લગ્ન કરનારાઓ માટે કોઈ કોલેજ નથી હોતી, જેમાંથી ભણીને પાસ થાય તેને ‘આદર્શ પતિ’ કે ‘આદર્શ પત્ની’નું સર્ટિફિકેટ મળે. છતાં આદર્શ લગ્નજીવન કેટલાંક લક્ષણો પરથી ઓળખી શકાય છે. નીચે એવા કેટલાક લક્ષણો છે, જેને જીવનમાં ચાવીઓ તરીકે વાપરીએ તો લગ્નજીવનમાં સુખ અને શાંતિ કાયમ રહી શકે છે.
એકબીજાના મિત્ર તરીકે રહે
આદર્શ પતિ-પત્ની લગ્ન પછી પણ એકબીજાના મિત્ર તરીકે રહે છે. જેમ આપણે મિત્રની કાળજી ન રાખીએ, તેને ગમે તેમ બોલીએ, એકબીજાને દુઃખ આપીએ તો મિત્રતા લાંબી ન ટકે, તેમ લગ્નજીવનમાં પણ જો પતિ-પત્નીમાં મિત્રતા ન હોય તો સંબંધ ટકતો નથી. ઘણીવાર, લગ્ન પહેલાં મિત્રતા હોય તો પણ, લગ્ન પછી મિત્રતાનું સ્થાન એકબીજા પ્રત્યેના અભિપ્રાયો, આગ્રહો અને વધુ પડતી અપેક્ષાઓ લઈ લે છે. પછી ક્લેશ અને કકળાટ શરુ થાય છે. જ્યારે સુખી લગ્નજીવન જીવતા દંપતીઓ એકબીજાના પતિ-પત્ની નહીં, પણ ‘કમ્પેનિયન’ તરીકે રહે છે.
એકબીજાને સિન્સિયર રહે
પતિ અને પત્ની એકબીજાને સિન્સિયર રહે, એકબીજાને વફાદાર રહે એ લગ્નજીવન આદર્શ કહેવાય. એટલે કે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ લગ્નની બહાર કોઈ અન્ય વ્યક્તિ સાથે આચાર તો ન જ બગડે, પણ દૃષ્ટિ કે વિચાર પણ ન બગડે, તો પતિ-પત્ની એકબીજાને સંપૂર્ણ સિન્સિયર રહ્યા કહેવાય.
સ્વાર્થ કે ઘાટ ન હોય
આદર્શ પતિ-પત્નીના સંબંધમાં પોતાની સેફસાઈડ કે સ્વાર્થને મહત્તા ન મૂકાઈ હોય. “આમાં મારું કેટલું?”, “મારો શું ફાયદો?” એવા સ્વાર્થ કે ઘાટવાળા વિચારો ના હોય. પોતે સામાને સમર્પણ થયા, એના બદલામાં સામો પોતાના માટે કેટલી લાગણી રાખે છે, તેની મૂલવણી ના હોય. ગમે તેટલી મુશ્કેલી આવે, દુઃખ પડે, અડચણ આવે, તોય પોતે એડજસ્ટમેન્ટ લીધા જ કરે. સ્વાર્થ ન હોય એટલું જ નહીં, ઊલટું સામા માટે ઘસાઈ જવાની પૂરી તૈયારી હોય.
મતભેદમાંથી મનભેદ ન સર્જાય
પતિ પત્નીના પ્રાકૃતિક ભેદને કારણે મતભેદ થાય, એકબીજાના વ્યૂ પોઈન્ટ જુદા પડે એ સ્વાભાવિક છે. પણ એ મતભેદની એક-એક ઈંટ મૂકાતા મૂકાતા જો મોટી દીવાલ ચણાઈ જાય, તો ત્યારે મનભેદ સર્જાય છે. પછી બંનેમાં મોટો ભેદ પડે છે, જે પરિણામે લગ્નજીવનમાં છૂટાછેડાનું કારણ બને છે. આદર્શ પતિ-પત્નીને એકબીજા માટે અને એકબીજાના વ્યૂ પોઈન્ટ માટે આદર હોય છે. મતભેદ પડી જાય તો બંને તરત સમજણ દાખવીને કે સામસામે વાતચીત કરીને પરિસ્થિતિનો ઉકેલ લાવી દે છે.
‘વન ફેમિલી’ તરીકે રહે
‘વન ફેમિલી’ કોને કહેવાય કે જ્યાં ‘મારું-તારું’ એવો ભેદ ના હોય, બધા એક પરિવાર તરીકે રહેતા હોય. આદર્શ પતિ અને પત્નીની વચ્ચે એકબીજા માટે “આ મારું, આ તારું” એવો ભેદ નથી હોતો, પછી એ પૈસા હોય, વસ્તુ હોય કે પરિવારજનો. ખાસ કરીને બેઉને એકબીજાના પરિવાર માટે એટલી એકતા હોય, કે ત્યાં સાસરું અને પિયર એવો તફાવત નથી રહેતો. બેઉ એકબીજાના માતા-પિતાને પોતાના માતા-પિતાની જેમ ગણે છે.
એકબીજાને આપેલું પ્રોમિસ પાળે
લગ્નના ફેરા ફરતી વખતે પતિ અને પત્ની એકબીજાને જીવનભર સાથ નિભાવવાનું વચન આપે છે. આદર્શ પતિ-પત્ની આ વચન છેક સુધી નિભાવે છે. કોઈ પણ આર્થિક, સામાજિક, કૌટુંબિક કે શારીરિક પરિબળ આ પ્રોમિસ પાળવામાં બાધા ઉત્પન્ન નથી કરતું. ધંધા-નોકરીમાં મોટી ખોટ કે બીજું કોઈ આર્થિક નુકસાન થાય, શારીરિક ખોડખાંપણ આવે, કુટુંબ કે સમાજમાં મુશ્કેલી આવે તો પણ બંને એકબીજાની પડખે ઊભા રહે છે.
ટૂંકમાં, પતિ-પત્ની એકબીજાને દુઃખ ન આપે, એકબીજાના દોષ ન જુએ અને પ્રેમથી જીવન જીવે તો લગ્નજીવન આદર્શ બને છે. એથીય આગળ વધીને, સામો સારું કરે કે ખરાબ, તોયે હૃદયમાં સામા પ્રત્યેનો પ્રેમ જરાય વધ-ઘટ ના થાય, અને એકધારો વહ્યા કરતો હોય, ત્યારે પતિ-પત્નીના સંબંધમાં દિવ્યતા આવે છે!