આજે જીલ્લા કલેક્ટરની નોકરી હાથમાં લઈ જ્યારે માનવ ઘરે આવ્યો ત્યારે મોટાભાઈને સોફામાં લાંબા થઈને સૂતેલાં જોયા. જોયા ન જોયા કરી માના નામની બુમ પાડી.
‘ મા, ઓ મા,ક્યાં છે તું’?
‘રસોડામાંથી અવાજ આવ્યો, બેટા, તારા ભાઈ માટે કડક કોફી બનાવી રહી છું’.
માનસ દોડતો રસોડામાં ગયો, બાને પગે લાગી બે હાથે ઉંચકી લીધી.
અરે ગાંડા ન કાઢ . મને નીચે મૂક. ‘મા, આજે હું બહુ ખુશ છું. ‘
‘કેમ તને આજે લોટરી લાગી’ ?
‘ અરે મા, લોટરી કરતા પણ મોટું ઈનામ મળી ગયું. ‘.
હવે માની ધીરજ ન રહી. ‘બોલ બેટા કહે મને’.
‘મા, મને જિલ્લા કલેક્ટરની નોકરી મળી ગઈ. હવે તને શાંતિના દિવસો આવશે. આપણું મોટું ઘર હશે’. તારે કામ નહી કરવું પડે. તારા સુખના દિવસ હવે શરુ થશે ,મા.’
મા ખુશ થઈ. પછી કોફી લઈ મોટા દીકરા પાસે આવી. મોઢા પર ઠંડુ પાણી છાંટી ઉઠાડ્યો. ‘ લે બેટા કડક કોફી લાવી છું. પીને ભાનમાં આવ પછી તારા નાના ભાઈના ખુશ ખબર સાંભળ’.
ખુશ ખબર સાંભળીને વગર કોફીએ તેનો નશો ઉતરી ગયો. ખુશીમાં નાચવા લાગ્યો. નાના સામે જોઈ વાત કરી. નાનો ભાઈ સમજી ગયો, મોટાભાઈને નશો કરવા પૈસા જોઈએ છે.
‘ભાઈ આજે તો પૈસા નહી મળે,’
‘કેમ’.
આજે આપણે ત્રણે જણા પિતાજીની પ્રિય જગ્યાએ જમવા જવાનું છે.હજુ મેં પિતાજીને આ વાત જણાવી નથી. અરે, તેમને તો બધી ખબર છે. તેમના આશિર્વાદથી તો મને આવી સરસ નોકરી મળી છે. માની આંખમાંથી આંસુ નિકળી ગયા. પિતાજી કેટલી મહેનત કરતા હતા.
‘ અમે બંને ભાઈ ભણીએ એ તો તેમના જીવનની ઈચ્છા હતી.’
મોટો ભાઈ મનોજ, હંમેશા પોતાની સરખામણી માનસ સાથે કરતો. તે ભણવામાં નબળો હતો. જેને કારણે નિરાશ થઈ રખડવામાં પડી ગયો. પિતાજી તેને બહુ સમજાવતા, ‘બેટા તને જે મન હોય તે કર. શામાટૅ માનસ સાથે તને સરખાવે છે. તું મારા ધંધા પર બેસીજા. મનોજ પિતાની વાત સાંભળતો નહી. તેની ચિંતામાં પિતાજી નાની ઉંમરમાં આ દુનિયા છોડી વિદાય થયા. મનોજ પિતાની દુકાનમાં બેસતો. બહુ ગમતું નહી પણ છૂટકો ન હતો.
માનસને ભણવા માટે શહેરમાં કોલેજ મોકલવાનું નક્કી કર્યું. ઘરમાં મનોજ અને મા બે એકલા હતા. નવરાશની પળોમાં મનોજ નશા તરફ વળ્યો. માનસ ભણીને પાછો આવ્યો ત્યારે તેણે ઘર સંભાળ્યું. મહેનત કરીને જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો.
જીવન સરસ ચાલતું હતું. મનોજ સુધરવાનું નામ લેતો નહી. લગ્ન કર્યા પણ પત્નીને પણ પિયર ધકેલી મૂકી. હવે માનસને થયું ભાઈનો કોઈ ઉપાય કરવો પડશે. એક વાર તે ઓફિસથી ઘરે વહેલો આવ્યો.
મનોજે પૈસા માગ્યા. માનવે કહ્યું,’ ચાલ ને ભાઈ આપણે બંને સાથે પીવા જઈએ’.
વિચાર કર્યા વગર એક જોરદાર થપ્પડ માનસના ગાલ પર પડી. મા, રસોડામાં ચા બનાવતી હતી તે બહાર દોડી આવી.
‘ શું થયું ? આ શેનો અવાજ હતો’?
મનોજ બરાડ્યો, ‘મા માનસને મારી સાથે દારુ પીવા આવવું છે’.
કહીને પોતાના રુમમાં જઈ મનોજ ખાટલા પર પડ્યો.
મા અને માનસ કાંઈ પણ બોલ્યા વગર પોત પોતાના રૂમમાં જતા રહ્યા. આખી રાત કોઈ જમ્યું નહી. એક અક્ષર પણ બોલ્યા નહી. સવારે માનસને ઓફિસે જવાનું હતું. મા તેને ચા અને નાસ્તો આપી રહી હતી. મનોજ પોતાની રુમમાંથી બહાર આવ્યો. તેનું બદલાયેલું રુપ મા અને માનસ નિરખી રહ્યા.
સાફ સુથરો જણાતો હતો. કપડા વ્યવસ્થિત પહેર્યા હતાં. જાણે મનમાં કોઈ દૃઢ નિશ્ચય કર્યો હતો. આંખો લાલ ઘુમ હતી. રાતના એક પલક પણ ઝપકાવી ન હતી.
“હું મારી પત્નીને તેડવા તેના પિયર જાઉં છું.”
જવાબ સાંભળ્યા વગર ઘરની બહાર નિકળી ગયો.