Nitu - 120 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 120

Featured Books
Categories
Share

નિતુ - પ્રકરણ 120

નિતુ : ૧૨૦ (મુલાકાત) 

નિતુએ દરવાજો ખોલ્યો તો સામે વિદ્યા ઉભેલી. "મેડમ! તમે અહિંયા?"


"હા. તારી સાથે એક અગત્યની ચર્ચા કરવા માટે આવી છું." પોતાના હાથમાં રહેલી ફાઈલ બતાવતા એ આગળ બોલી, "આઈ થિન્ક કે આ ફાઈલ તો તે જોઈ જ હશે!"

"હા. જોઈ છે." ગંભીરતાથી એ બોલી.

વિદ્યા અંદર આવી, નિતુ એની પાછળ પાછળ. બંને સાથે બેઠી. ફરિયાદી બનતા એ કહેવા લાગી, "મેડમ, તમને બધી જાણ હોવા છતાં તમે મયંક સાથે કામ કરવા તૈય્યાર થઈ ગયા!"

"આ આજ કાલથી નથી. તે જ્યારથી ઓફિસ જોઈન કરી છે ત્યારથી મયંક મને મેઈલ મોકલે છે. મને સમજ છે કે તને કેવું ફીલ થતું હશે. તને મારે માટે કદાચ ઘૃણા પણ આવતી હશે. તારા સસરા, જગદીશભાઈ સાથે મેં અને નિકુંજે ઘણું કામ કર્યું છે. સમય જતા તેઓને અમારી જરૂર ન રહી અને અગ્રવાલ પ્રોડક્શન હાઉસ સાથેનો અમારો નાતો કપાય ગયો. આટલા વર્ષો પછી મયંકે ફરી આપણી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એનું કારણ તું છે."

"હું?"

"હા. મયંકને ખબર પડી કે તું ટાઈમ્સમાં કામ કરે છે, એટલે એણે આપણી સાથે કામ કરવાની વાત કરી. મયંકે મને આ વાત નથી કરી. પણ હું જાણું છું કે એ માત્ર ને માત્ર તને મળવા માટે જ ટાઈમ્સ સાથે અટકેલો બિઝનેસ ફરીથી શરુ કરવા માંગે છે."

"હવે તો તમે મને મેનેજર બનાવી દીધી છે."

નિઃસાસો નાંખતા એ બોલી, "આઈ નો, તને તો મારો જ દોષ દેખાતો હશેને?"

"ના, એવી વાત નથી મેડમ."

"નિતુ! તું હવે મારાથી જૂઠ નહિ બોલ. તારું આ રીતે ઓફિસથી આવી જવું બધું સ્પષ્ટ કરી દે છે. એ નહિ ભૂલ કે મેં તને મારી દોસ્ત માની છે. મારે માટે તું બીજાની માફક માત્ર એક એમ્પલોયી નથી રહી."

"હું એ બધી વાતનો સ્વીકાર કરું છું. ના તો હું તમને દોષ આપું છું, કે ના કોઈ અન્યને. મારા સવાલો માત્ર મારા માટે છે. એ વ્યક્તિ જેને આજ દિન સુધી મેં ઈગ્નોર કરી છે. જેની સાથે વાત કરવાનું મેં ટાળી દીધું છે. એને હું મારી સન્મુખ કઈ રીતે જોઈ શકીશ?"

તેણે વિદ્યાના ખોળામાં માથું રાખી દીધું અને અંદરનું રુદન બહાર વહાવ્યું. "આ મારા કરવું મારા માટે અશક્ય છે."

એના આન્સુ વિદ્યા અનુભવી શકતી હતી. એના માથા પર હાથ ફેરવતા એ બોલી, "સમય બહુ મોટું સાધન છે નીતિકા! જો યાગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ક્યારેય પસ્તાવાનો વારો નથી આવતો." એણે પોતાના બંને હાથ વડે ફાઈલ પકડી નિતુની સામે ધરી.

એણે માથું ઊંચકી આશ્વર્ય સાથે ફાઈલ લીધી. વિદ્યાએ આગળ કહ્યું, "આ ફાઈલને અત્યાર સુધી મેં તારા માટે જ રાખી હતી. આ પ્રોજેક્ટ કર્યા જેવો છે કે નહિ એ રિપોર્ટ તારે બનાવવાનો છે. હું આ નિર્ણય તારા પર છોડું છું. લે, આ ફાઈલ તારી પાસે રાખ. જો તને લાગે કે તારે મયંક સાથે કામ કરવા એપ્રુવ આપવું છે અથવા લાગે કે નથી આપવું. તારો નિર્ણય મને જણાવજે."

"પણ એનાથી કંપનીને નુકસાન થશે! તમે મયંકના પ્રોજેક્ટ માટે સ્પેસ રાખીને બીજું બધું મેનેજ કર્યું હશે."

વિદ્યાએ હળવું હસી. "એ બધું માન્ય નથી રાખતું. ફાયદો કે નુકસાન એ બધી પછીની વાત છે. ટાઈમ્સને ફરીથી એ વ્યક્તિ સાથે જોડવી કે નહિ એ તારું ડિસીઝમ હશે. તું જે કહીશ એ જ સર્વમાન્ય હશે. જો તારે સમય જોઈએ તો લઈ લે. વિચારીને જવાબ આપજે."

એ હસીને એના ગાલ પર હાથ ફેરવતી ઉભી થઈ ગઈ અને ગુડનાઈટ કહીને જતી રહી. ફાઈલને હાથમાં રાખી નિતુ વિચારે ચડી. કંપની માટે નિર્ણય લેવાનો વિદ્યાએ એને હક આપ્યો હતો. મોડે સુધી તે અનેક જાતના વિચારોમાં ઘેરાયેલી રહી. એકવાર ફોન કાઢી અનંતની સલાહ લેવાનો વિચાર કર્યો. પણ પછી એ વિચાર માંડી વાળ્યો. ગહન તંદ્રામાં સરકતા ક્યારે એને નિંદ્રા આવી ગઈ એની જાણ ના રહી.

વિદ્યા પોતાની કેબિનમાં બેસીને પોતાનું કામ કરી રહી હતી. નિતુ ધીમા પગલે એની પાસે આવી. એને જોઈ તે અઢેલીને બેસી ગઈ. પોતાના હાથમાં રહેલી ફાઈલ તેણે ટેબલ પર મૂકી અને બોલી, "મેં મારો રિપોર્ટ આ ફાઈલમાં રાખી દીધો છે. તમે સાઈન કરી આપો તો..."

એ નીચું માથું કરીને ઉભી હતી. વિદ્યાએ ફાઈલ ખોલી રિપોર્ટ જોયો. તેણે લખ્યું હતું, "અગ્રવાલ પ્રોડક્શન હાઉસનું કામ સુલેહભર્યું છે. ભૂતકાળમાં એની સાથે કામ થઈ ચૂક્યું છે અને ટાઈમ્સને એનો અનુભવ છે. તેઓની ફાઈનાન્સિયલ કન્ડિશન સ્ટ્રોંગ છે. માટે એની સાથે કામ કરવામાં કોઈ બાદ નથી."

વ્યગ્ર થતાં એ કહેવા લાગી, "નીતિકા! આર યુ શ્યોર? તું મયંક સાથે કામ કરવા માટે એપ્રુવ આપી રહી છે?"

"હા મેડમ."

"તું એની સાથે વાત કરી શકશે?"

"હું કોઈ સંબંધને નાતે નહિ, માત્ર બિઝનેસ માટે વાત કરીશ. આમેય, આ તો આપણું કામ છે." પોતાની વાત એની સામે રાખી એ ચાલતી થઈ અને વિદ્યા અનિમેષ નજરે એને જતા જોઈ રહી.

કોરીડોરમાં એ ચાલતી હતી, જોવામાં વ્યાકુળ અને કોઈ વિચારોમાં ગુમસુમ લાગતી હતી. બીજી તરફ કામથી ચાલી રહેલા નવીનની નજર એના પર પડી. એને આ રીતે વિચારોમાં ગૂમ થઈને ચાલતી જોઈ એ આશ્વર્યમાં પડી ગયો. એ નિરંતર એને જોઈને જ ચાલી રહ્યો હતો. એટલે પાછળ ઉભેલી કરુણા એને ન દેખાઈ.

એ એની સાથે ટકરાયો. કરુણાના હાથમાં રહેલો ફોન નીચે પડી ગયો. ટકરાતાની સાથે એ કહેવા લાગ્યો, "ઓહ... સોરી. મારુ ધ્યાન નહોતું." નીચે પડેલો ફોન ઉઠાવી એના હાથમાં આપતા એણે ફરી માફી માંગી, "સોરી."

"ઇટ્સ ઓકે." કહીને કરુણા જવા ગઈ કે એને રોકતા એ બોલ્યો, "એક... વાત પૂછું?"

"બોલો."

"આ... તમારા ફ્રેન્ડને શું થયું છે?"

"શું થયું છે, મતલબ? કોની વાત કરે છે?"

"નીતિકા મેડમની. કોઈ ચિંતામાં હોય એવું લાગતું હતું."

"ના. કંઈ નથી થયું. કામ અંગે કંઈક વિચારતી હશે."

"હમ્મ... મને વિદ્યા મેડમે બોલાવ્યો છે. એટલે..."

"હા. તો જાવ." કહીને એણે નવીનને નજર અંદાજ કરી જવા દીધો. પણ એની વાત હૈયે લાગી. એ તુરંત મેનેજરની કેબીન તરફ ચાલવા લાગી.

નિતુ આવીને પોતાની ખુરશી પર બેઠી. એટલામાં કરુણા પણ ત્યાં આવી પહોંચી. એણે દરવાજે આવી ટકોર કરી, ને હસીને બોલી, "મે આઈ કમ ઈન મેડમ?"

સામે જોઈ નિતુએ કહ્યું, "આવ... તું પણ હવે પરમિશન લઈને આવવા લાગી?"

"હા. હવે તમે ઓપરેટર નથી રહ્યાને! હવે તો મિસ નીતિકા ભટ્ટ, ટાઈમ્સના મેનેજર બની ગયા છે. પરમિશન લીધા વિના અંદર કઈ રીતે આવી શકું?" મજાકિયા સ્વભાવમાં એ બોલી. એની વાત પર ક્ષણિક હસીને નિતુ તુરંત શાંત થઈ ગઈ. કરુણાને નવાઈ લાગી.

"શું થયું છે તને?"

"કંઈ નહિ."

"એમ કેમ કંઈ નહિ! તારું લટકેલું મોઢું બોલી રહ્યું છે કે કંઈક તો થયું જ છે. શું વાત છે?"

"કરુણા..."

"હાં."

"હવે પછીનો નેક્સ્ટ પ્રોજેક્ટ અગ્રવાલ પ્રોડક્શન હાઉસ સાથે છે."

"તો?"

"એનો માલિક મયંક છે."

"મયંક અગ્રવાલ. હા, એને તો કોણ નથી ઓળખતું. જ્યારથી એણે બધું કામ કાજ સંભાળ્યું છે ત્યારથી માસ મીડિયામાં સારું એવું નામ કમાયું છે. એની સાથે કામ કરવાનું છે તો એમાં શું થયું? સારી વાત છેને!"

"એ મયંક જ..." એ બોલી ના શકી. કરુણાએ આ અસાધારણ સ્થિતિ ભાંખી, પૂછ્યું, "એ મયંક શું?"

"મારો હસબન્ડ છે."

"વ્હોટ!" ચકિત થતા એણે ઉદગાર્યું. તેને આ માન્યામાં નહોતું આવતું. "યુ મીન, મયંક અગ્રવાલ એ... તારો હસબન્ડ છે?"

"હા. બટ પ્લીઝ, આ વાત તું ઓફિસમાં બીજા કોઈને ના કરતી."

શ્વાસોના ડસ્કા લેતી કરુણા બોલી, "મને ખબર છે કે મેડમે આ વાત બધાથી છુપાવવા કહ્યું છે. પેલા ઈન્સ્પેક્ટરને કારણે. હું કોઈને કશું નહિ કહું. પણ એનો અર્થ કે એ હવે અહીં આવશે અને એની સાથે કામ કરવાનું છે."

"કરવું પડશે. મેડમે મને ઈન્કાર કરવાની છૂટ આપેલી. પણ મારા લીધેથી આ કંપનીને નુકસાન જાય એવું હું નહિ કરું. હું કામથી કામ રાખીશ. કારણ કે એને હું સારી રીતે ઓળખુ છું. એ મને મનાવવાના બધા જ પ્રયત્ન કરશે."

"નીતિકા..." ટેબલ પર રહેલા નિતુના હાથ પર હાથ રાખી એ બોલી. તે મૌનમૂક હતી અને આવનાર સમયનો સામનો કરવા માટે સજ્જ થઈ રહી હતી.

નવીન વિદ્યાની કેબિનમાં આવી પહોંચ્યો. "મેમ, આપે મને બોલાવ્યો?"

"હા. નીતિકા મેનેજરની સાથે ઓપરેટિંગ નહિ કરી શકે. માટે એના કામમાં તારે પણ હિસ્સો લેવો પડશે. આ અગ્રવાલની ફાઈલ છે. નિતુએ એનો રિપોર્ટ ક્લિયર કરી આપ્યો છે. એની સાથે કામ આગળ વધારવા માટે એની જે ડિમાન્ડ અને રિક્વાયરમેન્ટ છે એ જાણવા અહીં બોલાવ. ફાઈલમાં એના તમામ કોન્ટેક્ટ છે. મેઈલ કરીને કાલની મિટિંગ ફિક્સ કર."

"ઓકે મેમ."

"એન્ડ લીસ્ટન. શર્માનું દરેક કામ હવે પતી ગયું છે. સાંજ સુધીમાં લાસ્ટ કોલ રિપોર્ટ આપીને કાલથી તું પણ એને જોઈન કરી લેજે."

સાંભળીને નવીન મનમાં હરખાયો. એને ફરીથી નીતિકા સાથે કામ કરવા મળશે એ જાણી આનંદ થતો હતો, "જી મેમ."

એ પોતાના ટેબલે આવ્યો અને શર્માનો છેલ્લો રિપોર્ટ પિયૂન સાથે મોકલાવી મયંકની ફાઈલ ખોલી. હકીકતથી અજાણ નવીનને નિતુ સાથે કામ કરવા મળશે એ વાતની ખુશી હતી. આ તકમાં જ એ નિતુને મનાવવાની નવી તક શોધી રહ્યો હતો.

કમ્પ્યુટરમાં મેઈલ ટાઈપ કરતા એ વિચારી રહ્યો હતો કે કોઈ રીતે આ સમયમાં એ નિતુને મનાવશે. પોતાના પ્રેમ માટે એક ડગલું આગળ ભરવાના વિચારથી હરખાતા હરખાતા એણે મયંકને મેઈલ સેન્ડ કરી દીધો. એ વાતથી તદ્દન અજાણ કે પોતે જે પ્રેમને પામવાના સપના સેવી રહ્યો છે એમાં હિસ્સેદારી કરનારને એણે આમંત્રણ મોકલ્યું છે.