Gift City Gandhinagar in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | ગિફ્ટ સીટી ગાંધીનગર

Featured Books
Categories
Share

ગિફ્ટ સીટી ગાંધીનગર

 એક સાંજના લોંગ ડ્રાઈવમાં નીકળી પડ્યો અમદાવાદ થી નજીક, ગાંધીનગરની બાઉન્ડ્રી  ગણાતું પણ ગાંધીનગર શહેરથી દસેક કિલોમીટર અંદર તરફ એ ગિફ્ટ સિટી જોવા. હવે તો અમદાવાદ ગાંધીનગર 25 થી 30 મિનિટમાં એક પછી એક ફ્લાય ઓવરો પસાર કરતાં પહોંચાય છે. ચ રોડ આવતાં સહેજ આગળ જઈ રક્ષા યુનિ. ગેટ ની બાજુમાંથી જઈ સાત કિલોમીટર જમણી બાજુ જાઓ એટલે ગિફ્ટ સિટી આવે. નવી મેટ્રો દ્વારા તાજેતરમાં જ ગિફ્ટ સિટી અમદાવાદ, ગાંધીનગર  સાથે જોડાયેલું છે.

ગિફ્ટ સિટી એટલે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સીટી. બધી મોટી મોટી કોર્પોરેટ ઓફિસો, મોટી બેંકો ની અગત્યની બેક ઓફિસો,  મોટી આઇટી કંપનીઓ ની ઓફિસો અહીં આવેલી છે.

ગિફ્ટ સિટી તરફનો રસ્તો બેય તરફ એકદમ લીલોતરી વાળો છે. ઉપર ખુલ્લું ભૂરું આકાશ,  પ્લાન કરી, ખૂબ વિચારીને ડિઝાઇન કરેલી વનસ્પતિ રોડની વચ્ચે ડીવાઈડર પર ઉગાડી છે  અને રોડ્સ ની ક્વોલિટી ખૂબ જ સરસ છે. પહોળા અને એકદમ કાળા ડામરના રસ્તાઓ છે. 

હવે તો બેય  તરફ  વીસ થી ત્રીસ માળનાં મકાનો બની રહ્યાં છે. ગાંધીનગર હવે શહેર બની ગયું છે પણ ઠીકઠાક કમાતી વ્યક્તિને પોષાય એવું જીવનધોરણ છે જ્યારે ગિફ્ટ સિટીમાં તો રહેણાંક આકાશને આંબે એવી કિંમતો. કોઈએ કહ્યું સારાં  3 bhk નું ભાડું 50 હજાર ઉપર છે! ફ્લેટ પણ પાંચ થી છ કરોડના.  એક રાત થી  એક વીક રહેનારાઓ ને સ્ટુડિયો અને હોમ સ્ટે પણ  ખૂબ બન્યા છે, એ પણ મોંઘા.

બધી જ ઓફિસો અને રહેણાંક ટાવરો  વચ્ચે એક જ સેન્ટ્રલ કુલિંગ પ્લાન્ટ ભૂગર્ભમાં છે. ઘરમાં ખાલી ઇન્ડોર  યુનિટ નખાવવાનું. બારી કે છજાં  પર  ફેન વાળું ડબલું દેખાય નહીં. એ જ રીતે પાણી, સુએઝ બધાની આખી ટાઉનશિપની એક જ ભૂગર્ભ સિસ્ટમ છે.

મુખ્ય ગિફ્ટસિટીનાં કેન્દ્ર નજીક સર્કલ પાસે પહોંચતાં જાણે કે વિદેશમાં કોઈ ભવ્ય રસ્તે  અને ભવ્ય સ્થળે જતો હોઉં એવું લાગ્યું.

ખૂબ સરસ ડિઝાઇન વાળાં બિલ્ડિંગોના આકારો જ હેરત પમાડે એવા હતા. એક બે તો પિઝા ના  ઢળતા મિનારા જેવાં ત્રાંસા જ હતાં! એકાદ માં ભૂરા અને સફેદ કાચની અદભૂત ડિઝાઇન બનાવેલી. એકાદું તો ફૂટવા આવેલ રોકેટ કે ઊભી બોલપેન જેવું હતું. ખાસ તો સહુથી ઊંચું મકાન tower 1 અને ખાસ વળાંકો વાળું curv જરૂર જુઓ.

એકદમ પહોળા અને સ્વચ્છ રસ્તાઓ. બેય બાજુ ગ્રીન બેલ્ટ છે. અંદર જાણીતી સંસ્થાઓ જેવી કે NSE, SBI, LIC, ગૂગલ,IBM વગેરે નાં મકાનો છે. એ સાથે બાયો ટેક યુનિ. આવેલી છે.

 એન્ટ્રન્સ પાસે ગીર ના સિંહો ઊભા કરેલું સર્કલ વગેરે જોવાનો અનુભવ યાદગાર રહ્યો.  બીજી પણ વિવિધ આકૃતિઓ સર્કલો પર મૂકી છે.

ડબલ ડેકર સામી મળી પણ ખાલી. એની સાથે ફોટો પડાવ્યો. NSE ની બહાર બુલ સાથે ફોટો ન લઈ શકાયો, ત્યાં ફોટો લેવા પર પ્રતિબંધ છે.

જ્યાં આલ્કોહોલ કે દારૂ મળે છે તે મર્ક્યુરી ગ્રીન હોટેલ અને ત્યાંની ક્લબ હાઉસ બહારથી જોયાં.

ત્યાં પણ શોભા, બ્રિગેડ, પ્રેસ્ટીજ વગેરે બેંગલોર ના બિલ્ડર  બહુમાળી મકાનો કરી રહ્યા છે.

રસ્તે T આકારનું TCS નું બિલ્ડિંગ પણ જોયું.

એક વખત લોંગ ડ્રાઇવ માં જઈ મુલાકાત લેવા જેવી.

નજીકમાં શિવા રેસ્ટોરાંમાં 90 રૂ. ની કેપેચીનો કોફી  અને 100 રૂ. ની ફ્રેન્ચ ફ્રાય, એવી જ સેન્ડવીચ નો નાસ્તો કર્યો. ખૂબ સરસ, સ્વાદિષ્ટ. Ambience પણ ગમે તેવું. એમ જ, ગેટ બહાર નીકળી ગાંધીનગર કે અમદાવાદ તરફ જતાં સરસ રેસ્ટોરાં, ઢાબા આવે. હવે તો ગિફ્ટ સિટી તરફ વળાંક લેતાં  જ મોટા મોલ્સ અને ભવ્ય શોપિંગ સેન્ટરો  પણ વસી ગયાં છે.

ગિફ્ટ સિટીમાં આંટો મારો એટલે દુબઇ ગયા હો તો રંજ ન થાય.

***