Social media and loss of relationships in Gujarati Short Stories by અશ્વિન રાઠોડ - સ્વયમભુ books and stories PDF | સોશિયલ મીડિયા અને સબંધોની ખોટ

Featured Books
Categories
Share

સોશિયલ મીડિયા અને સબંધોની ખોટ

શીર્ષક: "સ્માર્ટફોનનો વ્યાપ અને સંબંધોનો સંતાપ"

આજની ૨૧મી સદીનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે? જવાબ છે - "અંતર." પહેલાના જમાનામાં લોકો દુર રહેતા છતાં દિલથી નજીક હતા, અને આજે આપણે એક જ છત નીચે રહીને પણ એકબીજાથી જોજનો દુર છીએ. આ દુરીનું કારણ બીજું કઈ નહીં પણ આપણા હાથમાં રહેલું ૨૪ કલાકનું રમકડું – 'મોબાઈલ અને સોશિયલ મીડિયા' છે.

૧. 'લાઈક' છે, પણ 'લાગણી' ક્યાં?
આજે આપણી સવાર પથારીમાં બાજુમાં સુતેલા સ્વજનને "ગુડ મોર્નિંગ" કહેવાથી નથી પડતી, પણ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના નોટિફિકેશન ચેક કરવાથી પડે છે. આપણને ફેસબુક પર ૫૦૦ મિત્રોની 'લાઈક' જોઈએ છે, પણ ઘરમાં રહેલા ૫ સભ્યોની 'લાગણી'ની કદર નથી. સોશિયલ મીડિયાએ આપણને આખી દુનિયા સાથે જોડી દીધા, પણ બાજુના રૂમમાં બેઠેલા મા-બાપ કે ભાઈ-બહેન સાથેનો સેતુ તોડી નાખ્યો છે.

૨. ટોળામાં પણ એકલતા
ક્યારેક કોઈ સામાજિક પ્રસંગ કે લગ્નમાં જઈને જોજો. બધાના હાથમાં ફોન હશે. લોકો સામે વાળા વ્યક્તિના ચહેરા કરતા મોબાઈલની સ્ક્રીન પર વધારે સ્મિત કરતા જોવા મળે છે.

 "માણસને હવે માણસની જરૂર નથી રહી,
 વાઈ-ફાઈ મળે એટલે દુનિયા મુઠ્ઠીમાં થઈ ગઈ."
 
આપણે ત્યાં હવે મહેમાન આવે તો પાણીનો ગ્લાસ પછી અપાય છે, પહેલાં તો 'તમારો વાઈ-ફાઈ પાસવર્ડ શું છે?' એ પૂછાય છે. જે વાતો રૂબરૂ આંખમાં આંખ પરોવીને થવી જોઈએ, તે હવે ઈમોજી (Emoji) દ્વારા પતી જાય છે. પરિણામે, સંબંધોમાં જે ઉષ્મા હોવી જોઈએ તે હવે સ્ક્રીનની ઠંડકમાં થીજી ગઈ છે.

૩. દેખાદેખીની દુનિયા
સોશિયલ મીડિયા પર બધું જ 'પરફેક્ટ' બતાવવાની હોડ જામી છે. સ્ટેટસમાં મુકાયેલા ફોટામાં બધા હસતા હોય છે, પણ અંદરખાને સંબંધોમાં કડવાશ ભરેલી હોય છે. આપણે બીજાના સુખી ફોટા જોઈને દુઃખી થઈએ છીએ અને આપણી ખુશી સાબિત કરવા ફોટા મુકીએ છીએ. આ હરીફાઈમાં "જીવંત સંબંધો" ક્યાંક શ્વાસ રૂંધાઈને મરી રહ્યા છે.

૪. સંબંધોની 'ખોટ'
જ્યારે ખરેખર જીવનમાં કોઈ મુસીબત આવે છે, ત્યારે ફેસબુકના ૫૦૦૦ મિત્રોમાંથી એક પણ કામ નથી આવતો; કામ તો એ જ સંબંધી આવે છે જેની સાથે આપણે વાત કરવાનો સમય કાઢ્યો નહોતો.
 * સોશિયલ મીડિયા તમને ખબર પૂછશે, પણ સંબંધી તમારી ખબર રાખશે.
 * સોશિયલ મીડિયા પર 'RIP' લખનારા ઘણા મળશે, પણ ખભે હાથ મુકીને રડવા દેનાર કોઈક જ મળશે.

નિષ્કર્ષ:
ટેકનોલોજી ખરાબ નથી, પણ તેનો અતિરેક ખરાબ છે. મોબાઈલને જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ. ચાલો, આજે થોડો સમય સ્ક્રીન ઓફ કરીએ અને સંબંધો ઓન કરીએ. કોઈને વોટ્સએપ પર મેસેજ કરવાને બદલે એક ફોન કરીએ અથવા રૂબરૂ મળી લઈએ.
યાદ રાખજો, "નેટવર્ક ભલે ઓછું પકડાય, પણ આપણું 'સ્નેહ-વર્ક' મજબૂત હોવું જોઈએ."

આના પર એક રચના પર રજૂ કરું છું: "જેનું શિર્ષક છે સ્ક્રીન પાછળનું સત્ય"

એક જ છત નીચે સૌ અજનબી થઈને જીવે છે,
માણસ હવે માણસને નહીં, બસ મોબાઈલને પીવે છે.
બાજુમાં બેઠાં છે સ્વજન, તોય નજર છે ઓનલાઇન,
શબ્દોના સ્થાને હવે, બસ વાગે છે નોટિફિકેશન સાઈન.

'લાઈક'ની લાલચમાં આજ 'લાગણી' ક્યાંક ખોવાઈ ગઈ,
વાઈ-ફાઈના સિગ્નલમાં સંવેદના જાણે સોવાઈ ગઈ.
દુનિયા આખી મુઠ્ઠીમાં, પણ ઘર છે કેમ સાવ સૂનું?
સ્ટેટસમાં સ્માઈલ છે, પણ હૈયું કેમ લાગે છે ઊણું?

પાંચ હજાર મિત્રો છે પેલા ફેસબુકની દીવાલ પર,
પણ કોણ આવશે દોડીને તારા એક જ સવાલ પર?
જ્યારે આવશે ખરી પીડા, ત્યારે 'નેટવર્ક' નહીં પકડાય,
બસ એ જ જૂના 'સંબંધીઓ' તારો હાથ ઝાલવા આવશે ભાઈ.

ચાલ હવે મૂક ફોન, અને સંબંધોને રિચાર્જ કર,
સામે બેઠેલાં મા-બાપની આંખોમાં જઈ વાસ કર.
ઈમોજી નહીં, પણ રૂબરૂ સ્મિત વેરી જો,
આભાસી દુનિયા છોડી, હવે અસલ જિંદગી "સ્વયમ્'ભૂ" જીવી જો.

એજ વિશ્વાસ એજ જિંદગી હવે સામે બેસી જીવી જો. 

             અશ્વિન રાઠોડ "સ્વયમ્'ભૂ"