The Bads of Bollywood in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ધ બેડ્સ ઓફ બોલિવૂડ

Featured Books
Categories
Share

ધ બેડ્સ ઓફ બોલિવૂડ

ધ બેડ્સ ઓફ બોલિવૂડ
- રાકેશ ઠક્કર

         તમારે એ જાણવું હોય કે નિર્દેશક આર્યન ખાનની વેબસિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ માં સારું શું છે? તો રીવ્યુ જરૂર વાંચો. કેમ કે, આ શો આર્યન ખાનને કારણે જ લોકો જોઈ રહ્યા છે. આર્યને શોમાં સુરક્ષિત રીતે રમવાનો પ્રયાસ કર્યો નથી. તેણે ક્લાઇમેક્સ સાથે સૌથી મોટું જોખમ લીધું છે અને આખો શો ખૂબ જ ફિલ્મી અને મનોરંજક બનાવ્યો છે. ભલે શો સંપૂર્ણ ન હોય પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે આર્યન ખાન પાસે એક મજબૂત સિનેમેટિક વિઝન છે. તે જે ઉદ્યોગમાં જન્મ્યો છે તેને પ્રેમ-નફરતનો આ પત્ર છે, આ એક આશાસ્પદ શરૂઆત છે.
 
         શાહરૂખ ખાનના પુત્ર આર્યનની નિર્દેશક અને લેખક તરીકેની વેબસિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની ચર્ચા એટલા માટે હતી કે એ બોલિવૂડનો હોવા છતાં એના પર જ એક હાસ્યાસ્પદ ડ્રામા લઈને આવી રહ્યો હતો. 7 એપિસોડની આ સીરિઝ જોયા પછી એમ કહી શકાય કે આર્યને ખરેખર આખા બોલિવૂડના બધા જ મુદ્દાને આવરી લઈને છક્કો માર્યો છે. એણે બોલિવૂડ માટે દર્શકોના મનમાં જે પ્રશ્નો થતાં હોય છે એનો જવાબ વાસ્તવિક્તાને ધ્યાનમાં રાખીને કોમેડીના માધ્યમથી આપવાનો સારો પ્રયાસ કર્યો છે.
 
         તે ફિલ્મ ઉદ્યોગમાં નેપો બાળકો અને બહારના કલાકારો વચ્ચેના સંઘર્ષ પર પ્રકાશ પાડે છે. એવોર્ડ શો અને પાર્ટીઓની ધમાલ વચ્ચે ઊભા થતાં ડ્રામાને પણ રજૂ કર્યો છે. આર્યને જ્યારે બોલિવૂડના 50 થી વધુ જાણીતા અને સ્ટાર કલાકારોને સ્ક્રિપ્ટ સંભળાવી હશે ત્યારે એના પર કેટલું દબાણ હશે એ વિચારીએ તો એમાં પાછળથી આવતી ઘીસીપીટી વાતો જેવી કેટલીક ખામીઓને અવગણીને નિર્દેશક તરીકે દાદ જરૂર આપવી પડે એમ છે. દરેક કેમિયોનો ઉપયોગ બરાબર કર્યો છે. આમિર- રાજામૌલી ઇડલી અને વડાપાંઉ પર ચર્ચા કરે છે. સલમાન ખાનને પિતા બનવાનો ડર છે. શાહરૂખ અને બાદશાહ પણ છે. ઈમરાન હાશમી જમાવટ કરે છે. તેમ છતાં મનોજ પાહવા સંઘર્ષશીલ ગાયક તરીકે સરસ છે. તેનું ગીત હિટ છે. મનોજનું પાત્ર જ કમાલનું બનાવવામાં આવ્યું છે.
 
         રજત બેદી જેવા કલાકારો પણ પોતાની જબરદસ્ત છાપ છોડી ગયા છે. રજતના બધા જ દ્રશ્યો શાનદાર છે. કોમિક ટાઇમિંગ અને ખલનાયકનો રોલ પ્રભાવશાળી છે. આસમાન તરીકે લક્ષ્યનો અભિનય ઉત્તમ છે. સંઘર્ષશીલ અભિનેતા હોવા છતાં તેનું અભિમાન અને તેના અંગત જીવનની મુશ્કેલીઓ પાત્રને રસપ્રદ બનાવે છે. લક્ષ્ય પોતાના પાત્રને સ્ક્રીન પર સુંદર રીતે રજૂ કરે છે. એવું લાગે છે કે તે પાત્ર માટે યોગ્ય પસંદગી છે. બંનેની મિત્રતાના દ્રશ્યો મજેદાર છે. આર્યન ગ્લેમર અને સ્ટાર્સ દ્વારા દર્શકોને શ્રેણી તરફ ખેંચવાનો પૂરો પ્રયાસ કરે છે. આર્યન ખાને બતાવ્યું છે કે તે વાર્તા કહેવાની કળામાં પારંગત છે અને તેનું દિગ્દર્શન દર્શકોને જકડી રાખે એવું છે.
 

         ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની સ્ક્રિપ્ટ અને અભિનય પ્લસ પોઈન્ટ હોવાથી દરેક એપિસોડ જકડી રાખે છે. શૉ જે રીતે ખતમ થાય છે એ ક્લાઇમેક્સ જબરદસ્ત છે. પણ આર્યનના મગજમાં જે આવ્યું એ નવું કે અલગ જે ગણો એ બધું બતાવી દીધું છે એટલે બધાને પસંદ ના આવી શકે. વળી એમાં ભરપૂર ગાળો અને પરિવાર સાથે ના જોઈ શકાય એવા કેટલાક દ્રશ્યોને કારણે દર્શક સંખ્યા વધુ સીમિત રહી શકે છે.

       'ધ બેડ્સ ઓફ બોલિવૂડ' નું સંગીત ઉત્તમ છે. મોટાભાગે બેકગ્રાઉન્ડ સ્કોર પર આધાર રાખે છે. જેમ કે, બોબી દેઓલની એન્ટ્રી 'સોલ્જર' થીમ સાથે થાય છે. તમન્ના ભાટીયાનું તો ગીત જ ગાયબ છે. ટ્રેલરથી જેમણે મારધાડ અને એક્શનની અપેક્ષા રાખી હશે એ નિરાશ થશે. એમ પણ થશે કે બોલિવૂડની વાસ્તવિકતા બતાવવાના પ્રયાસમાં આર્યને એટલી બધી મહેનત કરી કે બધું નાટક બની ગયું અને સત્ય ક્યાંક ખોવાઈ ગયું. ફિલ્મ ઉદ્યોગ અને તેના લોકો વિશે જે પ્રકારનો અભિપ્રાય રચાયો છે તેને વટાવવામાં પણ આવ્યો છે.