Human Rights in Literature - The Value of Manah in Gujarati Motivational Stories by અશ્વિન રાઠોડ - સ્વયમભુ books and stories PDF | સાહિત્યમાં માનવાધિકાર - માણહનું મૂલ્ય

Featured Books
Categories
Share

સાહિત્યમાં માનવાધિકાર - માણહનું મૂલ્ય

વિષય: સાહિત્યમાં માનવાધિકાર
શિર્ષક: લઘુકથા: "માણહનું મૂલ્ય"

જેઠ મહિનાનો બપોર જાણે ધરતી પર અગનગોળા વરસાવી રહ્યો હતો. આભમાંથી સુરજદાદા કોપાયમાન હોય તેમ લૂ વર્ષી રહી હતી. સીમ આખી સુમસામ હતી, પક્ષીઓ પણ માળામાં લપાઈ ગયા હતા. આવા ધખધખતા તાપમાં ગામના પાદરે આવેલા એક ઘટાદાર વડલા હેઠે એક જુવાન શહેરી બાબુ હાથમાં મોંઘીદાટ પેન અને મોટી ડાયરી લઈને બેઠો’તો.
આ જુવાનનું નામ અશ્વિન. ઈ હતો શહેરના સાહિત્યજગતનો ઊગતો લેખક. એને ‘માનવાધિકાર’ (હ્યુમન રાઈટ્સ) ઉપર એક મોટો, વજનદાર ગ્રંથ લખવો હતો. એને એમ હતું કે એસી રૂમમાં બેસીને લખવા કરતા, ગામડાની વાસ્તવિકતા વચ્ચે જઈને લખું તો લખાણમાં 'વજન' પડે. એ વડલા નીચે બેઠો બેઠો આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માનવ ગરિમા વિશેના ભારેખમ શબ્દો વિચારી રહ્યો હતો.

ત્યાં જ દૂર ખેતરેથી આવતી એક આકૃતિ દેખાઈ. પરસેવે રેબઝેબ, થાકીને લોથપોથ થઈ ગયેલા એક વૃદ્ધ ખેડૂત, જેનું નામ રાઘવબાપા હતું, ઈ લથડતી ચાલે વડલાની છાંયે પહોંચ્યા. રાઘવબાપાએ માથે મેલું ફાળિયું બાંધ્યું હતું, શરીરે માત્ર અડધી ધોતલી અને ઉઘાડું ડિલ હતું. તડકાને લીધે ચામડી કાળી પડી ગઈ હતી, પણ ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ગજબનું તેજ અને અનુભવનો ભાર હતો. આવતાની સાથે જ એમણે ખભેથી કોદાળી નીચે મૂકી અને ‘હાશ’ કરીને પોરો ખાવા બેઠા.

અશ્વિને ઉત્સાહમાં આવીને પોતાની ડાયરી ખોલી અને પૂછ્યું, "બાપા, બે ઘડી વાત થશે? તમે જાણો છો માનવાધિકાર શું છે? આપણી સરકારે અને બંધારણે તમને કયા કયા હક આપ્યા છે એની તમને કશી ખબર છે ખરી?"

રાઘવબાપાએ પેલા જુવાનિયા સામે જોયું. એની આંખોમાં કુતૂહલ કરતા કરુણા વધારે હતી. એમણે ઊંડો નિસાસો નાખ્યો, માથેથી નીતરતો પરસેવો લૂછ્યો અને માટલીમાંથી પાણીનો ઘૂંટડો ભરતાં બોલ્યા, "ભાઈ, ઈ બધું તો તમારા કાગળિયામાં અને ભાષણોમાં હારું લાગે. અમારે મન તો અમારો પરસેવો ઈ જ અમારો હક ને ઈ જ અમારો કાયદો. ધરતી ફાડીને દાણા કાઢીએ ત્યારે રોટલો મળે, ઈમાં વળી અધિકાર ક્યાં ગોતવા જાવા?"

અશ્વિન થોડો અકળાયો. એણે દલીલ કરતા કહ્યું, "એમ નઈ બાપા, તમે સમજતા નથી. સાહિત્ય અને કાયદો કહે છે કે દરેક માણસને સમાનતા મળવી જોઈએ, કોઈનું શોષણ ન થવું જોઈએ. તમને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ, ગરિમાપૂર્ણ જીવન મળવું જોઈએ. મારે એના પર જ તો લખવું છે."

રાઘવબાપા ફિક્કું હસ્યા, પણ એ હાસ્યમાં દાયકાઓની વેદના છલકાતી હતી. એમણે પોતાના બંને હાથ અશ્વિન તરફ ધર્યા. હથેળીઓમાં આખા જન્મારાની મજૂરીના કપાસિયા જેવા, પથ્થર જેવા કઠણ આંટણ (ચીરા) પડી ગયેલા હતા. જાણે ધરતી પર પડેલી તિરાડો એમની હથેળીમાં ઉતરી આવી હોય!
"જો ભાઈ," બાપાએ પોતાની ખરબચડી હથેળી બતાવતા કીધું, "તારી ચોપડીમાં કાળા અક્ષરું હશે, પણ મારી આ હથેળીની રેખાઓમાં આખી જિંદગીની મજૂરી અને સંઘર્ષ લખેલો છે. અમે ટાઢ-તડકો વેઠી, લોહીનું પાણી કરીને અનાજ પકવીએ, ને ઈ જ અનાજ વેચવા બજારમાં જાવી તયે ભાવ માટે વેપારી સામે કરગરવું પડે, ઈ ક્યાંનો ન્યાય? જગતનો તાત કહેવાતો હું, પણ જ્યારે મારો દીકરો ભણવા જાય ને ફી ભરવા મારે શાહુકાર પાસે હાથ લંબાવી વ્યાજે પૈસા લેવા પડે, તયે તારો ‘માનવાધિકાર’ ક્યાં સંતાઈ જાય સે ભાઈ?"

અશ્વિન સાવ સ્તબ્ધ થઈ ગયો. એના પુસ્તકિયા જ્ઞાન પર વાસ્તવિકતાનો હથોડો પડ્યો હતો.
બાપાએ વાત પૂરી કરતા કીધું, "સાહિત્ય લખવું હોય તો લખજે ભાઈ, ના નથી. પણ ઈમાં એવું લખજે કે ગરીબના ઘરના ચૂલા ટાઢા ન રે’વા જોઈએ. કાગળ પર માણસ હોવાનો હક મળે એનાથી પેટ નથી ભરાતું. માણહને માણહ ગણીને બોલાવો ને, ઈ જ સાચો અધિકાર. બાકી કાયદા તો ચોપડે ઘણા સે, પણ પેટનો ખાડો પૂરવા તો આ બાવડાં જ કામ આવે!"

અશ્વિને પોતાની પેન બંધ કરી દીધી. એને સમજાઈ ગયું કે સાચા માનવાધિકારની કવિતા એસી રૂમમાં કે પુસ્તકાલયમાં બેસીને નહીં, પણ કોઈ ખેડૂતના પરસેવાની ખારી સુગંધમાંથી જ લખાય. એણે ડાયરીના કોરા પાના પર કોઈ જટિલ વ્યાખ્યા લખવાને બદલે ખાલી એટલું જ લખ્યું -
"પરસેવો એ જ સાચો દસ્તાવેજ છે "સ્વયમ્'ભૂ"