The story of fire and ashes... in Gujarati Short Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | કથા અગ્નિ અને ભસ્મની...

Featured Books
  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

  • સફર

    * [| *વિચારોનું વૃંદાવન* |] *                               ...

Categories
Share

કથા અગ્નિ અને ભસ્મની...

અસ્વીકારણ:
આ રચના સંપૂર્ણ પણે કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટનાઓ સાથે કોઈ સંબંધ નથી. આ ઉપરાંત પાત્રોને એક રૂપક તરીકે લેવા વિનંતી. કથામાં કોઈની પણ લાગણી ધાર્મિક કે નૈતિક રીતે દુભાવવાની મંશા નથી તથા વર્ણિત ઘટનાઓ સાતત્યપૂર્ણ હોવાનો દાવો રચનાકાર નથી કરતી તેની ખાસ નોંધ લેવી. 
_________________

કથા અગ્નિ અને ભસ્મની 

સૃષ્ટિના આરંભે, સતયુગના પ્રારંભિક કાળની વાત છે. જ્યારે બ્રહ્માંડ હજી બાલ્યાવસ્થામાં પોતાની વ્યવસ્થા રચી રહ્યું હતું, સૌરમંડળની રચના થઈ ચૂકી હતી અને પૃથ્વી પર જીવન પાંગર્યું હતું. આ સમયે દરેક તત્વોને દેવત્વ પ્રાપ્ત થયું હતું.  પંચમહાભૂતોમાં સૌથી તેજસ્વી, સૌથી આકર્ષક અને તેથીજ કદાચ સૌથી ગર્વિષ્ઠ દેવ હતા - 'અગ્નિ'. તેમનું સ્વરૂપ અત્યંત મોહક હતું. સુવર્ણ જેવી કાયા, લાલ અને કેસરી વસ્ત્રો જે હવામાં લહેરાતા ત્યારે જ્વાળા જેવા લાગતા, અને આંખોમાં સૂર્ય જેવું તેજ. અગ્નિ જ્યાં જતા, ત્યાંથી અંધકાર ભાગી જતો અને શીતળતા થરથર કાંપતી. અગ્નિ એટલે નવસર્જન, જીવનનો આધાર, પ્રચંડ ઊર્જા અને વિનાશનો સંગમ.

એક દિવસ અગ્નિ દેવ એક ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને પૃથ્વી પરની સુંદરતા જોઇ તેમના ઉન્માદમાં તેઓ નૃત્ય કરી રહ્યા હતા. તેમના સ્પર્શ માત્રથી વૃક્ષો સળગી ઉઠ્યા, લતાઓ ભસ્મીભૂત થઈ ગઈ અને આકાશ ધુમાડાથી ભરાઈ ગયું. આ જોઈ અગ્નિને પોતાના અસ્તિત્વ પર ગર્વ થયો. તેમને લાગ્યું કે તેઓ જ સર્વસ્વ છે; તેઓ જેને અડકે છે, તેને પોતાના સ્વરૂપમાં ફેરવી નાખે છે.

પરંતુ, જ્યારે અગ્નિનું નૃત્ય પૂર્ણ થયું અને તેઓ શાંત થયા, ત્યારે પહેલીવાર તેમનું ધ્યાન જમીન પર ગયું. ત્યાં હવે લીલોતરી નહોતી, સુંદર પુષ્પો નહોતા. ત્યાં માત્ર એક નરમ, શીતળ અને રાખોડી - સફેદ ચાદર પથરાયેલી હતી. અગ્નિએ જોયું કે તેમના પ્રચંડ તાપ છતાં આ સફેદ તત્વને કોઈ અસર થઈ નહોતી. તે સળગતી નહોતી. 

અગ્નિ કુતૂહલવશ નીચે ઉતર્યા. તેમણે પૂછ્યું, "હે શાંત સ્વરૂપા! તું કોણ છે? સૃષ્ટિમાં એવું કોઈ નથી જે મારા તાપથી બચી શકે કે મારા પ્રભાવમાં આવીને ઓગળી કે  મારામાં અસ્તિત્વમાં સમાઇ ન જાય. તું મારા સ્પર્શ પછી પણ તારાં અસ્તિત્વમાં કેમ છે?"

રાખે પોતાની આંખો ઊંચી કરી. તેના અવાજમાં પવન જેવી સૂસવાટી નહીં, પણ નિર્વાત જેવી શાંતિ હતી. તેણે કહ્યું, "હે તેજસ્વી દેવ, હું 'રાખ' છું. હું તમારું જ સર્જન છું. તમે જેને બાળીને છોડી દીધું, હું એ શેષ અસ્તિત્વ છું."
રાખ, પૃથ્વીના ખોળે જન્મેલી એક શાંત, ગંભીર અને રંગહીન દેવી હતી - 'રાખ' જેને 'ભસ્મ' અથવા 'વિભૂતિ' પણ કહેવાય, તેનું સૌંદર્ય અગ્નિ જેવું આક્રમક નહોતું. તે શ્વેત-ભૂખરા વર્ણની હતી, એકદમ હળવી, વજનહીન અને મૌન. તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી, જાણે યુગોનો થાક ઉતરી ગયો હોય. તે હંમેશા જમીન સાથે જોડાયેલી રહેતી. તેને કોઈનો મોહ નહોતો, કોઈ અપેક્ષા નહોતી. વાયુ તેને ઉડાડી શકતો, પાણી તેને તેની સાથે વહાવી શકતુ, તે માટીમાં ભળી શકતી, તે અવકાશમાં પણ અસ્તિત્વ ધરાવતી પરંતુ એક માત્ર અગ્નિ, અગ્નિની તેનાં પર કોઈ અસર નહોતી થતી.

અગ્નિ સ્તબ્ધ થઈ ગયા. અત્યાર સુધી બધા તેમનાથી ડરતા હતા અથવા તેમનું પૂજન કરતા હતા, પણ કોઈએ તેમની આંખમાં આંખ નાખીને વાત કરી નહોતી. અગ્નિને આ શીતળ દેવી પ્રત્યે અદમ્ય આકર્ષણ થયું. અગ્નિ ચંચળ હતા, રાખ સ્થિર હતી. અગ્નિ ધ્વનિ હતા, રાખ મૌન હતી. અગ્નિ ભૂખ હતા, રાખ તૃપ્તિ હતી.

અગ્નિએ કહ્યું, "હે દેવી!, તારી શાંતિ મને આકર્ષે છે. હું સદાય બળતો રહું છું, સદાય દોડતો રહું છું. મને ક્યાંય વિશ્રામ નથી. શું તું મારી સંગિની બનીશ? હું તને મારા તેજથી સોનેરી બનાવી દઈશ."

રાખે સ્મિત કર્યું, એક ઉદાસ સ્મિત. "હે દેવ, આપણો સ્વભાવ વિપરીત છે. પ્રેમ સમાનતામાં થાય, વિરોધાભાસમાં માત્ર વિનાશ હોય છે. તમે ઉષ્ણતા છો, હું શીતળતા છું. તમે પ્રકાશ છો, હું ઓજસહીન છું. તમે ભૂતકાળને ખાઈ જાઓ છો, અને હું એ ભૂતકાળની સાક્ષી, તેનો અવશેષ છું. આપણું સાથે હોવું અશક્ય છે."

અગ્નિએ જીદ કરી. માનવીય પ્રેમીની જેમ તેઓ અધીરા બન્યા. "હું તને મારી પાસે જ રાખીશ. હું બ્રહ્માંડનો સૌથી શક્તિશાળી દેવ છું, હું અશક્યને શક્ય બનાવીશ."

અગ્નિ આગળ વધ્યા. તેમણે રાખને સ્પર્શ કરવા પોતાના હાથ લંબાવ્યા. પણ જેવું અગ્નિની આંગળી રાખને અડકી, એક વિચિત્ર ઘટના બની.
અગ્નિની આંગળી રાખમાં ખૂંપી ગઈ, રાખ તો ન સળગી ન ઓજસ્વી બની ઉલટું, અગ્નિની તે આંગળી ઝાંખો પડી ગઈ. રાખની શીતળતાએ અગ્નિની જ્વાળાને ઢાંકી દીધી. અગ્નિ ગભરાઈ ગયા. તેમને સમજાયું કે તેઓ જેને અડકે છે, તેને બાળી શકે છે, પણ જે પહેલેથી જ બળી ચૂક્યું છે (રાખ), તેને તેઓ ફરી જીવંત કરી શકતા નથી.

રાખ બોલી, "જોયું દેવ? તમે મને પ્રેમ નથી કરી શકતા. કારણ કે હું એ છું જે તમારા ગયા પછી બચે છે. આપણે ક્યારેય 'સાથે' નથી રહી શકતા. તમારું હોવું એટલે જીવનનું હોવું, સળગવું, અને મારું હોવું એટલે બધું શાંત થઈ જવું. જ્યાં તમે છો, ત્યાં હું નથી હોતી કારણ કે વસ્તુ બળતી હોય છે, અને જ્યાં હું હોઉં છું, ત્યાં તમે હોતા નથી કારણ કે આગ ઓલવાઈ ગઈ હોય છે."

અગ્નિની આંખોમાં આંસુ આવી ગયા. આ આંસુ પાણીના નહોતા, પણ પીગળેલા લાવાના હતા. તેમને પહેલીવાર પોતાની વિનાશક શક્તિ પર નફરત થઈ. તેમને સમજાયું કે તેમની નિયતિ એકલતા છે. તેઓ જેને પ્રેમ કરશે, તેને બાળી નાખશે, અને અંતે માત્ર રાખ જ બચશે. અને જ્યારે રાખ બચશે, ત્યારે અગ્નિ ત્યાં રહી શકશે નહીં.

અગ્નિ હતાશ થઈને બેસી ગયા. તેમની જ્વાળાઓ ધીમી પડી ગઈ. તેમનો ગર્વ રાખની શિતળતામાં ઠંડો પડી ગયો. "તો શું આપણા પ્રેમનું કોઈ ભવિષ્ય નથી? શું હું હંમેશા વિનાશક અને તું હંમેશા અવશેષ જ રહીશ?"

ત્યારે રાખે માતાની મમતા અને પ્રેમિકાની સમજદારી સાથે અગ્નિને કહ્યું, "ના, દેવ. આપણો સંબંધ સ્થૂળ મિલનનો નથી. આપણો સંબંધ તો સૌથી પવિત્ર છે."

રાખે સમજાવતા કહ્યું, "જુઓ, જ્યારે કોઈ લાકડું કે સમિધા હોય છે, ત્યારે આપણે બંને તેમાં સુષુપ્ત અવસ્થામાં હોઈએ છીએ. જ્યારે તમે પ્રગટ થાઓ છો, ત્યારે તમે નૃત્ય કરો છો, તમે તમારું કર્મ કરો છો. તમે એ પદાર્થને મોક્ષ આપી નવસર્જનનો માર્ગ મોકળો કરો છો. અને જ્યારે તમારું કાર્ય પૂરું થાય છે, ત્યારે તમે આકાશમાં વિલીન થઈ જાઓ છો. પણ તમારા ગયા પછી, તમારી નિશાની રૂપે હું ત્યાં રહું છું. હું 'રાખ' એ બીજું કશું નથી, પણ અગ્નિએ પૃથ્વી પર લખેલો પ્રેમપત્ર છું. હું નવસર્જન માટેના પોષક તત્વોની વાહક છું. હું તમારો ઈતિહાસ છું. દુનિયા મને જોઈને કહે છે કે 'અહીં અગ્નિ હતો'. હું તમારું સ્મરણ છું. પ્રેમ એટલે સાથે રહેવું જ નહીં, પ્રેમ એટલે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. તમે પદાર્થમાં પ્રવેશો છો, અને હું પદાર્થમાંથી નીકળું છું. આપણે એક જ સિક્કાની બે બાજુ છીએ. હું તમારી ગેરહાજરી નથી, હું તમારી પૂર્ણતા છું."

અગ્નિને રાખની વાતમાં ગહન સત્ય સમજાયું. તેમની વેદના શાંતિમાં ફેરવાઈ ગઈ. માનવીય પ્રેમમાં પણ આવું જ હોય છે ને? જ્યારે તીવ્ર આવેગ શાંત થાય છે, ત્યારે જે શેષ રહે છે તે સમજણ અને સ્મૃતિની શીતળતા હોય છે.

અગ્નિએ રાખને વરદાન આપ્યું, "હે દેવી, આજથી તું તુચ્છ નહીં ગણાય. ભલે હું યજ્ઞમાં દેવો સુધી પહોંચું, પણ અંતે તો ઋષિમુનિઓ અને મહાદેવ તને જ પોતાના શરીર પર ધારણ કરશે. જ્યાં મારો તાપ કોઈ સહન નહીં કરી શકે, ત્યાં તારો શીતળ સ્પર્શ સૌને પવિત્ર કરશે."
અને કહેવાય છે કે ત્યારથી અગ્નિ અને રાખ વચ્ચે એક મૌન કરાર થયો. અગ્નિ આગળ ચાલે છે, રસ્તો બનાવે છે અને પાછળ પોતાની પ્રિય રાખને મૂકતા જાય છે.

ઉપસંહાર:
જ્યારે પણ તમે કોઈ બળતી અગ્નિને જુઓ, ત્યારે તેના તેજને માણજો, પણ જ્યારે આગ ઓલવાઈ જાય અને નીચે સફેદ રાખ દેખાય, ત્યારે તેને પગથી ઠોકર ન મારતા. યાદ રાખજો, તે રાખ એ અગ્નિની પ્રેમિકા છે, જે અનંતકાળથી પોતાના પ્રેમીના ગયા પછી તેની રાહ જોતી ત્યાં ને ત્યાં જ બેઠી છે - મૌન, નિશ્ચલ અને પવિત્ર.

આગ એ 'જીવનનો ઉન્માદ' છે, અને રાખ એ 'જીવનનું સત્ય' છે. બંને એકબીજા વિના અધૂરા છે.

આ વાર્તા દ્વારા બીજું એક સત્ય પણ ઉજાગર થાય છે કે યુવાનીનો પ્રેમ આગ જેવો હોય છે - ગરમ, આવેગશીલ અને બધું ભૂલાવી દેનાર. પરંતુ પરિપક્વ પ્રેમ રાખ જેવો હોય છે જે બધું સહન કરી ચૂક્યો છે, જેની પાસે ગુમાવવાનો ડર નથી અને જે અંતિમ સત્ય છે. અગ્નિ અને રાખ એ જીવનચક્રને પણ દર્શાવે છે. માણસનું જીવન પણ 'આગ' એટલે કે કર્મ/ઈચ્છાથી શરૂ થઈને 'રાખ' એટલે કે મૃત્યુ/મોક્ષ પર પૂર્ણ થાય છે. ખરું ને!

- મૃગતૃષ્ણા 
🌷🌷🌷