અંતિમ પંક્તિની શાંતિ
આ વાર્તા અધૂરી પ્રેમકથા છે — બે દિલોની, જેમણે ક્યારેક એકસાથે ધબકાર અનુભવી હતી, પરંતુ સમય એવા વળાંક પર લાવી ગયો જ્યાં મૌન જ તેમનો એકમાત્ર સંવાદ બની ગયો।
રાતની ઠંડી હવામાં નમીએ જગ્યા લીધેલી હતી, જાણે આકાશે પણ તેમના વિદાયને અનુભવી હોય. અયાન સ્ટેશનના ખૂણે ઊભો હતો, હાથમાં એ જૂની ઘડિયાળ લઇને જે ક્યારેય સનાએ તેને ભેટમાં આપી હતી. ટ્રેનની સીટી વાગી તે પહેલાંની થોડી પળોમાં, તેને ફરી તે જ અવાજ સંભળાયો — “ક્યારે જવું પડે તો વિદાય કહ્યા વિના જવાનું...”
સના થોડી દૂર ઊભી હતી, આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર થાક — લાગણીઓનો, અપેક્ષાઓનો. વર્ષોની કહાની હવે થોડા પળોમાં પૂરી થવાની હતી. તેમણે ન કોઈ ઝગડો કર્યો, ન કોઈ વચન તોડ્યું છત્તા પણ કઈંક ધીમે ધીમે તૂટતું ગયું. જેમ વરસાદમાં ભીંજાયેલી ચાદર ભારે થઈ જાય અને તેને ઉઠાવવાની શક્તિ કોઈ પાસે ના રહે.
અયાનને યાદ હતું જ્યારે તેમણે પ્રથમવાર એકબીજાને જોયા હતા યુનિવર્સિટી ની લાઈબ્રેરીમાં, પુસ્તકોની વચ્ચે, જાણે કોઈ પોતાનું ખોવાયેલ ગીત શોધી રહ્યું હોય. સનાને શબ્દો સાથે પ્રેમ હતો, અને અયાનને એ શબ્દોની અવાજ સાથે. બંનેએ એકબીજાને વાંચ્યાં, ક્યારેક પાના વચ્ચે, ક્યારેક મૌનમાં. તેમણે વિચાર્યું હતું, આ કહાની હંમેશા એનાથી આગળ વધશે, વિના અંતચિહ્નના.પણ જીવન કહાનીઓની જેમ નથી ચાલતું.
જ્યારે સનાને બીજા શહેરમાં નોકરી મળી, અયાન બોલ્યો — “જવું જ છે તો જા, પણ પાછી આવજે. હું તારી હંમેશા રાહ જોઈશ.
સના હંમેશા હસતી રહેતી હતી, પરંતુ તે સ્મિત હવે તેના ચહેરે નહોતું. ત્યાં તેણે નવી દુનિયા બનાવી લીધી હતી, અને અયાન હવે તેના ભવિષ્ય ના રેખાચિત્રોમાં ક્યાંય નહોતો. આજની મુલાકાત કદાચ છેલ્લી હતી.
કોઈ વિદાય નહોતી, ન કોઈ આલિંગન, ન આંસુ, હતો તો માત્ર ઠેરાયેલો સમય.
અયાને આગળ વધી કહ્યું, “ચાલો આજે ફરી અજાણ્યા થઈ જઈએ...”
સનાની આંખોમાં એ એક વાક્યે હજાર પળો બોલી ગયા. તેણે માથું ઝૂકાવ્યું.
“દિલના મોસમને મૌનની વળાંક આપી દઈએ,” અયાન બોલ્યો, જાણે પોતાને જ સમજાવી રહ્યો હોય.હવે તેમની વચ્ચે કોઈ વચન નહોતું, ફક્ત સ્વીકાર કે કેટલાક સંબંધો અધૂરા જ રહે તે જ તેમની સુંદરતા છે.
સનાએ ધીમેથી કહ્યું, “આપણે જે કહેવું હતું, કહી ગયું. હવે આ મૌનને જ રાજદાં બનાવી દઈએ.”
ટ્રેન ધીરે ધીરે સ્ટેશન પર આવી. સનાએ પોતાની બેગ ઉઠાવી.
તે પળમાં અયાને અનુભવ્યું કે ક્યારેક સૌથી મોટી દૂરી એ જ હોય છે જે સૌથી વધુ નજીક આવ્યા બાદ થાય છે.
ટ્રેન આગળ વધી, અને અયાન ત્યાં જ ઊભો રહ્યો જાણે સમય થોભી ગયો હોય. હવામાં સનાની સુગંધ હતી, જે ક્યારેક તેના ખભા પર માથું ટેકતી વખતે આવતી હતી.જ્યારે પ્લેટફોર્મ ખાલી થયું, અયાને વળીને જોયું તે ત્યાં ફક્ત એક અધૂરી કહાની છોડી ગઈ હટી, જેની અંતિમ લાઈન હમણાં જ તેણે લખી હતી.
“માની લો, કહાની અધૂરી છે, પણ શાંતિની એક છેલ્લી પંક્તિ લખી દીધી છે.”
અયાને પોતાના ખિસ્સામાં રાખેલી ઘડિયાળ જોયી, એ હજી પણ એ જ સમય બતાવી રહી હતી — જ્યારે સના પહેલીવાર મળી હતી.
અયાન હસ્યો, કારણ કે કેટલાક પળો, કેટલાક લોકો અને કેટલાક શબ્દો વાસ્તવિકતમાં નહીં, માત્ર યાદોમાં જ પૂર્ણ લાગે છે.
એટલેજ કવિ કહે છે કે
ચાલો આજે ફરી અજાણ્યા બની જઈએ,
ચાલો આજે ફરી અજાણ્યા બની જઈએ,
દિલના મોસમને મૌનના વળાંક આપી દઈએ।
જે કહેવું હતું, કહી લીધું છે હવે,
હવે મૌનને જ રહસ્યનો સહુકાર બનાવી દઈએ।
ના ફરિયાદ રહે, ના કોઈ પ્રશ્નો હવે,
જે વીતી ગયું છે, તેને સપનામાં સમાવી લઈએ।
જો દિલોની વચ્ચેની દૂરીઓ મિટતી નથી,
તો ફાસલાને જ મંઝિલ બનાવી દઈએ।
દરેક શબ્દને આ વળાંક પર દફનાવી દઈએ,
કે ફરી ક્યારેય કોઈ કસક એ તરફ ના ફરે।
માની લો કહાની અધૂરી રહી ગઈ,
પણ શાંતિની એક છેલ્લી પંક્તિ લખી દીધી છે અમે।