જીવન હેતુસર હોવું જોઈએ. જેમ પેટ્રોલ નાખ્યા પછી કોઈ એન્જીનને ખાલી ચલાવ ચલાવ કરીએ તો એ મિનિંગલેસ (અર્થહીન) નીવડે છે. પણ જો તે એન્જીન સાથે પટ્ટો જોડીને કોઈ મશીન ચલાવીએ તો કામ થાય. તેવી જ રીતે આખી જિંદગી ખાઈ-પીને પૈસા કમાવા પાછળ, ભૌતિક સુખો મેળવવા માટે દોડ્યા કરીએ પણ જીવનનો કોઈ હેતુ ન હોય તો જીવન નિરર્થક નીવડે છે. મનુષ્યદેહ મળ્યા પછી જીવન શેના માટે જીવવું છે એ નક્કી કરવું જોઈએ.
મનુષ્ય જીવનને સાર્થક કરવું હોય તો કોઈ જીવને દુઃખ ના થાય તેમ જીવવું જોઈએ, અને બને તો સુખની દુકાન કાઢવી જોઈએ. સુખની દુકાન એટલે શું? જેમ મીઠાઈની દુકાન હોય તો ત્યાં કોઈને જલેબી ખાવી હોય તો વેચાતી લેવા જવી પડે. પણ દુકાનના માલિકને જયારે જલેબી ખાવી હોય તે ગમે ત્યારે ખાઈ શકે. તેવી જ રીતે સુખની દુકાન કાઢે એટલે પોતાને ભાગે તો સુખ રહે જ, અને લોકોને ભાગે પણ સુખ જ જાય. સુખની દુકાન ચલાવવી એટલે સવારે ઉઠ્યા ત્યારથી સૂતા સુધી બીજાને સુખ આપવું, બીજો કોઈ વેપાર ન કરવો. જો રોજ સુખની દુકાન ખોલવી શક્ય ન હોય તો અઠવાડિયામાં એક દિવસ, રવિવારે સુખની દુકાન ખોલવી. ટૂંકમાં, પોતાને જે ગમતું હોય તેની દુકાન ખોલવી. પોતાના મન, વચન અને કાયા પારકાંની મદદમાં ખર્ચી નાખવા જેવું બીજું કોઈ સુખ નથી. નાના નાના કામો જેમ કે, પક્ષીઓને ચણ નાખવું, ગરીબ બાળકોને આઈસક્રીમ ખવડાવવો, પાડોશીની વસ્તુ લાવવા ધક્કો ખાવો, કોઈને મુશ્કેલીમાં આપણી આવડત વાપરીને મદદ કરવી, અડચણમાં સાચી સલાહ આપવી, ઘરમાં જ માતા-પિતા કે વડીલોની જરૂરિયાત વખતે મન બગાડ્યા વગર સેવા કરવી વગેરેમાં આપણા સમય, શક્તિ કે સાધનો ખર્ચીને પણ પોતાને સુખ મળે છે. પોતાને સુખ જોઈતું હોય તો સુખ વહેંચવું, અને દુઃખ જોઈતું હોય તો દુઃખ વહેંચવું.
આપણે સુખની દુકાન ખોલી હોય અને કોઈ આવીને દુકાન પર પથ્થર મારીને જાય, એટલે કે આપણને ગમેતેમ બોલીને જાય તો શું કરવું? જેમ પોસ્ટ ઓફીસ રવિવારે બંધ હોય અને કોઈ મનીઓર્ડર આવે તો સ્વીકારે નહીં, કેમ કે રજાનો દિવસ છે. તેમ આપણે નક્કી કર્યું હોય કે આજે સુખની દુકાન ખોલવી છે તો તે દિવસે બીજા બધા વેપારમાં રજા રાખવી. જેમ દિવાળીના તહેવારનો દિવસ હોય તો આપણે કેવા ડાહ્યા થઈ જઈએ છીએ! કારણ કે, એ દિવસે આપણે નક્કી કર્યું હોય છે કે ‘આજે તહેવારનો દિવસ છે, આનંદમાં રહેવું છે.’ તેનાથી આપણી બિલીફ બદલાઈ જાય છે અને આનંદમાં રહેવાય છે. તેવી જ રીતે આપણે નક્કી કરીએ કે ‘સામો ગમે તેવું બોલે પણ મારે સામે તોછડાઈથી બોલવું નથી.’ તો પછી આપણામાં ઉદ્ધતાઈ આવશે નહીં.
મનુષ્ય જીવનમાં કમાણી કરી કોને કહેવાય? આ જગતમાં કોઇપણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન દેવાની ભાવના હોય તો જ કમાણી કરી કહેવાય. આપણે રોજ સવારે એવી ભાવના કરવી. પછી કોઈ ગાળ આપે અને આપણને ના ગમતી હોય તો તેને જમે જ કરવી. પછી તપાસ ના કરવી કે ‘મેં એને ક્યારે આપી હતી?’ આપણે તરત જ જમે કરી લેવી કે હિસાબ પતી ગયો. પણ જો આપણે સામે ચાર ગાળો પાછી આપીશું તો હિસાબનો ચોપડો ચાલુ રહેશે. જયારે આપણે ચોપડો બંધ કર્યો એટલે ખાતું બંધ થઈ જાય. આપણને જે રકમ ગમતી હોય તે ધીરવી અને અને ના ગમતી હોય તો ના ધીરવી. એટલે કે, આપણને સુખ જોઈતું હોય તો બીજાને સુખ થાય તેવું જીવન જીવવું અને દુઃખ ના આપવું. મનુષ્યનું જીવન આવા હેતુપૂર્વકનું હોવું જોઈએ.