45. નજર હટી ઘટના ઘટી..
શ્રી J.A. એક કર્મષ્ઠ, કાર્યશીલ મેનેજર ગણાતા હતા. કોઈક ને કોઈક રીતે અઘરાં ટાર્ગેટ પણ તેઓ એચિવ કરી શકતા..
(આ ટાર્ગેટ્સ નું ભૂત 2006 - 7 પછી શરૂ થયું. બેંકો ડિપોઝિટ અને લોન, લોકર વગેરે ઉપરાંત થર્ડ પાર્ટી કમિશન બેઝ બિઝનેસમાં ઉતરી એમાંથી શરૂ થયું. વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ, ડિમેટ એકાઉન્ટ, ગોલ્ડ વેંચવું unit linked ઇન્સ્યોરન્સ, શેર ની લે વેંચ, એડવાઈઝરી અને એવાં કામો. લોકોને મારી ખૂબ જૂના બેંકરની ભાષામાં ધોકો મારી ધરમ કરાવવાનો. એમાં નીચેના માણસો કહે છેક ઉપરના સાહેબોને અંગત ફાયદો મળતો હશે પણ એવું લગભગ નહોતું. તેઓ પણ ટાર્ગેટ્સ માટે ખૂબ પ્રેશરમાં રહેતા. હજાર જોઈતા હોય ત્યાં ઉપરથી દસ હજાર કહે એ નીચે, વધુ નીચે આવતાં પચીસ હજાર થઈ જાય. એકાઉન્ટ. રકમ તો સો ગણી થઈ જાય.)
સ્ટાફ સાથે સારો વર્તાવ પણ સતત બ્રાન્ચમાં ફરતા રહે, સૂચનાઓ આપતા રહે.
વળી એક સાથે કેબિનમાં આવતા ફોન, ફેક્સ, ગ્રાહકો બધાને એમની રીતે પહોંચી વળે. એટલે તો એમને શહેરના ગીચ, ક્યાંક તોફાની વિધર્મીઓની વસતી વાળી જગ્યાઓ પર થી આ પોશ, રહેણાંક માંથી ધમધમતો વિસ્તાર થયેલો ત્યાં મેનેજર બનાવ્યા.
અહીં ગ્રાહકો શિક્ષિત એટલે વધુ ને વધુ સર્વિસ માગે, ક્યાંક બિનજરૂરી ચીકાશ કરે કે ખોટું પોઇન્ટ ઉઠાવી હો હા પણ કરી મૂકે. મોટે ભાગે શ્રી J. A. આ સંભાળી લે.
એક દિવસ સવારે દસ વાગે બેંક ખુલી. અમારી બેંક ઓફ બરોડા ની જેમ ત્યાં બ્રાંચ શરૂ થાય એટલે પ્રાર્થના ફરજિયાત ન હતી પણ આ સાહેબને દસ વાગે એટલે બધો સ્ટાફ કાઉન્ટર પર જોઈએ. બેંકમાં જોઇન્ટ મેનેજરે કેશ ખોલાવી. કેશિયરે કેબિનમાં બેસી અગરબત્તી કરી. શ્રી J. A. એમની રિવોલ્વિંગ ચેર પાછળ રાખેલ સ્વામિનારાયણ ની પ્રતિમાને વંદન કરી કોઈ મેઈલ જોવા બેઠા.
ત્યાં એક દેખાવ પર થી ભદ્ર વર્ગની, કદાચ ધનિક દેખાતી પણ સો ટકા NRI સ્ત્રી કેબિનમાં પ્રવેશી. NRI લોકો ભારતમાં આવે ત્યારે એમનો પોષાક કેવો હોય? ન હોય ત્યાંથી ધ્યાન ખેંચાય એવો. બહેને સ્લીવલેસ ચુસ્ત ટી શર્ટ અને નીચે પ્રમાણમાં ચુસ્ત જિન્સ પહેરેલું. છૂટા વાળ, મોટી ચમકતી, કદાચ ડાયમન્ડની બુટ્ટી. કેબિનમાં અગરબત્તીની સુગંધ પર પર્ફ્યુમ ની સુગંધ હાવી થઈ ગઈ.
બધું ગોઠવતો પિયુન અને કાઉન્ટર પરના ક્લાર્કસ જોઈ રહ્યા. જેમની સામે કોઈ ઉભુ નહોતું તેઓ ત્રાંસી નજરે કેબિનમાં જોઈ રહ્યા.
શ્રી J.. A. એ બહેનને મીઠું સ્મિત આપી આવકાર આપ્યો. બહેન એમની સામે બેસી ગયાં. વિસ્તૃત વર્ણન અહીં કરી શકાય એમ નથી. ન હોય ત્યાંથી નજર અમુક જગ્યાએ ખેંચાય. આ મેનેજર પણ માણસ હતા!
બહેને ટિપિકલ, હોઠ મરડાતા હોય એવા ધરાર અંગ્રેજી ગુજરાતી ઉચ્ચારોમાં કહ્યું કે તેઓ અમુક ડોલર, આશરે એક હજાર જેવા લાવ્યાં છે અને એમનાં NRO ખાતામાં જમા કરવા છે.
આ મેનેજરે તેમને સમજાવ્યું કે બેંકિંગ ચેનલથી વિદેશથી ટ્રાન્સફર કર્યા હોત તો સારું હતું. હા, NRE એકાઉન્ટમાં ફરજિયાત બહારથી જ આવવા જોઈએ, NRO માં તેઓ કરી તો શકે, ક્યાં થી લાવ્યાં, હેતુ શું છે એ બધી વિગતોનું ફોર્મ ભરવું પડશે.
બહેને મધલાળ ટપકતી વાણીમાં પોતાને કેમ આ પ્લેનમાં સાથે લાવવા પડેલ, અહીં એમના કુટુંબને શું જરૂર પડી વગેરે વાત બને એટલા વિસ્તારથી કરવા માંડી. હવે આગળ ઝૂકીને. ફરીથી, વાચક કલ્પના કરી લે.
મેનેજરને એ બધી લાંબી વાતોનો ટાઇમ પણ નહોતો ને રસ પણ નહીં.
વારેવારે અમુક ચોક્કસ જગ્યાએ જતી દૃષ્ટિને રોકવા એમણે બ્રાન્ચમાં નવું મુકાવેલું સીસી ટીવી જોવા માંડ્યું.
વચ્ચે બહેને એમણે કહ્યું તે ફોર્મ માગ્યું. મેનેજર કહે પાસપોર્ટ વગેરે છે? એ પણ હાજર. પણ એ માટે મોંઘી દાટ પર્સ ટેબલ પર મૂકી પહેલું બેન ખોલ્યું, બીજું અંદરનું ખાનું. વચ્ચે વચ્ચે અતિશય મીઠું, બ્રોડ સ્મિત જે મેનેજર સાહેબ માટે જ હતું, આપે રાખતાં હતાં.
“આ પાસપોર્ટ અને ત્યાંની બેંકમાંથી ઉપાડ્યા એ પાસબુક ની ઝેરોક્સ આપો." મેનેજરે કહ્યું.
“સાહેબ, આ બધું માલમત્તા લઈ હું ક્યાં ઝેરોક્સ ની દુકાન ગોતું, ત્યાં ભીડમાં ઊભું.. ન કરે નારાયણ.. મારી ચેઈન કે પર્સ જ કોઈ ઉઠાવી જાય.. આ તમારે ફેક્સ મશીન છે એમાં નહીં કરી આપો? પ્લી..ઝ.. “
પ્લીઝ કહેતાં તેઓ લગભગ ઊભાં થતાં મેનેજર સામે ઝૂકી ગયાં.
બહાર એક કલાર્કે બીજા ક્લાર્કને બોલાવી કેબિનમાં નું દ્રશ્ય બતાવી તાળી આપી. નીચો વળી કોઈ કામ કરતો હોય એવો દેખાવ કરતો પિયુન પણ જોતો ઊભો.
“હં .. હં..” કરતા મેનેજર પાછળ હટયા. બહેને પાસપોર્ટ આપ્યો, ફોર્મ આપ્યું અને ટેબલ પર હજાર ડોલરની થપ્પી મૂકી.
" સાહેબ, આ આજે જમા કરાવી આપો. ભાવ જે તમારી બેન્કનું ફોરેન એક્સચેન્જ ખાતું આપે એ મંજૂર છે.” વળી બહેને ઘાયલ કરતું સ્મિત કર્યું. ડોલર ની થપ્પી ટેબલ પર પડી હતી.
મેનેજર રિવોલ્વિંગ ચેર પાછળ કરી પાસબુકની ઝેરોક્સ કરવા ગયા. ત્યાં ફેકસમાં ટૂં .. ટૂં .. કરતો અવાજ આવ્યો. તેમણે ઉપરની ઓફિસથી આવેલો ફેક્સ ઉતાર્યો અને ઇન્ટરકોમ પર જોઇન્ટ મેનેજર ને કોઈ સંદેશો આપવા કર્યું. ત્યાં કોઈ કસ્ટમર બેઠેલો એટલે જોઇન્ટ મેનેજરે ફોન તત્કાલિક ઉપાડ્યો નહીં.
વાત અર્જન્ટ હતી. શ્રી. J A ફેક્સ લઈ બહાર દોડ્યા, એ ટેબલે ફેક્સ મૂકી કશી સૂચના આપી હવે ફોરેન એક્સચેન્જ માટે વિદેશી નાણું લઈ જતા ભાઇને આવી જવા ફોન કર્યો.
ત્યાં પાછળ તાબોટો વાગ્યો. “એ મેનેજર, એ સાહેબો, તમારો ધંધો ખૂબ વધે, બધા પ્રમોટ થઈ જાઓ.. એઈ મેનેજર, આલ બે હજાર એટલે હાલતા થઈએ.” એ ટોળાનો લીડર બોલ્યો.
"જાવ, અહીં બેન્કમાં ન અવાય.” કહેતા J A જાતે એ લોકોને કાઢવા ગયા. એ લોકો સાથે માથાકૂટ કરી ફસાવા કરતાં સાહેબની પાછળ ઊભવું સારું એમ નક્કી કરી પિયુન ખાલી " જાઓ બધાં માસીઓ. અહીં ન અવાય." કહેતો રહ્યો.
પેલાઓને શું? તાબોટા પાડતા ઘૂંસ્યા કેબિનમાં. પાછળ મેનેજર ડોર ક્લોઝર ને ધક્કો મારતા અંદર દોડ્યા. પેલાં બહેન પોતાની ઉપર આફત ન આવે એટલે બહાર દોડી ગયાં.
મેનેજરે પેલાઓને બહાર જવા કહ્યું. તેઓ વધુ જોરથી તાબોટા પાડતા કેબિન અને બ્રાન્ચ પેસેજ વચ્ચે , કેબિન નું બારણું ખુલ્લું રાખી આડા ઊભા. સવારે 11 ના સમય. વેપારીઓના ગુમાસ્તાઓ જે વેપારીઓને કામે જતા પહેલાં ચેક કે કેશ ભરવાનો સમય. બ્રાન્ચનો પેસેજ ફુલ.
“માસીઓ” ને તો જે દેખાવ કરવા મળ્યું ને આ બધા ગ્રાહકોને જે જોણું થયું.
મેનેજરે ખિસ્સામાંથી 500 ની નોટો કાઢી. (વાત 2005 કે 6 ની છે. ત્યારે 500 પણ થોડી મોટી રકમ ગણાતી) પેલાઓએ બે ના હવે ચાર હજાર માગ્યા. મેનેજર કહે “જાઓ છો કે પોલીસ બોલાવું?"
એમનો લીડર વળી તાબોટો પાડી કહે “ત્યારે તો થઈ જાય. બોલાવ પોલીસ."
કોઈ ઓફિસર પાછળ આવ્યો, સમજાવી પેલાઓને મેનેજર દ્વારા 500 માં પતાવી જગ્યાએ જઈ બેઠો. મેનેજર શ્રી. J. A. કેબિનમાં પ્રવેશ્યા.
“પેલાં બહેન ક્યાં?" ફરી બહાર ડોકું કાઢી પૂછ્યું.
બાંકડે બેસી મેક અપ ઠીક કરતાં એ બહેન અંદર આવ્યાં અને એમની રાડ ફાટી ગઈ..
” મારા ડોલર ક્યાં?”
મેનેજરના હૃદયના ધબકારા પણ થંભી ગયા.
અહીં થી તહીં બ્રાંચમાં ગોતાગોત ને દોડાદોડી ચાલી.
પેલાં હમણાં સુધી ઘાયલ કરતું મીઠું સ્મિત આપતાં બહેન કહે “મારે તો હજાર ડોલર ના પૈસા જોઈએ જ. આજે જ.”
એમને મેનેજર હાથ જોડી સમજાવે એમ વધુ ઉગ્ર થતાં જાય. પછી કહે જવાબદાર આ સાહેબ જ છે. આજે નહીં, હવે તો અત્યારે ને અત્યારે જ આપે, નહીં તો હું જ પોલીસ ફરિયાદ કરીશ કે મેનેજર ડોલર ની થપ્પી ખિસ્સામાં મૂકી બ્રાન્ચ માં અને થોડી વાર બહાર પણ ગયેલા.
વાતાવરણ ખૂબ ઉગ્ર બની ગયું. ખિસ્સામાં 500 હતા એ તો માસીઓ ને આપી દીધા. અને ડોલર ક્યાંથી હોય? એ વખત મુજબ તો મેનેજરના ત્રણ પગાર થી વધુ પણ આ ડોલર ની રકમ હતી.
તાત્કાલિક એમણે થોડા પોતાના ખાતાં માંથી અને થોડા પગાર વખતે આપી દેશે કહી જોઇન્ટ મેનેજર અને એક ઓફિસર પાસેથી માગ્યા.
એ બહેન તો પરફ્યુમની સુગંધ ફેલાવતાં પર્સમાં રૂપિયા મૂકી ચાલતાં થયાં.
કહે છે, મેનેજર સાહેબે સાચે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. રિજિયન અને આગળ રિપોર્ટ થાય તો એમની બેદરકારી અને ઘણું થાય. એમના ટાર્ગેટ પૂરાં થયેલાં, કામ માં પણ રેટિંગ ઊંચું મળેલું. નાહક થોડા વખતમાં આવતી પ્રમોશન એક્સરસાઇઝ ને બદલે એકશન નો સામનો કરવો પડે, આજ સુધી ચમકતું રાખેલ કેસરી તિલક પર કાળી ટીલી લાગે.
ખાનગીમાં એ બ્રાન્ચમાં એકાઉન્ટ ધરાવતા પોલીસ અધિકારીને ક્હી સીસી ટીવી ના ફૂટેજ જોવરાવેલ. પેલી માસીઓની ગેંગ, કોઈ એમ જ બારણું ખુલ્લું જોઈ ઘૂસી આવેલો કસ્ટમર, સાહેબની વિરુદ્ધનો કોઈ સ્ટાફ.. કોઈ દેખાયું નહીં. એ બહેન બહાર જતાં દેખાયાં પણ થપ્પી પર્સમાં પાછી મૂકતાં નહીં. ન ટેબલ પર થી ડોલરની થપ્પી ક્યારે અદૃશ્ય થઈ એ ક્યારેય ખ્યાલ આવ્યો.
***