલાવ્યું કે “જો તમે ભાવનગર આવો તો ફરી વાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું.”
  • કાઠીઓ કબૂલ થયા. એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી ૧૯ર૯માં કરારો નક્કી થયા. તેમાં કાઠીઓએ નેસડી, જીરા, વીજપડી, ભીમોદરા, મીતિયાળાનો અમુક હિસ્સો, પોતે રાજ્યને નુકસાન કરેલું તેના બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું. આ કરારો મુંબઈ સરકારના પોલિ. એજન્ટ મિ. બ્લેર્નેને મોકલ્યા અને તે મંજૂર થયા.
  • કિનકેઈડનું કથન
  • (‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકાંથી)
  • પ્રકરણ ર : પાનું ૧પ : કાઠિયાવાડના બહારવટિયાના મેં ત્રણ વિભાગ પાડ્યા છે : એ ગીરાસિયા બહારવટિયા, બીજા વાઘેરો અને ત્રીજા મિયાણા. પહેલા વિભાગમાં ઘણાં જાણીતાં નામો ગણાય છે, કે જેમાં એક નાજા વાળો. (એ નાજા વાળાને એક દુહામાં, વરસાદની ગર્જના સાંભળી પોતાનો કોઈ હરીફ ગર્જતો માની માથાં પછાડી મરનાર સાદુળા સિંહની સાથે સરખાવવામાં આવ્યો છે.) અને બીજો આંબરડીનો જોગો ખુમાણ પણ બોાલય છે. આ જોગો ખુમાણ ખરી રીતે બહારવટિયો નહિ પણ બળવાખોર કાઠીઓની ટોળીનો સરદાર હતો, પરંતુ જોગો ખુમાણ તો મને મારા સંશોધનની અંદર મળેલા એક ઉત્કૃષ્ટ દુહા માંયલો વીર હતો :
  • ધ્રુવ ચળે મેરુ ડગે, મહીપત મેલે માન,૧
  • જોગો કીં જાતી કરે, ક્ષત્રીવટ ખુમાણ.
  • ૧. ‘મહદધ મેલે માન’ જોઈએ. મહમધ = સમુદ્ર.
  • ્‌રી જીંટ્ઠજિ દ્બટ્ઠઅ કટ્ઠઙ્મઙ્મ કર્િદ્બ રીટ્ઠદૃીહ’જ ર્ઙ્ઘદ્બી,
  • +્‌રી િૈઙ્ઘીર્ ક ંરર્િહીજ ઙ્ઘીટ્ઠિંઃ
  • રૂીં દૃટ્ઠર્ઙ્મેિ જૈંઙ્મઙ્મ ુૈઙ્મઙ્મ દ્બટ્ઠાી ર્રદ્બી,
  • ૈહ ર્ત્નખ્તટ્ઠ દ્ભરેદ્બટ્ઠહ’જ રીટ્ઠિં.
  • અસ્થિઓ વીણ્યાં : ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો
  • (લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી)
  • મારા ટાંચણમાં માણસ, મિતિ અને ગામનું નામ નોંધાયેલા મળે છેઃ
  • વિક્ટર : તા. ૧૯-૧૧-ર૭ : પસાયતો સંધી.
  • યાદ આવે છે : વિક્ટર મહાલના વહીવટદાર ભાઈ અબ્દલ્લા ગાગનાણીનો મહેમાન બનેલો. કૉલેજકાળના એ સાધ્યાયી. ક્રિકેટ-ટૅનિસના અવલ દરજ્જાના ખેલાડી તરીકે મારા જેવા બિનખેલાડીના સન્માનિત ’ર૭માં એ વહીવટદાર દરજ્જે હતા. મને ડુંગર-રાજુલા વગેરે ગામોમાં ફેરવીને વાતો કહેનારાઓનો સુયોગ કરાવ્યો હતો. તે વખતે હું હતો બહારવટિયા જોગીદાસ ખુમાણની કાળી શોધમાં. એ શિરોમણિ બહારવટિયાની લીલાભૂમિમાં હું ભટકતો હતો. એને નામે બોલાતી અકેક ઘટનાને ચકાસતો ચકાસતો હું નવા નવા સાહેદોને શોધતો હતો. એમાં ડુંગર ગામનો આ દરબારી સંધી પસાયતો ભેટી ગયો. ડુંગરથી વિક્ટર ત્રણેક ગાઉને માર્ગે, અમે ઘોડાગાડીમાં, અને એ પડખે પડખે પગપાળો હીંડતો વાતો કરતો આવે. છેક વિક્ટર સુધીનો મારો પંથ એ પસાયતાએ જોગીદાસ ખુમાણા ઘોડાની રજ-ડમ્મરે જાણે ધૂંધળો કરી આપ્યો. હમણાં જ જાણે જોગીદાસ અહીંથી નીકળ્યા હતાઃ એનાં ઘોડાંના ડાબલા જાણે કે એ રસ્તા પર તાજા પડેલા હતાઃ મારે ને બહારવટિયાને જાણે કે ઘડી-બઘડીનું જ છેટું પડ્યું હતું.
  • સિલસિલાબંધ કરીને મૂકી આપેલી એ જોગીદાસ-કથા જ્યારે તમે વાંચતા હશો, ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ એ કોઈ એકાદ માણસે ઉતરાવી આપી હશે ! એ મારી કથાને નાટક લેખે વાપરનારાઓ, બહારવટિયાનાં વૃત્તાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર પાસે મૂકનારાઓ, સહુ એવો સંતોષ ને દાવો ધરાવતા હશે કે આ તો છે પ્રચલિત સાહિત્ય, એ તો છે સર્વકોઈના સ્વાધિકારની સામગ્રી. તમને ભાગ્યે જ આ સત્ય સમજાશે કે એ કથાનું સમગ્ર પટ વણવા માટે કેટકેટલે ઠેકાણેથી ત્રાગડા મેળવી મેળવી મારે વાણા-તાણા કરવા પડ્યા છે. ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈએ, રાજપ્રકરણી અધિકારી બુજરગ નાગર સ્વ. ભૂપતરાયભાઈએ, ગગુભાઈ ગઢવીએ, સૂરા બારોટે, જેઠસૂર બારોટે, ગડવી દાદાભાઈએ, ખોજા વાલજી ઠક્કરે, આ ડુંગરના સંધી પસાયતાએ - નામો જેનાં નથી સાંભરતાં એવા બીજા પણ કેટલા કેટલાએ, અક્કેક અસ્થિત આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું; અને તેના પર ઊર્મિની અંજલિ છાંટી પ્રાણ જગાડ્યો.
  • ખેર ! અત્યારે તો એક આ સંધી પસાયતાનું જ સ્મરણ કરું છું. એ એક મુસલમાન હતો પણ એના સાહિત્યરસમાં કોમી ભેદભાવ નહોતો. જોગીદાસ બહારવટિયો એની નજરમાં નહોતો હિંદુ કે નહોતો મુસ્લિમ. એના ચિત્તતંત્રમાં રમતી હતી બહાદુરી, માણસની માણસાઈ. એ હતો તો દરબારી દાણાનો જમનારો, પણ એનું મગજ કોઈ રાજ્યના દફતર જેવું, સત્યને દબાવી રાખી પક્ષહિતોને જ મજબૂત બનાવે તેવા દસ્તાવેજથી ભરેલું નહોતું. ફિફાદની ઝાડીમાં પીર ધનંતરશાના મોરલાને મારી ખાઈ જનાર સંધી સિબંદીઓના કુકર્મનો કિસ્સો એ સંધી સાયતાનો જ કહેલો છે. નવલખાના નરેડામાં જોગીદાસને ભેટેલી જુવાન સુતાર-કન્યાની પ્રેમ-યાચનાની અને એવી પ્રેમ-યાચનાનો ‘તું તો મારી દીકરી !’ એવા બહારવટિયે દીધેલા જવાબની ઘટના પણ એ કંગાલ સંધી પસાયતાએ કહી. તે દિવસથી પરનારીઓનાં લુબ્ધકર નેન-કટાક્ષોથી આત્મરક્ષા કરવા માટે જોગીદાસે જનપદના રસ્તા તરફ પીઠ ફેરવીને ચોરા પર બેસવાનું નીમ લીધાની વાત પણ એણે જ કહી. બહારવટિયાની સામે રાજ્યનાં લૂણ-હક્ક કરવા હથિયાર બાંધી, પીરસાયલ ભાણેથી ઊભા થઈ ઘોડે ચડેલા અને ધિંગાણે ખપી ગયેલા નાગર આણંદજીભાઈની વાત પણ એણે કહી; અને નીચલો એક જે કિસ્સો શરતચૂકથી અણવપરાયો ટાંચણમાં જ પડ્યો રહ્યો છે તે પણ એણે કહેલો :
  • ડુંગર ગામમાં ભાવનગર રાજના આરબ જમાદારનું થાણું. જોગીદાસનો પડાવ મીતિયાળા ડુંગરમાં. એક વાર આરબ જમાદારને બહારવટિયાએ મીતિયાળે મહેમાન રોકી ખૂબ ખાતર બરદાસ કરી. પછી કહ્યું કે નાગેશરી માથે ચડવું છે, અમારા ભાઈ હરસૂર ખુમાણને મારનાર ઓઘડ વરૂને માથે વેર વાળવા. કે’, ‘ભલે, હાલો.’
  • વાત એમ હતી કે હરસૂર ખુમાણ વિશે ચારણે નીચે મુજબ હડૂલો કહ્યો હતોઃ
  • વરૂ, કોટીલા, ને ધાંખડા, સાંભળજો સઉ,
  • મેથાળે હરસો હુઓ, લૈ ગ્યો વરુઓની વઉ.
  • (હે વરૂ, કોટીલા ને ધાખડા નામે ત્રણેય શાખાના બાબરીઆઓ ! મેઘાળ ગામનો હરસૂર ખુમાણ તમારી વરૂઓની વહુને લઈ ગયો છે.)
  • કોઈની સવેલી ઉપાડી લાવ્યો હશે. એ મશ્કરીના ડંખથી આ નાગેશરી ગામના ઓઘડ વરુએ હરસૂર ખુમાણને માર્યો હશે.
  • બહારવટિયાઓ આમ આરબ જમાદારની મદદ લઈને વેર વાળવા ચડ્યા. ઝાંપોદર ગામ આવ્યું ત્યાં આડો નાર ઓળાંડ્યો.
  • રાવ નામે પંજાબ તરફનો કોઈ મુસલમાન નજૂમી (જોશ જોવાવાળો) સાથે હતો તેણે તુરત ઘોડો થોભાવ્યો.
  • કહે, ‘કાં ?’
  • કે’, ‘જે મોઢા આગળ હાલે ઈ લોહીઆળો થાશે.’
  • આરબ બોલ્યા : ‘અમે ક્યાં ખીચડું ખાવા આવ્યા છીએ ? અમે મોઢા આગળ હાલીએ.’
  • પહેલી ઘોડી આરબે હાંકી.
  • ધાંતરવડી નદીને કાંઠે જ્યારે સૌ ચડ્યા ત્યારે જોગીદાસ અને ભાણ ખુમાણે નાગેશરીનો કેડો હાલતો તે પડતો મેલીને રાજુલાને માથે ઘોડી ઠરડી કરી.
  • આરબે પૂછ્યું, ‘કાં ?’
  • કે’, ‘રાજુલા માથે પડવું છે.’
  • ‘અરે ન્હોય એવી વાત.’ આરબ જમાદાર, પોતાના જ ધણી
  • ભાવનગર દરબારનું ગામ રાજુલા ભાંગવાની વાતથી ચોંકી ઊઠ્યા. ત્યારે ભાણ જોગીદાસે પેટમાં રાખેલી વાત પ્રકટ કરી : ‘અમે તમારી
  • ખાતર-બરદાસ્ત કરીએ છીએ તે તો રાજુલા માટે.’
  • આરબે કહ્યુંઃ ‘ભાગ્યની વાત ! હવે કાંઈ સરાય નહિ.’
  • રાજુલે ચાગલ જમાદારનું થાણું. પણ ચાગલો બહાર નીકળી ગયો
  • હતો.
  • મશાલ વખતે જોગીદાસે રાજુલું ઘેર્યું. પણ ગામમાં ગરાય નહિ. ચારેય દરવાજા ઉપર માણસ. બંદૂકોની નાળ્યું છૂટે છે.
  • કૂબલીઆ પામાં ભેરાઈ દરવાડે ઉમર સામેડો સપાઈ ૩પ માણસે : ડુંગરના રસ્તા માથે મામદ જમાદારનું થાણું : વડલીને ઝાંપે પણ પાકો બંદોબસ્ત.
  • એટલે આરબ જમાદારે કહ્યુંઃ ‘તો રાજલિયાના ગાળામાંથી ગરીએ.’
  • પોતે છ જણા ચાલ્યા. એમાં એ ઠેકાણે ચોકીદાર મસૂત સીદી હોકો પીતો બેઠો છે, પગરખાંના ખડખડાટ સાંભળીને મસૂત ઊભો થયો.
  • મસૂતે જવાબ વાળ્યોઃ ‘ખસ્યાં ખસ્યાં ! એમ શું ભાવનગરનાં નગારાં ઊધાં વળી ગયાં છે !’
  • ‘ના, ભાવનગરનાં આબાદ, પણ તારાં અવળાં !’
  • તો પણ મસૂત ન ભાગ્યો, એને બંદૂક લાગી. પડતે પડતે એણે હાકલો કર્યો : ‘રાજુલા ! હુશિયાર !’
  • આરબો ગામમાં પેઠા. બજારે ચાલ્યા. ચોરા માથે ભાયોથી ધાંખડો આઠ માણસે ઊઠ્યો. પણ આરબોએ બે ચંભા કર્યા, આઠેયને ઉપાડી લીધા. ગામમાં ચાહકા થવા લાગ્યા.
  • એ જ ટાણે એક લગન હતાં. મામદ જમાદારને, ભાઈ પિયારો જમાદાર માંડવામાં વરરાજા વેશે તૈયાર બેઠો હતો ત્યાંથી દોડ્યો.
  • ચોકમાં આવ્યો ત્યાં આરબોએ દીઠો : ‘અરેરે ! આ તો પિયારો આવે છે ! માથે મોડ છે. એને પકડી લ્યો.’
  • ચારેય આરબોએ ઢાલો આડી રાખીને દોટ દીધી. પિયારાને બાથમાં લઈને ઉપાડ્યો. હાદા સોનીના હાટમાં પૂરી દીધો.
  • ત્યાં પિયારાથી નાનેરો ફકીરમામદ દોડ્યો આવે. એણે ભાઈને ભાળ્યો નહિ. એટલે ઘા કર્યો. આરબ જમાદારને માથે. બરાબર હાથના કળાઈને માથે તરવાર પડી. કોણીનું હાડકું ખાઈ ગઈ. આરબે ફકીરાનું માથું ઉડાવી દીધું.
  • ત્યાં સામેથી એક બંદૂકની ગોળી આવી ઠરતી. ચોંટી બરાબર આરબ જમાદારના પાટમાં. પળ ડોળી નાખ્યો.
  • સવારનો પહોર થઈ ગયો. જોગીદાસ ને ભાણ બેઉ રાજુલા માથે પડ્યા. આવીને બેય જણા કહે, ‘આરબ જમાદાર, આવી જા અમારા ઘોડા માથે. મીતિયાળા ભેળો કરું.’
  • કે’, ‘ના,’ ડોળીએ નાખીે પાવા પોપટને ઘેર પહોંચાડ્યો. પણ રાજે ઘરેઘરની જડતી લીધી. આરબનો ખાટલો ઉપાડીને ભૂંકણધારની ઝાડીમાં લઈ ગયા. ડોળા તળાવને માથે.
  • આરબ કહે, ‘હવે હું દરબારને મોઢું ન દેખાડું.’ (નિમકહરામી કરી ખરીને !)
  • પછી નાંદોદ દરબારને લખ્યું. નાંદોદને ને ભાવનગરને વેર. નાંદોદે કહેવરાવ્યું : ‘જમાદાર, ખુશીથી આવો.’
  • નાંદોદ જવા ઊપડ્યો. વળાને પાદર આવ્યા. ત્યાં ભાવનગરના ફટાયા હરભમજીના મહેમાન બન્યા. એની પાસેથી જાણ્યું કે ધરમપુરની ચઢાઈ લઈ છોટો કુમાર ભાવનગરના વળાને માથે માર માર કરતો આવતો હતો. વળાની રક્ષા કરવા પછેગામના ત્રણસેં દેવાણી આવી બેઠા હતા.
  • આરબ જમાદારે પોતાના સિબંદીઓને કહ્યું, ‘આપણાથી ઝાંપેથી જવા? ભાવનગરનું તો નિમક ખાધું છે.’
  • હરભમજી કહેઃ ‘તમે તો મહેમાન છો.’
  • ‘મહેમાન તો તમારા ને ! ખબર સાંભળ્યેથી ન જવાય. અટાણથી જ મોરચો કરી લઈએ.’ ઘેલો નદીને કાંઠે આરબોએ મોરચો બાંધી લીધો.
  • પ્રાગડે દોરા દીધા. (પ્રભાત પડ્યું.) નગારું થયું. સામે કાંઠે શત્રુઓની સેના તોપ માંડીને તૈયાર હતી. આરબોની બંદૂકે ગોલંદાજને ઉડાડી મૂક્યો. ને પછી જમાદારે હાક દીધી : ‘ભેળી દિયો.’
  • હાથોહાથની લડાઈ ચાલી. દેવાણીઓ ભાગ્યા. પણ આરબો ન ખસ્યા. શત્રુને તગડી મૂક્યો.
  • મહારાજને શિહોર ખબર પડી, કે મારા દેવાણીને ભાગવું પડ્યું ને આ મને છોડી જનાર આરબે રંગ રાખ્યો. રાજુલાની વાતને વિસારી દઈ મહારાજે આરબ જમાદારને લઈ આવવા મીરાં-દાદાને મોકલ્યા.
  • મધ્યયુગી માનવ-સિદ્ધાંતો કેવી વિચિત્રતા બતાવે છે ! આરબ જમાદાર એક રાજ્યનો પગાર ખાય છે, પણ બીજાનો રોટલો ખાધો, ભાઈબંધી કરી, તેનું નૈતિક બંધન એને એ જ રાજ્યના અન્ય ગામની લૂંટમાં બહારવટિયાનો સંગાથ કરવા ખેંચી જાય છે, પછી પાછો એ જ માનવી એક ગામને ઝાંપે સ્વાગત પામે છે, તેટલા જ કારણે ત્યાં તે ગામને ખાતર ખપી જવા તત્પર બને છે, એની ખાનદાની નિહાળીને એ જ રાજા એ આરબની આગલી ખૂટલાઈને ભૂલી જાય છે અને આરબને પાછો તેડાવે છે. મૈત્રી, આદવત, આશરાધર્મ, ખૂટલાઈ અને ખાનદાની, બધાં અરસપરસ અટવાઈ જઈને માનવીની આંખો સામે અંધકારભરી રાત્રિ ઉતારે છે. ભૂલું પડેલું માનવ-હૃદય એ અટવીની અંદર જ્યાંથી શક્ય હોય ત્યાંથી ઝડપે મારગ કરતું આગળ ચાલે છે. સર્વકાલીન અને સનાતન માનવ-ધર્મની એને ગતાગમ નથી. એ વિચારવા-તોળવાની એને વેળા નથી.
  • જોધો માણેક : મૂળુ માણેક
  • (ઈ.સ. ૧૮પ૮ - ૧૮૬૭)
  • ૧. ભાગતા દુશ્મનોને એણે માર્યા નથી.
  • ર. “પે મ ભજો ! બાપ, ન ભાગો ! માનું દૂધ ન લજાવો !” એવા શબ્દે એણે શત્રુઓને પડકારી ઊલટાનું શૌર્ય ચડાવ્યું છે.
  • ૩. બહારવટાનાં અન્ય ઊંચાં બિરદો એણે બરાબર પાળ્યાં છે.
  • ૪. ઇતિહાસકાર રા. સા. ભગવાનલાલ સંપતરામ, એજન્સીના અધિકારી હોવા છતાં પણ લખી ગયા છે કે “બેશક તેઓ થોડા છતાં મોટી ફોજ સામા આવી બાથ ભીડતા, ને શાબાશી પડકારાથી સારા સારા લડવૈયાના હાંજા નરમ કરી નાખતા, કારણ કે તેઓ મરણિયા થયા હતા. મરવું-મારવું એ જ તેઓએ નિશ્ચય કર્યો હતો. આમાંથી જીવતા રહી ઘેર બેસીશું એવી આશા જ નહોતી.
  • “તેઓ ઉપર ગાયકવાડે જુલમ કર્યો હતો. અને તે જ કારણથી તેઓએ પોતાનાં ઘરબાર ને બાપુકાં વતન મૂકી ભાગવું પડેલું. તેઓના સારા સારા લોકો કપાઈ ગયા હતા. ભૂખતરસ અને ટાઢતડકા વેઠી તેઓનાં મગજ ફરી ગયાં હતાં. અને તાલુકદારી તેમજ સરકારી ફોજ તેઓ એક જગે નિરાંત બેસવા દેતી નહોતી. તેથી વેર લેવું ને મરવું એ વિચારે તેઓના મગજમાં મજબૂત ઘર કર્યું હતું.
  • “વાઘેરો વિશે દેશના લોકોને પણ ઘણું જ તપતું હતું. તેઓ જાણતા હતા કે બિચારા ઉપર ગાયકવાડે જુલમ કર્યો છે.”
  • “હવે મૂળુ એકલો રહ્યો ને આ વખતથી નિરાશ થઈ ગયો. ઘણી વખત ભૂખ, તરસ, થાક, ઉજાગરા, ફોજ મૂઆનો અફસોસ, ભાઈ જેવા ભાઈનું મોત, તે પણ વિયોગમાં થયુંઃ તેથી શું તેના મનને થોડું લાગતું હશે? કહે છે કે કેટલીક વાર તો મૂળુ લાંઘણો ખેંચતો. ને કેટલીક વાર તેને સાત-સાત દહાડા સુધી અનાજ નહિ મળેલું.
  • “દ્વારકાની લડાઈ વખતે જે દોઢ હજાર માણસનું ઉપરીપણું ભોગવતો તે હવે ફક્ત અંગત પાંચ-સાત માણસથી રહ્યો. એટલું સારું થયું કે તેની આ દુઃખદાયક જિંદગીનો થોડા વખતમાં અંત આવી ગયો. બેશક, તે હરામખોરનો ધંધો લઈ ફરતો, એટલે સામાન્ય રીતે જોતાં આપણે આવા મૃત્યુથી ખુશી માનવી જોઈએ, તોપણ તેને એમ કરવા ગાયકવાડ સરકારે જુલમથી ફરજ પાડેલી.”
  • “જમાનાની રીત સમજવા તેનામાં પહોંચ નહિ, એટલે તે કેટલીક બદસલાહને વશ થયેલો. તોપણ તેના મહાન વિચાર, તેનું શૂરવીરપણું, ઉદારતા અને તેના આવા પ્રકારના મરણથી, તેના કુટુંબ પર ગુજરેલી અપદશા દેખી કઠણ દિલના માણસને પણ દયા આવ્યા વિના રહે જ નહિ. મૂળુનાં કામાં એવાં નહોતાં કે તેને આપણે હલકી પંક્તિના બહારવટિયાના જોડે સરખાવીએ”.
  • “મને બીજા કોઈ ઢેઢ અને પીકારક વાઘેર મૂવા તેનું કાંઈ તપતું નથી, પણ ઉચ્ચ ખાનદાન આખી ટોળી માટે જે તપે છે. અરે ! તે સર્વનો ઘાણ નીકળી ગયો.”
  • “તેઓ સાવ અણસમજુ નહોતા, પણ તેઓને સોબતે ભુલાવ્યા. હલકા વાઘેરોએ તેમનાં માથાં ફેરવી નાંખ્યાં. અને વળી તેમાં ગાયકવાડી જુલમે વધારે અસર કરી.”
  • “સિપાહી તો ખરા જ. મરવાં-મારવાં તે તો હિસાબ નહિ. વાણિયા ન હતા કે ભાઈબાપ કહી કીધેલાં અપમાન સહન કરે.”
  • “વેર લેવાના જોશમાં દૂર અંદેશે ભૂંડું થશે તે સૂઝ્‌યું જ નહિ. જોધાના વિચાર તો આખર ઘડી સુધી સારા હતા, પણ બીજાઓએ તેને પરાણે ફસાવ્યો.”
  • (રા. સા. ભાવનગરવાલા સંપતરામકૃત ‘સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ’માં)
  • ૧. માછીમારણની કૂબે માણેક
  • આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવીઃ ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડીઃ ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એક ગાઉનું જંગલ૧ઃ એવા કારમા પંથે કાપીને જાત્રાળુ ગોમતીજીને કાંઠે પહોંચે. ત્યાં આસમાની દરિયાની છોળો ઊછળીને રણછોડરાયના પગ પખાળે છે. ‘જે રણછોડ ! જે રણછોડ !’ લલકારતો જાત્રાળુ ઓખામંડળની ઝાડી વીંધે છે, રૂપાળા દરિયા ને કારમા વગડાની વચ્ચે એને કાબા લૂંટી ખાય છે. જાત્રાળુ પોતાને દેશ જઈને ગીતો ગાય છેઃ
  • ૧. ઓખામંડળની ઝાડી એટલી ગીત હતી કે પૂર્વે ચોત્રીસ ઈંચ વરસાદ પડતો. આજે ઝાડી છેક જ કપાઈ ગઈ છે.
  • અસી કોસકી ઝાડી લગત હૈ !
  • કાબા કઠિન કઠોર, દ્વારકા મેં રાજ કરે રણછોડ !
  • ડંડા કુંદા છીન લેત હૈ !
  • તુંબા ડારત ફોડ, દ્વારકામેં રાજ કરે રણછોડ !
  • જળમાં કોઈ વહાણ ન હેમખેમ જાય ને થળમાં ન જાત્રાળુ વણલૂંટ્યો જાય. એનું નામ જ ઓખો ! ઓખો એટલે વિક્ટઃ એવા ઓખામંડળમાં એક દિવસ કેવી બીના બની રહી હતી ?
  • સોળ વરસની એક કુંવારિકાઃ તળાવની પાળેથી પાણી ભરીને ચાલી આવે છેઃ માથા ઉપર છલોછલ ભરેલી હેલ્ય અને બેય હાથમાં ત્રણ-ત્રણ વરસની દૂધમલી બે ખડેલી પાડીઓઃ જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા મારતી આવે છે પણ પનિયારીના માથા પરનું બેડું જરીકે ડગમગતુંછલકતું નથી. એને મન તો આ ખડેલીઓ જાણે હાથમાં ઉંદરડીઓ રમતી આવતી હોય એવી લાગે છે. એની મુખમુદ્રામાં કે કાયામાં ક્યાંય થડકાર નથી.
  • નીરખીને અજાણ્યો અસવાર તો આઘેરો ઊભો જ થઈ રહ્યો. આ ભીનલાવરણી પનિયારીનાં કાંડાનું કૌવત નીરખીને એ રજપૂત જુવાનનો શ્વાસ હેઠો બેસી ગયો. પડખે ચાલતા આદમી પાસેથી પોતે જાણી લીધું કે આ ગામનું નામ હમોસરઃ માછીમારની દીકરીઃ બાપનું નામ મલણ કાળોઃ હજી બાળકુંવારડી જ છે.૧
  • (૧ કર્નલ વોટસન પોતાના ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’માં લખે છે તે પ્રમાણે તો આ કન્યા મલણ કાળાની પોતાની નહિ પણ દત્તક દીકરી હતી, એટલે કે ઓખામંડળની અંદર હરોળો નામની રજપૂત જાતિની ચાવડા રજપૂતોએ કતલ કરી નાખી, તે હરોળોની સરદારની આ પુત્રીને મલશે શરણે લીધી હતી. (‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’, પાનું ૩૧૦.)
  • ‘ઓહોહો ! આના પેટમાં પાકે એ કેવા થાય ! મનધાર્યા મુલક જીતી આપે !’
  • એવા વિચાર કરતો ઘોડેસવાર ઘોડો ફેરવ્યા વગર, પાછો વળીને પોતાની ફુઈના આરંભડા ગામને ગઢે આવ્યો. આવીને રઢ્ય લીધી, “ફુઈ, પરણું તો એક એને જ.”
  • રાઠોડ રાજાની રાણી તો રજપૂતાણી હતી. કચ્છના ધણી રાવ જીયાજીની દીકરી હતી. એનાથી આ શૅ સંખાય ? કુળનું અભિમાન કરતી બોલીઃ “અરે બાપ ! ઈ તો કાબાઃ ગોપીયુંના વસ્તર લૂંટનારા.”
  • “પણ ફુઈ ! અરજણ જેવા અજોડ બાણાવળીનું ગાંડીવ આંચકી ગોપી તળાવની પાળે એની ભુજાયુંનો ગરવ ગાળનારા એ કાબા !”
  • “પણ વીરા ! એ તો માછલાં મારવાના ધંધા કરનારાઃ કાળાં વહરાં એનાં રૂપઃ અને તું તો કચ્છ ભુજનો ફટાયોઃ જદુવંશીનું ખોરડુંઃ આપણને ઈ ખપે ?”
  • “ખપે તો ઈ એક જ ખપે, ફુઈ ! જગતમાં બાકીની બધી નાની એટલી બોન્યું ને મોટી એટલી માતાજીયું !”
  • આરંભડાના રાઠોડને ઘેર રિસામણે આવેલા ભુજના કુંવર હમીરજીએ હેમોસરની સરોવર-પાળે દીઠેલી કાળુડી માછીમાર કન્યા ઉપર પોતાનો વંશ અને ગરાસ ઓળઘોળ કરી દીધો. ઓખામંડળના કાબાઓની સાથે એણે લોહીનો સંબંધ જોડ્યો. અને ઓખામંડળ ઉપર પોતાની આણ પાથરવા માંડી. બોડખેત્રી ગામનાં તોરણ બાંધ્યાં. વાઘેર એની જાત કહેવાણી.
  • કાબાની એ કુંવરીને ખોળે જે દિવસ જદુવંશીના લોહીનો દૂધમલ દીકરો જન્મીને રમવા લાગ્યો, તે દિવસે ગામ-પરગામનું લોક થોકેથોક વધામણીએ હલક્યું. વાઘેર બેટડાનાં રૂપ નિહાળી નિહાળીને માણસોનાં મોંમાંથી જાડેજી બોલીનું મીઠું વેણ નીકળી પડ્યું કેઃ “ઓહોહો, ભા ! હી તો માણેક મોતી જડે ? લાલમલાલ માણેક !”
  • તે દિવસથી માણેક નામની અટક પડી. વાઘેરની તમામ કળીઓમાં માણેક શાખાની કળી ઊંચી લેખાણી.
  • ઓખામંડળ એટલે તો ઠાંસોઠાંસ કાંટાળા વગડા અને ઊંડા વખંભર ખડા. વળી કાબાકુળનો અવતાર જ લૂંટ કરવા સાટુ હતો. માછલાં મારે, મછવા લઈને દરિયામાં વહાણ લૂંટે, અને હડી કાઢીને ધરતીમાં જાત્રાળુઓને લૂંટે, પણ કાબા ભેળા રજપૂત ભળ્યા તે દિવસથી માણેક રાજાઓએ તીર્થધામનું રક્ષણ આદર્યું અને જાત્રાળુઓનું જતન કરવા માંડ્યું.
  • ર. સમૈયાની માનતા
  • માણેક કળીમાં માંહે માંહે કોઈ અમૂલખ પુરુષો પાક્યા. એણે વાઘેરની જાતમાં ખાનદાનીના રંગ ચડાવ્યા. સમૈયો માણેક ઓખામાં આજ પણ ઘરોઘર સાંભરે છે. કેવી એની વાતો થાય છે !
  • સોરઠમાંથી એક દિવસ સવારે દ્વારકાના દરબારગઢમાં એક ગાડું આવીને છૂટ્યું છે. અંદરથી બે ધણીધણિયાણી ઊતર્યાં. સ્ત્રીના હૈયા ઉપર કેસૂડા સરીખો બેટડો રમી રહ્યો છે.
  • ડેલીએ ગાડું છૂટેલ ભાળીને દરબાર સમૈયાજીએ સાદ કર્યો, “કેર માડુ આય ?”
  • “સમૈયા માણેક ! હકડી ઓરત અચી આય. હી બાઈ તો હીં ચુવેતી કે મુંજે તો સો નારીએર સમૈયા માણેક જે કપરામેં ઝોરણાં !” (એક ઓરત આવી છે, ને એ તો એમ કહે છે કે મારે તો સમૈયા માણેકના કપાળમાં એક સો નાળિયેર વધેરવાં છે.)
  • પરદેશણ બાઈએ કહેવરાવ્યું, “બાપા ! ભૂલ ભૂલમાં મારાથી જીભ કચરાઈ ગઈ છે. દીકરો નો’તો થાતો, તે માનતા કરી કે જો શામળોજી દીકરો દેશે તો દ્વારકાના દેવરાજા સમૈયાના કપાળે હું એકસો શ્રીફળ વધેરીશ. મેં તો જાણ્યું કે સમૈયો માણેક દેવ થઈ ગયા હશે અને એનો પાળિયો પૂજાતો હશે!”
  • “નાર સમૈયા ! તોજી માનતા ! ફોડ હણે મથ્થો ! દેવજા ડીકરા !” એમ કહી દાયરે દરબારની ઠેકડી આદરી.
  • સમૈયાએ દાતણની ચીરો નીચે નાખી, મોઢું ધોઈ, દ્વારકાધીશની સામે હાથ જોડ્યા. ને પછી બાઈને કહેવરાવ્યું, “હલી અચ ! મંઝી ધી ! હલી અચ! તોજી માનતા પૂરી કર. હી મથ્થો ખુલ્લો જ રખી ડીઆંસી !” (હાલી આવ, મારી દીકરી ! હાલી આવ. ને તારી માનતા પૂરી કર. આ માથું મેં ખુલ્લું જ રાખી દીધું છે.)
  • એક સો શ્રીફળનો હંબાડ કરીને બાઈ ઊભી રહી. દીકરાને સમૈયાના પગમાં રમતો મૂક્યો. પહેલું શ્રીફળ ઉપાડ્યું, માણસ જેવા માણસના કૂણા માથાને પથ્થર માનીને શ્રીફળ પછાડવા જાતાં એનો હાથ આંચકો લઈ ગયો. ત્યાં તો સમૈયાએ બાઈને ફરી પડકારી, “અરે મંઝી ધી ! અરે બેટડી ! હી મથ્થેજી દયા મ રખ. ઝોર બરાબર !”
  • બાઈએ શ્રીફળ પછડ્યું. માથાને અડ્યા પહેલાં અધ્ધરથી જ ફટાકો બોલ્યોઃ શ્રીફળનાં બે કાચલાં જમીન ઉપર જઈ પડ્યાં.
  • એક સો શ્રીમફળ એ જ રીતે અધ્ધરથી જ ફૂટ્યાં. માનતાવાળી બાઈ “બાપા ! બાપા !” કરતી સમૈયાનાં ચરણોમાં ઢળી પડી.
  • “બાઈ ! મંઝી મા! આંઉ ડેવ નાઈઆ. હી તો તોજે ધરમસેં થિયો આય.” (બાઈ ! મારી મા ! હું કાંઈ દેવ નથી. આ તો તારા પોતાના જ ધરમથી થયું છે.)
  • એટલું બોલીને સમૈયાએ પોતાની દીકરી માનેલી એ બાઈને પહેરામણી દીધી. બાઈ ગાડું જોડી ચાલી ગઈ.
  • સમૈયાનો કુંવર મૂળુ માણેક કુફેલમાં ગરકાવ છે. એ માતેલા રાજકુંવરે વસ્તીની મરજાદ લોપવા માંડી છે. લોકોએ નગરશેઠ ઇંદરજીભાઈની પાસે રાવ પહોંચાડી. બુઢ્ઢો ઇંદરજી ડગુમગુ પગલે કચેરીમાં ગયો. શેઠને સાંભળતાં જ સમૈયાએ દોટ દીધી. “ઓહો કાકા ! આપે અચણો ખપ્યો ?” (આપને આવવું પડ્યું ?)
  • “હા, સમૈયા ! બીયો ઈલાજ ન વો.” (બીજો ઈલાજ નહોતો.)
  • “કાકા ! ચ્યો, ફરમાવો.”
  • “સમૈયા ! હાથી હરાડો થિયો !”
  • “કાકા, આંઉં બંધીનાસી.” (હું બાંધી લઉં છું.)
  • હાથી હરાયો છે તો એને હું બાંધી લઈશ; એટલી જ સમસ્યા થઈ.
  • ઇંદરજી શેઠ દુકાન પર ગયા ને દરબાર નાહીને મંદિરમાં પહોંચ્યા. પાંચ માળા ફેરવી. પછી બે હાથ જોડીને બોલ્યાઃ
  • “હે ધજાવારા ! તુંમે જો સાચ વે, તે મુંજો પુતર ત્રે ડિમેં મરે, નકાં આઉં મરાં !” (હે ધજાવાળા ! તારામાં સાચ હોય, તો મારો પુત્ર ત્રણ દિવસમાં જ મરે, નહિતર હું મરું !)
  • ત્રીજે દિવસે એ જુવાન દીકરા મૂળુને જમનાં તેડાં આવ્યાં.
  • ૩. ‘દ્વારકા પાંજી આય !’
  • આવા પૂર્વજોના છેલ્લા બે નેકીદાર વારસોની આ વાર્તા છે. સિત્તેર વરસ ઉપર ત્યાં અમરાપર નામે નાનું ગોકળિયું ગામડું હતું. આજે ત્યાં ગામનો ટીંબોયે નથી. ગામની જગ્યા ઉપર જમીન ખેડાય છે, દ્વારકાથી દોઢ-બે ગાઉ જ આઘે.
  • એ અમરાપર ગામમાં જોધો માણેક અને બાપુ માણેક નામના બે ભાઈઓ, ઓખામંડળના વાઘેરોમાં ટિલાત ખોરડાના બે વારસો, રહેતા હતા. રાજ તો ગાયકવાડ સરકારના હાથ ગયું છે, દ્વારકામાં પલટન પડી છે. ગામડે ગામડે પલટનનાં થાણાં થપાયાં છે. વાઘેર રાજાઓને ગાયકવાડે જિવાઈ બાંધી આપી છે, પણ હમણાં હમણાં તો અમરાપરવાળા ટિલાતોને જિવાઈ મળવીયે બંધ પડી.
  • ગાયકવાડનો સૂબો બાપુ સખારામ મદછક બનીને દ્વારિકાના મહેલમાં બોલે છે કેઃ “કાય ! વાઘેરાત મંજે કાય આહેત !” (શું છે ! વાઘેર બાપડા શી વિસાતમાં છે ?)
  • એ ટિલાત ખોરડાની વાઘેરણો આજ પાદરેથી પાણીનાં બેડાં ભરી ઓસરીએ હેલ્યો ઉતારે છે, પણ એનાં મોઢાંની લાલી આજ નોખી ભાત બની ગઈ છે, મોઢાં ઉપર ત્રાંબાં ધગ્યાં દેખાય છે.
  • ઓસરીઓમાં જ પોતાના ધણીઓ બેઠા છે, પણ મુખડાની લાલપનું કારણ પણ બાઈઓને કોઈ નથી પૂછતું. પરસેવે ટપકત ! લાલ નેત્રોવાળી વાઘેરણો છંછેડાઈને બોલીઃ “અસાંજા થેપાડા આઈ પર્યો !” અને હણેં આંજી પાઘડી અસાંકે ડ્યો !” (અમારા ઘાઘરા તમે પહેરો અને તમારી પાઘડી અમને આપો.)
  • બેય ભાઈઓનાં મોં ઊંચાં થયાં. જોધાએ ધીરે અવાજે પૂછ્યું કે “આજે શી નવાજૂની છે વળી ?”
  • “નવું શું થાય ? રોજે રોજ થઈ રહ્યું છે ને ! રજપૂતોને પાદર
  • મોરલા મરે, ને રજપૂતાણીયુંનાં બેડાં કાંકરીએ અંટાયઃ દાઢીમૂછના ધણીું બેઠા બેઠા ઈ બધું સાંખી લ્યે કે !”
  • “કોણે મોરલા માર્યા ? કોણે કાંકરીયું ફેંકી ?”
  • “બીજા કોણે ? દ્વારકાના પલટનવાળાઓએ.”
  • જોધાએ શિર નીચે ઢાળ્યું. પણ બાપુને અને એના દીકરા મૂળુને તો ઝનૂન ચડવા લાગ્યું. ધીરી ધીરી ધમણની ફૂંકે ઓચિંતો ભડકો થાય તેમ ધીરે ધીરે વિચાર કરીને બાપ-દીકરો ભભૂકી ઊઠ્યાઃ “જોધા ભા ! તોથી કીં નાંઇ થીણું. અસાંથી સેન નાંઈ થીંદો. દ્વારકા પાંજી આય, પલટણવારેજી નાય ! પાંજી રોજી બંધ કરી છડ્યું આય ! પાણ પાંજો ગામ ગીની ગીડો.” (તારાથી કાંઈ નથી થવાનું. અને હવે અમારાથી સહન નથી થતું. દ્વારકા આપણી આપણા બાપની - છે, પલટણવાળાની નથી. શા માટે આપણી રોજી બંધ કરી? આપણે આપણું ગામ પાછું લેશું.)
  • ‘દ્વારકા પાંજી આય !’
  • દેવળના ઘુમ્મટ જેવા જોદ્ધાના હૈયામાં પડઘો પડ્યો, ‘દ્વારકા પાંજી આય !’
  • ઓહોહોહો ! કેવો મીઠો પડઘો ! આખે શરીરે રોમરાઈ અવળી થઈ ગઈ. પણ ગરવો જોધો એ મમતાનો ઘૂંટડો ગળી ગયો.
  • એવે ને એવે ધીરે અવાજે એણે ઉત્તર દીધો કે “ભાઈ ! વસઈવાલેજા ચડાવ્યા મ ચડો. આજ પાંજે સેન કર્યા બન્યા બીયો ઇલાજ નાય. હકડી ઘડીમેં પાંજા ચૂરા થીંદા, અચો પણ રામજીભાજી સલાહ ઘીનું.” (ભાઈ ! વસઈવાળા વાઘેરના ચઢાવ્યા ચડો મા. આજ આપણે સહન કર્યા વિના બીજો ઈલાજ નથી. એક ઘડીમાં આપણા ચૂરા થઈ જશે. ચાલો, આપણે રામજીભાની સલાહ લઈએ.)
  • રામજી શેઠ નામે દ્વારકાનો ભાટિયો હતો. અમરાપરવાળા વાઘેરોનો એ સાચો ભાઈબંધ હતો. ડાહ્યા વેપારીએ આ ઉશ્કેરાયેલા બાપ-બેટાને ઠાવકી જીભે સલાહ આપી કે “ભાઈ, આજ લડવામાં માલ નથી. વસઈવાળાના ચડાવ્યા ચડશો નહિ.”
  • રોજ રોજ પલટનવાળાઓની આવી છેડતી સાંખતા સાંખતા વાઘેર ટિલાતો બેઠા રહ્યા. પણ પછી છેવટે એક દિવસ સહન કરવાની અવધિ આવી ગઈ.
  • ૪. ટીલાવડ નીચે
  • સને ૧૮પ૮નો જાન્યુઆરી મહિનો છે. વહેતાં વહેણ પણ થંભી જાય એવી ટાઢ સુસવાટા મારે છે. અધરાત ભાંગી નથી પણ સોપો પડી ગયો છે. વગડામાં કોઈ વિલાપ કરતું હોય એવા સૂર કાઢતો પવન બોરડીઓ અને આંબલીઓનાં પાંદડાંને ખખડાવી, પછાડી, માવછોયાં બાળકો જેવાં બનાવી ઉપાડી જાય છે અને એ બધુંય, ઓખામંડળનાં રાભડિયાં, કદાવર કૂતરાં ટૂંટિયા વાળીને પડ્યાં પડ્યાં સાંભળે છે, પણ ભસવાનું જોર બતાવી શકતાં નથી. ગામની તદ્દન નજીક ધુતારાં શિયાળવાં લુચ્ચાઈની લાળી કરી વગડો ગજાવે છે.
  • તેણે ટાણે ઓખામંડળના ધ્રાશણવેલ ગામના પાદરમાં ટીલાવડ નામે ઓળખાતા ચામુંડાના વડલા નીચે અંધારામાં પાંચ-છ મોટી સગડીઓ સળગી રહી છે. એ સગડીને વીંટી પચીસ જણા, પાંચેક હોકા પંગતમાં ફેરવતાં ફેરવતાં, ઊભા ગોઠણ સાથે કસકસીને પછેડીની પલોંઠી ભીડી સજ્જ હથિયારે બેઠા છે. મોંએ બોકાનાં ભીડ્યાં છે. પચીસેયનો પોશાક જાડેજા રજપૂતો પહેરે છે તેવી જ ઢબનો છે પણ પહેરવેશમાંથી રાજવટને શોભે તેવી રિદ્ધિસિદ્ધિ ઊડી ગઈ દેખાય છે. પાઘડીઓમાં પડેલા લીધાર ગડીની અંદર સંતાડી દીધેલા છે. અને સુરવાળોનાં થીંગડાં પલોંઠી ભીડેલ પછેડી હેઠે દબાવેલાં છે. ઓખામંડળના રાજાઓની એ અધરાતે એવી હાલત હતી.
  • “સહુ આવી ગયા ?” એમાંથી મોટેરા દેખાતા એક વાઘેરે ચારેય બાજુ પોતાની ચિત્તા સરખી ચકચકતી આંખ ફેરવી.
  • “હા, રવા માણેક, આવવાના હતા એ સંધા આવી ગયા,” બીજાએ જવાબ દીધો.
  • “સાંઢિયો સંધેય ગામે ફેરવ્યો’તો ને ?”
  • “તમામ ગામે. નેસડુંયે બાકી નહિ.”
  • “અમરાપરથી કોણ કોણ હાજર છે ?”
  • “હું જોધોભા, બાપુભા અને મૂરુભાઃ ત્રણ જણા.” ગરવા અને ઓછાબોલા છતાં મીઠાબોલા મુખી જોધા માણેકે જવાબ વાળ્યો.
  • “બસ ! માપાણી ટોળામાંથી ત્રણ જ જણ ? ઠીક, શુમણિયામાંથી?”
  • “હું ખીમો, ઘડેચીવાળો.”
  • “ભલા. જોધાણી કોઈ ?”
  • “હું ભીમો, મેવાસેથી.”
  • “ઠાવકી વાત. કુંભાણી કોણ છે ?”
  • “હું હભુ, મકનપરથી.”
  • “બીજા કોણ કોણ માડુ છે ?”
  • “કરસન જસાણી ને ધુનો જસાણી મુળવાપરથીઃ દેવા છબાણી ને રાયદે ભીમાણી શામળાસરથીઃ ધંધો અને સાજો પીંડારિયો; અને વશીવાળામાંથી તું રવો, પાળો, રણમલ અને દેવો, એટલું થારાણી ખોરડું.”
  • મોં મલકાવીને રવો બોલ્યો, “ત્યારે તો અમારા માડુ સંધાયથી વધુ. એમ છે, જોધા ! માથાં વાઢી દેવાં ઈ છોકરાંની રમતું નથી. વશીવાળાને ઓખો જાય તેની ઊંડી દાઝ છે, ભા !”
  • “સાચું કહ્યું, રવા માણેક !” જોધા માણેકે આ વશીવાળા ચારેય જણાના ચહેરાની ખુન્નસભરી કરડાકી અને દોંગાઈની રેખા પારખીને ટૂંકો જવાબ વાળ્યો.
  • “ત્યારે હવે લાવો દારૂ.”
  • “હાજર છે, ભા !” કહીને ધ્રાશણવેલના વાઢેલ ગરાસિયા દાદાભાઈ ને રામભાઈ ઊઠ્યા. સહુને થાળી પીરસાણી.
  • “ભારી દાખડો કર્યો, દાદાભા !”
  • બે હાથ જોડીને પોતાના વાઘેર ભાઈઓની સામે દાદોભા વાઢેલ ઊભો રહ્યો. “આપ તો ઘણ જોગ, પણ અસાંજી સંપત એતરી, ભા” (આપ તો ઘણા મોટા આદરમાનને યોગ્ય છો, પણ અમારી સંપત્તિ જ આટલી થોડી છે !)
  • સગડીએ પોતાના હાથપગ શેકતા સહુ વાળી કરીને બેઠા. એટલે વશીવાળા રવા માણેકે પોતાના બઠિયા કાનની બૂટ ખજવાળતાં વાત ઉચ્ચારીઃ “ત્યારે હવે શું ધાર્યું છે સંધાએ ?”
  • “હવે તો ગળોગળ આવી ગયા છીએ.” જોધાણી કુંભાણીએ વાતને વેગ આપ્યો.
  • “ઓખામંડળના ધણી હતા તે તો મિટાવી દીધા. પણ રાબ-રોટલો ખાવા જેટલી જિવાઈ બાંધી આપી છે તે પણ વહીવટદાર છો મહિનાથી ચૂકવતો નથી.”
  • “હાથે કરીને પગે કુવાહો આપણે જ માર્યો છે ને ?”
  • “કોણ છે ઈ માડુ ! જોધો માણેક ને ? જોધાએ કાયમ આપણી જ કસૂર કાઢી છે.”
  • “હું જૂઠ નથી બોલતો, ભા ! આપણે રાજા મટી ચોર ઠર્યા તે આપણે જ લખાણે. પોણોસો વરસથી સંભારતા આવોઃ આપણે કેવાં કામાં કર્યાં ! નગર, પોરબંદર ને ગોંડળ જ એવાં રજવાડાંમાં લૂંટ આદરીઃ એટલે મારા ખાધો, ને ફક્ત પાંચ ગઢ ને સત્તાવીસ ગામડાં રિયાં.”
  • “હા, પછી શું, જોધા ભા ?” રવો દાઢવા લાગ્યો.
  • “પછી શું ? પચાસ વરસ ઉપર આપડે જ વડવે ભેળા થઈ રાણી સરકારના વેપારનું વહાણ લૂંટ્યું અને એમાંથી ગોરાને ને એક બાપડી મઢમને દરિયામાં ફેંક્યાં. ફેંક્યાં તો ફેંક્યાં પણ એ લૂંટ ને એ ખૂનના વળતર રૂપિય્‌ સવાલાખ ચૂકવવાનું કબૂલીને પછી ખૂટલાઈ કરી ન ચૂકવ્યા. ત્યારથી વાઘેર ઈજ્જત ગુમાવીને ચાંચિયા ઠર્યા. દરિયામાં લૂંટવા સિવાય આપણા વડવાઓએ કર્યું શું ? ઓખાના બારામાં ટોપીવાળાનાં વહાણ પેસી ગયાં તો આપણા જ પાપે.”
  • “રંગ છે વાઘેરના પેટને ! બલોયાં પહેરો બલોયાં, જોધા ભા !”
  • “હવે તો ક્યારનાંયે બલોયાં કાંડામાં પડી ગયાં, રવા ભા !” તું ને હું જીવીએ છીએ, ને ઓખો ખાલસા થઈ ગયો. આપણે ધણી હતા તે જિવાઈદાર થયા. આપણે માથે લશ્કરનાં બટાલિયન બેઠાં, ઠેર ઠેર થાણાં થપાણાં. કપ્તાનો, રેસિડેન્ટો ને પોલિટિકલોનું તો કીડિયારું ઊભરાણું ! અને આ ગાયકવાડીનો જુલમ તો હવે જોયો જાતો નથી.”
  • “ગઈ ગુજરી જવા દ્યો, જોધા ભા ! અને હવે કહો, આપણે કરવું શું ?” જોધા માણેકના આજ્ઞાવશ વાઘેરોએ અગ્નિ ઉપર રાખ વાળી.
  • “આપણે કરીએ છીએ તેના ઉપર આ વશીવાળા ભાઈઓ ધૂળ વાળી દે છે એનું શું કરવું ?” જોધાએ કહ્યું.
  • “શું ધૂળ વાળી ?” રવો ડોળો ફાડીને બોલ્યો.
  • “તમે વગર કારણે આરંભડું ભાંગ્યું. તોરમાં બેટનો કિલ્લો કબજે લીધો, એમ સાત ગામડીના ગરાસિયાએ ઊઠીને સમંદરના પાણી જેવી સરકારની સત્તા સામે ઉતાવળી બાથ ભરી. એમાં સરકારની ધૂંવાધાર તોપું આવીને આપણા બારામાં ડાચાં ફાડી ઊભી છે. અને જાત્રાળુઓ રણછોડરાયજીનાં દર્શને ન આવી શકે, તે પાતક કાંઈ ઓછું !”
  • “અને જોધા ! તું ડાહ્યો ડમરો, તું વળી સરકારની સાથે નેકી જાળવીને શી કમાણી કાઢી આવ્યો ? કપિલા છઠ્ઠાની જાત્રામાં અમે તો જાત્રાળુ પાસેથી કરોડુંનો માલ કબજે કરત. પણ તું સરકારનો હેતનો કટકો થાવા ગિયો. તેં જાત્રાળુની ચોકી કરીને ગાયકવાડને ચાર લાખ કોરીનો કર પેદા કરાવ્યો, તેનો સિરપાવ તને શું મળ્યો ? તું ચોર હોય તેમ તારા જામીન લેવાણા. તે દિન તને કચેરીમાં બોલાવી ભૂંડે હાલે કેદ કરવાની પણ પરેવી થઈ’તી. અને હવે તારી જિવાઈ પણ રોકી રાખી. લે, લેતો જા, ગાયકવાડી પાઘડી ! બોલ, રણછોડજીના કસમ ખાઈને કહે, તેં રાજકોટ છાવણીમાં પણ ખબર કહેવરાવ્યા છે કે નહિ ?”
  • “હા, ભાઈ, પંદર દા’ડાની મે’તલ આપી હતી.”
  • “પંદર દિવસ થઈ ગિયા ?”
  • “હા.”
  • “બસ, ત્યારે બોલો હવે, જે રણછોડ !”
  • “જે રણછોડ !” ટીલાવડ કાંપી ઊઠે તેવા વિકરાળ ધીરા અવાજે પચીસ ગળાં ઘોરી ઊઠ્યાં.
  • “જોધા ભા !” જોધાનો ભાઈ બાપુ માણેક બોલ્યો. “હું હજી આજ જ મારી રોજની ઉઘરાણી કરીને બાપુ સખારામ પાસેથી હાલ્યો આવું છું. અને મને શું જવાબ દીધો ખબર છે ? મોંમાંથી ગાળ કાઢી.”
  • “હેં, ગાળ કાઢી ? જબાન કાપી લેવી’તી ને ?”
  • “શું કરું, ભા ! તારો ડર લાગ્યો, નીકર હું વાઘેરનો બચ્ચો, ઇ ચટણાની ગાળ કાંઈ ખમું ? એણે તો સામેથી કે’વરાવ્યું છે કે અમરાપરને પાદર અમારા બે મકરાણીનાં ખૂન કર્યાં છે, માટે હવે તૈયારીમાં રહેજો, અમરાપરને તોપે ઉડાડવા આવું છું.”
  • “મરાણીનાં ખૂન ! શા સારુ ?”
  • “હા, જોધા ભા ! મકરાણી ખભે બંદૂકું ટીંગાડીને નીકળ્યા’તા અને પાદરની આંબલી માથે મોરલો બેઠો’તો તેને માથે ગોળી છોડી. મોરલો તો ભગવાનનું વાહનઃ એનું શાક કરીને બચારા મકા ખાતા’તા ! અમે દોડીને બેય મકાનું કાચું ને કાચું શાક સમળીયુંને ખવરાવી દીધું. તેનો બદલો લેવા બચાડો બાપુ સખારામ તોપુંના રેંકડા હાંકી લાવશે !”
  • “હા, આજ અમરાપરનો વારો, ને કાલ બીજાં પચીસેય ગામના
  • પાયા ખોદી નાખશે. અને માપાણી ખોરડાના દીવડા જેવા ત્રણેય જણા, જોધો, બાપુ ને મૂળુ માણેક જેવા દાઢીભૂછના ધણી બેઠ્યે ઓખો રાંડી પડશે, ખરું ને જોધા ?” રવો બોલ્યો.
  • “અરે, હજી જોજો તો ખરા, રણછોડરાયનાં દેરાંની મૂરતિયુંને માથે પણ ગોળા આફળશે,” વસઈવાળો રણમલ ધૂધકારી ઊઠ્યો.
  • “તે પહેલાં મૂળુ માણેકને માથે માથું નહિ હોય, ભા !” ખૂણામાં છાનોમાનો મૂળુ માણેક બેઠો હતો તેણે મૂછે તાવ દઈને પહેલી જ વાર આ વચન કાઢ્યું. કોઈ ફણીધારની ફૂંકે જાણે વડલામાં લા લાગી હોય તેવો સુસવાટો થયો.
  • “ત્યારે હવે પરિયાણ શું કરી રહ્યા છો ? કરો કેસરિયાં.”
  • હાથ ઉપર માથું નાખી જોધો વિચારમાં પડી ગયો. એણે ધીરેથી કહ્યું, “હજી વાર છે, ભાઈ, અથર્યા મ થાવ.”
  • “કાં ?”
  • “ગાયકવાડની બાદશાઈ સામે બાથ ભરાશે ?”
  • “ગાયકવાડી બાદશાઈ તો રહી છેટી, ઠેઠ વડોદરે. અને આંહીં તો લશ્કર વહીવટદારથી તોબા કરીને બેદિલ બેઠું છે. વાઘેરની ફૂંકે સૂકલ પાંદડાં ઊઠે તેમ ગાયકવાડનો વાવટો ઉડાડી દેશું.”
  • “પણ ભાઈ ! વાંસે સરકાર જેવો વસીલો છે. પાંચ સો વહાણ તોપું ભરીને ઓખાને ચુડેલું રાસડા લ્યે તેવો કરી મેલશે,” જોધે ભવિષ્યમાં નજર નાખીને કાળની વાણી કાઢી.
  • “કંપની સરકાર તો હિંદુસ્તાનને કાંઠેથી હોકો ભરીને હાલી, જોધા ભા !” મૂળુએ મોં મલકાવ્યું.
  • “કાં.”
  • “કાં શું ? બળવો ફાટી નીકળ્યો છે. પલટનો સામે થઈ ગઈ છે. મરાઠાના ભાલાની અણીએ, સોયમાં મોતી પરોવાય તેમ ગોરાનાં મડ્યમ-છોકરાં પરોવાય છે. સરકારના અંજળ ઊપડ્યાં.”
  • “કોણે કહ્યું ?”
  • “એકેએક જાત્રાળુ આંખે જોયેલી વાત કરી રિયાં છે.”
  • “હું ન માનું. અંગ્રેજ જાય નહિ. એની ખીલી તો શેષનાગની ફેણ માથે જડાઈ ગઈ છે ભાઈ, મ ભરાઓ, અને સબૂર કરો. તેલ જુઓ, તેલની ધાર જુઓ.”
  • “જોધા ભા ! તારા પગુમાં પડીએ છીએ. હવે તું અવળાં વેણ મ કાઢ. હવે આડા હાથ મ દે, અમથી સંખાતું નથી.”
  • “ઠીક, ભાઈ, તમને સૂઝે એમ કરો. હું જાઉં છું, અમરાપરનો ઉગાર કરવા આદમી ભેળા કરી આવું. લ્યો, જે રણછોડ !”
  • “જે રણછોડ, જોધા ભા ! હવે ફરી વાર ટીલાવડ હેઠે નહિ મળીએ. રણરાયની છાયામાં મળીશું, હો !”
  • જોધો ઊઠ્યો. દાયરો વીંખાણો. જોધાએ મૂળુને પડખે બોલાવીને શિખામણ દીધી કે, “બેઠા મૂળુ !”
  • “બોલ કાકા !”
  • “આ વસઈવાળાનો ચડાવ્યો ચડીશ મા, હો. એનાં પરિયાણ પાપનાં છે. બાકી તો બેટા, જ્યાં તું ત્યાં જ હું. હું હવે આ ટાણે મારાં ધોળામાં ધૂળ નહિ ઘાલું.”
  • હનુમાનજતિ જેવાં પગલાં ભરતો જોધો અંધારામાં ધાબળો ઓઢીને અદૃશ્ય થયો. જુવાન મૂળુભાએ અમરાપર જઈ પોતાના વફાદાર રાયકાને હુકમ કર્યોઃ “રાયકા ! વાઘેરોનાં પચીસેય ગામડાંમાં ફરી વળજે અને કહેતો જાજે કે શ્રાવણ સુદ એકમની અંધારી રાતે, દ્વારકાના કિલ્લાની પાછલી રાંગે, ઉગમણી દૃશ્યે, જસરાજ માણેકના પાળિયા પાસે પાઘડીનો આંટો નાખી જાણનારા સહુ વાઘેર બચ્ચા હાજર થઈ જાય. જા ઝટ, જે રણછોડ !”
  • “જે રણછોડ !” કહીને રાયકે સાંઢિયાની દોરી હાથમાં લીધી. રાતોરાત સંદેશો ફેરવીને પ્રાગડ વાસ્યે પાછો અમરાપરના દરબારગઢની ડેલીએ સાંઢિયો ઝોકાર્યો.
  • “કહી આવ્યો ?”
  • “હા, ભા.”
  • “શો જવાબ ?”
  • “જે રણછોડ !”
  • “સંધાએ ?”
  • “એકોએકે બાઈયું પણ બચ્ચાં ઝોળીએ નાખીને સાથે નીકળશે.”
  • “ખમા ! ખમા રણછોડરાયને ! હવે અમરાપર ગામમાં સહુથી લાંબાં
  • બે ખોરડાં હોય તેના આડસર ખેંચી કાઢો.”
  • બે આડસરો કાઢીને તેની ઊંચી આભને અડતી નિસરણી બનાવી. શ્રાવણ સુદ એકમની સાંજે અંધારાં ઊતર્યાં પછી મૂળુ માણેકે ગઢની અંદર જઈને ઓરતોને છેલ્લા જુહાર લીધા-દીધા.
  • પ. દ્વારકા પર હલ્લો
  • દિવસ આથમે ને જેમ ટપોટપ આભમાં એક પછી એક તારલા ઊગતા આવે, તેમ અમરાપરના પાદરમાં પણ શ્રવણ સુદ એકમની સાંજે દિવસ આથમવાની સાથે જ ગામડે ગામડેથી વાઘેરો આવવા લાગ્યા.
  • દોઢસો વાઘેરોનો સંઘ, કેડીએ આવીને અમરાપરને પાદળ મૂળુ માણેકના નેજા નીચે ખડો થયો. સામસામા ‘જે રણછોડ !’ ‘જે રણછોડ !’ના સૂર બંધાઈ ગયા અને બધા બથો ભરી ભરી ભેટ્યા. આખું દળકટક અમરાપરથી ઊપડ્યું અને જ્યાં સીમાડે પગ માંડ્યો ત્યાં ડાબી કોર ગધેડો ભૂંક્યો.
  • “મુરુભા ! તારી ફતેહના ડંકા જાણજે. ડાબો ગધેડો ભૂંક્યો. લાખ રૂપિયાનાં શુકન થાય છે.” બારાના ઠાકોર જેઠજીએ શુકન પારખીને મુબારકબાદી દીધી.
  • “સવારને પહોર દ્વારકા આપણું સમજ્જે, મૂરુભા !” વસઈવાળાએ મૂળુને ચડાવ્યો.
  • “દ્વારકા મળે કે ન મળે, આપણું કામ તો હવે આ પાર કાં પેલે પાર મરી મટવાનું છે, ભા !” મૂળુભા પોરસ ખાઈને બોલ્યો.
  • પ્રાગડના દોરા ફૂટ્યા અને દ્વારકાના ગઢે અગ્નિકોણથી મૂળુ મોકે “જે રણછોડ !” કહી નિસરણી ઊભી કરાવી.
  • પણ નિસ્રણી એક હાથ ટૂંકી પડી. ગઢ એટલો છેટો રહી ગયો.
  • મૂળુએ હાકલ પાડી કે “ભાઈ ! ક્યો વાઘેરનો બચ્ચો માનું ધાવણ ધરાઈ ધરાઈને ધાવ્યો છે ! છે કોઈ ઠેકનારો !”
  • “હું !” કહીને પતરામલ માંયાણી નામનો જુવાન ચડ્યો. મોંમાં તરવાર પકડીને એણે ઠેક મારી. “જે રણછોડ !” કરતો ગઢ માથે ગયો. ત્યાંથી ફાળિયું નાખીને બીજા સહુને ચડાવ્યા.
  • અત્યાર સુધી છાનુંમાનું કામ ચાલ્યું. પણ જેમ ગઢને માથે બસો દાઢીમુછાળા ચડી ગયા તે છતાં આખો કિલ્લો અડદના દાણા છાંટ્યા હોય તેવા ઘારણમાં ઘોંટાઈ રહ્યો છે એવું જોયું, તેમ તો ઓખામંડળ આખોય ઊમટ્યોઃ વાઘેરનું એકેએક ખોરડું હલક્યું. ‘જે રણછોડ ! જે રણછોડ !’ના લલકાર મચ્યા. હૈયેહૈયું દળાણું. દીવાલો સાથે આફળતા દરિયા ઉપર સૂરજ મહારાજે મોં કાઢયું, સમુદ્રે શંખનાદ ગજાવ્યા અને મૂળુએ ચસ્કો કર્યો : “જોધો કાકો અચેતો ! પાંજો પે અચેતો ! હણેં ફતે હુઈ વઈ !”
  • જોધો મોક ચાલ્યો આવે છે. ઓચિંતો આ વિજયટંકાર દેખીને એના મોં પર વાદળી છવાઈ ગઈ છે. વાઘેરોને ઉન્માદે ચડ્યા દેખી, દારૂડિયા જાદવોના સરદાર કૃષ્ણની માફક એને વિમાસણ ઊપડી. પણ જોધો સમય વરતી ગયો.
  • ‘જે રણછોડ ! મુંજા પેટ ! રંગ રાખી ડીનો, ડીકરા !” કહેતો જોધો નિસરણીએ ચડ્યો. આડસરની નિસરણી કડાકા લેવા માંડી. ભૈરવની ફોજ જેવા વાઘેરોએ બજારમાં ઓડા બાંધી દીધા.
  • “નારાયણરાવ ક્યાં છે ? એની મેડીમાં કોક પહોંચો. ઈ જુલમના કરનારને પગે ઝાલીને બે ફાડિયાં કરી નાખીએ. ઝાલો ઈ મહેતાને !” મૂળુ માણેકે હુકમ દીધો.
  • “નારાયણરાવને સજા મળી ગઈ. મૂરુભા !” મેડીએથી માણસે આવીને કહ્યું.
  • “કાં ?”
  • “પાયખાનામાં થઈને ભૂંડે હાલે ભાગી છૂટ્યો.”
  • “ક્યાં ગયો ?”
  • “જામપરામાં.”
  • “જીવતો જાશે બેટો ?”
  • “જાવા દે, મૂરુભા બાપ, ભાગતલને માથે ઘા ન હોય.” જોધાએ ધીરેથી શિખામણ દીધી.
  • ત્યાં સામેથી ધડ ! ધડ ! ધડ ! બંદૂકોના ચંભા થાતા આવે છે. રીડિયા થાય છે અને ભેરી ફૂંકતો ફૂંકતો ગાયકવાડી સૂબો બાપુ સખારામ ફોજ લઈ હાલ્યો આવે છે.
  • “આ કોણ ?”
  • “બાપુ સખારામ. બીજો જાલીમ, જિવાઈને બદલે ગાળો દેનારો. એની તો જીવતી ચામડી ઉતરડી નાખીએ.”
  • પાંચ-દસ લડવૈયા લઈને બાપુ સખારામ વાઘેરોના વાદળ સામે ધસ્યો આવે છે અને મૂળુ માણેક બંદૂક લઈ એને ટૂંકો કરવા દોડે છે.
  • “ખમ્મા ! ભાઈ, જાળવી જા !” કહીને જોધાએ મૂળુનું બાવડું ઝાલ્યું. “એને મરાય ? આટલી ફોજ સામે નિમકની રમત ખેલવા એકલો હાલ્યો આવે છે. છોડી દે એને.”
  • મૂળુ થંભી ગયો. છેટેથી અવાજ દીધો, “હાલ્યો જા, ગાયકવાડના કૂતરા, તને શું મારું !”
  • પછી હુકમો દેવાયા : “ભીમા ! તું વરવાળુ માથે પહોંચ. ન જિતાય તો મોં દેખાડતો મા. દરિયામાં ડૂબી મરજે.”
  • ભીમો માણેક ફોજ લઈને વરવાળુ ગામ પર ઊપડ્યો.
  • “અને દેવા છબાણી ! તું બેટનો કબજો લેજે. તોને મોઢે ઊડી જાજે. પણ હાર્યાના વાવડ દેવા પાછો મ વળજે.”
  • “જે રણછોડ !” કહીને દેવો છબાણી શંખોદ્વાર બેટ પર છૂટ્યો.
  • “પણ આ દ્વારકા ખાલી ક્યારે થઈ ગયું ? સરકારી માણસો બધાં ક્યાં સમાણાં ?” દૂતોએ દોડતા આવીને ખબર દીધા, “જોધા ભા, જામપરામાં ચારસો સરકારી જણ બેઠા છે.”
  • “લડવાની તૈયારી કરે છે ? કે ઓખો છોડીને ભાગવા રાજી છે ?
  • “ભાગવા.”
  • “અરે ભાગી રિયા. માંડો જામપરાને માથે તોપો ! ફૂંકી દ્યો ! વડોદરા વાવડ દેવા એક છોકરુંય જીવતું ન નીકળે.”
  • આવા રીડિયા થયા અને જોધો ઝાંખો પડી ગયો. ગરવી વાણીમાં એ બોલ્યો : “ન ઘટે, મુંજા પે ! એવી વાતું વાઘેરુંના મોંમાં ન સમાય. એ બચાડા તો ચિઠ્ઠીયુંના ચાકર ! અને વળી પીઠ દેખાડીને ભાગે છે. એની ઓરતું, બાલબચ્ચાં, ઘરડાં-બુઢ્‌ઢાં રઝળી પડે. જાવા દો, મારા દીકરાઓ !”
  • ચારસો ગાયકવાડી ચાકરો, દ્વારકા દુશ્મનોના હાથમાં સુખ-શાંતિથી સોંપીને સીમાડા બહાર નીકળી ગયા. નગર રાજ્યના મહાલ જામખંભાળિયામાં જઈને ચારસો જણાએ પડાવ કર્યો અને આંહીં દ્વારકામાં તો -
  • ખભે ખંભાતી ધોતિયાં, ધધકે લોહીની ધાર,
  • ગોમતી લાલ ગુલાલ, માણેક રંગી મૂળવા !
  • ગોમતી નદી સોલ્જરોનાં લોહીથી લાલ ગુલાલ બની ગઈ.
  • ૬. લધુભાની જીભ
  • વાઘેરોના સાથમાં આજ વેપારી રામજીભા ઘૂમી રહ્યો છે. રામજી શેઠદ્વારકાનું ભૂષણ બન્યો છે.
  • જોધા માણેકના એ દિલોજાન ભાઈબંધ પર જામપરામાંથી બાપુ સખારામનો સંદેશો આવ્યો કે “અમે ઘેરાઈ ગયા છીએ, ભૂખે મરીએ છીએ. કંઈક અનાજ મોકલો.”
  • રામજીભાએ જોધાને જાણ કરી. દાના દુશ્મન જોધાએ છાનામાના કહી દીધું કે “રામજીભા ! કોઈ ન જાણે તેમ ખોરાકી મોકલી આપો. પણ જો વાઘેરોને વાત પહોંચશે તો મારો ઈલાજ નથી. વનવનની લકડી આજ ભેળી થઈ ગઈ છે.”
  • કિલ્લા બહાર રામજી શેઠની બે વખારો હતી. તેમાંથી ખોરાક મોકલાવા લાગ્યો. પણ વાઘેરોને ખબર પડી ગઈ કે દુશ્મનોને ખોરાક જાય છે. ગાંડા વાઘેરો રામજીની વખારો તોડી પાડીને માલ ફગાવવા લાગ્યા.
  • ત્યાં રામજી શેઠનો દીકરો લધુભા દોડતો આવ્યો. એની કુહાડા જેવી જીભ ચાલી : “એ માછીયારાવ ! આંકે રાજ ખપે ? જંજો ખાવતા તીંજો ખોદાતા !” (એ માછીમારો ! તમને તે રાજ હોય ? જેનું ખાઓ છો એનું જ ખોદો છો ?)
  • “લધુભા ! તું ભલો થઈને જબાન સંભાળ ! અટાણે દીકરાનાં લગન નથી, પણ લડાઈ છે.”
  • એ રીતે વાઘેરોએ એને ઘણો વાર્યો, પણ લધુભા ન રહી શક્યો, ગાળોની ઝડી વરસાવવા લાગ્યો. ઝનૂને ચડેલા વાઘેરોઃ અને સામે એવો જ કોપેલો વેપારીઃ બીજું તો કંઈ ન થઈ શકે એટલે લધુભાને બાંધી એના પગમાં બેડી પહેરાવી, મંદિરના કિલ્લામાં શત્રુઓનાં મુડદાંની સાથે એને પૂરી દીધો.
  • કિલ્લાનો બંદોબસ્ત કરીને જોધો જમવા આવ્યોઃ રામજીભાને ઘેરે જ એ રોજ રોટલા ખાતો. આજ નાહીને પાટલે બેસે છે ત્યાં એને યાદ આવ્યું, “રામજીભા ? લધુભા કેમ ન મળે ?”
  • “ક્યાંક ગયો હશે. તું તારે ખાઈ લે, ભાઈ !”
  • “હું શી રીતે ખાઉં ? તારો દીકરો ન જડે ને મને અન્ન શૅ ભાવે ? આ દાવાનળ સળગે છે એમાં કોને ખબર છે, શું થયું હશે ?”
  • જોધો થાળી ઉપરથી ઊઠી ગયો. લધુભાની ગોતે પડ્યો. પત્તો મળ્યો કે એને તો કિલ્લામાં પૂર્યો છે. જોધાએ કિલ્લાનું તાળું તોડ્યું. લધુભાને બેેડીઓમાં જકડાયેલો જોયો, એના પગ લોહીવાળા દીઠા. જોધાને જોતાં જ લધુભાએ જીભ ચલાવી.
  • જોધાએ એને વાર્યો, “એ લધુભા ! ગુડીજો ટીલો તું ડીને હો ! તોજી જીભ વશ રાખ, ભા ! હીન ટાણે તો વન વનજી લકડી આય !” (ગળીની કાળી ટીલી તું જ મને દઈશ, ભાઈ ! તું તારી જીભ વશ રાખ. અત્યારે તો આંહીં વન વનની લાકડી ભેગી થઈ છે.)
  • જોધાને લાગ્યું કે આ ખાનદાન ભાટિયાનું કુટુંબ ક્યાંક કચરાઈ જશે; એને આંહીંથી ખસેડી નાખું.
  • અમરાપરથી બે-ત્રણ ગાડાં મંગાવી કિલ્લા બહાર જસરાજ માણેકના પાળિયા પાસે ઊભા રખાવ્યાં. પાંત્રીસ માણસોને હાથમાં નાળિયેરના ઊલકા ઉપડાવી, દિશાએ જવાના બહાનાથી કિલ્લા બહાર કઢાવ્યાં. અમરાપર પોતાને ઘેર પહોંચતા કર્યા. ફક્ત બુઢ્‌ઢા રામજી દાદો જ દ્વારકામાં રહ્યા.
  • જોધાને ઘેર ચાર-પાંચ ભેંસો મળે છે. રામજીભાનાં છૈયાં-છોકરાંને રોજ જોધાની વહુઓ દૂધપાક-પૂરી કરી જમાડવા લાગી છે.
  • અને આ વાત કરનાર, રામજી શેઠના ૭૪ વર્ષના પૌત્ર રતનશી શેઠ જે અત્યારે બેટમાં હયાત છે, તે કહે છે કે “મને આજ પણ એ દૂધપાક-પૂરી સાંભરે છે.”
  • ૭. લૂંટારા શરમાયા
  • ત્યાંથી કુટુંબ જુદું પડ્યુંઃ રામજી શેઠનો નાનેરો ભાઈ જેરામ, લધુભાનો દીકરો રતનશી અને દાદી વગેરે બેટમાં ગયાં. બેટમાં તેઓનું ઘર હતું.
  • જલદ જીભવાળા લધુ શેઠ પોતાની ગુમાસ્તા વગેરેને લઈને ચાર ગાડાં જોડાવી જામખંભાળિયા તરફ ચાલી નીકળ્યા.
  • રાતનો વખત છે. ગાડાં ચાલ્યાં જાય છે. કોઈને દુશ્મનનો વહેમ પણ નથી.
  • પહેલું ગાડું લધુભાનુંઃ એ નીકળી ગયું. પણ બીજું ગાડું નીકળતાં જ ઝાડવાંની ઓથેથી આદમી ઊઠ્યા. એમાંથી એક જણે બળદની નાથ પકડી.
  • ગાડાખેડુએ બૂમ પાડી, “એ લધુભા, લૂંટારા !”
  • ઠેકીને બહાદુર લધુભા ઊતર્યો. “કેર આય !” એવી હાકલ કરતો દોડ્યો આવ્યો, લૂંટારાઓને પડકારીને કહ્યું : “અચો ! હરામી ! અચો પાંજે ગડે !” (આવો મારે ગાડે !)
  • આવીને જુએ તો આદમીઓએ મોં પર મોસરિયાં વાળેલાંઃ ફક્ત આંખો તગતગેઃ મોવડી હતો તેણે ઝીણી નજરે નિહાળીને લધુભા બોલ્યા, “હાં, વાહ વાહ ! તોજી અખતાં મું સુઝાણ્યો આય કે તું વરજોંગો અંયે.”
  • (તારી આંખો પરથી સૂઝે છે કે તું તો વરજાંગ.)
  • લૂંટારો ભોંઠોછ પડી ગયો. શરમથી હસીને ગરીબડે સૂરે કહેવા લાગ્યો કે “મુઠો ડન્ને લધુભા ! ચાર ચાર ગાઉ દોડી દોડીને અસેં મરી વીયાંસી. પણ હણે તો અસાંથી લૂંટાય ન !” (ભોંઠા પડ્યા ને, લધુભા ! ચાર ચાર ગાઉથી દોડીને અમે તો મરી ગયા. પણ હવે તો અમારાથી લૂંટાય નહિ.)
  • “લૂંટને ! ઈની પાસે તો બસો-ચારસો કોરિયંજો માલ હુંદો ! પણ મું આગળ બ બજાર કોરિયું આય. હલ, ઈ આંકે ખપે તો ગીની વીંન ?” (લૂંટને! એની પાસે તો બસો ચારસો કોરીઓનો માલ હશે, પણ મારી પાસે તો બે હજાર કોરીઓ છે. હાલ જોઈએ તો લઈ જા.)
  • “હણે તો લધુભા ! સરમાઈ વીંયાંસી. તોજે મેતેકે લૂંટણા વા ! ચોપડેમેં અસાંજે ખાતેમેં ખૂબ કલમેંજા ઘોદાં માર્યું આય.” (હવે તો લધુભા! અમે શરમાઈ ગયા છીએ. અમારે તો તને નહિ, પણ આ તારા મહેતાઓને જ લૂંટવા હતા. એણે ચોપડામાં અમરા ખાતામાં ખૂબ કલમના ગોદા માર્યા છે.)
  • “હણે કૂરો ?” લધુભાએ વાઘેરને પૂછ્યું.
  • “હણેં હલો. આંકે રણજી હુંન કંધીતે છડી વેજું. નક આંકે બીયા કોક અચીને સંતાપીના.” (હવે ચાલો, તમને રણની પેલી બાજુ સુધી પહોંચાડી જઈએ નીકર તમને બીજા કોઈક આવીને સંતાપશે.)
  • વાઘેર લૂંટારો ખસિયાણો પડી ગયો. કોઈ કુટુંબી માગે તેવી રીતે માગ્યુંઃ “લધુભા ! ભૂખ લગી આય.”
  • “તો ડિયું ખાવા. જોધે માણેકજો પરતાપ આય.” (તો દઉં ખાવા. જોધા માણેકનો પ્રતાપ છે.)
  • લૂંટારાને લધુભાએ ખવરાવ્યું. લૂંટારો હતો તે વોળાવિયો બન્યો. લધુભાનાં ત્રણેય ગાડાંને સામા કાંઠા સુધી પહોંચાડી આવ્યો.
  • ૮. જેરામભા
  • રામજીના ભાઈ જેરામે બેટમાં પહોંચીને શું કર્યું ? બહાદુરી કરીને કિલ્લો બચાવ્યો, ગાયકવાડી સિપાહીઓને શૌર્ય ચડાવ્યું કે “દ્વારકાવાળા ખૂટી ગયા, પણ તમે ખૂટશો મા. કિલ્લે સોંપશો મા.” એણે સામો પક્ષ લીધો.
  • સિપાહીઓ કહે, “પણ અમારે ખાવાનું શું કરવું ?”
  • જેરામ કહે, “હું સગવડ કરી દઉં. મંદિરમાં વાંધો નથી.”
  • વાઘેરો ચડી આવ્યા. મંદિરનો કિલ્લો બંધ દીઠો અને આખી રાત કિલ્લા ઉપર કપાસિયાના તેલના દીવા માંડી એક આદમીને ‘ખબરદાર ! ખબરદાર !’ એવી હાકલો સાથે ચોકી દેતો દીઠો.
  • વાઘેરોએ અવાજ ઓળખ્યો. “એ અવાજ જેરામભાનો. એ હશે ત્યાં સુધી કિલ્લો નહિ સોંપવા દે.” ગામ લૂંટ્યા વિના વાઘેરો પાછા દ્વારિકા ગયા. જોધાને અને રામજીભાને તેડી લાવ્યા.
  • જુવાન જેરામભા કિલ્લા ઉપર ઊભો છે. નીચે ઊભાં ઊભાં જોધાએ અને રામજીભાએ સમજાવટ આદરી.
  • “ભાઈ જેરામભાઈ ! હેઠો ઊતરી જા !” જોધો બોલ્યો.
  • “ન ઊતરું; એમ કિલ્લો ન સોંપાય. તું તારે બે હજાર વાઘેરની ફોજ લઈને ચડી આવ. કિલ્લો જીતીને ખુશીથી લઈ લે. પણ ખૂટલાઈ કરાવીને શું લેવા આવ્યો છો, જોધા ભા ?”
  • “જેરામભા ! આજ તો હું તને શરમાવવા આવ્યો છું. અમારે રાજપલટો આણવો છે. અને તું ઊઠીને શું ઓખાનો શત્રુ થઈશ ? જેરામભા, દ્વારકા કોની ? દ્વારકા પાંજી આય !”
  • “દ્વારકા પાંજી આય !” એ વેણે જેરામનું હૈયું હલમલાવી નાખ્યું. તેમાં વળી રામજી શેઠનો સાદ પુરાયોઃ “ભાઈ જેરામ ! હવે હુજ્જત મ કર.”
  • જેરામ કહે, “તો એટલી બાંયધરી દે, કે આ કિલ્લાના કોઈ પણ આદમી ઉપર ઘા ન કરવો; સહુને હેમખેમ સલાયા ભેળા થવા દેવા.”
  • જોધો કહે, “કબૂલ છે, રણછોડરાયની સાખે !”
  • કિલ્લાના સિપાહીઓને ગાયકવાડી કે સરકારી કુમક આવી નહિ. બચાવ લાંબો વખત થાય તેમ નહોતું રહ્યું. જેરામભાના રક્ષણ નીચે સહુ નીકળીને સલાયા ગામ તરફ ચાલતા થયા.
  • બરાબર શંખ તળાવ પાસે પહોંચે ત્યાં પાછળથી માંકડા જેવા વાઘેરોનું એક ટોળું તેઓને આંબી ગયું અને ટોળાએ ચસકા કર્યા કે “મારો ! મારો ! મારો !”
  • આડો ઊભો કરીને જેરામભા બોલ્યો, “ખબરદાર, જો આગળ વધ્યા છો તો ? તમે જોધાભાનો કોલ ઉથાપો છો ?”
  • વાઘેરોએ હુજ્જત કરી, “જેરામભાઈ, આ સિહાઈઓએ અમારા એક આદમીને માર્યો છે એટલે અમે એક ધીંગાણું કર્યા વગર તો પાછા જાવાના જ નથી.”
  • જેરામભાના હાથમાં લાકડી હતી. ધરતી ઉપર ધૂળમાં આડો લીંટો કરીને કહ્યું કે ‘વાઘેર બચ્ચાઓ, જો આ લીંટો વળોટો તો તમને જોધા માણેકની આણ છે.”
  • એટલી આણ બસ હતી. લાકડીની લીટી હતી તે દીવાલ જેવી થઈ પડી. વાઘેરો પાછા વળી ગયા.
  • ૯. જોધાનો ન્યાય
  • બેટ શંખોદ્વાર ઉપર જોધાનો વાવટો ચડ્યો છે. જોધો દારૂગોળો તપાસે છે. પૂછે છેઃ “ભાઈ દેવા ! શો શો સરંજામ હાથમાં આવ્યો ?”
  • “ઓગણીસ તોપો.”
  • “રંગ ! બીજું ?”
  • “ફતેમારીઓ, સૂરોખાર ને ગંધકથી ભરેલી.”
  • “વાહ રણછોડ ! જેવું લીધું છે તેવું જ સાચવજે, દેવા ! હજી મરદુંના મામલા વાંસે છે.”
  • “જેવી રણછોડરાયની મરજી, જોધાભા !”
  • દારૂગોળો તપાસીને જોધો માણેક પાછો વળ્યો. પણ બેટની બજારમાં નીકળે ત્યાં તો મંદિરોના દરવાજા ઉપર ચોકી કરવા બેઠેલા પીંડારા વાઘેરોને પૂજારીઓ ઉપર ત્રાસ ગુજારતા જોઈને જોધાની આંખ ફાટી ગઈ. પીંડારિયાઓ જાત્રાળુઓ પાસેથી પૈસા છોડાવી રહ્યા છે અને પૂજારીઓ ને જાત્રાળુઓ કુંજોનાં ટોળાંની માફક કળેળાટ કરે છે. ચુપચાપ જોધો ઊભો જોઈ રહ્યો છે. માણસોએ ચીસ પાડી, “જોધાભા, અમને બચાવો. આથી તો મરાઠા શું ભૂંડા હતા ?”
  • પીંડરિયા જોધાને ભાળીને નીચું ઘાલી ગયા. જોધાએ કહ્યુંઃ “તમારાં મોઢાં કાળા કરો. માનું દૂધ લજાવ્યું, ભા ! તમે રાજપૂતના ફરજંદ છો ?”
  • એકેએક પીંડારિયાને ચોકી પરથી બરતરફ કરી બેટનો કિનારો છોડવા હુકમ દઈ દીધો. અને જોધાએ ન્યાયની અદાલત ભરી. પૂછવામાં આવ્યું, “કોના ઉપર જુલમ થયો છે, ભાઈ ?”
  • “મંદિરવાળા ભંડારી હરિમલ ઉપર.”
  • “શું થયું ?”
  • “એને ઝાલીને અભડાવ્યા.”
  • “કોણે પાપીએ ?”
  • “રણમલ પીંડારે.”
  • “શા સારુ ?”
  • “દંડ લેવા સારુ.”
  • “બોલાવો રણમલને. ન આવે તો રસીથી બાંધીને લાવજો.”
  • રણમલને તેડી હાજર કરવામાં આવ્યો. જોધા માણેકે રણમલ તરફ પીઠ યેરવી અને વચનો કહ્યુંઃ “આટલા સારુ હું પીંડારિયાઓને તેડી લાવ્યો’તો ખરું ને, રણમલ ! જા, તુંને તો ગોળીએ દેવો જોઈએ, પણ હવે ભાગી છૂટ. ભંડારીજી ક્યાં છે, ભાઈઓ ?”
  • “જાંબુવતીજીનાં મંદિરમાં સંતાણા છે.”
  • “હાલો મંદિરે.”
  • મંદિરે જઈને જોધા માણેકે ભંડારીની માફી માગી અને એવો ઠરાવ કર્યો કે દર મહિને અક્કેક મંદિરવાળાએ વાઘેરોની ચોકીનો ખરચ ચૂકવવો.
  • બેટમાં બંદોબસ્ત કરીને જોધો દ્વારકા પાછો વળ્યો. જઈને જોવે તો દ્વારકામાં પણ દેકારો બોલે છે. બંદૂકો તાકીને વાઘેરો વેપારીઓ પાસેથી મોંમાગ્યા દંડ ઉઘરાવે છે. છકેલા વાઘેરો સ્ત્રીઓને અને છોકરાંને પોતાનાં ઘોડાંની હડફેટે ચડાવે છે, પોતાને રહેવા માટે હરકોઈનાં ઘર ખાલી કરાવે છે. જોધાએ સંતાઈને નજરોનજર એક દુકાન ઉપરનો બનાવ જોયો. આંખમાં સુરમો આંજીને ઓળેલી દાઢીમૂછવાળો એક વાઘેર સાત હથિયાર સોતો એક વેપારીની દુકાને બેઠો છે. ઉઘાડો જમૈયો એના હાથમાં ચકચકે છે. સામે શેઠિયો થર ! થર ! ધ્રૂજે છે અને વાઘેર ડોળા ફાડીને કહે છે કે “મારા લેણાનું ખત ફાડી નાખ, નીકર હમણાં આ છાતીમાં હુલાવું છું.” એ વખતે જોધાનું ગળું રણક્યુંઃ “તે પહેલાં તો ભા ! તારી છાતીનું દળ આ જમૈયો નહિ માપી લ્યે ? રંગ છે વાઘેરાણીની કૂખને !”
  • એકેએક વાઘેર જેની શેહમાં દબાતો, તે જોધાજીને જોઈને જમૈયાવાળો આદમી ખસિયાણો પડી ગયો. ગામનું મહાજન ટપોટપ દુકાનો પરથી ઊતરીને જોધાને પગે લાગ્યું. અને સહુએ પોકાર કર્યોઃ “જોધા બાપુ ! આટલું તો તમે દીઠું, પણ અદીઠું અમારે માથે શું શું થઈ રહ્યું છે તે જાણો છો ? કહો તો અમે ઉચાળા ભરીએ, કહો તો માલમિલકત મેલીને હાથેપગે ઓખાના સીમાડા છાંડી જઈએ, પણ આવડો માર તો હવે નથી સહેવાતો.”
  • જોધાએ મહાજન ભેળું કર્યું. એક પડખે મહાજન બેઠું છે, બીજે પડખે વાઘેરો બેઠા છે. વચ્ચે જોધો પોતે બેઠો છે. મૂળુ અને દેવો, બેય ભત્રીજા પણ હાજર છે. જોધાએ વાત શરૂ કરીઃ “ભાઈ દેવા ! બેટા મૂળુ !”
  • “બોલો, કાકા !”
  • “આપણે ચોર-લૂંટારા નથી. રાજા છીએ. આપણે મરાઠાની જેમ પરદેશથી પેટ અને પેટિયું ભરવા નથી આવ્યા. પણ આપણા બાપડાડાનું રાજ
  • પાછું હાથ કરી રજપૂતના ધરમ પાળવા આવ્યા છીએ.”
  • “સાચી વાત.”
  • “અને આ વસ્તી આપણાં બેટા-બેટી છે.”
  • “કબૂલ.”
  • “આપણે માથે રણછોડરાય ધણી છે.”
  • “ખમ્મા, રણછોડ !”
  • “ત્યારે રાજપૂતના દીકરા બિરદ વગર રાજ કરે નહિ. સાંભળો આપણાં બિરદઃ
  • “પહેલુંઃ વસ્તીની વાલની વાળી પણ ન લૂંટવી.
  • “બીજુંઃ ઓરતોને બહેન-દીકરી લેખવી.
  • “ત્રીજુંઃ જાત્રાળુને લૂંટવા તો નહિ, પણ ચાલતા આવેલા ધારા પ્રમાણે કર વસૂલ લઈને ઠેઠ રણના કાંઠા સુધી ચોકીપહેરમાં મેલી આવવાં.
  • “બોલો ભાઈ, આ બિરદ ઉથાપે તેને ?”
  • “તેને તોપે ઉડાવવો...” મૂળુ બોલ્યો.
  • પછી જોધો વેપારીઓ તરફ ફરીને બોલ્યોઃ “કહો, ઇંદરજી શેઠ, હીરા શેઠ, હવે તમે સવા મણની તળાઈમાં સૂજો. મારો સગો ભત્રીજો મૂળુ પણ જો ક્યાંય કોઈને ટુંકારો કરે, તો વાવડ દેજો. સજા કરીશ.”
  • “ધન્ય છે, બાપુ !” મહારાજ શાંત પડ્યું.
  • “ઊભા રહો. ધન્યવાદ પછી દેજો. તમારી જવાબદારી પણ સમજી લ્યો. તમારે અમને ખાવાનું તો આપવું જ પડશે. ઘરદીઠ ખાવાનું લેવાનો ઠરાવ કરીને જ તમારે ઊઠવાનું છે. આ તો લડાઈ છે, ઘોલકી નથી માંડી. અને જાંગલાઓને તમે કેમ કર ભરતા’તા ?”
  • “કબૂલ્‌ છે, બાપુ !” કહીને મહાજને ઠરાવ ઘડ્યો. જે રણછોડ ! જે રણછોડ ! એવા નાદ થયા ને ડાયરો વીંખાણો.
  • ૧૦. બેટમાં યુદ્ધ
  • શંખોદ્વાર બેટથી થોડેક છેટે આજ સવારથી મનવારો ગોઠવાતી જાય છે. ચાર મોટી મનવારો સમિયાણાની દીવાદાંડી પાસે આવીને ઊભી રહી અને ત્રણ નાની બેટો ખાડીમાં ચોકી દેવા લાગી. સાતેના ઉપર અંગ્રેજી વાવટા ઊડે છે. તોપોનાં ડાચાં સાતેના તૂતક ઉપરથી બેટની સામે ફાટી રહ્યાં છે.
  • ધીંગાણાના શોખીલા વાઘેરો કિનારા ઉપર નાચતા કૂદતા બોલવા લાગ્યા કેઃ “આયા ! ચીંથડેજે પગેવારા આયા ભા ! ચીંથડેજે પગેવારા ને લાલ મુંવારા માંકડા આયા ! હી ચીંથડેજે પગેવારા કુરો કરી શકે ?” (ચીંથરાના પગવાળા ને લાલ મોંવાળા માંકડા આવ્યા. એ બિચારા શું કરી શકશે ?)
  • ચીંથરાના પગવાળા એટલે મોજાંવાળાઃ વાઘેરોને મન આ મનવારો ને સોલ્જરો ચીંથરાં જેટલાં જ વિસાતમાં હતાં. તાળીઓ પાડીને વાઘેરોએ પોતાના ગોલંદાજને હાકલ કરીઃ “હણેં વેરસી ! ખણો ઉન નંડી તોપકે ! હકડો ભડાકો, ને ચીંથરેવારેજા ભુક્કા !”
  • બેટને આઘે આઘે છેડે બરાબર મોટા દરિયાને કાંઠે હાજી કરમાણશા પીરની મોટી દરગાહ છે. હાજી કરમાણીશા ઓલિયો ઠેઠ ખંભાતથી, એક શિલાની નાવડી બનાવી, ધોકા ઉપર કફનીનો સઢ ચડાવી આખો દરિયો તરતા તરતા બેટને આરે ઊતરી આવ્યા કહેવાય છે. એ જગ્યાની પાસે વાઘેર ગોલંદાજ વેરસીએ પોતાની નાની તોપમાં સીસાનો ભુક્કો, લોઢાના ચૂરા અને ગોળા વગેરે ઠાંસીને ખેરીચો ભર્યો. મનવારોની સામે માંડીને તોપ દાગી પણ ગોળા મનવારને આંબી જ ન શક્યા.
  • હવે મનવારોએ મારો ચલાવ્યો. મણ-મણના ગોળાઓએ આવીને વાઘેરોની તોપના ભુક્કા બોલાવ્યા. કિનારો ખરેડી પાડ્યો.
  • નાદાન વાઘેરો અણસમજુ છોકરાંની કાલી વાણીમાં કહેવા લાગ્યાઃ “નાર તો ભા ! પાણ તો જાણ્યું જે હીતરી હીતરી નંડી ગોરી વીંજેંતો પણ હે તો હેડા હેડા વીંજેંતો. હેડેજો કરાર તો પાંજે ન વો ! હણે ભા ! ભજો!
  • ભજો !” (આપણે તો જાણ્યું કે આવડી આવડી નાનકડી ગોળીઓ છોડશે. આ તો આવડા મોટા ગોળા ફેંકે છે. આવડા ગોળાનો તો આપણે કરાર નહોતો. હવે તો ભાઈ, ભાગો !)
  • કરમાણીશા પીરની દરગાહ ઉપરથી વાઘેરો ભાગ્યા. મંદિરના કિલ્લામાં જઈને ભરાણા - અને આ બાજુથી દ્વારકાના દરિયામાં પણ મનવારોએ ડોકાં કાઢ્યાં.
  • કિનારેથી જોધો ને મૂળુ, બે જણા વાઘેરોના કાળની નિશાનીઓ સામે ઠરેલી નજરે નીરખી રહ્યા છે. જોધો જરાક મોઢું મલકાવી મૂળુની સામે જુએ છે. મૂળુનું મોં ખસિયાણું પડીને નીચે ઢળે છે.
  • “મૂરુભા ! બચ્ચા ! કાળને કેવાં નોતરાં દીધાં આપણે !”
  • હડુડુડુ ! હડુડુડુ ! દરિયામાંથી આગબોટોએ તોપોના બાર આદરી દીધા. ઉપરાઉપરી ગોળાનો મે’ વરસવા લાગ્યો. ગઢની રાંગ તોડી. એટલે વાઘેર જોદ્ધાઓએ દુકાનોનો ઓથ લીધો. પલકવારમાં તો દુકાનો જમીનદોસ્ત બની, એટલે વાઘેરો ખંડેરોનાં ભીંતડાં આડા ઊભા રહ્યા. ગ્રૂપછાંટના ગોળા પડે છે, પડીને પછી ફાટે છે, ફાટતાં જ અંદરથી સેંકડો માણસોનો સંહાર કરી નાખે તેવી જ્વાળાઓ છૂટે છે. હવે શું કરવું તે કાંઈ સૂઝતું નથીઃ તે વખતે બુઢ્‌ઢાઓએ જુક્તિ સુઝાડીઃ “દોડો ભાઈ, ગોદડાં લઈ આવો. અને ગોદડાં ભીનાં કરી કરીને ગોળા પડે તેવાં જ ગોદડાં વડે દાબીને બૂઝવી નાખો.”
  • પાણીમાં પલાળી પલાળીને ગોદડાં લઈ વાઘેરો ઊભા રહ્યા. જેવો ગોળો પડે તેવો જ દોડી દોડીને ગોદડાં દબાવી દેવા લાગ્યા. ગોળા ઓલવાઈને ત્યાં ને ત્યાં થંભી ગયા. એક આખો દિવસ એ રીતે બચાવ થયો. દૂરબીન માંડીને આગબોટવાળાએ જોયું તો વાઘેરોની કરામત કળાઈ ગઈ.
  • બીજે દિવસે પ્રભાતે આગબોટવાળાઓએ આગબોટો પાછી હઠાવી. ગોળા બદલાવ્યા. તોપોના બાર શરૂ થયા. આંહીં વાઘેરો પણ ગોદડાં ભીંજાવીને હાજર ઊભા, પરંતુ આ વખતે ગોદડાં નકામાં નીવડ્યાં. ગોળા અધ્ધરથી જ ફાટી ફાટીને માણસોનો કચ્ચરઘાણ વાળવા લાગ્યા. વાઘેરોનો ઇલાજ ન રહ્યો. દેવાએ પોકાર કર્યો કે “હવે કાંઈ ઉગાર ?”
  • “મંદિરમાં ગરી જઈએ.”
  • “અરરર ! ઈ ગાયુંના ખાનારાઓ મંદિર ઉપર ગોળા મારશે અને આપણે કયે ભવ છૂટશું ?”
  • “બીજો ઈલાજ નથી, હમણાં ખલ્લાસ થઈ જશું. બાકી મંદીર માથે દુશ્મનો ગોળા નહિ છોડે.”
  • ભાન ભૂલીને વાઘેરો મંદિરમાં દાખલ થયા. ત્યાં તો મંદિરના ચોગાનમાં બે ગોળા તૂટી પડ્યા, અને ગોદડે ઝાલવા જાય ત્યાં એમાંથી ઝેરી ગૅસ છૂટ્યો. ઓલવવા જનારા આઠેય આદમીઓ ગૂંગળાઈને ઢળી પડ્યા. બીજો ગોળો બરાબર મોટા દેરાના ઘુમ્મટ પર વાગ્યો. એક થંભ ખરેડી પડ્યો. તે વખતે ત્રાસ પામીને દેવા છબાણીએ હાકલ દીધીઃ “ભાઈઓ, હવે દુશ્મનોએ મરજાદ છાંડી છે. અને આપણાં પાપે આ દેવદેરાંના ભુક્કા સમજ્જો. આપણાથી સગી આંખે હિંદવાણાના આ હાલ નહિ જોવાય. ભગવાનની મૂર્તિ તૂટે તે પહેલાં આપણો જ અંત ભલે આવી જાય. નીકળો બહાર.”
  • “પણ ક્યાં જાશું ?”
  • “આરંભડે થઈને દ્વારકામાં.”
  • ત્યાં તો જાસૂસ ખબર લઈ આવ્યો, “દેવાભા, જમીનમાર્ગે આપણે હવે જઈ રહ્યા. નાકાં બાંધીને તોપખાનાં ચાલ્યાં આવે છે. ભાળ્યા ભેળા જ ફૂંકી દેશે.”
  • રઘુ શામજી નામનો એક ભાટિયોઃ ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલી જાણે. એણે વાઘેરોને કહ્યું, “વષ્ટિ કરીએ. બીજો ઈલાજ નથી.”
  • કિનારે આવીને લોકોએ ધોળો વાવટો ચડાવ્યો. સુલેહની નિશાની સમજીને મનવારનો કપ્તાન કિનારે આવ્યો. જુવાન જુવાન વાઘેરો કિલ્લામાં રહ્યા. બુઢ્‌ઢા હતા તેને કિનારે લઈ ગયા.
  • કપ્તાન બોલ્યો કે “હથિયાર દોડી દ્યો !”
  • બુઢ્‌ઢા બોલ્યા કે “હથિયાર તો ન છડ્યું, હી કિલ્લો સોંપી ડ્યું.”
  • દરમિયાન કિલ્લાના કોઠા પાસેથી સાંકડી ગલીમાં ખાડો કરી આડી રૂની મલીઓ ગોઠવી ચાર વાઘેરો તોપમાં ઢીંગલા ધરબીને છુપાઈ રહ્યા. જોધો ત્યાં હાજર નહોતો.
  • પાંચસો સોલ્જરો ઊતર્યા. કાંઠે ચોકી મૂકીને પાંચસો જણા આગળ વધ્યા. વાઘેરોએ રૂની મલી આડેથી તોપ દાગતાં પચીસ સોલ્જરોની લોથોનો ઢગલો થયો અને તોપો દાગનારા બેય વાઘેરો તરવાર ખેંચીને ફોજમાં ઠેકી પડ્યા. આખી ફોજને પાછા હટાવી. ગોળીએ વીંધાઈને બેય જણાએ છેલ્લે ‘જે રણછોડ !’નો નાદ કર્યો, શ્વાસ છૂટી ગયા.
  • માણેકે સીંચોડો માંડિયો, વાઘેર ભરડે વાડ,
  • સોજીરની કરી શેરડી, ઓર્યા ભડ ઓનાડ.
  • (માણેકે સંગ્રામરૂપી સીંચોડો માંડી દીધો. જાણે વાઘેરો વાડ ભરડવા બેઠા. ગોરા સોલ્ઝરોરૂપી શેરડી કરી મોટા શૂરવીરોને પીસી નાખ્યા.)
  • ફોજે આથમણી રાંગ છોડીને દખણાદી નિસરણી માંડી. સોલ્જરો સીડી ઉપર ચડી રહ્યા છે, ત્યાં ‘જે રણછોડ !’ના નાદ સંભળાયા. દેવો છબાણી પાંચ વાઘેરોને લઈ દોડ્યો, નિસરણી નીચે પટકી, ગોરિયાળીવાળો ગીગો તરવાર ખેંચી ‘જેુ રણછોડ !’ કરી સોલ્જરો વચ્ચે ઠેકી પડ્યો. ઊંચેથી વાઘેરોએ એને પડકાર્યો કે “ભા ! જેડા ગાડર ગૂડેતા હેડા સોજરા ગુડજો !” (જેવાં ઘેટાં કાપીએ તેવો સોલ્જરોને કાપજો !) એ પડકારો સાંભળી એણે ત્રીસ સોલ્જરોની કતલ કરી નાખી, અને ફોજને ફક્ત સાત મરદોએ કિનારા ઉપર પાછી કાઢી મેલી. ઘામાં વેતરાઈ ગયેલો બેટનો રક્ષપાલ દેવો છબાણી દ્વારકાધીશની ધજા સામે મીટ માંડીને થોડી વારમાં પ્રાણ છોડી ગયો.
  • “હવે આપણો સરદાર પડતે આપણે આંહીં રહી શું કરશું ? અને હમણાં ફોજ બેવડી થઈને ઊમટશે,” એમ કહીને કિલ્લેદારો નાઠા. ગોળાનો વરસાદ ન સહેવાયાથી દ્વારકાવાળા નવસો જણા પણ નીકળી ગયા. કિલ્લાનાં બારણાં ખુલ્લાં મુકાઈ ગયાં. રખેને હજુ પણ આગબોટો ગોળા છોડે, એવી બીકે બેટના મહાજને કિનારે જઈ ફોજના કપ્તાન ડોનલ સાહેબને ખબર દીધા કે “વાઘેરો બેટ ખાલી કરીને નાસી છૂટ્યા છે, માટે હવે સુખેથી પધારો બેટમાં!”
  • ૧૧. વેરીની દિલેરી
  • અંધારી રાતે દ્વારકામાંથી ગોરાઓની ગોળીએ વીંધાતા વાઘેરો જીવ લઈને નાસી છૂટ્યા છે. કોઈ એકબીજાને ભાળી શકતું નથી. કાંટામાં ક્યાંથી ગોરાની ગોળી છૂટશે એ નક્કી નથી. દ્વારકા ખાલી કરીને બેભાન વાઘેરો ભાગ્યા જાય છે.
  • અંધારામાં દોડતા જતા એક આદમીનું ઠેબું નીચે પડેલા એક બીજા આદમીને વાગ્યું. દોડનાર વાઘેર બીનો નહિ, ઊભો રહ્યો. નીચે વળ્યો. પડેલા માણસને પડકાર્યો, “તું કોણ ?”
  • “કોણ, સુમરો કુંભાણી, મકનપુરવાળો તો નહિ ?” ઘાયલ પડેલા આદમીએ આ પૂછનારનો અવાજ પારખ્યો.
  • “હા, હું તો એ જ. પણ તું કોણ ?”
  • “મને ન ઓળખ્યો ? સુમરા ! તું તારો શત્રુ, તારી ઓરતને ઉપાડી જનાર હું વેરસી !”
  • “તું વેરસી ! તું આંહીં ક્યાંથી ?”
  • “જખમી થઈને પડ્યો છું. વસઈવાળા મને પડતો મેલીને ભાગી ગયા છે, ને હું પોગું એમ નથી, માટે, સુમરા ! તું મને મારીને તારું વેર વાળી લે, મેં તારો અપરાધ કર્યો છે.”
  • “વેર ? વેરસી, અટાણે તું વેરી નથી. અટાણે તો બાપનો દીકરો છો. વેર તો આપણે પછી વાળશું; વેર જૂનાં નહિ થાય.”
  • એટલું કહી સુમરાએ પોતાના શત્રુને કાંધ ઉપર ઉઠાવી લીધો. લઈને અંધારે રસ્તો કાપ્યો. ઠેઠ વસઈ જઈને સહીસલામત ઘેરે મૂકીને પાછો વળ્યો.
  • ૧ર. આભપરાને આશરે
  • બેટ અને દ્વારકા ખાલી કરીને જોધો પોતાની ફોજ સાથે ભાગી છૂટ્યોછે. સાંઢિયા ઉપર નાનાં બચ્ચાંને ખડક્યાં છે, અને ઓરતો પોતાનાં ધાવણાં છોકરાંનાં ખોયાં માથા ઉપર લટકાવીને મરદોની સાથે રાતોરાત ઊપડતે પગલે નાસી છૂટી છે. થોડોક જાય ત્યાં સામા વાવડ આવે છે કે “ભાઈ પાછા વળો. એ રસ્તે સોજીરોની ચોકી લાગી ગઈ છે.” એ માર્ગ મેલીને બીજે માર્ગે જાય, તો ત્યાંથી પણ નાકાબંધી થઈ ગયાના સમાચાર મળે છે.
  • એમ થાતાં થાતાં આખી રાતના રઝળપાટને અંતે પ્રભાતે વાઘેરોનું દળ પોશીત્રાની સીમમાં નીકળ્યું. પાછળ સરકારી વારના પણ ડાબા બોલતા આવે છે. જોધા માણેકે સલાહ દીધી કે “ભાઈ, સામે ડાભાળા ખડામાં દાખલ થઈ જાયેં તો જ ઉગારો છે. માટે હડી કાઢો.”
  • ડાભાળો ખડો નામની ગીચ ઝાડી છે અને ત્યાં દરિયામાંથી એક સરણું વહ્યું આવે છે, તેમાં ધુણી માતાની સ્થાપના છે. એ ઝાડીમાં પહોંચતાં તો બહારવટિયા પ્રભુને ખોળે બેસી જાય એવી વંકી એ જગ્યા હતી. ડાભાળો ખડો એક ખેતરવા રહ્યો એટલે સાથે માતાનો ભૂવો હતો તે બોલ્યોઃ “જોધા બાપુ ! હવે ભો નથી. માતાજી ફોજને ખમ્મા વાંછે છે.”
  • “કેમ જાણ્યું ભાઈ ?”
  • “આ જુઓ. માતાજીની ધજા સામે પવને ઊડે છે. હવે વારના ભાર નથી કે આપણને આંબે. માતાજીએ વગડામાં આંધળા ભીંત કરી મેલ્યા હશે.”
  • ડાભાળા ખડામાં જઈને બહારવટિયાઓએ પડાવ નાખી દીધો, ચોફરતી ચોકીઓ ગોઠવાઈ ગઈ. ભેળી ઘંટીઓ લીધેલી તે માંડીને વાઘેર ગરાસણીઓ દાણા દળવા બેસી ગઈ. જોધા માણેકનો ડાયરો પણ રાજાની કચારી જેવો દિવસ બધો ભરાયલો જ રહેવા લાગ્યો. સહુ આગેવાનો આ ઓચિંતી ઊથલપાથલને યાદ કરી, શું થઈ ગયું તેના વિચારોમાં ડૂબી ગયા. જાણે સ્વપ્નું આવીને ઊડી ગયું. જોધાજીએ માણસોને પૂછ્યુંઃ “દ્વારકાના કાંઈ વાવડ ?”
  • “વાવડ તો બહુ વસમા છે. બાપુ ! સોજીરોએ દેરાં માથે અકેકાર
  • ગુજારવા માંડ્યો છે.”
  • “શું થયું, ભાઈ ?”
  • “દખણામૂર્તિની પ્રતિમાજીના જમણા હાથની આંગળીયું અને નાસકા ખંડિત કરી. બીજી મૂર્તિયુંની પણ ભાંગફોડ કરી.”
  • “હા ! હા !” કહી જોધાએ આંખ મીંચી.
  • “બીજું, બેટમાં તો આપણે કિલ્લો ખાલી કર્યાની રાતે જ સોજીરો દાખલ થઈ ગયા. વળતે દી સવારમાં ડોનવેલ સા’બે સોજીરુંને લૂંટ કરવાનો હુકમ દીધો.”
  • “લૂંટ કરવાનો હુકમ ?”
  • “હા, બાપુ, લૂંટ કરવાનો હુકમ દીધો, એટલે પે’લાં પરથમ તો કરાંચીનાં વહાણોમાં દારૂ સંઘરેલો હતો ઈ હાથ લાગ્યો એટલે સોજીરો પી પીને ચકચૂર થિયા. પછી ઉઘાડી તરવારે કૂતરાની, મીંદડાંની, ઢોરઢાંખર જે મળ્યું એની, રૈયતનાં નિર્દોષ માણસુંની વિના કારણ કતલ કરવા લાગ્યા.”
  • “હં !” કહીને જોધા માણેકે નિસાસો મેલ્યો. બીજા બેઠેલા, તેઓના પંજા પટોપટ પોતાની તરવાર માથે ગયા. આ જોઈને જોધાજી બોલ્યો, “ધીરા થાવ, ભાઈ ! હજી વાત અધૂરી છે. પછી કેમ થિયું ભાઈ ?”
  • “મંદિરની દીવાલ તૂટી હતી તેમાંથી એક સોનાની પાટ જડી. ગોરાને લાગ્યું કે દીવાલોમાં રોગી પાટો જ ભરી હશે ! એટલે વળતે દી સોજીરોની પલટન કિલ્લાને સુરંગ દઈને ફૂંકી નાખવા માટે આવી. વસ્તીએ કાલાવાલા કર્યા કે ‘આમાં અમારાં દેરાં છે ને દેરામાં મૂર્તિઓ છે માટે જાળવી જાવ !’ પલટનનો સાહેબ બોલ્યો કે ‘બે કલાકમાં તમારી મૂર્તિઓ ઉઠાવી જાઓ, નહિ તો ટુકડોય નહિ રહે.’ મૂર્તિઓ ઉપાડીને રાધાજીને ગૌશાળામાં પધરાવી, અને ચાર પડખેથી સુરંગ ભરીને, ફોજથવાળાઓએ આખો કિલ્લો અને ભેળાં તમામ દેરાને ફૂંકી દીધાં. અટાણે તો ત્યાં દિવસેય ખંડેરો ખાવા ધાય છે. રાતે તો ઊભા રે’વાતું નથી.”
  • “અને હવે ?”
  • “હવે તો હાઉં, લૂંટ આદરી છે. દેરાંમાંથી નાણાં મળતાં જાય છે, તેમ તેમ લૂંટારાઓને ઉમંગ ચડતો જાય છે. ભગવાનને પે’રાવવાના અઢળક દાગીના, રોકડ...”
  • “અને વસ્તીનાં પોતાનાં ઘરેણાં-નાણાં દેરામાં સાચવવા મેલ્યાં છે તે?”
  • “તે પણ ભેળાં જ જાશે, બાપુ ! કોણ ભાવ પૂછશે ?”
  • “રણછોડરાય ! રણછોડરાય ! અમારાં પાપ આંબી ગિયાં. સૂકાં ભેળાં લીલાંય બળી જશે ! સત્યનાશ વહોર્યું, મૂરુભા !” એમ બોલતો બુઢ્‌ઢો અંતરીક્ષમાં નેત્રો તાકી રહ્યો.
  • આમ વાત થાય છે ત્યાં ખેભર્યો સાંઢિયો ઝાડીમાં દોડ્યો આવે છે, અને માર્ગે બેઠેલ અસવાર, સાંઢિયો ઝૂકબ્યો-ન ઝૂક્યો ત્યાં તો ઉપરથી કૂદકો મારીને દાયરામાં શ્વાસ લીધા વિના વાવડ આપે છેઃ
  • “આપણી ગોતમાં ફોજું દસેય દૃશ્યે ભટકે છે. એક પલટન વશી ગઈ’તી, ત્યાં કોઈ બહારવટિયો તો હાથ લાગ્યો નહિ, એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી અને ધરમશાળાને સુરંગ નાખી ફૂંકી દીધી.”
  • “વશી બાળી નાખ્યું ? વસ્તીનું શું થયું ?”
  • “કોક ભાગી નીકળ્યાં, ને કોક સળગી મર્યાં. ઢોરઢાંખર તો ખીલે બાંધેલાં સસડી મૂવાં હશે.”
  • “પછી ફોજ કોણી કોર ઊતરી ?”
  • “સગડ લિયે છે. પોશીતરા, શામશાસર અને રાજપરા સુધી પગેરું છે. ને હમણાં અહીં આવ્યા સમજો, બાપુ !”
  • “હવે આપણને કોણ સંઘરશે ? દોઢ હજાર માણસને સંતાવા જેવી વંકી જગ્યાહવે ફક્ત એક જ રહી છે. હાલો ભાઈ, આભપરો આપણને આશરો દેશે.”
  • પોરબંદર અને નગર રાજ્યના સીમાડા ઉપર પંદરેક ગાઉમાં બરડો ડુંગર પથરાયો છે, અને એના જામનગર તાબાના ઊંચેરા ભાગને આભપરો નામે ઓળખવામાં આવે છે. આભપરો આભની સાથે જ વાતો કરી રહ્યો છે. જેઠવા રાજાઓ કાજે ભૂતના હાથે બંધાયેલ હલામણ જેઠવાનું ઘૂમલી નગર, કે જ્યાં હલામણની વિજોગણ સુંદરી સોનનાં આંસુડાં ટપક્યાં હતાં, જ્યાં રાખાયત નામનો ફૂટતી મૂછોવાળો બાબરિયો જુવાન ગાયોનાં ધણ દુશ્મનોના હાથમાંથી વાળવા જતાં મીંઢોળ સોતો મોતની સેજમાં સૂતો હતો અને એની વાંસે વિલાપ કરતી વિજોગણ સોન કંસારીએ જેઠવા રાજાની કૂડી નજરમાંથી ઊગરવા બરડાઈ બ્રાહ્મણોનો ઓથ લઈ, રાજાની કતલમાં સવા શેર જનોઈ ઊતરે તેટલા અટંકી બ્રાહ્મણો વઢાવ્યા હતા, જ્યાં વેણુ નદીને કાંઠે રાણા મેહ જેઠવાએ, ઊજળાવરણી ને ઊજળાંલક્ષણી ઊજળી નામની ચારણ કન્યાની પ્રીતિના કાલાવાલા નકારી, એના શાપથી ગળત કોઢમાં ગળવાનું કબૂલી લીધું હતું
  • એવા આભપરા ડુંગર ઉપર શૈલકુમાર જેઠવાએ ભૂતને હાથે બંધાવેલાં કાળુભા, કચોળિયું ને સાકુંદો નામનાં ત્રણ પુરાતની તળાવ છે. એ તળાવની પાળે ઝાડવાંમાં ને પોલા પા’ણાઓની બખોલમાં વાઘેરોના કબીલાએ ઘંટીઓ માંડીને ગામ વસાવ્યું. નીચેના બરડા મુલકમાંથી અને નગરનાં પરગણાંમાંથી ખેડૂતોની ખળાવાડોમાંથી ખોરાકી પૂરતા દાણા પાડા ઉપર લાદી લાદીને લાવવા લાગ્યા. અને જોધાની મુખમુદ્રા ઉપર મરણિયાપણાના રંગ તરવરી ઊઠ્યાઃ જોધો પોતાના ખરા રૂપમાં આવ્યો. એણે અંગ્રેજોની સાથે મહા વેર જગાડ્યું. એનું દિલ પ્રભુની સાથે લાગી ગયુંઃ
  • મનડો મોલાસેં લગાયો
  • જોધો માણેક રૂપમેં આવ્યો !
  • કમરું કસીને માણેક બંધિયું અલા !
  • ગાયકવાડને નમાયો. - જોધો.
  • કેસર કપડાં અલાલા !માણપેકે રંગિયાં ને
  • તરવારેસેં રમાયોઃ - જોધો.
  • જોધા માણેકજી ચડી અસવારી અલા !
  • સતીયેંકે સીસ નમાયો. - જોધા.
  • ઊંચો ટેકરો આભપરેજો અલા !
  • તે પર દંગો રચાયો. - જોધા.
  • શેખ ઈસાક ચયે, સુણો મુંજા સાજન !
  • દાતાર મદતેમેં આયો. - જોધો.
  • (જોધો માણેક સાચા રૂપમાં આવ્યો, એણે પોતાનું દિલ પ્રભુ સાથે લગાડી દીધું. માણેકે કસીકસીને કમર બાંધી. દુનિયામાં ડંકો બજાવ્યો. કેસરિયાં કપડાં રંગીને માણેક તરવારે રમ્યા. જોધા માણેકની સવારી ચડી. પાદરમાં સતીઓના પાળિયા હતા તેને જોધાજીએ માથું નમાવી પ્રણામ કર્યા. આભપરાના ઊંચા ટેકરા ઉપર ધીંગાણું મચાવ્યું. કવિ શેખ ઈસાક કહે છે કે ઓ મારા સ્વજનો ! સાંભળો ! એની મદદમાં દાતાર આવ્યા.)
  • ૧૩. મડમનો મનોરથ
  • દ્વારકાના અંગ્રેજ હાકેમના બંગલામાં મડમ મેરી પોતાના સ્વામી બાર્ટન સાહેબની સાથે જિકર લઈ બેઠી છે. સાહેબ ઓરતને સમજાવે છેઃ “મેરી, તું હઠીલી થા નહિ. આજ આપણે આંહીં સરકારી હાકેમ બનીને આવેલ છીએ. આંહીં વાઘેરોનું બા’રવટું સળગે છે. આપણે સે’લગાહે નથી આવ્યાં !”
  • “ના ના, ચાહે ગમે તે કરો. મારે જોધા મોકને જોવો છે. એની બહાદુરીની વાતો સાંભળ્યા પછી મારી ધીરજ રહીતી નથી.”
  • “પણ એ બહારવટિયો છે, બંડખોર છે, એના શિર પર અંગ્રેજોની કતલનો આરોપ ઊભો છે. એન છૂપા મળાય જ નહિ. એને તો જોતાં જ ઝાલી લેવો જોઈએ.”
  • “એક જ વાત, સ્વામી ! મારે એ શૂરવીરને નીરખવો છે.”
  • સાહેબનો ઈલાજ ન રહ્યો. એણે જોધા માણેકને આભપરેથી ઉતારી લાવવા માટે દ્વારકાવાળા રામજી શેઠને આજ્ઞા કરી. રામજી શેઠ અકળાયો.
  • “સાહેબ, એકવચની રહેશો ? દગો નહિ થાય કે ?”
  • “રામજી શેઠ, મારી ખાનદાની પર ભરોસો રાખીને બોલાવો.”
  • રામજીએ આભપરાની ટોચે છૂપા સમાચાર પહોંચાડ્યા કે “જોધાભા, આવી જજો, સમાધાની થાય તેવું છે.”
  • જોધો ઊતર્યો. ઓખાનું માણેક ઊતર્યુ. રૂપની સોરઠમાં જોડી નહોતી. આજાનબાહુઃ મસ્ત પહોળી છાતીઃ બાજઠ જેવા ખંભાઃ વાંકડી મૂછોઃ જાડેજી દાઢીઃ મોટી મોટી આંખોમાં મીઠપ ભરેલીઃ ને પંડ પર પૂરાં હથિયારઃ આજ પણ ભલભલા પોતાની વડીલોને મોંએથી સાંભળેલી એ વાઘેર રાજાનાં અનોધાં રૂપની વાતો કરે છે.
  • ગામ બાહારની ગીચ ઝાડીમાં આવીને જોધાએ રાહ જોઈ. રામજીભાને સમાચાર મોકલ્યા. રામજી શેઠ માડમ પાસે દોડ્યા. સવારથી માડમનું હૈયું હરણના બચ્ચાની માફક કૂદકા મારતું હતું. આજ કાઠિયાવાડી જવાંમર્દનો નમૂનો જોવાના એના કોડ પૂરા થવાના છે. અંગ્રેજની દીકરીને બહાદુર નર નીરખવાનો ઉછરંગ છે.
  • “મડમ સા’બ ! જોધો માણેક હાજર છે.”
  • “શેઠ ! એને આંહીં ન લાવજો ! આંહીં ન લાવજો, કદાચ સાહેબ ક્યાંક દગો કરે ! આંહીં કચેરીમાં નહિ, પણ બહાર જંગલમાં જ મળવાનું રાખજો !”
  • મેરીના અંતરમાં ફિકરનો ફફડાટ હતો. પોતાના ધણી ઉપર પણ એને પૂરો વિશ્વાસ નહોતો બેસતો.
  • સાહેબે ખુશીથી બહાર જઈને મળવાનું કબૂલ કર્યું. રામજી શેઠ પોતાના રાજાને ખબર દેવા ગયા. એ બુઢ્‌ઢા ભેરુને દેખતાંની વાર જ જોધો સમે દોડ્યો. ભાટિયાને બાથમાં ઘાલીને મળ્યો અને ઊભરાતે હૈયે બોલ્યો, “રામજીભા! જીરે જીરે મલ્યાંસી પાણ ! પાકે તો ભરોંસે ન વો !” (રામજીભાઈ ! જીવતાં જીવત આપણે મળ્ય ખરા ! મને તો ભરોસો નહોતો.)
  • રામજી શેઠની છાતી પણ ભરાઈ આવી. ભેળો પોતાના દીકરાનો દીકરો રતનશી, દસ વરસનો હતો, તે આ ભાઈબંધીનાં હેત જોઈ રહ્યો. (રતનશી આજે બેટમાં હયાત છે.)
  • સાહેબ આવ્યા. મડમ આવ્યાં. બન્નેએ જોધાની સાથે હાથ મિલાવ્યા. ગોરાં વરવહુએ ઘઉંવર્ણા અને અભણ બળવાખોરની ખાનદાન મુખમુદ્રા સામે પ્રેમભીની મીટ માંડી. જોધાની રેખાએ રેખાને જાણે પીવા લાગ્યાં. સાહેબ મડમ સામે જુએ, ને મડમ સાહેબ સામે જુએ. બેયની આંખો જાણે જોધાને માટે કાંઈક વાતો કરી રહી છે. મડમનું અબોલ મોં જાણે કરુણાભરી ભાષામાં કહી રહ્યું છે કે “ઓખામંડળનો સાચો માલિક તો આ. આપણે તો ફક્ત બથાવી પડ્યાં. આનાં બાળબચ્ચાંનું શું ? એની ઓરત ક્યાં જઈ જન્મારો કાઢશે ? કાંઈ વિચાર થાય છે ?”
  • મડમની આંખો પલળતી દેખાણી. બાર્ટને કહ્યું, “જોધા માણેક ! તમે આંહીં મારી પાસે નજરકેદ રહેશો ? હું તમારું બહારવટું પાર પડાવું. તમારો ગુનો નથી. ગુનો તો તમને ઉશ્કેરનારાઓનો છે. આંહીં રહો. હું તમારે માટે વિષ્ટિ ચલાવું.”
  • જોધાએ રામજીભા સામે જોયું. રામજી તો વટનો કટકો હતો. તેણે કહ્યું, “ના, સાહેબ, જોધાભા તો ઓખાનો રાજા છે. એને નજરકેદ ન હોય. એ તો છૂટો જ ફરશે. કહો તો હું હામી થાઉં.”
  • “રામજી શેઠ, હું દિલગીર છું, કાયદાએ મારા હાથ બાંધી લીધા છે. એને હામી ઉપર ન છોડાય. તમે એને આંહીં રહેવા દ્યો. હું એને રાજાની રીતે રાખીશ.”
  • “ના ! ના ! ના !” બુઢ્ઢા રામજીએ ડોકું ધુણાવ્યું. “મારે ભરોસે આવેલા મારા રાજાને ક્યાંઈક દગો થાય, તો મારી સાત પેઢી બોળાય ! હું ન માનું. જોધાભા ! પાછા વળી જાવ.”
  • સાહેબે અફસોસ બતાવ્યો. મડમ તો બહારવટિયાની મુખમુદ્રા ઉપર ઊઠતા રંગોને જ નીરખે છે. આખરે જોધો ઊઠ્યો, સાહેબ-મડમે ફરી હાથ મિલાવ્યા. કાળી મોટી આંખોમાંથી મીઠપ નિતારતો બહારવટિયો રણછોડરાયના મંદિર તરફ ઊભો રહ્યો. હાથ જોડ્યા. આભપરા દીમનો વળી નીકળ્યો.
  • ઝાડીમાં એનાં પગલાંના ધબકારા સાંભળતી મડમ ઊભી રહી.
  • ૧૪. સરકારી શોધ
  • દાત્રાણા ગામના ચોરા ઉપર માણસોનો જમાવ થઈ ગયો છે. અને એક ગોરા સાહેબ કમરમાં તરવાર, બીજી કમરે રિવૉલ્વર, છાતી ઉપર કારતૂસોનો પટો, સોનાની સાંકળીવાળી ટોપી, ગોઠણ સુધી ચળકાટ મારતા ચામડાના જોડા, પહાડ જેવો ઘોડો અને ફક્ત પાંચ અસવારો, એટલી સજાવટ સાથે ઊભો ઊભો ગામના પટેલને પૂછે છે, “કિધર ગયા બા’રવટિયા લોગ ?”
  • પટેલ જવાબ આપતાં અચકાય છે, એની જીભ થોથરાય છે. કોઈ જઈને બહારવટિયાને બાતમી આપી દેશે તો પોતાના જ ઓઘામાં બહારવટિયા પોતાને જીવતો સળગાવી દેશે એવી એના દિલમાં ફાળેડ છે. સાહેબે પોતાનો પ્રભાવ છાંટ્યોઃ “ગભરાયગા, ઔર નહિ બોલેગા, તો પકડ જાયગા. હમ હમારા બલોચ લોગકો તુમારા ઘર પર છોડ દેગા. વાસ્તે સીધા બોલો, કિધર હૈ બહારવટિયા ?”
  • “સાહેબ, ચરકલા ગુરુગઢ અને દાતરડાના પાદરમાં થઈને બહારવટિયા ભુવનેશ્વરના ડુંગરામાં ને પછી આભપરા માથે ગિયા છે.”
  • “કિતના આદમી ?”
  • “બારસો !”
  • “રોટી કોન દેતા હૈ ?”
  • “સાહેબ, અમારા ગામનો પાડાવાળો પોતાનો પાડો છોડાવવા આભપરે ગિયો’તો, એ નજરે જોયેલ વાત કહે છે કે બારસોય જણા પડખેની ખળાવાડોમાંથી બાજરો લાવીને ફક્ત એની ઘૂઘરી બાફીને પેટ ભરે છે. અને જોધો માણેક બોલ્યો છે કે જામ સાહેબના મુલકમાં પૈસાવડીએ ખાવાનું મળશે તો ત્યાં સુધી અમારે લોકોને લૂંટવા નથી. નીકર પછી મોટાં ગામો ધમરોળવાં પડશે.”
  • “અચ્છા ! સરકાર ઉસકી ચમડી ઉતારેગા !”
  • એટલું કહીને રતુંબડા મોઢાવાળા સાહેબે ઘોડો દોડાવી મૂક્યો. માર્ગે સાહેબને વિચાર ઊપડે છેઃ બાલબચ્ચાં, ઓરતો ને મરદો પોતાના નોકને ખાતર બાજરીનાં બાફણાં ઉપર ગુજારો કરે છે, એની સામે ટક્કર ઝીલવાનું આ ભાડૂતી માણસોનું શું ગજું છે ?
  • ૧પ. બીજી વિષ્ટિ
  • આભપરા ઉપર દિવસ બધો ચોકી કરતા કરતા બહારવટિાય જૂના કોઠાનું સમારકામ ચલાવે છે અને રાતે દાયરો ભેળો થઈ દાંડિયારાસ રમે છે. વાઘેરણો પોતાના ચોક જમાવીને ડુંગરનાંયે હૈયાં ફુલાય એવે કંઠે રાસડા ગાય છે. એવા ગુલતાનને એક સમે ચોકીદારે જોધાની પાસે આવીને જણાવ્યું કે “બાપુ, હેઠલી ચોકીએથી વાવડ આવ્યા છે કે ચાર જણા તમને મળવા રજા માગે છે.”
  • “કોણ કોણ ?”
  • “દેવડાનો પટલ ગાંગજી, સંધી બાવા જુણેજાનો દીકરો ને બે સૈયદ છે.”
  • “સૈયદ ભેળા છે ? ત્યારે તો નક્કી વષ્ટિ સાટુ આવતા હશે. સૈયદ તો મુસલમાનોનું દેવસ્થાનું કે’વાય. ગા’ગણાય. એને આવવા દેજો, ભા !”
  • એક પછી એક નાકું અને ચોકી વળોટતા ચારેય મહેમાનો આભપરાના નવા રાજાઓના કડક બંદોબસ્તથી દંગ થતા થતા આવી પહોંચ્યા. જોધા માણેક તથા મૂળુ માણેકને પગે હાથ દઈને મળ્યા. બોલ્યા કે “જોધભા ! વેર ગાયકવાડ સમે, અને શીદ જૂનાગઢ-જામનગરને સંતાપો છો ? અમે તમારું શું બગાડ્યું છે.”
  • “ભાઈ, અમને સહુને જેર કરવા સાટુ તમારાં રજવાડાં શીદ ગાયકવાડ અને અંગ્રેજની સાથે ભળ્યાં છે, તેનો જવાબ મને પ્રથમ આપો. અમે એનું શું બગાડ્યું છે ?”
  • “પણ કોઈ રીતે હિયાર મેલી દ્યો ? સરકાર ગઈગુજરી ભૂલી જવા તૈયાર છે.”
  • “ખબરદાર, વાઘેર બચ્ચાઓ !” વીઘો સુમણિયો ખૂણામાંથી વીજળીને વેગે ઊભો થયો, “હથિયાર મેલશો મા, નીકર મારી માફક કાળાં પાણીની
  • સજા સમજ્જો. વાઘેર પ્રાણ છોડે પણ હથિયાર ન છોડે.”
  • જોધાએ મહેમાનોને હાથ જોડી કહ્યું કે “એ વાત મેલી દ્યો. અમને હવે ઈશ્વર સિવાય કોઈ માથે ભરોસો નથી. અને મેં તો હવે મારા મોતની સજાઈ પાથરી લીધી છે. હું હવે મારો મનખ્યો નહિ બગાડું.”
  • પહાડ ઉપર જે કાંઈ આછીપાતળી રાબડી હતી તે પીરસીને મહેમાનોને જમાડ્યા. હાથ જોડી બોલ્યા કે “ભાઈયું ! આપ તો ઘણા જોગ, પણ અસાંજી સંપત એતરી !”
  • છેક છેલ્લા ગાળાની ચોકી સુધી મહેમાનોને વાઘેરો મૂકી આવ્યા.
  • ૧૬. ઘેરાનો નિર્ણય
  • સરકારનો હુકમ છૂટ્યો કે નગરનું રાજ્ય જાણીબૂઝીને જ આભપરામાં બહારવટિયાને આશરો આપે છે. જો નગરની ફોજ એને આભપરો નહિછોડાવે તો નગરનું રાજ તો ડૂલ થઈ જશે. જામના કારભારી ને વજીર લમણે હાથ દઈને વિચાર કરવા લાગ્યા. ઘણી ઘણી વિષ્ટિ ઘૂમલીના ડુંગર ઉપરજામરાજાએ મોકલી, પણ વિષ્ટિવાળા લાચાર મોંયે પાછા વળ્યા.
  • જામે કચેરીમાં પૂછ્યું, “લાવો વષ્ટિવાળાઓને, બાલિયા રેવાદાસ !તમને શું કહ્યું ?”
  • “બાપુ ! જામને ચરણે હથિયાર છોડવા વાઘેરો તૈયાર છે, પણઅગ્રેજોને પગે નહિ.”
  • “હાં, બીજું કોણ ગયું’તું.”
  • “બાપુ, અમેઃ પબજી કરંગિયો ને મેરામણ.”
  • “શા ખબર ?”
  • “એ જઃ કહે છે કે આ જગ્યા નહિ છોડીએ. અમારી રોજીની વાત ગળામાં લઈને જામ જો ચારણભાટની જામીનગીરી આપે, તો જામના કૂતરાથઈને ચાલ્યા આવવા તૈયાર છીએ, પણ સરકારનો તો અમને ભરોસો નથી.”
  • “કેમ !”
  • “એક વાર હથિયાર છોડાવીને વિશ્વાસઘાત કર્યો માટે !”
  • “કેટલા જણ છે ?”
  • “પંદરસેં હથિયારબંધઃ અરધ બંદૂકદાર, ને અરધા આડ હથિયારે.”
  • “શું કરે છે ?”
  • “જૂનો કોટ સમારે છે.”
  • ફોસલાવવાની આશા છોડી દઈને દરેક મોટા મોટા રાજ્યે પોતપોતાની ફોજો ભેળી કરી. છ-છ બાજુએથી ઘેરો ઘાલ્યો.
  • ૧૭. આભપરો છોડ્યો
  • માગશર વદ નોમની પાછલી રાતે શિયાળાના ચંદ્રમા અનોધાં તેજ પાથરતો હતો. આભપરાની ટૂકો એ તેજમાં તરબોળ બની હતી. ઘૂમલીનાં દેવતાઈ ખંડેરોની - એ તળાવો, વાવો, કૂવાઓ, દેરાં ને ભોંયરાની - એક વાર અલોપ થઈ ગયેલી દુનિયા જાણે ફરી વાર સજીવન થઈ ગઈ હતી. કડકડતી ટાઢમાં પહેરવા પૂરાં લૂગડાં ન હોવાથી વાઘેરોનાં બચ્ચાં તાપણાંની આસપાસ પોઢતાં હતાં. ચોકીદારો બોકાનાં વાળીને પોતાનાં અધઉઘાડાં અંગ ભડકા કરી કરીને તપાવતા હતા. તે વખતે મોડપરના ગઢ ઉપરની તોપના એક, બે ને ત્રણ બાર થયા.
  • તોપ પડતાં જ ગાળે ગાળેથી ફોજો ઊપડી. ઘૂમલીની દિશાએથી કંસારીની કેડીએ નગરમાં છસો માણસોની હાર બંધાઈઃ દાડમાની કેડીએ ને નલઝરની કેડીએ બસો-બસો સરકારી પલટનિયાએ પગલાં માંડ્યાં. કિલ્લેસરથી ત્રણસો અને દંતાળો ડુંગર હાથ કરવા માટે સાડા પાંચસો ચડ્યા.
  • એમ આશરે બે હજાર ને ત્રણસો પૂરેપૂરા હથિયારધારીઓએ વાઘેરોને વીંટી લીધા. જાણ થતાં જ બહારવટિયાએ સામનો કરી લેવા હાકલ કરી કે “હલ્યા અચો મુંજો પે ! હલ્યા અચો !’ (હાલ્યા આવો, મારા બાપ ! હાલ્યા આવો !)
  • વાઘેર બચ્ચાના મોમાંથી ભર લડાઈમાં, પોતાના કટ્ટા અને અધમ શત્રુની સામે પણ ‘હલ્યા અચો મુંજા પે !’ સિવાય બીજો સખૂન કદી નીકળ્યો નહોતો. મહેમાનોને આદરમાન આપતા હોય અને મિત્રોને શૂરાતન ચડાવતા હોય એવા પોરસના પડકારા દઈ પચાસ-પચાસ બહારવટિયાના જણે જેવે તેવે હથિયારે આ કેળવાયેલી ને સાધનવાળી પલટનોનો સામનો કર્યો, મરદની રીતે ટપોટપ ગોળીએ વીંધાતા ગયા. કંસારીનાં દોરાંનો મોરચો, આશાપરાના ધડાની ચોકી, વીણુંનો ધડો, એમ એક પછી એક ચોકીઓ પડતી ચાલી.
  • બીજી બાજુ સરકારે પાસ્તર ગામના રબારી માંડા હોણને ભોમિયો બનાવી, એના સો રબારીઓને ખભે રબરની અને કાગળની તોપો ઉપડાવી આભપરે ચડાવી. દિવસ ઊગ્યો અને તોપો છૂટી. કાળુભા અને સાકુંદા તળાવમાં ગોળા પડ્યા. પાણી છોળે ચડ્યાં. સૂરજને પગે લાગતો જોધો બોલ્યો કે “થઈ ચૂક્યું. આપણા પીવાના પાણીમાં ઝેરના ગોળા પડ્યા. હવે આભપરો છોડીને ભાગી છૂટીએ.”
  • પોતાના સાતસો જુવાનોને આભપરે સુવાડીને બહારવટિયાએ દંતાળાને ડુંગરે એક દિવસનો ઓથ લીધો. જોધા માણેકે આ પ્રમાણે ટુકડીઓ વહેંચીઃ “મેરુભા ! તું એકસો માણસે માધવપુરની કોર. પોરબંદર માથે ભીંસ કર.”
  • “દેવાભા ! તું એકસો માણસે હાલારમાં ઊતરી ગોંડળ-જામનગરને હંફાવ.”
  • “હું પોતે ગીરમાં ગાયકવાડને ધબેડું છું.”
  • “વેરસી ! તું ઓખાને ઊંઘવા મ દેજે !”
  • “ધના ને રાણાજી ! તમે બારાડીને તોબા પોકરાવો !”
  • “ભલાં !” કહીને સહુએ જોધાની આજ્ઞા શિર પર ચડાવી. રાત પડતાં અંધારે નોખી ટુકડીઓ, ઓરતો ને બચ્ચાં સહિત પોતપોતાને માર્ગે ભૂખીતરસી ચાલી નીકળી.
  • ૧૮. કોડીનાર ભાંગ્યું
  • ૧કોડીનાર મારીને જાય
  • ઓખેજો વાઘેર કોડીનાર મારીને જાય,
  • ગોમીજો રાજા કોડીનાર મારીને જાય.
  • આથમણે નાકેથી ધણ વાળીને,
  • ઉગમણે નાકે લઈ જાય. - ઓખેજો.
  • નિસરણીયું માંડીને ગામમાં ઊતર્યા ને,
  • બંદીવાનની બેડીયું ભંગાય. - ઓખેજો.
  • કોડીનાર મારીને જોધોભા ગાદીએ બેઠા ત્યારે,
  • કોડીનારનો ધણી કોઈ ન થાય. - ઓખેજો.
  • દાયરો કરીને કસુંબા રે કાઢિયા ને,
  • સાકરુંના ઠૂંગા વેચાય. - ઓખેજો.
  • રંગડા વાઘેરને દેવાય. - ઓખેજો.
  • ખરે રે બપોરે બજારું લૂટિયું ને,
  • માયાના સાંઢિયા ભરાય. - ઓખેજો.
  • બ્રાહ્મણ સૈયદુંને દાન તો દીધાં ને,
  • ગામમાં મીઠાયું વે’ચાય. - ઓખેજો.
  • ગાયું કેરે ગોંદરે નીર્યા કપાસિયા ને,
  • પાદરે ચોરાસી જમાય. - ઓખેજો.
  • દેશ પરદેશે કાગળો લખાણા ને,
  • વાતું તારી વડોદરે વંચાય. - ઓખેજો.
  • હૈયાની ધારણે બોલ્યા રે નથુનાથ
  • તારા જસડા ગામેગામ ગવાય. - ઓખેજો.
  • ૧ કિનકેઈડ સાહેબે બહારવટિયાનાં આવાં કેટલાંક કાઠિયાવાડી રણગીતોને ‘બૅલડ’ નામ આપી, અંગ્રેજી ભાષામાં ઉતાર્યાં છે, પોતે ભાષાન્તર કરવામાં અતિશય છૂટ લેતા હોવાથી એના અનુવાદો અસલ ગીતા કરતાં સરસ થાય છે; અને કેટલીક વાર તો જૂનાં સાથે મેળવવા જતાં પંક્તિઓ મળતી નથી. નીચેનું ‘બૅલડ’ આ ગીતનું જ ભાષાન્તર હોવાનું દીસે છે, એમાં કેટલીક પંક્તિઓ મળતી નથી, કેટલીક વધુ ઘટનાઓ વર્ણવી છે. કદાચ એ ઘટનાવાળી મૂળ પંક્તિઓ મારા શોધેલા ગીતમાંથી ઊડી ગઈ હશે. ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ના પાના ૩૮ પર એ લખે છે કે
  • ૈં રટ્ઠદૃી ેહીટ્ઠિંરીઙ્ઘ ંરી ર્કઙ્મર્ઙ્મુૈહખ્ત હ્વટ્ઠઙ્મઙ્મટ્ઠઙ્ઘ ુરૈષ્ઠર ૈજ ુિૈંીંહ ૈહ ટ્ઠ ખ્તટ્ઠઅ, દ્ઘૈહખ્તઙ્મૈહખ્ત દ્બીિંી ટ્ઠહઙ્ઘ ટ્ઠકર્કઙ્ઘિજ િીઙ્મૈીક ટ્ઠકીંિ ંરી ર્જદ્બીુરટ્ઠં ુીટ્ઠિૈર્જદ્બી ૂેટ્ઠંટ્ઠિૈહજર્ ક ંરી દ્ભટ્ઠંરૈ હ્વટ્ઠઙ્ઘિજઃ
  • ર્
  • ં ! કટ્ઠૈિ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ, જરી જંટ્ઠહઙ્ઘજર્ હ ંરી ષ્ઠેજિીઙ્ઘ સ્ટ્ઠરટ્ઠિંંટ્ઠ’જ ઙ્મટ્ઠહઙ્ઘજ, ૈંહ રીટ્ઠદૃીહજ ંરીિી ુટ્ઠજ હીૈંરીિ ર્દ્બર્હ ર્હિ જંટ્ઠિ ! ્‌રીઅ ુીિી ઉટ્ઠખ્તરૈજિ જંર્િહખ્ત ટ્ઠહઙ્ઘ ંટ્ઠઙ્મઙ્મ ટ્ઠહઙ્ઘ ંરીઅ ષ્ઠઙ્મૈદ્બહ્વીઙ્ઘ ંરી ર્ઙ્મર્-ર્રઙ્મીઙ્ઘ ુટ્ઠઙ્મઙ્મ; ્‌રીહ ુટ્ઠજ રીટ્ઠઙ્ઘિ ંરી મ્ટ્ઠહૈટ્ઠજ’ ુટ્ઠૈઙ્મ હ્વેં ંરીૈિ ીંટ્ઠજિ રટ્ઠઙ્ઘ ર્હ ટ્ઠદૃટ્ઠૈઙ્મ. ઉરીહ ંરી ૌહખ્તર્ કર્ ાંરટ્ઠ ર્ઙ્મર્ીંઙ્ઘ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ.
  • ્‌રીહ ટ્ઠ દ્બૈખ્તરંઅ કીટ્ઠજં રી દ્બટ્ઠઙ્ઘી ર્કિ ંરી ુંૈષ્ઠી-ર્હ્વિહિ ટ્ઠહઙ્ઘ ંરી ડ્ઢરીઙ્ઘ, છહઙ્ઘ ંરી જુીીં-હ્વટ્ઠઙ્મઙ્મજ ંરીઅ ુીિી જષ્ઠટ્ઠંીંિીઙ્ઘ કિીી ટ્ઠહંરીિ. ્‌ર્રેખ્તર ીટ્ઠષ્ઠર મ્ટ્ઠિરદ્બૈહ ટ્ઠીં ટ્ઠહઙ્ઘ ટ્ઠીં, અીં રી ીદ્બૈંીઙ્ઘ ર્હં રૈજ ઙ્મટ્ઠીં, ઉરીહ ંરી ર્ઙ્મઙ્ઘિર્ ક ર્ય્દ્બૈં ર્ઙ્મર્ીંઙ્ઘ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ.
  • છહઙ્ઘ ંરીઅ િીદૃીઙ્મઙ્મીઙ્ઘ ઙ્મટ્ઠીં ટ્ઠહઙ્ઘ ર્ઙ્મહખ્તીિ, ટ્ઠહઙ્ઘ ંરીઅ ષ્ઠરટ્ઠહીંઙ્ઘ દ્બટ્ઠહઅ ટ્ઠ ર્જહખ્ત. ર્(ક રૈજ ખ્તર્ઙ્મિઅ ંરીિી ૈજ ર્હંરૈહખ્ત ંરટ્ઠં ષ્ઠટ્ઠહ દ્બટ્ઠિ) છહઙ્ઘ ંરી મ્રટ્ઠંજ ર્કિ ખ્તૈકં ઙ્ઘૈઙ્ઘ ર્ષ્ઠદ્બી ટ્ઠહઙ્ઘ ંરીઅ ંરેદ્બીઙ્ઘ ંરી ાીંંઙ્મી ઙ્ઘિેદ્બ, ઉરીહ ંરી િૈહષ્ઠીર્ ક ડ્ઢુટ્ઠિાટ્ઠ ર્ઙ્મર્ીંઙ્ઘ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ.
  • છહઙ્ઘ રી ખ્તટ્ઠદૃી ુૈંરર્ ીહ રટ્ઠહઙ્ઘ ર્ં ીટ્ઠષ્ઠર દ્બટ્ઠૈઙ્ઘીહ ૈહ ંરી ઙ્મટ્ઠહઙ્ઘ. છજ જરી જટ્ઠં હ્વીઙ્ઘીષ્ઠાીઙ્ઘ ુૈંરૈહ ંરી હ્વિૈઙ્ઘટ્ઠઙ્મ ષ્ઠટ્ઠિ, ્‌ર્રેખ્તર ંરી જર્િંજ ંરીઅ જષ્ઠટ્ઠષ્ઠિી ર્ષ્ઠેઙ્મઙ્ઘ ીંઙ્મઙ્મ, ર્હં ટ્ઠ જૈહખ્તઙ્મી ઉટ્ઠખ્તરૈિ કીઙ્મઙ્મ; ઉરીહ ર્ત્નઙ્ઘરટ્ઠ સ્ટ્ઠહૈા ર્ઙ્મર્ીંઙ્ઘ ર્દ્ભઙ્ઘૈહટ્ઠિ.
  • “કોડીનાર ભાંગવા આવું છું, આવજો બચાવવા !” એમ પ્રથમથી જ ગાયકવાડ રાજને જાસો દઈ, ગીરના ગાળા ઓળંગતો ઓળંગતો બુઢ્ઢો જોધો માણેક પરોડિયાને અંધારે કોડીનારના કોટની રાંગે આવી પહોંચ્યો.
  • ગાયકવાડી ફોજ તો ગામમાંથી ભાગી છૂટી હતી, પણ ગામને ઝાંપે કોઠા ઉપર એક આદમી અડગ હિંમતથી ઊભો હતો. વાઘેરો આવ્યા તેને એ એકલ આદમી સૂનકાર પડેલા કોઠામાંથી બંક ચલાવી ગોળીએ વધાવતો હતો. એનું નામ આદમ મકરાણી.
  • “વાહ જમાદાર !” વાઘેરોએ એ વીરને નીચે ઊભાં ઊભાં પડકાર્યો, “શાબાશ ભાઈ ! ગાયકવાડના આટલા સિપાઈમાં એક તેં જ નિમક સાચું કર્યું. હવે બા’રો નીકળી જા, તારે માર્ગે પડ, તારું નામ કોઈ ન લીએ.”
  • આવી શાબાશીને આદમ મકરાણી ન સમજી શક્યો. હતો બહાદુર, પણ મનની મોટપનો છાંટોય નહોતો. એણે ગાળો દેવા માંડી. વાઘેરોએ ફરી વાર એને ચેતવ્યો કે “જમાદાર ! જબાન સમાલો અને ઊતરી જાઓ. અમે ઘા નથી કરતા, માટે ખાનદાન બનો.”
  • પણ આદમે ખાનદાની ન ઓળખી. એણે હલકટ બોલ માડ્યા. અને દગો કરીને એણે મૂૂળુ માણેકના ભાણેજ ઉપર ગોળી છોડી. જોધાએ આજ્ઞા દીધીઃ “હાણે હી કુત્તો આય, સિપાઈ નાય, હાણે હીંકે હણો !” (હવે એ કૂતરો છે. સિપાઈ નથી રહ્યો. હવે એને મારો !)
  • એ વેણ બોલતાં જ મીયા માણેકની બંદૂક છૂટી. એક જ ભડાકે આદમ મકરાણીને કોઠા ઉપરથી ઉપાડી લીધો.
  • આદમને ખતમ કરીને જ્યાં દીવાલ પર ચડવા જાય છે ત્યાં ગામ વચ્ચોવચ એક મેડીમાંથી તોપનો મારો થયો. એક પછી એક ગોળા પડવા લાગ્યા. જોો જોઈ રહ્યો. “આ કોણ જાગ્યો !”
  • જાણભેદુએ કહ્યું, “કોડીનારના નગરશેઠ કરસનદાસની એ મેડી, જોધાભા ! અરબસ્તાન સુી એનાં વહાણ હાલે છે.”
  • “વાણિયે તોપું માંડી ?”
  • “જોધાભા, એ તો નાઘેર કાંઠાનો વાણિયો, રાજપૂત જેવો.”
  • ધડ ! ધડ ! ગોળા આવવા લાગ્યા. તે વખતે જોધા માણેકની મીટ પોતાના એક ભેરુબંધ ઉપર મંડાણી. ભેરુબંધ સમજી ગયો. કાઠિયાવાડનાં રાજસ્થાન માંહેલો એ એક જાડેજો ઠાકોર હતો. કરડો, કદાવર અને બંદૂકનો સાધેલ એ રાજપૂત આંબલી ઉપર ચડ્યો. બરાબર તોપવાળી મેડીમાં તીણી નજર નોંને એણે ભડાકો કર્યો. નગરશેઠના આરબ ગોલંદાજને વીંધી લીધો.
  • ગોલંદાજ વીંધાતાં જ મેડી પરથી વાણિયાએ શરણાગતિની કપડી કરી. (ધોળો વાવટો બતાવ્યો.) પછી જોધો માણેક કોટને નિસરણી માંડીને ઉઘાડી તરવારે આગળ થઈને ચડ્યો; દરવાનને ઠાર કરી, દરવાજા ઉઘાડા ફાટક મેલી, પોતાના સરખેસરખા સો જણને અંદર દાખલ કર્યા; બંદૂકોમાં આઠ-આઠ પૈસાભારની વજનદાર ગોળીઓ ઠાંસી ખોબોખોબો દારૂ ભરી માણસો જે ઘડીએ હલ્લા કરવા ચાલ્યા તે ઘડીએ જોધો આંગળી ઊંચી કરીને ઊભો રહ્યોઃ
  • “સાંભળી લ્યો, ભાઈ ! વસ્તીની બોનું-ડીકરીયુંને પોતપોતાની ડીકરીયું ગણીને ચાલજો. પ્રથમ મે’તા-મુસદ્દીઓને હાથ કરજો ! પછી વેપારીઓને પકડજો ! બીજો જે સામો ન થાય એને મ બોલાવજો !”
  • ગામમાં પેસીને વાઘેરો છૂટાછવાયા ભડાકા કરવા લાગ્યા. તેટલામાં બાજુની ખડકી ઉઘાડીને એક ડોશી બહાર ડોકાણી. હાથ જોડીને બહારવટિયાને વીનવવા લાગી કે “એ બાપા, બંધુકું બંધ કરો, મારું ગરીબનું ઘર ભાંગી પડશે.”
  • “શું છે માડી ?” જોધાએ પૂછ્યું.
  • “મારે એકનો એક દીકરો છે, એની વહુને અટાણે છોરુ આવવાનો સમો છે. આ ધડાકા સાંભળીને વહુ બાપડી ફાટી મરશે.”
  • જોધાએ હાથ ઊંચો કરી ગોળીબાર થંભાવ્યા.
  • કાયસ્થ દેસાઈનું ઘર હતું. બહારવટિયા ત્યાં લૂંટી રહ્યા હતા. ચાર વરસના એક નાના છોકરાના પગમાંથી તોડા કાઢતા હતા. છોકરો રોતો હતો.
  • “ભાઈ માધવરાય !” એ છોકરાની બહેનને હાકલ કરી, “રોવે છે શીદ, ભાઈ ? તું જીવતો રહીશ તો તોડા ઘણાય મળી રે’શે. રો મા, માધવરાય!”
  • ‘માધવરાય’ નામ સાંભળતાં જ વાઘેરો અટકી ગયા. એકબીજાની સામે જોઈ કહેવા લાગ્યા કે “પાં તો માધુરાયજા કૂતરા આહાં ! માધવરાય તો આસાંજા ઠાકર !” (આપણે તો માવરાયના કૂતરા છીએ. માધવરાયજી તો આપણા પ્રભુ કહેવાય.)
  • એ બાળકને માધવપુરવાળા પ્યાર પ્રભુ માધવરાયનો નામેરી જાણીને વાઘેરો પગે લાગ્યા અને વગરલૂંટ્યો બહાર નીકળી ગયા.
  • ગામ કબજે કરી કચેરી ભરીને બહારવટિયાએ બેઠક જમાવી. નગરશેઠ કરસનદાસને સન્મુખ બેસારેલા છે. નગરશેઠે હાથ જોડીને કહ્યું કે “તમારે શરણે આવ્યા છીએ. હવે અમારી આબરૂ રાખો અને કોરે કાગળે દંડનો આંકડો માંડો.”
  • કહેવાય છે કે બહારવટિયે પાંચ હજાર રાળ (ઇૈટ્ઠઙ્મ નામનું પોર્ટુગીઝ નાણું કે જેનું, દીવ નજીક હોવાથી, વાઘેરમાં ચલણ હતું), એટલે કે રૂ. ૧ર,પ૦૦, દંડ માંડ્યો. શેઠે દંડ કબૂલ્‌ કર્યો. પછી વિનતિ કરી કે “સહુ દાયરો લઈને મારે ઘેર પગલાં કરો.”
  • બહારવટિયો વિશ્વાસ મૂકીને શેઠને ઘેર પરોણો બન્યો. ઘરને ભોંયતળિયે તો કાંઈ નહોતું, પણ પહેલે માળે જાય ત્યાં બહારવટિયાએ જોયું કે તેલની મોટી કડાઓ ઊકળી રહી છે. ઉપલે માળે જાય તો પા’ણા ગોફણો વગેરેના ઢગલા પડ્યા છે. તેથીયે ઉપરના માળે ચડતાં તો બંદૂક, દારૂગોળો અને તરવારના ગંજ દીઠા. અગાસી પર ત્રણ ઠાલી તોપો દેખી.
  • હસીને બહારવટિયાએ પૂછ્યું, “કાં શેઠ, શો વિચાર હતો ?”
  • નગરશેઠે જવાબ દીધો, “બાપા, નાઘેર તો સોમનાથજીની ભૂમિ છે. આ ભૂમિ ઉપર તો લાખો શૂરાપૂરાનાં લોહી છંટાણાં છે. મરવું-મારવું એ અમારે મોટી વાત નથી. સાચું બોલું છં કે જો તમારામાં ધરમ ન દેખ્યો હોત, ને મને ગામની બાયું-દીકરીયુંની બેઈજ્જતીની બીક હોત, તો - બડાઈ નથી મારણો પણ - લડતે લડતે ચોથી ભોંયે ચડત અને તેમ છતાં ન પહોંચત તો સુરંગ ફોડીને મેડી ઉડાડી દેત. પણ તમારું ધરમજુદ્ધ જોઈને પ્રેમ આવ્યો એટલે આ ગોઠ દીધી છે, જોધા માણેક !”
  • “રંગ તુંને, ભા ! રંગ વાણિયા !” એમ બોલતો બહારવટિયો હેતભરપૂર હૈયે નગરશેઠને બાથ ભરી ભેટી પડ્યો.
  • પાંચ હજાર રાળની થેલીઓ ભરીને શેઠના દીકરાઓએ બહારવટિયાની સન્મુખ ધરી દીધી. ધરીને પગે લાગ્યા.
  • “દીકરાઓ !” બહારવટિયો બોલ્યો, “આ હું તમને પાઘડીના કરીને પાછા આપું છું.”
  • ગોઠ જમીને બહારવટિયો નીકળી ગયો. શેઠનો દંડ ન લીધો.૧
  • ૧ આ શ્ઠનો પાછળથી વેલણ ગામ ઈનામમાં મળેલું અને દી. બ. મણિભાઈ જશભાઈના કારોબારમાં શ્રીમંત સરકાર એને ઘેર જઈ આવેલા.
  • સરકારની કચેરીની અને દુકાનોની લૂંટ ચલાવી; બીજે દિવસે બ્રાહ્મણોની ચોરાસી જમાડી, ગાયોને ગોંદરે કપાસિયા નીર્યા; ત્રીજે દિવસે કસુંબા કાઢી દાયરા ભર્યા; ચારણ બારોટની વાર્તા ને નાથબાવાના રાવણહથ્થા સાંભળ્યા. ત્રણેય દિવસ કોડીનારના ગઢ ઉપર વાઘેર રાજાનો નીલો નેજો ફરકતો રહ્યો. ત્રણ દિવસ સુધી રીતસર ત્યાં રાજ ચલાવ્યુંઃ ન્યાય ચૂકવ્યા. રક્ષણ કર્યું ને કેદીઓ છોડ્યા. ચોથે દિવસે ચાલી નીકળ્યા. ગીરના કોઈ વંકા ગાળામાં બેસી કોડીનારની લૂંટનો ભાગ પાડ્યો. જોધાએ પૂછ્યું, “કુલ આપણે કેટલા જણ ?”
  • “એકસો ને બે.”
  • “ઠીક ત્યારે, એકસો ને બે સરખા ભાગ પાડો, ભા !”
  • “ના ના, જોધા ભા ! એમ નહિ બને. તું અમારો રાજા છો.” પ્રથમ તારી મોટાઈનો ભાગ કાઢીએ. તે પછી જ અમારા એક સો ને બે સરખા ભાગ પડાશે.”
  • મોટાઈનો ભાગ કાઢ્યા પછી સરખેસરખા ભાગ પડ્યા. અકેક માથા દીઠ ત્રણસો-ત્રણસો કોરી વહેંચાણી અને બહારવટિયા હિરણ્ય નદીને કાંઠે વાંસાઢોળના ડુંગરમાં આવ્યા. નદીની લીલી પાટ ને પીળી પાટ ભરી હતી. પડખે એક ઘટાદાર આંબલી હતી. જોધાએ એ આંબલી નીચે ઉતારો કરવાનો મનસૂબો જાહેર કર્યો.
  • તે જ વખતે બરાબર એક વટેમાર્ગુ ત્યાંથી નીકળ્યો. એણે શિખામણ દીધી કે “ભાઈ, આંહીં દાનસ્તું માણસ રાત રોકાતું નથી, એવી વહેમવાળી આ જગ્યા છે. પછી તો જેવી તમારી મરજી !”
  • જોધાએ કહ્યું, “અરે ભાઈ, ખડિયામાં ખાંપણ લઈને ફરનારને તો ધરતી માતા માના ખોળા બરોબર.”
  • પડાવ નાખ્યો. બીજા જ દિવસથી જોધાને તાવ ચડ્યો. ત્રીજે દિવસે જોધાને પોતાનું મોત સૂઝ્‌યું. મરતી વખતે એણે એટલું જ કહ્યું કે “ભાઈ મને મૂરુની તો ભે નથી પણ દેવો ક્યાંઈક લપટશે એવો વહેમ આવે છે. દેવાને મારી રામદુવાઈ ક -”
  • એટલું વેણ અધૂરું રહ્યું ને જોધાનો જીવ ખાળિયું ખાલી કરીને ચાલી નીકળ્યો. હિરણ્યને કાંઠે જોધાને દેન દીધું. એક સો ને એક માણસોએ લૂગડાં કાળા રંગમાં રંગીને પહેરી લીધાં. આખી ટુકડી જઈને મૂળુને ભેળી થઈ ગઈ.
  • જે આંબલી નીચે જોધાએ પ્રાણ છોડ્યા, તે આજ પણ ‘જોધા આંબલી’ નામે ઓળખાય છે. સાસણ ગામથી લીમધરા જતાં, વાંસાઢોળ ડુંગરની તળેટીમાં હિરણ્ય નદીને કાંઠે આ આંબલી ઊભી છે.
  • ૧૯. કાકાની કાળવાણી
  • “મરતાં મરતાં કાકો કાંઈ બોલ્યા’તા ?”
  • “હા, મૂરુભા, કહ્યું’તું કે મૂળુનો તો મને પૂરેપૂરો ભરોસો છે, પણ દેવો લપટ્યા વિના નહિ રહે.”
  • મૂળુ માણેકે નિસાસો નાખ્યો. એનાથી બોલાઈ ગયું કે “દેવો - સાચી વાત. દેવો ભાઈ ઘણોય હતો તો દેવતા જેવો, પણ એના જુલમની વાતું મારે કાને પોગીયું છે. અને વાઘેરુંના નેજાના સતનો આધાર જોધોકાકો જાતાં મારો રુદિયો હવે આ ધીંગાણામાં ઠરતો નથી. મુને ફાળ પડી છે કે દેવોભાઈ વખતે વાઘેરુંના નેજાના વાવટાને બટ્ટો બેસારશે.”
  • ઓખામંડળના થડમાં કોઈ વંકી જગ્યાએ ઊતરીને મૂળુ માણેકે કાકાનું સ્નાન કર્યું છે, કાળાં લૂગડાં પહેર્યાં છે, અને કાકાનો પ્રતાપ પરવારી બેસવાથી એને બા’રવટું સંકેલી લેવાના મનસૂબા ઊપડ્યા છે. પડખે દેવુબાઈ૧ બહેન પણ ઊભી છે. એનાથી ન રહેવાયું. ભાઈની સંગાથે રઝળી રઝળીને પોતાનાં અનોધાં રૂપ હારી બેઠેલી, નિચોાવઈને કંગાલ બની ગયેલી બહેને આ ટાણે ભાઈને પડકાર્યોઃ “ભાઈ ! દુઃખ ભોગવવાં દોહ્યલાં થઈ પડ્યાં ? ત્રીસ જ વરસની અવસ્થાએ ઘડપણ ચડ્યાં !”
  • ૧. દેવુબાઈ નામની બહેન બાળકુંવારી રહીતે બળવામાં વાઘેરોને પડકારતી બહાર નીકળેલી, એ વાત બીજે સ્થળેથી મળી હતી પણ દ્વારકાના વાઘેરો દેવુબાઈ જેવું કોઈ પાત્ર થઈ ગયાનો ઈન્કાર કરે છે.
  • “બોનબા ! દુઃખથી તો થાક્યો નથી. સાતસો-સાતસો વાઘેરોએ કંટાળીને ગોરા પાસે હથિયાર મેલી દીધાં તેથીયે અકળાતો નથી. પણ દેવના ઓછાયાથી ડરું છું. કાકો દેવતાઈ નર હતા. એનાં છેલ્લા વેણ ઈ તો પેગંબરનાં વેણ લેખાય !”
  • “ફકર મ કરજે. એવું થાશે તે દી દેવો માનો જણ્યો ભાઈ છે, તોય હું માથું વાઢી લઈશ.”
  • આમ વાતો થાય છે ત્યાં બાતમીદાર આવી પહોંચ્યો. એનું મોં પડી ગયું હતું.
  • “શા ખબર છે, ભા ?”
  • “મૂરુભા ! ધ્રાંસણવેલ રાંડી પડ્યું. રામાભાઈની દેહ પડી ગઈ. અસોભા પણ ગુજરી ગયા. મુળવાસરવાળા મેપા જસાણીને પણ ગોળીના જમખ થયા અને બાપુએ ને હબુ કુંભાણીએ સરકારને પગે હથિયાર મેલ્યાં.”
  • મૂળુ માણેકે ફરી સ્નાન કર્યું. નવા સમાચાર મળવા ઉપરથી વિચાર કરવા બેસે ત્યાં એક સાંઢિયો આવીને ઝૂક્યો. અસવારે આવીને રામરામ કર્યા.
  • “ઓહો ! દુદા રબારી ! તમે ક્યાંથી, બાપા ?” એમ કહેતો મૂળુ ઊભો થઈ ગયો.
  • “મૂળુ બાપુ ! તમારા ભલા સારુ આવેલ છું. મારે કાંઈ સવારથ નથી. પણ ઓખો રઝળી પડશે એ વાતનું મને લાગી આવે છે, માટે સંતાતો લપાતો ચોર બનીને આવ્યો છું.”
  • “બોલ, ભા !”
  • કુટિલતાની રમતો રમતી આંખો, કાળા સીસમ જેવો, ટૂંકી ગરદન ને બઠિયા કાનવાળો દુદો રબારી ઈશારો કરીને મૂળુભાને એકાંતે તેડી ગયો. કાનમાં કહ્યું કે “બારટન સાહેબ અભેવચન આપે છે. જમીન પાછી સોંપી દેવા કોલ દે છે. એક દિવસની પણ સજા નહિ પડવા દે. માટે સોંપાઈ જાઓ. અટાણે લાગ છે. ગુનેગાર તો કાકો હતો. તમે તો છોકરું છો. તમારો કાંઈ ગુનો જ નથી.”
  • મૂળુનું દિલ માની ગયું. રબારી તો ભવાનના ઘરનું માણસઃ પેટમાં પાપ ન હોય; ને ગોરા ગમે તેવા તોયે બોલ પાળનારા, એમ સમજી મૂળુએ અંગ્રેજના શરણે જવાનો મારગ લીધો. માણસોને કહી દીધું કે “ભા ! હવે વીખરાઈ જાવ. બા’રવટાનો સ્વાદ હવે નથી રિયો. બોન દેવુબાઈને પણ અમરાપર લઈ જાવ. હું સીધો સાહેબ પાસે જાઉં છું.”
  • “ભા, બોન કહે છે એક વાર ચાર આંખો ભેળી કરતા જાવ.”
  • “ના, નહિ આવું, બોનની આંખોના અંગાર મને વળી પાછો ઉશ્કેરી મૂકશે.”
  • “ભા ! બોને કહેવરાવ્યું છે કે ઓખાનો ધણી ગોરા નોકરને પગે હથિયાર ધરશે ત્યારે જોવા જેવો રૂડો લાગશે, હોં !”
  • ર૦. વડોદરાની જેલમાં
  • અમરેલી શહેરમાં તે દિવસ માણસ કાંઈ હલક્યું છે ને ! ચાર ગોરા સાહેબોની અદાલત બેઠી છે અને બહારવટિયા ઉપર મુકદ્દમો ચાલે છે. જુબાનીઓ અને સાક્ષીઓના ઢગલા થઈ પડ્યા છે. પીંજરામાં બીજા બધા વાઘેરો ઊભા છે, ફક્ત મૂળુ માણેક જ નથી.
  • “મૂલુકો ક્યું નહિ સમજાયા ?” એમ ચારેય ગોરાઓ પૂછે છે.
  • અમલાદારોએ જવાબ દીધો, “સાહેબ, મૂળુ માણેક વચન આપીને બદલી ગયો.”
  • એવે ઓચિંતો ત્રીસ વર્ષનો વાંકડી મૂછોવાળો મૂળુ દેખાયો, ગમગીન છતાં પ્રતાપી એનો ચહેરો !
  • “ખમ્મા, મૂરુભા ! મૂરુભા આવ્યો !” એવી વધાઈ પીંજરામાં ઊભેલા કેદીઓના મોંમાંથી વછૂટી.
  • “ટોપીવાળા સાહેબો !” મૂળુ બોલ્યો, “મૂળુ માણેક બીજા હજાર ગુના કરે, પણ વચન આપીને ન ફરે. હું ભાગી નીકળવા નહોતો રોકાણો. પણ મા-બહેનો અને ઓરતોને મુલાજાભેર ક્યાંઈક ઓથે રાખી આવવા મૂંઝાતો હતો. કેમ કે ઓખો તો અટાણે તમારા બલોચી પલટનિયાઓના પંજામાં પડ્યો છે; અને બલોચો અમારી બોન-દીકરીયુંની લાજું લૂંટે છે.”
  • બોલતાં બોલતાં મૂળુ માણેકની આંખમાં કાળ રમવા લાગ્યો.
  • મુકદ્દમો ચાલ્યો.૧ જુબાનીઓ લેવાઈ, ફેંસલો લખીને ગોરાઓ ઊપડી ગયા. એની પાછળથી ફેંસલો વંચાણો કે ‘સુડતાલીસ વાઘેરોને પાંચ-પાંચ વર્ષની, અને મૂળુને ચૌદ વર્ષની સખત મજૂરીની સજા, એના પિતા બાપુ માણેકને સાત વર્ષની સજા. તમામને વડોદરા રેવાકાંઠા જેલમાં ઉઠાવી જવાના.’
  • ૧. આ વખતના કેદીઓની જુબાની ઉપરથી સાફ માલૂમ પડ્યું કે ગાયકવાડી અધિકારીઓએ તેઓના રોજ બંધ કર્યા; અને વારે વારે તેઓની ઉપર ચડાઈ કરવાના ડારા દીધા તેથી તેઓને આ તોફાન કરવાની જરૂર પડી. પોલિટિકલ ખાતામાં જોધો એક વાર ફરિયાદે ગયેલો, ને ત્યાંથી કાંઈક દિલાસો મળેલો. પણ પાછળથી કાંઈ થયું નહિ. મૂળુ પોતાના રોજ પેટે, લગ્ન ખરચ સારુ બે હજાર કોરી લેવા ગયો હતો પણ તેને મળી નહિ હતી. (‘ઓખામંડળના વાઘેરોની માહિતી.’)
  • ખડ ખડ ખડ દાંત કાઢીને મૂળુ બોલ્યો, “ક્યાં છે વાઘેરોને વિશ્વાસઘાતી કહેનારા ! વિશ્વાસઘાતી તે સાહેબના વેણ ઉપર ભરોસો રાખીને હથિયાર મેલનાર વાઘેરો કે અમને અભેવચન આપીને પછી કાળે પાણીએ કાઢનાર અંગ્રેજો ?”
  • કચેરીની અંદર મૂળુ માણેકની તરવાર કબજે કરવામાં આવી. સારાં હથિયાર તો બધાં ગીરમાં દાટી દીધેલાં, ફક્ત આ એક કટાઈ ગયેલી, વટની, મિયાન વગરની તરવાર હતી. મિયાનને બદલે વડવાઈ વીંટેલી હતી. તરવાર જોઈને ગોરા અમલદારો હસવા લાગ્યા. મૂળુને ટોણો માર્યો કે “એસી તરવારસે તુમ સારે મુલકકો ડરાતા થા !”
  • આંખ ફાડીને મૂળુએ જવાબ દીધો કે “ભૂરિયા ! તરાર તરાર કુરો ચેતો ! તરાર મેં કી નારણો આય ? પાંજો કંડો નાર ! કડો.” (ભૂરિયા, તરવાર તરવાર શું કરે છે ? તરવારમાં તે શું જોવાનું બળ્યું છે ? આ મારું કાંડું જો, કાંડું.)
  • એટલું બોલતાં બોલતાં જુવાન બહારવટિયે પોતાનું લોખંડી કાંડું બતાવ્યું, સાહેબો ભોંઠા પડીને ચૂપ થઈ રહ્યા.
  • સુડતાલીસ સાથીઓની સાથે મૂળુ માણેક વડોદરા રેવાકાંઠા જેલ તરફ ચાલી નીકળ્યો.
  • ર૧. જેલ તોડી
  • વગડામાં એક ઘોડેસવાર ચાલ્યો જાય છે. ટારડું ઘોડું ગણી ગણીન ડગલાં માંડે છે, બેસુમાર બગાં કરડી રહી છે, એટલે ઘોડાના પૂંછડાને તો જંપ જ નથીઃ શરીરને બન્ને બાજુ મોઢું નાખી નાખીને ઘોડું બગાંને વડચકાં ભરતું જાય છે અને પીઠ પર બેઠેલો લાંબી ધોળી દાઢીવાળો બંધાણી અસવાર એક હાથે ઘોડાનું ચોકડું ડાંચે છે, બીજે હાથે સરકનું દોરડું ફેરવી ફેરવી મારે છે, બે પગે ઘોડાના પેટાળમાં એડીઓ મારે છે, પોતે આખું શરીર હચમચાવે છે ને જીભના ડચકારા કરે છે. એમ છ-છ જાતની કરામતો કરવા છતાં ઘોડું તો સરખી ચાલે જ ચાલ્યું જાય છે. અસવાર ઘોડાને ફોસલાવે છેઃ “હા, મારા બાપ, હાલ. ઝટ પગ ઉપાડ. મોડું થાશે તો શીખ નહિ મળે.”
  • એક અલમસ્ત આદમી ઉઘાડે શરીરે ખેતરમાં ઘાસ વાઢતો હતો, એણે આ શબ્દો સાંભળીને પૂછ્યું, “એ બારોટજી, ક્યાં ઝટ પોગવું છે ?”
  • “પોગવું છે, ભાઈ, પોગવું તો છે દુલા રાજાની પાસે. ઝટ જઈને દુવા કે’વા છે ! અહાા મૂળવો, કરાફતનો વાઘેર મૂળવો !
  • કેસરિયા વાઘા કરી, કાંકણ બાંધ્યું હોય,
  • જગત ઊભી જોય, માણેક પરણે મૂળવો.
  • અને મૂળવા, તારી શી વાત ?
  • તું ટોડા ગોપાળતણ, જો મેલીને જાત,
  • (તો તો ) સવખંડ ચેરો થાત, માણેક તાહળો, મૂળવા !
  • બારોટે દુહા લલકાર્યા ત્યાં વગડો આખો જાણે સજીવન થઈ ગયો. મજૂર, મૂલી, ખેડૂતો, પશુઓ, સહુ ઊંચાં માથાં કરી સાંભળી રહ્યાં. તેમ તો બારોટની ગળી ગયેલ ભુજાઓમાં બેવડું જોર આવ્યું. હાથ લાંબા કરીને લલકારવા લાગ્યોઃ
  • મૂળુ મૂછે હાથ, તરવારે બીજો તવા,
  • હત જો ત્રીજો હાથ, (તો) નર અંગરેજ આગળ નમતા !
  • “રંગ મૂળવા, રંગા ! બેય હાથ તો રોકાઈ ગયા, એક હાથ મૂછને તાલ દે છે, ને બીજો હાથ તરવારની મૂઠ ઉપર જાય છે. ત્રીજા હાથ કાઢે ક્યાંથી ! અમરેલીવાળા ભૂરિયાઓએ ઘણુંય કહ્યું કે મૂળુ માણેક, સલામ કર. પણ ત્રીજા હાથ વગર સલામ શેની કરે ?”
  • “અરે પણ બારોટ ! ફટકી કાં ગયું ? મૂળુ માણેક તો વડોદરે રેવાકાંઠાની જેલમાં સડે છે. ખોટાં ખોટાં બોકાસાં કાં પાડો ? ગળું દુખવા આવશે.”
  • “એ ભૂત કે પલીત ? જાણતોય નથી, ઝોડ જેવા ? મૂળવો સાવજ પાંજરે સામે કદી ? ઈ તો એ આવ્યો છૂટીને.”
  • “હેં ? શી રીતે છૂટ્યો ? માફી માગીને ?”
  • “તારી જીભમાં ગોખરુ વાગે, માળા કાળમુખા ! મૂળવો માફી માગે? એ જેલ તોડી જેલ !”
  • “જેલ તોડી ! વજ્જર જેવી જેલ તોડી ?”
  • “હા હા ! ઈ તો સંધાય ભેરુડા મત બાંધીને સામટા દરવાજે ધોડ્યા. જોવ ત્યાં તો બારીમાં સામાં પચીસ સંગીન ધરીને પલટનિયા ઊભેલા. પણ રંગ છે ગોરવિયાવાળીવાળા દેવા છબાણીને. સવા શેર સૂઠ એની જણનારીએ ખાધી ખરી, બાપ ! તે ઈ દેવે પડકારો કર્યો કે હાં મારા ભાઈયું ! મારી દયા કોઈ આણશો મા, હું સંગીન આડું મારું ડિલ દઈ દઉં છું, તમે જોરથી મારા શરીર સામો ધસારો દઈને નીકળી જોજો. એમ કરીને દેવો ડેલીની બારી આડો ડિલ દઈને ઊભો રહ્યો. બીજા સહુ પલટનિયાઓની બંદૂક દેવાના દિલમાં સલવાઈ રહી એટલે લાગ ભાળી નીકળી ગયા.”
  • “અને દેવો ?”
  • “દેવોય આંતરડાં લખડતાં’તાં તે ડોકમાં નાખીને હાલ્યો.”
  • “તે શું મૂરુભા નીકળી આવ્યા છે ?”
  • “હા, હા, ને વાઘેરુંને કરે છે ભેળા. મોટી ફોજ બાંધીને ફરી બા’રવટું માંડે છે. જાઉં છું મોજ લેવા. આ જ છે માધવપરના વાવડ. આજ તો ખોબે ખોબે કોરિયું ને સોનામો’રું વેંચશે મારો વા’લીડો !”
  • દળ આવ્યાં દખણી તણાં, ભાલાળા ભોપાળ,
  • સામા પાગ શીંગાળ, માણેક ભરતો મૂળવો.
  • (દક્ષિણીઓનાં ભાલાવાળાં સૈન્ય આવ્યાં, પણ સિંહ સમાન મૂળુ માણેક તો એની સામે પગલાં ભરીને ચાલ્યો.)
  • અને એ મલકનાં માનવી !
  • મૂળવે અંગરેજ મારિયા, (એના) કાગળ જાય ક્રાંચી,
  • અંતરમાં મઢમ ઊચરે, સૈરું વાત સાચી !
  • (મૂળુ માણેકે અંગ્રેજોને માર્યા. એના કાગળો કરાંચી પહોંચ્યા. હૃદયમાં ફાળ પામતી મડમો પોતાની સહિયરોને પૂછવા લાગી કે “હેં બે’ન, મારા ધણીને મૂળુએ માર્યા એ સાચી વાત ?”)
  • એવા એવા દુહા લલકારતો ને પોતાના બુલંદ અવાજથી વગડા ગજાવતો બારોટ ટારડી ઘોડીને સપરટાં મારતો મારતો ચાલી નીકળ્યો.
  • સાંતીડાં થોભાવીને વાઘેરો વિચાર કરવા માંડ્યા. એકે કહ્યુંઃ “માળે બારોટે દુહા સારા બનાવ્યા !”
  • બીજો સાંતીડાને ઘીંહરું નાખીને મંડ્યો ગામ તરફ હાલવા. પહેલાએ પૂછ્યું, “કાં ?”
  • “હવે સાંતી શીદ હાંકીએં ? મૂરુભાને ભેળા ભળી જાયેં. ભળીને ફરી વાર વાઘેરોનું જૂથ બાંધીએ.”
  • “હાલો તંઈ આપણેય.”
  • બેઉ ખેડૂતો ચાલી નીકળ્યા. ઘાસનો ભારો વાઢીને પોતાના માથા પર ચડાવવા મથી રહેલ એક કોળી પણ થંભીને ઊભો થઈ રહ્યો. બે ઘડી વિચાર કરીને એણે પણ ભારો ફગાવી દીધો, દાતરડાનો ઘા કરી દીધો અને હાલ્યો. બીજાએ પૂછ્યું, “કાં ભાઈ, કેમ ફટક્યું ?”
  • “જાશું મૂરુભા ભેરા.”
  • “કાં ?”
  • “ભારા વેચીવેચીને દમ નીકળી ગિયો !”
  • રર. માધવપુર ભાંગ્યું
  • એ રીતે ઈ.સ. ૧૮૬પ, સપ્ટેમ્બર, તારીખ ર૬ના રોજ રેવાકાંઠા જેલ તોડીને બહારવટિયો વીસ વાઘેર કેદીઓને લઈ કાઠિયાવાડમાં ઊતર્યો. ઓખામાં વાત ફૂટી કે મૂળુભા પાછો આવ્યો છે.
  • “આવીને પહેલા સમાચાર ઓખાના પૂછ્યાઃ “પાંજો ઓખો કીં આય?”
  • સંબંધીઓએ જાણ કરીઃ “મૂળુભા, ઓખાને માથે તો રેસિડન્ટ રાઈસ સાહેબે બલોચોને મોકળા મેલી દીધા છે.”
  • “શું કરે છે બલોચો ?”
  • “જેટલો બની શકે એટલો જુલમ; જાહેર રસ્તે રૈયતની વહુ-દીકરીઓને ઝાલી લાજ લૂંટીરિયા છે અને વસ્તી પોકાર કરવા આવે છે તો સાહેબ ઊલટો ધમકાવે છે.”
  • “કેટલુંક થયાં આમ ચાલે છે ?”
  • “ત્રણ વરસ થયાં.”
  • સાંભળીને મૂળુનો કોઠો ખદખદી ઊઠ્યો. એણે આજ્ઞા દીધી કે “ભાઈ, ઝટ ફોજ ભેળી કરો, હવે મારાથી નથી રહેવાતું.”
  • જોતજોતામાં તો વાઘેરો ને ખાટસવાદિયાઓનાં જૂથ આવીને બંધાઈ ગયાં.
  • કેસરિયા વાઘા મૂળુ માણેકના શરીર ઉપર ઝૂલવા લાગ્યા. એણે પોતાના માણસોને કહ્યું કે “ભાઈ, બા’રવટાનાં શુકન કરવાં છે માધવપુર ભાંગીને. જેલમાંથી જ માનતા કરી હતી કે માધવરાયજીની સલામું લેવા આવીશ. માટે પે’લું માધવપુર.’
  • “મૂળુભા ! માધવપર પોરબંદરનો મહાલ છે હો ! અને જેઠવા રાજાએ ચોકીપહેરો કડક રાખ્યો હશે.”
  • “આપણે પણ ચોકીપહેરાની વચ્ચે જ દાદાનાં દર્શન કરવાં છે, ભાઈ!
  • નધણિયાતાને માથે નથી જાવું.”
  • કંઠાળી મુલક સોના જેવાં અનાજ દેતો હતો. એની બરકતમાં વેપારી વાણિયા ને ખોજા ડૂબી ગયા હતા. ચાલીસ સિંધી જુવાનોનું થાણું માધવપુરની ચોકી કરતું. બહારવટિયા ઓચિંતા ક્યારે પડશે એ બીકથી આખી રાત ‘જાગતા સૂજો ! ખબરદાર !’ એવા પડકારા થતા હતા. એક દિવસ ઊડતા ખબર આવ્યા કે આજે રાતે બહારવટિયા પડશે. ખરે બપોરે કોટના દરવાજા દેવાઈ ગયા, પણ રાતે કોઈ ન આવ્યું. ખબર આવ્યા કે પાંચ ગાઉ આઘે ગોરશેર નામના ગામે અપશુકન થવાથી બહારવટિયા પાછા વળી ગયા.
  • માહ મહિનો ચાલે છે. લગ્નસરાના દિવસ છે. બહારવટિયાની ખાનદાની પર ભરોસો રાખી લોકોએ વિવાહ માંડ્યો છે. માધવપુરને પાદર ભાયા માવદિયાની જાન પડેલી અને રાતે કેશવા કામરિયાનું ફુલેકું ચડનારું હતું. એવે મહા વદ બીજને બુધવારે રાતે મૂળુ અને દેવાની ટોળી માધવપુરને ટીંબે માધવરાયને દર્શને ઊતરી.
  • હથિયારબંધ નવતર જુવાનોએ તો પ્રથમ જોવા માટે જાન તથા ફુલેકાની ધામધૂમમાં ભળી જઈ દીવાટાણે ગામમાં પગ મૂક્યો. શેરીએ શેરીએ મહાલ્યા. ફુલેકાવાળા માને છે કે આ નવતર જુવાનો જાનની સાથે આવ્યા છે અને જાનવાળા માને છે કે આ તો ફુલેકાવાળા ભેળા હશે.
  • ફુલેકાનાં ઢોલ-શરણાઈ શાંત થઈ ગયાં. બજારો બંધ થઈ. ગામ નીંદરમાં પડ્યું. એ વખતે બહારટિયા પોલીસના થાણા ઉપર પડ્યા.
  • બંદૂકો નોંધીને ઊભા રહ્યા. મૂળુ બોલ્યો, “અટાણે હથિયાર છોડી દિયો, નીકર અમારે તો માડુ મારો ને કુત્તો મારવો બરાબર છે.”
  • હથિયાર છોડાવી, માણસોને કોઠામાં કેદ કરી, મૂળુએ ચારેય દરવાજે ચોકીદાર મૂક્યા. વાઘેર પહેરગીરોએ કડકડતી ટાઢમાં માઢની બારીઓ સળગાવી તાપતા તાપતા કાફીઓ લલકારવા લાગ્યા. અને હજામો પાસે જાનની મશાલો ઉપડાવી મૂળુ તથા દેવો માધવરાયજીને મંદિરે ચડ્યા.
  • માણસોએ કહ્યું કે “મૂળુભા ! મંદિરને મોટાં તાળાં દીધાં છે.”
  • “અરે ક્યાં મરી ગિયો પૂજારી ?”
  • “ભોનો માર્યો સંતાઈ રિયો છે. કૂંચિયું એની કેડ્યે લટકે છે.”
  • “પકડી લાવો ઈ ભામટાને.”
  • પૂજારી સંતાઈ ગયો હતો. એને ખોળીને હાજર કર્યો.
  • “એ બાપુ ! માધવરાયના અંગ મોથી દાગીના ન લેવાય હો !”
  • “હવે મૂંગો મર, મોટા ભગતડા ! તારે એકને જ માધવરાય વા’લો હશે, ખરું ને ? મૂંગો મૂંગો મને કમાડ ખોલી દે. મારે દરશન કરવાં છે, દાગીના નથી જોતા.”
  • મૂળુના ડોળા ફર્યા કે બ્રાહ્મણે ચાવી ફગાવી. મંદિરનાં તોતિંગ કમાડ ઊઘડ્યાં. માધવરાય ! માધવરાય ! ખમ્મા મારા ડાડા ! એમ જાપ જપતો મૂળુ મંદિરમાં દાખલ થયો. દોડીને પ્રતિમાને બાથ ભરી લીધી. ડાડા ! ખમ્મા ડાડા! એમ પોકાર કરતાં કરતાં મૂળુ પોકે પોકે રોઈ પડ્યો. માણસો જોઈ રહ્યાં કે આ શું કરે છે ? આની ડાગળી ખસી ગઈ કે શું થયુું ?
  • સારી પેઠે કોઠો ખાલ કરીને મૂળુ ઊઠ્યો. પાછલે પગે ચાલતો ચાલતો બે હાથ જોડીને બહાર નીકળ્યો.
  • દુકાનોમાંથી રેશમી વસ્ત્રનો તાકો ઉપાડી મંદિર ઉપર નવી ધજા ચડાવી પછી મૂળુએ હુકમ આપ્યો કે “કોઈને લૂંટ્યા કે રંજાડ્યા વિના ફક્ત લુહાણા અને ખોજા વેપારીઓને આંહીં શાંતિથી બોલાવી લાવો.”
  • મંદિરને ઓટલે બૂંગણ ગાદલાં પથરાવી મૂળુએ દરબાર ભર્યો. વેપારીઓને કહી દીધું કે “બ્રાહ્મણોની ચોરાસી જમાડવી છે, માટે બ્રાહ્મણો માગે તેટલાં સીધાં સામાન કાઢી આપો.”
  • શેરાની ચોરાસી રંધાણી. તમામ માણસો માટે શેરાનાં સદાવ્રત મંડાઈ ગયાં.
  • હિન્દુ-મુસલમાન તમામ દેવસ્થાનો પર નવી ધજા ને નિવેદ ચડાવ્યાં.
  • લોકો ભેળા બહારવટિયા દાંડિયા-રાસ રમ્યા, કોળી પટેલિયાઓની સ્ત્રીઓ પાસે રાસડા લેવરાવ્યા.
  • ત્રાસ વર્તાવ્યો ફક્ત વેપારીઓ ઉપર. સતાવવાની મનાઈ છતાં કેટલાક ફાટેલા જુવાનોએ કોઈ કોઈ ઠેકાણે લૂંટફાટ કરી દરદાગીના કઢાવ્યા; દુકાનો ફાડી ફાડી રસ્તા ઉપર ઘી, ગોળ, સાકર, અનાજ, કપાસિયા વગેરેના ઢગલા કર્યા, અને ગામલોકોને હાલક દીધી કે “ખાવું હોય એટલું ખાઓ ને લેવું હોય એટલું ઘેર લઈ જાઓ !”
  • વેપારીઓના ચોપડા લાવી સળગાવી મૂક્યા.
  • “ગલાલચંદ શેઠ,” બહારવટિયાએ હુકમ કર્યો, “તું અમારો મે’તો. બધા વેપારીઓ પાસેથી એની મતાના પ્રમાણમાં દંડનો આંકડો ઠરાવ-ઉઘરાવી દે, ભા ! અને જેની પાસે રોકડ ન હોય એની પાસે એના દંડ પૂરતી કિંમતનો જ દાગીનો વસૂલ લેજે. વધુ મા લેજે, ભા ! નીકર તુંને માધવરાયજી પૂછશે!”
  • ગલાલચંદ શેઠે દંડના આંકડા મૂક્યા. ધનજી મુખીની દસ હજાર કોરી રાખી છ હજારનો માલ પાછો આપી દીધો.
  • ઠક્કર કેશવજી જેઠા નામે એક માલદાર વેપારીને મનાવતાં કોઈ બહારવટિયાના માણસે કાન ઉપર વગાડ્યું ને એને કાને લોહી નીકળ્યું. જોતાં જ મૂળુએ ત્રાડ પાડી કે “કોઈને એક ચરકો પણ કરવાનો નથી. આ શેઠને લોહી નીકળવાથી મારું દિલ દુખાણું છે. એને કશોય દંડ કર્યા વગર છોડી મૂકો!”
  • ખોજા કોમના કોઈ વેપારીની રતન નામની એક ડોશી પોતાના દરદાગીના લઈને એક બ્રાહ્મણના ઘરમાં સંતાઈ ગઈ. એનો પીછો લઈને બહારવટિયા આવી ચડ્યા. ખૂબ ધમકી આપી પૂછપરછ કરી. પણ બ્રાહ્મણ કુટુંબે કહ્યું કે “આ ડોશી તો અમારા ઘરનાં છે.”
  • “તો ખાવ એની સાથે એક થાળીમાં.”
  • બ્રાહ્મણોએ રતન ડોશીને એક થાળીમાં જમાડ્યાં. ઈતબાર રાખીને બહારવટિયા ચાલ્યા ગયા.
  • એક ખોજાના ઘરમાં પેઠા. કોઈ ન મળેે. ‘એલા ભાઈ, ભારી લાગ!’ કહેતા બહારવટિયા અંદર પેઠા. પેસતાં જ એક ઓરતને સુવાવડની પથારીમાં પડેલી દીધી. ચૂપચાપ બહારવટિયા બહાર નીકળી ગયા.
  • સાંજે ઢોલ-શરણાઈ વગડાવતા અને ગલાલે રમતા વાઘેરો લોકોના મોટા ટોળ ઉપર મૂઠીએ મઠીએ કોરીઓ વરસાવતા નીકળી ગયા. એકંદરે એક લાખ કોરીનું નુકસાન કરી ગયા. દેવા વિઠ્ઠલ નામના શેઠે જીવની જેમ જાળવીને દાટી રાખેલી જામશાહી કોરીઓનો ખજાનો વાઘેરો ખાલી કરતા ગયા. તે ઉપરથી હજુ માધવપુરને મેળે આવનારી કંઠાળની મેરાણીઓ એક કટાક્ષનો રાસડો બોલે છે. તેની એક લીટી આ છેઃ
  • દેવા ! તારી જૂની જામશાઈ કાઢી.
  • બીજે જ દિવસે ગલાલચંદ શેઠ અલોપ થયો. કોઈને નથી ખબર કે એ ક્યાં ગયો. કદાચ એણે શરમથી કે બીકથી આપઘાત કર્યો હશે. એનો પત્તો લાગ્યો જ નથી.
  • બીજે દિવસે દરબારી ગિસ્ત આવી. ગામ ઉપર જુલમ કરી, મોજ ઉડાવી ચાલી નીકળી.
  • ર૩. જાલમસંગનો જમૈયો
  • સૂઈ નામના ગામને પાદર માતાનો પીપળો હતો. એક દેરું હતું. આજે ઝડી થવાથી પીપળો પડી ગયો છે, દેરું હજુ ઊભું છે.
  • માતાને થાનકે બહારવટિયા બેઠેલા છે અને એનો સંગાથી જે સીદી હતો તે પીપળાની ડાળે ચડીને ખોબા ભરી ભરી દોકડા ઉછાળે છે. નીચે ઊભેલાં નાનકડાં છોકરાં એ દોકડા વીણતાં વીણતાં ને ઝીલતાં ઝીલતાં રાજી થાય છે.
  • મૂળુ માણેક ને દેવો માણેક નીચે બેઠા બેઠા બોલે છે કે “ભાઈ સીદી! છોકરાંવને દોકડા સાટુ ટગવ મા. કોરિયું ભરી ભરીને વરસાવ. બાળારાજા રાજી થઈને દુવા દેશે.”
  • બચ્ચાનાં આવાં ગેલ જોઈ જોઈને બહારવટિયા મોજ કરે છે ત્યાં વાવડ આવ્યા કે સડોદડવાળા રાજાબહાદુર જાલમસિંહજી૧ નગરથી જામ વિભાની મોટી ફોજ લઈ આજ મરણિયા બનીને આવે છે ને લગોલગ આવી પહોંચ્યા છે.
  • ૧ મરહૂમ જામ રણજિતના દાદા.
  • ‘ફોજ આવી ! વાર આવી !’ એ બોકાસો સાંભળતાં જ છોકરાં ગામમાં ભાગ્યાં ને બહારવટિયા રણ ભણી ભાગી છૂટ્યા.
  • બહારવટિયા પગપાળા ને વાર ઘોડાંવાળી : રાજાબહાદુર લગોલગ આવી જાય છે. વાઘરોના હાથમાં ભરેલી બંદૂકો છે, પણ મૂળુ માણેકની આજ્ઞા છે કે “વારને બિવરાવજો, ભડાકો ન કરશો. ચાહે તેમ તોય રાજાનું કુળ છે. હજારુંનો પાળનાર વદે.”
  • થતાં થતાં તો વાર આંબી ગઈ. અને બહારવટિયા આકળા થયા. ત્યારે મૂળુએ કહ્યું. “મિયા માણેક ! રાજાબહાદુરને રોકી દે. પણ જોજે હો, જખમ કરતો નહિ.”
  • પાછળથી લાંબાને ડુંગરે જે મરાણો તે જ મિયો માણેક આખી ફોજની સામે એકલો ઊભો રહ્યો. બંદૂક છાતીએ ચડાવી પડકાર દીધો કે “રાજાબહાદુર! તુંને અબ ઘડી મારી પાડું પણ મારા રાજાની મનાઈ છે. પણ હવે જો કદમ ભર્યો છે ને, તો આટલી વાર લાગશે. તપાસ તારો જમૈયો.”
  • એટલું બોલીને મિયેં બંદૂક ફટકારી. ગોળી શત્રુની કમર પર અટકીને ગઈ. શરીરને ચરકો પણ કર્યા વગર રાજાબહાદુરનો જમૈયો ઉડાવી દીધો. મિયો મોં મલકાવીને બોલ્યોઃ “આટલી વાર લાગે, રાજાબહાદુર ! પત તુંને ન મરાય, તું તો લાખુનો પાળનાર !”
  • (દુહો)
  • જમૈયો જાલમસંગરો, ભાંજો તેં ભોપાળ,
  • દેવે જંજાળું છોડિયું, ગો ઊડે એંધાણ.
  • રાજાબહાદુર પાછા ફરી ગયા. એની કાફીઓ જોડાઈઃ
  • જાલમસંગ રાજા વાઘેરસેં કજિયો કિયો
  • વાઘેરસેં કજિયો કિયો રે... - જાલમ.
  • પેલો ધીંગાણોં પીપરડીજો કિયો,
  • ઉતે૧ રાણોજી સૂરોપૂરો થિયોર. - જાલમ.
  • બીજો ધીંગાણો રણમેં કિયો,
  • ઉતે જમૈયો૩ પિયો રિયો. - જાલમ.
  • ત્રીજો રે ધીંગાણો ખડેમેં કિયો,
  • ઉતે આલો જમાદાર તર રિયો.૪ - જાલમ.
  • ચોથો ધીંગાણો માછરડે કિયો,
  • ઉતે હેબત લટૂર સાયબ રિયો. - જાલમ.
  • હેડાજી ધારણે બોલ્યો રે નથુનાથ
  • તોજો નામ બેલી મદડેમેંપ રિયો. - જાલમ.
  • ૧ ત્યાં. ર સ્વર્ગે ગયો. ૩ પડ્યો. ૪. તળ રહ્યો - મરાયો. પ કરદોમાં.
  • બરડામાં રાણાનું અડવાણું ભાંગીને જ્યારે બહારવટિયા ભાગ્યા ત્યારે પોરબંદરની ફોજ લઈ નાગર જોદ્ધો ઘેલો બક્ષી વાંસે ચડેલો. વાર જ્યારે લગોલગ થઈ ત્યારે એ જ મિયા માણેકે ઊભા રહી ઘેલા બક્ષીને પડકારેલ કે “ઘેલા બક્ષી ! આટલી વાર લાગશે. સંભાળ તારી આ કમરમાંની દોત.”
  • કાગળ ચિઠ્ઠીઓ લખવા માટે ખડિયાનું કામ કરતી લાંબી દોતો અસલમાં ભેટની અંદર રખાતી. મિયાની બંદૂકે એક જ ભડાકે એ દોતને ઘેલા બક્ષીની કમરમાંથી ઉડાવી દીધી હતી અને શત્રુના અંગને ઈજા થવા નહોતી દીધી.
  • આવો જ બંદૂક મારનાર જમાદાર શકર મકરાણી આ ટોળીમાં હતો. એક દિવસ એક હિંદુસ્તાની પુરબિયો ઠાકોર બહારવટિયા ભેગો ભળવા માટે આવ્યો. એની પરીક્ષા કરવા માટે શકર જમાદાર પોતાની ભેટમાં બાંધેલ જમૈયા ઉપર લીંબુ ઠેરવી ઊભો રહ્યો અને પછી એણે ઠાકોરને કહ્યું, “ગોલી મારો ઔર યે નીંબુ કો ઉડા દો.”
  • પુરબિયો ઠાકોર તો મોતીમાર હતો એણે બેધડક બંદૂક ચલાવી લીંબુનું નિશાન પાડ્યું. પણ પછી પૂછ્યું કે “શકર જમાદાર તમે બીના નહિ ? મારી ગોળી આડી જાત તો ?”
  • શકરે જવાબ દીધો, “જેની ગોળી આડી જાય તેના ધણીને આવી જામેલ છાતી હોય નહિ, ઠાકોર !”
  • ર૪. દેવોભા રવાના
  • “દેવાને કહી દ્યો મને મોઢું ન દેખાડે.”
  • ત્રણસો માણસની બેઠક વચ્ચે મૂળુ માણેકે આ શબ્દો કાઢ્યા, અને આખો દાયરો ઓઝપાઈ ગયો. ઓચિંતો જેમ આભ ફાટે તેમ લાગ્યું. સામો સવાલ કરવાની કોઈની છાતી ચાલી નહિ. ફક્ત બુઢ્ઢો રાણોજી માણેક હતો, એણે હળવેથી નીચે જોઈને કહ્યુંઃ “ભા, તું ડાહ્યો છો, પણ કાંઈ ઉતાવળ તો નથી થાતી ને, બાપા ?”
  • “રાણાજી ભા, દેવાને જીવતો જવા દઉં છું, ઈ તો ઉતાવળને સાટે ઊલટી ઢીલ થઈ લેખાશે, પણ શું કરું ? આજ બોન દેવુબાઈ નથી, નીકર આટલું મોડું ન થાવા દેત.”
  • “બચ્ચા ! આવડો બધો વાંક !”
  • “વાંકની તો અવધિ આવી રહી. મને હવ ઝાઝું બોલાવો મા. હું રણછોડરાયની આંખના દીવડા ઓલવાતા જાઉં છું. ઓખો આપણું સ્મશાન બનશે. જગત આપણને સંભારી સંભારી આપણા નામ માથે થૂ થૂ કરશે. ઈ બધું આ કુકર્મી દેવાને પાપે.”
  • એ ને એ વખતે દેવા માણકે પોતાનાં ઘોડાંને પેદલ માણસો નોખાં પાડ્યાં. જતો જતો દેવો બોલતો ગયો કે “મલક બધાની બાઈયુંને બોન જ કહ્યા કરતો મૂળવો મર હવે ઓખો જીતી લ્યે !”
  • “હેં કુત્તા ! એટલું જ બોલીને મૂળુ બેઠો રહ્યો.”
  • રપ. સુતાર પરણાવ્યો
  • “કેવો છો, ભા ?”
  • “સુતાર છું.”
  • “આંહીં શીદ આવ્યો છો ? અમારે કાંઈ આ ડુંગરા માથે મેડિયું નથી બંધાવવી.”
  • “હું આવ્યો છું મારા વખાનો માર્યો, બાપુ ! સાંભળું છું કે સહુનાં સંકટ મૂળુ માણેક ફોડે છે.”
  • “તને વળી કેવાનું સંકટ પડ્યું છે ?”
  • “મારી વેરે સગપણ કરેલી કન્યાને... ગામના સુતારે સવેલી ઉપાડી જાય છે.”
  • “તે ભાઈ, અમે સહુના વિવા કરી દેવા બહાર નીકળ્યા છીયેં ? જા, જઈને તારી નાત ભેળી કર.”
  • “નાત પાસે ગયો’તો. પણ સામાવાળા પાસે ઠીક ઠીક જીવ છે. નાતને એણે રૂપિયા ચૂકવ્યા ને જમણ દીધું એટલે પછી નાત ગરીબની વાર હવે શેની કરે !”
  • “નાતેય રુશવત ખાધી ? હરામી નાત કાંઈ પેધી છે ! તે ભાઈ, તારા રાજાની પાસે જાને ?”
  • “ત્યાંય જઈ આવ્યો. પણ સામાવાળાએ રૂપિયા ચાંપ્યા, રૂપિયા ખાઈને
  • રાજા કહે છે કે તમારી નાતના કામમાં અમે વચ્ચે નહિ આવીએ !”
  • “આવી નાત ને આવા રાજા !”
  • “મૂળુભા બાપુ ! તમે મારો નિયા કરો. હું રાંડીરાંડનો દીકરોઃ નાનેથી મારે માથે વે’વાર પડ્યો. વાંસલા ચલાવી ચલાવી પાઈએ પાઈએ નાણાં સંઘર્યાં. પાંસચો કોરી દીધી ત્યારે માંડ વેશવાળ થયું. હું તો કોડે કોડે લગન સમજવા જઉં છું, ત્યાં તો સસરાએ ધક્કો દઈને કહ્યું, ‘જા જા ભિખારી. તને ઓળખે છે કોણ ?’ આવો અનિયા અને તમારું બા’રવટું ચાલે તે ટાણે ?”
  • “હેં એલા, કન્યાનું મન કોના ઉપર છે ? તારા ઉપર કે સામાવાળા ઉપર ?”
  • “મારા ઉપર, બાપુ ! સામાવાળો તો ફક્ત શાહુકાર છે, કાંઈ મારા જેવો રૂડો નથી. એના હાથમાં વાંસલો ભળે છે જ ક્યાં ! ને હું અધરાત સુધી કામ કરું એવો. આ જુવોને મારી ભજાઉં ! સાંજ પડ્યે પાંચ ઝાડવાં કુવાડે કુવાડે પાડી નાખું, ખબર છે ?”
  • “બસ ત્યારે, બાવડાં સાબૂત હોય તો નીકળ અમારી હારે બા’રવટે. લાવ તારો હાથ. આ કોલ દઉં છું. મૂળુ માણેક પંડે તને કોલ દે છે, કે ઈ કન્યા સાથે તુંને જ પરણાવવો. પણ એક શરત કબૂલ છે ?”
  • “બોલો, બાપુ !”
  • “તુંને પરણાવીએ. પણ એક રાત ઉપર વધારે વાર ઘરે નહિ રે’વાય. એકલે પંડે અમારી સાથે નીકળી જવું પડશે. બા’રવટિયા એટલા તો જોગી જતિ, જાણછ ને ?”
  • સુતાર થોડી વાર ખચકાણો. પરણેતરની એક જ રાત અને તે પછીના સેંકડો સુખી દિવસો સડેડાટ એની આંખ સામેથી નીકળી ગયા. ઘરની શીતળ છાંયડીવાળી કોડઃ હેલ્યે પાણી ભરતી સુતારણઃ ખભા ઉપર ખેલતાં નાનાં છોકરાંઃ એ બધુંય સ્વપ્નું એક ઘડીમાં સમાઈ ગયું. ઝબક્યો હોય તેવી ઉતાવળે મૂળુભાને પગે હાથ નાખીને કહ્યું કે “કબૂલ છે, બાપુ ! મારે તો ઈ અધરમના કરવાવાળા ઈ સવેલડાં લઈ જનારા શાહુકાર માથે અને ઈ અનીતિનાં દલાલાં આરોગનાર નાતને દરબાર માથે આખો અવતાર વેર વાળ્યે જ છૂટકો છે.”
  • “રંગ તુંને ! બોલ, જાન કે દી ને ક્યાંથી નીકળવાની છે ?”
  • દિવસ અને જગ્યા નક્કી થયાં, બહારવટિયાઓએ છાનામાના ઓડા બાંધ્યા. બરાબર બપોરે સુતારની જાનનાં ગાડાં ખખડ્યાં. વરના માથા ઉપર ટબૂડી ખખડાવીને લૂણ ઉતારતી બહેન ગાઈ રહી છે કે -
  • મેઘવરણા વાઘા વરરાજા !
  • કેસરભીનાં વરને છાંટણાં.
  • સીમડીએ કેમ જાશો વરરાજા !
  • સીમડીએ ગોવાળીડો રોકશે.
  • ગોવાળીડાને રૂડી રીત જ દેશું
  • પછી રે લાખેરી લાડી પરણશું !
  • અને હાથમાં તરવારવાળો વરરાજા મૂછોના આંકડા ચડાવતો બેઠો છે.
  • ત્યાં માર્ગે બોકાનીદાર બહારવટિયા ખડા થઈ ગયા, ગાડાં થંભ્યાં, જાનમાં રીડારીડ થઈ પડી. બંદૂક તાકીને બહારવટિયો બોલ્યોઃ “કોઈ ઊઠશો મા. ને કોઈ રીડિયું પાડશો મા, અમારે કોઈને લૂંટવા નથી. ફક્ત એક હરામી વરરાજાને જ નીચો પછાડો.”
  • બાવડું ઝાલીને માણસોએ વરને પછાડ્યો. મૂળુએ હાકલ કરી, “હવે કાઢ તારાં ઘરેણાં.”
  • ઘરેણાંનો ઢગલો થયોઃ મૂળુ પોતાના ભેરુ સુતાર તરફ ફર્યો. “પે’રી લે, ભા !”
  • બહારવટિયે ફરી વાર વર તરફ જોયું. “છોડ્ય મીંઢળ !”
  • મીંઢળ છૂટ્યાં. બહારવટિયે કહ્યું, “બાંધી દ્યો ભેરુને કાંડે !”
  • મીંઢળ દાગીના, તરવાર, તોડાંઃ તમામ શણગાર વરના શરીરેથી ઊતરીને ભાઈબંધ સુતારને શરીરે શોભાવા લાગ્યાં.
  • “હવે ચડી જા ગાડે, બેલી !”
  • ભાઈબંધ ગાડે ચડ્યો. મૂળુ જોઈ રહ્યો. “વાહ, ઠાંવકો જુવાન હો! આ સવેલીચોરના કરતાં તો તુંને આ વેશ વધુ અરઘે છે. એ બાઈ ! વરની બોન ! તું કેમ ચૂપ થઈ ગઈ ? આને માથેથી લૂણ ઉતારવા માંડ. ને સહુ બાઈયું-દીકરીયું જેમ ગાતી’તી તેમ જ ગાવા માંડો, જો આ સવેલીચોરને જીવતો રાખવો હોય તો.”
  • ગીત ઊપડ્યાં. લૂણ ઊતરવા લાગ્યાં.
  • “હાં, હાંકો જાન. અમે ભેળા છયેં.”
  • સવેલીચોરને જંગલમાં કેદ રાખી બહારવટિયો મૂળુ પોતાના સાચા ભાઈબંધને પરણાવવા ચાલ્યો. કોઈ ચું કે ચાં કરી શક્યું નહિ. સહુએ થરથરતે શરીરે ઝટપટ વિવાહ ઉકેલ્યા. સાચા વર વેરે કન્યા મંગળ વરતી. જાન પાછી વળી. એ ને એ ગાડે બહારવટિયો વરવહુને એના ગામમાં લઈ ગયો. અને સાંજરે ગામને સીમાડે ઊભા રહી ભાઈબંધને ભલામણ કરી કે “ભાઈબંધ ! આપણો કરાર યાદ કરજે. કાલ સવારે સામા ડુંગરામાં આવી મળવાનું છે. નીકર તારું મોત સમજ્જે !”
  • ર૬. કેવા નસાડ્યા !
  • “અરે મહેરબાન ! આંગળી ચીંધ્યાની ગુનેગારી ? મારા ગામમાં બહારવટિયા ભરાણા છે એવા વાવડ દીધાનું ઊલટું આ ફળ ? સંચોડું ગામ જ સળગાવી દેશો ?”
  • “બીજો ઈલાજ નથી. તમે સંધીઓ પણ શામિલ છો. તમારા ગામને સાફ કરવું જ પડશે.”
  • રોઘડા ગામને પાદર ગામેતી તૈયબ સંધી આડો પડી પડી પાઘડી ઉતારે છે, અને એ બે ગોરા સાહેબો ઘાસનો સળગતો પૂળો લઈને ગામને આગ લગાડે છે. વાર્યા રહેતા નથી. ભેળી બલૂચોની ફોજ છે.
  • બે ગોરામાં એક છે ઓખામંડળનો રેસિડેન્ટ રાઈસ ને બીજો છે આસિસ્ટન્ટ પોલિટિકલ હેબર્ટ સાહેબ.
  • બહારવટિયા ગામની અંદર ઝાંપા આડાં ગાડાં મેલીને ઓથ લઈ ગયા છે. ‘હલ્યા અચો ! હલ્યા અચો’ એવા ચસકા કરે છે.
  • વાડ્યમાં પૂળો મેેલાણો. ગામ સળગ્યું. પણ સામી બહારવટિયાઓની ગોળીઓ સનસનાટ કરતી આવી. ફોજના ત્રણ બલૂચો પડ્યા. ફોજ પાછી હઠી.
  • આખરે તોપ આવી પહોંચી, પણ બે બાર કર્યા ત્યાં તોપ બગડી ગઈ.
  • “વીંટી લ્યો ગામને,” એવો હુકમ દઈ ગોરાઓએ ગામ ફરતો ઘેરો ઘાલ્યો. રાત પડી ગઈ. ગોરાઓ પોતાના તંબૂમાં પેઠા.
  • ચંદ્રમા આથમીને અંધારાં ઊતર્યાં. અને પોષ મહિનાની ટાઢમાં ટૂંટિયાં વાળીને બેઠેલાં કૂતરાં ભસવા લાગ્યાં.
  • પહેરેગીરોએ પોતાની તીણી આંખે અંધારાં ચીરીને જોયું. બૂમ પાડી, “ભાઈ, બહારવટિયા જાય છે.”
  • “ચૂપ રહો ! ચૂપ રહો ! ટાઢ વાય છે.” કહીને ફોજના બલૂચો સૂતા રહ્યા.
  • સાહેબોના તંબૂ અને બલૂચોની ચોકી, બેય વચ્ચે થઈને બહારવટિયા ચાલી નીકળ્યા પણ કોઈ સળવળ્યું નહિ.
  • સવાર પડ્યું ને સેનામાં શૂરાતન પ્રગટ્યું. બિંગલ ફૂંકાણાં. હુકમ છૂટ્યો કે “હા, ગામ ઉપર હલ્લો કરો.”
  • સેનાએ શાંતિથી ગામ લૂંટ્યું. બલૂચોએ અબળાઓની આબરૂ પાડી. એ અત્યાચાર એક પહોર ચાલ્યો.
  • લૂંટ અને બદફેલી ખતમ કરાવીને ગોરાઓ તંબૂમાં આવ્યા. પોતે બહારવટિયાને કેવી બહાદૂરીથી નસાડ્યા તેનો અહેવાલ લખવા બેઠા.
  • ર૭. ‘નહિ હટેગા !’
  • થાણાદેવળી ગામની દરબાર-કચારીમાં લખમણ વાળા દરબારની હાજરીમાં અભરામ નામના મકરાણીએ નીચે પ્રમાણે વાત વારે વારે કહી સંભળાવેલીઃ
  • આભપરા ડુંગર ઉપર, સોન-કંસારીના દેરાંની ઓથ લઈ પોણોસો વાઘેરો સાથે મૂળુ માણેક પડ્યો હતો. એની સામે નગર-વડોદરાની મળી નવસો માણસની ફોજે નીચલે ગાળેથી મોરચા માંડ્યા. ફોજની પાસે નવી નવી ઢબનાં હથિયાર છે, દારૂગોળા છેઃ ને વાઘેરો તો જેવાં જડ્યાં તેવાં હથિયારે ટક્કર લઈ રહ્યા છે.
  • રોંઢા સુધી ટપાટપી બોલી, પણ ગિસ્તને વાઘેરો પાછી ન વાળી શક્યા. ધીરે ધીરે ગિસ્ત પગલાં દબાવતી ઓરી આવવા લાગી. બહારવટિયાઓની પાસે દારૂગોળો ખૂટી ગયો, મૂળુ મરણિયો થયો. એણે આજ્ઞા દીધી કે “બાલબચ્ચાંને ડુંગરાની પાછલી બાજુએ ઉતારી નાખો. અને છેલ્લી વારના ‘જે રણછોડ’ કરી જદા પડી જાઓ !”
  • પોણોસો વાઘેરો તરવારો દાંતમાં ભીંસીને છેલ્લા અક્કેક બબ્બે ભડાકા જેટલો દારૂવાળી બંદૂકો સાથે હેઠા ઊતર્યા. પણ ઉપરથી આવતા પોણોસોનો ધસારો એ ફોજને પંદરસો જેટલો લાગ્યો.
  • ગિસ્ત ભાગી. પોણોસો મરણિયાના હલ્લા નિહાળતાં જ ગિસ્તના આત્મામાંથી રામ ગયા. આડીઅવળી ગાળે ગાળે અટવાતી ફોજ ઊપડી અને મૂળુએ હાકલ કરી કે “ભજો મા ! પે ભજો મા ! નિમક લજાવો મા; જુવાન્યો, ભજો મા !” પણ ગિસ્ત તો ભાગી તે ભાગી જ.
  • “ખબરદાર !” મૂળુએ માણસોને કહ્યું, “ભજાને માથે ઘા ન કરજો હો કે !”
  • ભાગતા શત્રુની ઉપર ઘા ન કરવાનું વાઘેર બહારવટિયાનું બિરદ હતું તે પ્રમાણે વાઘેરો બંદૂકો વછોડવી બંધ કરી. પણ બંદૂકના ધુમાડા વીખરાયા અને ઉઘાડા અજવાળામાં વાઘેરોએ એક આદમીને ઊભેલો દીઠોઃ જાણે મસ્જિદમાં નમાજ પઢતો હોય એવો અચળ બની ઊભો છે. એને મોતનો ડર નથી.
  • બૂંગણ ઉપર દારૂગોળા ને હથિયારોનો પથારો પડ્યો છે. ખાવાનાં ભાતાં પડ્યાં છે; અને એ બધાંની વચ્ચે ઊભો છે એક જુવાન આદમીઃ હાથમાં છે જમૈયોઃ જમૈયો ચક ! ચક ! ચક ! થઈ રહ્યો છે. જુવાનને ઝીણી પાતળી દાઢી છે. મુસલમાન દેખાય છે. પણ નકલ નહિ, અસલ મુસલમાન છેઃ આરબ છેઃ ભેટમાં ત્રણ-ચાર જમૈયા ધરબ્યા છે.
  • ધસારો કરતો બહારવટિયો ઊભો રહી ગયો. પાછળ ધસી આવતાં માણસોને પોતે પંજો આડો ધરી અટકાવ્યા અને હુકમ કર્યો, “એને કેડી દઈ દ્યો, ભાઃ ઈ બહાદુર છેઃ નવસોમાંથી એકલો ઊભો રહ્યો છે, એને માથે ઘા ન હોય. કેડી દઈ દ્યો.”
  • માણસોએ મારગ તારવી દીધો. શત્રુને ચાલ્યા જવાની દિશા દીધી.
  • પણ શત્રુ ખસતો નથી.
  • એ તો ઊભો જ છેઃ હાથમાં ઉગામેલો ચક ! ચક ! જમૈયોઃ ઠરેલી આંખોઃ ભરેલું બદનઃ ગુલાબના ગોટા જેવું મોંઃ એવો શત્રુ ભાગી ગયેલી ગિસ્તના દારૂગોળા ને સરંજામની વચ્ચે બૂંગણ ઉપર ઊભો છે. એકલો ઊભો છે.
  • બહારવટિયો નીરખી નીરખીને જોઈ રહ્યો. બોલ્યો, “શાબાશ બેલી! છાતીવાળો જુવાન ! ચાલ્યો જા, દોસ્તઃ તુંને ન મરાય ! તું શૂરોઃ ચાલ્યો જા!”
  • તોય આરબ ઊભો છે. બહારવટિયાને દારૂગોળો હાથ કરવાની ઉતાવળ છે. આકળો બહારવટિયો ફી પડકારો કરે છે કે “હટી જા, જુવાન, ઝટ હટી જા !”
  • જુવાનના હોઠમાંથી અવાજ નીકળ્યો, “નહિ હટેગા !”
  • “અરે બાપ ! હટી જાય. તું આંહીં જાને નથી આવ્યો.”
  • “નહિ હટેગા ! હમ નિમક ખાયા ! હમ નહિ હટેગા !” “અરે ભા ! હટી જા, અમારે દારૂગોળો હાથ કરવો છે.”
  • “યે મેઘજીન, ઔર દારૂગોળો, હમારા સર સાટે હૈ; સર પડેગા પીછે
  • ઇસ સરંજામ પર તુમારા હાથ પડેગા. હમ નહિ હટેગા. હમને નિમક ખાયા.”
  • બહારવટિયાએ આ વિલાયતી જુવાનના ગુલાબી બદન પર સાચો રંગ પારખ્યો. સાથીઓ તરફ વળીને કહ્યું કે “આવા વીરને એકલાને આપણે સામટા જણ ભેળા થઈને મારી પાડીએ ઈ શોભે ? બોલો ભાઈઓ !”
  • માણસો બોલતા નહોતા, જમૈયાવાળા જુવાનને જોઈ રહ્યા હતા, જુવાન અબોલ હતો, પણ એના દેખાવની ખુમારી જાણે હાકલ કરીને બોલતી હતી કે “નહિ હટેગા, નિમક ખાયા.”
  • મૂળુએ આજ્ઞા કરી, “આવો બેલી ! આપણે સહુ બાજુએ બેસી જાયીં. આપણામાંથી એક એક જણ ઊઠો, ને આ જુવાનની હારે જુદ્ધ માંડો. બાકી તો ઈ પડે ત્યાર પહેલાં એના સરંજામને અડવું અગરાજ છે.”
  • બધા જણ બાજુએ બેઠા. એક જુવાન ઊઠીને આરબ સાથે બાખડ્યો. નિમકની રમત રમતો આરબ આખરે પડ્યો. મૂળુએ મરતા શત્રુની પીઠ થાબડી.
  • “શાબાશ તારી જણનાીને, જુવાન !”
  • આબની લાશ ઉપર બહાવટિયાએ કિનખાબની સોડ્ય ઓઢાડી, લોબાનનો સુગંધી ધૂપ દીધો અને મુસલમાનની રીતે એની મૈયત કાઢીને બહાવટિયાએ જુવાનને દફનાવ્યો.
  • વાત કરનાર મકાણી અભામે કહ્યું કે “બાપુ ! હુંયે ઈ નવસો જણાની ગિસ્તમાં હતો. ભાગવાનું વેળુ ન રહેવાથી ઝાડીની ઓથે સંતાઈ ગયો’તો. સંતાઈને મેં આ આખોય કિસ્સો નજરોનજ દીઠો’તો. જેવું જોયું છે તેવું જ કહું છું.”
  • ર૮. માછરડાનું ધીંગાણું
  • ડુંગરની ભેખ ઉપર માથું ઢાળીને મૂળુ માણેક બેઠો છે. રોઈ રોઈને આંખો ઘોલ મરચા જેવી રાતી થઈ ગઈ છે. પડખે બેઠેલા માણસો એને દિલાસો આપવા લાગ્યા.
  • “મૂરુભા ! છાતી થર રાખો. હવે કાંઈ મૂવેલો દેવોભા પાછો થોડો આવે તેમ છે ?”
  • “ના, ભાઈ ! મૂવો તે કારણે હું રોતો નથી. એવા સાત ભાઈને પણ રણછોડરાયના નામ માથે ઘોળ્યા કરું. પણ દેવો તો અમારા કુળને બોળીને મૂવો.”
  • થોડી વારમાં બહારવટિયો છાનો રહ્યો. પછી બોલ્યો, “મારી મનની મનમાં રહી ગઈ. દેવાના કટકા મારાથી થઈ શક્યા હોત તો મારા હાથ કેવા ઠરત ! દુનિયાને દેખાડત કે ભાઈએ સગા ભાઈને અધરમ સાટુ છેદી નાખ્યો. પણ હવે બાજી ગઈ.”
  • “મુરુભા ! માછરડાને પાદર વડલા નીચે સાહેબોએ દેવુભાની લોથ લટકાવી છે.”
  • “ભલે લટકાવી... જગત જોશે કે અધરમીના એવા હવાલ હોય છે. રંગ છે સાહેબોને. ભલે એની કાયાને કાગડા-કૂતરાં ખાતાં.”
  • “મુરુભા ! હવે ઈ લોથમાં તો દેવુભાનો આતમા નથી રહ્યો; પાપનો કરનારો પ્રાણ તો ચાલ્યો ગયો છે અને ખાળિયું તો હિંદુ-મુસલમાન સહુને મન સરખું જ પાક લેખાય. એ ખાળિયાને અવલમંજલ પોગાડ્યા વિના દેવુભાનો જીવ પ્રેતલોકમાં જંપશે નહિ.”
  • “ભલે, તો લઈ આવીએ.”
  • માછરડાને પાદર પાકી ચોકી વચ્ચે દેવાનું મુડદું લટકે છે. દેવાએ ન કરવાનું પાતક કર્યું હતું. મૂળુએ જાકારો દીધો પછી દેવા પોતાનાં ત્રીસ માણસોની સાથે ગામડાં ભાંગતો ને કુફેલ આચરતો. એક દિવસ બહારવટિયા બુટાવદર નામના ગામ પર પડ્યા, ગામ ભાંગ્યું, ગામનો કોઠો કબજે લીધો. હીણી મતિના ભાઈબંધોનો ચડાવ્યો દેવો દારૂમાં ચકચૂર બન્યો. અને એ અક્કલ ખોઈ બેઠેલાના કાનમાં ભેરુએ ફૂંક્યું કે “દેવુભા ! આહીરના દીકરાની વહુઃ તારે લાયક એનાં રૂપઃ તું આ ગામનો રાજા કહેવાઃ હુકમ દે, ઉઠાવી લાવીએ!”
  • “રે’વા દેઃ દેવુભા, અલ્લાના કસમ છે તને ! એ કામો રે’વા દે ! ખુદાનો ખોફ ઊતરશે, રે’વા દે !”
  • મકરાણી સાથી શકર જમાદાર, કે જે ખંભાળિયેથી દેવાની સાથે ભળેલો, તેણે આ બૂરાઈને રસ્તેથી દેવાને ઘણો ઘણો વાર્યો, પણ દેવાનો દેવ રૂઠ્યો હતો.
  • વરવો ચંદ્રવાડિયો નામે આહીરઃ એના દીકરા શવાની આણાત સ્ત્રીને અધરાતે ઉઠાવી જઈ લંપટોએ કોઠામાં પૂરી. આખી રાત એ કાળો કોઠો આહીર અબળાને વિલાપે કંપતો રહ્યો. સવારે એને પાછા ઉઠાવી ઘેરે નાખી ગયા.
  • બીજા દિવસની અધરાત પડી. કોઠામાંથી કુકર્મીઓ ફરી વાર વછૂટ્યા. આહીરને ઘેર આવ્યા. ઘરમાં આહીરાણીને ન દેખી. વરવાને પૂછ્યુંઃ “ક્યાં છે બાઈ ? બતાવ !”
  • “હું નથી જાણતો.”
  • “દ્યો એને ડામ.”
  • વરવાને શરીરે જામગરીઓ ચાંપી ચાંપી ડામ દીધા. વેદના ન સહેવાણી ત્યારે વરવો માન્યોઃ “આ પટારામાં છે.”
  • પટારામાંથી બાઈને ઉઠાવી. પ્રભાતે એનું અધમૂઉં ખોળિયું પાછું આવ્યું. ઓખામંડળની ધરતી પર નિસાસા વરસાવતી આહીરાણીએ શ્વાસ બંધ કર્યા.
  • બુઢ્ઢો આહીર વરવો જાણે આભને પૂછતો હતો કે “ક્યાં જાઉં !”
  • “ઢાંકને ડુંગરે. જલદી પોગ, સાહેબોનું જૂથ છે,” ધીરે અવાજે એટલું જ બોલીને એક વટેમાર્ગુ ચાલ્યો ગયો.
  • મુઠ્ઠીઓ વાળીને વરવાએ હડી દીધી. શ્વાસભર્યો, અંધારાભરી આંખે ઢાંક પહોંચ્યો. ગોરાઓની બંદૂકો ડુંગરાની અંદર દીપડાના શિકાર ખેલે છે. કાઠિયાવાડ એજન્સીના અંગ્રેજ અમલદારો, જેની જુવાની જળભરપૂર સાયર જેવી છલકી રહી છે, તેના પગોમાં આહીરે માથું મેલી ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું. પોતાને માથે ગુજરેલા અકેકારની કથની કહી. જુવાન ગોરાનું લોહી તપી ગયું, પૂછ્યુંઃ “ક્યાં છે બદમાશો ?”
  • “બુટાવદરના કોઠામાં.”
  • અંગ્રેજોએ ઘોડાં પલાણ્યાં. ઈ.સ. ૧૮૬૭ના ડિસેમ્બર મહિનાની ર૯મી તારીખ છે. ગોરાઓનો પાક દિવસ છે, લૂંટારાઓને ઠાક કરી મોટાં ઈનામો મેળવવાના કોડ ઊછળે છે. આજનું ટાણું કે દી આવશે ? આવો સોંઘો સુરજ
  • ફરી નહિ જડે.
  • કાલી પલટણના મેજર રનોલ્ડ (૧ર નંબરની બોમ્બે કેવલ્રી)
  • આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કેપ્ટન હેબર્ટ
  • આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કૅપ્ટન લાટૂશ
  • આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ કૅન્ટન હૅન્ડરસન
  • કૅપ્ટન હૅરિસન
  • જમાદાર અલવી
  • જામનગર સિબંધીના જમાદાર નથુ આલા
  • જામનગર સિબંધીના રાજા બહાદુર જાલમસિંહ
  • -એટલા જણાની સરદારીએ ફોજ ઊપડી. ઘોડાંનો ઘેર થઈ ગયો. બંદૂકોમાં કારતૂસ ચડી ગયા. આભ ધૂંધળો થયો.
  • બુટાવદરના કોઠા ઉપરથી ચાડીકાએ ડમરી દીઠી, એટલે દેવાને ચેતવ્યો કે “દેવાભા, વાર આવી વરતાય છે.”
  • ફોજ પહોંચે તે પહેલાં તો કોઠા ઉપરથી ઠેકી ઠેકીને દેવાની ટુકડી ભાગી છૂટી અને વહારે એનો પીછો લીધો. વાઘેરો ઊતરીને વડાળી ગયા. વડાળી થઈને નવાગામ નીકળ્યા. નવાગામમાં વાડામાં પલટનના માણસો આંબી ગયા. ધીંગાણું થયું. બે વાઘેર ને ત્રણ પલટનિયા કામ આવ્યા, પછી ફોજવાળાએ ઓડા બાંધ્યા. સાહેબે આજ્ઞા કરી કે “રાજાબહાદુર જાલમસંગ ! તમે ફગાસિયા અને જામવાળીના ડુંગરો ઝાલો.”
  • જાલમસંગ ફગાસિયા ચાલ્યા અને વાઘેરોએ માછરડાની ધાર ઝાલી.
  • માછરડાની ધાર તો નાની એવી ટેકરી છે. ચારેય બાજુ મેદાન છે. ઉગમણી નદી ચાલી છે. ટેકરી ઉપર કાંઈયે ઓથ નથી. ત્યાં વાઘેરોએ ખાડા ખોદીને જેવી તેવી આડશ કરી દીધી.
  • ત્રણસો હથિયારધારીઓએ ત્રણ બાજુથી લૂંટારાને વીંટી લીધા.
  • “સાહેબ !” ઉપર પહોંચવા માટે આકળા ગઈ ગયેલા ગોરા સાહેબ લાટૂશને રાવ બહાદુર પોપટજી વેલજી નામના અધિકારીએ વાર્યા, “સાહસ નથી કરવા જેવું. ધીરા રહેજો !”
  • “હવે વાણિયો થા મા, વાણિયો !” એવા જલદી જવાબ આપીને લાટૂશે ધાર ઉપર ઘોડાં મારી મૂક્યાં.
  • ઉપરથી બહારવટિયાની ગોળીઓના મે’ વરસ્યા. પેડુમાં જોખમ ખાઈ જુવાન લાટૂશ ઘોડા ઉપરથી ઊછળ્યો, નીચે પટકાયો.
  • ફોજના ગોળીબારે વાઘેરોનો પણ સોથ વાળ્યો. દુષ્ટ દેવોભા પણ છેલ્લે છેલ્લે ખરી બહાદુરી બતાવતો, જખમોમાં વેતરાઈ જઈને ઢાલને ટેકે પડ્યો હતો. બાજુમાં બે-જોટાળી બંદૂક હતી. મરતો મરતો એ મિયાં અલવીની વાટ જોતો હતો. અલવીને પોતાની સાથે લઈ જવાની એની છેલ્લી ઈચ્છા હતી. એ વખતે લાટૂશના મોતથી વીફરેલો હેબર્ટ હાથમાં ઉઘાડી તરવાર લઈ ઘૂમતો હતો. એણે એક જગ્યાએ દેવાને પડેલો દીઠો. એને મૂએલો માની ગોરો તરવારની અણી હુલાવવા ગયો. મરણની તૈયારી કરતા વાઘેરે સૂતાં સૂતાં પોતાના પડખામાં પડેલી બંદૂક ઉપાડી હેબર્ટને ત્યાં ને ત્યાં ફૂંકી દીધો અને પોતે પણ થડકારાથી શ્વાસ છોડ્યો. (કહે છે કે લાટૂશને પણ દેવાએ ત્યાં જ મારેલો.)
  • એ ધીંગાણામાં કામ આવેલા ઓગણીસ લૂંટારાની લાશો બીજે દિવસે માછરડાને પાદર વડલાની ડાળે લટકી ત્યારે મુલકમાં થરેરાટી બોલી ગઈ.
  • મધરાતે મૂળુ માણેક આવી પહોંચ્યો, ચોકી વચ્ચેથી ભાઈની લાશ ઉપાડી ગયો. સોગઠીને પાદર જઈને લાશને દેન દીધું.
  • માણેકે માંડવ રોપિયો, વાગે ત્રંબક તૂર;
  • દેવે ખાગેથી ડંસિયા, હેબટ ને લટૂર.
  • (માણેક વાઘેરે માંડવા રોપ્યા, ત્રાંબાળુ ઢોલ ને તૂરીના નાદ થયા. દેવાએ તરવારથી હેબર્ટ ને લાટૂશ બંને ગોરાઓને માર્યા.)
  • માછરડે શકત્યું મળી, પરનાળે રગત પીવા.
  • અપસર થઈ ઉતાવળી, વર દેવો વરવા.૧
  • આજ ત્યાં - માછરડા પર - બે સાહેબોની કબરો છે.
  • બુઢ્ઢા વાઘેરો દ્વારકાને બંદીખાને પડ્યા પડ્યા રોજેરોજ અને પહોરે પહોરે ધીંગાણાંના સમાચારની વાટ જુએ છે. બહારવટામાં કોણ કોણ મર્યું એની બાતમી આ બુઢ્ઢાઓને દરોગો આપ્યા કરે છે. એ રીતે એક દિવસ દરોગાએ સંભળાવ્યું કે “રવા માણેક !”
  • લબડતી ચામડીવાળા, સુકાયેલા વાઘેર કેદીએ ઊંચું જોયું.
  • “રવા માણેક ! માછરડાની ધારે તારો દેવો મર્યો.”
  • સૂકું મોં મલકાવીને કેદીએ માથું ધુણાવ્યું, “મરે નહિ, જેલર સા’બ! મારો દેવડો આમે આમે મરે નહિ. ખોટી વાત.”
  • સાંભળતાં જ બુઢ્ઢાની આંખ ચળકી. ટટ્ટાર થઈને એણે પૂછ્યું, “બે ગોરાને ?”
  • “હા, હેબર્ટને અને લટૂરને.”
  • “આહ ! ભા દેવડો ભા ! રંગ આય ! રંગ આય ! રંગ દેવડો !”
  • એટલું બોલતો બુઢ્ઢો હરખના ઉન્માદમાં ત્યાં ને ત્યાં ઢગલો થઈ પડ્યો. પોરસથી એની છાતી ફુલાણી અને શ્વાસ ચાલ્યો ગયો.
  • ૧ કિનકેઈડનું ભાષાંતર :
  • ર્
  • ંદ્બ સ્ટ્ઠષ્ઠરટ્ઠઙ્ઘિટ્ઠ ૐૈઙ્મઙ્મ ંરી ર્ય્ઙ્ઘઙ્ઘીજજ (દ્ભટ્ઠઙ્મૈ)
  • ઝ્રટ્ઠદ્બી ર્ં ઙ્ઘિૈહા ંરી હ્વર્ઙ્મર્ઙ્ઘર્ ક દ્બીહ.
  • છહઙ્ઘ ંરી છજેટ્ઠિજ ષ્ઠટ્ઠદ્બી ૈહ રટ્ઠજીં ર્ં ુીઙ્ઘ
  • ંરી રીર્િ ડ્ઢીદૃ (સ્ટ્ઠહૈા.)
  • ર૯. ઓખો રંડાણો
  • “મૂરુભા ! આ વાડીની ઘટા ઠાવકી છે. આંહીં જ વિસમિયેં.”
  • “હા વેરસી ! માણસું અનાજની ના પાડશે પણ ઝાડવાં કાંઈ છાંયડીની ના પાડશે ?”
  • હસીને જવાબ દેતાં દેતાં બહારવટિયાએ પોતાના દૂબળા દેહ પરથી હથિયાર છોડ્યાં. બરડાના વાછરડા ગામની સીમમાં એક વાડીનાં ઘટાદાર ઝાડવાં હેઠળ એણે પોતાનું થાકેલું ડિલ પડતું મેલ્યું. ભૂખે અને ઉજાગરે એને ભાંગ્યો હતો.
  • વૈશાખની ઊની લૂ વાતી હતી. ચારે કોર ઝાંઝવાં ! ઝાંઝવાં ! ઝાંઝવાં ! જાણે નદીસરોવર ભર્યાં છે, ને કાંઠે મોટી નગરીઓ જામી પડી છે!
  • બીજા ચાર સાથીડા ભેળા હતા, તેણે પણ હથિયાર પડિયાર ઉતારીને ઓશીકે મેલ્યાં. ઝાડને થડ ટેકો દઈ પરાણે હસતું મોં રાખતો બહારવટિયો બોલ્યોઃ “જોયું, ભાઈ જગતિયા ! આ ઝાંઝવાં જોયાં ? ઓખો જાણે આઘો ઊભો ઊભો હાંસી કરી રિયો છે ! અરે ભૂંડા ! પાંજો વતન થઈને ટરપરાવછ! અટાણે !”
  • મૂળુએ મોં મલકાવ્યુંઃ પણ એની આંખોમાં ઝળઝળિયાં છલી આવ્યાં.
  • હાદો કુરાણી જોઈ રહ્યો, “હેઠ મૂરુભા ! કોચવાઈ જવાય કે ?”
  • “અરે, ના રે ના ! ઈ તો મુંને જોધો કાકો ને દેવોભા સાંભળી આવ્યા. પંદરસોની ફોજ ફેરવતાં, તેમાંથી આજ પાંચ રિયા. હવે પાંચમાંથી તો કોઈ ખસો એમ નથી ને, ભાઈ ?”
  • નાગસી ચારણે પોરસ ચડાવ્યો, “આ પાંચ તો પાંડવું જેવા રિયા છીએં, મૂરુભા ! હવે તે ખસીએં ? આવો સાથ છોડીએ ?”
  • “અરે હવે ક્યાં ઝાઝા દી કાઢવા છે ? ઠીક લાંઘણું થાવા લાગી છે, હવે તો દ્વારકાનો ધણી વે’લી વે’લી દોરી ખેંચી લેશે !” મૂળુ પરાણે હસતો હસતો બોલ્યો.
  • “એ.... ભૂખનો વાંધો નહિ, મૂરુભા !” વેરસી બગાસું ખાતો બોલ્યોઃ “ભૂખ ખમાય, ઉજાગરા ન ખમાય. અટાણે ભલેને કોઈ ભોજન ન આપે ! કાંઈ ઊંઘવાની કોઈ ના પાડે એમ છે ? ઊંઘ કરીને ભૂખ વીસરશું.”
  • સહુએ એક પછી એક બગાસાં ખાધાં.
  • “મૂરુભા ! હથિયાર છોડવાનું મન થાય છે ?”
  • “હવે હથિયાર છોડું ? કિનારે આવીને બૂડું ? આ ટાણે તો દેવાવાળું
  • ગીત મોંયે ચડે છે.”
  • ધીરે કંઠે મૂળુ ગાવા લાગ્યોઃ
  • ના રે છડિયાં હથિયાર અલાલા બેલી !
  • મરણેજો હકડી વાર, દેવોભા ચેતો,
  • મૂરુભા વંકડા, ના છડિયાં હથિયાર,
  • (હથિયાર નહિ છોડીએ, અલ્લા અલ્લા કરો, ઓ ભાઈઓ! એક વાર મરવું તો છે જ, દેવોભા કહે છે કે ઓ વંકડા મરદ, મૂળુભા ! આપણે હથિયાર નહિ છોડીએ.)
  • પેલો ધીંગાણો પીપરડીજો કિયો ઉતે,
  • કીને ન ખાધી માર, દેવોભા ચેતો,
  • મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.
  • (પહેલું ધીંગાણું પીપરડીનું કર્યું ત્યાં કોઈએ માર ન ખાધો.)
  • હેબટ લટૂરજી વારું રે ચડિયું બેલી !
  • ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો,
  • મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.
  • (હેબર્ટ લટૂરની ફોજ ચડી, ત્યારે માછરડાની ધાર પર ચડ્યા.)
  • જોટો રફલ હણેં છાતીએ ચડાયો નાર,
  • હેબટ લટૂર મુંજો ઘા, દેવોભા ચેતો,
  • મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. (
  • જોટાળી રાઈફલ છાતીએ ચડાવીને દેવાએ કહ્યું કે જોઈ લેજો હેબર્ટ લટૂર ! મારો ઘા કેવો થાય છે ?)
  • ડાબે તે પડખે ભેરવ બોલે, જુવાનો !
  • ધીંગાણેમેં લોહેંજી ઘમસાણ, દેવોભા ચેતો,
  • મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર.
  • (ડાબી બાજુએ ભેરવ-પક્ષી બોલ્યું છે. માટે આજ તો ધીંગાણામાં લોઢાનાં ઘમસાણ બોલશે. આજ મરશું એવા શુકન દેખાય છે.)
  • ચારેય જણ લહેરથી ગીત ઝીલવા લાગ્યા. ગાઈને ભૂખ-દુઃખ વીસરવા લાગ્યા.
  • ગાતો ગાતો મૂળુ ઝોલે ચડ્યો. નીંદરે ઘેરાણો. ચારેય સાથીઓનાં પોપચાં પણ ભારી થવા લાગ્યાં. ભેળો એક જણ ચાડિયો હતો એને બેસાડ્યો. ઝાડ માથે. અને પાંચને નીંદરે ઢાળી દીધાં. લાંઘણો, ઉજાગરા અને રઝળપાટ થકી લોથપોથ થયેલાં શરીરો ઘસઘસાટ લંબાઈ ગયાં.
  • બંદૂક લઈને ઝાડ ઉપર બેઠેલા ચાડીકાને પણ ઝોલાં આવવા લાગ્યાં. બંદૂક પર ટેકો લઈને એ પણ જામી ગયો.
  • સીમમાં એક આદમી આંટા મારે છે. એણે આ સૂતેલા નરોને નીરખ્યા, ઓળખ્યા. બાજુમાં જ પોરબંદરની ફોજ પડી હતી, તેને જઈ વાવડ દીધા.
  • ફોજનો દેકારો બોલ્યો ત્યારે બહારવટિયા જાગ્યા. મીઠું સ્વપ્નું ચાલતું હતું. જાણે ગાયકવાડી સૂબા બાપુ સખારામે અને બે હજાર કોરી આપી છેઃ ને પોતે એ ખરચી પરણવા ગયો છેઃ ફુલેકે ચડ્યો છેઃ રૂપાળી વાઘેરાણી જાણે રાતના છેલ્લે પહોરે એનું કપાળ પંચાળે છે.
  • એ મીઠું સોણું ભાંગી ગયું. જાગે ત્યાં સામે મોત ઊભું છે.
  • બહારવટિયો ઊઠ્યો. ગિસ્તની સન્મુખ પગલાં માંડ્યાં. ભેરુઓએ હાકલી દીધીઃ “મૂળુભા ! આમ આભપરાના દીમના !”
  • “ના ભાઈ, હવે તો રણછોડરાયજીના દીમના !”
  • બહારવટિયો ફોજની સન્મુખ ચાલ્યો, વાર આંબે તે પહેલાં તો પાંચેય
  • જણાએ ગામ બહારના એક ઘરની ઓથ લીધી. એ ઘર ઢેઢનું હતું. વારમાંથી હાકલ પડીઃ “તરવાર નાખી દે જીવવું હોય તો.” જવાબમાં ખોરડામાંથી બહારવટિયો ગહેક્યોઃ ભેળા ચારે ભેરુએ સૂર
  • પુરાવ્યાઃ શૂરવીરોએ જાણે મોત વેળાની પ્રાર્થના ઉપાડીઃ ૧ના છડિયાં તરવાર અલાલા બેલી, મરણેજો હકડી વાર, દેવોભા ચેતો, મૂરુભા વંકડા, ના છડિયાં તલવાર. “એ ભાઈ ! જીવવા સાટુ નો’તા નીકળ્યા. અને પે ! આવી જાવ.
  • મરદુંના ઘા જોવા હોય તો ઓરા આવો. આઘે ઊભા ઊભા કાં પડકાર કરો?” પાંચ જણા ખોરડામાં ભરાઈ બેઠા હતા.ર પણ ફોજમાં પાંચસો જણામાંથી કોઈની છાતી નહોતી કે પડખે આવે. છેટેથી જ બંદૂકોનો તાશેરો થયો.
  • ૧. કિનકેઈડ આનું ભાષાન્તર કરતાં લખે છેઃ
  • ૐીિી ૈજ ટ્ઠ ૂેટ્ઠિંટ્ઠિૈહ ંરટ્ઠં ુટ્ઠજ જેર્જીઙ્ઘ ર્ં રટ્ઠદૃી હ્વીીહ ષ્ઠરટ્ઠહીંઙ્ઘ ટ્ઠજ ંરી જર્ંદ્બિૈહખ્ત ટ્ઠિંઅ ષ્ઠટ્ઠદ્બી ે ટ્ઠહઙ્ઘ કર્િદ્બ ૈંજ જૈિૈં, દ્બૈખ્તરં રટ્ઠદૃી હ્વીીહ જેહખ્તર્ હ ંરી હ્વટ્ઠહાજર્ ક ંરી ર્િેઙ્ઘ ઈેર્િંટ્ઠજઃ
  • ૐીટ્ઠિ ંરી હ્વર્િંરીજિ, સ્ટ્ઠહૈા જટ્ઠઅ,
  • હ્લટ્ઠદ્બીર્ િ ઙ્ઘીટ્ઠંર હ્વીર્ ેજિ ર્ંઙ્ઘટ્ઠઅ,
  • ઝ્રટ્ઠૈંદૃીજ ુી જરટ્ઠઙ્મઙ્મ હીદૃીિ હ્વી,
  • ડ્ઢીટ્ઠંર દ્બટ્ઠઅ કૈહઙ્ઘ, હ્વેં કૈહઙ્ઘ ેજ કિીી.
  • ર. કોઈ જાણકારો એમ પણ કહે છે કે મૂળુ માણેક છેલ્લી વાર ટોબરા પાસે ઘેરાણો ત્યારે તેના સાથી હરદાસ રબારીએ કહ્યુંઃ “મૂળુભા ! તું એકલો બહાર નીકળી જા, તું એકલો આબાદ રહીશ તો મીંડાં તો ઘણાં ચડી જશે.” મહામહેનતે મૂળુ માણેકે આ સલાહ સ્વીકારી, ધાબળો ઓઢી, તરવારનો પટો કાઢી બહાર નીકળ્યો. પણ ધાબળાનો છેડો ઊંચો થઈ જતાં ડાબા પગમાં રાજચિહ્ન તરીકે સોનાનો તોડો હતો તે દેખાઈ જતાં જ મકરાણી જમાદાર શોરાબ વાલેછંગાએ ઘા કર્યો ને બહારવટિયાને મારી પાડ્યો. પછી તો કાઠિયાવાડમાં ખબર પડતાં, વાઘેરોના પોરસવાળો એક સરવૈયો રાજપૂત સો ગાઉ પરથી ઘોડે ચડીને આવ્યો અને મૂળુ માણેકના મારનારના એ જમાદાર શોરાબ વાલેછંગાને શોધીને ઠાર કર્યો.
  • પણ બંદૂકોની ઝીંકે ખોરડું પડ્યું નહિ. બહારવટિયાઓએ પણ સામો ગોળીઓથી જવાબ વાળ્યો.
  • “એલા સળગાવો ખોરડું !” ગિસ્તમાં ગોઠણ થવા લાગી.
  • બંદૂકના ગજ સાથે દારૂની કોથળી ટીંગાડી, કોથળીની સાથે લાંબી જામગરી બાંધી, જામગરી સળગાવીને ગજનો ઘા કર્યો. ખોરડા ઉપર પડતાં જ દારૂનો દા લાગ્યો. ઘડીકમાં તો ખોરડાને મોટા મોટા ભડાકાએ ઘેરી લીધું.
  • જ્યારે બહારવટિયા ધુમાડે મૂંઝાઈ ગયા, ત્યારે મૂળુએ પોતાના ચારણ ભેરુને સાદ દીધો, “નાગસી ભા ! તું ચારણ છો. માટે તું મારું માથું ઉતારી લે, મારું માથું ગિસ્તને હાથે બગડવા મ દે. મારું માથું વાઢીને ફોજ લઈ જાશે અને મલકને દેખાડશે. એથી તો ભલું કે તું દેવીપૂતર જ વાઢી લે.”
  • ચારણ ધ્રૂજી ઊઠ્યો. મૂળુભાનું માથું વાઢવાનું જોર એની છાતીમાં નહોતું. દડ ! દડ ! દડ ! ચારણનાં નેત્રોમાંથી નીર દડી પડ્યાં.
  • “બસ ! ચારણ ! મારું મોત બગાડવું જ ઠર્યું કે ? ઠીક ત્યારે બેલી, ઉઘાડી નાખો બારણું.”
  • રપાંચ જણા બહાર નીકળ્યા. સામેથી ગોળીઓની ઝીંક બોલી અને આંહીં છેલ્લા નાદ સંભળાણા :
  • “જે રણછોડ !” “જે રણછોડ !” “જે રણછોડ !”
  • ઇંદરલોકથી ઊતરીયું, રંભાઉં બોળે રૂપ,
  • માણેક પરણે મૂળવો, જ્યાં ભેળો થિયા ભૂપ.
  • (ઇંદ્રલોકથી રંભાઓ મહારૂપ લઈને ઊતરીઃ જ્યાં ભૂપતિઓ ભેળા થયા છે અને મૂળુ માણેક પરણે છે ત્યાં રણક્ષેત્રમાં.)
  • નારીયું નત્ય રંડાય, નર કે દી રંડાય નહિ,
  • ઓખો રંડાણો આજ, માણેક મરતે મૂળવો.
  • (સ્ત્રીઓ તો રંડાય છે પણ પુરુષ કદી રંડાતો નથી. છતાં આજ તો મૂળુ માણેક મરતાં (ઓખામંડળ) જે પુરુષવાચક છે, તે રાંડી પડ્યો, નિરાધાર બન્યો.)
  • ૩૦. રોયા રણછોડરાય
  • પોરબંદરની બજારમાં શેઠ નાનજી પ્રેમજીની દુકાન પર ગિસ્ત ઊભી છે. વચ્ચે પડ્યું છે એક વાઢી લીધેલું માથુંઃ કાળો ભમ્મર લાંબો ચોટલો વીખરાણો છે. નમણા મોઢા ઉપર લોહી રેળાયા છતાંયે મોં રૂડપ મેલતું નથી. હમણાં જાણે હોઠ ફફડાવીને હોંકારો દેશે ! એવામાથા ઉપર ગિસ્તના માણસો દારૂ છંટાવતા હતા.
  • પાસે ઊભેલા એક નાગર જુવાને એ વાઢેલ માથાની મુખમુદ્રા ઓળખી. એના મોંમાંથી વેણ નીકળી પડ્યું કે “આ તો મૂળુ માણેકનું માથું !”
  • પચાસેક આંખો એ બોલનાર ઉપર ચોંટી ગઈ. સહુને અજાયબી થઈ. મિયાં અલવીનો એક જાસૂસ પડખે ઊભો હતો. તેણે આ નાગર જુવાનને નરમાશથી પૂછ્યું, “તમે કેમ કરીને જાણ્યું, ભાઈ ?”
  • એક જ પલમાં જુવાન ચેતી ગયો. એ માથાના ધણીને વારે વારે દીઠેલો, ઘેરે નોતરેલો, પ્રેમથી હૈયાસરસો ચાંપેલો, એ બધી વાત ભૂલીને જવાબ દીધો કે એ તો બહુ રૂપાળું મોઢું છે, તેથી એમ લાગ્યું.
  • વાત અટકી ગઈ. નાગર બચ્ચો અણીને સમયે ઊગરી ગયો. અને એ રૂપાળા માથાને કપાયેલું દેખી, ભાંગી પડતે હૈયે ઘર તરફ ચાલ્યો ગયો.
  • ગોમતીએ ઘૂંઘટ તાણિયા, રોયા રણછોડરાય,
  • મોતી હૂતું તે રોળાઈ ગયું, માણેક ડુંગરમાંય.
  • (ગોમતીએ શોકથી મોં પર ઘૂમટો ઢાંક્યો. રણછોડરાય પણ રડ્યા, કેમ કે માણેકરૂપી મહામોલું મોતી ડુંગરમાં નાશ પામ્યું.)
  • ઐતિહાસિક માહિતી
  • ૧.વૉટ્‌સનકૃત ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ઃ પાનાં ૧૧૬-૧૧૭, ૩૧૩- ૩૧૮ : વૉટ્‌સનનું વર્ણન ઉપરછલ્લું અને અમલદારશાહીની એકપક્ષી દૃષ્ટિથી જ લખાયેલું છે.
  • ૨.ઓખામંડળના વાઘેરોની માહિતી’ : રચનાર દૂ. જ. મંકોડી તથા હ. જૂ. વ્યાસ, દ્વારકા. મૂળ રા. સા. ભગવાનલાલ સંપતરામે લખેલું. એમાં સારી પેઠે, સમતોલ અને પ્રયત્નપૂર્વક એકઠી કરેલી માહિતી છે.
  • ૩.મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્રરૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશીભાઈ, કે જે આમાંની અમુક ઘટનાઓના ખુદ સાક્ષી છે. તે હજુ બેટમાં હયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે.
  • ૪.આ નવી આવૃત્તિમાં ઝીણી-મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષીરૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી.
  • કીર્તિલેખ કોના રચાય છે ?
  • (લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી)
  • મારી ટાંચણપોથીનું પાનું ફરે છે અને એક કબર દેખાય છેઃ
  • “દ્વારકાઃ કબરઃ કિલ્લા પાસે. કબર છે એક ગોરાની. કબરના પથ્થર પર લેખ કોતર્યો છે
  • ઉૈઙ્મઙ્મૈટ્ઠદ્બ ૐીહિઅ સ્ટ્ઠર્િૈં. ન્ૈીેીંહટ્ઠહં ૈહ ૐ. સ્. ૬૭ ઇીખ્તૈદ્બીહં ટ્ઠહઙ્ઘ છ. ડ્ઢ. ઝ્ર. ર્ં ઈઙ્મરૈહજર્ંહી, ર્ય્દૃીર્હિિર્ ક ર્મ્દ્બહ્વટ્ઠઅ, ૨૬ અીટ્ઠજિ ટ્ઠર્ખ્ત, ઙ્ઘૈીઙ્ઘ ડ્ઢીષ્ઠ. ૧૮૨૦; કૈજિં ર્ં ટ્ઠજષ્ઠીહઙ્ઘર્ હ ંરી ઙ્મટ્ઠઙ્ઘઙ્ઘીિ ર્ં ંરી ર્હ્લિં.”
  • ફોર્ટ : કોનો કિલ્લો ? ગાયકવાડ રાજ્યનો. કોના મુલકમાં ? મૂળ માલિકો વાઘેરોના. સીડી પર પ્રથમ ચડી જઈને મરેલો ગોરો. કોની ગોળીએ મૂઓ ? કિલ્લાની અંદર કબજો કરી બેઠેલા વાઘેરોની ગોળીએ.
  • એક ભાડૂતી ફોજનાએક ભાડૂતી ગોરાનો કીર્તિલેખ છે, કબરની સામે ઊભો ઊભો મારી પોથીમાં હું આ ‘કીર્તિલેખ’ ટપકાવતો હતો ત્યારે ૧૮પ૭ની સાલના એક કાળ-નાટકના પરદા પછી પરદા આંખો સામે ઊઘડતા આવતા હતા. દેશી જવાંમર્દોનો દાળોવાટો કાઢવા માટે ગાયકવાડે સૌરાષ્ટ્રકાંઠે ઉતારેલી આ ભાડૂતી ફોજના ભાડૂતી માણસનો કીર્તિલેખ મારાં નેત્રોને લજ્જાથી ભરતો હતો. સાચા કીર્તિલેખો ત્યાં કોતરાયા નથી. એ જ ગાયકવાડી કિલ્લાને માથે ૧૮પ૮ના ડિસેમ્બરથી થોડા જ મહિના અગાઉ બળવો પુકારી ઊઠનારા બેહાલ ચીંથરેહાલ ધરતીજાયા વાઘેરોએ નિસરી માંડી, તેનો કીર્તિલેખ ક્યાં છે ? જનતાનાં કલેજામાં. ઓખામંડળમાં હું ૧૯ર૮માં ગયો, જઈને મેં લોકજબાન પરથી નીચલા કીર્તિલેખો ઉકેલીને ટપકાવ્યાઃ
  • બળવો મુકરર થયો છે.
  • જસરાજ માણેકના પાળિયા પાસે સમસ્ત વાઘેર જવાંમર્દો મુકરર સમયે જમા થયા છે. કિલ્લો તોડવો છે.
  • શુકનાવળીએ શુકન જોયાં, બોલ્યો કે ભાઈ, જુવાન પુંજા માણેક પર ઘાત છે.
  • એને ઘરમાં પૂરીને નીકળ્યા. પુરાયેલા પુંજાને બાઈઓએ તાનું દીધુંઃ ‘અસાંજાં લૂગડાં પેરી ગીનો !’ ‘અમારાં લૂગડાં પહેરી લ્યો.’
  • ને પુંજો કમાડ ભાંગીને નીકળ્યો અને છપ્પન પગથિયાંવાળી સરગદવારી પર ચડી કિલ્લો તોડવા પહોંચ્યો. ગાયકવાડી દુર્ગરક્ષકોની પહેલી શત્રુ-ગોળીએ પુંજો પડ્યો.
  • એ કીર્તિલેખ ક્યાં કોતરાયો છે ?
  • ‘નિસરણી હાથ એક ટૂંકી પડી. ગઢ એક જ હાથ છેટો રહ્યો. હાકલ પડે છે -’
  • ‘કીનજી મા શેર સૂંઠ ખાધી આય !’
  • એના જવાબમાં, મોંમાં તરવાર પકડી નિસરણી માથેથી ગઢ માથે ઠેક મારીને પહોંચનાર વાઘેર પતરામલ મિંયાણીનો કીર્તિલેખ ક્યાં છે ? પથ્થરના ટુકડામાં નથી. જનતાની જબાન પર છે.
  • હું બેટ શંખોદ્વાર ગયો હતો. પોણોસો વર્ષના ભાટિયા રતનશીભાઈનું ઘર મને લોકોએ ચિંધાડી દીધું. છૂટી પોટલીએ પહેરેલ પોતડી, કસોવાળી સફેદ પાસાબંડી, ખભે ઘડી પાડેલ ખેસ, માથે ગાંધી-ટોપી : પાતળી ઊંચી દેહકાઠી અને રણકો કરતો કંઠ આજે પણ સાંભરે છે. એકલ પંડ્યે હતા. દીકરો દેશાવરે. રોટલા કરી દેવા માટે, હજુ તો ફક્ત વાગ્દત્તા સ્થિતિમાં હતી તો પણ દીકરાની વહુ સાસરે-ઘેરે આવી રહી હતી. રતનશીભાઈએ ઊછળી ઊછળીને, નજરે દીઠેલી વાઘેર-બળવાની પ્રવાહબદ્ધ વાત કહેવા માંડી. નજરે દીઠેલ, કારણ કે પોતે, પોતાના પિતા લધુભા, ને પોતાના દાદા રામજીભા, ત્રણેય એ કાળ-નાટકનાં પાત્રો હતાં. પાંચ-સાત વર્ષનું એનું બાળપણ વાઘેરબળવાની વિગતો સંઘરીને સિત્તેર સંવત્સરોથી એ બુઢ્ઢા દેહમાં લપાયું હતું. એ પાંચ વર્ષના શિશુની આંખો અને સ્મરણશક્તિ બોલી ઊઠી ને મેં ટપકાવી લીધું.
  • ...ત્રણેક કલાક ધારાવાહી રહેલી રતનશી ડોસાની કથા ખતમ થઈ. એ સમાપ્તિભાગને સહન કરવા માટે જે વજ્રહૃદય જોઈએ તે મારામાં નહોતું. બળવાની લીલાભૂમિ નિહાળી, થાનકો જોયાં, સમુદ્રકાંઠો જોયો, એ કાંઠેથી જળજંતુઓએ કસબ કરેલા નાના પાણકા અને જળ-ઝાડવાંનાં ડાખળાં વીણ્યાં. પંજા પીર, સૂણી-મેહારના ડુંગરા નામનું બે ખડકોનું જળતીર્થ, જ્યાંથી વાઘેરો વગર વહાણે ઊતરી ગયા તે શંખોલીઓ કાંઠો, ક્યુ નામનો બેટ, માનમરોડી ટાપુ, ધબધબા ટાપુ, સાવઝ ટાપુ, લેફામૂરડી ટાપુ, એ દૂરદૂરથી દીઠાં. પ્રથમ આરંભડા ગામથી મછવામાં બેસી બેટમાં ગયો ત્યારે જળમાં ઊભેલા સાતમૂરૂ, પારેવો ને ઢેઢમૂરૂ નામનાં બેટડાં પણ જોયાં. ઢેઢમૂરૂ નામ અર્થપૂર્ણ છે. બેટ શંખોદવારની એ છેલ્લામાં છેલ્લી અણીઃ ઢેઢ લોકોને ખુદ બેટની ધરતી પર પગ મકવાની મનાઈ હતી - મંદિરોના માલિક તરફથી ! અસ્પૃશ્યોએ તો દેવની ઝાંખી એ ઢેઢમૂરૂ નામના ખડક પરથી જ કરીને પાછા વળવાનું હતું. જેઓએ દેવને આટલા બધા આભડછેટિયા બનાવ્યા તેઓ આખરે શું કમાયા? ગોરાઓના હાથથી મંદિરોનો સુરંગ-ધ્વંસ ! દૈવી ન્યાયને ચોપડે તો પાપપુણ્યનાં ચક્રવૃદ્ધિ વ્યાજ ચડે છે.
  • જેસાજી - વેજાજી
  • (ઈ. સ. ૧૪૭૩ - ૧૪૯૪)
  • જૂના સમયનું બહારવટું
  • આશરે ઈ.સ. ૧૩પ૦માં જૂનાગઢની ગાદી ઉપર રા’ખેંગાર રાજ કરેઃ એને ભીમજી નામે એક કુંવર હતો.
  • કુંવર ભીમજી વેરે પોતાની કન્યાના સગપણ માટે ઈડર રાજે શ્રીફળ મોકલેલું. ભીમજીએ પિતાને કહ્યું કે “બાપુ ! તમે પોતે જ વધાવો તો ?”
  • રા’ની નીષ્ઠા ભીમજીને ભાસી ગઈ હશે.
  • રા’બોલ્યા, “ભાઈ ભીમજી, તો પછી ઈડરનો ભાણેજ કાંઈ ફટાયો રહી શકે ખરો ?”
  • ભીમજીઃ “ના, બાપુ ! નહિ જ, નવાં રાજમાતાને જો દીકરો જન્મે તો મારે રાજ ન ખપે. મારો કોલ છે, બાપુ !”
  • રા’ખેંગારજી પરણ્યા, પુત્ર થયો, એટલે પાટવી કુંવર ભીમજી ચારસો પચાસ ગામડાં લઈ સરવાની ગાદીએ ઊતર્યો.
  • કોઈ કહે છે કે ચારસો પચાસ નહિ, પણ ચાર ચોરાસીઃ એટલે એકસો છત્રીસઃ રા. સા. ભગવાનલાલ સંપતરામ લખે છે એક જ ચોરાસી.
  • ભીમજીના છત્રસંગજી ને સુરસંગજી થયા. છત્રસંગજીના તે સરવૈયા અને સુરસંગજીના તે ચુડાસમાઃ
  • છત્રસિંહજી
  • મેપજી ગંગદાસજી
  • કવાટજી સોડાજી
  • જેસોજી વેજોજી
  • આખી સરવૈયાવાડ આ બધાની. પણ રા’માંડળિકના સમયમાં જ ઘણો ગરાસ જૂનાગઢે દબાવી દીધો, તેથી બહારવટું મંડાયેલું. ગંગદાસજી રા’ની સામે બહારવે હતા.
  • ઈ.સ. ૧૪૭ર-૭૩માં માંડળિકને મહમદ બેગડાએ પદભ્રષ્ટ કર્યો, મુસલમાનોનું તખ્ત મંડાયું. એણે સરવૈયાઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા કહ્યું. એટલે બહારવટિયાઓએ નવી સત્તા સામે મોરચા માંડ્યા. વીસ વરસ બહારવટું ચાલ્યું.
  • આખરે ઈ.સ. ૧૪૯૩માં સમાધાની થઈ. પાદશાહે ચોક હાથસણીનાબે તાલુકા, કુલ ૬૪ ગામ દીધાં. રા. સા. ભગવાનલાલના ઈતિહાસમાં અમરેલી પરગણામાં ૧૪૪ ગામ આપ્યાં લખેલાં છે.
  • ૧. સ્મશાનમાં
  • લોળાગળ લાંકાળ, ગૃંજછ તું મોદળને ગઢે,
  • (ત્યાં તો) સિંગળદીપ સોંઢાળ, કંપવા લાગે કવટાઉત !
  • (હે પાતળી કમરવાળા, માંસના લોચા ગળનારા સાવજ ! કવાટજીના પુત્ર જેસાજી ! તું જ્યારે જૂનાગઢને કિલ્લે જઈને ગર્જના કરે છે, ત્યારે પાદશાહરૂપી સૂંઢાળો ગજરાજ કંપવા લાગે છે.)
  • “કોઈ અન્નપાણીનું ક્ષુધાર્થી ! કોઈ ભૂખ્યું હોય તો આવી જાજો, ભાઈ! પે’લો ભાગ તમારો.”
  • મધરાતે મસાણમાં બેઠેલા માણસે આ પ્રમાણે સાદ પાડ્યો અને એ નિર્જન ભૂમિ એના ઘેરા અવાજથી કાંપી ઊઠી. નવરાતના દિવસો ચાલે છે.
  • અવાજ દેનાર આદમી રજપૂત છે. પખડે ઢાલ, તરવાર ને ભાલો પડ્યાં છે. સામે એક તાજું મડદું બળ્યું હોય તેવી ચિતા સળગે છે. ચિતામાં ભડકા નથી રહ્યા, પણ લાકડાનાં મોટાં ખોડસાંનો દેવતા ચારેય બાજુ લાલ ચટક ઝાંય પાડતો, તા ન ઝિલાય તેવો આકરો, કોઈ અગ્નિકુંડ જેવો, સળગી રહ્યો છે. રજપૂતનાં ત્રણેયહથિયાર એ તેજમાં ચમકે છે. અને મસાણમાં પ્રેત બેઠું હોય તેવો દેખાય એ ગરાસિયો આગમાં એક ધીંગો ઘેટો શેકે છે.
  • શેકીને એણે હાથમાં જમૈયો લીધો, ઘેટાના ભડથામાંથી કટકો કાપ્યો અને ઊંચે જોઈ હાકલ દીધી કે “કોઈ અન્નપાણીનું ક્ષુધાર્થી ! કોઈ ઉપવાસી !”
  • હાકલ પૂરી થાતાં જ પાછળથી રાજપૂતના ખંભા ઉપર થઈને એક હાથ નીકળ્યો. પંજો પહોળો કરીને એ હાથ જાણે કે જમવાનું માગે છે. કોઈ બોલતું નથી. રજપૂત ચિતા સામે મોં રાખીને બોલ્યો, “આ લ્યો ભા ! તમારેતો મોઢું દુખાડવામાંય લાજ આવતી હશે ! ઠીક ! મારે મોઢું જોઈને કરવું છે ય શું !”
  • રજપૂતને પાછળ નજર ન કરવાની તો પ્રતિજ્ઞા છે. વાંસેથી આવીને કોણ હાથ લંબાવે છે એ જાણવાની એને જરૂર નથી. કોઈ ક્ષુધાર્થી હશે એટલું જ જાણવું બસ હતું. માંસનો પહેલો ટુકડો એણે એ ગેબી હાથની હથેળીમાં મૂકી દીધો, એ લઈને હાથ પાછો ચાલ્યો ગયો.
  • બીજું બટકું કાપીને જ્યાં રજપૂત પોતાના મોંમાં મેલવા જાય છે, ત્યાં ફરી વાર એ જ હાથ ફરી લાંબો થયો ને હથેળી ધરી.
  • “વળી પાછો લોભ લાગ્યો ? ઠીક ! લ્યો ! ભાગો !”
  • બીજો ટુકડો પણ રજપૂતે એ હથેળીમાં ધર્યો. લઈને હાથ પાછો ખેંચાઈ ગયો. ત્રીજો ટુકડોઃ ચોથો ટુકડોઃ પાંચમોઃ છઠ્ઠો.
  • વારંવાર હાથ લાંબો થતો જ ગયો, ને રજપૂત એને બટકાં આપતો ગયો. એમ કરતં આખો ઘેટો ખલાસ થયો તોયે હાથ તો ફરી વાર નીકળ્યો.
  • “રંગ છે તમને, ભા ! પત્ય લેવી છે ? લ્યો ત્યારે !”
  • રજપૂત કળી ગયો. જમૈયો પોતાના શરીર પર મેલ્યો, ઝરડ દઈને એણે પિંડી કાપી. કાપીને લોહીનીતરતી એ હાથમાં મેલી; ને જ્યાં બીજી પિંડી વધેરવા જાય છે ત્યાં ‘મા ! મા !’ એવો માકાર થયો. કોણી સુધી હેમની ચૂડીઓ ખળકાવતો કંકુવરણો હાથ બહાર નીકળ્યો અને રજપૂતનું જમણું કાડું ઝાલી લીધું. રજપૂતે હાકલ કરીઃ “કોણ છો તું ?”
  • “બાપ ! હું શક્તિ !” એમ કહેતાં દેવી સન્મુખ પધાર્યાં.
  • “કાં માડી ! કાંડું કાં ઝાલો ?”
  • “બાપ ! હવે હાઉં ! ધરાઈ રહી.”
  • “રજપૂતનું પણ લેવું’તું, મા ?”
  • “પણ નો’તું લેવું, કસોટી લેવી’તી. લે બોલ, તું કોણ છો, બાપ ?”
  • “માડી, હું બહારવટિયો છું. સારું માણસ તો આંહીં ક્યાંથી બેઠું હોય?”
  • “નામ ?”
  • “જેસો.”
  • “સાખે ?”
  • “સરવૈયો.”
  • “એકલે પંડ્યે છો ?”
  • “ના, કાકાનો દીકરો વેજો જોડ્યમાં છે. અને દાદા ગંગદાસ ગુરુપદે બેઠા છે.”
  • “કોની સામે ખેડો છો ?”
  • “બાદશાહ સામે. જૂનાગઢ ને અમદાવાદ, બેયની સામે.”
  • “શી બાબત ?”
  • “અમારાં ૪પ૦ ગામ જૂનાગઢે આંચકી લીધાં છે.”
  • “બાળબચ્ચાં ?”
  • “જગદમ્બા જાણે. એની સામું જોવામાં અમારો ધર્મ નથી. સાંભળ્યું છે કે નટના પંખામાં છૂપે વેશે રઝળે છે. જાણ થાય તો પાદશાહ છોકરાઉંની હત્યા કરે.”
  • “કેટલુંક થયાં નીકળ્યા છો ?”
  • “કાંઈ સાંભરતું નથી. દાદાને કાળા મોવાળા હતા તે ધોળા થઈ ગયા છે.”
  • “બા’રવટે પાદશાહને પોગશે, બચ્ચા ?”
  • “સારાં ઘોડાં મળે તો પોગાય, માડી ! અમદાવાદ સુધીનો મુલક ધમરોળી નાખીએ.”
  • “જેસાજી ! ઘોડાં કાર નહિ કરે. આ ગરના ડુંગરા અને ઊંડી નદીયુંમાં ઘોડાં ભાંગી જાશે. જાવ, બાપ ! સોમત નદીને કાંઠે તમને બે રોઝડાં મળશેઃ માથે પલાણીને હાંક્યા કરજો. નદીયું આવશે ત્યાં ઠેકી જાશે ને ડુંગરાના ગાળા ટપી જાશે. પહાડોમાં હડિયાપાટી કરશે. જેસાજી ! તેં મને તારું અંગ અર્પણ કર્યું, તો મારું વરદાન સમજ્જે કે સતધરમ નહિ ચૂકો ત્યાં સુધી તમારો ધજાગરો હેમખેમ રે’શે.”
  • એમ કહીને શક્તિ અલોપ થઈ ગયાં.
  • ર. નટના પંખામાં
  • “ગઢવા ! જમવા માંડો ! કેમ થંભી ગયા ?”
  • પણ ગઢવો ખાતો નથી. ગામનો પાદર નટ લોકોના પંખા (પંખા=ટોળાં) ઊતર્યા છે. સાંજઃ પડી ને દિવસ આથમ્યો એટલે શહેરના દરવાજા દેવાઈ ગયા છે ને એક ચારણ મુસાફર બહાર રહી ગયો છે. બે-ત્રણ છોકરાં ચારણને પોતાના ઉતારમાં તેડી લાગ્યાં. બે બાઈઓ હતી તેણે રોટલા ઘડ્યા, ચારણને જમવા બેસાર્યો, પણ ચારણ હાથળીમાં હાથ બોળતો નથી.
  • “ગઢવા, વહેમાવ છો ?”
  • “તમે કેવાં છો, મા ! મારી ચારણદેહ છે, એટલે હું જરાક આંચકો ખાઉં છું.”
  • “ગઢવા ! વન થાશો ? તો વાત કરીએ.”
  • “માડી ! વન તો વાયેય હલેઃ હું તો પા’ણો થાઉં છું. કહો જે કહવું હોય તે. હું દેવીનું પેટ છું ઈ ભૂલશો મા.”
  • “ત્યારે, ગઢવા !
  • પે પલાટીમેં પાટ, પંડ પાલટીએં નૈ,
  • ઘર ઓળખીએં ઘાટ, જગતે જે જેસંગતણા.”
  • “ગઢવા ! બહુ બૂરી પડી છે. તેથી આ લૂગડાં બદલાવ્યાં છે. પણ પંડ્ય નથી અભડાવ્યાં. અમે નટ નથી, અમે ગરાસિયાં છીએ. ગંગાજળિયા રા’નું કુળ છીએ. અમારા પુરુષોને માથે પાદશાનો કોપ ભમે છે.”
  • “કોણ - જેસોજી-વેજોજી તો નહિ ?”
  • “એ જ. અમે એનાં ઘરનાં માણસો !”
  • “તમારી આવી દશા, બોન્યું ? આ બા’રવટાં ? પંડ્ય પર વસ્તર ન મળે ? ખાવાની આ રાબ-છાશું ?”
  • “હોય, બારોટ ! વેળા વેળાની છાંયડી છે. અને ચાર ચોરાશીયુંના મોડ પહેરનારા પુરુષો જ્યારે અનોધાં દુઃખ વેઠે છે, ત્યારે અમથી આટલાં તપ તો તપાય ને ! તરવાર લઈને જે દી જોડે ઘૂમશું તે દી વળી વશેકોઈ વદશે. આજ તો આભને ઓળે છોરુડાં ઉઝેરીએ છીએ, ગઢવા !”
  • ચારણે વાળુ કર્યું. પ્રભાતે ચારણે રજા લીધી. કહેતો ગયો કે “માડી! છઉં તો પાદશાહનો દસોંદી. પણ તમારા ઠાકોરને ન ઉગારું તો આ અનાજ કીડાને ખવરાવ્યું સમજ્જો !”
  • “હજાર હાથવાળો ઉગારશે, ગઢવા ! બાકી અમે તો ચૂડા ભાંગવા તૈયાર થઈને જ બેઠીયું છીએ. પણ અમારાં દુઃખને કારણે બા’રવટિયા પાદશાહને શરણે જાય, ઈ તો કદી નહિ થાય.”
  • “જેસોજી-વેજોજી પાદશાહને શરણે જાય ? હથિયાર મેલે ? તો તો ગંગા અવળી વહે. અને રંગ છે તમને, રજપૂતાણીયું ! આમ રઝળીને પણ ધણીઓને પાનો ચડાવો છો, રંગ !”
  • હજી સૂર ઝળહળે, હજી સાબત ઇંદ્રાસણ,
  • હજી ગંગ ખળહળે, હજી પરઝળે હુતાશણ.
  • છપ્પા બોલતાં બોલતાં ચારણનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં અને એણે દુહો લલકાર્યોઃ
  • (જો) જેસો ને વેજો જાય, ઓળે અહરાણું તણે,
  • (તો તો) પે પાંડરૂ ન થાય, કાળી ધેને કવટાઉત.
  • (જો જેસા-વેજા જેવા અટંકી રજપૂતો પાદશાહને શરણે જાય, તો સૃષ્ટિના નિયમ પલટી જાયઃ તો તો કાળા રંગની ગાયનું દૂધ પણ કાળું જ બની જાય, ધોળું ન રહે.)
  • ૩. હુરમ બહેન
  • વેજે વેજળકોટ, શીરાબંધ ચણાવિયો,
  • મલેમલની ચોટ, સાવઝવાળી સોંડાઉત.
  • (સોંડાજી સરવૈયાના પુત્ર વેજાજીએ ચૂનાબંધ વેજલ કોઠો ચણાવ્યો. પાદશાહની પાસે સાવજ સરીખો વેજોજી મલ્લની માફક દાવપેચ ખેલે છે.)
  • કલબલ બીબડિયું કરે, પડ પડ મરે પઠાણ,
  • વેજો નાખે વાણ્ય, સાવઝવાળી સોંડાઉત.
  • (જ્યાં વેજોજી સાવજ સરખી ગર્જના કરે છે, ત્યાં તો ડરીને પઠાણ (પોતાનાં ઘોડાં પરથી) પટકાઈ પટકાઈ મરે છે, ને એની સ્ત્રીઓ - બીબીઓ કલ્પાંત કરવા લાગી છે.)
  • જૂને હળ જૂતે નહિ, કે ધાતિયા ઘડે,
  • કીધલ લૈ કડે, સરઠું લેવા સોંડાઉત.
  • (વેજાજીના ત્રાસથી જૂનાગઢની જમીનમાં હળો જૂતી શકતાં નથી. આખી સોરઠ એ સોંડાજીના પુત્રે કબજી કરી લીધી છે.)
  • ગીરમાં રાવલ નદીના કિનારા પર જૂનાગઢની દિશામાંથી ઘોડાં જેવાં બે મોટાં રોઝડાં વારંવાર આવીને ઊભાં રહેતાં અને પોતાની પીઠ પર બખ્તર સોતા અસવારોને લઈને ભેખડો ટપી સામે કાંજે જતાં. આજ પણ રાવલકાંઠે રોઝડાંના અસવારો ઊભા છે. પાદશાહી પઠાણોની ફોજે આજ બેય બહારવટિયાનો પીછો લીધો છે. ઠેઠ જૂનાગઢથી ફોજ તગડતી આવે છે.
  • ઉપરકોટની અંદર પડીને આગલી રાતે એણે પાદશાહની સૂવાની મેડીમાં ખાતર દીધું. મોંમાં તરવાર ઝાલીને ખિસકોલાંની જેમ બેય ભાઈ ચડી ગયા. મીંદડીની માફક સુંવાળા પલંગ મેલીને અંદર ચાલ્યા. બે પલંગ દીઠા. એક પર પાદશાહ, બીજા ઉપર હુરમઃ પતંગિયા જેવો ચંચળ અને પટાનો સાધેલ નાનેરો ભાઈ વેજોજી તરવાર કાઢવા ઠેકવા ગયો ત્યાં જેસાએ પીઠ ફેરવી. વેજાએ પૂછ્યુંઃ “કેમ પારોઠ દીધી, ભાઈ ?”
  • “પાદશાહની બીકથી નહિ, બાપ ! ધરમની બીકથી.”
  • “શું છે ?”
  • “હુરમ બોનનાં લૂગડાં ખસી ગયાં છે.”
  • “કોઈ વાંધો નહિ. આપણે માજણ્યા ભાઈ જેવા. શક્તિ સાક્ષી છે. લ્યો હું ઢાંકી આવું.”
  • વેજોજી ગયો. પોતાની પાસે પાંભરી હતી તે હુરમને માથે ઓઢાડી દીધી.
  • “હવે ભાઈ ! હવે કરું આ પાદશાહના કટકા ! આવો રંગ આપણી તરવારુંને કે દી ચડશે ?” વેજો કાળનું સ્વરૂપ ધરી આંખોના ડોળા ઘુમાવે છે.
  • જેસાજીએ મોં મલકાવીને માકાર સૂચવતો હાથ ઊંચો કર્યો.
  • “કાં ?”
  • “આ જેને પાંભરી ઓઢાડી એનો વિચાર કરું છું. મોંયેથી એને માની જણી બોન કહી દીધી. અને આપણે કોણ, વેજા ? આપણે તો ગંગાજળ ! પાંચાળીની એબ ઢાંકનાર જદુનંદનના બાળક !”
  • બોલવાનો સંચળ થયો ને ઓછી નીંદરવાળી પઠાણજાદીની આંખોનાં પોપચાં, સરોવર માયણાં પોયણાં જેવા ઊઘડ્યા. “ઓ ખુદા !’ એવી ચીસ એના ગળામાં જ રૂંધાઈ ગઈ.
  • વેજાજીએ ડોળા ફાડી નાક પર આંગળી મૂકી. હુરમ પાદશાહના પલંગ આડે ઊભી રહી.
  • “હટી જા, બોન ! તું બોન છો, બીશ મા ! તારો સતીધરમ રજપૂતના હાથમાં હેમખેમ જાણજે. પણ આ અસુરને તો આજ નહિ છોડીએ.”
  • “હું તમારી બોન ! તમે મારા ભાઈઓ. કાપડું માગું છું.”
  • “માગ્ય ઝટ !” “મારો ખાવંદ -મારો પાદશાહ - કાપડમાં આપો.” “પત્યું, વેજા ! જેવાં આપણાં તકદીર ! વળો પાછા. હવે તો પાદશાહ ભલે બોનને કાપડમાં રહ્યો.”
  • બેય જણા ઊતરી ગયા. દાંતમાં લીધેલી તરવારો ઝબૂકતી ગઈ.
  • શું થયું તેની બીકે નહિ, પણ શું થાત તેને ધ્રાસકે થરથર કાંપતી હુરમે ધણીને અંગૂઠો મરડી જગાડ્યો. કહ્યુંઃ “જેસો-વેજો આપણા મહેલમાં !”
  • “હેં !” પાદશાહ હેબતાઈ ગયો. “ક્યાં છે ?”
  • “ચાલ્યા ગયા.”
  • “કેમ ?”
  • “પાદશાહનો જીવ મને બોન કહી કાપડમાં દીધો.”
  • પણ પછી તો પાદશાહની ઊંઘ જતી રહી. દીવાલો પર, દરવાજે, પલંગ પાસે, પવનના ઝપાટામાં ને ઝાડના ફરફરાટમાં એણે બહારવટિયા જ જોયા કર્યાંઃ
  • મોદળ ભે મટે નહિ, સુખે નો સૂવાય,
  • મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત.
  • (મોદળ (જૂનાગઢ)ને ભય નથી મટતો. સુખથી સુવાતું નથી. અને મામદશા પાદશાહના હૈયામાં હરણાં જેમ કૂદકા મારતાં હોય એમ ભયના ફફડાટ થાય છે.)
  • ૪. ચારણે બચાવ્યા
  • મેઘલી અંધારી રાતે, બેય બહારવટિયા સોનરખ નદીને કાંઠે રોઝડાં ઉપર અસવાર બની ઊભા છે. મે’ની ઝડીઓ વરસે છે, તેથી માથે કૂંચલીઓ ઓઢી લીધી છે. ભાલાના ટેકા લીધા છે અને ઘણા ઘણા દિવસના થાક-ઉજાગરાથી બેયની આંખો મળી ગઈ છે. એ ઘડી-બે-ઘડીના ઝોલામાં પણ બેય જણા પોતાનો ગરાસ પાછો સોંપાયાનાં મીઠાં સોણાં ભાળે છે. જાણે બાર વરસની અવધિએ બાળબચ્ચાંની ભેળા થઈ રજપૂતો હૈયાની માયમામમતા ભરી કોથળીઓ ખાલી કરે છે.
  • ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો લલકાર સાંભળ્યો :
  • પડ ધ્રૂજે પૃથમી તણું, કડકે નોબત કોય,
  • જેસા, સમું ન જોય, કાન કાં ફૂટ્યા કવટાઉત !
  • (ઓ જેસા ! આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નોબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો ? તારા કાન કાં ફૂટી ગયા ?)
  • જેસા, સામું જોય, ગડહડી નોબત ગુંજે,
  • (પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત !
  • (ઓ જેસા ! સામે તો જો. આ નોબત ગુંજે છે. પરંતુ કાળની ગતિ બહુ કપરી છે.)
  • ત્રેહત્રાયાં ત્રંબાળ, (કાં) સાંભળ નૈ સરતાનનાં !
  • જેસા હજી ન જાગ, કાન કાં ફૂટા કવટાઉત !
  • નીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં !
  • જેસા હજી ન જાણ, કાન કાં ફૂટા કવટાઉત !
  • (ઓ જેસા કવાટજીના દીકરા, આ સુલતાનના ડંકાનિશાન તારી પાછળ ગાજતા આવે છે તે હજુય કાં ન સાંભળ ? તારા કાન કાં ફૂટી ગયા ?)
  • આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરો આવવા લાગ્યા.
  • “ભાઈ વેજા! કોક આપણને ચેતવે છે. કોક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલકોઠે.”
  • વરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા, નદીનાળાં ટપીને બહારવટિયા નાસી છૂટ્યા.
  • કાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટિયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયો. ફોજમાંથી એક માણસે અવાજ દઈને બહારવટિયાને ચેતાવેલા. એની સામે પાદશાહની આંખ ફાટી ગઈ. પૂછ્યુંઃ “તેં ચેતવ્યા ?”
  • “હા, પાદશાહ સલામત ! ચેતવ્યા, ને હું તારો ચારણ૧ છું. તુંને આજ ખોટ્ય બેસતી અટકાવવા માટે મેં ચેતવ્યા, બાપ !”
  • “ફોજ પાછી વાળો, જાવા દ્યો બહારવટિયાને.”
  • “એ પાદશાહ !” હસીને ચારણ હાકલ દીધીઃ
  • અયો ન ઉંડળમાંય, સરવૈયો સરતાનની,
  • જેસો જોરે જાય, પાડ નહિ પતશાવરો.
  • (સરવૈયો બહારવટિયો સુલતાનની બાથમાં ન આવ્યો, અને એ તો પોતાના જોર વડે ચાલ્યો ગયો. એમાં પાદશાહ ! તારી કાંઈ મહેરબાની ન કહેવાય !)
  • “ઐસા !” પાદશાહ લાલચોળ થયા. “ફોજ ઉપાડીને બહારવટિયાને ગીરને ગાળે ગાળે ગોતો.”
  • હુકમ થતાં ફોજ ગીરમાં ઊતરી.
  • દળ આવે દળવા કજુ, હીંકરડ ભડ હૈયાં,
  • (ત્યાં તો) ઝીંકરડ ઝાલે ના, કોમળ ઢાલું કવટાઉત.
  • (પઠાણોનાં દળ બહારવટિયાને દળી નાખવાને કાજે આવ્યાં, પણ ત્યાં તો એની કોમળ ઢાલો એ કવાટજીના પુત્રના ઝાટકાની ઝીંક ઝીલી શકી નહિ.)
  • માર્ગે ધીંગાણાં મંડાતાં આવે છે. પાંચ-પાંચ પઠાણોને પછાડી પછાડી ભૂખ્યા, તરસ્યા ને ભીંજાયેલા ભાઈઓ ભાગી છૂટે છે. એમ થતાં આખરે રાવલકાંઠો આંબી ગયા.
  • ૧ કોઈ કહે છે કે એ ચારણનું નામ ભવાન સાઉ. કોઈ કહે છે કે સાંજણ ભંગડો.
  • પ. ગંગદાસ દાદા
  • ગીર વીંધીને રાવલ પડી છે. આભે અડવાની હોડ રમતી હોય તેવી એની ઊંચી ઊંચી ભેખડો ચડી છે. ઊંચેરી ભેખડોને માથે પણ ક્યાંઈક કયાંઈક ડુંગરા ઊભા છે. ભેખડોના પેટાળમાં પાળો આદમી પણ ન વીંધી શકે એવી ઘોર ઝાડી ઊભી છે. એ ઝાડીને ઝાળે ઝાળે સાવજ હૂંકે છે. જેવા ડુંગરા, જેવી વનરાઈ, જેવા સાવજ, તેવા જ ત્યાં વસે છે નેસવાસી રબારીઓ ને ચારણો આયરોઃ તેવી જ ચરે છે સાવજશૂરી ભેંસોઃ આમ રાવલની ગોદમાં તો બધાં બળિયાં પાકે છે. શાદુળાની માતા જાણે કોઈ પૂર્વ જુગમાં શાપ લાગ્યાથી નદી બની ગઈ છે. ઉનાળે-શિયાળે અબોલ ચાલી જતી રાવલ આજ ચોમાસે ભાદરવાના ભરપૂર વરસાદમાં હાથીનાય ભુક્કા બોલાવે એવી મસ્તીમાં બેપૂર ચાલી જાય છે. પાણીની થપાટો ખાઈને જાણે રાવલની ભેખડો રીડિયા કરે છે. દયા-માયા એને સંસારમાં કોઈની રહી નથી. પ્રવાહમાંથી અવાજ ઊઠે છે કે માર માર ! માર માર માર ! બીજી વાત નહિ.
  • શક્તિએ સમર્પેલ રોઝડાં સાંકડો ગાળો ગોતીને ટપી ગયાં. સામે કાંઠે ઊતર્યા પછી પાછા ફરીને બેય ભાઈ જૂનાગડી સેનાની સન્મુખ ઊભા રહ્યા. રાવલે ફોજને સામે કાંઠે જ રૂંધી રાખી હતી. સંધ્યાની લાલપમાં રંગાતી આ બે મરણિયા ક્ષત્રિયોની મુખકાન્તિ નિહાળીને પઠાણો પાછા ફર્યા.
  • આંખે તમ્મર આવે એવો ઊંડો વાંકડો સૂવરનળો અને એવી જ ઝેરકોશલી નદી; એને કાંઠે કાંઠે નાનકડી કેડી છે. જાણભેદુ વિના બીજું કોઈએને જાણતું જ નહિ. કેડીએ રોઝડાં હાંકીને બેય ભાઈ ટોચે પહોંચે છે ને ત્યાં ડેલીબંધ દરવાજે થોભાળા રાજપૂતોની ચોકી વળોટી અંદર વેજલકોઠામાં જાય છે. અંદર પહોળી જગ્યામાં દરબારગઢ બાંધેલો છે.
  • સૂવરનાળો, રાવલ અને ઝેરકોશલીઃ ત્રણેય નદીઓએ જાણે કે ચોપાસ આંકડા ભીડીને વેજલકોઠાને વચમાં લઈ લીધો છે. ક્યાંયથી શત્રુઓ ચડી શકે તેમ નથી. ભેખડો ઊંચી આભ અડતી અને સીધી દીવાલ સરખી છે. પછવાડે પાણીની મોટી પાટ છે. એમાંથી બહારવટિયા પાવરે પાવરે પાણી ખેંચતા તે પરથી એનું નામ પાવરાવાટ પડ્યું છે. વાંદરાં પણ ન ટપી શકે એવી સીધી એ કરાડ છે. ગીર માતાએ બહારવટિયાને ગોદમાં લેવા સારુ આવી વંકી જગ્યા સરજી હશે.
  • એક બુઢ્ઢા રજપૂત સામે આંગળી ચીંધીને જેસોજી બોલ્યા, “ભાઈ વેજા ! જોયા દાદાને ?”
  • “હા, ત્રીજી પેઢી સુધી એને માથેય આ વીતક લખ્યાં હશે !”
  • “ઉઘાડે ડિલે બેસીને નીચેથી કાંઈક વીણે છે.”
  • “અને વીણી વીણી ખભા ઉપર શું નાખે છે ?”
  • બેય પાત્રો દાદાને પડખે ગયા. ઉઘાડી પીઠ ઉપર માંસમાં મોટો ખાડો દીઠો, ને ખાડામાં કીડા ખદબદે છે.
  • “કાં દાદા ! પાઠાને કેમ છે ?”
  • “બાપ, જીવાત્ય પડી ગઈ છે. ઉઘાડું છું ત્યાં તો ઊછળી ઊછળીને બહાર પડે છે.”
  • “તે પાછા વીણો કાં ?”
  • “બાપ ! એને મરવા ન દેવાય; પાછો પાઠામાં મેલું છું. એને એનું ગર છંડાવાય કાંઈ ?”
  • “અરે દાદા, જીવાત્યને આમ જિવાડવી ? ફોલીને ખાઈ ન જાય ?”
  • “પણ બેટા, બહારવટાનો ધરમ તો જતિધરમ છે, જીવાત્યને મરવા ન દેવાય. એના જતન કરાય.’
  • “તો તો ડિલને ફોલી ખાશે.”
  • “તે સાટુ તો આપણે રોજ પાઠામાં શેર લોટનો પિંડો કરીને ભરીએ; જીવડાં લોટ ખાય ને કાયા બચી જાયઃ બેય વાતે સગવડ.”
  • દુખિયો ડોસો લહેરથી દાંત કાઢવા લાગ્યો.
  • ધોળી ફરકતી દાઢીના કાતરાવાળો દાદો ગંગદાસ સંત સરખો દેખાતો હતો. બહારવટિયાના બાપનો એ સગો કાકો હતો. જુવાનીથી માંડીને આજ એંશી વર્ષ સુધી એ જૂનાગઢ-અમદાવાદની સામે ઝૂઝતો હતો. હવે ભત્રીજાના બે દીકરાને તૈયાર કર્યા પછી પોતે થોડો થોડો વિસામો લેતો હતો. બહારવટાના ઊંચા ધર્મોની તાલીમ એણે બેય ભાઈઓને પહેલેથી જ દીધી હતી.
  • “દાદા !” જેસાએ કહ્યું, “હવે તો સાવ વિસામો જ લ્યો. આ પાઠા સોતા અમારી સાથે કેટલાક આંબી શકશો ? ક્યાંય લોટ મળ્યો-ન મળ્યો !”
  • “ભાઈ, વિસામો તો આ શરીર શી રીતે માણે ? મન અમદાવાદજૂનાગઢના કોટકાંગરા માથે ઠેક દઈ રહ્યું છે. પણ શરીર મનના ઘોડામાં આંબતું નથી તેથી આંહીં બેઠું બેઠું, જાણે રૂંવે રૂંવે શૂળા પરોવતા હોય એવું આકળું બને છે.”
  • “દાદા ! હવે પ્રભુભજન !”
  • “બાપા, એક વાર અમદાવાદ શે’રની બજારમાંથી સાચં મોતીની માળા ઉપાડી આવું, છેલ્લી વાર પાદશાહને જાસો જઈ આવું, પછી હાંઉં ! કાયમનો વિસામો. બીજે અવતાર ક્યાં બા’રવટું ખેડવા આવવું છે ?”
  • રાખમાં ભારેલા અગ્નિની માફક અંદરથી સળગતો ડોસો, ઉપરથી આવાં નિરાંતનાં વેણ બોલતો બોલતો પાઠામાં લોટનો પિંડો ભરતો જાય છે ને હેઠાં ઝરી જતાં જીવડાંને પાછાં ઉપાડી ખભા નીચેના એ મોટા જખમમાં મૂકતો જાય છે. જીવડાં સુંવાળા સુંવાળા માંસના લોચામાં બટકાં ભરી રહ્યાં છે, પણ દાદાના મોંમાં તો સિસકારોય નથી. આ દેખાવ જોઈને બહારવટિયાના કલેજામાં જાણે શારડી ફરે છે.
  • ૬. ગંગદાસનું મોત
  • ભડ જે ભાલાળા તણે, ઘઘુંબે ઘમસાણ,
  • અમદાવાદ અહરાણ, કાણ્યું માંડે કવટાઉત !
  • (ભાલાવાળા બહારવટિયા જ્યારે અમદાવાદમાં જઈને ઘમસાણ મચાવે છે ત્યારે મુસલમાનોને ઘેર કાણ્યો - કલ્પાંતો મંડાય છે.)
  • આવે ઘર અહરાં તણે, જેસંગ વાહળી જાણ,
  • (ત્યાં તો) ખોદે લઈ ખરસાણ, કબરૂં નવિયું કવટાઉત !
  • (જ્યારે જેસાજીની ફોજ અસુરોના - મુસલમાનોના ઘર ઉપર આવે છે, ત્યારે ખુરસાણોને નવી કબરો ખોદવી પડે છે.)
  • તેં માર્યા મામદ તણા, ત્રણસેં ઉપર ત્રીસ,
  • (ત્યાં તો) વધિયું વીધા વીસ, કબરસ્તાનું કવટાઉત !
  • (ઓ કવાટજીના પુત્ર ! તેં મામદશા પાદશાહના ત્રણસો ને ત્રીસ પઠાણો માર્યા, તેથી શહેરનું કબ્રસ્તાન વીસ વીઘાં વધારવું પડ્યું.)
  • અમદાવાદ શહેરની હીરા મોતીની બજારમાં એક હાટ ઉપર એક રજપૂત ડોસો બેઠો છે. ઘોડાની વાઘ પોતાના હાથમાં જ છે. ઢાલ, તરવાર ને ભાલો પોતપોતાના ઠેકાણાસર જ છે.
  • પારખી પારખીને ડોસાએ મોતી સાટવ્યાં.
  • મોતીનો ડાબલો શેઠે એના હાથમાં દીધો. પલકમાં બુઢ્ઢો રજપૂત છલંગ મારી ઘોડાની પીઠ પર પહોંચ્યો. ઝવેરી બેબાકળો બનીને દોડ્યો અને બોકાસાં દીધાં કે “અરે દરબાર ! મોતીનો આંકડો ચૂકવતા જાવ !”
  • “આંકડો ચૂકવશે મામદશા બાદશા ! કહે જે કે કાકો ગંગદાસ મોતી સાટવી ગયા છે; એના મૂલ જો એ નહિ ચૂકવે તો હું એનો મોલ ફાડીશ.”
  • એટલું કહીને ડોસાએ હરણની ફાળે ફાળ ભરવાનો હોવાયો ઘોડો ઠેકાવ્યો અને વેપારીઓનાં બુમરાણ વચ્ચે કેડી કરતો, ઊભી બજાર ચીરીને બુઢ્ઢો નીકળી ગયો. માર્ગે જેઓ આડા ફર્યા તેમાંના કંઈક પઠાણ પહેરેગીરોનાં માથાં તરવારે રેડવતો રેડવતો ડોસો જાણે ગેડીદડાની રમત રમતો રમતો ગયો.
  • કોપાયેલા પાદશાહના પાણીપંથા ઊંટ અને ઘોડાં બહારવટિયાની પાછળ ચડ્યાં. કેડે કેડા રૂંધાઈ ગયા. કંઈક ગાઉની મજલ કપાઈ ગઈ. પણ પાછળ ફોજના ઘોડાની પડઘી ગાજતી અટકતી નથી અને ગંગાદાસનો ઘોડો ધીરો પડવા લાગ્યો છે.
  • “કાં દાદા ઢીલપ કેમ વરતાય છે ?” જેસો પૂછે છે.
  • “કાંઈ નહિ, બાપ, ઈ તો ગઢપણનું. લ્યો હાંકો !” વળી થોડી વાર હાંક્યા પછી ડોસા ધીરા પડે છે.
  • “ના, ના, દાદા ! ખરું કહો, શું થાય છે ?”
  • “બાપ ! વાંસામાં જીવાત્યની વેદના ખમાતી નથી.”
  • “કાં, લોટ નથી ભર્યો ?”
  • “ભર્યો’તો. પણ ઘણા પહોર વીત્યા. જીવાત્ય ફરી વાર ભૂખી થઈ હશે.”
  • “શું કરશું ?”
  • “કણી અફીણ હશે ? તો ડિલને ટેકો થાય ને પીડા વીસરાય.”
  • ત્રણેયમાંથી કોઈના ખડિયામાં કણી અફીણ નથી નીકળ્યું. ઘોડા પૂરપાટીએ લીધ્યે જાય છે. ઊભું તો રહેવાય તેમ નથી. એમાં જેસાજીને ઓસાણ આવ્યું.
  • કાળી ને જરાક પલળેલી જમીન આવી ત્યારે ભોંમાં ભાલો ખુતાડીને એણે ઊંચો લઈ લીધો. ભાલાને કાળો ગારો ચોંટી ગયો હતો તે ઉખેડી, જેસાજીએ અફીણ જેવી ગોળી વાળી.
  • “લ્યો દાદા, અફીણ ! ઠાકરની દયાથી મારા ભાથામાંથી આટલું જડી આવ્યું.”
  • અફીણ જાણીને ગંગદાસજી આરોગી ગયા. વેદના થોડી વાર વિસારે પડી. ફરી ટટ્ટાર થઈને ઘોડો દોડાવ્યો. પણ વેદના સહેવાતી નથી. પાઠામાં ખદબદતી જીવાત્ય શરીરની કાચી માટીમાં ઊંડી ને ઊંડી ઊતરતી જાય છે.
  • ગંગદાસજીએ ઘોડો ઊભો રાખ્યો, નીચે ઊતરીને પોતે ધરતી ઉપર બેસી ગયા અને દીકરાઓને સાદ દીધોઃ “જેસા-વેજા ! બાપ, બેમાંથી એક જણો ઝટ મારું માથું વાઢી લ્યો, પછી માથું લઈને ભાગી નીકળો.”
  • “અરે, દાદા ! આ શું બોલો છો ?”
  • “હા, બાપ ! હવે મારાથી ડગલુંયે દેવાય તેમ નથી રહ્યું. હવે તો આ દેહ આંહીં જ રાત રહેશે. હમણાં જ દુશ્મનો આંબી જાશે. પણ જો અહરાણ મારું માથું કાપશે તો હું અસદ્‌ગતિ પામીશ. માટે મારી સદ્‌ગતિ સાટુ થઈને તમે માથું વાઢી લ્યો. વાર કરો મા. વાંસે ઘોડાના ડાબા વગડે છે.”
  • જેસોજી થંભી ગયો. ગોત્રગરદનનું મહા પાપ એની નજર આગળ ઊભું થયું. એ બોલ્યો, “ભાઈ વેજા ! મારો હાથ તો ભાંગી ગયો છે. તારી હિંમત હોય તો વાઢી લે.”
  • “વાઢી લે, મારા દીકરા !” ગંગદાસ બોલ્યો. “પાપ નહિ થાય, પુણ્ય થાશે.”
  • ઘડીભર વેજો પરશુરામ જેવો બન્યો. આંખો મીંચીને એણે ઘા કર્યો. દાદાનું રેશમ જેવું સુંવાળું માથું પાવરામાં નાખીને ભાઈઓએ ઘોડાં દોટાવી મૂક્યા. માર્ગે ઝાડવાં ને પંખીડાંયે જાણે કળેળતાં જાય છે કે અરે વેજા ! ગોત્રગરદન ! ગોત્રગરદન ! ગોત્રગરદન !
  • બહારવટિયા ઘણું ઘૂમ્યા. પાદશાહી ફોજ માર્ગે ગંગદાસની લાશ ઉપર રોકાઈ ગઈ લાગી. ઓચિંતું જેસાજીને ઓસાણ આવ્યું.
  • “ભાઈ વેજા ! પાદશાહના માણસો દાદાના ધડને શું કરશો ?”
  • “દેન પાડશે.” “પણ ચેહમાં માથા વગરનું ધડ બળે તો તો ગજબ થાય. બાપુ અસદ્‌ગતિએ જાય.”
  • “તો તો આ ગોત્રગરદન કરી એળે જાય ! શું કરશું ?”
  • “હાલો પાછા ! ચિતામાં માથું હોમ્યે જ છૂટકો છે.”
  • બહારવટિયા પાછા આવ્યા. મરણિયા થઈને ફોજ માથે પડ્યા. દાદાની ચિતા સળગી રહી છે. ભાલાની અણીએ ચડાવેલું માથું ચિતામાં હોમી દઈને અલોપ થયા.
  • ૭. વણારશી શેઠ
  • જેસાના મારેલ જોય, હોદા કેક ખાલી હુવા,
  • રેઢિયું બીબીયું રોય, કેક હુંદી કવટાઉત !
  • (કેટલાયે અમીરોને જેસાએ મારી નાખ્યા. તેથી કેટલીયે હાથીની અંબાડીઓ ખાલી પડી. કેટલાયે મુસલમાનોની બીબીઓ રોતી રહી.)
  • જેસાના જખમેલ, જ્યાં ત્યાં ખબરું જાય,
  • (ત્યાં તો) મામદના હૈયામાંય, કૂદે હરણાં કવટાઉત !
  • (જેસાજીને હાથે અમક માણસો જખ્મી થયા, એવી ચોમેરથી ખબરો આવે છે. એ સાંભળીને મામદશા પાદશાહના હૈયામાં હરણાં કૂદી રહ્યાં હોય એવી વ્યાકુળતા ચાલે છે.)
  • ફર બગતર નર ફાડ્ય, પાખર અસ વીંધી પ્રથી,
  • નડિયું સેંસ લલાટ, કૂંટ તાહળું કવટાઉત !
  • (ઓ કવાટજીના કુંવર ! તારાં ભાલાં કેવાં જોરથી ભોંકાયાં ? યવન યોદ્ધાઓનાં મસ્તક પર ઝીંકાતા એ ભાલાએ માથાના ટોપ વીંધ્યા, બખ્તર વીધ્યાં, પુરુષ વીંધ્યો, ઘોડાનું પલાણ વીધ્યું ને જાણે કે ધરતી વીધંને એ ભાલો શેષનાગના લલાટ પર અટક્યો.)
  • મારી દળ મામદ તણા, ખુટવીઆ ખાગે,
  • જેસા લોબાન જે, કીદો મોંઘો કવટાઉત !
  • (ઓ જેસાજી ! તેં પાદશાહના સૈયમાંથી એટલા બધા મુસલમાનો મારી નાખ્યા છે કે એ બધાંની કબર પર રોજ ધૂપ કરવાના લોબાનની માંગ વધી પડવાથી લોબાન મોંઘો થઈ પડ્યો છે.)
  • “વાણારશી શેઠ ! થોડીક વાર આ ડગલો પહેરી લ્યો. આજ તમે અમારા મેમાન છો. તમને ટાઢ્યું નો વાય, માટે આ ડગલો પેરી લ્યો.”
  • જંગલમાં બાન પકડાયેલા, જૂનાગઢવાળા વણારશી શેઠે કડકડતી ટાઢમાં બહારવટિયાનો ડગલો પહેર્યો; થોડી વાર થઈ ત્યાં શેઠનું સુંવાળું શરીર સળવળવા લાગ્યં. ગુલાબી ચામડી ઉપર ચાઠાં ઊઠ્યાં. શેઠ ડગલો કાઢવા લાગ્યા. પણ તુર્ત જ બહારવટિયાએ એને અટકાવ્યાઃ “ના શેઠ, ડગલો એમ ન કઢાય. એ તો હવે જ્યારે તમારી ચિઠ્ઠી જૂનેગઢ શેઠાણી પાસે સીકરાઈને આવશે ને, ત્યારે ડગલો તમારા ડિલ માથેથી ઊતરશે.”
  • “ભાઈ સાહેબ ! પણ આમાં મારું શરીર વીંધાઈ જાય છે. રૂંવે રૂંવે આગ હાલ છે.”
  • “શેઠ, અમે ડગલામં કાંઈ એરુ-વીંછી થોડા ભર્યા હશે !”
  • “પણ બાપુ ! એ જેસાજી બાપુ ! મને વેદના બહુ થાય છે.”
  • “અરે વાણિયા ! એમાં બીજું કાંઈ નથી, અમારા ટોલા છે, અમારા ચાંચડ-માંકડ છે, ભાઈ ! અમે તો રોજ આ ડગલા પેરીએં છીએ. પણ ટોલા બાપડા હવે તો અમારા ડિલમાં લોહી વિના શું પીવે ? આજ ટોલાને ઠીક તમારું મીઠું લોહી મળ્યું ! શેઠિયા માણસનું ગળ્યું લોહી બાપડા આ બહારવટિયાના ટોલાને ક્યાંથી મળે ?”
  • “એ બાપા ! આ તો ગઝબ ! નથી રે’વાતું.”
  • “ફકર રાખો મા. શેઠ ! શેર-અધશેર લોહીમાં કાંઈ મરી નહિ જાવ. તમને અમારે બરછીએ નથી વીંધવા. તમને વાણિયાને અમે વાઢીએ-કાપીએ નહિ. નાહક લોહી ભાળીને તમને ઉનત્ય આવે. ઈ કરતાં આ ટોલા ભલા. તમનેય પુણ્ય થાય ને મારેય એક દી પાશેર લોહીનો બચાવ થાય.”
  • “પણ મારાથી આ નથી સહેવાયું. મને મોકળો રહેવા દ્યો. તમે રાખશો એટલા દી આંહીં રહીશ.”
  • “ભાઈ વેજા !” જેસો બોલ્યો, “શેઠને હવે સંતાપ મા. ઉતારી લે ડગલો.”
  • ડગલો ઉતારતાં જ વાણિયાએ ‘હાશ’ ઉચ્ચાર્યું. શરીર પર જિવાત્યના ચટકાનું ચિતરામણ થઈ ગયું છે.
  • “વણારશી શેઠ,” બહારવટિયો બોલ્યો, “આ ડગલો અમે રોજ પહેરીએ છીએ. અમારા દુઃખનો કાંઈ ખ્યાલ આવે છે ?”
  • “શા સારુ ટોલા સાચવો છો, બાપુ !”
  • “તમારા ઓલા ધોળાં પીળાં લૂગડાંવાળા સાધુ શા સારુ ટોલા સાચવે છે, જાણતા નથી ?”
  • “એનાથી તો જીવ ન મરાય. એ તો સાધુ કહેવાય. જીવદયા પાળવાનાં એનાં વ્રત લેખાય.”
  • “ત્યારે, શેઠ, અમારેય બહારવટાનાં વ્રત હોય છે. અમે બહારવટિયા પણ અરધા જતિ. અમારાથી અંગ માથેથી જીવાત્ય ન મરાય. નીચી પડી જાયને, તોય ઉપાડીને પાછી લૂગડામાં મેલવી જોવે. નવાય નહિ, ધોવાય નહિ, આજ અઢાર-વીસ વરસથી અમારા આવા હાલ છે.”
  • ડાહ્યો વણિક વિચારે ચડી ગયો. થોડી વાર રહીને મોં મલકાવી બોલ્યો, “બાપુ, જૂ-લીખને જાળવો છો ત્યારે વેપારી-વાણિયાને બાન પકડી નાણાં કાં છોડાવો ? આટલી બધી હત્યા કાં કરો ! ખેડુનાં ખેતર કાં ઉજ્જડ કરો ? એમાં દયા કેમ નહિ ?”
  • “ના, તમ પર દયા ન હોય. શેની હોય ? તમારાં તો માથાં વાઢીને ગીરને ગાળે ગાળે એનાં તોરણ બાંધવાં જોવે.”
  • “કાં બાપુ !” શેઠની રોમરોમ થથરી ઊઠી.
  • “કાં પૂછો છો ? લાજતા નથી ? જે પાદશાહ અમારે માથે માછલાં ધોવે, એને તમે સલામું કરો ? એને કરવેરો ભરો ? એ અધરમીને ખેડૂતો કામી કામીને ખોરાકી પૂરે ! એનું રાજ તમે આંહીં નભાવો ! એક તો પરદેશી ને વળી અધરમી ! તમે એના કૂતરા બનીને પગ ચાટો, અમારા માથે જુલમ ગુજારવાની બધી જોગવાઈ કરી આપો, તોય અમારે તમને જાવા દેવા એમ ને ?”
  • બહારવટિયાને બોલે બોલે જાણે ગીરના ડુંગર સાદ પુરાવી રહ્યા છે. પંખીડાં ઝાડવાં ઉપર બેઠાં બેઠાં અંગ સંકોડીને લપાઈ ગયાં. બહારવટિયો ફરી બોલ્યોઃ
  • “તમથી તો આ ટોલા ને ચાંચડ-માંકડ ભલા ! પાદશાહને પૈસાય નથી દેતા ને સલામુંય નથી ભરતા. અમારાં ડિલ ઉપર એને ઈશ્વરે અવતાર દીધો, એટલે બાપડાં ક્યાં જાય ? પાશેર લોહી પીને પડ્યાં રહે છે. એને અમે કેમ મારીએ ? મારીએ તો તમને જ.”
  • વાતો થાય છે ત્યાં ઓચિંતો રથ ગાજ્યો. રાતોચોળ માફો દેખાણો. ભાલો ઉપાડીને ઠેક દેતો પંચકેશવાળો સાવજ વેજોજી ડુંગરાની ટોચે ગયો.
  • “મોટાભાઈ !” વેજાએ કહ્યું, “એક બાઈ માણસ ઊતર્યું દેખાય છે. હારે પાંચ આદમી દેખાય છે.”
  • “હથિયારબંધ ?”
  • “ના, માથા ઉપર અક્કેક કોથળી મેલી છે. મજૂર જેવા હાલ્યાઆવે છે.”
  • “વેજા ! બાપ સામો જા. જે કો બોન હોય એને આંહીં સાચવીને તેડી લાવ. વગડામાં જનાવરનો ભો છે.”
  • થોડી વારે વેજોજી એક બાને અને પાંચય કોથળીવાળા મજૂરોને તેડી ભોંયરે આવ્યો. બાને જોતાં જ વણારશી શેઠની મુદમુદ્રા, દિવેલ પૂરતાં જેમ ઠાકોરની આરતી ઝળેળી ઊઠે તેમ, ચમકી ઊઠી. આવનાર સ્ત્રીએ નીચું નિહાળીને સાડલાનો છેડો સરખો કર્યો.
  • બહારવટિયા સમજી ગયા. પાંચેય થેલી બહારવટિયાની સન્મુખ મુકાવીને એ સ્ત્રી આગળ વધી. ગરવી, ગોરી, પેટે અવતાર લેવાનું મન થાય તેવી એ બાએ જાજરમાન અવાજે પૂછ્યું, “ભાઈ, તમે જ જેસાજી-વેજાજી ?”
  • “હા બાઈ ! અમે પોતે જ.”
  • “લ્યો, તમારાં દુખણાં લઉં.” આગળ વધીને બેય બહારવટિયાનાં નીચાં નમેલ માથાંને વાણિયણે વારણાં લીધાં.
  • “તમે કોણ છો, બા ?” બહારવટિયાએ પૂછયું.
  • “હું તમારી બોન છું, વીરા. ને તમે આ તમારા કેદીને જે દંડ કર્યો છે, એ દંડની કોરીઓ લઈને ચૂકવવા આવી છું.”
  • બહારવટિયા અજાયબ બન્યા. “આ શેઠ તમારે શું થાય, બોન ?”
  • “મારા માથાના મુગટ. તમે એને જીવતા રાખ્યા એથી હું તમારાં ઘરવાળાને આશિષ દઉં છું કે ઈશ્વર એના ચૂડા અખંડ રાખે.”
  • “અખંડ ચૂડા !” બહારવટિયા હસી પડ્યા, “બાર વરસથી તો બોન, રજપૂતાણીયુંના ચૂડા વગર ખંડેય ખંડેલા જ છે. હવે આ અખંડ ચૂડાના કોડ રજપૂતાણીયુંને નહિ રહ્યા હોય.”
  • સાંભળીને સહુ અબોલ બની ગયા.
  • જેસોજી બોલ્યો, “બોન ! હવે તમે આ ડુંગરામાંથી પધારો. વણારશી
  • શેઠ ! હવે તમે છૂટા છો. આ થેલિયું પણ પાછી લઈ જાઓ.”
  • “કેમ બાપુ ?”
  • “અમારી બોનને કાપડાંમાં પાછી આપીએ છીએ.”
  • બાઈ બોલી, “ના બાપુ ! તમે રાખો. તમારે જોવે.”
  • “અમારે નહિ જોવે, બોન ! અમારે રૂપાના ખૂમચામાં નથી જમવું પડતું. અમારે પાદશાહને પકવાન પીરસીને ક્યાં જમાડવો છે ? તમે પાછું લઈ જાવ. અમારે તો તારી એક કોરી અગરાજ છે, બોન !”
  • વણારશીએ બહારવટિયાના પગની રજ લીધી. હાથ જોડીને કહ્યું, “બાપુ ! છું તો વાણિયો. સ્વાર્થમાં બૂડંબૂડાં છું. પણ તમારા બહારવટાનો અંત આણવા માટે મારાથી બનશે એટલું કરીશ.”
  • “ભાઈ ! વીરા !” શેઠાણી બોલી, “જૂનેગઢ આવો ત્યારે બોનની સાર લેજો, હો ! અને સાત પાદશાની પાદશાહી વચ્ચે પણ મારું ખોરડું માના પેટ સામું માનજો. તમે મને નવો અવતાર દીધો છે. કયે ભવ ઈ કરજ ઉતારીશ ?”
  • “રંગ છે તુંને, બોન !”
  • ૮. ભૂતના મહેમાન
  • બેય બહારવટિયા ઘોડેસવાર બનીને ગીરમાં ચાલ્યા જાય છે. દિવસ આથમી ગયો છે ને અંધારાં ઘેરાય છે. એ વિકરાળ ઝાડીમાં કોઈ માનવી કે કાળો કાગળો દેખાતાં નથી. જુવાનો ભૂખથી અને મુસાફરીથી થાકી લોથપોથ થઈ ગયા છે.
  • ઘાટા જંગલમાં રસ્તાની એક બાજુએથી માંદણામાં (કાદવના ખાડામાં) બેઠેલી એક ભેંસ ઊભી થઈ, અને ચાલવા લાગી.
  • જુવાનો જોઈ રહ્યા કે “આંહીં ભેંસ ક્યાંથી ?”
  • વેજો બોલ્યો કે “ભાઈ, આજ તો આ ભેંસને દૂધે જ વાળુ કરવું છે.”
  • “બહુ સારું.”
  • અંધારે અંધારે ભેંસનું પૂછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા. થોડીક વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાણો ને ભેંસ એ ગઢની ડેલીમાં પાધરી ચાલી ગઈ.
  • અસવારોએ પણ ડેલીમાં જઈ ઘોડાંનાં પેગડાં છાંડ્યાં. ઊતરીને ચોપાટમાં બેઠા. ગઢ મોટો, પણ પ્રમાણમાં કાંઈ બોલચાલ સંભળાતી નથી. કોઈ દરવાન પણ હાજર નથી.
  • ઘડીક થયું ત્યાં તો એક સફેદ વસ્ત્રોવાળો ખૂબસૂરત જુવાન આવીને ઊભો રહ્યો. મૂંગો મૂંગો મહેમાનોને આદર આપીને ઘોડારમાં બેય ઘોડાં બાંધી આવ્યો.
  • વાળુની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવીને પરોણાને જમવા બેસાર્યા. રૂપ જેનાં સમાતાં નથી એવી એક સ્ત્રીએ આવીને શાક, રોટલા ને દૂધ પીરસ્યાં. રાતે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા, ઢળાણા. કોઈની સાથે કાંઈ વાતચીત કર્યા વિના સહુ સૂવા ગયા.
  • મુસાફરો તે અજાયબીમાં પડ્યા છેઃ આંહીં અંતરિયાળ આ દરબારગઢ કોણે બંધાવ્યો ? આવડા મોટા ગઢમાં આ બે સ્ત્રી-પુરુષ શી રીતે રહેતાં હશે? બોલતાં ચાલતાં કેમ નથી ? આવાં રૂપાળાં બે મોઢાં ઉપર દુઃખની પીળાશ શા માટે ?
  • ત્યાં તો અંદરના ઓરડામં સૂતેલો એ પુરુષ કણકણતો હોય એવું સંભળાણું. કોઈ ભારી કારમી વેદના થાતી હોય એવી રીતે કણકી રહ્યો છે. આખી રાત કણક્યા કરે છે. જંપ લેતો જ નથી.
  • મુસાફરો ચોંકીને સાંભળતા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી નહિ. વિચારમાં પડી ગયા. ભળકડા ટાણે ઓરડામાં કણકારા બંધ પડ્યા તે વખતે મુસાફરોની આંખો મળી ગઈ.
  • સવારે તડકા સારી પેઠે ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઊઘડી. અને નજર કરે તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા ! બેય જણા ધરતી ઉપર પડેલા, ને બેય ઘોડાં બોરડીનં જાળાં સાથે બાંધેલાં; માથે વડલો છે, ને પડખે ઊંચી ભેખડો વચ્ચે ધોળે દિવસે બિવરાવે તેવા અવાજ કરતી ધાંતરવડી નદી ચાલી જાય છે.
  • તાજુબ થઈને બેય બહારવટિયા ચાલી તો નીકળ્યા છે. એનાં કલેજાં પણ થડક થડક થાય છે. પણ સાંજ પડી ત્યાં બેમાંથી વેજો બોલ્યોઃ “ભાઈ! એ ગમે તે હોય, પણ આપણે એનો રોટલો ખાધો; ને હવે શું એનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું ?”
  • “સાચું ! ન જવાય, આજ પાછા પહોંચીને પત્તો મેળવીએ.”
  • રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ બન્ને ભાઈ ઊભા રહ્યાઃ એ જ દરબારગઢઃ એ જ ચોપાટઃ એ જ જુવાનઃ એ જ રાંધીને પીરસનાર રંભાઃ એની એ જ પથારી !
  • વાળુ કરીને ઊભા થયા એટલે બેય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઊભા રહ્યા. અને પૂછ્યું, “બોલો ? કોણ છો તમે ! ને આખી રાત કણક્યા છો કેમ ?”
  • “તમને એ જાણી શો ફાયદો છે !”
  • “અમે રજપૂતો છીએ. જેનો રોટલો જમ્યા એનું દુઃખ ટાળવાનો ધરમ છે.”
  • “જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યોઃ “જુવાનો ! ડરશો નહિ ને ?”
  • “ડર્યા હોત તો પાછા શીદ આવત ?”
  • છાતી ચીરી નાખે તેવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો કે “જુવાનો ! હું માંગડો વાળો!”
  • “માંગડો વાળો !!!” મુસાફરોના મોંમાંથી ચીસ નીકળી ગઈ.
  • “હા, હું ધાંતરવડીનો ધણી માંગડો : કમોતે મૂવો. ભૂત સરજ્યો છું. વણિક-પુત્રી પદ્માને લઈને આંહીં એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઈને ભાંગી ગઈ. હજી એ હાડકું ને એ બરછીની કરચ આ વડલાની વાડ્યમાં દટાઈને પડ્યાં છે. એ બરછીની કરચ મારી છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી હું કણકું છું, ભાઈ !”
  • “એનો ઈલાજ શો ?”
  • “તમારાથી બને તો તમે હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતાં કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એ ખટકા ખમ્યા જ કરીશ.”
  • એટલું બોલીને ‘ઓહ ! ઓહ !’ કરતો જુવાન ઓરડામાં ગયો, બારણાં બંધ થયાં. મુસાફરો સૂતા. સવારે એ-ની એ દશા દેખી.
  • વાડ્યના થડમાં ખોદણકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું, બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં ઉઠાવ્યાં, બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.૧
  • ૧ માંગડા વાળાની કથા ‘ભૂત રૂવે ભેંકાર’ઃ ‘સૌરાષ્ટ્રની રસધાર.’
  • ૯. બાદશાહની ચોકી
  • ભાદરવા મહિનાની મેઘલી રાતે અમદાાદના મહેલને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે, નદીમાં પૂર ઘૂઘવે છે, આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. ધીરે રહીને હુરમ બોલીઃ “ઓહોહોહો, કેવી કાળી ઘોર રાત છે !”
  • પાદશાહે કહ્યું, “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”
  • “બીજું તે કોણ ભમતું હોય ? બિચારા મારા ભાઈઓ જેને માથે તમ સરખા સૂબાનું વેર તોળાઈ રહ્યું છે !”
  • “જેસોજી-વેજોજી ને ?”
  • “હા ખાવંદ ! તમારા તો બા’રવટિયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ.”
  • “બેગમ, અટાણે મને એનું શૂરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડો વીંધતા હશે ? બખોલોમાં સૂતા હશે ?”
  • “બીજું શું કરે, ખાવંદ ! તમે એને સૂવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે ?”
  • “હુરમ, અટાણે એ બેય ભાઈ હાજર થાય તો માફી આપું ! ગામડાં
  • પાછાં સોંપીને બહારવટું પાર પાડું, એવું મન થઈ જાય છે.”
  • “અરેરે ! અટાણે એ આંહીં ક્યાંથી હોય ?”
  • “સાદ તો કરો !”
  • “અરે ખાવંદ, મશ્કરી ?”
  • “ના, ના. મારા સમ, સાદ તો કરો !”
  • ઝરૂખાની બારીએ જઈને રાણીએ અંધારામાં સાદ દીધોઃ “જેસાજી ભાઈ, વેજાજી ભાઈ !”
  • નીચેથી જવાબ આવ્યો, “બોલો બોન ! હાજર છીએ.” “ઓહોહો ! ભાઈ, અટાણે તમે અહીં ક્યાંથી ?” “પાદશાહની રખેવાળી કરવા, બોન !” “પાદશાહની - તમારા શત્રુની - રખેવાળી ?” “હા, બોન ?” “કેમ ?” “અમારે માથે આળ ચડે તે બીકે.” “શેનું આળ !” “તે દી બોનને પાદશા કાપડામાં દીધેલો છે. બીજો કોઈ દુશ્મન
  • આવીને માથું વાઢે, તો અમારાં નામ લેવાય ! અમે રહ્યા બહારવટિયા ! અમારી મથરાવટી જ મેલી, બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે. અમારું ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”
  • “વીરાઓ ! રોજ ચોકી કરો છો ?”
  • “ના, બોન ! આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”
  • પાદશાહ બોલ્યા, “જેસાજી-વેજાજી ! સવારે કચેરીએ આવજો. આપણે કસુંબા પીવા છે.”
  • “પાદશાહ સલામત ! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજોઃ કાલે, બોરિય્ને ગાળે.”
  • એટલું કહીને બહારવટિયા ચાલી નીકળ્યા.૧
  • ૧ કોઈ કહે છે કે જવાબ આપનાર બહારવટિયા નહોતા. પણ માંગડા વાળાનું પ્રેત હતું. (જુઓ ‘ભૂત રૂવે ભેંકાર’ઃ સૌરાષ્ટ્રની રસધાર.’)
  • ૧૦. હામીની પસંદગી
  • ચાવ્યો ચવાણો નહિ, ભાંગ્યો નો ભંગાય,
  • મામદના મુખમાંય, થીઓ કાંકરો કવટાઉત !
  • (અન્નના કોળિયામાં જેમ કાંકરો આવી ગયો હોય, એ જેમ ચવાય કે ભંગાય નહિ, અને બહાર કાઢવો પડે તેમ કવાટજીનો પુત્ર જેસોજી પણ મામદશા પાદશાહના મુખમાં કાંકરા જેવો થઈ પડ્યો. એના ગરાસનો કોળિયો પાદશાહના મોંમાંથી પાછો નીકળ્યા વિના ઈલાજ નથી.)
  • આવતી કાલે સવારે પાદશાહની કચારીમાં બહારવટિયાનું બહારવટું પાર પાડવાનો અવસર છે.
  • આજ પહેલા પો’રની રાતે બેય ભાઈઓ વેશપલટો કરીને પગપાળા નગરની વાતો સાંભળતા નીકળ્યા છે. ગઢની અંદરની રાંગે રાંગે ચાલ્યા જાય છે. માણસોનો પગરવ ત્યાં થોડો જ છે. એમાં એકાએક વેજોજી બોલી ઊઠ્યોઃ “જોયું, મોટા ભાઈ ! શે’રના માણસને શરમ ન મળે !”
  • “હોય, ભાઈ ! બાઈયું તો બિચારી અટાણે જ કળશીએ જવા નીકળી શકે. અને અબળાની જાત ! આ રોગું અહરાણ ગાજે એમાં કેટલે આઘે જાય!”
  • “પણ પુરુષ ભાળીને ઊભીયુંયે ન થાય ?”
  • “ચૂપ ચૂપ ! સાંભળ ! આપણી વાતો થાય છે.”
  • બન્ને જણાએ અંધારે ખૂણે પીઠ દઈ ઊભા રહીને કાન માંડ્યાં. હંસલા મોતી વીણે એમ વેણે વેણ વીણી લીધું.
  • ગઢની રાંગે દિશાએ બેઠેલી વાણિયાણીઓ અરસપરસ આવી વાતો કરતી હતીઃ
  • “હાશ, દાદાને પરતાપે કાલ્ય બા’રવટિયાનું પાર પડી જાશે !”
  • “હા, બાઈ ! ડાકોરને દેવે પાદશાહને સારી મત્ય સુઝાડી. બાર વરસથી રોજ સાંજે દી છતાં દુકાનો વાસવી પડતી !”
  • “પણ પીટ્યો પાદશાહ દગો કરીને પકડી તો નહિ લે ને ?”
  • “ના રે ! આપણું મા’જન બહારવટિયાનું જામીન થયું છે ને !”
  • “અરે, બાઈ ! મા’જનેય શું કરે ! ધણીનો કોઈ ધણી છે ! મા’જન પાસે ક્યાં ફોજ છે ? પાદશાહ તો પકડીને પૂરી દ્યૈ બહારવટિયાને.”
  • “પૂર્યાં પૂર્યાં ! અમારા લાલચંદ શા ને પદમશી ઝવેરી જોયા છે ? દગો થયા ભેળી તો આખા અમદાવાદમાં હડતાળ પડાવે, હડતાળ. ત્રણ દી સુધી હીરા, મોતી ને રેશમનાં હાટ જ ઊઘડે નહિ.”
  • “હા, હો ! ઈ ખરું. મા’જન હડતાળ પડાવે તો તો ત્રણ દી સુધી રાજને બકાલું, તેલ કે લોટ ક્યાંય લાખ રૂપિયા દેતાંય મળે નહિ. બેગમુંને ફૂલના હારગજરાય ન મળે ને !”
  • “તો તો પાદશાહ બાપુ આવીને મા’જન આગળ હાથ જ જોડે હો, બો’ન ! હડતાળ કાંઈ જેવી તેવી વાત છે ?”
  • વાતો સાંભળીને બહારવટિયા શ્વાસ લઈ ગયા.
  • “મોટા ભાઈ !” વેજો બોલ્યો, “આ મહાજન આપણા જામીન ! પાદશાહ દગો કરશે તો આપણા હામી હડતાળ પાડશે! હાટડાં વાસીને પાછલે બારણેથી વેપાર કરશે ! વાહ હામી ! પણ એમાં નવાઈ નથી. જેની બેન-દીકરીયું આમ બેમરજાદ બનીને પોટલીએ બેસે, એના બાપબેટાથી બીજું શું બની શકે ? હડતાળું પાડશે ! હાલો, ભાઈ પાછા ! હેમખેમ બહાર નીકળી જાયેં. આંહીં જો ડોકાં ઊડશે તો મા’જન હડતાળ પાડશે !”
  • “ભાઈ ! બાપા ! સથર્યો રહે. આકળો થા મા. તેલ જો, તેલની ધાર જો ! જોવા આવ્યા છીએ તો પૂરું જોઈને પાછા વળીએ.”
  • અંધારાની ઓથે ઓથે બહારવટિયા આગળ ચાલ્યા. ઘૂમતાં ઘૂમતાં, એક બીજો લત્તો આવ્યો. મકાનોનાં બારીબારણાં આડા ચક લટકતા દીઠા. નજીવા નગરમાં પ્રેત ફરતાં હોય તેવી સફેદ બુરખામાં ઢંકાયેલી, પગમાં ચટપટ બોલતા સપાટવાળી કોઈ અબોલ ઓરત ક્યાંઈક વરતાતી હતી.
  • “ભાઈ, પઠાણવાડો લાગે છે.”
  • ત્યાં તો આઘેરેક ગઢની રાંગને અંધારે ઝીણો કલબલાટ ઊઠ્યોઃ “કોઈ
  • મરદ આતા હૈ.”
  • “હાય હાય ! અપના મું દેખેગા !”
  • “અબ કહાં જાય !”
  • “યે કાંટાંમેં.”
  • “યે કૂવેમેં.”
  • બહારવટિયા નજીક પહોંચ્યા-ન પહોંચ્યા ત્યાં તો કૂવામાં ધબકારા
  • સંભળાયા, અને પાંચ દસ બાઈઓને ઊંધે મોંએ કાંટાના જાળામાં પડતી દીઠી.
  • સડેડાટ પગ ઉપાડતા બે ભાઈ દૂર નીકળી ગયા.
  • જેસો બોલ્યો, “ભાઈ વેજા ! આ બીબડીયું ભાળી ? એનાં મલાજો
  • ને કુળલાજ જોયાં ?”
  • “હા ભાઈ, આના પેટમાં પાકેલાઓ જો હામી થાય, તો હડતાળું ન પાડે પણ માથાં આપે. અસલ પઠાણોનું લોહી તે આનું નામ. મલીદા સાટુ વટલેલાઓની વાત હું નથી કરતો.’
  • “ત્યારે પાદશાહની ફોજમાં પણ અસલ લોહીના પઠાણો રહે છે ખરા. બધાય બાંડાઓ નથી લાગતા.”
  • ૧૧. મા’જન મળ્યું
  • “શેઠિયાવ ! તમારી અમારે માથે મોટી મહેરબાની થઈ. પણ પાદશાહને જઈને કે’જો કે મા’જનના હામીપણા માથે અમે નહિ આવીએ.”
  • “કાં, બાપુ !” ભાતભાતની પાઘડીઓવાળા શેઠિયાઓ હાથ જોડીને પૂછવા લાગ્યા.
  • “પાદશાહ દગો કરે તો તમે શું કરો ?”
  • “અમે શું ન કરીએ ? અમે હડતાળું પાડીએઃ હાટડે ખંભાતી તાળાં દેવરાવીએઃ ઘાંસીની ઘાણી ને કુંભારના ચાકડા બંધ કરાવીએ. અમે મા’જન શું ન કરી શકીએ ? શાકપીઠમાં બકાલાં સડ સડીને ગામને ગંધાવી નાખેઃ જાણો છો, ઠાકોર ? ભલેને અમને વેપારમાં હજારુંની ખોટ જાય, તોય શું, તમારા માથા પર ઓળઘોળ કરી નાખીએ, દરબાર !”
  • “હા શેઠિયાવ, તમે તો સમરથ છો, પણ હડતાળ પાડ્યે કાંઈ અમારાં ડોકામાંથી નવા કોંટા થોડા ફૂટે છે ! લીલાં માથાં ફરી વાર નથી ઊગતાં, ભાઈ !”
  • “ઈ તો સાચું, બાપા ! અમે તો બીજું શું કરીએ ? અમારી પાસે કાંઈ લાવલશ્કર થોડું છે ?”
  • “શેઠ ! મારી ન શકો, પણ મરી તો જાણો ને ?”
  • “ત્રાગાં કરવાનું કો’ છો ? અરરર ! અમે ત્રાગાળુ વરણ નહિ. ઇ તો ભાટચારણનું કામ !”
  • “સારું શેઠ ! જાવ ! પાદશાહને કે’જો કે અમારા હામી મા’જન નહિ.”
  • “ત્યારે ?”
  • “કાં રાણીજાયા, ને કાં બીબીજાયા !”
  • “બીબીજાયા ! મલેછ તમારા હામી ? મા’જન નહિ, ને મલેછ ?
  • જેને મોવાળે મોવાળે હિંસા ! અરરર !”
  • કલબલાટ મચી ગયો. મહાજનના શેઠિયા સામસામા લાંબા હાથ કરી જાણે પરસ્પર વઢી પડશે એવે ઉગ્ર અવાજે બોલવા લાગ્યા. ‘અરરર ! અરરર!’ એમ અરેરાટીનો તો પાર જ ન રહ્યો.
  • મહાજન વીંખાયં. માર્ગે મિચકારા મારીને વાતો કરતા ગયાઃ “હંબ! થાવા દ્યો, પઠાણને હામી બનાવીએ. સામસામા મર કપાઈ મરે. કાં એનું બા’રવટું પતે છે, ને કાં એને પઠાણો કાપે છે. બેય રીતે કાસળ જાશે.”
  • “હંબ ! ઠીક થયું. નીકર, ભાઈ, આ તો પાદશાહના મામલા ! સપાઈ ધોકે મારીને હાટડાં ઉઘરાવે. અને આપણે સુંવાળું વર. ધોકા ખાઈ ઈ બીજા ! આપણે કાંઈ કાંટિયા વરણ જેવા પલીત થોડા છીએ, તે ધોકા ખમી શકાય ?”
  • “હંબ ! બલા ટળી !”
  • “હંબ ! બળતં ઘર કરો કૃષ્ણાર્પણ !”
  • ૧ર. પઠાણ હામી
  • પાંચસો ઘોડાનો ઉપરી પઠાણઃ લાલ ચટક મોઢુંઃ મુખમુદ્રામાંથી ખાનદાની ટપકતી આવે છેઃ હાવભાવ કે હાથજોડ જાણતો નથી. માથા પર સોનેરી પટાની કાળી લુંગી બાંધી છે. પાંચ જ અસવારે ઝાડીમાં ઊતર્યો. બહારવટિયાની પાસે જઈને જરાય નમ્યા વિના, વધુઘટુ બોલ્યા વિના, જાણ કરી કે “હમ તુમારા જામીન !”
  • “જમાદાર ! પાદશાહ તમારા પાલણહાર છે. નિમકનો દેનાર છે, અમ સાથે દગો કરશે તો તમે શું કરશો !”
  • “મારેગા ઔર મરેગા.”
  • “બસ, ભાઈ વેજા ! આનું પાણી મરે નહિ, એની આંખ્યું કહી આપે છે. લોહી જો, એનું લોહી ! સતીની આંગળીએથી ઝરતા કંકુડા સરખું.”
  • “ચાલો, જમાદાર !”
  • ઘોડે ચડીને પૂરે હથિયારે, ઘૂઘરમાળ ગજવતા બહારવટિયા પઠાણની ફોજ વચ્ચે વીંટાળીને ચાલ્યા. જૂનાગઢની બજારમાં તે દિવસ બહારવટિયાને નીરખવા માણસ ક્યાં માતું હતું ?
  • બહારવટિયા મહેલના ચોકમાં જ ઊભા રહ્યા. પાદશાહને કહેવરાવ્યું કે “ઝરૂખામાં આવીને તમે વષ્ટિ ચલાવો. અમે ઘોડે બેઠા બેઠા આંહીંથી જ વાટાઘાટ કરશું. કચારીમાં નહિ આવીએ.”
  • રજપૂતોને વીંટીને પાંચસેં ઘોડાવાળો પઠાણ ઊભો રહ્યો. બહારવટિયાને ભોળવીને કચારીમાં ગારદ કરવાની બાજીમાં પાદશાહ ન ફાવ્યો. ઝરૂખે બેસીને રજપૂતોના ઘોડાની હમચી જોતો જોતો, મોં મલકાવતો પાદશાહ જોઈ રહ્યો.
  • બહારવટિયાને ગરાસ પાછો સોંપાણો.
  • બન્ને ભાઈઓના જીવનનો અતિ દારુણ અને કરુણ રીતે વહેલો વહેલો અંત આવી ગયો. શાંતિ મળ્યા પછી બન્ને ભાઈઓ ઉદ્યમે ચડ્યા હતા.
  • જેસાજીને જેસર અને વેજાજીએ વેજળકા બાંધ્યાં. પણ પછી જેસોજી હાથસણી જઈને અને વેજોજી જેસર જઈને જુદા જુદા રહ્યા. સ્ત્રીઓના કંકાસ હશે એમ લાગે છે.
  • દૈવયોગે વેજાજીનો કુંવર સંગજી જેસાજીને ઘેર મૃત્યુ પામ્યો. એની માતાને સંદેહ રહી ગયો કે કુંવર દગાથી મરાયો. એ વાત તો વિસારે પડી. જેસાજીના કુંવર રણમલનાં લગ્ન મંડાણાં, પણ કાકા જેસરથી આવ્યા નહિ. કુંવર પોતે જ કાકાને તેડવા ગયો. ત્યાં રાતે કાકાએ એનું ફુલેકું ચડાવ્યું. મોડી રાતે થાકેલા રણમલ કાકાને ખોળે માથું નાખી સૂઈ ગયો. તે વખતે કાકીને દીકરાનું વેર સાંભળ્યં. કંઈક બહાને વેજાજીને બહાર મોકલી પોતે એ પોઢેલા રણમલની હત્યા કરીઃ
  • રોયું રણમલિયા, માથે કર મેલે કરે,
  • સરઠું સરવૈયા, તું જોખમતે જેસાઉત !
  • (હે જેસાના પુત્ર રણમલ ! તું મરતે બધીયે સોરઠ માથા પર હાથ મૂકીને રડી.)
  • વેજાજીને જાણ થઈ. ઘણા વિલાપ કર્યા. સ્ત્રીને ફિટકાર દઈ પોતે વેજળકાંઠે રહેવા ચાલ્યો ગયો, પણ રણમલના મામા મોસાળું લઈને આવેલા તેઓ પોતાના ભાણેજના ઘાતકનો જાન લેવા ચાલી નીકળ્યા. તેઓને પાછા વાળવા પ્રયત્ન કરતો, ઘણું ઘણું મનાવતો, કરગરતો, ક્ષમાવીર જેસોજી પણ સાથે ચાલ્યો. વેજલકોઠા પાસે પહોંચ્યો ત્યારે જેસાજીએ પોતાનાં ઝનૂની સગાંઓને કહ્યું કે “ઘડીક થોભો, હું છેલ્લી વાર મારા ભાઈને મળી આવું.”
  • એટલો સમય માગીને એ વેજલકોઠે ચાલ્યો. જોયું તો જેસાધાર પાસે વેજોજી ભાલો લઈને એક સૂવરની પાછળ શિકારે નીકળેલ છે. સૂવર ઝપાટામાં આવતો નથી.
  • “હાંઉ, ભાઈ !” જેસો આડો પડીને ઊભો રહ્યો, “તું હવે એને ન માર. એ રણમલનો જીવ હશે, અને રણમલ અટાણે તારે ભાલે ચડી બેઠો છે.”
  • વેજોજી નીચે ઊતર્યો, પોતાના ક્ષમાવંત ભાઈને ભેટી પડ્યો. જેસો બોલ્યો, “ભાઈ વેજા ! લાખ વાતેય તને રણમલના મામાઓ જીવવા નહિ દે અને તું મૂવા પછી જીવીને શું કરવું છે ? માટે પરાયે હાથે કપાવા કરતાં બેય જણા આંહીં જ અરસપરસ મરીને એક જ સાથરે સજાઈ કરીએ. જીવ્યા ત્યાં સુધી ભાઈઓ જ હતા, મોત વખતે પણ માડીજાયા જ રહીએ.”
  • વેજો માથું નમાવીને બોલ્યો, “ભલે ભાઈ, પહેલો મને જ મારી નાખીને તમારો હાથ ઠારો.”
  • “ના વેજા ! એમ નહિ, પ્રથમ તું મને ઘા કર. પછી હું મરતો મરતો પણ તુંને મારીશ.”
  • “ના, તમે મારું માથું ઉડાવો. હું પછી તમને મારીશ.”
  • “ભાઈ વેજા, તારે માથે બે ખતા છેઃ મોટા બાપુની અને રણમલની; એટલે તારું માથું વઢાણા પછી તું મને નહિ મારી શકે. માટે પ્રથમ તારો ઘા.”
  • ભોંય પર પછેડી પાથરી બન્ને ભાઈ બેઠા, કસુંબા લીધા. હેત-પ્રીતથી ભેટ્યા. પછી વેજાએ જેસાની ગરદન પર ઘા કર્યો. ઘા કરીને પોતે માથું ઝુકાવી બેસી ગયો.
  • જેસાએ એક હાથે પોતાનું કપાયેલું મસ્તક ધડ ઉપર ટેકવી રાખ્યું અને બીજે હાથે વેજા ઉપર ઘા કર્યો.
  • બન્ને ભાઈઓ આવી શાંતિથી વેજલકોઠા પાસે કામ આવ્યા.
  • બન્નેના સગલા (પાળિયા) જેસાધાર ઉપર રોપાયા. તે પછી જસાજીનાં બહેન ભાઈની ખાંભી માથે નાળિયેર ચડાવવા આવ્યાં. જુએ તો બેયનાં મોં ઉગમણાં હતાં. કોની કઈ ખાંભી એ બહેનથી ન વરતાયું.
  • હાથ જોડીને બહેન બોલીઃ “હે વીરો ! હું તમને કેમ ઓળખું ! મારાં હેત સાચાં હોય તો હું માગું છું કે જેસોજી ઉગમણો જ રહે અને વેજોજી ગોત્રહત્યારો હોવાથી આથમણે મોઢે થઈ જાય !”
  • બહેનની વાણી સાંભળીને બેમાંથી એક ખાંભી આથમણી ફરી ગઈ હતી એમ કહેવાય છે.
  • ઝવેરચંદ મેઘાણી સાહિત્યજીવન
  • ૧૮૯૬ જન્મઃ ૨૮ ઓગસ્ટ, ચોટીલ (જિ. સુરેન્દ્રનગર.)
  • ૧૯૧૨ અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં.
  • ૧૯૧૭ કૌટુંબિક કારણે ઓચિંતા કલકત્તા જઈ ચડ્યા. શિક્ષકગીરી અને એમ.એ.નો અભ્યાસ રઝળ્યાં. ઍલ્યુમિનિયમના એક કારખાનામાં નોકરી સ્વીકારી. બંગાળી સાહિત્યનાં પરિચય-પરિશીલન આરંભાયાં. પહેલ વહેલું ગીત ‘દવડો ઝાંખો બળે’ રચાયું.
  • ૧૯ર૧ વતનનો ‘દુર્નિવાર સાદ’ સાંભળીને કલકત્તા છોડીને કાઠિયાવાડ પાછા ફર્યા.
  • ૧૯રર રાણપુરથી પ્રગટ થતા શ્રી અમૃતલાલ શેઠના નવા અઠવાડિક ‘સૌરાષ્ટ્ર’માં બે-ત્રણ લેખો મોકલ્યા કે તરત તંત્રી-મંડળમાં સ્થાન પામ્યા; પત્રકાર તરીકેની કામગીરીનો આરંભ. રવીન્દ્રનાથના ‘કથા ઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યુંઢ લોકસાહિત્યની પ્રથમ પ્રસાદીરૂપે ‘ડોશીમાની વાતો’ પુસ્તક બહાર પડ્યું.
  • ૧૯ર૩ ‘સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડ્યો ને લેખક તરીકે જાણીતા થયા. હવે પછ લોકસાહિત્યનું સંશોધન-સંપાદન જીવન-ઉપાસના બની. ૧૯ર૭ સુધીમાં ‘રસધાર’ના પાંચ ભાગ પૂરા થયા.
  • ૧૯ર૮-ર૯ બાલ-કિશોર ને નારી-ભાવને ઝીલતાં, પોતે ‘પ્રિયતર’ ગણેલાં ગીતોના સંગ્રહો ‘વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’ આપ્યા.
  • ૧૯ર૯ લોકસહિત્યના સંશોધન બદલ પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯ર૮) અર્પણ થયો. જ્ઞાનપ્રસારક મંડળીના આશ્રયે મુંબઈમાં લોકસાહિત્ય વિશે છ વ્યાખ્યાન આપ્યાં.
  • ૧૯૩૦ સત્યાગ્રહ-સંગ્રામ નિમિત્તે રચેલાં શૌર્યગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ બહાર પડ્યો, તે સરકોર જપ્ત કર્યો. તેની હસ્તલિખિત કાનૂન-ભંગ આવૃત્તિની સેંકડો નકલો લોકોમાં પહોંચી વળી. રાજદ્રોહના આરોપસર બે વરસના કારાવાસની સાજ થઈ. અદાલતમાં ‘છેલ્લી પ્રાર્થના’ ગીત ગાયું ત્યારે મૅજિસ્ટ્રેટ સહિત સેંકડોની મેદનીની આંખો ભીની થઈ. સાબરમતી જેલમાં પ્રસિદ્ધ ગીત ‘કોઈનો લાડકવાયો’ રચાયું. બદલી પામતા કેદીઓ મારફત બીજી જેલોમાં અને છૂટનારાઓ મારફત બહાર પ્રજામાં એ જોતજોતામાં પ્રસર્યું અને લોકજીભે વસી ગયું. ગાંધી-અરવીન કરારને પરિણામે માર્ચ ૧૯૩૧માં જેલમાંથી છૂટ્યા.
  • ૧૯૩૧ ગોળમેજી પરિષદમાં લંડન જઈ રહેલા ગાંધીજીને સંબોધતું ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું, એ જોઈને ગાંધીજીએ કહ્યુંઃ “મારી સ્થિતિનું આમાં જે વર્ણન થયું છે એ તદ્દન સાચું છે.” હવે પછી ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે ઓળખાયા.
  • ૧૯૩૪ ‘જન્મભૂમિ’ દૈનિક મુંબઈથી શરૂ થયું તેના સંપાદક-મંડળમાં જોડાયા. રવીન્દ્રનાથ સામે મુંબઈમાં મિલન; સૌરાષ્ટ્રના લોકસાહિત્યની પ્રસાદી એમને કંઠેથી કવિવ્રે સાંભળી; શાંતિનિકેતન આવવા આમંત્રણ આપ્યું.
  • ૧૯૩૬ ‘જન્મભૂમિ’ છોડીને સૌરાષ્ટ્રમાં ‘ફૂલછાબ’ અઠવાડિકના તંત્રીપદે આવ્યા. પત્રકારત્વમાં નવી ભાત પાડી.
  • ૧૯૪૧ શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશેનાં એમનાં વ્યાખ્યાનોએ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ-અધ્યાપકોને મુગ્ધ કર્યા.
  • ૧૯૪ર સૂરતમાં સ્વ. કમળાશંકર પ્રાણશંકર વ્યાખ્યાનમાળામાં ‘લોકસાહિત્યઃ પગદંડીનો પંથ’ એ જાણીતું વ્યાખ્યાન આપ્યું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં ચારણો અને ચારણી સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપ્યાં.
  • ૧૯૪૩ મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી
  • વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્ય વિશેનાં પ્રસિદ્ધ વ્યાખ્યાનો આપ્યાં. વ્યાખ્યાનખંડ નાનો પડ્યો, બહાર બગીચામાં શ્રોતાઓની ભીડ થઈ, બેકાબૂ બની.
  • ૧૯૪પ ‘ફૂલછાબ’ના તંત્રીપદેથી મુકત થઈ ર૩ વરસના પત્રકારજીવનમાંથી નિવૃત્તિ લીધી. રવીન્દ્રનાથનાં કાવ્યોની અનુકૃતિઓનો સંગ્રહ ‘રવીન્દ્ર-વીણા’ પ્રગટ થયો. ગુજરાતમાં પરિભ્રમણો આદર્યાં. રવિશંકર મહારાજના જીવન-અનુભવોનું પુસ્તક ‘માણસાઈના દીવા’ લખ્યું.
  • ૧૯૪૬ ગુજરાતી સાહિત્ય પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ‘માણસાઈના દીવ’ને વરસની ઉત્તમ કૃતિ તરીકે ‘મહીડા પારિતોષિક’નું ગૌરવદાન મળ્યું.
  • ૧૯૪૭ ભજન-સાહિત્યના સંશોધકનું પુસ્તક ‘સોરઠ સંતવાણી’ પૂરું કર્યું. ‘કાળચક્ર’ નવલકથા લખાતી હતી. માર્ચની ૯મીએ હૃદયરોગના હુમલાથી દેહ છોડ્યો.
  • મેઘાણી-સાહિત્ય
  • (સમગ્ર મેઘાણી સાહિત્યના જે ગ્રંથમાં આમાંનાં જે પુસ્તકનો સમાવેશ છે તેની સાથે ક્રમાંક (૧) આવા અંકથી દર્શાવ્યો છે.)
  • કવિતા(૧)
  • ૧.એકતારો
  • ૨.કિલ્લોલ
  • ૩.બાપુનાં પારણાં
  • ૪.યુગવંદના
  • ૫.રવીન્દ્ર-વીણા
  • ૬.વેણીનાં ફૂલ
  • જીવનચરિત્ર
  • ૧.અકબરની યાદમાં
  • ૨.એની બેસન્ટ
  • ૩.ઠક્કરબાપા : આછો જીવનપરિચય
  • ૪.દયાનંદ સરસ્વતી
  • ૫.દરિયાપારના બહારવટિયા
  • ૬.નરવીર લાલાજી
  • ૭.પાંચ વરસનાં પંખીડાં
  • ૮.પુરાતન જ્યોત
  • ૯.બે દેશદીપક
  • ૧૦.માણસાઈના દીવા
  • ૧૧.વસંત-રજબ સ્મારક ગ્રંથ (સંપાદન)
  • ૧૨.સોરઠી સંતો
  • નવલકથા
  • ૧.અપરાધી
  • ૨.કાળચક્ર (અધૂરી)
  • ૩.ગુજરાતનો જય (ર ભાગ)
  • ૪.તુલસી-ક્યારો
  • ૫.નિરંજન
  • ૬.પ્રભુ પધાર્યા
  • ૭.બીડેલાં દ્વાર
  • ૮.રા’ગંગાજળિયો
  • ૯.વસુંધરાનાં વહાલાં-દવલાં
  • ૧૦.વેવિશાળ
  • ૧૧.સત્યની શોધમાં
  • ૧૨.સમરાંગણ
  • ૧૩.સોરઠ, તારાં વહેતાં પાણી
  • નવલિકા
  • ૧.કુરબાનીની કથાઓ (૮)
  • ૨.જેલ-ઑફિસની બારી (૮)
  • ૩.પલકારા (૮)
  • ૪.પ્રતિમાઓ (૮)
  • ૫.મેઘાણીની નવલિકાઓ (ર ખંડ) (૯)
  • ૬.વિલોપન અને બીજી વાતો (૯)
  • નાટક (ર)
  • ૧.રાજા-રાણી
  • ૨.રાણો પ્રતાપ
  • ૩.વંઠેલાં અને બીજી નાટિકઓ
  • ૪.શાહજહાં
  • લોકકથા
  • ૧.કંકાવટી (ર મંડળ)
  • ૨.ડોશીમાની વાતો
  • ૩.દાદાજીની વાતો
  • ૪.રંગ છે, બારોટ !
  • ૫.સરોઠી બહારવટિયા (૩ ભાગ) (૪)
  • ૬.સૌરાષ્ટ્રની રસધાર (પ ભાગ) (૩)
  • લોકગીત
  • ૧.ઋતુગીતો
  • ૨.ચૂંદડી : ગૂર્જર લગ્નગીતો (ર ભાગ)
  • ૩.રઢિયાળી રાત (૪ ખંડ) (૭)
  • ૪.સોરઠિયા દુહા
  • ૫.સોરઠી ગીતકથાઓ
  • ૬.સોરઠી સંતવાણી
  • ૭.હાલરડાં
  • લોકસાહિત્ય સંશોધન-વિવેચન
  • ૧.ચારણો અને ચારણી સાહિત્ય (૬)
  • ૨.છેલ્લું પ્રયાણ
  • ૩.પરકમ્મા
  • ૪.લોકસાહિત્યઃ ધરતીનું ધાવણ
  • ૫.લોકસાહિત્ય : પગદંડીનો પંથ (૬)
  • ૬.લોકસાહિત્યનું સમાલોચન (૬)
  • ૭.સોરઠને તીરે તીરે
  • ૮.સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં
  • પ્રકીણ
  • ૧.અજબ દુનિયા
  • ૨.આપણા ઘરની વધુ વાતો
  • ૩.આપણું ઘર
  • ૪.એશિયાનું કલંક
  • ૫.ધ્વજમિલાપ
  • ૬.પરિભ્રમણ (૩ ભાગ)
  • ૭.ભારતનો મહાવીર પાડોશી
  • ૮.મરેલાંનાં રુધિર ને જીવતાનાં આંસુડાંઓ
  • ૯.મિસરનો મુક્તિસંગ્રામ
  • ૧૦.લોક-ગંગા
  • ૧૧.વેરાનમાં
  • ૧૨.સળગતું આયર્લેન્ડ
  • ૧૩.સાંબેલાં
  • ૧૪.સાંબેલાના સૂર
  • મુખ્ય સંકલન-સંપાદન
  • ૧.અંતર-છબિ : ઝવેરચંદ મેઘાણીનું સંકલિત આત્મવૃત્તાંત
  • ૨.સંપાદકઃ હિમાંશી શેલત, વિનોદ મેઘાણીો
  • ૩.લિ. સ્નેહાધીન ઝવેરચંદ (મેઘાણીના પત્રો)
  • ૪.સંપાદક : વિનોદ મેઘાણી, હિમાંશી શેલત
  • સમગ્ર મેઘાણી-સાહિત્ય
  • (ર૦૦ર સુધી બહાર પડેલા ગ્રંથો)
  • •૧. સોના-નાવડી : સમગ્ર કવિતા
  • •મેઘાણીનાં નાટકો
  • •સૌરાષ્ટ્રની રસધાર
  • •સોરઠી બહારવટિયા
  • •લોકસાહિત્ય : ધરતીનું ધાવણ
  • •લોકસાહિત્ય અને ચારણી સાહિત્ય
  • •રઢિયાળી રાત
  • •મેઘાણીની સમગ્ર નવલિકા (ભાગ ૧)
  • •મેઘાણીની સમગ્ર નવલિકા (ભાગ ર)