નકારાત્મક (નેગેટિવ) અભિગમમાંથી હકારાત્મક (પોઝિટિવ) અભિગમ તરફ જવા માટે કશું કરવાનું નથી, ફક્ત દૃષ્ટિ જ બદલવાની છે. જેમ ખાલી બોટલમાંથી હવા બહાર કાઢવી હોય તો બોટલને ગમે તેટલી હલાવીએ, ઊંધી-ચત્તી કરીએ, દબાવીએ પણ તેવા ઉપાયે કરીને હવા બહાર ના કાઢી શકાય. પણ જો બોટલને પાણીથી છલોછલ ભરી દઈએ તો બધી હવા આપોઆપ નીકળી જાય. તેવી જ રીતે, નેગેટિવ ભાંગવા કે ખસેડવાની મહેનત કરવાને બદલે પોઝિટિવમાં જોઈન્ટ કરી દઈએ તો નેગેટિવ એની મેળે જતું રહે છે.
સતત નિષ્ફળતા મળે ત્યારે પણ આપણને સેલ્ફ નેગેટિવિટી થઈ જતી હોય છે. “હું નહીં કરું શકું.”, “મને આવડતું નથી.”, “મારી કોઈને જરૂર નથી.”, “જીવવાનો કોઈ અર્થ નથી.”, “મારું શું થશે?” વગેરે. એવા સમયે નકારાત્મક વિચારોને આપણે કાગળ ઉપર લખી નાખવા જેથી એ ખાલી થઈ જાય. પછી પોતાની જાત માટે કેટલા કેટલા નેગેટિવ ઊભા થાય છે એ દરેકનું લિસ્ટ બનાવવું. ત્યારબાદ, એક-એક નેગેટિવ માન્યતા સામે તેને છેદતા એક કે તેથી વધારે પોઝિટિવ લખવા. જેમ કે, આપણને એમ થતું હોય કે “મને કશું આવડતું નથી”, તો પોતાને કઈ કઈ બાબતો આવડે છે તેનું લિસ્ટ બનાવીને સામે લખવું. જીવનમાં નિરાશાજનક વિચારો આવે તો જીવનમાં અત્યાર સુધી આપણને બહુ જ આનંદ મળ્યો હોય તેવી પળો યાદ કરીને લખવી. આમ કરવાથી પોતે માને લીધેલા નકારાત્મક વિચારોના વમળમાંથી બહાર આવી શકીશું. કોઈ પણ કામમાં તૈયારી રાખવી કે એમાં સફળતા પણ મળે અથવા નિષ્ફળતા પણ મળી શકે. આવી તૈયારી રાખી હોય, પછી જો પરિસ્થિતિ આપણા ધાર્યા કરતા વિપરીત બને ત્યારે આપણને નેગેટિવ થતું નથી.
જેમ દરેક સિક્કાની બે બાજુ હોય, તેમ દરેક વ્યક્તિમાં પણ અમુક સારાં તો અમુક નરસાં પાસાં હોય છે જ. ગુલાબનો છોડ હોય ત્યાં કાંટા હોય, પણ માળીનું લક્ષ કાંટાને અડ્યા વગર ગુલાબને ખીલવવાનું હોય છે. તેમ આપણે પણ વ્યક્તિઓના પોઝિટિવ ગુણો જોવા, પોઝિટિવ ગુણોને બિરદાવવા અને કાયમ એમના માટે પોઝિટિવ બોલવું. વ્યક્તિના સો નેગેટિવ ભલે હોય પણ એમાંથી એક પોઝિટિવ શોધી કાઢવું. જો કોઈ વ્યક્તિનું નેગેટિવ બોલાય, તો એક નેગેટિવની સામે પાંચ પોઝિટિવ બોલવા. ઘરમાં કે કામકાજ પર આપણી નજીકની વ્યક્તિ વારંવાર ભૂલ કરે તો “તું અનફિટ છે, નહીં કરી શકે” એમ નકારાત્મક શબ્દો કહેવાને બદલે, એ વ્યક્તિનો એકાદ સારો ગુણ શોધી કાઢીને તેને પ્રોત્સાહન આપવું.
દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય છે. જેમ એક બેન્ડમાં હાર્મોનિયમ પણ હોય, તબલાં હોય, વાંસળી હોય અને ખંજરી પણ હોય. દરેકના અવાજ અલગ અલગ હોય. પણ બધા એકસાથે સંવાદિતામાં વાગે તો મધુર સંગીત ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે એકસાથે રહેતી કે કામ કરતી વ્યક્તિઓની પ્રકૃતિઓ જુદી તો રહેવાની જ. તેમાં કોઈ ફાસ્ટ હોય તો કોઈ સ્લો, કોઈને પબ્લિક ડીલીંગ ફાવે તો કોઈને પડદા પાછળ કામ કરવાનું, કોઈ બાહ્યમુખી પ્રકૃતિ હોય તો કોઈ અંતર્મુખી, પણ દરેકનું સરખું મહત્ત્વ છે. આવી દૃષ્ટિ કેળવીશું તો પ્રકૃતિની જુદાઈને કારણે વ્યક્તિઓ માટે નેગેટિવ ઊભા નહીં થાય. છતાં જો કોઈ વ્યક્તિ માટે નેગેટિવ વિચાર આવી ગયો કે નકારાત્મક શબ્દો બોલાઈ ગયા, તો તેની દિલથી માફી માંગીને પસ્તાવો કરીએ તો તેનાથી નેગેટિવ ઓછું થઈ શકે છે.
હકારાત્મક વિચારો સુખદાયી હોય છે અને નકારાત્મક વિચારો દુઃખદાયી. જયારે જયારે પોતાને દુઃખનો અનુભવ થાય ત્યારે સમજવું કે આપણા વિચાર, વાણી કે વર્તન નેગેટિવ થાય છે. કાયમ હકારાત્મક રહેવા માટે નકારાત્મક વિચાર, વાણી કે વર્તનને બંધ કરવાની અપેક્ષા ન રાખવી. પણ નેગેટિવ પ્રત્યેનો આપણો પક્ષ જો તૂટી જાય તો આપોઆપ હકારાત્મક થઈ જવાય છે.