part 49 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 49

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 49

ધરાની આંખોમાં આશ્ચર્ય, આનંદ અને માતૃત્વની ઝંખનાના અસંખ્ય રંગો એકસાથે ઝળહળી ઊઠ્યા હતા. સમુદ્રકના શબ્દોએ જાણે તેના અંતરના સૂના આકાશમાં અચાનક પૂર્ણિમાનો ચંદ્ર ઉગાડી દીધો હોય.

સમુદ્રકે ફરી ધીમા સ્વરે કહ્યું,

“નિલક્રિષ્ના માત્ર એક બાળકી નથી ધરા...!
 એ આપણાં પ્રેમનું જીવંત સ્વરૂપ છે. આપણો અંશ...! આપણું જ અસ્તિત્વ છે.”

આ શબ્દો સાંભળતાં જ ધરાના હોઠો પર સ્મિત ખીલી ઊઠ્યું. તેની આંખોમાં અશ્રુઓની ચમક આવી ગઈ.

“મારી પણ એક ઢીંગલી છે...!” તે હરખથી બોલી ઊઠી.

સમુદ્રકે સ્નેહપૂર્વક તેની નજીક જઈ તેના કંપતા શ્વાસોને શાંત કર્યા અને કહ્યું,

“હા ધરા, આપણી પુત્રી. આજે એ વીસ વર્ષની થઈ ગઈ હશે. મને હજુ પણ એના નાનકડા હાથ યાદ છે, એ નાનકડું મુખડું યાદ છે, એનો પ્રથમ રુદન યાદ છે. પરંતુ સમય સાથે એ કેટલી બદલાઈ ગઈ હશે! મેં એને નવજાત રૂપમાં જોઈ હતી, અને હવે મારા અંતરમાં એનું યુવાનીથી ખીલેલું સ્વરૂપ પણ દેખાય છે. સમય એના ચહેરાને બદલી ગયો હશે, પરંતુ મારા હૃદયમાં તો એ આજે પણ એ જ નાનકડી બાળકી છે.”

ધરા મંત્રમુગ્ધ થઈ સમુદ્રકને નિહાળતી રહી. તેને લાગતું હતું કે જાણે કોઈ બહુ મોટું રહસ્ય હવે તેની સામે ખુલવા જઈ રહ્યું છે.

સમુદ્રકની આંખો ધીમે ધીમે ભૂતકાળમાં સરકી ગઈ.
વીસ વર્ષ પહેલાંનો સમય તેની સામે જીવંત થઈ ઊઠ્યો. એક નવજાત બાળકીના રડવાનો અવાજ ફરી તેના કાનમાં ગૂંજી ઊઠ્યો. એ અવાજમાં માત્ર એક શિશુનું રુદન નહોતું, પરંતુ પ્રેમ, વિયોગ અને ભાગ્યના મિલનનું સંગીત છુપાયેલું હતું.

સમુદ્રકે જાણે સમયના દરવાજા ખોલી દીધા.

“ધરા, તું કદાચ નથી જાણતી, પરંતુ એ સમય પૃથ્વી માટે અત્યંત દુઃખનો હતો. સોમનાથનું જ્યોતિર્લિંગ તૂટી ગયું હતું. સમગ્ર સૃષ્ટિની જેમ તું પણ અંદરથી તૂટી ગઈ હતી. પરંતુ તું માત્ર એક સામાન્ય સ્ત્રી નહોતી. તું પૃથ્વી હતી! સહનશીલતા, શક્તિ અને કરુણાનું જીવંત સ્વરૂપ. આગલા જન્મના શ્રાપને કારણે તું પોતાની અસીમ શક્તિઓ ભૂલી ગઈ હતી. તારામાં સમગ્ર સૃષ્ટિને હલાવી દેવાની શક્તિ હતી. તારા અંતરમાં દૈત્યો સામે પ્રલય સર્જી શકે તેવી અગણિત જ્વાળાઓ હતી. પરંતુ મહાદેવે શ્રાપના બંધનથી એ શક્તિઓને નિયંત્રિત કરી દીધી હતી. છતાં પણ તારી ભક્તિ કદી ઓછી થઈ નહોતી. પાંચ હજાર વર્ષોથી તું દુઃખ, અન્યાય અને દૈત્યોથી થયેલા જુલમો સહન કરતી રહી, છતાં કદી તૂટી નહીં.”

સમુદ્રક ભાવવિહ્વળ સ્વરે બોલ્યો,

“જે દિવસે તું સોમનાથના પુનઃસ્થાપન માટે કાશ્મીરના કમળ અને ગંગાજળ અર્પણ કરી રહી હતી, એ દિવસે તારા હૃદયમાં એટલું દુઃખ ભરાયું હતું કે તારી આંખમાંથી એક આંસુ સમુદ્રમાં પડ્યું. ધરા! એ આંસુ સામાન્ય ન હતું. એમાં તારો પ્રેમ હતો, તારી વેદના હતી, તારી ભક્તિ હતી. અને જ્યારે એ આંસુ મારી પાસે પહોંચ્યું, ત્યારે આપણા પ્રેમના સંગમમાંથી એક નવી ચેતનાનો જન્મ થયો. એ જ ચેતના આજે નિલક્રિષ્ના તરીકે જીવંત છે.”

ધરાની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી.

સમુદ્રક આગળ બોલ્યો,

“નિલક્રિષ્ના આપણાં પ્રેમનું ફળ છે. આપણું જીવન જાણે એક ફૂલ છે, અને એ એની સૌથી સુંદર પાંખડી.
જેમ ફૂલમાંથી એક પાંખડી ખસી જાય તો તેનું સૌંદર્ય અધૂરું થઈ જાય છે, તેમ આપણા જીવનનો ખીલતો વસંત પણ નિલક્રિષ્ના વિના અધૂરો છે. આપણું અસ્તિત્વ ત્યારે જ પૂર્ણ થશે, જ્યારે આપણે ફરી આપણી પુત્રીને મળશું.”

ધરાએ ધીમેથી કહ્યું,

“કેવો અદભુત સંગમ છે આ, મારું એક આંસુ અને તારો અપરંપાર સાગર...! એ બંને મળીને નિલક્રિષ્ના બની. આ સત્ય હવે સમજાય છે કે હું ધરતી પર હતી ત્યારે કેમ દિવસ-રાત એની તરફ આકર્ષાતી હતી. કેમ મારું હૃદય સતત એની સાથે જોડાયેલું રહેતું હતું. એ માત્ર મોહ નહોતો! એ માતૃત્વનો અજોડ સંબંધ હતો. પાર્વતીજીએ મને મનુષ્ય શરીર આપ્યું, માત્ર એટલા માટે કે હું મારી પુત્રી માટે તરસતા હૃદયને પૂર્ણ કરી શકું.”

સમુદ્રકની આંખોમાં પણ પસ્તાવાની છાયા આવી ગઈ.

“વૃજાના કાળા જાદુએ મને સત્ય કહેવા દીધું નહોતું. હું જાણતો હતો કે નિલક્રિષ્ના મારી પુત્રી છે, છતાં તને કે હેત્શિવાને કંઈ કહી શક્યો નહોતો. પરંતુ આજે તું સામે આવી, અને એ જાદુનું બંધન તૂટી ગયું. આજે હું મુક્ત છું. આજે હું પિતા છું.”

ધરાએ ગહન સ્વરે કહ્યું,

“હેત્શિવાને ખબર ન હતી કે નિલક્રિષ્ના આપણી પુત્રી છે. છતાં એને ખૂબ સારી રીતે નિલક્રિષ્નાનો ઉછેર કર્યો. પરંતુ સમુદ્રક, આપણે દેવતા હોવા છતાં પ્રેમમાં સ્વાર્થી બની ગયા હતા. જ્યારે, હેત્શિવા રાક્ષસી હતી, છતાં મમતાની મૂર્તિ બની. વિરમન્યુ, શિવમન્યુ અને નિલક્રિષ્ના ત્રણેયને ઉછેરવાનો શ્રેય તો એને જ જાય છે. એણે સાબિત કરી દીધું કે પ્રેમ અને કરુણા કોઈ જાતિ કે સ્વરૂપની મોહતાજ નથી.”

સમુદ્રકે મસ્તક ઝુકાવી દીધું. હવે તેનું મન સંપૂર્ણપણે સ્વચ્છ થઈ ગયું હતું. વર્ષો સુધી જે સત્ય ધૂંધળું હતું, તે હવે સૂર્યપ્રકાશની જેમ સ્પષ્ટ બની ગયું હતું. ધરા ફરી ચિંતિત થઈ બોલી,

“આપણી નિલક્રિષ્ના અત્યારે ક્યાં હશે? સુરક્ષિત તો હશે ને?”

ધરા અને સમુદ્રક બન્ને સાથે હોવાથી એ હવે નિલક્રિષ્ના
ક્યાં છે એ જોઈ શકતા હતા. તેથી, સમુદ્રકે તરત જ પોતાના હૃદયના તાર નિલક્રિષ્ના સાથે જોડ્યા. ક્ષણમાત્રમાં તેનું ચિત્ત દૂર સુધી પહોંચી, અને પછી તે ધીમેથી બોલ્યો,

“ધરા, ચિંતા ન કર.નિલક્રિષ્ના સુરક્ષિત છે. સોમનાથના પંડિતજી હવે આ લોકમાં નથી રહ્યા. તેમને અંતિમ વિદાય આપ્યા પછી નિલક્રિષ્ના એક ગુપ્ત સુરંગમાંથી બહાર આવી છે. અને હવે એ પિતા ધૃણ પાસે પહોંચી ગઈ છે.”

“પિતા ધૃણ...!” 

ધરાના હોઠોમાંથી સ્વયંભૂ નીકળી ગયું. એણે પણ પોતાના હૃદયના તાર પિતા ધૃણ સાથે જોડ્યા. અને તરત જ એના અંતરમાં અદભુત શાંતિ ઉતરી આવી. તે ગર્વથી બોલી,

“જ્ઞાની પુરુષો પોતાની ઈચ્છાથી નથી જીવતા, તેઓ પ્રારબ્ધને સ્વીકારીને જીવતા હોય છે. મારા પિતા એવા જ છે. તેઓ સર્વમાં સુખ જુએ છે, સર્વમાં ઈશ્વરને જુએ છે. મારી નિલક્રિષ્ના તેમની પાસે સુરક્ષિત છે. હવે મને વિશ્વાસ છે કે તેઓ એને માત્ર રક્ષણ જ નહીં આપે, પરંતુ જીવનનો સાચો માર્ગ પણ બતાવશે. જેમ ડાંગર સીધો ભાત બની શકતો નથી, તેમ મનુષ્ય પણ સંઘર્ષ વિના પરિપક્વ બની શકતો નથી. અને કદાચ નિલક્રિષ્ના પણ હવે એ જ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે.”

સમુદ્રકે આકાશ તરફ જોતા કહ્યું,

“હા ધરા, પિતા ધૃણ જે માર્ગે આપણી પુત્રીને લઈ જઈ રહ્યા છે, એ માર્ગ જ સૃષ્ટિના ભવિષ્યનો માર્ગ છે. એક દિવસ નિલક્રિષ્ના આપણા કારણે વિખેરાઈ ગયેલી બાજીને ફરી ગોઠવશે. એ પૃથ્વીને સુરક્ષિત કરશે. એ અધર્મ સામે ઊભી રહેશે. અને ભલે સમય લાગે. પરંતુ હજારો વર્ષો પછી, આ ધરતી પર ફરી એકવાર સુવર્ણ યુગનો સૂર્યોદય થશે.”

આ શબ્દો સાથે સમુદ્ર અને પૃથ્વી બંનેના હૃદયમાં વર્ષો પછી આશાનો એક નવો દીપ પ્રગટ્યો. જાણે સમય પોતે જ તેમને કહી રહ્યો હતો,

“વિયોગનો અંત નજીક છે, અને મિલનનો પ્રારંભ હવે દૂર નથી.”

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'✍️