Bandhan Mukti in Gujarati Moral Stories by Sanjay Sheth books and stories PDF | બંધન મુક્તિ

Featured Books
Categories
Share

બંધન મુક્તિ

માનવ જીવનમાં આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે આપણું સુખ કે દુઃખ બહારની પરિસ્થિતિઓ પર આધારિત છે. કોઈ વ્યક્તિ શું કહે છે, કોઈ સંબંધ કેવી રીતે ચાલે છે, કોઈ ઘટના કેવી રીતે બને છે. આ બધું જ આપણા મનની સ્થિતિ નક્કી કરે છે, એવું આપણે માની બેઠા હોઈએ છીએ. પરંતુ જો આ વિચારને થોડું ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીએ, તો એક અલગ જ સત્ય સામે આવે છે. બહાર શું બન્યું તેનાથી વધારે મહત્વનું એ છે કે આપણે એને અંદર કેવી રીતે જગ્યા આપીએ છીએ.

એક સરળ ઉદાહરણથી સમજીએ. માનો કે કોઈએ તમને કંઈક કડવી વાત કહી. એ ક્ષણમાં તમને દુઃખ થયું આ સ્વાભાવિક છે. પરંતુ એ વાત પાંચ મિનિટ સુધી તમારા મનમાં રહે અને પછી તમે આગળ વધી જાઓ, તો એ માત્ર એક ઘટના રહી જાય છે. પરંતુ જો એ જ વાત તમે દિવસો સુધી, અઠવાડિયાઓ સુધી, કે વર્ષો સુધી યાદ રાખો, વારંવાર એ જ દૃશ્ય મનમાં દોહરાવો, તો એ ઘટના હવે માત્ર ઘટના નથી રહેતી—એ એક ભાર બની જાય છે.

આ જ છે મનનું વિજ્ઞાન. મન જે વાતને પકડી લે છે, એને સતત ઊર્જા આપતું રહે છે. બહારની ઘટના એક વખત બને છે, પરંતુ મન તેને હજારો વખત ફરીથી જીવતું રહે છે. પરિણામે, જે દુઃખ થોડા સમય માટે હતું, તે લાંબા સમય સુધી ચાલે છે. અહીં પ્રશ્ન એ નથી કે ઘટના ખરાબ હતી કે સારી પ્રશ્ન એ છે કે આપણે તેને કેટલો સમય સુધી અંદર જીવંત રાખીએ છીએ.

જીવનમાં આવું માત્ર શબ્દો સાથે જ નહીં, પરંતુ દરેક અનુભવ સાથે થાય છે. કોઈ સંબંધ તૂટી જાય, કોઈ નજીકનો માણસ દૂર થઈ જાય, કોઈ સપનું અધૂરું રહી જાય આ બધું જીવનનો ભાગ છે. પરંતુ આ ઘટનાઓ પછી આપણે જે માનસિક પ્રક્રિયા શરૂ કરીએ છીએ, એ આપણું વાસ્તવિક અનુભવ ઘડે છે. આપણે વારંવાર “એવું કેમ થયું?”, “મારા સાથે જ કેમ થયું?” જેવા પ્રશ્નોમાં ફસાઈ જઈએ છીએ. આ પ્રશ્નોનો અંત નથી, પરંતુ એ આપણા મનને સતત ભૂતકાળ સાથે બાંધી રાખે છે.

મનનું એક સ્વભાવ છે તેને પકડી રાખવું ગમે છે. તેને છોડી દેવું ગમતું નથી. કારણ કે પકડી રાખવાથી તેને એક ખોટી સુરક્ષા અનુભવાય છે. આપણે માનીએ છીએ કે જો આપણે બધું યાદ રાખીશું, બધું નિયંત્રિત કરવાનો પ્રયાસ કરીશું, તો કદાચ ફરી દુઃખ નહીં થાય. પરંતુ વાસ્તવમાં આ જ પ્રયત્ન આપણને વધુ બાંધે છે.
વિચાર કરો જો કોઈ વ્યક્તિ તમને દુઃખ આપે અને તે પછી તમારા જીવનમાંથી દૂર થઈ જાય, તો બહારથી તે વ્યક્તિ હવે તમારી સાથે નથી. પરંતુ જો તમે તેને મનમાં રાખો છો, તો તે વ્યક્તિ હજી પણ તમારા જીવનમાં હાજર છે. એ વ્યક્તિ હવે બહારથી નહીં, પરંતુ અંદરથી તમને અસર કરે છે. એટલે જ કહેવામાં આવે છે કે બંધન બહાર નથી બંધન મનમાં છે.

આ વિચારને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે “દૃષ્ટિકોણ”ને સમજવો પડશે. એક જ ઘટના બે લોકો માટે અલગ અસર કેમ પેદા કરે છે? કારણ કે બંનેનો દૃષ્ટિકોણ અલગ હોય છે. કોઈ વ્યક્તિ મુશ્કેલીને પડકાર તરીકે જુએ છે, તો કોઈ તેને સમસ્યા તરીકે. કોઈ નિષ્ફળતાને શીખવાનો મોકો માને છે, તો કોઈ તેને અંત માને છે. ઘટના એક જ છે, પરંતુ અનુભવ અલગ છે.

આથી સ્પષ્ટ થાય છે કે જીવનની ગુણવત્તા બહારની ઘટનાઓથી નક્કી થતી નથી, પરંતુ આપણા અંદરના પ્રતિભાવથી નક્કી થાય છે. આપણે શું વિચારીયે છીએ, કેવી રીતે સમજીએ છીએ, અને કેટલી ઝડપથી આગળ વધીએ છીએ આ બધું જ આપણા સુખ-દુઃખને ઘડે છે.

છોડી દેવાની કળા અહીં ખૂબ મહત્વની બની જાય છે. “છોડી દેવું”નો અર્થ ઘણા લોકો ખોટો સમજતા હોય છે. તેઓ માને છે કે છોડી દેવું એટલે કમજોરી, અથવા ભૂલી જવું. પરંતુ હકીકતમાં છોડી દેવું એક શક્તિ છે. એ એક જાગૃતિ છે કે જે થઈ ગયું છે, તે હવે બદલાઈ શકતું નથી, અને તેને પકડી રાખવાથી માત્ર આપણું જ નુકસાન થાય છે.

જેમ આપણે હાથમાં કોઈ ભારે વસ્તુ પકડી રાખીએ, તો થોડા સમય પછી હાથ દુખવા લાગે છે. આપણે સમજીએ છીએ કે સમસ્યા વસ્તુમાં નથી સમસ્યા એ છે કે આપણે તેને પકડી રાખી છે. જ્યારે આપણે એને મૂકી દઈએ છીએ, ત્યારે તરત જ હળવાશ અનુભવાય છે. મન સાથે પણ એવું જ છે.

પરંતુ અહીં એક સૂક્ષ્મ બાબત છે. છોડી દેવું માત્ર વિચારથી શક્ય નથી. “મારે છોડવું છે” એવું વિચારવાથી છોડાતું નથી. તે માટે જાગૃતિ જોઈએ. જ્યારે આપણે સમજીએ છીએ કે કોઈ વિચાર, કોઈ યાદ, કોઈ ઘટના આપણને નુકસાન કરી રહી છે, ત્યારે જ આપણે તેને છોડવાનો નિર્ણય લઈ શકીએ છીએ. આ સમજણ જ પરિવર્તન લાવે છે.

આજના સમયમાં લોકો ઘણી માહિતીમાં જીવતા થઈ ગયા છે. સોશિયલ મીડિયા, સંબંધોની જટિલતા, સ્પર્ધા અને અપેક્ષાઓ આ બધું મનને સતત વ્યસ્ત રાખે છે. આપણે એક ક્ષણ માટે પણ ખાલી નથી રહેતા. અને આ વ્યસ્તતા વચ્ચે મન ઘણી બધી અનાવશ્યક વસ્તુઓ એકઠી કરતું જાય છે. ધીમે ધીમે આ બધું એક ભાર બની જાય છે, અને આપણે કારણ સમજ્યા વગર જ અશાંતિ અનુભવવા લાગે છે.

આથી જરૂરી છે કે આપણે સમયાંતરે પોતાના મનને તપાસીએ. શું આપણે કંઈક એવું પકડી રાખ્યું છે, જે હવે જરૂરી નથી? શું આપણે કોઈ જૂની વાતને લઈને આજે પણ દુઃખી છીએ? શું આપણે કોઈ વ્યક્તિ અથવા ઘટના સામે હજુ પણ રોષ રાખીએ છીએ? જો હા, તો એ બધું છોડવાનું સમય આવી ગયો છે.
જીવન આગળ વધવાનું નામ છે. જે અટકી જાય છે, તે જ દુઃખી થાય છે. જે વહેતો રહે છે, તે હળવો રહે છે. પાણી જો વહે છે, તો તાજું રહે છે. જો અટકી જાય, તો દુર્ગંધ ફેલાય છે. મન પણ એવું જ છે. જો આપણે જૂની વાતોને જ પકડી રાખીશું, તો મનમાં ભાર અને અશાંતિ વધશે.

અંતમાં વાત ખૂબ સરળ છે, પરંતુ એટલી જ ઊંડી પણ છે બહાર શું બન્યું તે આપણા નિયંત્રણમાં નથી, પરંતુ આપણે તેને અંદર કેટલો સમય સુધી રાખીએ છીએ, તે સંપૂર્ણપણે આપણા હાથમાં છે. સાચી મુક્તિ એમાં છે કે આપણે દરેક ઘટનાને તેના સમયે આવવા દઈએ અને પછી તેને જતા પણ દઈએ.

જ્યારે આપણે આ કળા શીખી જઈએ છીએ, ત્યારે જીવનમાં એક નવી હળવાશ આવે છે. પછી આપણે સમજીએ છીએ કે બંધન કોઈ બહારની વસ્તુમાં નહોતું બંધન તો આપણા પોતાના મનમાં હતું. અને જ્યારે મનમાંથી એ બંધન છૂટે છે, ત્યારે જ સાચી મુક્તિનો અનુભવ થાય છે.