A Rough Note of Childhood - 2 in Gujarati Fiction Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | બાળપણની એ રફનોટ - 2

Featured Books
Categories
Share

બાળપણની એ રફનોટ - 2

પ્રકરણ ૨: લખોટીનો દાવ

​સીડીઓ ઉતરીને આર્યન જેવો નીચે પહોંચ્યો, ત્યાં જ નિખિલે તેને આવતો જોઈ પોતાની નવી સાયકલની ઘંટડી જોરથી વગાડી— 'ટ્રીન... ટ્રીન...'. એ તીણો અવાજ આખી સોસાયટીમાં ગુંજતો હતો, જાણે નિખિલ ગર્વથી જાહેર કરતો હોય કે, "જુઓ, મારી પાસે નવી સાયકલ છે અને તમારી પાસે નથી!"
​જુગલ અને બિશન હજુ પણ મંત્રમુગ્ધ અવસ્થામાં, ખભે શાળાનું દફતર ભરાવીને સાયકલના ક્રોમ અને હેન્ડલની ચમક જોઈ રહ્યા હતા. નિખિલે વટથી કહ્યું, "ચાલ આર્યન, મોડું થાય છે. આજે તો મારી નવી સાયકલ પર આપણે ડબલ સવારી જઈશું!"
​આર્યને બેગ બરાબર ગોઠવી. તેના મનમાં એક બાજુ સાયકલ પર બેસવાનો મોહ હતો, તો બીજી બાજુ પેલી સીવેલી 'રફનોટ'નો ભાર. તેણે ક્ષણભર વિચાર્યું, 'આજે એક દિવસ માટે આ લાભ લેવાનો શો અર્થ? રોજ તો ચાલતા જ જવાનું છે ને! રોજ કંઈ નિખિલની સેવાનો લાભ થોડો મળવાનો છે?' તેણે અત્યંત શાંતિથી નિખિલને ના પાડતા કહ્યું, "નિખિલ, તું જા, હું પાછળથી ચાલતા આવું છું. મારે હજી થોડું કામ છે. તારે મોડું થશે અને તું શાળાએ પહોંચવામાં વિલંબ કરીશ."
​નિખિલે પેડલ માર્યા અને સાયકલ સોસાયટીના ગેટની બહાર સડસડાટ નીકળી ગઈ. આર્યન, જુગલ અને બિશન ત્યાં જ ઊભા હતા. આર્યને પેલા બંનેને જાણે સપનામાંથી જગાડતા હોય તેમ ઢંઢોળીને પૂછ્યું, "અરે મિત્રો, શાળાએ નથી જવું?"
​જુગલે નવાઈ પામી પૂછ્યું, "અલ્યા, તારે તો કામ હતું ને?" આર્યને તરત જ સ્મિત સાથે જવાબ આપ્યો, "હતું, પણ હવે પતી ગયું!" બિશને બબડાટ કર્યો, "અરે યાર, નિખિલિયો નવી સાયકલ પર લઈ જતો હતો તો બેસી જવું હતું ને! કેવી મજા આવત. તારે આટલું ચાલવું તો ના પડત. આપણી શાળા તો એની શાળાના રસ્તે જ આવતી હતી. તારે નહોતું જવું તો મને જવા દેવો હતો!"
​આ ચારેય પાકા મિત્રો હતા. આર્યન, જુગલ અને બિશન એક જ સોસાયટીમાં રહેતા અને એક જ સરકારી પ્રાથમિક શાળામાં ભણતા. આર્યન ઉંમરમાં બે વર્ષ મોટો હતો. નિખિલ ઉચ્ચ મધ્યમ વર્ગનો હોવાથી સુખ-સાહ્યબીમાં ઉછર્યો હતો અને બાજુની સોસાયટીમાં રહેતો, છતાં તેને આ ત્રણેય મિત્રો વિના ફાવતું નહીં. તેના પિતાએ તેને સારી સગવડો અને ખાનગી શાળામાં ભણવા મૂક્યો હતો, પણ તેનો જીવ તો આ ગલીના મિત્રોમાં જ વસતો હતો.
​ત્રણેય મિત્રો ધીમે ડગલે શાળા તરફ આગળ વધ્યા. ઠંડો પવન આર્યનના ચહેરાને સ્પર્શી રહ્યો હતો, પણ તેનું ધ્યાન રસ્તામાં આવતી સ્ટેશનરીની દુકાનો પર હતું. તેને યાદ આવ્યું કે તેના કંપાસમાં રહેલી એકમાત્ર પેન્સિલ પણ છોલી-છોલીને હવે નાની આંગળી જેટલી જ વધી છે. 'સાંજે પપ્પાને યાદ કરાવવું પડશે નવી પેન્સિલ માટે...' એવા વિચારોમાં ને વિચારોમાં શાળા આવી ગઈ.
​શાળાના ગેટ પાસે છોકરાઓનું મોટું ટોળું જામ્યું હતું. આજે કંઈક ખાસ થવાનું હતું. બિશને પૂછ્યું, "એલા આર્યન, આજે રિસેસમાં લખોટીનો મોટો દાવ લાગવાનો છે, તું આવીશ ને?" આર્યને ખચકાતા જવાબ આપ્યો, "મારી પાસે તો લખોટી નથી." જુગલે માહિતી આપી, "અરે, મનુભાઈની દુકાને નવા કલરની લખોટીઓ આવી છે, એક રૂપિયાની સોળ આપે છે!"
​આર્યન ચૂપ રહ્યો. તેના ખિસ્સામાં પચાસ પૈસા (આઠ આની) પણ નહોતી. પપ્પાએ સવારે છાપું વાંચવા માટે જે સંઘર્ષ કર્યો હતો, તે જોતા આર્યનની હિંમત નહોતી કે તે વધારાના પૈસા માંગે. પેન્સિલ માટેનું 'ફંડ' તો હજુ ઊભું જ હતું, એટલે તેણે લખોટીનો વિચાર માંડી વાળ્યો.
​પહેલા બે પિરિયડ પૂરા થયા. આર્યન ક્લાસમાં બેસીને તેની પેલી સીવેલી રફનોટમાં ગણિતના દાખલા ગણતો હતો. પેન્સિલ એટલી નાની હતી કે તેને પકડવા માટે આંગળીઓ પર બહુ જોર આપવું પડતું હતું. મમ્મીના શબ્દો યાદ આવ્યા, "પપ્પાને કહ્યું છે, એ લઈ આવશે, પણ બે-ત્રણ દિવસ ચલાવી લેજે."
​રિસેસ પડી. બધા છોકરાઓ મેદાનમાં લખોટી રમવા દોડ્યા. આર્યન એક ખૂણે લીમડાના ઝાડ નીચે જઈને બેઠો. મિત્રોએ તેને બહુ બોલાવ્યો, પણ "મારે કામ છે" કહીને તે દૂર ઊભો રહી બધું જોયા કરતો હતો. ત્યાં જ તેણે જોયું કે ક્લાસનો સૌથી ધનિક છોકરો, રોહન, બધી લખોટીઓ હારી રહ્યો હતો. રોહન પાસે મોંઘી સ્ટેશનરી હતી, અગણિત લખોટીઓ હતી, પણ તેની પાસે 'નિશાન' લગાવવાની આવડત નહોતી.
​"ધૂળ પડી આ રમતમાં! બધી લખોટીઓ પતી ગઈ. હવે આ છેલ્લી પાંચ વધી છે. જો આ પણ હારી ગયો તો નવી લેવા જવું પડશે અને એટલામાં તો રિસેસ પૂરી થઈ જશે!" રોહન ગુસ્સામાં લાલચોળ થઈને બોલ્યો.
​આર્યનના મગજમાં એક ઝબકારો થયો. તે ધીમેથી રોહન પાસે ગયો અને કહ્યું, "રોહન, મારી પાસે એક આઈડિયા છે, જો તું સાથ આપે તો?" રોહને વિચાર્યું અને પૂછ્યું, "તું શું કહેવા માંગે છે?"
​આર્યને શરત મૂકી, "તારી આ પાંચ લખોટી મને ઉછીની આપ. હું તારા બદલે રમત રમીશ અને તને હારેલી બધી જ લખોટીઓ પાછી જીતાડી આપીશ." રોહન જાણતો હતો કે આર્યન લખોટીનો 'એક્કો' છે. તેનું નિશાન ક્યારેય ખાલી જતું નથી. જુગલે પણ ટાપસી પુરાવી, "હા હો! તારી હારેલી બાજી જીતમાં પલટાઈ જશે."
​રોહનની આંખો ચમકી, "હા, પણ તું આ કેમ કરવા માંગે છે?"
​આર્યને તક ઝડપી લીધી. તેણે પોતાની નાનકડી પેન્સિલ બતાવીને કહ્યું, "તારા કંપાસમાં પેલી નવી 'નટરાજ'ની પેન્સિલ પડી છે ને? જો તું મને એ આપે, તો હું તારા માટે આ રમત રમીશ."
​રોહન માટે એ પેન્સિલની કોઈ કિંમત નહોતી, પણ રમત જીતવી એ વટનો સવાલ હતો. તેણે તરત જ પેન્સિલ કાઢી આર્યનને આપી અને પાંચ લખોટીઓ હથેળીમાં સોંપતા કહ્યું, "લે, ચાલ બતાવ તારો કમાલ!"
​આર્યને લખોટી હાથમાં લીધી અને જાણે જાદુગરનો ખેલ શરૂ થયો હોય તેમ, એક પછી એક નિશાન સાધતો ગયો. સામે આવેલા તમામ 'ધુરંધરો'ને પછાડીને તેણે જીત પર જીત મેળવી. જોતજોતામાં બધાના ખિસ્સા ખાલી કરી દીધા. રોહન તો ખુશખુશાલ થઈ ગયો! તેણે બધી લખોટીઓ ગણી અને ગર્વથી કોલર ઊંચા કરી ફરવા લાગ્યો.
​આર્યનના હાથમાં એ નવી, લાંબી અને અણીદાર પેન્સિલ હતી. તેને એવું લાગ્યું કે જાણે તેણે કોઈ મોટું વિશ્વયુદ્ધ જીતી લીધું હોય. તેણે એ પેન્સિલ પોતાની સીવેલી રફનોટમાં ગર્વથી ભરાવી. આજે તેને પહેલીવાર સમજાયું કે 'જરૂરિયાત' અને 'વસ્તુ'ની અદલા-બદલીથી કેવી રીતે રસ્તો કાઢી શકાય છે.
​સાંજે ઘરે પાછા ફરતી વખતે નિખિલે પરાણે તેને સાયકલ પાછળ બેસાડ્યો, પણ હવે આર્યનની નજર નીચી નહોતી. તેના ખિસ્સામાં લખોટીઓ ભલે નહોતી, પણ બેગમાં એ 'પેન્સિલ' હતી જે તેણે પોતાની લાયકાતથી કમાઈ હતી.
​ઘરે આવીને તેણે મમ્મીને પેન્સિલ બતાવી. મમ્મી આશ્ચર્યમાં હતી, "આ ક્યાંથી આવી બેટા?" આર્યને ગર્વથી જવાબ આપ્યો, "આ લખોટીનો દાવ છે મમ્મી! પપ્પાને કહેજો કે હવે પેન્સિલના પૈસા ખર્ચવાની જરૂર નથી."
​મમ્મીની આંખોમાં હર્ષના આંસુ હતા, અને ઉંબરા પર ઉભેલા પપ્પાએ પણ આ સાંભળ્યું. તેમને ગર્વ સાથે સમજાયું કે તેમનો દીકરો હવે માત્ર રફનોટમાં લખતો નથી, પણ જિંદગીના મોટા હિસાબ પણ શીખવા લાગ્યો છે.


પ્રકરણ ૨ નો અંત....

​શું આર્યનની આ આવડત તેને આગળ જતાં કોઈ નવી મુશ્કેલીમાં મૂકશે કે પ્રગતિના પંથે લઈ જશે? તે જાણીશું પ્રકરણ ૩ માં.