Captain Aarav - The Raw Agent - 21 in Gujarati Thriller by Dr. Nilesh Thakor books and stories PDF | કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 21

Featured Books
Categories
Share

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 21

ભાગ ૨૧: અંધારાનો રક્ષક: ભાઉરાવના ગુંડાઓની ધોલાઈ

રૂમની ટ્યુબલાઈટ અચાનક ઝબૂકવા લાગી હતી.

આરવે પોતાના હાથમાં રહેલો લોખંડનો સળિયો પૂરી તાકાતથી હવામાં ફંગોળ્યો. છન્ન્ન્ન્ક! સળિયો સીધો ટ્યુબલાઈટ પર વાગ્યો અને કાચના ટુકડાઓ સાથે રૂમ નંબર ૪૦૪ માં ઘોર અંધકાર છવાઈ ગયો.

હવે આ અંધકાર કોઈ ડરપોક વિદ્યાર્થીનો રૂમ નહોતો, આ એક ટ્રેઇન્ડ RAW કમાન્ડોનું યુદ્ધનું મેદાન હતું. ભાઉરાવના માણસો અંધારામાં ડઘાઈ ગયા. એમને કશું જ દેખાતું નહોતું, પણ આરવની આર્મી ટ્રેનિંગ એને અંધારામાં પણ અવાજ અને શ્વાસ પરથી દુશ્મનની સ્થિતિ (પોઝિશન) પારખતા શીખવાડી ચૂકી હતી.

અંધારામાં માત્ર હાડકાં તૂટવાના ભયાનક અવાજો અને ગુંડાઓની ચીસો ગુંજવા લાગી.

કોઈ બોલીવુડ હીરોની જેમ નહિ, પણ એક ક્રૂર અને પ્રોફેશનલ કિલરની જેમ આરવ એક પછી એક ફટકા મારી રહ્યો હતો. એક ગુંડાએ અંધારામાં છરો વીંઝ્યો, આરવે વીજળીની ઝડપે નીચે નમીને એના જ ઘૂંટણ પર એવી જોરદાર લાત મારી કે એનું ઘૂંટણ ઊંધી દિશામાં વળી ગયું. ખટાક્ક! એની ચીસ કોરિડોરમાં પડઘાઈ ગઈ.

જમીન પર પડેલા ભાઉરાવે પોતાના ખિસ્સામાંથી નાનકડી ફ્લેશલાઈટ કાઢીને ચાલુ કરી.

પ્રકાશનું ગોળ કૂંડાળું જેવું સામેની દીવાલ પર પડ્યું, ભાઉરાવના શ્વાસ અધ્ધર થઈ ગયા. એના ચારેય ખડતલ ગુંડાઓ માત્ર વીસ સેકન્ડની અંદર જમીન પર લોહીલુહાણ થઈને કણસતા હતા! અને એ પ્રકાશના કૂંડાળામાં... એક ઘાયલ, ખૂંખાર વાઘની જેમ આરવ ઊભો હતો.

આરવે ધીમેથી ચાલીને ભાઉરાવ પાસે આવ્યો. ભાઉરાવ ધ્રૂજવા લાગ્યો હતો. આરવે એનો કોલર પકડીને એને હવામાં ઊંચો કર્યો અને એના કાન પાસે અત્યંત બર્ફીલા અવાજે ફૂંફાડો માર્યો:

"તારા પેલા ડૉ. વ્યાસને જઈને કહેજે... કે અત્યાર સુધી એ એક વિદ્યાર્થી સાથે રમી રહ્યો હતો. પણ હવે કેપ્ટન આરવ સિંહ મેદાનમાં ઉતરી ચૂક્યો છે. આ કેમ્પસ હવે એમની કબર બનશે."

આટલું બોલીને આરવે પોતાનું જમણું ઘૂંટણ પૂરી તાકાતથી ભાઉરાવના પેટમાં ઝીંકી દીધું. ભાઉરાવની આંખો ફાટી ગઈ અને એ મોઢામાંથી લોહીની ઊલટી કરતો જમીન પર ફસડાઈ પડ્યો.

આરવે તરત જ જમીન પરથી પોતાની ગ્લોક પિસ્તોલ ઉઠાવી અને પોતાની પાછળ કમરમાં ખોસી દીધી. એણે કેતન અને જિગ્નેશ તરફ જોયું, જેઓ ખૂણામાં ભયથી જકડાઈને બેઠા હતા.

"તમે બંને અહીં જ રહેજો, હું હમણાં આવું છું," આરવે ઝડપથી કહ્યું અને એ સીધો રૂમની બાલ્કની તરફ દોડ્યો.

નીચે કાર પાસે હજુ ખતરો ટળ્યો નહોતો. કારના સાઇરનથી થોડી સેકન્ડ માટે ડરી ગયેલા પેલા ચાર ગુંડાઓ હવે ફરીથી કાર તરફ આગળ વધી રહ્યા હતા. જેના હાથમાં સળગતું લાઈટર હતું, એ ગુંડાએ હોઠ ભીંસીને લાઈટર પેટ્રોલ વાળી જમીન પર ફેંકવા માટે હાથ લંબાવ્યો.

સીટની નીચે સંતાયેલી આધ્યાએ આંખો બંધ કરી લીધી. એના હોઠ પર બસ એક જ નામ હતું... 'આરવ'

ત્રીજા માળની બાલ્કનીમાંથી આરવે ડ્રેનેજની જાડી પાઈપ પકડી અને કોઈ પણ જાતના ડર વગર સીધો નીચે સરક્યો! ગુરુત્વાકર્ષણ અને એના પોતાના વજનની સ્પીડ એટલી જબરદસ્ત હતી કે માત્ર ત્રણ સેકન્ડમાં એ જમીનથી દસ ફૂટ ઊંચે હતો.

બરાબર એ જ વખતે પેલા ગુંડાએ લાઈટર હવામાં છોડ્યું.

લાઇટર ધીમી ગતિએ નીચે પેટ્રોલ તરફ જઈ રહ્યું હતું.

આરવે પાઈપ છોડી અને હવામાં જ એક છલાંગ લગાવી! એની છાતી જમીન સાથે ઘસડાઈ અને એનો જમણો પગ સીધો લાઈટરને અથડાયો. લાઈટર પેટ્રોલથી માંડ એક ફૂટ દૂર હતું ત્યાં જ એ ફૂટબોલની જેમ ઉછળીને દસ ફૂટ દૂર એક કોરી અને સુરક્ષિત જમીન પર જઈને પડ્યું.

ગુંડાઓએ પાછળ વળીને જોયું, ત્યાં તો આરવ ઊભો થઈ ચૂક્યો હતો. એના ચહેરા પર લાગેલા લોહી અને આંખોની આગ જોઈને ગુંડાઓના પેન્ટ ભીના થઈ જાય એવી હાલત હતી. આરવે માત્ર પાંચ જ સેકન્ડમાં ચારેયની એવી ભયાનક ધોલાઈ કરી કે એ લોકો જીવ બચાવીને કેમ્પસની અંધારી ગલીઓમાં ભાગી છૂટ્યા.

આસપાસ ફરી એકવાર નીરવ શાંતિ છવાઈ ગઈ. હવામાં માત્ર પેટ્રોલની ગંધ અને આરવના ભારે શ્વાસનો અવાજ હતો.

આરવે ધીમેથી કારના દરવાજા પર ટકોરો માર્યો. "આધ્યા... દરવાજો ખોલ. હું છું."

આધ્યાએ ધ્રૂજતા હાથે લોક ખોલ્યો અને દરવાજો ધકેલ્યો. કારમાંથી બહાર આવતા જ એની નજર આરવ પર પડી. આરવનો શર્ટ ફાટી ગયો હતો. એના હોઠ પાસે અને કપાળ પરથી લોહી વહી રહ્યું હતું. ખભા પર સળિયાનો ભૂરો ડાઘ સ્પષ્ટ દેખાતો હતો.

આધ્યાની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. એણે કોઈ જ વિચાર કર્યા વગર સીધી આરવની છાતી પર માથું મૂકી દીધું અને એને અત્યંત કસીને ભેટી પડી.

"આરવ... હે ભગવાન! તને કેટલું વાગ્યું છે! જો તને કંઈ થઈ જાત તો..." આધ્યાનો અવાજ ડૂસકાંમાં ફેરવાઈ ગયો. એના હાથ આરવની લોહીવાળી પીઠ પર અત્યંત હળવાશથી ફરી રહ્યા હતા.

આરવના કઠોર શરીરમાં ભલે પીડા હતી, પણ આધ્યાના આ રેશમી, સ્નેહસભર સ્પર્શે એની બધી જ વેદના ઓગાળી નાખી. એણે પોતાનો લોહીવાળો હાથ ધીમેથી આધ્યાના વાળમાં ફેરવ્યો.

"મેં તને પ્રોમિસ કર્યું હતું ને આધ્યા... કે તારા સુધી આવતા પહેલાં મોતને પણ મારી પાસેથી પરવાનગી લેવી પડશે. હું તને કંઈ નહિ થવા દઉં."

બંને વચ્ચે એક એવી લાગણીશીલ અને પવિત્ર ક્ષણ ઊભી થઈ હતી, જે શબ્દોથી પર હતી. આધ્યાએ પોતાનો દુપટ્ટો ફાડીને આરવના કપાળ પર બાંધવાનો પ્રયાસ કર્યો.

પણ આ શાંતિ બહુ લાંબી ના ટકી.

અચાનક, ત્રીજા માળની બાલ્કનીમાંથી કેતનનો અત્યંત ગભરાયેલો, ફાટી ગયેલો અવાજ ગુંજી ઉઠ્યો!

"આરવ...! આરવ જલ્દી ઉપર આવ! જીગાને શ્વાસ નથી લેવાતો... એના મોઢામાંથી લોહી નીકળે છે! આરવ... પ્લીઝ જલ્દી આવ, જીગો મરી જશે!"

આરવ અને આધ્યા બંનેના પગ તળેથી જમીન ખસી ગઈ.

રૂમમાં અંધારામાં થયેલી મારામારી દરમિયાન ભાઉરાવના એક માણસે જિગ્નેશની છાતીમાં કંઈક જીવલેણ હથિયાર મારી દીધું હતું! મેડિકલ સાયન્સ જેને 'ગોલ્ડન અવર' કહે છે, એની સેકન્ડો હવે ઝડપથી પૂરી થઈ રહી હતી.

આરવ એકRAW એજન્ટ હતો, પણ હવે એને એક જિંદગી બચાવવા માટે 'ડૉક્ટર' બનવું પડે તેમ હતું.

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર