“હેય આશુતોષ...
ખરેખર તું મારી મદદ કરવા ઈચ્છે છે?
જો એવું જ હોય તો સૌથી પહેલા તું મારા કેટલાક સવાલોનો જવાબ આપ. એકદમ સાચો જવાબ હોં, કોઈ જાતની ચાલાકી નહીં.”
સવારે આશુતોષના ફોન પર નોટિફિકેશન આવ્યું હતું. અવાજ સાંભળતા જ એની આંખ ખુલી ગઈ. એણે તરત ફોન હાથમાં લીધો. મેસેજ વાંચ્યો. એના દિલમાં એક અજીબ સી હલચલ થઈ રહી હતી. શું પૂછવું હશે એણે પોતાને? એણે ટાઈપ કર્યું,
“ગુડ મોર્નિંગ!
તારે જે પણ પૂછવું હોય એ બિન્દાસ્ત પૂછ. હું બધું સાચું જ કહીશ. તારી પાસે ખોટું બોલી શકું એટલી હિંમત તો મારામાં આજે પણ નથી આવી.”
એણે ફોન મૂક્યો ને થોડીવાર રાહ જોઈ. સામેથી કોઈ મેસેજ ન આવ્યો એટલે એ ઊભો થયો ને બાથરૂમમાં ઘૂસ્યો.
બપોર સુધી એ કામમાં વ્યસ્ત રહ્યો. લંચબ્રેક સમયે એ એને માટે આવેલું ટિફિન ખોલી રહ્યો હતો ત્યાં જ એક મેસેજ આવેલો.
“મારે તને ટોટલ અગિયાર સવાલ પૂછવાના છે. બધા એક સાથે જ પૂછી લઉં કે રોજ એક એક કરીને પૂછું?”
આશુતોષે ટિફિન બાજુએ ખસેડ્યું અને સામો મેસેજ લખ્યો,
“સવાલ રેડી હોય તો હાલ જ પૂછી લે.”
“ઠીક છે. મારે વિચારીને લખવું પડશે એટલે થોડી વાર લાગશે.”
‘કશો વાંધો નથી. તું આરામથી ટાઈપ કર હું રાહ જોઉં છું.”
એણે ટિફિનના ડબ્બા પરનું ઢાંકણ પાછું બંધ કર્યું ને એકીટશે ફોનની સ્ક્રીન પર દેખાતું ’ટાઇપિંગ...’ ‘ટાઈપિંગ...’ જોઈ રહ્યો. એ સમય દરમિયાન એણે એક બીજું કામ કરી લીધું. એણે એ અજાણ્યા નંબરને લાવણ્યાને નામે સેવ કરી લીધો હતો.
દસેક મિનિટ થવા આવી હશે ત્યાં ફરી એક મેસેજ આવ્યો, મેસેજ મોકલનાર તરીકે નોટિફિકેશનમાં લાવણ્યાનું નામ દેખાતા જ એક અનોખી ખુશી એના સમગ્ર ચિત્તમાં છવાઈ ગઈ હતી.
1. તે ક્યારેય કોઈની સાથે છુટ્ટાહાથની મારામારી કરી છે?
2. તે છેલ્લે ગુસ્સે થઈને કોઈને એ સાંભળે એમ ગાળ ક્યારે બોલી હતી?
3. તે ક્યારેય મારે આ જોઈએ એટલે જોઈએ જ એવી જીદ કરી છે?
4. શું તે સ્કૂલ/કોલેજ સમયે ગમતી છોકરીને, “આઈ લવ યુ" કહ્યું છે?
5. ધાર કે તને ફરી 18 વરસના થઈ જવાનો ચાન્સ મળે તો તું એ સ્વીકારે?
6. શું ખરેખર તારા જીવનમાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે?
7. શું તને એવું લાગે છે કે જીવનમાં કંઈક તો ખૂટે છે?
8. તને લાગે છે કે તારા સ્વભાવ, વર્તનમાં હજી થોડો ફેરફાર કરવાની જરૂર છે?
9. એક લાંબી મજલ કાપીને આટલે સુધી આવ્યા પછી જીવન મજાનું લાગે છે?
10. તું જ્યારે અરીસા આગળ ઊભોં હો ત્યારે જે પ્રતિબિંબ દેખાય એને જોઈ ‘લવ યુ’ કહી શકે છે?
11. જો હું તમને કહું કે મારુ આટલું કામ કરી આપ તો તું એ કરીશ?
થોડીક વાર રહીને તરત બીજો મેસેજ આવ્યો,
તું જો આ બધા જ સવાલોના સાચા જવાબ આપીશ ને પછીથી હું જે કહું તે કામ પણ કરી આપીશ તો યાદ રાખજે હું તને એક એવી ગિફ્ટ આપીશ કે તારું આખું જીવન હંમેશને માટે બદલાઈ જશે!
આશુતોષે બંને મેસેજિસ જોયા અને પછી હસી પડ્યો. એણે તરત એનો જવાબ લખવાનું ચાલું કર્યું.
1. તે ક્યારેય કોઈની સાથે છુટ્ટાહાથની મારામારી કરી છે?
– હા, અલબત બાળપણમાં એ પછી નથી કરી.
2. તે છેલ્લે ગુસ્સે થઈને કોઈને એ સાંભળે એમ ગાળ ક્યારે બોલી હતી?
– હમણાં તો કોઈને નહીં. કદાચ વરસો પહેલા કોઈને બોલી હશે હાલ કંઈ યાદ નથી આવતું.
3. તે છેલ્લે મારે આ જોઈએ એટલે જોઈએ જ એવી જીદ ક્યારે કરી હતી?
– નોકરી બાબતે કરી હતી, મળી ગઈ. છેલ્લા કેટલાક મહિનાથી મેં ઘરે ફોન નથી કર્યો. જો કે એ મારી જીદ નથી, નારાજગી છે.
4. શું તે સ્કૂલ/કોલેજ સમયે ગમતી છોકરીને “આઈ લવ યુ” કહ્યું છે?
– સ્કૂલમાં નહોતો કહી શક્યો, કોલેજમાં આવીને એ અખતરો કરી જોયો હતો, નિષ્ફળ રહેલો. એ પછી ફરી એવું મન જ નથી થયું.
5. ધાર કે તને ફરી 18 વરસના થઈ જવાનો ચાન્સ મળે તો તું એ સ્વીકારે?
– ખબર નથી. કદાચ ના.
6. શું ખરેખર તારા જીવનમાં કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે?
– સ્કૂલ કોલેજ સમયે દોસ્ત હતા ખરા હવે ભાગ્યે જ કોઇ સાથે વાત થાય છે. ફેસબુક પર મારા એક હજારથી વધારે ફ્રેન્ડ્સ છે. કેટલાકને રૂબરૂ મળ્યો છું. અમુક સાથે રોજ કોઈ પોસ્ટ પર ચર્ચા થાય છે પણ એમને બેસ્ટ ફ્રેન્ડ કહી શકાય કે નહિં એ હું નથી જાણતો.
7. શું તને એવું લાગે છે કે જીવનમાં કંઈક તો ખૂટે છે?
– ખબર નથી. કદાચ હા.
8. તને લાગે છે કે તારા સ્વભાવ, વર્તનમાં હજી થોડો ફેરફાર કરવાની જરૂર છે?
– નોટ શ્યૉર, કદાચ ના.
9. એક લાંબી મજલ કાપીને આટલે સુધી આવ્યા પછી જીવન મજાનું લાગે છે?
– કોઈ દિવસ આવું વિચાર્યું નથી, કદાચ હા.
10. તું જ્યારે અરીસા આગળ ઊભોં હો ત્યારે જે પ્રતિબિંબ દેખાય એને જોઈ ‘આઈ લવ યુ’ કહી શકે છે?
– ‘લવ યુ’ ની તો ખબર નથી પણ મને અરીસામાં દેખાતા આશુતોષની દયા આવે છે. ક્યારેક એની પર ગુસ્સો પણ આવે છે.
11. જો હું તને કહું કે મારુ આટલું કામ કરી આપ તો તું એ કરીશ?
– હા, ચોક્ક્સ કરીશ.
આશુતોષે તરત જ જવાબ લખીને મોકલી આપ્યા અને પછી સામેથી શું જવાબ આવે છે એની રાહ જોઈ રહ્યો. એનું ઓફિસનું કામ એ કરતો રહ્યો છતાં એક નજર મોબાઈલ પર જડેલી હતી.
સાંજ પડી, રાત ચાલી આવી, આશુતોષ ઑફિસેથી ઘરે આવી ગયો, હજી લાવણ્યા તરફથી કોઈ મેસેજ નહોતો આવ્યો. રાતનું ભોજન પણ લેવાઈ ગયું. ધ પેરેડાઇઝ ભોજનાલયમાં આજે એ શાંતિથી જમ્યો હતો. ફ્લેટ પર પાછા આવી થોડુંક પેન્ડીંગ કામ પણ પતાવી લીધું. રાતના દસ થયા છતાં એ જેના મેસેજની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ નહોતો આવ્યો.
એણે ફેસબુક પર લોગઈન કર્યું હતું. ફરી લાવણ્યા સર્ચ કર્યું હતું. કોઈ નવી પોસ્ટ નહોતી. અચાનક એનું ધ્યાન પોસ્ટની તારીખ પર ગયું, લાવણ્યાની છેલ્લી પોસ્ટ આજથી બે વરસ પહેલાની હતી! મતલબ કે એની સગાઈ થઈ હતી અને લગ્ન થવાના હતા વગેરે ને લગતી જે પણ પોસ્ટ ફેસબુક પર હતી એ બે વરસ પહેલાની હતી. ત્યારબાદ એણે કશું જ નવું પોસ્ટ નહોતું કર્યું. તો શું ખરેખર એના લગ્ન થઈ ગયા હશે?
એક મિનિટ માટે આશુતોષને લાગ્યું કે છેક કિનારે આવેલું એનું જહાજ ડૂબી ગયું! એ ઊંડી ને ગંભીર હતાશામાં ગરકાવ થઈ ગયો હતો. બીજી જ મિનિટે પછી એના મનમાં એક નવો વિચાર આવ્યો ને પછી એના અનુસંધાનમાં જ બીજા નવા નવા અનેક વિચાર આવતા ગયા. મનના એક ખૂણામાં એણે વિચારી લીધું કે યેનકેન પ્રકારે લાવણ્યા હાલ એકલી છે. એના લગ્ન થયા જ નહીં હોય કે પછી એનો પતિ મરી ગયો કે બંનેએ ડિવોર્સ લઈ લીધા હશે કે પછી એ તેનાથી કંટાળી ગઈ છે ને હવે એને પોતાનામાં રસ જાગ્યો છે. બની શકે છે કે પોતે એને સ્કૂલ સમયે છુપાઈને જોઈ રહેતો હતો એ વાતની એને પણ જાણ હોય. આમેય જ્યારે એક દિલમાં કોઈકને જોતા જ પ્રેમની ઘંટડી રણકવા લાગે ત્યારે એ ઘંટડીનો રણકાર સૌથી પહેલાં એની આસપાસના બધા નવરાઓને સંભળાવા લાગતો હોય છે. એના ક્લાસમાં ઘણા બધા જાણી ગયા હતા કે આશુતોષ લાવણ્યા પર ફિદા છે. આ વાત લાવણ્યા સુધી પણ પહોંચી હોય એ શક્યતા નકારી ન શકાય. આમેય એ છોકરી ખૂબ સ્માર્ટ હતી, એને ખ્યાલ આવી જ ગયો હશે કે એના ટ્યુશન ક્લાસનો એક છોકરો એને કંઈક અલગ જ નજરથી જોતો હતો.
આશુતોષ નવા નવા વિચાર કરતો રહ્યો, નવા અને હકારાત્મક વિચાર. એ લાવણ્યાની ફેસબુક પોસ્ટ પરના એક ફોટા સામે તાકી રહ્યો. એ સુંદર લાગી રહી હતી. એની સાથેનો માણસ પણ ઠીકઠાક હતો, આશુતોષને એ સહેજે ન ગમ્યો!