રાજધર્મનો અમર પાઠ
હિમાલયના દક્ષિણ ભાગ માં વસેલું એક અતિ પ્રાચીન ગુરુકુલ હતું. આસપાસ નદીની કલકલ, વનરાજીની સુગંધ અને આકાશમાં ફરતા ઋષિઓના મંત્રોચ્ચારની ગુંજ. આ ગુરુકુલમાં ગુરુ દેવવ્રત મહર્ષિ પોતાના શિષ્યોને વેદ, ઉપનિષદ, નીતિશાસ્ત્ર અને રાજધર્મનું શિક્ષણ આપતા હતા.
ગુરુ દેવવ્રતના આશ્રમમાં રાજકુમારો પણ ભણવા આવતાં, કારણ કે અહીં માત્ર વિદ્યા જ નહીં, પરંતુ જીવન જીવવાની કલા પણ શીખવાતી હતી.
એક સાંજના સમયે બધા શિષ્યો પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા. ગુરુદેવ ધ્યાનમાંથી ઉઠીને શિષ્યો તરફ આવ્યા. તેમના ચહેરા પર અદભુત શાંતિ અને કરુણાનો પ્રકાશ હતો.
ત્યારે રાજકુમાર અનિરુદ્ધ ઊભો થયો અને વિનમ્રતાથી પૂછ્યું:
"ગુરુદેવ, જ્યારે કોઈ મનુષ્ય રાજા બને છે ત્યારે તેના હાથમાં શક્તિ, સત્તા અને વૈભવ આવે છે. શું એ બધું મળ્યા પછી પણ રાજા માટે વિનમ્ર રહેવું શક્ય છે? અને જો અહંકાર આવી જાય તો તેનું પરિણામ શું થાય?"
ગુરુદેવ મંદ સ્મિત સાથે બોલ્યા:
"પુત્ર, આ પ્રશ્ન માત્ર રાજાઓ માટે નહીં, દરેક મનુષ્ય માટે છે. પરંતુ રાજા માટે તો આ પ્રશ્ન જીવ અને મરણ સમાન છે. આજે હું તમને રાજધર્મનો સાચો અર્થ બે કથાઓ દ્વારા સમજાવું છું એક રાજા પરિક્ષિતની અને બીજી લંકાધિપતિ રાવણની."
રાજા પરિક્ષિત ક્ષણિક અહંકાર અને શાશ્વત પસ્તાવો
ગુરુદેવે પોતાની આંખો મીંચી અને ધીમા સ્વરમાં વાર્તા શરૂ કરી:
"પાંડવ વંશના ઉત્તરાધિકારી રાજા પરિક્ષિત હસ્તિનાપુરના સિંહાસન પર બેઠા હતા. તેઓ ધર્મનિષ્ઠ, પ્રજાવત્સલ અને ન્યાયી શાસક તરીકે પ્રસિદ્ધ હતા. પ્રજા તેમને પિતા સમાન માનતી.
પરંતુ પુત્રો, મહાન પુરુષ પણ ક્યારેક ક્ષણિક દુર્બળતાનો શિકાર બને છે.
એક દિવસ રાજા પરિક્ષિત શિકાર માટે જંગલમાં ગયા. ભયાનક તાપ, તરસ અને થાકથી તેઓ અશક્ત બની ગયા. રાજાનું ગળું સૂકાઈ ગયું, આંખો ઝાંખી પડી ગઈ. તેમને પાણીની અત્યંત જરૂર હતી.
એ સમયે તેઓ ઋષિ શમીકના આશ્રમ પાસે પહોંચ્યા. આશ્રમ શાંત હતો. ઋષિ શમીક ઊંડા ધ્યાનમાં લીન હતા.
રાજાએ વિનમ્રતાથી કહ્યું:
'મહારાજ, મને બહુ તરસ લાગી છે, કૃપા કરીને પાણી આપશો?'
પરંતુ ઋષિ ધ્યાનમાં હોવાથી કોઈ જવાબ ન આવ્યો.
રાજાએ ફરી બોલાવ્યું… ફરી મૌન.
ત્યારે રાજાના મનમાં વિચાર ઊઠ્યો:
'હું હસ્તિનાપુરનો રાજા છું. મારી અવગણના કેવી રીતે થઈ શકે?'
આ વિચાર અહંકારમાંથી જન્મેલો હતો. ધીમે ધીમે રાજાનો ધૈર્ય તૂટી પડ્યું.
ક્રોધમાં આવી રાજા પરિક્ષિતે જમીન પર પડેલો એક મરેલો સાપ ઉઠાવ્યો અને ઋષિ શમીકના ગળામાં માળા સમાન પહેરાવી દીધો.
એ ક્ષણ રાજધર્મનો ભંગ હતો. રાજાએ એક તપસ્વીનું અપમાન કર્યું જે ક્ષમ્ય નહોતું.
થોડા સમય બાદ ઋષિ શમીકનો પુત્ર શૃંગી ઋષિ આવ્યો. તેણે પિતાના ગળામાં સાપ જોયો અને ક્રોધથી ધધકી ઊઠ્યો.
તેણે શાપ આપ્યો:
'સાતમા દિવસે તક્ષક નાગ રાજા પરિક્ષિતને દંશ મારશે અને તેનું મૃત્યુ થશે!'
આ સમાચાર રાજા સુધી પહોંચ્યા.
રાજા પરિક્ષિતે ક્રોધ કર્યો નહીં. ભાગી જવાનો પ્રયત્ન કર્યો નહીં. તેમણે પોતાના અપરાધને સ્વીકારી લીધો.
તેમણે સિંહાસન ત્યાગ્યું, રાજ્ય પુત્રને સોંપ્યું અને ગંગા કિનારે આશ્રમ બનાવીને બેઠા.
ત્યાં મહર્ષિ શુકદેવજી આવ્યા અને રાજા પરિક્ષિતે સાત દિવસ સુધી ભાગવત પુરાણનું શ્રવણ કર્યું.
તેમણે અહંકાર ત્યજી દીધો, ભક્તિ અપનાવી અને અંતે તક્ષક નાગના દંશ સાથે પણ ભય વિના ભગવાનનું સ્મરણ કરતાં શરીર ત્યાગ્યું.
ગુરુદેવે ધીમા સ્વરમાં કહ્યું:
'પુત્રો, રાજા પરિક્ષિત મહાન એટલા માટે નથી કે તેમણે ભૂલ ન કરી, પરંતુ એટલા માટે મહાન છે કે તેમણે ભૂલ માની, પસ્તાવો કર્યો અને ધર્મ તરફ વળ્યા.'"
અહંકારી રાવણ નો અપરાજિત ભ્રમ
ગુરુદેવે શ્વાસ લીધો અને આગળ બોલ્યા:
"હવે રાવણની વાર્તા સાંભળો.
લંકાનો રાજા રાવણ વિદ્વાન હતો, શિવભક્ત હતો, વેદોનો મહાન પંડિત હતો. તેણે ઘોર તપસ્યા કરીને બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે દેવતા, દાનવ અને ઋષિ કોઈ તેને મારી ન શકે.
આ વરદાન મળતાં જ તેના મનમાં અહંકાર ઉછળ્યો.
તે વિચારવા લાગ્યો:
'હું અપરાજિત છું. હવે કોણ મારી સામે ઊભો રહી શકે?'
તેને ભૂલી ગયો કે સ્ત્રી અને માનવથી બચવાનો વરદાન તેણે માગ્યો જ નહોતો.
રાવણે દેવલોકને પડકાર્યો, ઇન્દ્રને અપમાનિત કર્યો, ઋષિઓના આશ્રમ નષ્ટ કર્યા અને ધર્મનો ઉપહાસ કર્યો.
વિભીષણે અનેક વખત તેને સમજાવ્યું:
'ભાઈ, અહંકાર તારો વિનાશ કરશે. માતા સીતાને પરત મોકલી દે.'
પરંતુ રાવણ હસ્યો:
'હું લંકાનો સ્વામી છું. મારા ભાઈ-ભતૃ, મારી સેના, મારા શસ્ત્રો બધું અપરાજિત છે.'
તેને વિચાર્યું નહીં કે શક્તિ ધર્મથી મોટી નથી.
પરિણામે શ્રીરામ સાથે મહાયુદ્ધ થયું. લંકા ભસ્મીભૂત થઈ. કુંભકર્ણ, મેઘનાદ જેવા વીરો મૃત્યુ પામ્યા.
અને અંતે શ્રીરામના તીરથી રાવણનું મસ્તક ધરાશાયી થયું.
મરણ સમયે પણ રાવણને સમજાયું કે તેનું સાચું શત્રુ શ્રીરામ નહીં, પરંતુ પોતાનો અહંકાર હતો."
તે પછી ગુરુજી એ રાજધર્મનો અમર ઉપદેશ આપ્યો.
ગુરુદેવે બંને હાથ ફેલાવ્યા અને શિષ્યો તરફ જોઈને ગર્ભિત સ્વરમાં બોલ્યા:
"પુત્રો, આ બંને કથાઓમાં રાજધર્મનો અમર પાઠ છુપાયેલો છે.
રાજા પરિક્ષિતે ક્ષણિક અહંકાર કર્યો, પરંતુ પસ્તાવ્યો, પ્રાયશ્ચિત કર્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યો.
રાવણે સતત અહંકાર પોષ્યો, ચેતવણી અવગણીઅી અને વિનાશ પામ્યો.
અટલે રાજધર્મનો સાર એ છે:
રાજા સેવક છે, સ્વામી નથી.
સત્તા ધર્મ માટે છે, ભોગ માટે નહીં.
પ્રજા દેવ સમાન છે.
ઋષિ, વિદ્વાન અને સ્ત્રીનો અપમાન રાજ્યને નષ્ટ કરે છે.
વિનમ્રતા રાજાનો સૌથી મોટો શણગાર છે.
સત્ય, ક્ષમા અને કરુણા રાજાના તાજમાં જડેલા હીરા છે.
અહંકાર એ રાજાનો ગુપ્ત શત્રુ છે.
જે રાજા પોતાને ભગવાનનો પ્રતિનિધિ માને અને પ્રજાને પોતાનો પરિવાર સમજે
એ રાજા યુગો સુધી યાદ રહે છે.
અને જે રાજા અહંકારમાં અંધ બને તે રાવણ બનીને ઇતિહાસમાં વિલુપ્ત થઈ જાય છે."
શિષ્યો સૌ જમીન પર માથું ઝુકાવીને બોલ્યા:
"ગુરુદેવ, આજે અમને સાચો રાજધર્મ સમજાયો. હવે અમે સત્તાને સેવા અને શક્તિને સંયમ સાથે જ વાપરીશું."
હિમાલયમાં સંધ્યાની આરતીની ઘંટડી વાગી.
સૂર્યાસ્તની લાલિમામાં ગુરુકુલ સોનાળી રોશનીમાં ઝગમગાયું અને જ્ઞાનનો દીવો યુગો સુધી પ્રજ્વલિત રહ્યો.