આપણે એ બહેનને M બહેન કહેશું. મોનિકા કે મિતાલી કે જે કહેવું હોય તે.
M બહેન અભ્યાસમાં ખૂબ તેજસ્વી. સારા માર્ક્સ સાથે LL.B. થયેલાં. કોઈ વકીલના આસિસ્ટન્ટ તરીકે ફાઇલો ઉથલાવી વર્ષો કાઢવા કરતાં એમને બેંકની જોબ પણ પ્રથમ પ્રયાસે મળી ગઈ અને એ વખતે, ‘80 ના દાયકામાં 275 બેઝિક પર કુલ છસ્સો જેવા મળે એ ખૂબ સારી આવક ગણાતી. સમય જતાં એમનો પગાર પણ સારો થઈ ગયેલો. વકીલાતમાં પોતાના ક્લાયન્ટ મળતાં તો વર્ષો વીતી જાય.
સારાં એવાં શિક્ષિત હોઈ બહેન કામમાં ખૂબ ચીવટ રાખતાં. અન્ય સહકર્મચારીઓ ક્યારેક હળવી ને નામે ગમે તેવી જોક કરે તો એમાં સામેલ ન થાય. સહુ સાથે હળીમળીને વાત કરે અને ગ્રાહકોને યોગ્ય રીતે એટેન્ડ કરે. પણ એ વખતે કારણ વગર વાતો કરવા કેટલાક ગ્રાહકો કાઉન્ટર પાસે ઊભી લાંબી પર્સનલ વાતો કરે એમાં આ M બહેન સ્વાભાવિક રીતે જોડાય નહીં. અમુક ગૃહિણીઓ તેમને “પરણ્યાં છો કે નહીં”,”છોકરાં હેરાન કરે છે એટલે પાતળાં છો?” વગેરે કહે, તેઓ ખાલી સ્મિત કરી કામ પતાવી આવજો કહી દે. કેટલાંકને એ ખટકે. અમુક ગ્રાહકોને તો પોતાનો ઇગો પંપાળવો હોય. કાઉન્ટરની બહેનો એમને આવો આવો કરે, દોડીને બાજુમાંથી કામ લઈ કરી આપે ને એનાં વખાણ કરે એટલે ફુલાય. M બહેન કામ ચોકસાઈથી કરી આપે પણ આમ વાતોના વડાં કરી કોઈને ફુલાવે નહીં.
એક બહેન, કોઈ જગ્યાએ મોટાં ઑફિસર. એમનું M બહેનની બેન્કમાં ખાતું. એને બીજી બધી ક્લાર્ક મોટી ભા કરે ને આ બહેન કામથી કામ કરે એ ખૂંચતું હતું. કોઈ લાગ જોઈતો હતો આ M બહેનને ભરાવી દેવાનો.
હવે એક વાર એવું બન્યું કે રજા પછીનો દિવસ. બ્રાંચમાં સખત ભીડ. અમુક સમયે બ્રાન્ચમાં વધુ ભીડ સામાન્ય હોય છે. જેમ કે બાર સાડા બાર આસપાસ થી એકાદ વાગે. એમ ભીડ જામેલી. અમુક સ્ટાફ આ દિવસ બે રજા વચ્ચેનો હોઈ રજા પર હતો. M બહેન કેશમાં અને બાજુના કાઉન્ટર પર વારાફરતી જાય.
એમની બાજુમાં ક્લિયરિંગનું કાઉન્ટર. ખૂબ ભીડ હોય ત્યારે બ્રાન્ચો ચેક લેવા પિયુનને બેસાડે. એ સ્લીપ પર નજર નાખી નામ, નંબર વગેરે જોઈ સિક્કો મારી દે. આજે પિયુન ચેક લેવા બેઠેલો. એણે પેલાં અધિકારી બહેન રોફ જમાવતાં આવ્યાં એટલે દોડીને જલ્દી સિક્કો મારી દીધો. પે ઇન સ્લીપ પર એવડો મોટો સિક્કો ત્રાંસો વાગ્યો એટલે એકાઉન્ટ નંબર દબાઈ ગયો. થોડી ભીડ હળવી થતાં M બહેન આઉટવર્ડ ક્લિયરિંગનું પોસ્ટિંગ કરવા બેઠાં. પોસ્ટિંગ કરતાં M બહેને સ્લીપ પરથી એકાઉન્ટ નંબર વાંચવા પ્રયત્ન કર્યો. છેલ્લા આંકડા 41 વંચાયા. એમણે એ વખતે મેન્યુઅલ, લાલ પૂંઠાના લેજરમાં નામ જોયું, અમુક આય્યર. કર્યું પોસ્ટ, મૂક્યો બે પાના વચ્ચે પૂંઠાનો ફલેપ અને બીજાં વાઉચરો પોસ્ટ કરવા માંડ્યાં.
નોન ગુજરાતી ઓફિસરે પણ આય્યર વાંચી જવા દીધું, અમે ‘ચકલી મૂકી’ કહેતા એમ ઈનિશિયલ મૂકી.
બીજે દિવસે અધિકારી બહેન ફરીથી રોફ જમાવતાં, બરાબર એમની ઓફિસની રીસેસ અને બ્રાન્ચના પિક અવરમાં આવ્યાં અને પાસબુક ભરવા બીજાં બહેનને આપી. એમણે ભરી આપી. પેલાં બહેને ચશ્મા ચડાવી પાસબુક જોઈ. “અરે, કાલે ભરેલ દસ હજારનો ચેક નથી આવ્યો?” એમણે કહ્યું.
કોઈ કારણે મોકલ્યો ન હોય, સ્લિપમાં ભૂલ હોય તો ગોતવા M બહેને આગલા દિવસના પરત આવેલ ચેક ફેંદયા. આ બહેનનો ચેક ન હતો. એમણે પોતે ગઈકાલનું ક્લિયરિંગ જોયું. ચેક નંબર અને બેંકની વિગત જોઈ. ચેક સામી બેંકે પાસ કરેલો પણ જમા થયેલો 41, ઐયર ના ખાતામાં.
આ બહેન આશર. એમના વર સાથે જોઇન્ટ ખાતું નંબરના અંતિમ આંકડા 31.
નામ પણ મળતું, ખાતાં નંબર પણ સરખો.
“સોરી હોં! હું રિવર્સ કરી આપું” કહેતાં M બહેને લેજર લીધું ત્યાં પેલાં બહેન કહે “વેઇટ, કોણે પોસ્ટ કર્યું છે?”
“અરે જેણે કર્યું એણે. તમને હું બે મિનિટમાં રિવર્સ કરી આપું.” કહેતાં M બહેને એન્ટ્રી પાડવા પાનું ખોલ્યું.
“ના. આવી ભૂલ? મારા ખાતામાં ચેક ન આપ્યો? મેનેજર પાસે લેજર લઈ જાઓ. અત્યારે જ.”
પેલો પિયુન હોંશે હોંશે લેજર લઈ કેબિનમાં દોડ્યો.
“ગઈકાલે કોણ ક્લિયરિંગનું પોસ્ટિંગ કરતું હતું?” તેઓ બહાર ઓફિસરને પૂછે ત્યાં આ પિયુને રેલો આવતો જોઈ M બહેનનું નામ દઈ દીધું.
મેનેજરે વાઉચર મગાવ્યાં. પેલાં બહેનને કહે કે સિક્કો ત્રાંસો વાગી ગયો હોઈ વંચાયું નહીં અને યોગાનુયોગ 31 અને 41 માં મળતાં નામ હતાં એટલે ભૂલ થઈ. ચાલો, એ બહેન રિવર્સ કરી આપશે. સોરી હોં!”
બસ, અધિકારી બહેનને સોરી જ સાંભળવું હતું. “આ પોસ્ટિંગ 24 કલાક મોડું ક્રેડિટ થયું. એનું વ્યાજ એક દિવસનું કોણ આપશે? પેલી ક્લાર્ક નો બાપ?” મોટી પોસ્ટ ના લોકો ક્યારેક ગુમાનમાં જીભ પરનો કાબુ ગુમાવી બેસતા હોય છે.
“અરે શાંતિ. સેવિંગમાં તો 10 થી 31 તારીખના મીનીમમ બેલેન્સ પર વ્યાજ હોય. તમને ખોટ નથી જતી.” મેનેજરે કહ્યું.
(એ વખતેવ્યજ એ રીતે ગણાતું)
“આ ભૂલ કહેવાય કે નહીં?” અધિકારીણી ઉવાચ.
“અં .. આમ તો કહેવાય. પણ જેન્યુઇન્લી થઈ છે. ક્લાર્ક બહેનનો વાંક કઢાય એમ નથી.” મેનેજરે વાત વળવા ટ્રાય કરી.
“ના. હું આ બહેન પાસે લેખિતમાં માફી લખાવીશ અને એક દિવસનું વ્યાજ એમની પાસેથી, એમનાં અંગત ખાતામાંથી લેવરાવીશ.” અધિકારીણીનો હાથ ઉપર હોઈ વધુ ઉપર ચડ્યાં.
“એમ તો કેમ થાય? બહારગામના ચેકમાં પંદર દિવસ ઉપર મોડું થાય તો જ વ્યાજ આપવાનું હોય.”
(એ પણ જે તે વખતનો કાયદો.)
“મને આર્થિક નુકસાન થયું છે, મને માનસિક ત્રાસ થયો છે..” etc etc. એ ક્લાર્ક …ડી ને બોલાવો.”
ભૂલ સુધારી લેજર સાથે કેબિનમાં આવી M બહેન બાજુમાં જ ઊભેલાં.
“જુઓ બહેન, ભૂલ થઈ, મારી થઈ પણ કોઈ કારણે થઈ. મેં સુધારી લીધી. વાત પૂરી થવી જોઈએ.” M બહેને કહ્યું.
“ના. હું નુકસાન, ત્રાસ વગેરે નો દાવો કરીશ. તારી પાસેથી જ લઈશ.” બહેનનો પારો 104 પર પહોંચ્યો.
“જુઓ બહેન, પોસ્ટિંગમાં ભૂલ થઈ એ સુધારી લીધી. બાકી કાયદો મને પૂછો, માનસિક ત્રાસ કોને કહેવાય, નુકસાન ક્યારે ગણાય ને નાનામાં નાની કોર્ટ ક્યારે આપે. તમે કહો છો એવું કશું મળે નહીં. ઉપરથી, તમે જે અપમાનજનક શબ્દો મારે માટે વાપર્યા એનો તો પોલીસ કેસ ચોક્કસ બને. હા, મારે એ કરવું હોય તો થ્રુ પ્રોપર ચેનલ કરવું પડે. મારે કશું કરવું નથી. આ તો તમે કહો છો તો સાચો કાયદો હું કહું.” હવે M બહેને મક્કમતાથી કહ્યું.
“તું જોઈ લેજે. કાયદા વાળી! હું ઉપર લખીશ, જીએમને લખીશ, ચેરમેનને લખીશ.. મારું વ્યાજ જોઈએ, એક દિવસનું દસ હજાર પર અને લેખિત માફી જ જોઈએ.” બર્નર ફાટી ધુમાડો નીકળવો બાકી હતો.
“તો જુઓ, હું કોઈ મેટ્રિક્યુલેટ, ગામડેથી આવેલો નરમ ઘેંસ કલાર્ક નથી. કાળો ગાઉન પહેરી કોર્ટના પગથિયાં ચડતાં આ બેન્કના પગથિયાં ચડી છું. હું લેખિત માફી નહી માગું અને વ્યાજ બેંક કહેશે તો આપીશ. તમે કહો એટલે નહીં.”
(આ તબક્કે 2025 માં જ સ્ટેટબેંકની એક મેનેજરે કોઈને ચોપડાવેલી કે લોકલ ભાષા બોલવાનો આદેશ મારી બેંક આપે તો. તમે કહો એટલે નહીં. બેંક હિન્દી કહે છે તો હું હિન્દી જ બોલીશ એ યાદ આવ્યું. ફેર સેક્સ પણ વખત આવે દુર્ગા બને છે.)
કોણ જાણે કેમ, મેનેજરે કમ્પલેન લઈ લીધી. પેલાં બહેન કોઈ સોર્સ લાવી પાછળ પડ્યાં એટલે ફોરવર્ડ પણ કરી.
M બહેનની છાપ ખૂબ ચીવટ વાળું કામ કરતાં ક્લાર્કની. ઉપરથી પણ મૌખિક તપાસ કરી કબૂલ્યું કે જેન્યુઇન મિસ્ટેક છે અને બહેને તરત સુધારી લીધી છે. કશું કરવાપણું રહેતું નથી.
પણ માણસનો ઇગો એને બદલો લેવા પ્રેરે છે. માત્ર વેર ભાવ કે બીજી બધીઓ હું આવું એટલે આગળ પાછળ થાય ને આ કેમ નહીં? લાગમાં આવી છે તો મૂકું નહીં.
M બહેને ભૂલ તો ચોવીસ કલાકની અંદર સુધારી લીધેલી. એ કહે હું લેખિતમાં માફી નહીં માગું. એવું મોટું કશું ખોટું કર્યું નથી.
ન પેલાં અધિકારી બહેન મચક આપે, ન કાયદાઓ સારા માર્કે પાસ કરેલ આ M બહેન.
પેલાં બહેને હેડ ઓફિસ લખ્યું, રીજિયને એક વાર તો જાત તપાસ કરેલી, ફરીથી કરી.
મેનેજર બદલાયા. નવા મેનેજર કહે આમ તો એ ગ્રાહક બહેન જે લખાપટ્ટી કરે એનું કાયદેસર કશું ઊપજે નહીં. ભૂલ તરત એમની સામે સુધારી લીધી છે, ખુદ એ મેનેજરે દિલગીરી વ્યક્ત કરી છે. ઉપરથી એમની સામે તે બહેને જે derogatory શબ્દો કહ્યા એ બેન્કનું અપમાન છે.
છતાં “હવે મૂકો છેડો” કહેતાં એક સાંજે નવા મેનેજરે અધિકારીણી અને M બહેનને સાથે બોલાવ્યાં. M બહેને પોતાની પોસ્ટિંગ ભૂલ માટે સોરી ફરીથી કહ્યું અને મેનેજરે આ પ્રકરણ બંધ કરવા કહ્યું તો પેલાં બહેન હજી કહે “અરે છોકરી, આ તો હું મોટું મન રાખી જતું કરું છું. આવી ભૂલ કરાય? અક્ષમ્ય છે. તને સજા થાત..”
મેનેજરે M બહેનને બહાર જવા ઈશારો કર્યો. વચ્ચે પડી કહ્યું કે સજા, કાયદા એ બધું આમને ન સમજાવશો પ્લીઝ. યુનિયન અને હવે બેંક પણ એમની સાથે છે. તેઓ ક્યા કાયદા નીચે શું ફરિયાદ સ્મોલ કોઝ ક્રિમીનલ કોર્ટમાં થાય એ જાણે છે, ત્યાં જે પ્રકારના માણસો ઊભે છે.. મારું તમારું કામ નહીં. બસ, એ બહેને મારી સામે તમને સોરી કહ્યું ને? ચાલો, તમને ઓફિસે જવાનું મોડું થતું હશે.”
પર્સ ઝુલાવતાં અધિકારીણી ઊભાં થયાં, ધમ્મ કરતું કેબીનનું બારણું પછાડી, કેશ ગણતાં M બહેન સામે છણકો કરી નીકળી ગયાં.
પછી ગમે તે થાય, એ બ્રાન્ચમાં પિયુનને ક્લિયરિંગના સિક્કા મારવા બેસાડતા બંધ થઈ ગયા અને સિક્કો પણ નાનો કરાવ્યો.
કોઈ સાથી સખીએ સૂચક રીતે M બહેન સામે જોયું. અત્યારે ઇમોશનલ M બહેન કહે ‘સાચ કો આંચ નહીં.’
એમને કાયદાના પાઠ્યપુસ્તકનું પહેલું પાનું નજર સમક્ષ આવ્યું - ‘let truth prevail.’
***