છેલ્લે એ સમય આવી ગયો જ્યારે ભગવાને મને એ પાત્ર ભજવવાનું સૌભાગ્ય આપ્યું કે હું ખરેખર તે પાત્ર ભજવવા લાયક છું.
તે છે એક પિતા.
ખરેખર આ ઘણું મુશ્કેલ છે એક પતિથી પિતા બનવાની સફર.
આખરે લગ્નના ત્રણ વર્ષ પછી તેમના ઘરમાં પારણું બંધાવવાનું છે. લોકો કેવળ તેમના ઘરમાં ખુશીનું માહોલ જુવે છે, પણ તે બંને અહીં સુધી પહોંચવામાં શું શું સહન કર્યું છે, તે કોઈ નથી જાણતું.
આરવ અને અનસુયા ના લગ્ન અરેન્જ મેરેજથી થયા હતા. શરૂઆતની શરૂઆતમાં બધું જ બહુ સરસ અને સપના જેવું લાગતું હતું. પણ જેમ દરેક પતિ-પત્ની વચ્ચે થાય, તેમ સમય જતાં તેમની વચ્ચે પણ નાની-નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા. એકબીજાના સ્વભાવને સમજવાની આ સફરમાં મનદુઃખ પણ ઘણું થયું.
છતાંય, આ બધા ચઢાવ-ઉતાર વચ્ચે લગ્નના દોઢેક વર્ષ પછી તેમના જીવનમાં એક એવા સમાચાર આવ્યા જેણે આખી બાજી બદલી નાખી—એ ખુશખબરી હતી તેમના સંતાનના આગમનની, જેણે તેમની દુનિયાને એક નવો જ અર્થ આપી દીધો.
ઘરમાં ચારે બાજુ ખુશીનો માહોલ હતો, પણ કુદરતને કઈંક બીજું જ મંજૂર હતું.
ગર્ભાવસ્થાના અઢી મહિના પછી, એકાચક માહીને પેટમાં સખત દુખાવો ઉપડ્યો અને રક્તસ્ત્રાવ (બ્લીડિંગ) શરૂ થઈ ગયો. બંને તરત જ ગભરાઈને હોસ્પિટલ દોડી ગયા. ડોક્ટરે તાત્કાલિક સોનોગ્રાફી કરાવવાનું કહ્યું.
સાંજ પડતાં જ સોનોગ્રાફીનો રિપોર્ટ હાથમાં આવ્યો—બાળકનો વિકાસ અટકી ગયો હતો અને ગર્ભમાં ધબકારા બંધ થઈ ગયા હતા.
રિપોર્ટ જોતાની સાથે જ બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે ખુશી થોડા દિવસો પહેલાં તેમના જીવનમાં આવી હતી, તે ક્ષણમાં જ અંધારામાં ફેરવાઈ ગઈ. માહીના આંસુ રોકાતા નહોતા અને આરવ સ્તબ્ધ થઈને બધું શૂન્યમનસ્ક થઈને જોઈ રહ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને ડોક્ટરે તુરંત ઓપરેશન કરાવવાનું કહ્યું. ભારે હૈયે અને અંદરથી તૂટેલા મન સાથે આરવે ઓપરેશન માટે હા પાડી.
અને હોસ્પિટલના ઓપરેશન થિયેટરના દરવાજા બંધ થયા, ઓપરેશન શરૂ થઈ ગયું…
ઓપરેશન હેમખેમ પૂરતું થઈ ગયું, માહી શારીરિક રીતે તો બચી ગઈ પણ અંદરથી તૂટી ચૂકી હતી. વાસ્તવિક કથા તો હવે શરૂ થાય છે—એક પિતા બનવાના અસલી વિચાર અને એ વણકહ્યા દર્દની.
જ્યારે આરવે હોસ્પિટલના એ સફેદ પલંગ પર માહીને જોઈ, જે ક્યારેક પોતાના ગર્ભમાં ઉછરી રહેલા જીવની કલ્પના કરીને હસતી હતી અને આજે ખાલીપો અનુભવી રહી હતી, ત્યારે એક પતિ તરીકે તેનું હૃદય તો રડી જ રહ્યું હતું, પણ સાથે સાથે ભીતર ક્યાંક એક પિતાનું વણજન્મેલું અસ્તિત્વ પણ તડપી રહ્યું હતું.
લોકો માટે એ માત્ર એક મેડિકલ કેસ હતો, એક અસફળ પ્રેગ્નન્સી હતી. પણ આરવ માટે એ તેના બાળકની વિદાય હતી. જે પિતાએ પોતાના સંતાનને દુનિયામાં લાવવાના સપનાં જોયાં હતાં, જેણે હજુ એ જીવને સ્પર્શ પણ નહોતો કર્યો છતાં તેને અનુભવ્યો હતો, તેના માટે આ ક્ષણ અકથ્ય વેદના સમાન હતી.
એ રાત્રે હોસ્પિટલના રૂમમાં કોઈ બોલતું નહોતું. માહી દીવાલ સામે તાકીને સૂતી હતી અને આરવ ખુરશી પર બેસીને શૂન્યતામાં જોઈ રહ્યો હતો. તેના મનમાં સવાલોનું વાવાઝોડું હતું:
* શું હું ખરેખર પિતા બનવા લાયક હતો?
* જો ભગવાને મને એ સૌભાગ્ય આપ્યું હતું, તો આટલી જલ્દી એ કેમ પાછું ખેંચી લીધું?
* શું મારી કોઈ ભૂલ હતી કે માહીની તબિયતમાં ક્યાંક ચૂક થઈ ગઈ?
સમાજ એમ માને છે કે દુઃખ માત્ર માને જ પડે છે કારણ કે બાળકે નવ મહિના પેટમાં ઉછરવું પડે છે, પણ આરવની ભીતર જે પિતા મરી પરવાર્યા હતા, તેનું દર્દ વજનદાર હતું છતાં મૂક હતું. કારણ કે પુરુષે સમાજની નજરમાં 'મજબૂત' દેખાવાનું હોય છે; તે ખુલ્લેઆમ રડી પણ નથી શકતો.
એ રાત્રે આરવ પહેલીવાર અરીસામાં જોઈને વિચારમાં પડી ગયો—પતિ બનવું સહેલું છે, ઝઘડા કરવા અને મનાવી લેવા એ તો જીવનનો ક્રમ છે, પણ ખરા અર્થમાં 'પિતા' બનવું એટલે શું? શું પિતા બનવા માટે માત્ર જીવનું હોવું જરૂરી છે, કે પછી એ જીવના ગયા પછી પણ એની યાદોને જીવંત રાખવી એ જ સાચો પિતૃત્વ છે?
આરવના મનમાં હવે એક જ સવાલ સતત ઘૂમ્યા કરતો કે, *"શું હું ખરેખર પિતા બનવા લાયક છું? કે પછી હજુ મારામાં કોઈ કમી છે?"*