•••••••
જબરા જીગા સાથે એલિયન્સની માથાકૂટ
•••••••
_________
આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરીને થાકેલો જીગો રાત્રિના ઠંડા પવનને માણતો અગાધ અવકાશ નીચે ખાટલામાં આડો પડ્યો હતો. રોજની જેમ આજે’ય ખેતરની રખેવાળી કરતા કરતા આકાશના તારા ગણતો હતો.
જીગો નાનપણથી એકલો હતો, તેના માબાપ તેને ગોઠણીયે ચાલતો મૂકી ગુજરી ગયા હતાં. ત્યારથી લઈને અત્યાર સુધી તેને પોતાના દીકરાની જેમ સાચવનાર એકમાત્ર વ્યક્તિ રામાકાકા હતા. રામાકાકાએ જીગાને ભણાવવા માટે શા શા વાનાં કર્યા પણ ઠોઠ જીગો ન ભણ્યો. મોટો થયા પછી પોતાની પરિસ્થિતિ સમજીને તેણે રામાકાકાનાં જ ખેતરમાં કામ કરવાનું શરૂ કરી દીધું. બસ તે આખો દિવસ કાળી મજૂરી કરતો જેનાં બદલામાં જમવાનું ને રહેવાનું તેને પ્રાપ્ત થતું.
કાકાના છોકરા આમતો બધા વિદેશમાં રહેતા એટલે કાકાના પ્રેમનો વારસ ખાલી જીગો હતો. જીગાને પરણવાના હેલ હતા પણ ઉંમર વિતવા છતાં કોઈએ અભણ જીગાને છોકરી ન આપી એથી જીગાએ ગૃહસ્થીની આશા જ છોડી દીધી. હવે જીવનું સંપૂર્ણ ધ્યાન કાકાના ખેતરમાં કામ કરવું અને કાકાને રાજી રાખવું હતું.
આજનાં આખા દિવસનાં થાકને ઉતારતો જીગો ખાટલામાં પડ્યો પડ્યો કંઇક વિચારી રહ્યો હતો. ગગન આજે સ્વચ્છ હતું, તેથી ઘણા તારાઓ દેખાઈ રહ્યા હતા.
પડ્યા પડ્યા જ જીગાની નજર આકાશમાંથી તેજ ગતિમાં પૃથ્વી પર આવી રહેલા એક વિચિત્ર આકાર પર પડી. ઘડીભર જીગાને લાગ્યું કે આકાશમાંથી કોઈ ચમકતી રકાબી પડી રહી છે, પણ ધીરે ધીરે તેં એને યમનાં વિમાન જેવું લાગ્યું. તેને લાગ્યું કે તેનો અંત નજીક છે અને યમદૂતો તેને લેવા આવી રહ્યા છે.
જેમ જેમ તેં વિમાન નજીક આવતું ગયું તેના પ્રકાશથી જીગાની આંખો ઢંકાવા લાગી. તેની આંખે અંધારા આવી ગયા અને તેનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું.
થોડીવાર સુધી જીગાને બધું દેખાવાનું બંધ થઈ ગયું. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેણે જોયું કે તેના જ ખેતરનાં છેડે તેં યાન ઉતર્યું હતું. તે યાનમાંથી લાંબા, પાતળા, આછા લીલા રંગનાં વાન સાથે સંપૂર્ણ નગ્ન અને આખા શરીર પર વાળનો એક ટુકડો’યે ના હોય તેવા શરીર વાળા વિકરાળ દાંતો અને લાંબી આંગળીઓ વાળા જીવો ઉતરતા હતા. તે જોઈને જીગાને કંઈક અજીબ લાગ્યું, તેને આ યમનાં દૂતો ન લાગ્યા. ગામનાં જોશી મહારાજે કહ્યું હતું તેનાથી તો આ જીવો તદ્દન અલગ હતાં, જીગાને દાળમાં કંઈક કાળું લાગ્યું.
જીગો પહેલાં તો થોડો ગભરાયો, પણ પછી તેણે હિંમતથી ખાટલામાંથી ઊભા થતાં ઊંચા અવાજે તેં વિચિત્ર જીવોને પૂછવા માંડ્યું.
"કોણ સો લ્યા? ચમ ઓમ આવડી મોટી રકાબી જેવી આ પતંગ લઇ નં મઇ ખેતરોમં પેહી જ્યાં સો?"
"એય, બોવ ચપચપ ના કર, અમે શનિ ગ્રહનાં ચંદ્ર ટાઇટન પરથી આવ્યા છીએ. અમને તમે લોકો એલિયન્સનાં નામે ઓળખો છો. અમે તમારાં ગ્રહનાં લોકોને અમારા ગ્રહ પર લઈ જઈએ છીએ, ત્યાં અમારા ગ્રહનાં વૈજ્ઞાનિકો તમારા પર રિસર્ચ કરે છે. આજે તારો વારો છે એટલે ચૂપચાપ યાનમાં બેસ."
"જો ભૈ, તમે શનિ પરથી આયા હોય ક પસી મંગળ પરથી... માર તો રાહુ નડ છ, શનિનો તો વાંધો નહિં, રાહુ ન મેસેજ પોંચાડજો ને, ક આ જીગાને ભૈ તમે ચમ નડો સો?"
"અરે, આ કેટલું બોલે છે? ભાઈ, શનિ અને રાહુ કોઈ માણસ નથી કે કહી દઈએ કે જીગાભાઈએ આમ કીધું છે." એલિયને કંટાળાનાં ભાવ સાથે કહ્યું.
"મોટાભાઈ, આની સાથે જીભાજોડી શું કરો છો? ચાલ રે, બેસી જા સ્પેસશિપમાં..."
"અલ્યા ભૈ, ફરવાનો તો મનેય બોવ શોખ સ! પણ અતા'રે આ કામનો ટેમ ચાલ સ. જો ન, આ તમાકુ ચેટલી મોટી થઈ જઇ સ. મારં તો અતા'રે નઇ અવાય, આ રોમાકાકાની તમાકુ વાઢી નં આઇશ."
"અલ્યા ભાઈ એમ ના થાય, આજ આવવું પડશે."
"ભલા માણસ, માફ કરજે! તૂ તો એલિયન સુ નઈ ! એટલં ભલા એલિયન, આજકલ દા’ડિયા નહિ મલતા, એટલં માર જ બધું કામ કરવાનું સ. તું બે દા'ડા પછી આવજે."
"બોવ થયું તારું હવે, સ્પેસશિપમાં બેસ નહિ તો અમને બીજા રસ્તા પણ આવડે છે."એલિયને લેસર-ગન કાઢતા કહ્યું.
"ભઈ આમ લડાય નઈ, કાલે તું આવજે ગામ મં, કાકાની રજા લઇ નં પસી નેકરી જશું."
"અલ્યા ભાઈ, જો કાલે ગામમાં જઇએ તો નાસાવાળાઓને ખબર પડી જાય અને અમે ખતરામાં મુકાઈ જઇએ."
"તો પસી નહીં જવું કાકા જોડે, બસ! આપણા લીધે કોક નં તફલીક પડ એવું કામ જ આપણે નહીં કરતા..."
"હાશ... ચાલ હવે..."
"પણ ભૈ, મન જ હુ કરવા લઈ જવો સ? લે નં, આ કેરીઓ લઈ જા! આફૂસ કેરી સ, આખું ગામ રામાકાકા જોડે માંગવા આવ સ. પણ કાકો હારો બોવ ચેંકણો, કોઈ ન એક કેરી'ય આલતો નહિ... આતો તું હારો મોંણહ, માફ કરજે તું હારો એલિયન દેખાય સ એટલં આલુ સુ તન, લે આ લઈ જા તારા ગોમવારાઓ નય ખવડાવજે, બોવ મીઠી કેરીઓ સ.
"ભાઈ તું માથું ખાવાનું છોડ, આવ અમારી જોડે..."
"હારું હેડ અતા’ર, પણ તોં માવો મલશે ન? પેલું શું સ માર માવા વગર ના હેંડે..." જીગાએ છેલ્લું શસ્ત્ર છોડ્યું.
"રહેવા દે ભાઈ, જો તને અમારી જોડે લઈ જઇએ તો અમારા ગ્રહનાં લોકો તારા ત્રાસનાં લીધે આત્મહત્યા કરી લેય." આટલું કહી એલિયન્સ યાન લઈને પોતાનાં ઘરે પાછા જતાં રહે છે અને તેનાં પછી આટો મારવા પણ પૃથ્વી પર પાછા આવતા નથી.
તેઓનાં ગયા પછી જીગો ધીમેથી બોલે છે.
"દર વખતે આવા કામ નાસા અને ઈશરો વાળા જ થોડી કરે, આપણે ય થોડી સમાજસેવા કરવી પડ."
(સમાપ્ત)