Avaavru Vavno Ateet - 1 in Gujarati Moral Stories by Ashoksinh jadeja books and stories PDF | અવાવરુ વાવનો અતીત - 1

Featured Books
Categories
Share

અવાવરુ વાવનો અતીત - 1

**પ્રકરણ ૧: સીમમાં સંભળાયેલો કાળજું ચીરતો અવાજ**

          સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતી પર જાણે કુદરતે સોનાની મહોરો વેરવી હોય એવું એ રળિયામણું ગામડું. ગામની રક્ષા કરવા કુદરતે જાણે ચારેતરફ ઘટાદાર વૃક્ષોની લીલીછમ હારમાળા ગોઠવી હતી. ગામની બરોબર વચોવચથી એક નદી કલકલ નાદ કરતી વહી જતી હતી. આ નદી એટલે માત્ર પાણીનો સ્ત્રોત નહીં, પણ ગામડાના લોકો માટે એ હૃદયના ધબકારા સમાન હતી. ચોમાસામાં નદીના નીર જ્યારે ઉછાળા મારતા, ત્યારે લાગતું કે જાણે ધરતી માતા હરખમાં આવીને નૃત્ય કરી રહી છે.
સવારના પાંચ વાગ્યામાં તો આખું ગામ ચેતનવંતું થઈ જતું. હજી તો સૂરજ નારાયણ આકાશના પૂર્વ દિશાના ગોખેથી લાલચોળ ડોકું કાઢવાની મથામણ કરતા હોય, ત્યાં તો ગામના શિવાલયો અને મંદિરોમાં ઝાલરના નાદ ગાજવા માંડતા. વાતાવરણમાં પ્રભાતિયાંનો એવો મધુર સૂર ગુંજતો કે સાંભળનારનું મન ભક્તિભાવમાં તરબોળ થઈ જાય. ગામના વડીલો હાથમાં માળા લઈને ‘સીતારામ... સીતારામ...’ ના જાપ કરતા ઉંબરા ઓળંગતા.
બીજી તરફ, સીમમાંથી આવતો ગાયોના ધણના ગળે બાંધેલી ઘંટડીઓનો રણકાર સવારના મૌનનો ભંગ કરતો. ગોવાળો લાકડીના ટેકે ‘હેડ... હેડ...’ ના કરબાર (અવાજ) કરતા ધણને ચરાવવા માટે જંગલની ઝાડીઓ તરફ દોરી જતા. ગામના પુરુષો બાજરીના રોટલાનું શિરામણ પતાવી, માથે ધોળું ફાળિયું બાંધી અને બળદના ગળે ઘૂઘરા બાંધેલા ગાડાં જોડીને વાડીએ નીકળી પડતા. નદીના કાંઠે પનિહારીઓના મેળા જામતા. માથે બેડલા ઉપર બેડલું અને એની ઉપર ઈંઢોણીના આધારે ત્રીજું બેડું... એક તાનમાં લચકતી ચાલે જ્યારે એ બહેનો પાણી ભરીને પાછી વળતી, ત્યારે તેમના ઝાંઝરનો રુમઝુમ અવાજ આખા પંથકની હવામાં મીઠાશ ભરી દેતો. ગામને પાદરે લીમડાના છાંયે ગઢિયાઓ મજલસે બેસતા. હુક્કા-બીડીના ધુમાડા વચ્ચે તેમની મૂછો પરના વળ અને જૂના જમાનાની અણીશુદ્ધ વાતોનો દોર જામતો.
સાંજ પડતા જ ગામનું દ્રશ્ય પલટાતું. સીમમાંથી ધણ પાછું વળે એટલે આખું પાદર ધૂળની ડમરીઓથી ભરાઈ જતું. ઘરોની ઓસરીઓમાં માટીના ચુલા સળગવા માંડતા અને કાઠિયાવાડી રોટલા ઘડાવાનો ‘થપ... થપ...’ અવાજ ભૂખ જગાડતો.
આવા સોહામણા માહોલમાં કાનભાઈનો દીકરો આર્યન શહેરથી ભણીને ગામડે આવ્યો હતો. આર્યન ભલે શહેરમાં રહ્યો હતો, પણ એનું મન તો આ માટીની સુગંધમાં જ વસેલું હતું. એક સાંજે અષાઢી આભમાં વીજળીના કડાકા-ભડાકા શરૂ થયા. કાળાડીબાંગ વાદળોએ આકાશને ઘેરી લીધું હતું અને મુશળધાર વરસાદે માઝા મૂકી હતી. મોરલાના ગહેકાટ અને પવનમાં લહેરાતા લીલાછમ ખેતરો જોઈ આર્યનનું મન પ્રફુલ્લિત હતું, પણ એ જ ક્ષણે ગોવાળ હાંફતો-ફફડતો ફળિયામાં આવ્યો.
"અરે બાપુ! અનર્થ થઈ ગયો!" ગોવાળના અવાજમાં ધ્રૂજારી હતી.
કાનભાઈએ પૂછ્યું, "શું થયું અરે? કેમ આમ ફાટી આંખે જોવે છે?"
"બાપુ, વીજળીના કડાકા ને પવનના એવા ઝાપટા ઉપડ્યા કે ઉતાવળમાં હું ધણ લઈને તો નીકળી ગયો, પણ તમારી દૂઝણી ગાય કદાચ જંગલ બાજુ પાછળ રહી ગઈ લાગે છે!"
કાનભાઈનો જીવ તાળવે ચોંટ્યો. "અરે તારી ભલી થાય! આ કાળઝાળ વરસાદમાં ગાય એકલી જંગલમાં? કોઈ જનાવર આંટો મારી જશે તો? કે કોઈ તેને બાંધી લેશે તો?" આર્યનથી આ ચિંતા ન જોવાઈ. તેણે તરત જ લાકડી લીધી અને બોલ્યો, "બાપુ, તમે મુંઝાઓ નહીં. હું અને મારો મિત્ર હમણાં જ જઈને ગોતી લાવીએ છીએ."
સાંજના સાત વાગ્યાનો સમય હતો. આકાશમાં અંધારું એટલું ઘેરાયું હતું કે હાથ પકડે તોય સૂઝે નહીં. વરસાદની હેલી જામી હતી. જંગલના કાચા રસ્તે કાદવ-કીચડ ખૂંદતા આર્યન અને તેનો મિત્ર આગળ વધી રહ્યા હતા. અચાનક, વાવના રસ્તા પાસે પહોંચતા જ મિત્ર થંભી ગયો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.
"આર્યન, ચાલ પાછા વળીએ. અત્યારે આ બાજુ રહેવું ઠીક નથી. તને ખબર છે ને... પેલી જૂની અવાવરુ વાવ અહીં જ છે." મિત્રનો અવાજ કાંપતો હતો.
આર્યને હિંમત આપતા હસતા હસતા કહ્યું, "ગાંડો થયો છે કે શું? અંધારાની આટલી બીક લાગે છે? વાવમાં કાઈ વાઘ થોડો બેઠો છે?"
"ભાઈ, આ કોઈ અંધારાની બીક નથી. આખા ગામના ચોરા પર વાતો થાય છે કે રાતે સાત વાગ્યા પછી આ વાવના પેટાળમાંથી કોઈ છોકરીની કરુણ ચીસો સંભળાય છે, તો ક્યારેક એવું ભયાનક હાસ્ય કે માણસના લોહી થીજી જાય! કોઈ માઈનો લાલ ત્યાં જવાની હિંમત નથી કરતું."
આર્યને મક્કમતાથી કહ્યું, "ગામ તો રજનું ગજ કરે! આ બધી અંધશ્રદ્ધા છે. કોઈએ જીગર કરીને જોયું હોત તો ખબર પડત કે ત્યાં ખરેખર શું છે."
પણ હજી તો આર્યનનું વાક્ય પૂરું થાય એ પહેલા જ, કાળાશમાં ડૂબેલી પેલી વાવના ઊંડાણમાંથી એક એવી કરુણ અને કંપારી છૂટી જાય તેવી ચીસ સંભળાઈ કે આર્યનના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ અવાજમાં અસીમ પીડા હતી. જંગલના પક્ષીઓ પણ ફફડાટ કરતા ઉડી ગયા. વરસાદના અવાજને ચીરીને આવતી એ ચીસે સાબિત કરી દીધું કે ગામની વાતોમાં કંઈક તો સત્ય હતું જે હવે આર્યનની સામે ઊભું હતું.