લેખ:- નવું શૈક્ષણિક વર્ષ - શિક્ષક, વાલીઓ અને વિદ્યાર્થીઓનો અભિગમ.
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
મે મહિનો અંત તરફ જઈ રહ્યો છે. એ પૂરો થતાં જ એક અઠવાડિયામાં શાળાઓ નવા સત્ર સાથે ધમધમતી થશે. ફરીથી એકવાર સોશિયલ મીડિયા અને કેટલાંક વાલીઓ તરફથી શાળાઓ માટે નકારાત્મક વાક્યો ફરતાં થઈ જશે, જેવા કે, 'હવેથી વહેલાં ઉઠવું પડશે', 'બગીચાનાં ફૂલો ફરીથી ફૂલદાનીમાં ગોઠવાઈ જશે', 'ફરીથી હોમવર્ક કરવું પડશે', 'ફરીથી નાસ્તામાં શું આપવું?ની મગજમારી' વગેરે વગેરે.
બીજી તરફ ઘણાં શિક્ષકો પણ એવા હશે કે જેમને વેકેશન પૂર્ણ થવાને આરે હોય અને અચાનક જ બેચેની થવા લાગે છે. ઘણાં શિક્ષકો એવા પણ હોય છે કે જે વેકેશન ક્યારે પૂર્ણ થાય અને એઓ પોતાનાં વ્હાલા વિદ્યાર્થીઓને જુએ એની આતુરતાથી રાહ જોતાં હોય. આવા શિક્ષકો પહેલાં દિવસે સૌથી પહેલાં શાળામાં પહોંચી જાય છે અને જેમ જેમ બાળકો આવતાં જાય છે એમ એમ એક અનેરો ઉત્સાહ એમનામાં ઉભરાવા લાગે છે.
એક બાળકને શાળાએ જવાનું નથી ગમતું એવું નથી હોતું, પરંતુ એનાં માનસપટ પર શાળા અને શિક્ષકોનું ચિત્રણ જ એવું કરી દેવામાં આવે છે કે એને શાળા અને શિક્ષકો પ્રત્યે અણગમો થઈ જાય છે. એક તો દર વર્ષે અભ્યાસક્રમમાં થતાં અનઅપેક્ષિત ફેરફારો, શાળા શરૂ થાય એ પહેલાં જ ટ્યુશન શરૂ થઈ ગયા હોય અને એમાં પાછું વાલીઓની બાળકો પાસે વધારે પડતી અપેક્ષાઓ - આ બધું સરવાળે બાળકને ભણતર પ્રત્યે અણગમો જન્માવે છે. આટલું ઓછું હોય એમ શાળા શરૂ થતાંની સાથે જ કેટલાંક વાલીઓ તો વારે ઘડીએ બાળકનાં શિક્ષકને મળીને બધી વિગતો પૂછ પૂછ કરતાં હોય છે. આ કારણથી બાળકમાં પોતાનાં પ્રત્યે વાલીને શંકા હોવાની અનુભૂતિ થાય છે. એક માતા પિતા તરીકે બાળકનાં શિક્ષકને નિયમિત મળવું જોઈએ, પણ એને માટે શાળાની પ્રથમ પરીક્ષા થઈ જાય એની રાહ જોવી.
પણ અહીંયા તો અતિ ઉત્સાહી વાલીઓ મે મહિનાથી જ પ્લાનિંગ કરવા માંડે છે બાળકને શાળા શરૂ થાય કે તરત જ વધારાનાં વર્ગોમાં બેસાડવા, ઈતર પ્રવૃત્તિઓના વર્ગોમાં મોકલવા, ટ્યુશન તો ખરાં જ! ઉપરથી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ વિજેતા બનવાનું દબાણ પણ કરે છે. આને કારણે બાળકો સ્પર્ધાથી વિમુખ થઈ જાય છે, માત્ર હારવાનાં વિચાર માત્રથી!
દરેક નવું શૈક્ષણિક વર્ષ એક નવો પડકાર લઈને આવે છે. દરેક નવું દાખલ થતું બાળક શિક્ષક કરતાં થોડું વધારે અપડેટ થયેલું હોય છે. આથી ઉઘડતી શાળાએ એક શિક્ષક પોતાનાં વિષય માટે સંપૂર્ણપણે સજ્જ હોય એ અત્યંત આવશ્યક છે. કોઈ પણ શિક્ષકનાં પ્રથમ બે તાસમાં જ બાળક શિક્ષકની ક્ષમતા માપી લે છે.
આજનાં આધુનિક ડિજિટલ યુગમાં બાળકને તમામ માહિતિ ગુગલ પરથી મળી જ રહેતી હોય છે. આથી શિક્ષકે પોતાનાં વર્ગમાં બાળકને માહિતિ આપવાને બદલે શિક્ષણ એવી રીતે આપવું કે બાળકને શિક્ષક પ્રત્યે આદર જન્મે અને એનાં તાસ દરમિયાન એ શિક્ષકને ધ્યાનથી સાંભળે. આ ત્યારે જ શક્ય છે જ્યારે એક શિક્ષક વેકેશન દરમિયાન પણ સતત પોતાની જાતને પોતાનાં વિષય પ્રત્યે આવનારા શૈક્ષણિક વર્ષ માટે તૈયાર કરતો રહે. આવો શિક્ષક જ વેકેશન પૂર્ણ થતાં શાળાએ જવા થનગની રહે છે. બાકી તો વેકેશન પતી જવાનું એનો અફસોસ જ કરતાં ફરે છે.
બીજી મહત્ત્વની બાબત એ છે કે બાળકને વેકેશન પૂર્ણ થવાની તૈયારી હોય એનાં દસ પંદર દિવસ પહેલાંથી જ કહેવાનું શરૂ કરી દેવાય છે કે, "જોજે હં, ગણિતમાં બરાબર ધ્યાન આપજે, બહુ અઘરો વિષય છે.", "સામાજિક વિજ્ઞાન બહુ મોટો અભ્યાસક્રમ ધરાવે છે.", "વિજ્ઞાનમાં ઘણું બધું યાદ રાખવું પડશે.", "ભાષાનાં વિષયોમાં તો જોડણી અને વ્યાકરણની એક ભૂલ ચાલશે નહીં.", "આવતા વર્ષે તો બધાં જ નવા શિક્ષકો હશે. કોઈની સામે સ્હેજ પણ મસ્તી નહીં કરીશ, નહીં તો માર પડશે." વગેરે વગેરે જેવા નકારાત્મક વાક્યો બાળકને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત જ નિરાશાથી કરાવે છે. હવે તમે જ વિચારો કે ઘરેથી આવી રીતે માનસિક તૈયારીવાળું બાળક શાળામાં જઈને તણાવ અનુભવે કે નહીં?
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જેટલી સકારાત્મક ઉર્જા શિક્ષકમાં હશે અને જેટલો શિક્ષક પોતાનાં વિષય પ્રત્યે સભાન હશે એટલું જ એ બાળકને અભ્યાસ પ્રત્યે આકર્ષણ અનુભવવા મદદ કરશે. આથી જ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં શિક્ષકો, વાલીઓ અને બાળકો દરેકે ભરપૂર ઉર્જા સાથે સકારાત્મક દ્રષ્ટિકોણ જ રાખવો જોઈએ. બાળકનાં માનસિક સ્વાસ્થ્ય અને અભ્યાસ માટે આ ત્રણેય પાયાના પરિબળો છે. શિક્ષક, બાળક કે વાલી - આ ત્રણમાંથી એક પણ કાચુ પડ્યું તો સમજી લેવાનું કે વર્ષની શરૂઆત તો બગડી જ, પણ આખું વર્ષ એકબીજાની ફરિયાદ કરવામાં જ નીકળી જશે.
આ વાંચનાર તમામને કદાચ વાંચ્યા પછી એવો વિચાર આવે કે, 'આ તો તમારે લખવાનું છે એટલે લખી દીધું. વાસ્તવિક જીવનમાં આવી પરિસ્થિતિ શક્ય નથી.' તો આવું વિચારનાર સૌને કહી દઉં કે હું પોતે ધોરણ 10ની ગણિત શિક્ષિકા છું અને આખુંય વર્ષ, વેકેશન સહિત હું સતત એ જ પ્રયાસો કરતી રહું છું કે મારા બાળકોને ગણિત વિષય સરળ કેવી રીતે લાગે અને એમનાં મનમાં ગણિતનો ડર બિલકુલ ન રહે. મેં ક્યારેય પણ મારા બાળકોને એવું લાગવા જ નથી દીધું. હું હમેશા એમને એમ જ કહું છું કે ગણિત જેટલો સરળ વિષય બીજો કોઈ નથી. એને માટે માત્ર થોડી સતર્કતા અને ધ્યાન કેન્દ્રિત રાખવાની આવડત જ જોઈએ છે.
આભાર
સ્નેહલ જાની