Kunwaro Jeth - Part 5 in Gujarati Comedy stories by Vir jadeja books and stories PDF | કુંવારો જેઠ - ભાગ 5

Featured Books
Categories
Share

કુંવારો જેઠ - ભાગ 5

ગાડીનો ઠાઠ જોઈને નાથુજી પણ ઓસરીમાંથી હેઠા ઉતરી આવ્યા. ભગા અને દિલાએ તો ખેતરે જવાનું માંડી વાળ્યું અને ગાડીના ચળકાટ સામે આંખો ફાડીને ઊભા રહી ગયા. ગીતા અને કવિતા પણ લાજ કાઢીને બારીની તિરાડમાંથી જોવા લાગી કે આ મોટો માણસ કોના ઘરે આવ્યો છે?

"રામ રામ, નાથુજી! ઓળખ્યો કે ભૂલી ગયા?" પેલા ભવ્ય માણસે આવીને નાથુજીને હાથ જોડ્યા.નાથુજીએ થોડું મગજ દોડાવ્યું,

"અરે... તમે ઓલા મોતીપુરા વાળા ગિજુભાઈ ને?

રામ રામ બાપા, રામ રામ!

પણ આજે આમ અચાનક અમારા ગરીબના ડેલામાં?"

"નાથુજી, વાત જ કંઈક એવી છે. હું તમારા મોટા દીકરા જગાના લીધે અહીં આવ્યો છું,

" ગિજુભાઈએ જગાભાઈ સામે સ્મિત આપતા કીધું. જગાભાઈએ તરત જ પોતાની મૂછને વળ દીધો અને ખાટલા પરથી વટમાં ઊભા થયા, જાણે પોતે ભારત ના  વડાપ્રધાન હોય!નાથુજી અવાચક થઈ ગયા,

"જગાના લીધે?

આ આખો દિવસ ચોરે નવરો બેસતો જગો વળી ક્યાં કામમાં આવ્યો?

"ગિજુભાઈ હસ્યા, "અરે નાથુજી, તમે તમારા દીકરાની કદર નથી કરી! ગયા અઠવાડિયે તાલુકા મથકે જ્યારે જમીનના નવા કાયદાની મોટી સભા હતી, ત્યારે મોટા-મોટા નેતાઓ મૂંઝાયા હતા. એ વખતે આ જગાએ ચોરે બેસીને જે રાજકારણની વ્યૂહરચના સમજાવી હતી,એ વ્યૂહરચના લોકો ને ભારી મન માં બેઠી,અમારી આખી પેનલ ચૂંટણી જીતી ગઈ! આ જગો તો બહુ મોટો સોશિયલ થિંકર છે.

"રસોડાની બારી પાછળ ઊભેલી ગીતાએ કવિતાના કાનમાં કીધું, "જોયું? મોટા જેઠજી ચોરે બેસીને નવરા નથી હોતા, રાજકારણ રમે છે!

"ગિજુભાઈએ આગળ કીધું, "નાથુજી, અમારી સંસ્થામાં 'મુખ્ય સલાહકાર' તરીકે મારે જગાની જરૂર છે. અને હા, એ બદલ અમે એમને દર મહિને સારી એવી રકમનું માનદ વેતન અને વાપરવા માટે ગાડી પણ આપવાના છીએ.

પણ …….મારી એક શરત છે...

"જગાભાઈના કાન ચમક્યા"

"બોલો બોલો, ગિજુભાઈ! આ જગાની ખોપડી સમાજ કલ્યાણ માટે ગમે ત્યારે હાજર છે.

"ગિજુભાઈએ ગંભીર થઈને કીધું, "વાત એમ છે કે મારી એક નાની બહેન છે 'સોનલ'. ભણેલી-ગણેલી છે પણ સ્વભાવે થોડી આકરી છે. મારે એના માટે આવો જ બુદ્ધિશાળી અને રાજકારણ સમજનારો વર જોઈએ છે. જો જગો લગન માટે હા પાડે, તો આ જ મહિને જાન જોડવી છે!

"આ સાંભળતાં જ ડેલામાં જાણે બોમ્બ ફૂટ્યો! બધા ના હૈયા માં જાણે અચરજ નું પ્રલય છૂટ્યું જાણે….નાથુજી ખુશ-ખુશ થઈ ગયા. ભગો અને દિલો તો વિચારવા લાગ્યા કે જે મોટાભાઈને કોઈ કન્યાનો બાપ નહોતો પૂછતો,ને મોટાભાઈ ને ભૂલે ચૂકે એ કોઇ દીકરી નો બાપ સામે નો જોવે,એમને ઘરે બેઠા લક્ઝરી ગાડી અને જમીનદારની બહેનનું માગું આવ્યું!?

પણ અસલી ધ્રાસકો તો ગીતા અને કવિતાને પડ્યો. જો સોનલ આ ઘરમાં મોટી વહુ બનીને આવશે, અને એ પણ આવા મોટા ઘરની જમીનદારી કન્યા, તો ઘર પર રાજ કોનું ચાલશે?

ગીતા અને કવિતા જે અત્યાર સુધી જગાભાઈને 'નવરા-નખ્ખોદિયા' કહીને ખીજવતી હતી, એમના પગ નીચેથી જમીન સરકી ગઈ.જગાભાઈએ વહુઓ તરફ એક તિરછી નજર નાખી, જાણે કહી રહ્યા હોય કે– 'જોયું? આ છે  કુંવારા જેઠનો પાવર, આ છે જગાભાઈ નું ઓરિજિનલ સ્ટેટસ!

'એમણે ગિજુભાઈને કીધું, "ગિજુભાઈ, માગું તો બહુ મોટું છે.એટલે હું જરા ઘરની વહુઓનો અભિપ્રાય લઈ લઉં, કારણ કે કાલે જ એ લોકો કહેતા હતા કે હું ઘરમાં નવરો બેઠો રહું છું!

"આ સાંભળીને નાથુજીએ ગીતા અને કવિતા સામે ડોળા કાઢ્યા. ગીતા તરત જ બહાર આવી અને હાથ જોડીને બોલી,

"અરે જેઠજી! અમે તો મજાક કરતા હતા,તમે તો સીરિયસ લઇ લીધું. તમારા જેવા મોટા ભાઈ આ ઘરમાં હોય એ તો અમારું નસીબ! તમે હા પાડી દો, આ લગન થવા જ જોઈએ!"

કવિતાએ પણ પાછળથી માથું હલાવ્યું.

ગિજુભાઈ તો ખુશ થઈને લાડવાનો ડબ્બો આપીને નીકળી ગયા. 

ઘરમાં હજી તો જગાભાઈના લગનની શરણાઈઓ વાગવાની શરૂઆત થાય એ પહેલાં જગાભાઈએ વહુઓ સામે છેલ્લો પત્તો ફેંક્યો.

એમણે લાડવાનો ડબ્બો હાથમાં લીધો અને ગીતા-કવિતાને કીધું, "લ્યો વહુઓ, લાડવા ખાઓ! પણ હા, સોનલ આવીને ઘરની ચાવીઓ પોતાના હાથમાં લેશે, એટલે અત્યારથી જ થોડી શાંતિ રાખવાની આદત પાડી દેજો, કારણ કે એ જમીનદારની દીકરી છે, ડબ્બા વગાડવા વાળાથી બીવે એવી નથી!

"જગાભાઈનો આ વટ જોઈને બંને વહુઓ અંદર જઈને ભેગી થઈ. ગીતા બોલી, "કવિતા, આ જેઠ તો ખરેખર નસીબદાર નીકળ્યા. પણ જો આ સોનલ આવીને આપણી પર હુકમ ચલાવશે તો આપણું શું થાશે? આપણે આ લગન ગમે તેમ કરીને રોકવા પડશે!

"બંને વહુઓએ હવે જગાભાઈના લગન તોડવા માટે એક નવું જ અને સાવ અનોખું સામાજિક કાવતરું ઘડવાનું નક્કી કર્યું.

જુઓ આગળનો ભાગ - ભાગ ૬!