Monalisa in Gujarati Anything by Shreyash R.M books and stories PDF | મોનાલીસા

Featured Books
Categories
Share

મોનાલીસા

મોનાલીસા – તમે ઘણી વાર અને ઘણી બધી જગ્યાએ આ શબ્દ સાંભળ્યો હશે. ક્યારેક પુસ્તકમાં, ક્યારેક ઈન્ટરનેટ પર, તો ક્યારેક કોઈ વાતચીતમાં. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મોનાલીસા છે શું? મોનાલીસા એક ખૂબ જ પ્રખ્યાત અને વિશ્વવિખ્યાત પેઇન્ટિંગ છે. જો તે ફક્ત એક પેઇન્ટિંગ જ છે તો પછી તે એટલી પ્રખ્યાત કેમ બની? આ પેઇન્ટિંગ એટલી પ્રખ્યાત હોવાના પાછળ ઘણા બધા કારણો છે. ચાલો આજે તેના વિશે થોડું વિગતે જાણીએ.

મોનાલીસા પ્રખ્યાત થવાનું સૌથી મોટું કારણ છે તેનો પેઈન્ટર – “લિયોનાર્ડો દા વિન્ચી”. લિયોનાર્ડો દા વિન્ચી ઈટલીના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને પ્રતિભાશાળી વ્યક્તિ હતો. તે ફક્ત પેઇન્ટર જ નહોતો, પરંતુ એક એન્જિનિયર, વૈજ્ઞાનિક, વિચારક, શિલ્પકાર અને આર્કિટેક્ટ પણ હતો. તેને માનવ જીવન, પ્રકૃતિ અને વિજ્ઞાન વિશે ઊંડો રસ હતો. મોનાલીસા સિવાય પણ તેણે ઘણી ફેમસ પેઇન્ટિંગ્સ બનાવી છે અને અનેક શોધો વિશે વિચારણા કરી છે.

લિયોનાર્ડો દા વિન્ચીને મનુષ્યની શરીરરચના જાણવા વિશે વિશેષ ઉત્સુકતા હતી. તેણે માનવ શરીરના અંદરના ભાગો વિશે અભ્યાસ કર્યો અને તે બધું પોતાની નોટબુકમાં ખૂબ જ વિગતે લખ્યું. આ નોટબુક આજે પણ મ્યુઝિયમમાં સંગ્રહિત છે અને લોકો તેને જોવા માટે દૂર દૂરથી આવે છે. આ બધું બતાવે છે કે લિયોનાર્ડો માત્ર કલાકાર નહીં, પરંતુ એક મહાન વિચારક પણ હતો.

જ્યારે તમે મોનાલીસા પેઇન્ટિંગને જુઓ છો, ત્યારે સૌથી પહેલા તમારું ધ્યાન તેની સ્માઇલ તરફ જાય છે. મોનાલીસાની સ્માઇલ ખૂબ જ રહસ્યમય છે. પહેલી નજરે જોતા તમને તે સામાન્ય સ્માઇલ લાગશે, પરંતુ જેમ જેમ તમે તેને વધારે સમય સુધી જોશો તેમ તે સ્માઇલ બદલાતી લાગશે. ક્યારેક તે ખુશ દેખાય છે, તો ક્યારેક ગંભીર. જેટલી વાર તમે તેને જોશો, તેટલી વાર તે કંઈક અલગ જ અનુભવ કરાવે છે. આ સ્માઇલ પાછળનું સાચું કારણ આજ સુધી કોઈ સમજી શક્યું નથી.

ત્યારબાદ તમારું ધ્યાન તેની આંખો ખેંચે છે. તેની આંખો શાંત, સ્થિર અને અચળ લાગે છે. તમે જ્યાં ઊભા રહો ત્યાંથી પણ તમને એવું લાગશે કે જાણે તે આંખો તમને જ જોઈ રહી છે. તેની આંખોમાં એક અજીબ પ્રકારની ઊંડાઈ છે, જે દર્શકને વિચારમાં મૂકી દે છે.

મોનાલીસાની પાછળનું દ્રશ્ય પણ એટલું જ વિચિત્ર અને કલ્પનાત્મક છે. ત્યાં ઊંચા પહાડો, વાંકીચૂંકી નદી અને રસ્તો દેખાય છે, જે આગળ જઈને ક્યાંય ગાયબ થઈ જાય છે. આ દ્રશ્ય જોતા એવું લાગે છે કે જાણે કોઈ સ્વપ્ન હોય અથવા જૂના જમાનાની કોઈ ધૂંધળી યાદ. એવું લાગે છે કે મોનાલીસા અને તેની પાછળનું દ્રશ્ય બંને એકબીજા સાથે ભળી જાય છે.

તે સમયના પેઇન્ટિંગ્સમાં લોકો સામાન્ય રીતે સીધા અને ઔપચારિક રીતે બેસેલા દેખાતા હતા. પરંતુ લિયોનાર્ડોએ આ નિયમ તોડી નાખ્યો. તેણે મોનાલિસાને ખૂબ જ સ્વાભાવિક રીતે બેસેલી બતાવી છે, હાથ થોડા વળેલા અને ચહેરા પર શાંતિનો ભાવ.
મોનાલીસાને સૌથી વધુ ખ્યાતિ ત્યારે મળી જ્યારે વર્ષ 1911માં આ પેઇન્ટિંગ લુવ મ્યુઝિયમમાંથી ચોરી થઈ ગયું. બે વર્ષ પછી તે પાછું મળ્યું. આ ઘટનાની ચર્ચા આખી દુનિયામાં થઈ અને ન્યૂઝ પેપરમાં તેનું ફોટો છપાયું. એ પછી મોનાલીસા દરેક ઘરમાં ઓળખીતી બની ગઈ.

આજે પણ લાખો લોકો ખાસ મોનાલીસા જોવા માટે પેરિસ જાય છે. લગભગ દરેક વ્યક્તિ એ જ ભાવ સાથે પાછો આવે છે કે આ પેઇન્ટિંગમાં કંઈક અલગ છે, પરંતુ શું છે તે શબ્દોમાં કહી શકાતું નથી. જેટલી વાર તેને જુઓ, તેટલી વાર એક નવો અનુભવ થાય છે.

મારી આ જાણકારી તમને કેવી લાગી તે જરૂર થી જણાવશો. અને મારાથી આ માહિતીમાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો.