ચાની રામાયણ
•••••
________
જીવનમાં અમુક ક્ષણો એવી આવે કે જેને પછીથી વિચારી આપણને આપણા ભાગ્ય અને મૂર્ખતા પર હસવું પણ આવે અને તે યાદ કરી આપણને આશ્ચર્ય થાય કે હું આવો તે કેવો મૂર્ખ?
તો આજે આવો જ મારા જીવનમાં બનેલો અનુભવ હું તમને જણાવવા માંગીશ.
રવિવારનો દિવસ હતો તેથી આપણે મોડા ઉઠ્યા હતા. મારે રજાના દિવસે કંઈ કામ ન હોવાથી વહેલા ઉઠવાનો પ્રસંગ ભાગ્યે જ કોઈ દિવસ આવે. તો એ પ્રથાને ચાલુ રાખતા આજે પણ હું લગભગ નવ વાગ્યે ઉઠ્યો હતો.
મારા ઘરમાં કોઈ હતું નહિ, ઘર સૂમસામ પડ્યું હતું. મને આશ્ચર્ય થયું કે મારા ઘરવાળા બધા ગયા ક્યાં?
આ જાણવા માટે મેં મારી મમ્મીને ફોન કર્યો તો તેણે મને જણાવ્યું કે તેઓ બધા અમારા કોઈ સંબંધીને ઘરે ગયા છે. તેઓનો અકસ્માત થયો છે તો હમણાં સવારમાં જ ખબર આવતા તેઓ અચાનક ત્યાં ગયા હતા. હું સુઈ રહ્યો હતો તો મને જગાડવો જરૂરી ન માની તેઓ જતા રહ્યા હતા. મારી મમ્મીએ કહ્યું કે ખાવાનું બનાવેલું છે તે ખાઈ લેજે, અમે બપોર સુધી આવી જાશું.
હવે ફ્રેશ થઈ વિચાર્યું કે ચા તો પીવી પડે. તેથી રસોડામાં જઈને રસોડું આખું ફંફોસ્યું પણ ક્યાંય ચા મળી નઈ. ખબર પડી કે ચા જાતે બનાવવી પડશે. આમતો આપણે ચા બનાવવામાં માસ્ટરી કરી છે એટલે કઈ વાંધો નહોતો. ચા બનાવવાનો બધો સામાન લઇને બેઠો હું ચા બનાવવા. પાણી ગેસ પર મૂક્યું ને તેમાં ચાયપત્તી નાખવા ચાનો ડબ્બો ખોલ્યો તો જોયું કે ચા તો પૂરી થઈ ગઈ હતી.
હવે આપણે ગયા બાબુલાલનાં ગલ્લે. બાબુલાલનો નાનકડો પાનનો ગલ્લો, પણ ત્યાં દરેક જીવન જરૂરિયાતની વસ્તુ મળે. હું તેની દુકાને પહોંચ્યો અને તેની પાસે ચાયપત્તીનું પેકેટ માગ્યું.
બાબુભાઈ બોલ્યા કે ચા તો પૂરી થઈ ગઈ, નવો સ્ટોક સાંજે આવશે. મેં ગુસ્સામાં બાબુને બે ત્રણ પવિત્ર શ્લોક સંભળાવી દીધા. મનમાં થયું કે સાંજે તો હું શિદને ચા લેવા આવવાનો? ઘરે બેસીને મમ્મીની બનાવેલી ચા જ નઈ પીવું? પણ તેને તે બધું કહેવાનું છોડી હું ઘરે આવ્યો.
હવે મારા મગજમાં એક ઝબકારો આવ્યો. કહેવાય છે કે પહેલો સગો પાડોશી! પણ પછી યાદ આવ્યું કે આ ફ્લેટમાં હું ચાર પાંચ લોકો સિવાય કોઈને ઓળખતો નથી, અને જે ચાર-પાંચને ઓળખું છું તેમાંથી ત્રણ જણ સાથે અમારે ભારત-પાકિસ્તાન જેવી દુશ્મની છે. બાકી રહ્યા એક મોહનભાઈ! તો તેવો બહારગામ ગયા છે અને તેમની બાજુનાં મગનભાઈ... તેઓ કદાચ આજે ઘરે હોય શકે, તેથી મેં વિચાર્યું કે તેમના ઘરે ચા પીવા જઈ શકાય.
હું મગનભાઈનાં ઘરે ગયો તો તેમણે આવકાર આપતા પૂછ્યું.
"કેમ આદર્શ? આજે આ બાજુ ભૂલો પડ્યો?"
"કેમ ન આવી શકું?" મે રમૂજ સાથે કહ્યું.
"અરે તને ના પડાય? તારા માટે તો મારા ઘરનાં દરવાજા અડધી રાતે’ય ખુલ્લા છે, ગમે ત્યારે આવ..."
"બોલો ત્યારે મગનભાઈ, કેમ ચાલે છે કામધંધો વગેરે..."
"બસ, હમણાં તો કામનો બોજો વધેલો રહે છે. તું તારું બોલ?"
આમ અમે વાતો કરતાં હતાં ત્યાં ભાભી આવ્યા, તેઓએ પણ મને આવકાર આપ્યો.
"આવો આદર્શભાઈ, બોલો શું લેશો? ચા કે ઠંડું?"
તીરને નિશાના પર જતું જોઈને હું મનોમન થોડો ખુશ થયો.
"બસ ભાભી, ચા આવવા દો."
આ પછી ભાભી ચા બનાવવા ગયા પણ તરત પાછા આવીને મગનભાઈને કહે:
એ"ઓ સાંભળો છો, ગેસની બોટલ પૂરી થઈ ગઈ છે, અત્યારે જ પુરાવા જાવ તમે."
"અત્યારે? આજે રવિવારે તો ચેનથી બેસવા દે..."
"હું કશું નહિ સાંભળું, તમે આદર્શભાઇને લઈને ગેસ પુરાવી આવો."
હવે મને સમજાય છે કે હું ખાલી ખોટો મફતની ચા પીવા પહોંચી ગયો, હવે મારે આ કામથી બચવું તો પડશે તેથી હું એમજ ફોન કાને લગાવીને હેલો-હેલો કરતો બહાર નિકળી ગયો.
હવે મનમાં વિચાર આવ્યો કે સાલું આમ તો ચા નહિ મળે. નજીકનાં સગાને ત્યાં જવું જોઈએ.
આમ વિચાર કરી મેં મારી ગાડી કાઢી, મતલબ કે મારી પંખા વગરની, ચાર વર્ષથી તૂટેલી સીટ વગરની સાઇકલ કાઢી.😁 સાઇકલ લઈ હું પહોંચ્યો નજીકમાં રહેતા એક દિલદાર સગાને ત્યાં...
હું હજી તેમની કોલોનીમાં પ્રવેશ્યો જ હતો કે બે ત્રણ કૂતરા મારી સામું જોઈને તેમ ભસવા માંડ્યા કે જેમ હું તેમનો વર્ષો પુરાનો જાની દુશ્મન હોઉં... હું પહેલા થોડો ગભરાયો પણ પછી સંદીપ મહેશ્વરીનો મોટીવેશનલ વિડિયો યાદ આવ્યો અને હું નીડર બની આગળ વધ્યો.
હું ગમેતેમ તે સ્નેહીજનનાં ઘરે પહોંચ્યો તો તેમનાં ઘરે વાગેલું તાળું જોઈ મને ચક્કર આવવા માંડ્યા. આજુબાજુ પૂછપરછ કરતાં જોઈ ખબર પડી કે તેઓ હમણાં લગ્નમાં ગયા છે.
હવે આગળ શું કરવું તેમ વિચારતો હું બજાર બાજુ નીકળી ગયો. રસ્તામાં ઘણા ચાની કીટલી વાળા હતા પણ હું પૈસા નહોતો લાવ્યો તો હવે પાછા ઘરે જઈને પૈસા લાવવાની પણ ઈચ્છા નહોતી, આજે તો હરામની ચા જ પીવી હતી.
ફરતા ફરતા મારા એક ચાહક મને રસ્તામાં મળ્યા. મને મળીને તેઓને ખુબ આનંદ થતો જણાતો હતો, મેં તેમને કહ્યું કે ચાલો ચા-નાસ્તો કરવો હોય તો... તેઓએ હામી ભરી અને અમે બંને એક હોટલમાં ચા પીવા ગયા.
તેઓ થોડા શ્રીમંત લાગતા હતા, તેથી આવી રીતે હોટલમાં ચા પીવા જવું તે કદાચ તેમનાં માટે નવું નહોતું, પણ આપણે તો ચાનાં ગલ્લે ચા પીનારા... પહેલી વાર હું આમ ફકત ચા પીવા આટલી મોટી હોટલમાં આવ્યો હતો.
તેઓએ વેઇટર પાસે ચા મંગાવી, ચા આવે ત્યાં સુધી અમે થોડી વાતો કરી. તેઓનાં કહ્યા પ્રમાણે મારી વાર્તાઓ તેમને ખૂબ પસંદ આવી અને તેમણે મને પોતાનો સંપર્ક નંબર પણ આપ્યો. તેમણે જણાવ્યું કે તેઓ શહેરનાં મોટા વ્યાપારી છે. હું ખુશ થઈ ગયો કે આટલા મોટા બિઝનેસમેન સાથે ઓળખાણ થઈ.
અમે વાતો કરતા હતા તેવામાં ચા આવી, અમે ચા પીતા હતા તેવામાં તે વ્યક્તિના મોબાઈલમાં કોઈનો ફોન આવ્યો, તેઓ વાત કરતા કરતા ખબર નહિ ક્યાં જતા રહ્યાં. થોડીવાર પછી પણ તેઓ પાછા ન આવ્યા તેથી મને ચિંતા થઈ. હું આ બધું વિચારતો જ હતો કે ત્યાં વેઇટર આવ્યો અને તેણે બીલ ત્યાં મૂક્યું. બીલ જોઈ હું તો આભો જ રહી ગયો, કેમકે નોર્મલી આપણે જે ચા ગલ્લા પર પાંચ રૂપિયાની પિતા હોય તેના સીધા અહી સિત્તેર રૂપિયા માંગ્યા હતાં, ને પછી ખબર નહિ શેનો એક્સ્ટ્રા ચાર્જ ઉમેર્યો કે બે જણની ચાનાં તથા તે ચાર્જના ઉમેરી એકસો સિત્તેર રૂપિયા માંગ્યા.
મેં બીલમાં આટલી રકમ જોઈ વેઇટર સાથે બોલાચાલી કરી પણ સમય અને સ્થળનું ભાન થતા તે બધું રહેવા દઈ પર્સમાંથી પૈસા કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો તો યાદ આવ્યું કે હું મફતમાં ચા પીવા આવ્યો હતો તો પાકીટ શું કામ લેવું?
ખિસ્સામાં પાકીટ હતું નહિ, મારી જોડે આવેલો મારો ફેન જતો રહ્યો હતો, આમ બધું તે વેઇટરને મેં સમજાવ્યો. વેઇટરે મેનેજરને બોલાવ્યો. મેનેજરને મે બધું જણાવ્યું, પણ મેનેજરે વેઇટરને કહ્યું,
"આને લઈ જા વાસણ ધોવા."
અને તે દિવસે મારે ચા માટે વાસણ ધોવા પડ્યા. આ દિવસ યાદ આવતા આંખોમાંથી આંસુ અને દુઃખ સાથે પછતાવો આવે છે. અને ચહેરા પર પોતાની જ મૂર્ખામી પર હાસ્ય છવાય જાય છે.
.....
( આ રચના બિલકુલ કાલ્પનિક
છે, ફ્કત આને આનંદ કરવા માટે લેજો, બાકી કોઈનું દીલ દુભાયું હોય માફ કરજો.🙏)